કથા-સપ્તાહ - વળગાડ (મને ભૂત દેખાય છે - 4)

વાદળ ગરજ્યા, વીજ ઝબૂકી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  


ગઈ કાલથી જામેલો વરસાદ પોરો ખાવાના મૂડમાં નથી. રાત્રિની નીરવતામાં ઘરના નળિયા પર વીંઝાતી વરસાદની બૂંદો તાંડવ કરતી લાગી, જોરથી વીંઝાતા પવનના મારથી અફળાતી રસોડાની બારી બંધ કરવા ઊઠેલી સૂર્યા બારીનું હૅન્ડલ પકડી ચાપડી હટાવે છે કે થંભી જવાયું.

અરે, બાજુમાં દેવીબાના રૂમની લાઇટ ચાલુ કેમ! રમા સુવાવડ માટે પિયર ગઈ છે, બાની તબિયતે ચારેક દહાડાથી ઠીક નથી. તાવની અશક્તિને કારણે કેવાં નંખાઈ ગયાં છે! આજે જ મેં અજિતભાઈને કહ્યું કે હજીય તાવ ન ઊતરે તો ગામવૈદ્યના પડીકાને બદલે નવસારીથી મોટા ડૉક્ટરને જ તેડાવો..

અજિતભાઈનું ખોરડું મોટું એટલે વહુની ગેરહાજરીમાં કામ અટકે નહીં, પણ બાની સારસંભાળ માટે સૂર્યા દિવસના દસ આંટા મારતી. બાનું હેત જ એવું. મારો આકુ તો તેમને કેટલો લાડકો!

મધરાતે તેમની રૂમની લાઇટ ચાલુ જોઈને સૂર્યાને ચિંતા થવી સ્વાભાવિક હતી. બા આમ તો રાતે ઊઠતાં નથી. તેમની તબિયત વધુ બગડી હશે? અજિતભાઈ રહ્યા પુરુષ માણસ. એ બિચારાને સૂઝેય નહીં પડતી હોય... લાવ તો હું જ જરા ડોકિયું કરતી આઉં!

સૂર્યાએ રૂમમાં જઈ આકારને ચકાસ્યો. ૬ વર્ષનો દીકરો ગાઢ નિદ્રામાં પોઢ્યો છે. તેનું ઓઢવાનું સરખું કરીને તે છત્રી લઈ વાડાના રસ્તે બહાર નીકળી, દરવાજે આગળો મારી ઝડપથી બાજુના દ્વારે પહોંચતા સુધીમાં અડધીપડધી ભીંજાઈ ગઈ. દરવાજો અંદરથી બંધ હતો, પણ એની ચોપટના મિજાગરાં ઢીલાં હોવાનું જાણતી સૂર્યાએ એકાદ-બે હડસેલો મારતાં બારણું ખૂલ્યું. વરસાદના તોફાનમાં એનો અવાજ કોઈને સંભળાયો નહીં હોય.

ત્યાંની લાઇટ પાડી નાવણિયું વટાવી, રસોડામાંથી હૉલમાં પ્રવેશીને તે પૂજારૂમની બાજુના બાના ખંડ તરફ વળી સાદનાખવા જાય છે કે ‘બહુ થઈ તારી મનમાની ડોસલી!’

અજિતનો કરડાકીભર્યો‍ અવાજ સાંભળીને તે દોડી આવી. અધખૂલા દરવાજાની ફાટમાંથી જે દૃશ્ય જોવા મળ્યું એ માટે સૂર્યા તૈયાર નહોતી. પલંગ પર સૂતેલાં દેવીબાના વાળ ખેંચી અજિત જુબાનથી ક્રોધ વરસાવી રહ્યો છે.

‘કૉલેજ માટે તારે જમીન દેવી છે કાં! પારકાં પાછળ બધું લૂંટાવી દીકરાને ભીખ માગતો કરવો છે તારે?’

દેવીબહેન છટપટાતાં હતાં. દીકરાએ હાથની પકડથી ભીંસાયેલા મોંને કારણે કંઈ પણ કહેવા તેઓ લાચાર હતાં! દીકરો જ દુશ્મન બને ત્યારે મદદ માટે બૂમ પણ કોને પાડવી!

સૂર્યા! એ જ એક વ્યક્તિ મને ઉગારી અજિતનો પર્દાફાશ કરી શકે એમ છે, પણ તેનેય કેમ પોકારવી!

દીકરાની ભીંસ વધતી હતી. નજર સામે મોત તાંડવ કરતું હતું. જેને ૯ મહિના કોખમાં રાખ્યો એ જ મારા પ્રાણ હરશે એવું કદી ધાર્યું કેમ હોય! હા, તેને મારાં દાનધરમ નથી ગમતાં એનો ખ્યાલ હતો, લગ્ન પછી તે ઊંચા અવાજે બોલીયે જતો ત્યારે રમાવહુ તેને ઠારતી, પણ તેની ગેરજહાજરીમાં કૉલેજની જમીનના મામલે તે આમ છાતીએ ચડી બેસશે એવું કેમ ધરાય! પોતે માંદાં પડ્યાં ન હોત તો કૉલેજ માટેની જમીન દેવાઈ ગઈ હોત, એ ન બને એ માટે દીકરો માને મારી નાખવાની અધમ કક્ષાએ જશે?

‘બધું તારા નામે છે એનો તને ફાંકો છે ડોશી.. પણ હવે બહુ થયું. તખ્તો હવે પલટાઈ જવાનો.’

અજિતના રાઠોડી પંજાની ભીંસ વધી અને છટપટતાં દેવીબહેનના ડોળા દરવાજાની ફાટ પર સ્થિર થયા: સૂ...ર્યા!

€ € €

...માજીની આંખો મને આજીજી કરે છે, ‘મારો જીવ જાય છે, દ્વારે શું ઊભી છે, પડકાર અજિતને અને મને બચાવ... મારો શ્વાસ ગૂંગળાય છે, દીકરાના હાથે મરી મારે અવગતે નથી જવું, તું જ મારી

આખરી ઉમ્મીદ છે, સૂર્યા મારી મ...દ...દે... આવ...!’

હાંફતા શ્વાસે કહેતાં સૂર્યાબહેનના કપાળની નસો ફૂલી ગઈ, ભૂતકાળની ભયાનક ભૂતાવળે હૈયું હાંફવા લાગ્યું.

‘અજિતની પીઠ મારા તરફ છે, તેને મારી હાજરીનો અણસાર નથી. મારે દોડી જવું છે, મારાં બાને મારી જરૂર છે, પણ... પણ...’ તેમના કપાળેથી પસીનો નીતરવા લાગ્યો, ‘પણ મારા પગ નથી ઊપડતા, મારી ચેતા થીજી ગઈ છે. અજિતનું આ રૂપ નવું છે. હું તેને પહોંચી નહીં વળું. તેના મગજ પર ખૂન સવાર છે. જમીનના ટુકડા માટે માને મારનારો વચ્ચે પડનારી મને છોડતો હશે! મન રોકે છે અને હૈયું ખેંચે છે - તારો પહેલો ધર્મ મરતાને બચાવવાનો છે, સૂર્યા. આમાં જીવ ગયો તો પણ તારા દીકરા માટે તું ગવર્રૂાપ બની જઈશ.’

દ્વંદ્વની પિસામણી તેમના વદન પર કોતરાઈ ગઈ.

‘છેવટે હૈયું જીત્યું, હું કમાડ ખોલવા જાઉં છું... ૫ણ આ શું? બાના ડોળા ફાટી ગયા? મારા પર ટકેલી તેમની નજર ફિટકારતી રહી - તું મને બચાવવા ન આવી!’

સૂર્યાબહેનના ચહેરા પર તાણ છવાઈ, ‘મારી નજર સામે મેં બાનું ખૂન થવા દીધું... હું તેમને બચાવી ન શકી... જુઓ... આજે પણ એ નજરોનો થીજેલો ભાવ મને વઢી રહ્યો છે... તેં મને કેમ ન બચાવી, મારો જીવ અવગતે કેમ જવા દીધો! જુઓ બાનુ પ્રેત મને દેખાય છે - તે મને નહીં છોડે. મને ન...હીં...’

ચીસ નાખી બેઠાં થઈ ગયાં સૂર્યાબહેન, આંખો ખૂલી ગઈ. આ શું?

નજરે પડતી પરિસ્થિતિ દિમાગમાં ઉતારતાં થોડી સેકન્ડ લાગી. આ તો દવાખાનાની રૂમ જેવી લાગે છે, હું પલંગ પર છું, સામે આકાર, તુલસી અને સફેદ કોટવાળા ડૉક્ટર જ હોવા જોઈએ...

‘આ...આ...કુ... મને અ....હીં ક્યાંથી...’

‘શીશ્ તું સૂઈ જા મમ્મી, તને તાવ હતોને એટલે નવસારીની મોટી હૉસ્પિટલમાં લાવ્યાં છીએ.

તાવ! સૂર્યાબહેન થોડાં ડઘાયાં. દેવીબાને પણ તાવ જ હતોને! ફરક એટલો કે તેમના દીકરાએ માને મારી, મારો આકુ મને હૉસ્પિટલ લઈ આવ્યો!

‘આ ડૉક્ટર નથવાણી તુલસીના પિતાના પરિચિત છે. હમણાં ઇન્જેક્શન મૂકશે એટલે સારું થઈ જશે.’

ત્યારે વિનાવિરોધ સૂર્યાબહેને ઇન્જેક્શન લઈ લીધું. વળી આંખો ઘેરાવા લાગી.

€ € €

‘આ છે વળગાડનું સત્ય.’

પેશન્ટને સુવડાવી કૅબિનમાં બેઠક લેતા આધેડ વયના અનુભવી ડૉ. નથવાણીએ સામે ગોઠવાતાં આકાર-તુલસીને સમજાવ્યું.

‘એક તો પોતે પ્રિય વ્યક્તિની હત્યાનાં સાક્ષી બન્યાં, તેમની મૂક આજીજી છતાં તેમને બચાવી ન શક્યાં એનો વસવસો ઘૂંટાતો ગયો, મૃતક જીવની સદ્ગતિ નહીં થઈ હોય એ વિચાર આત્માને ડંખતો રહ્યો અને પાપની લાગણી એટલી હદે હાવી થઈ કે તેમને ‘બાનું પ્રેત’ દેખાવા માંડ્યું! ખરેખર તો એ તેમની ગિલ્ટ હતી.’

માના વળગાડમાં હત્યાનો ભેદ હતો! ‘દેવીબાની આંખો મને ફાડી ખાશે.’ વળગાડના બનાવમાં મા અચૂક આવું કહેતી. એ આંખો એટલે દેવીબાની મૃત્યુ સમયે મદદ માગતી આંખો!

મા કેટલું સહેતી રહી. આકારની આંખે ઝળઝળિયાં બાઝ્યાં. તુલસીએ આકારનો પહોંચો દબાવ્યો.

‘દેવીબા બીમાર હતાં, તેમના મૃત્યુમાં કોઈને શક ઊપજ્યો નહોતો. અજિતની છાપ પણ સારી, પ્રતિષ્ઠિત પરિવારમાં ખૂન જેવી ઘટના ઘટે એવી ધારણા પણ કોને હોય! એ સમયે ગામમાં સરકારી દવાખાનુંય ન મળે, વૈદે સવારે આવી દેવીબાને મૃત જાહેર કર્યાં, તેમની ભવ્ય સ્મશાનયાત્રા નીકળેલી. અજિતકાકા તો કેટલું રડેલા - મા, તું મારા સંતાનનું મોં જોવાય ન રોકાણી?’

આકાર હાંફી ગયો, ‘દેવીદાદીના દેહાંત બાબત મેં આ જ બધું સાંભળ્યું છે. સવાલ એ છે કે માએ આજે કે પછી ક્યારેય કેમ અજિતની કરણીનો પર્દાફાશ ન કર્યો‍? બાને બચાવી ન શકી, માન્યું; પણ પછી શું કામ ચૂપ રહી? કાકાને આજેય ખબર નહીં હોય કે પોતાના ગુનાનો કોઈ ગવાહ પણ છે!’

તુલસી વિચારમાં પડી.

હજી ગઈ બપોરે પોતે માને મળવા પહોંચી ત્યારે રતનમાસી ન દેખાયાં, માની રૂમમાંથી કોઈ પુરુષનો અવાજ આવ્યો...

‘આ બાબતમાં ઇનકાર થયો તો સાચે જ દેવીબાના ભૂતને લાવ્યા વિના મારે છૂટકો નહીં રહે.’

ધમકીભેર કહી સડસડાટ નીકળતો પુરુષ પોતાની સાથે અથડાયો - સરપંચ અજિતભાઈ!

પોતે જે જાણ્યું-સાંભળ્યું એ તુલસીએ દેખાવા ન દીધું. અજિતભાઈ પણ ઉતાવળમાં હોય એમ નીકળી ગયા. અજિતના વાક્યનો મર્મ સમજવા મથતી તુલસી માની રૂમ આગળ પહોંચી કે ચોંકી જવાયું.

અદૃશ્યમાં તાકતી સૂર્યાબહેનની કીકીમાં ભય થીજતો જતો હતો.

વળગાડની પૂર્વ નિશાની! લક્ષણ પારખતી તુલસીએ બહાર દોડી આકારને મોબાઇલ જોડ્યો; ખેતરેથી તરત રિક્ષા લઈ આવી જવાનું કહ્યું. ફોન પત્યો કે માની ચીસ ફૂટી હતી- ધાજો રે ધાજો...

... મા બેહોશ થયાં ત્યાં જ આકાર રિક્ષા સાથે આવી ઊભો. બેહોશ થયેલી માને છાતીસરસી ચાંપી બેઠેલી તુલસીને નિહાળી આકારનું હૈયું બોલી ઊઠ્યું- માની મારા જેટલી દરકાર તુલસીને જ હોયને!

‘રિક્ષા લાવ્યા છો? આપણે માને નવસારીની સરકારી હૉસ્પિટલ લઈ જઈએ છીએ - અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી હૉસ્પિટલના માનસિક રોગ વિભાગના એક્સપર્ટ ડૉ. નથવાણી સાથે મારા પપ્પાનો પરિચય છે. તેમણે વાત કરી લીધી છે.’

તુલસીએ આટલું બધું વિચારી લીધું! ગદ્ગદ થતા આકારને એક જ શબ્દ

ખટ્યો - માનસિક રોગ!

‘નહીં...નહીં...’ તેણે ઘૂંટણિયે ગોઠવાઈ માને પોતાના તરફ ખેંચી, હેતથી માથું ચૂમ્યું, ‘મારી મા કંઈ પાગલ થોડી છે!’

તુલસી સમજતી હતી કે આ જ એક ફડકથી આકાર જેવો સમજુ પણ માને દવાખાને લઈ જવાનું ટાળતો હોય, બટ નાવ નો મોર એક્સટેન્શન!

‘માને તમે નહીં બતાવો આકાર તો આ વળગાડ જરૂર એક દી તેમને ગાંડાં કરી મૂકશે... તમે મા પર મારો જરાજેટલોય હક સમજતા હો તો દલીલ ન કરો.’

બસ, પછી આકાર કંઈ બોલ્યો નહીં. બેહોશ માને લઈને બેઉ રિક્ષામાં નીકYયાં એ ગામવાળા માટે નવું કૌતુક બની રહ્યું. અજિતભાઈ ક્યાંય દેખાયા નહીં. કેવળ રમાબહેને સધિયારો આપ્યો, ‘સૂર્યાને સાજી કરીને લાવજો હોં!’

તુલસી-આકાર હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે દર્શનભાઈ-ધર્મિષ્ઠાબહેન હાજર હતાં, આકાર તેમની હૂંફ અનુભવી શક્યો. ડૉ. નથવાણી સાથેના બ્રીફિંગમાં એટલી ખાતરી મળી કે તેમની સારવાર જરૂર રંગ લાવવાની. માને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં દ્વિધા ન રહી, તુલસી સતત તેની સાથે હતી. આજે બપોર સુધીમાં જુદી-જુદી ટેસ્ટ્ કરી ડૉક્ટર માને ટ્રાન્સમાં લઈ ગયાં તો કેવું રહસ્ય ખૂલ્યું!

જોકે મા ઘટનાનાં સાક્ષી હોવાનું અજિતભાઈથી છૂપું હોય એ હું માનવા તૈયાર નથી... સાચે જ માનું ભૂત તેડાવું પડશે એ શબ્દપ્રયોગ જ સૂચવે છે કે અજિતભાઈ-મા વચ્ચેની કોઈ કડી હજી ખૂલવાની બાકી છે!

અત્યારે તુલસીએ પોતાનો આ તર્ક મૂકતાં આકારના કપાળે કરચલી ઊપસી - અજિતકાકા માને મળવા શું કામ આવ્યા હશે!

‘કાલે આપણે વધુ એક પ્રયત્ન કરી જોઈશું’ ડૉક્ટરે આશાવાદ ઉચ્ચાર્યો‍, ‘માત્ર ખ્યાલથી ત્યાર પછી કોઈ સવાલ વણઊકલ્યો નહીં રહે.’

અને ખરેખર બીજી બપોરના સેશનમાં સૂર્યાબહેનને ટ્રાન્સમાં લઈ જઈ ડૉક્ટરે મેળવેલા ખુલાસા પછી તમામ બાબતો સ્પષ્ટ હતી.

‘છતાં એક સવાલ હજી રહે છે’ આકારે તુલસીને નિહાળી, ‘હવે શું?’

€ € €

‘આકુ માને લઈને આવી ગયો!’ વળતી સવારે રતનના હરખભર્યા પોકારે ટોળું ભેગું થઈ ગયું. ચાર દહાડે પાછાં ફરેલાં સૂર્યાબહેનમાં જોકે દેખીતો ફેર નહોતો. તુલસી તેમને રૂમમાં દોરી, સુવડાવી પાછી આવી ત્યારે આકાર એકઠા થયેલા પાડોશીઓને કહી રહ્યો હતો-

‘...અને બસ, ડૉક્ટરે કહી દીધું કે માના મગજને કોઈ તકલીફ નથી, બાકી ભૂતપ્રેતમાં વિજ્ઞાન માનતું નથી. વળગાડ જેવો કોઈ રોગ જ દાકતરી બુકમાં નથી, તો ઇલાજ શું હોય!’ 

‘આ તો મેં તને અહીં બેઠાં-બેઠાં કહી દીધું હોત’ અજિતભાઈનો ખટકો ઊપસ્યો. ‘પણ વડીલોને પૂછવા-મૂકવાનું ચલણ આજની પેઢીમાં રહ્યું જ નથી.’

આમ કહી તેમણે બહાર આવતી તુલસી તરફ કતરાઈ લીધું. એ દહાડે અથડાયેલી તુલસી સૂર્યાને સારવાર માટે શહેર લઈ ગયાનું જાણી થોડા અસ્વસ્થ થઈ ગયેલા અજિતભાઈ. સૂર્યા હોશમાં હોત તો કદાપિ જવા તૈયાર ન થાત. આ છોકરી કશું ઊંધુંચત્તું ન કરે તો સારું!

રમાએ તો કહ્યું પણ ખરું કે આપણે સૂર્યાની ખબર કાઢવા હૉસ્પિટલ જવું જોઈએ, પણ પોતે ટાળી ગયા - આકારે માને લઈ જતાં પહેલાં આપણને પૂછ્યું? એમ કહી છેદ ઉડાડી દીધો. પણ હકીકત જુદી હતી. સૂર્યાની સારવારમાં શું નીકળ્યું હશે એની પજવણીમાં ચેન વળે એમ નહોતું, કયા સંજોગોમાં પોતે શું કરવું એની યાદી ગોખતા રહેલા, આજે આકારની માની ટ્રીટમેન્ટનું પરિણામ જાણી બોજ જેવો ઊતર્યો‍ એમાં તેઓ ફુલ ફૉર્મમાં આવ્યા.

‘ખેર, તને માને તપાસી સંતોષ મળ્યો હોય તો એની ખુશીમાં વધુ એક ખુશખબર સાંભળો-તેમણે ગરદન ટટ્ટાર કરી, ‘ત્રણ દિવસ પછીના શુભ મુરતમાં મારી સુગંધાનું વેવિશાળ આકાર જોડે કરીએ છીએ.’

હેં... આકાર-તુલસી જાણે ચમકી ગયાં. રમાબહેને હળવો ધક્કો અનુભવ્યો. સરપંચના મકાનના પહેલા માળની બાલકનીમાં ગોઠવાયેલી સુગંધા હેબતાઈ ગઈ.

‘સૂર્યા સાથે મારી વાત થઈ ચૂકી છે. તેની સંમતિને હું આકારની સંમતિ માની લઉં છુ.’ કોઈને કંઈ પણ બોલવાનો મોકો આપ્યા વિના તેમણે ઉમેર્યું, ‘આ શુભ પ્રસંગે આખા ગામને નિમંત્રણ છે. જરૂર પધારજો!’

પછી તો ગામમાં આ જ ખબરની ચર્ચા ચાલી. જોકે વિવાહના શુભ દિને શું થવાનું છે એની કોને ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK