કથા-સપ્તાહ - વેબ-સિરીઝ (જિંદગીની ખાતાવહી - 5)

‘અર્ણવ બદલાઈ ગયો મૌનવી...’ ઊર્મિલાબહેને નિ:શ્વાસ નાખ્યો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


‘ભંવર’ની છેલ્લી સીઝન રજૂ થયાને ત્રણ મહિના વીતી ચૂક્યા હતા. અર્ણવની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. નાઝનીનના દમદાર અભિનય ઉપરાંત બેઉના ઇન્ટિમેટ સીનની ચર્ચા આજેય સંભળાતી હોય છે... આમાં નવું શું છે?

‘અર્ણવ તો તેમણે નયનતારા સાથે અંતરંગ દૃશ્ય આપ્યું ત્યારના બદલાઈ ગયેલા મા...’ મૌનવી ફિક્કું મલકી.

‘હું એ બદલાવનું નથી કહેતી મૌનવી...’ ઊર્મિલાબહેનને શ્રમ વર્તાયો, ‘હવે શૂટિંગ નથી, બીજી કોઈ ઇવેન્ટ નથી છતાં તે પેલી નાઝનીનને ત્યાં પડ્યોપાથર્યો રહે છે.’

મૌનવીનાં નેત્ર સહેજ પહોળાં થયાં. મીડિયાની ગૉસિપ કૉલમમાં તો હજી આવું ચર્ચાતું નથી... પણ ઘ૨નાથી ઓછું છૂપું રહે!

‘અર્ણવે અભિનયમાં છૂટછાટ લીધી એ જતું કર્યું. સાચું કહું તો સિરીઝને તેણે યાદગાર બનાવી એનો ગવર્‍ છે, તને પણ હોવો જોઈએ મૌનવી.’

મૌનવી નિરુત્તર રહી. ઊર્મિલાબહેને તેનો પહોંચો પસવાર્યો‍, ‘જાણું છું, તારો એ ગવર્‍ ફરિયાદ હેઠળ કચડાયો છે અને એ વાજબી પણ છે...’ તેમણે ઉમેર્યું, ‘અર્ણવને છોડ્યા પછી તું સુખમાં નથી રહી મૌનવી, પણ તારાથી છૂટ્યા પછી અર્ણવ તો ખુદનો નથી રહ્યો એ મને હવે રહી-રહીને સમજાય છે.’

મૌનવની પાંપણોથી બૂંદ ખરી, ‘એવું હોય તો હું ક્યાં દૂર હતી મા? હળવો પોકાર પાડ્યો હોત...’

‘પોકારની આશા-અપેક્ષા શું કામ મૌનવી? આટલું કહ્યા પછી પણ અર્ણવ વમળમાં ફસાતો જાય છે એ તને નથી દેખાતું-સમજાતું?’ ઊર્મિલાબહેન સહેજ હાંફી ગયાં, ‘આજ સુધી આપણે અર્ણવની વાતો નથી કરી. આજે કહ્યું એ તારી પાસેથી આવું સાંભળવા નહીં.’

મા જાણે કાન ખેંચતાં હોય એવું લાગ્યું મૌનવીને.

‘તારા સિદ્ધાંતને ખાતર તેં અર્ણવને તરછોડ્યો અને એ રીતે તું તેને રાહ પર લાવવા મથી, સાચું; પણ એથીયે તે નથી આવ્યો ત્યારે કેવળ પ્રતીક્ષા કરવાથી નહીં ચાલે મૌનવી. પ્રિયજનને વમળમાંથી ઉગારવા આપણે પણ પાણીમાં ઝંપલાવવાની તૈયારી રાખવી પડે.’

મૌનવીની સમજબારી ખૂલી ગઈ.

‘અર્ણવનું પતન ક્ષમા કરી શકતી હોય મૌનવી તો તારે જ કંઈ કરવું રહ્યું!’

પણ શું?

€ € €

‘કોણ, અર્ણવ? હું નયનતારા.’

બપોરની વેળા છે. માવતરની શરમને કારણે અર્ણવ રાત તો ઘરબહાર નથી વિતાવતો, પણ દિવસે મોટા ભાગે નાઝનીનની બાંહો તેનું ઠેકાણું બની ગઈ છે. સમાંતરે નવા પ્રોજેક્ટની ચર્ચાવિચારણા થતી રહે છે. પુરુષવેશ્યાને બદલે મનોરોગીની રહસ્યકથાને વેબ-સિરીઝ તરીકે રજૂ કરવાનું લગભગ ફાઇનલ છે...

પણ અત્યારે કામનું કામ નથી. લંચ લઈને સ્પર્શસુખમાં રત થવાનું હોય ત્યાં નયનતારા ક્યાં ટપકી! ‘ભંવર’માં પ્રથમ વખત જેની સાથે ઑલમોસ્ટ ન્યુડસીન આપ્યો એ નયનતારા પછી ‘ભંવર’નો હિસ્સો ન રહી. તેની સાથે સંપર્ક પણ રાખવો કેમ!

અલબત્ત, ફસ્ર્ટ ઇન્ટિમેટ સીનમાં પોતે અનકમ્ફર્ટ રહેલો. નયનતારા સહજપણે ન વર્તી હોત તો કદાચ બહુ વખણાયેલો એ સીન હું આટલી પર્ફેક્ટ્લી નિભાવી ન શક્યો હોત!

‘જાહેરમાં વસ્ત્રો ઉતારવાનો કોઈને શોખ નથી હોતો... મારી ઇમેજ મારા કામને અનુરૂપ છે. બાકી અંદરખાને તો હું પણ સામાન્ય નારી છું.’ તેણે કહેલું. શૂટ દરમ્યાન મારા શરીરસૌષ્ઠવથી પ્રભાવિત થયેલી તે મૌનવીને લકી કહેતી ને પોતે થોડું શરમાઈ જતો એ યાદ આવતાં જરા મલકી ઊઠ્યો અર્ણવ, ‘બોલો નયનતારા...’

નામ સાંભળીને નાઝનીન પણ દીવાનખંડના સોફા પર બેઠેલા અર્ણવના પડખે ગોઠવાઈ.

‘મૅટર થોડી સિરિયસ છે અર્ણવ. તમે કદાચ માનસ માનેનું નામ સાંભળ્યું હશે... સ્ટારનું સ્કૂપ કરવા જાણીતો પત્રકાર છે.’

‘એનું શું છે?’

‘તે આજે મને મળવા આવ્યો. તમારા-મૅડમ વિશે કાફી પૂછપરછ કરતો હતો. અર્ણવ, તારા-મૅડમ વચ્ચે શું ચાલી રહ્યું છે હું નથી જાણતી, પણ તારો મૌનવી માટેનો પ્યાર મેં પારખ્યો છે. તમારાં લગ્નની શરણાઈ હજી નથી ગૂંજી ને બીજી બાજુ મૅડમ સાથેના સંબંધની કાનાફૂસી થઈ રહી જોવા મળે છે... કોઈના અંગત જીવનમાં માથું મારવાનો મને અધિકાર તો નથી, છતાં એટલું કહીશ કે તું અભિનયની ઊંચાઈઓ સર કરવા સર્જા‍યો છે, પ્રેક્ષકોના નસીબે મળે એવો તું કલાકાર છે. લફરાંના વમળમાં ફસાઈને જિંદગી બરબાદ ન કરતો, બીજું તો શું! મૅડમને પણ આ વિશે બ્રીફ કરી દેજે.’

ફોન કટ થયો. નયનતારાનું નવું જ રૂપ આજે ઊઘડ્યું, એ જ સાચું!

‘અમને તારી સલાહનું કામ નથી.’ નાઝનીન નયનતારાનાં છેવટનાં વાક્યોથી થોડાં છંછેડાયાં, ‘અર્ણવ, તેનામાં એટલી જ બુદ્ધિ હોત તો વેશ્યાના રોલ ઓછા કરત!’

અર્ણવ કંઈ ન બોલ્યો. નયનતારાના શબ્દો જુદી જ ભાત પ્રેરતા હતા - હું સાચે જ ભટકી રહ્યો છું?

- અને ડોરબેલ રણકી. અર્ણવ ઘરે હોય ત્યારે નાઝનીન સવર્ન્ટ્ં્સને આઘાપાછા કરી દેતાં એટલે દરવાજો ખોલવા પોતે જ જવું પડે એમ હતું. અત્યારે કોણ હશે?

જોયું તો મૌનવી!

નાઝનીન ચોંક્યાં, અર્ણવ સોફા પરથી ઊભો થઈ ગયો : મૌ...ન...વી, તું!

મહિનાઓ પછી આમને-સામને થતા પ્રેમીઓના હૈયે ઝંઝાવાત ઊમડવા લાગ્યો. વચ્ચેના સમયમાં પડેલી ખાઈ ઓગળતી હોય એમ દોડીને મૌનવી અર્ણવને વળગી પડી, ‘બહુ થયું અર્ણવ, મને ક્ષમા કરી દો.’

મૌનવી માફી માગે છે! અર્ણવ ડઘાયો. નાઝનીન દૂર ખુરસી પર બેસી પડ્યાં. આજે આ બધું શું થઈ રહ્યું છે!

‘સિદ્ધાંતની દૃષ્ટિએ હું સાચી હતી અર્ણવ, પણ તમને વાળવાનો માર્ગ ખોટો લીધો એની માફી. મેં પ્રણયમાં શરત રાખી અર્ણવ, જે ખરેખર બિનશરતી હોવો જોઈએ. તમારા પ્રોફેશનલ ડિસિઝન હું તમારી વિવેકબુદ્ધિ પર છોડું છું અર્ણવ, પણ અંગત જિંદગીમાં તમને તબાહ થતા નહીં જોઈ શકું.’

તેના શબ્દે-શબ્દે અર્ણવમાં કંઈક સંધાતું હતું - તૂટેલું હૈયું! પોતે નાઝનીનને ત્યાં પડ્યો-પાથર્યો‍ રહેતો હોવાથી માએ મૌનવીની સમજબારી ખોલી જાણીને ગદ્ગદ થઈ જવાયું.

‘બે દિવસ અગાઉ માએ મને વાત કરી અર્ણવ અને તમને વમળમાંથી ઉગારવા હું પાણીમાં ઝંપલાવવાની તૈયારી સાથે આવી છું.’

મતલબ?

‘જુઓ આ ફોટો...’

પર્સમાંથી તેણે કાઢેલી થોકડી પર નજર ફેરવતાં અર્ણવનાં ભવાં તંગ થયાં. પોતાનાં અંગઉપાંગ સુરેખપણે ઉજાગર થાય એ મતલબનું ફોટોસેશન મૌનવીએ કરાવ્યું?

શું કામ?

ફોટોનો ઘા કરીને તેણે મૌનવીને ઝંઝોડી, ‘વૉટ ધ હેલ! આ બધું શું છે મૌનવી?’

‘મારો કૉલ છે અર્ણવ...’ મૌનવીએ નજરો મેળવી એમાં બોલેલું પાળી બતાવવાનો સંકલ્પ ઝબકતો હતો. ‘આજે તમે પાછા નહીં વળો તો રાત્રે આ ફોટો ઇન્ટરનેટ પર ફરતા થઈ જશે અને કાલ સુધીમાં મને મારો પહેલો ગ્રાહક મળી જ રહેવાનો...’

ગ્રા...હ...ક! અર્ણવ હાયકારો નાખી ગયો.

આમાં બનાવટ નહોતી, આ ધમકી નહોતી. કેવળ સમર્પણ હતું. અરે, મૌનવીએ આવું ફોટાશૂટ કરાવ્યું એ જ તેની કટિબદ્ધતા સૂચવે છે.

‘અર્ણવ અર્ણવ નહીં રહે તો મૌનવી પણ મૌનવી નહીં રહે! શું કામ રહે? કોને ખાતર રહે?’

મૌનવીનો હૈયાબંધ તૂટ્યો. ત્રીજાં નાઝનીનની હાજરી ભૂલ્યાં હોય એમ અર્ણવે તેને ભીંસી દીધી, ચૂમીઓથી ભીંજવી દીધી, ‘બસ મૌનવી, બસ! હું પાછો વળ્યો મૌનવી. લઈ જા મને જ્યાં લઈ જવો હોય!’

‘બીજે ક્યાંય જવાનું નથી અર્ણવ, ઘરે ચાલો. તમારાં-મારાં પપ્પા-મમ્મી રાહ જોઈ રહ્યાં છે.’ મૌનવીએ અશ્રુ લૂછ્યાં, ‘અને પંડિતજી પણ...’

કાનોમાં શરણાઈ ગૂંજવા લાગી. અર્ણવ ફરી એ જ અર્ણવ બની ગયો. મૌનવીના ફોટોગ્રાફસ સમેટીને તેણે થનગનાટભેર તેનો હાથ થામ્યો, ‘ચાલ...’

ચાર કદમ ચાલીને બેઉ નાઝનીન સમક્ષ ઊભાં રહ્યાં. અર્ણવને જાણે તેમની ઓળખ નહોતી, મૌનવીના ચહેરા પર તેમને પરાસ્ત કર્યાનો ભાવ નહોતો. નાઝનીને ઊંડો શ્વાસ લીધો, ‘પોતાના પિયુને પાછો વાળવા એ હદે જનારી કોઈ સ્ત્રી મેં જોઈ નથી મૌનવી... હવે અર્ણવ તારા સિવાય કોઈનો થઈ નહીં શકે.. લઈ જા!’

તે હટ્યાં, અર્ણવ-મૌનવી નીકળી ગયા પછી દરવાજો બંધ કરીને ત્યાં જ ફસડાઈ પડ્યાં નાઝનીન!

ના, હૃદયપાટ લૂંટાવાનો ગમ નહોતો. અર્ણવ સાથે પ્રીત ક્યાં હતી? એ રીતે જુઓ તો અમારા સંબંધનું ભવિષ્ય પણ શું હતું? પરંતુ આ બધું કેવળ મારી સાથે જ કેમ થવું જોઈએ? નિરાશા ઘેરી વળી. ચપટીક સુખ દઈને વિધાતા દુ:ખોનાં વાવાઝોડાં વરસાવે એ જિંદગી ક્યાં સુધી જીવવી?

શરાબના બે પેગ ઠાલવી, કોઈ તગડો એસ્કોર્ટ તેડાવી મૅડમ નાઝનીને દર્દ વિસારે પાડ્યું હોત; પણ કુદરત ક્યારેક પડેલાને બેઠા થવાનો અવસર નથી આપતી...

‘મસ્કતના ઉમરાવ અબ્દુલ શેખનાં બીજાં લગ્ન!’

ક્યારેય નહીં ને એ સાંજે શરાબનો જામ લઈ ટીવી-ચૅનલ સર્ફિંગ કરતાં ગલ્ફ ન્યુઝ પર અટક્યાં એમાં ઝબકેલા ખબરે ઊકળતા ચરુ પર જાણે પેટ્રોલ છાંટ્યું...

જુઓ, મને ત્રાસ દેનારો, હન્ટરે-હન્ટરે ફટકારનારો પુરુષ પણ બીજી બૈરીનું સુખ પામવાનો - દુ:ખ કેવળ મને જ કેમ!

નહીં, જે પુરુષે મારા પર ત્રાસ વર્તાવવામાં કંઈ બાકી નથી રાખ્યું, જેના પાપે મેં રૂપ ગુમાવ્યું, તેને હું સુખી તો ન જ થવા દઉં!

ઇરાદો ઘૂંટાતો ગયો. જિંદગીની ચોટે જન્મેલા વેરની વસૂલાતમાં દેર શું કામ?

€ € €

અઠવાડિયા પછી...

‘વીત્યાં વરસોની સેક્સ-સિમ્બૉલ નાઝનીનનો આપઘાત!’

મીડિયામાં પ્રસારિત અહેવાલે અર્ણવ-મૌનવીને ચોંકાવી દીધાં. હેવાલમાં લખ્યું છે કે...

મસ્કતના વૈભવી ટાવરની ટેરેસ પર શેખ અબ્દુલના મરિયમબાનુ સાથે નિકાહ થઈ રહ્યા હતા ત્યાં અણધારી ઘટના બની ગઈ. શરીરે ઘાસતેલ છાંટીને મૅડમ નાઝનીન સમારંભમાં પહોંચી ગયાં.

મુલ્લા-કાજીથી માંડીને મસ્કતના પ્રિન્સ સુધીના મહાનુભાવોની હાજરીમાં તેમણે અબ્દુલના વહેમી સ્વભાવ અને વહેશીપણાનું બયાન દઈને આને મારું ડાઇંગ ડેક્લેરેશન ગણવામાં આવે એમ કહી, કોઈ વધુ કંઈ સમજે કે કંઈ કરે એ પહેલાં લાઇટરથી શરીરે આગ ચાંપી દીધી! ટેરેસ પર ફૂંકાતા પવને આગ ભડકો થઈને ફેલાઈ ને એક સમયની રૂપાળી કાયા ભડથું થઈ ગઈ... હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મૅડમે પ્રાણ ત્યાગ્યા...

દરમ્યાન તેમના બયાનને સત્તાવાર ગણીને અબ્દુલ શેખની ધરપકડ થઈ છે અને મસ્કતના કાયદા જોતાં તેમને પાશવી અત્યાચાર બદલ મૃત્યુદંડની સજા નક્કી છે. મરિયમબાનુ ભગ્નહૃદયે લંડન ભેગાં થઈ ગયાં છે... નાઝનીન છેલ્લે ખુદની પ્રસ્તુતિ ‘ભંવર’માં દેખાયાં હતાં એ યાદ અપાવી દઈએ.

અરેરેરે... મૅડમે એકદમ આ શું કર્યું! તેમનું દર્દ, તેમનો ખાલીપો તેમને ભરખી ગયો... નાઝનીનના કરુણ અંતે અર્ણવની પાંપણ ભીની થઈ. મૌનવીએ તેને જાળવી જાણ્યો.

€ € €

દિવસો સુધી નાઝનીનની જિંદગી, મૃત્યુ ચર્ચાતાં રહ્યાં. અર્ણવ-મૌનવી એનો આઘાત વિસારીને આગળ વધી ચૂક્યાં.

તેમનો સંસાર મઘમઘતો હતો. માવતરને એનું સુખ. અર્ણવ બે ફિલ્મ કરી રહ્યો છે. એમાં કોઈ સમાધાન નથી. અર્ણવ એ હવે ક્યારેય નહીં કરે.

મૌનવી તેની કારર્કિદીની બાબતમાં માથું નથી મારતી.

‘મૌનવી, ‘ભંવર’ની ટીમ શ્રદ્ધાંજલિરૂપે મૅડમના જીવન પર વેબ-સિરીઝ બનાવવા ઇચ્છે છે. નયનતારા લીડમાં રહેશે.’

એક દહાડો અર્ણવે કહેતાં મૌનવીએ રાજીપો દાખવ્યો. નયનતારાએ હિતેચ્છુની જેમ અર્ણવને દીધેલી સલાહ બાબત જાણ્યા પછી મૌનવીને તેના માટે માન જાગ્યું હતું.

‘અલબત્ત, આમાં મારા-મૅડમના સંબંધની વાત નહીં હોય, કેમ કે એ જાહેર ક્યાં હતું?’

‘તમારે દર્શાવવા હોય અર્ણવ તો પણ મને વાંધો નથી.’

‘ધન્ય મૌનવી. પણ હું એની જરૂર નથી જોતો. જેટલું જાહેર છે, ડૉક્યુમેન્ટેડ છે એનો જ આધાર રાખ્યો છે. સિરીઝનો નફો ચૅરિટીમાં જશે...’

કલાકારને એ જ સાચી શ્રદ્ધાંજલિ. ખેર, નાઝનીનના બૅનર હેઠળ તેમની આખરી પેશકશ વેબ-સિરીઝ ‘દાસ્તાન’ આવતા અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. નયનતારાએ પાત્રમાં જીવ રેડી દીધો છે, વહેમી પતિ તરીકે અર્ણવે અભિનયની નવી ક્ષિતિજ સર કરી છે.

જરૂર જોજો.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK