કથા-સપ્તાહ - હરીફ (બાતોં-બાતોં મેં... : ૫)

‘બેસો ભાભી.’ તારિકાએ અનન્યાને હવેલીના બાંકડે બેસાડી, ‘કેટલા વખતે આપણે મંદિરે આવ્યા.’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


‘તું પણ બેસ તારિ...’ અનન્યાએ હાથ પકડીને નણંદને પડખે બેસાડી, ‘આજે પૂરા અઢી મહિને ઘરની બહાર નીકળ્યા છીએ. ઈશ્વરની હાજરીમાં તને કંઈક કહેવું પણ છે.’

‘નણંદ-ભોજાઈનાં હેત-પ્રીત હૈયું પ્રસન્ન કરનારાં છે. ’ અત્યંત ગરવાઈભર્યા લાગતાં સન્નારીને સામે ભાળીને અનન્યા અને તારિકા અનાયાસ ઊભા થઈ ગયાં.

થોડા સમય પહેલાં આવું નહોતું. શબ્દો અનન્યાના ગળા સુધી આવી ગયા, ત્યાં...

‘હું વીરમતી. ‘ઍરવેઝ’વાળા આવકારની મા.’

હેં. તેમની ઓળખે તારિકા ચમકી, અનન્યા હેબતાઈ. કાર પાર્ક કરીને આવી પહોંચેલો ઉત્ક્રાંત પણ ચમક્યો.

‘તમારા પિતાની વરસી વળી એના થોડા દહાડામાં હું તમને ફોન જોડવાની હતી ઉત્ક્રાંત - મારા આવકાર માટે તારિકાનું માગું નાખવા.’

હેં. સૌથી વધુ ધક્કો અનન્યાએ અનુભવ્યો : આવું મારા કાવતરા પહેલાં થયું હોત તો? નણંદનાં સાસરિયાંને ટાર્ગેટ બનાવતાં પહેલાં લાખ વાર વિચારવાનું થાત અને મોટા ભાગે પ્રોગ્રામ માંડવાળ રાખ્યો હોત. ન જાણે ઉત્ક્રાંતને જાણ થઈ ગઈ તો-તો અમારા રિશ્તામાં ન સંધાનારી દરાર પડી જાય, એ કેમ પરવડે!

પણ કદાચ જે બન્યું એ નિયતિ હતી.

‘ત્યાં અક્ષે અનન્યાવહુ પર જ હુમલો કરીને વાત ડહોળી નાખી. મંદિરના પ્રાંગણમાં તારી માફી માગું છું અનન્યા.’

‘નહીં મા...’ અનન્યાના વિવેકમાં જોમ નહોતું. ‘અમે કિસ્સો ભૂલી પણ ગયા છીએ.’

‘લોકો નથી ભૂલતા અનન્યાવહુ. અરે, એવું પણ માને કે સાવકો ભાઈ સફળ ન થાય એ માટે આવકારે જ ખેલ રચીને પ્રોજેક્ટનું પત્તું કાપ્યું, યા તો સાવકીમાએ પોતાના દીકરાનો રસ્તો કરવા મોટાને માત અપાવી.’

અરેરેરે. ઉત્ક્રાંત-તારિકાએ અરેરાટી અનભુવી. અનન્યાને થયું કે મેં આ હદનું રીઍક્શન નહોતું ધાર્યું!

‘આજે અમારા ઘરનો મોભ દારૂના નશામાં ડૂબીને વિખરાઈ રહ્યો છે. ઈશ્વરને તો હું વિનવતી જ હોઉં છું અનન્યા, અપમાનને કારણે તારી આંતરડી કકડી હોય તો તું મારા દીકરાને ક્ષમા બક્ષ...’ તેણે અશ્રુ ખાળ્યા, ‘બાકી તારિએ જે કર્યું એ તો અનેરું છે જ. જે ઘરમાં જશે ત્યાં સ્વર્ગ રચી દેવાની.’

આશિષ દઈને તેમણે વિદાય લીધી. તેમને તાકીને અનન્યાએ મંદિરની ફરફરતી ધજા નિહાળી, કશોક સંકલ્પ લેવાઈ ગયો.

€ € €

એ સાંજે ફરી એક વાર સગાંસ્નેહીઓ ઉત્ક્રાંતને ફોન જોડીને પૂછવા લાગ્યા : યુટ્યુબ પર અનન્યાનો વિડિયો જોયો. તેણે તો ભારે કરી!’

વળી પાછો વિડિયો? ઉત્ક્રાંતે ધડકતા હૈયે સર્ચ મારી.

€ € €

ખબર આવકારને પણ મળ્યા. એકાદ પરિચિતે કહેતાં વીરમતીમા વિકીને લઈને ક્લબમાં દોડી ગયાં, ‘આવકાર, તારો સંતાપ હટે એવા ખબર લાવી છું મારા દીકરા. જો અનન્યાનો વિડિયો.’

€ € €

ન હોય!

અક્ષ-નિકામ પણ સ્તબ્ધ હતા. રેશમા વગેરેએ તો હવે સત્ય જાણ્યું.

‘ધન્ય છે માલકિન તમને.’ રેશમાની મા, અનન્યાની એ સમયની આયા આટલું જ બોલી શકી.

એવું તે શું હતું વિડિયોમાં?

લૉગ-ઑન થઈને તમે જોશો તો અનન્યા કહેતી સંભળાશે - દેખાશે કે...

€ € €

નમસ્કાર. હું અનન્યા ઉત્ક્રાંત શાહ... છ માસ અગાઉ તમે જેને ‘ઍરવેઝ’ વિડિયોમાં અપમાનિત થતી જોઈ હતી તે હું જ.

પણ એની વાત કરતાં પહેલાં મારી વાત કરું.

અત્યંત લાડકોડથી પિયરમાં ઊછરેલી હું એવું જ પ્યારભર્યું સાસરું પામી. પ્રેમાળ પતિ, પિતાતુલ્ય શ્વશુરજી, સખી કે બહેનની યાદ અપાવે એવી લાડભરી નણંદ... અને છતાં હું સુખી નહોતી. આ જોઈ-સાંભળીને ઈવન મારા પેરન્ટ્્સ પણ ચોંકશે, પણ હકીકત છે.

કારણ મારી નણંદ.

હવે આટલું સાંભળીને એવું ન ધારી લેતા કે જૂની ફિલ્મોની ખલનાયિકાની જેમ મારી નણંદ મને ત્રાસ આપતી હશે કે સંસારમાં આગ ચાંપતી હશે... ના રે, તારિકા એવું શીખી જ ક્યાં છે? તે તો બસ જતું કરવાનું શીખી છે, તેને તો બસ આપતાં જ આવડે છે.

તો વાંધો ક્યાં હતો?

વાંધો હતો મારા અહમ્માં. વેવિશાળના દિને મારા શ્વશુરજીએ મને નવા ઘરનો ભય ન રહે એ માટે આશ્વસ્ત કરતાં કહેલું કે કોઈ વાતની ચિંતા ન કરીશ; મારી તારિ છેને એ તને બધું શીખવી દેશે, ઘડી કાઢશે.’

અને મારા અહમ્ને ઠેસ પહોંચી : તારિ વળી કોણ આવી મને ઘડનારી! હું આટલી કેળવાયેલી, મને કોઈ શું શીખવે! હવે તો તારિ કરતાં ચડિયાતી, હોશિયાર થઈને દેખાડું તો હું ખરી!

એ ઘડીથી તારિ મારી નણંદ નહીં, હરીફ હતી... અને મારે તેનાથી જીતવું હતું. એક એવું યુદ્ધ હતું અમારી વચ્ચે જે માત્ર હું લડતી હતી, એ પણ મભમ. પતિને અંદેશો આવે તો હું તેમના હૈયેથી ઊતરી જાઉં, એ ન પરવડે. ઉત્ક્રાંતને હું ચાહતી, ચાહું છું પારાવાર. શ્વશુરજીના મોલની મને કદર હતી, પણ તારિની હેતવર્ષા સામે હું હરીફાઈની છત્રી ઓઢીને કોરી જ રહી.

ઘરકામમાં, સામાજિક વહેવારમાં હું હંમેશાં મારી લીટી મોટી સાબિત કરવા મથતી, પણ અમારાં પલડાં સમાન જ રહેતાં! મનમાં કટુતા રાખીને કોઈની સારપને તમે કઈ રીતે પહોંચી વળો? શ્વશુરજીની માંદગી દરમ્યાન હું આકરી થઈ જતી, ત્યારે પણ તારિકાએ જ મને સાચવી છે.

ખેર, શ્વશુરજીની હયાતીમાં મારી જીતનો ફેંસલો ન થઈ શક્યો, પણ કોણ જીત્યું એનો ચુકાદો શ્વશુરજીની વસિયતમાં છૂપો હોઈ શકે ખરો. જેને વધુ ભાગ મળે તે વધુ લાયક, જીત તેની - એ મતલબનો પાઠ મનમાં એવો ઘૂંટ્યો કે વિલના વાંચન પછી તારિનું વિજેતા નીવડવું મારાથી સહન થઈ શક્યું નહીં...

ના, દીકરી-વહુમાં ભેદભાદ કરે એ મારા શ્વશુર નહીં... તેમણે વહુને ઝવેરાત ને દીકરીને શૅર્સ આપ્યા હતા. લખાણ સમયે બેઉનું મૂલ્ય સમાન હતું, પણ ભાગ વહેંચવાનો થયો ત્યારે ‘ઍરવેઝ’ના શૅર્સની કિંમત મારા ઝવેરાત કરતાં બે કરોડ જેટલી વધુ હતી!

એ કેમ બને? તારિકા મને જીતી જ કેમ શકે? મનમાં વિદ્રોહ જાગ્યો. તારિની જીતને હારમાં ફેરવવી હોય તો?

એક રીતે એ શક્ય લાગ્યું. ‘ઍરવેઝ’ કંપનીના શૅરના ભાવ જ ગગડી જાય તો તારિકાના હિસ્સે ખોટ આવે ને મારું મૂલ્ય વધતાં હું જીતી ગણાઉં. એ એક તર્કે મને એવો ખેલ રચવા પ્રેરી જેની કબૂલાત હવે કરું છું...

€ € €

‘ઍરવેઝ’નું રિસર્ચ, આયાની અક્ષ બાબત ફૂંક, તેને સાધીને કંપનીની પ્રતિષ્ઠાને લૂણો લગાડતો વિડિયો ફરતો કરવા પાછળ કંપનીના શૅરનો ભાવ ગગડાવાનો ઇરાદો કબૂલી અનન્યા ઉમેરે છે કે...

€ € €

મારું પગલું આટલું અકસીર નીવડશે એની ધારણા નહોતી... ખરેખર તો મારા પગલાને હાથો બનાવી ‘ઍરવેઝ’ની હરીફ કંપનીઓએ પોતાનો ટાર્ગેટ અચીવ કર્યો. આજે કહું છું કે ‘ઍરવેઝ’ની સિસ્ટમ કે વૅલ્યુઝમાં ક્યારેય કશી ખોટ નહોતી. મારા અંગત સ્વાર્થ ખાતર મેં લીધેલા પગલાએ ઘણા શૅરહોલ્ડર્સને જેન્યુઇનલી ધક્કો પહોંચાડ્યો હશે, એ તમામની અને વિશેષરૂપે ઓનર આવકારભાઈની ક્ષમા પ્રાર્થું છું, સજા માંગું છું....

હવે તમને થશે કે ઠેઠ છ મહિને બ્રહ્મજ્ઞાન લાધવાનું કારણ?

કારણ એક જ - મારી તારિકા.

છ મહિના બહુ લાંબો સમયગાળો છે દોસ્તો. મારા માટે તો અતિ કષ્ટદાયક રહ્યો. મારા લિવરમાં બગાડ હોવાની મને જાણ થઈ, ઘણી મોડી જાણ થઈ; પણ ભગવાનના દ્વારે પહોંચેલી મને પોતાનું લિવર દઈને સંસારમાં પાછી લાવનાર તારિકાને કહો હું કઈ રીતે જીતી શકું?’

€ € €

વાત તો સાચી. ધાર્યું કર્યાની ખુશીમાં મહાલતી અનન્યાની તબિયત એકાએક બગડી. બે-ત્રણ દહાડા હૉસ્પિટલમાં રહેવું પડ્યું એટલી ખરાબ.

એકાએક શું થયું?

જવાબમાં ડૉક્ટરો જે બીમારીનું નામ બોલ્યા એ સાંભળ્યું પહેલી વાર, પણ અર્થ થતો હતો : તમારું લિવર બગડી ચૂક્યું છે, અન્ય હેલ્ધી લિવરના સેલ ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવો તો ખબર નહીં કેટલું ખેંચી શકો... લિવર ટ્રાન્સપ્લાન્ટ જોખમી તો ખરું જ.

ઘરના સૌ પરેશાન. અનન્યા ખુદ સ્તબ્ધ. ઉત્ક્રાંતનું લિવર મૅચ ન થયું. પપ્પા-મમ્મીની વયનો વાંધો...

‘ડૉક્ટર, મારી ટેસ્ટ કરો.

મને ખાતરી છે કે મારું લિવર ભાભીને ચાલવાનું.’

હસતા-હસતા કેવા રણકાભેર બોલી હતી તારિકા... જેણે હજી જિંદગી માણવાની છે, જે હજી પરણી નથી એ કોડભરી કન્યા જીવનું જોખમ ઉઠાવવા તૈયાર થઈ? મારે ખાતર! ’

અનન્યાનાં નયન વરસ્યાં અને હરીફાઈ એમાં વહી રહી!

€ € €

‘એ ઘડીથી તારિ મારી હરીફ ન રહી, અંગત સખી જેવી વહાલી બની ગઈ... આજે તો અમે બેઉ સ્વસ્થ છીએ. જોકે આ બધી વાતો તો તે પણ પ્રથમ વાર જાણશે. મારા પતિ, મારાં મા-બાપ સૌજોઈ... દરેકે મને બેસુમાર ચાહી છે, નથી જાણતી તેમની પ્રતિક્રિયા શું હશે? એટલું કહીશ કે ગમે તે સજા દો, પણ એ ચાહતમાં ઓટ ન આણતા.

આમ તો આ મામલો ઘરમેળે નિપટાવી શકત, પણ મારે તો ‘ઍરવેઝ’ની છબિ સ્પષ્ટ કરવી છે. ખરેખર તો સવારે હવેલીમાં આવકારનાં મધર મળ્યાં. તેમને જોઈ-મળીને સમજાયું કે આવકાર સાથે લોહીનો સંબંધ ન હોવા છતાં તેમણે સગા-સાવકાના ભેદ નથી રાખ્યો ને હું સગા જોડે સાવકી થઈને રહી!

તમે તો ઉદાહરણરૂપ છો આવકાર. ઊભા થાઓ, ફરી ‘ઍરવેઝ’ને ઉડાન ભરાવો તો મારો યત્ન સાર્થક ગણાશે.

€ € €

લાગતા-વળગતા સૌ સ્તબ્ધ છે.

‘મને આમ ન જુઓ ઉત્ક્રાંત, હું...’ અનન્યા રડી પડી. ઉત્ક્રાંતની ભીતર કશું સંધાયું.

‘રડ નહીં અનન્યા, પ્રાયિત્તથી તારાં પાપ ધોવાઈ ગયાં...’

‘ભાભી, તમે તો મને આસમાને બેસાડી દીધી.’ તારિકા ડઘાયેલી હતી. અનન્યાનું બિટવીન ધ લાઇન્સ ક્યારેક ગૂંચવી જતું, પણ છેવટે તો સૌ સારું જેનું છેવટ સારું!

‘છેવટ તો હજી હવે આવવાનું નણંદબા.’ અનન્યા થનગની, ‘આવકાર હીરલો છે. તે તમારી ઝોળીમાંથી ન જાય એ માટે વિડિયો મૂકીને અગાઉનું પાપ સુધાર્યું છે.

એ વ્યસન મૂકે, બેઠો થાય તો જવા ન દેતા.’

તારિકા શરમાઈ.

- અને ખરેખર વિડિયોએ જન્માવેલી હકારાત્મકતાનો લાભ લેવાનું આવકારના હાથોમાં હતું. તે ચૂકે? ઈવન દારૂ ભૂલી તે આનો ઍડ્વાન્ટેજ લેવામાં મંડી પડ્યો - એન્ડ ઇટ વક્ર્ડ! હરીફ કંપનીઓ વિડિયોને ફેક દર્શાવવા ગઈ, પણ ન ફાવી.

બહુ જલદી કંપનીમાં પ્રાણ ફૂંકાયો.

€ € €

‘એ દિવસે તમે મળ્યાં ન હોત મા, આવકારની દુર્દશા જાણી ન હોત તો મને પબ્લિકલી કબૂલાત કરવાનું સૂઝ્યું ન હોત...’ મંદિરના પ્રાંગણમાં અનન્યાએ પગે પડીને માજીની માફી માગી, ‘તારિ માટે લાયક મુરતિયો હોય તો બતાવજો.’

વીરમતીમાને આટલો ઇશારો પૂરતો હતો.

એકમેકને જોયા-મળ્યા પછી આવકાર-તારિકાને ઇનકાર હોય જ નહીં!

€ € €

‘સૌ સારું જેનું છેવટ સારું.’

ત્રણ મહિના પછી આવકાર-તારિકાના ડેસ્ટિનેશન વેડિંગ માટે ‘ઍરવેઝ’ના પ્લેનમાં સૌ આંદામાન જઈ રહ્યા છે. એમાં અક્ષ-નિકામ-રેશમા પણ ખરાં...

વિકીએ જૂસના ગ્લાસથી ટોસ કર્યું અને તાળીઓના ગડગડાટે આવકાર-તારિકા મધુરું લજાયાં. અનન્યા ઉત્ક્રાંતના કાનમાં ગણગણી, ‘તમે પિતા બનવાના ઉત્ક્રાંત!’

ઉત્ક્રાંત ખીલી ઊઠ્યો.

‘સુખને ઓળખી, પામી હવે હું સુખી કરનારી થાઉં છું...’ અનન્યાએ ઈશ્વરની મૂરત સમક્ષ હાથ જોડ્યા. ‘તમારા આશીર્વાદ આપજો દીનાનાથ.’

ઈશ્વરની મહેર સદા રહી એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK