૨૯ વર્ષ પહેલાં રજિસ્ટ્રેશન માટે આપેલો ઘર ખરીદીનો દસ્તાવેજ આપવામાં ખો આપતા બાબુઓનો RTIએ ખો કાઢી નાખ્યો

કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા રજનીકાન્ત મેઘજી સાવલાએ સપનાનું ઘર ખરીદીને દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે ૧૯૮૪ની ૧૫ ડિસેમ્બરે આપ્યા.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

૨૯ ઉપરાંત વર્ષથી ૨જિસ્ટ્રેશન કરેલા મૂળ દસ્તાવેજ આપવામાં ઠાગાઠૈયા કરતા બાબુઓની ખો આપવાની રમત તો બંધ થઈ, પરંતુ તેમનો પણ ખો નીકળી ગયો એ રોમાંચક કથાનક વિશે ચાલો માહિતી મેળવીએ.

સામાન્ય નાગરિકના વશમાં હોય એ સર્વ પ્રયત્નો કરવામાં કોઈ કસર ન છોડી. કાંદિવલીથી BKCસ્થિત અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઑફ ઇન્શ્યૉરન્સના કાર્યાલયમાં અનેકાનેક ધક્કા ખાધા. દરેક વખતે બાબુઓ તેમના બહાનાબાજીના ખજાનામાંથી અલગ-અલગ બહાનાં બતાડતા રહ્યા...

આપની ફાઇલ સંભાળનાર કારકુન રજા પર છે એવું સાંભળવા મળે.

ફાઇલ સંભાળનાર કારકુન મળે તો ફાઇલ શોધી આપનાર પટાવાળો ગેરહાજર હોવાથી આઠ દિવસ બાદ આવશે જેવું બહાનું આપવામાં આવે.

બન્ને હાજર હોય તો સંબંધિત અધિકારી ગેરહાજર હોવાથી તમારું કામ નહીં થઈ શકે એવું કહેવામાં આવે.

ચોથા ફેરામાં સાહેબ હાજર છે, પરંતુ મોટાસાહેબ સાથે મીટિંગમાં છે, એટલે આપને મદદ નહીં કરી શકાય એવું કહેવાય.

સાહેબ સચિવાલયમાં ગયા છે, ક્યારે પાછા આવશે કે આવશે કે નહીં આવે એની માહિતી નથી એવું સાંભળવા મળે.

તમે વારંવાર હેરાન ન કરો, તમારી ડીટેલ લખી લીધેલી છે, કાર્ય પૂર્ણ થશે એટલે અમે સામેથી ફોન કરીને આપને બોલાવી લઈશું એવું પણ કહી દેવાય.

ફોનની રાહ જોવામાં ચાર-છ મહિના વીતી જાય અને એમાં વિભાગના કારકુન અને સાહેબની બદલી થઈ જાય. નવા ચહેરાઓ ગોઠવાય.

હું હમણાં જ ટ્રાન્સફર થઈને આવ્યો છું, મને થોડો સમય આપો એવું બહાનું આગળ ધરાય.

તમારી ફાઇલ જ નથી મળતી; પંદર દિવસ પછી આવો, ફાઇલ શોધી રાખું છું એવું કહી દેવાય.

પંદર દિવસ બાદ નવું તરોતાજું બહાનું આપવામાં આવે કે તમારી બાબત ૨૮-૨૯ વર્ષ જૂની છે, એટલે ફાઇલ ગોડાઉનમાં ચાલી ગઈ હશે; અહીં તો બધે શોધ કરી, પણ અહીં નથી.

છેલ્લે બહાનાબાજીનું બ્રહ્માસ્ત્ર વાપર્યું કે અમે અહીં તેમ જ ગોડાઉનમાં પણ શોધખોળ કરી, પરંતુ તમારી ફાઇલ મળતી જ નથી અને ફાઇલ વગર અમે કાંઈ પણ ન કરી શકીએ.

સ્વાભાવિકપણે માનવીય સ્વભાવ પ્રમાણે રજનીકાન્ત હતાશાની ખાઈમાં સરી પડ્યા. રજિસ્ટર્ડ ખરીદી-દસ્તાવેજ વગર માલિકી-હક સપનાના ઘર પર પ્રસ્થાપિત ન થાય એ સાદી સમજ રજનીકાન્તને હતી.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે આ કટાર પણ વાંચતા હોવાથી ય્વ્ત્ના કાયદાના ઉપયોગથી ૨૫-૩૦ વર્ષથી ખરીદકર્તા નાગરિકને મળેલા હોવાનાં કથાનકો વાંચ્યાં હતાં એથી મનોમન તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-મલાડના સેવાભાવીઓની મદદ અને માર્ગદર્શનથી RTI કાયદાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

‘મિડ-ડે’માં પ્રકાશિત થયેલા મલાડ સેન્ટરના સેવાભાવી તથા નિયામક અમિત શાહને ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી જાન્યુઆરી-૨૦૧૪ના દ્વિતીય પખવાડિયામાં કેન્દ્ર પર પહોંચ્યા. ત્યાં તેમનો ભેટો અમિતભાઈ તથા ભારતીબહેન સાથે થયો. સેવાભાવીઓએ તેમની વિટંબણાની વાત શાંતિથી સાંભળી. ઓરિજિનલ ઍગ્રીમેન્ટ જ્યારે રજિસ્ટ્રેશન માટે આપવામાં આવે ત્યારે એની રિસીટ અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કાર્યાલય પાસેથી મïïળતી હોય છે, એ રિસીટની ફોટોકૉપી લઈ આવવા જણાવ્યું. ફોટોકૉપી લઈને નિસ્તેજ ચહેરે રજનીકાન્ત ખુરસી પર ગોઠવાયા. અમિતભાઈ અને સહસેવાભાવીઓ તેમની હતાશાને પામી ગયા. ધરપત આપવાની જરૂરિયાત સમજીને તેમણે  કહ્યું કે ‘ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ અને આવા અનેક કિસ્સાઓમાં સફળતા મેળવી છે અને તમને પણ રજિસ્ટ્રેશન થયેલા મૂળ દસ્તાવેજ મળી જશે. થોડી હિંમત અને ધીરજ રાખજો અને અમે જે કહીએ એ પ્રમાણે કરતા રહેજો. માત્ર કરતા રહેજો નહીં, સમયસર કરજો. આ લડાઈમાં સમયની પાબંદી જેમ બાબુઓએ પાળવાની હોય છે એમ અરજકર્તાએ પણ પાળવી પડે છે.’

૨૦૧૪ની ૧૮ જાન્યુઆરીની RTIની અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી:

૧. આપની ૧૫-૧૨-૧૯૮૪ની રિસીટ નંબર ૫૬૪૪-૮૮ હેઠળ આપેલા મારા ફ્લૅટ-ખરીદીના દસ્તાવેજોના રજિસ્ટ્રેશન પર શી કાર્યવાહી કરવામાં આવી છે તથા એની સાંપ્રત સ્થિતિની માહિતી આપશો.

૨. વિભાગીય નિયમાવલિ મુજબ આ પ્રકારના રજિસ્ટ્રેશન માટે નિશ્ચિત કરેલી મહત્તમ સમયમર્યાદા.

૩. જો ઉપરોક્ત બાબતે કોઈ પત્રવ્યવહાર કે નોટિસ મોકલવામાં આવી હોય તો એની પ્રમાણિત નકલ તથા એને સંબંધિત આઉટવર્ક રજિસ્ટરની ફોટોકૉપી આપશો.

૪. ઉપરોક્ત (૧)માં જણાવેલી બાબત પર અધૂરી-અપૂર્ણ કાર્યવાહી કે બિલકુલ કાર્યવાહી કરવામાં ન આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૫. ઉપરોક્ત કાર્ય પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા સરકારે આપેલા મોબાઇલ નંબર તેમ જ કાર્યાલયના તેમના ડાયરેક્ટ નંબર.

૬. નિશ્ચિત સમયમાં કાર્યવાહી ન કરનાર અધિકારી પર લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતવાર માહિતી.

૭. જો બેદરકારી દાખવનાર અધિકારી પર પગલાં લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૮. કસૂરવાર અધિકારી પર પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું  નામ, હોદ્દો તથા તેમના સરકારે આપેલા મોબાઇલ નંબર, કાર્યાલયના તેમના ડાયરેક્ટ નંબર તથા તેઓ અન્ય જગ્યાએ બેસતા હોય તો એનું સરનામું.

૯. આપના વિભાગની સિટિઝન-ચાર્ટરની અપડેટેડ પ્રમાણિત કૉપી આપશો.

૧૦. જો સિટિઝન ચાર્ટર બનાવવામાં ન આવ્યું હોય કે સમયાંતરે અપડેટ કરવામાં ન આવ્યું હોય તો સિટિઝન ચાર્ટર બનાવવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદો, જો અન્ય સ્થળે બેસતા હોય તો સરનામું તથા તેમના સરકારે આપેલા મોબાઇલ નંબર તથા કાર્યાલયના ડાયરેક્ટ લૅન્ડલાઇન નંબર આપશો.

૧૧. આપના વિભાગના ફસ્ર્ટ અપેલેટ અધિકારીનું નામ, હોદ્દો તથા અન્ય સ્થળે  બેસતા હોય તો તેમનું સરનામું તથા સંપર્ક-નંબર જરૂરથી આપશો.

ઉપરોક્ત અરજી સમજી-વિચારીને ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન તથા કન્ટ્રોલર ઑફ સ્ટૅમ્પ્સ (બોરીવલી)ના સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર (SPIO)ને સંબોધીને કરવામાં આવેલી.

ધારદાર RTI અરજી મળતાં ચહલપહલ મચી. અસિસ્ટન્ટ સબ-રજિસ્ટ્રારમાં વરિષ્ઠ અધિકારીના SPIOને કરવામાં આવેલી અરજી બીજા જ દિવસે સબ-રજિસ્ટ્રાર ઑફ ઇન્શ્યૉરન્સ કાર્યાલયના SPIOને મોકલવામાં આવી.

ખંધા બાબુઓનાં શેતાની મગજ કામે લાગ્યાં, કારણ કે ક્રમબદ્ધ જવાબ આપે તો ઊલમાંથી ચૂલમાં પડે એથી નરો વા કુંજરો વા જેવો જવાબ ૨૦૧૪ની ૨૬ ફેબ્રુઆરીના પત્ર દ્વારા મોકલવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું કે ‘આપે માગેલા દસ્તાવેજોની ફાઇલ અમારા સર્વોત્તમ પ્રયાસ બાદ પણ મળતી નથી. આપની ફાઇલની શોધ સાતત્યપૂર્વક ચાલુ છે, જે મળતાં આપને આપવામાં આવશે.’

રજનીકાન્ત RTI અરજીના પ્રત્યુત્તરનો પત્ર લઈ, અપૉઇન્ટમેન્ટ મેળવી ૨૦૧૪ની ૨૧ મેએ મલાડના કેન્દ્ર પર પહોંચ્યા. જવાબી પત્ર વાંચી અમિતભાઈ તથા સાથીઓએ  RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ બનાવી આપી, જે બીજા દિવસે પ્રથમ અપેલેટ અધિકારીના દફ્તરમાં સુપરત કરવામાં આવી.

૨૦૧૪ની ૧૨ જૂને સુનાવણી ગોઠવવામાં આવી. રજનીકાન્ત સુનાવણીની જાણ કરતો પત્ર લઈ કેન્દ્ર પર પહોંચ્યા. તેમને કેવી રીતે અને કઈ-કઈ રજૂઆત કરવી એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સુનાવણીમાં અપીલકર્તા રજનીકાન્ત તથા SPIO હાજર રહ્યા. રજનીકાન્તે પોતાની વિટંબણાની વાત કહી અને SPIOએ જણાવ્યું કે ઉપરોક્ત દસ્તાવેજ સ્કૅનિંગ માટે મોકલવામાં આવ્યા છે, જે પરત મળ્યા ન હોવાથી રજિસ્ટર્ડ દસ્તાવેજ આપી શકાયા નથી.

બન્ને પક્ષના કાર્યકરોને સાંભળ્યા બાદ પ્રથમ અપીલીય અધિકારીએ આદેશ આપતાં જણાવ્યું કે ‘અપીલકર્તાની અપીલ માન્ય કરવામાં આવે છે. SPIOને હુકમ કરવામાં આવે છે કે ૨૦૧૪ની ૩૦ જૂન સુધીમાં રજિસ્ટર્ડ દસ્તાવેજ અપીલકર્તાને આપવામાં આવે.’

૨૯ વર્ષ અને ત્રણ મહિનાની રજનીકાન્તની યાતના કર્મનિષ્ઠ અમિતભાઈ, ભારતીબહેન તથા કેન્દ્રના અન્ય સેવાભાïવીઓની સર્મપિતતાથી ત્રણ મહિનામાં સુખદ અંત આવ્યો તથા RTIની તાકાત ફરી એક વખત પ્રસ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK