કથા-સપ્તાહ - વળગાડ (મને ભૂત દેખાય છે - 3)

બીજાં બે અઠવાડિયાંમાં તુલસી સુખવા ગામમાં ગોઠવાઈ ગઈ.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


શાળાના મકાનને રંગરોગાન કરાવી એનું ઉદ્્ઘાટન પોતાના ઉપરી અધિકારી પાસે કરાવ્યું. બહુ રંગેચંગે પ્રસંગ પાર પડ્યો. નવી ઑફિસ કરી હતી એટલે તુલસી હમણાં તો નિયમિત અહીં આવતી, ગામલોકોને મળતી, ખેડૂતોમાં ભળતી, દર વખતે આકાર સાથે હોય એવું બનતું નહીં. હા, તેને ગ્રામજનો સાથે સીમ તરફ આવતી ભાળીને ઘરે નીકળેલા આકારનું ફટફટિયું તેને તાકવાની બેધ્યાનીમાં ખાડામાં ઊતરી જાય એવું જોકે બનવા માંડ્યું. ક્યારેક તે સંધ્યા ટાણે જુવાનિયાઓ જોડે વૉલીબૉલ રમતો હોય અને તુલસી ગુજરે તો હાથ પડે જ નહીં અને બૉલ સીધો તેના માથા પર! દરેક કિસ્સામાં પાછું વળીને જોતી તુલસી પાંપણ ઊંચી કરી શું થયું એમ પૂછે અને આકારનો જવાબ હોઠે જ ગૂંગળાઈ જાય!

આકારની ગેરહાજરીમાં પણ તુલસી તેના ઘરે પહોંચી જતી. સૂર્યામા સાથે તો જાણે તેનાં બહેનપણાં થઈ ગયાં હતાં.

‘મને મારા આકારની ચિંતા રહે છે.’ તુલસી સાથે મન મળ્યા પછી સૂર્યાબહેન તેને સરળ રીતે કહેતાં, ‘મારા વળગાડે મારા દીકરાનું ભવિષ્ય રૂંધી નાખ્યું છે... તું તો જાણે છેને એના વિશે? જાણે એ પળોમાં મને શું થઈ જાય છે...’ તેઓ થરથરી ઊઠતાં. નાજુક તબક્કે તુલસી વાત બદલી કાઢતી...

‘જરા ઊભા રહો તો...’

એક સાંજે તે આકારના ઘરેથી નીકળી કે બાજુની સરપંચની હવેલીમાંથી સાદ પડ્યો. જોયું તો પહેલા માળની બાલ્કનીમાં પોતાના જેવડી જ યુવતી દેખાઈ.

‘તમે તુલસી છોને? હું સુગંધા.’

સુગંધા! આ બધી ધમાલમાં વીસરાઈ ગયેલું પાત્ર ઝબકી ઊઠ્યું. છોકરી રૂપાળી છે. આકારનાં લગ્ન ન થવા પાછળ સૂર્યામાનો વળગાડ છે, પણ અજિતરાય-રમાબહેન આકારની પ્રગતિમાં ખુશી દાખવે એમાં શું છે? આકાર પણ તેના ઉલ્લેખે કેવા ઝળહળી ઊઠેલા. તુલસીએ હોઠ કરડ્યો.

ત્યાં તે ઊભી થઈ... ના, ઊભી થવા તેણે કાખઘોડીનો સહારો લીધો અને તુલસી ચમકી - આનો મતલબ...

‘બાર વર્ષની ઉંમરે મને પોલિયો થયો, ત્યારથી... ખેર, મારું છોડો. તમે સારી પ્રવૃત્તિ શરૂ કરી છે, મા કહેતી હતી.’ તેણે સ્મિત વેર્યું. ‘તમને અભિનંદન આપવા પાછળથી ટોક્યાં. કદી ફુરસતે ઉપર આવજો.’

‘જરૂર.’

પછીથી આકારને કહેતાં તે ખીલી ઊઠ્યો, ‘તું સુગંધાને મળી!’

‘નૉટ એક્ઝૅક્ટલી. મેં માત્ર નીચેથી તેને જોઈ. જાણ્યું કે તેને પોલિયો...’

‘ધેટ્સ ધ ટ્રૅજેડી. હું તેનાથી છએક વર્ષ મોટો હોઈશ, પણ નાનપણમાં અમે ખૂબ રમ્યાં છીએ. ત્યારે અમારો વરંડો કૉમન હતો. વચ્ચે દીવાલ તો ઢો૨ની રંજાડને કા૨ણે હમણાં થઈ એટલે સરળતાથી અમે અકમેકના ઘરે જઈ શકતાં. હું જ તેના ઘરે જતો, તે મારે ત્યાં આવતાં ડરતી - માના વળગાડને કારણે.’ આકારે ગળું ખંખેર્યું, ‘ખેર, પછી તો બાળવયે તેને પોલિયો થતાં જમણો પગ નકામો થઈ ગયો, કાખઘોડી તેનો સહારો બની ગઈ અને પહેલો માળ તેની દુનિયા... ભણી પણ તે ઘરે જ.’ આકારે ઉમર્યું, ‘છતાં હસમુખી. મારી તો તે બહેન જેવી.’

આકારના છેલ્લા વાક્યે તુલસી ઝળહળી ઊઠેલી : હાશ!

આ હાશકારો શાનો હતો? મન પૂછે છે, જવાબ આપે તો હૈયું શાનું?

€ € €

તુલસી!

રાત્રિ વેળા ફળિયામાં ખાટલો ઢાળીને ખુલ્લી આંખે આડો પડેલો આકાર મધુર મલકે છે, આભના ચંદ્રમાં મને આ કોનાં દર્શન થાય છે!

‘તારી મમ્મીને ભૂત દેખાય છે!’

દૂર ભૂતકાળમાંથી આવતા અવાજે આકારનું સ્મિત સુકાયું. પોતે ત્રણ વર્ષનો થયો ત્યારે પિતાજી પાછા થયા. તેમના હેતનું તો સ્મરણ નથી, પણ બાજુવાળાં દેવકુંવરદાદીની ઝાંખી સ્મૃતિ છે ખરી.

કેટલું જાજરમાન વ્યક્તિત્વ દેવકુંવરદાદીનું. માને તેમની સાથે બહુ ભળતું. પપ્પાના દેહાંત પછી તેમનાય મા પ૨ ચાર હાથ હતા. ગામમાંય તેમનો એટલો જ વટ. ગાંધીજીના આદશોંને અનુસરનારાં દેવકુંવરબાએ પતિના દેહાંત બાદ ખેતી પણ સંભાળી, દીકરા અજિતને સારી રીતે ઉછેર્યો અને ગ્રામસેવામાં સદા અગ્રેસર રહ્યા. ગામના પાદરનું તળાવ પણ તેમણે જ બંધાવેલુંને. શાળા માટે જમીન દીધી. હોશિયાર છોકરા-છોકરીને દાન દઈ ભણવ્યાં પણ ખરાં. ઘણીવાર ગામના વડીલો બોલી જતા હોય છે કે દેવીબા હોત તો ગામમાં કૉલેજ કરી દીધી હોત. આજે હજી હાઇ સ્કૂલેય નથી. 

અલબત્ત, ત્યારે આ બધું જાણવા-સમજવાની તમા ક્યાં હતી? મા છાશવારે બાજુમાં જતી અને દેવીબા પોતાને ખોળામાં બેસાડીને શીરો ખવડાવતાં એવું કંઈક યાદ રહ્યું છે.

બાળકો જેમને પ્રિય હતાં એ દેવકુંવરબા જોકે પોતાની પોતરીને રમાડવા ન પામ્યાં. ચોમાસાના દિવસો હતા. રમાવહુ સુવાવડ માટે પિયર ગઈ હતી, આ બાજુ દેવકુંવરબા તાવમાં એવાં સપડાયાં કે અમાસની ઘનઘોર રાત્રે પ્રાણપંખેરું ઊડી ગયું! આકાર ત્યારે ૬ વર્ષનો.

‘તમે કદાચ જાણતા હો અજિતભાઈ, મૃત્યુના મહિના અગાઉથી અમારી દેવકુંવરબા જોડે વાટાઘાટો ચાલતી

હતી - ગામમાં એગ્રિકલ્ચર કૉલેજ કરવા તેઓ સીમ આગળનો તમારો વિશાળ ખાલી પ્લૉટ દાન કરવાનાં હતાં. તમારા પિતાજીના નામે કૉલેજ થાય એવી તેમની પ્રબળ ઇચ્છા હતી.’

બાના ક્રિયાપાણી પત્યા પછી શહેરથી આવેલા મોવડીમંડળે અજિતભાઈને વિનંતી કરી જોઈ, પણ...

‘બાએ આ વિશે મને કંઈ કહ્યું નથી. કેમ કે બધી સત્તા બાને હતી એટલે તેમણે મને પૂછવાનું ન હોય.’ અજિતભાઈ સાચવીને બોલ્યા, ‘એમ આટલી મોટી વાત બા મારાથી છાની શું કામ રાખે?’

‘એટલે તમે એમ કહેવા માગો છો કે અમે બાનું નામ વટાવી ખાવા માગીએ છીએ?’

‘મારે એટલું જ કહેવું છે મહાશય કે આ વિષયમાં હું આપની કોઈ મદદ કરી શકું નહીં.’

અજિતભાઈનું વલણ આકારને આજેય સ્વાભાવિક લાગે છે એમ કોઈ બાના નામે ઉઘરાણી કરતું આવે એથી દાન-ધર્માદો ઓછો કરી દેવાય! જોકે એ પછી કૉલેજની ચર્ચા ક્યારેય ઊખળી નહીં. માની પુણ્યાઈ યાદ અપાવી પાંચેક ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા અજિતભાઈ ખાસ તો દેવીબાનું લોહી છે એટલે આજેય કોઈ તેમની સામે ઊભા રહેવાનું વિચારી શકે નહીં!

ખેર, દેવીબા અણધાર્યાં ગુજર્યાં, કૉલેજવાળી વાત પતી એના અઠવાડિયા પછી માએ ચીસ નાખી હતી - ધાજો

રે ધાજો...

વળગાડની એ શરૂઆત હતી. ૬ વર્ષનો આકાર માના એ રૂપથી એવો હેબતાયેલો કે બે દહાડા તેને અવાજ નહોતો ફૂટ્યો!

ગામઆખામાં એક જ ચર્ચા - સૂર્યાને દેવકુંવરબાનું ભૂત વળગ્યું છે! ગામના વડીલોએ ભેગા થઈ મંત્ર-તંત્ર બધું અજમાવી જોયું, પણ ધરાર જો વળગાડ કાબૂમાં આવતો હોય!

ના, આમ તો મા એકદમ સામાન્ય હોય, પણ પહેલા દસ-પંદર દહાડે ને પછી ધીરે-ધીરે મહિને-બે મહિને ઝળકતો વળગાડ પછી કશું જ સામાન્ય ન રહેવા દે! સારા-માઠા પ્રસંગે માની હાજરી ગામવાળાને ગભરાવતી એટલે પછી માએ સામાજિક વહેવારમાં જવાનું બંધ કર્યું.

...અને મનેય ક્યાંય જવા ન દેતી... આકારે વાગોળ્યું.

દીકરો સ્કૂલ જાય તો પણ ઘણી વાર તેની પાછળ-પાછળ જાય, શાળા છૂટે ત્યાં સુધી ઊભી રહે!

‘તારી મા ઘેલી છે, ગાંડી થતાં વાર નહીં લાગે.’ ગામવાળા કહેતા અને આ બધાં પરિબળોએ આકારને નાની વયે પીઢ બનાવી દીધો. ભણવામાં હોશિયાર આકાર નિયમિત અખાડે જતો, થોડાં વર્ષોથી રેઢા પડેલા ખેતરે જવા માંડ્યું. બીજાનું જોઈ-જોઈને શીખતો ગયો. ૧૭ વર્ષની ઉંમરે દસમાના વેકેશનમાં તેણે શેરડીનો પહેલો પાક લીધો ત્યારે ગામવાળા મોંમાં આંગળાં નાખી ગયેલા.

‘તારો આકાર તો ગામનુ નાક છે. તેને હવે શહેરમાં મોટી શાળામાં ભણવા મોકલ.’ બાજુવાળાં રમાકાકી માને કહેતાં.

બા પાછાં થયાં. સૂર્યાને વળગાડ વળગ્યો ત્યારે સુવાવડ કાજે પિયર ગયેલાં રમાબહેને કન્યારત્ન સાથે પધરામણી કરી ત્યારથી સૂર્યા-આકારની દેખરેખ રાખતાં. આમેય સૂર્યા પ્રત્યે તેમને સખીભાવ તો હતો જ. આકાર ઢીંગલી જેવી સુગંધાને કેટલું રમાડતો. શરૂ-શરૂમાં ગામલોકો છાના સાદે કહેતા એ રમાબહેને પતિને ખૂલીને પૂછી લીધેલું - ક્યાંક તમે કૉલેજની જમીન ન દીધી એથી માનો આત્મા અવગતે ન ગયો હોયને!

‘છટ’ અજિતભાઈએ તેમને તુચ્છકારી નાખેલાં- એવું હોય તો મા મને દેખાય, પારકાને શું કામ નડે? અને માની ઇચ્છા અધૂરી છે એવું તો સૂર્યા બોલી નથી, ઊલટું મા મને આંખોથી વીંધી નાખશે એવું જ કહેતી હોય છે! અંહ, આ તર્કમાં દમ નથી!’

ત્યારે એ મુદ્દો તો પડતો મૂકવો પડ્યો, પણ સૂર્યાને હુમલો આવે એ અરસામાં મા-દીકરાને જાળવવામાં રમાબહેન પહેલાં હોય. માની દેખરેખ માટે આખા દિવસની બાઈ રતનને રખાવનારાં પણ તેઓ જ.

જોકે દસમા પછી આકારને ગામબહાર ભણવા મોકલવાની વાતે સૂર્યાબહેન ભડકી ગયેલાં - મારો લાલ ક્યાંય નહીં જાય! ખેતીમાં જે ઊપજશે એ પૂરતું થઈ રહેશે... છોકરાને આંખોથી દૂર મોકલી મારે ગુમાવી નથી દેવો!

સૂર્યાબહેન દીકરાને છાતીએ ચાંપી દેતાં. માનું એ જ રૂપ આકાર માટે સાચું. માની ઇચ્છાને ઉપરવટ જઈ આકારે પણ ક્યાં ભણવું હતું? ઊલટું હું શહેર જાઉં અને અહીં માને વળગડનો હુમલો આવે તો શુંનું શું થઈ જાય! ગામમાં તો હું બહુ-બહુ તો સીમમાં હોઉં...

આકારે આગળ ભણવાનું માંડી વાળ્યું, પણ શીખવાનું ન છોડ્યું. તે ઘડાતો રહ્યો. ખેતીની મહત્તમ ઊપજ તે લેતો થયો.

દરમ્યાન સુગંધાને પોલિયો થતાં સરપંચના ઘર પર જાણે વીજળી પડી હતી. વહાલસોયી દીકરી માટે મુંબઈ-અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં દોડી વળ્યા અજિતભાઈ, પણ પરિણામ શૂન્ય! સુગંધા ત્યારે ૧૨ વર્ષની, કપરા ગાળામાં આકાર તેને હસાવતો, પ્રેરણા આપતો. રમાબહેનને એથી પણ આકારનું દાઝતું. સૂર્યાબહેનને કહેતાં પણ - તારા બત્રીસલક્ષણા આકાર માટે વહુરાણીય એવી જ રૂમઝૂમ કરતી આવશે...

પણ ના. આકારની લાયકાત વિશે બેમત નહોતો, પણ માને વળગાડ હોય એવા ઘરમાં દીકરી કોણ આપે?

...એ સત્ય આજે પણ નથી બદલાયું આકાર.

અત્યારે આભના તારલા પોકારીને પોતાને કહેતા હોય એમ ઝબકી ગયો આકાર.

તુલસીના શમણામાં ખોવાવાનો તને અધિકાર જ નથી, કેમ કે તારી માને આજે પણ વળગાડ છે, તું સભ્યસમાજનાં માબાપ માટે અસ્પૃશ્ય છે!

આકારને લાગ્યું કે ક્રૂરપણે નિયતિ મારાં અરમાનોનું ગળું ઘોંટી રહી છે. તે અશ્રુ વહાવ્યા વિના બીજું કરી શું શકે!

€ € €

‘અજિતભાઈસાહેબ, આપ!’ બપોરની વેળા સરપંચને આંગણામાં પ્રવેશતા ભાળી રતન ચમકી, ‘આકુ તો ખેતરે હશે, સાહેબ.’

‘જાણું છું. કેમ મારાથી સૂર્યાની ખબર કાઢવા ન અવાય?’

બેધડક અંદર તરફ જતા સરપંચને જોઈને રતનની જીભ ઝલાઈ ગઈ.

આ રીતે તો તેમને આવતા કદી ભાળ્યા નથી!

‘અરે, હા, રતન...’ બારસાખે સરપંચ અટક્યા. ગજવામાં હાથ નાખી ૫૦૦ રૂપિયાની નોટ રતનને દેખાડી, ‘જા સુખરામ કંદોઈને ત્યાંથી કિલો-બે કિલો મીઠાઈ લઈ આવ. ત્યાં સુધી હું ખુશખબર સૂર્યાને કહી દઉં!’

ત્યારે રતને નીકળી જવું પડ્યું અને અજિતભાઈ સડસડાટ દાખલ થઈ ગયા, પહોંચ્યા સૂર્યાના ઓરડે.

કબાટ સરખું કરતાં સૂર્યાબહેન કોઈના પગરવે ચમક્યાં. નજર ઊઠતાં ચોંકી જવાયું - અજિતભાઈ, અહીં, અટાણે!

‘કેમ છે સૂર્યા?’

તેમના પગલે સૂર્યાબહેનનું હૃદય ફફડવા લાગ્યું, કપાળે પ્રસ્વેદ ફૂટ્યો, પાતળા સાદની ચીસ ફૂટી, ર...ત...ન.

‘તેને મેં મીઠાઈ લેવા મોકલી છે. આકારના સગપણની!’

એવાં જ સૂર્યાબહેન ઝળહળી ઊઠ્યાં - મારા આકુનું સગપણ!

‘કોણ પેલી તુલસી જોડે? એ છોડી મને બહુ વહાલી લાગે છે.’

‘તારા દીકરાનેય કદાચ લાગતી હશે, પણ એ બનવાનું નથી.’ અજિતભાઈના સ્વરમાં સહેજ સખતાઈ ભળી, ‘આવતા અઠવાડિયે તેનું વેવિશાળ આપણે મારી સુગંધા સાથે કરીએ છીએ.’

‘સુ...ગં...ધા...’ સૂર્યાબહેન ડઘાયાં.

‘કેમ, મારી લાડલીમાં શું ખોટ છે! હા પોલિયો છે, પણ એથી શું? તમારી સેવામાં હું નોકરચાકર મોકલીશ, મારો વારસો, સરપંચની ગાદી બધું આકારને જ મળવાનો ફાયદો તો જુઓ.’

તેમણે એવા જ દમામભેર ઉમેર્યું, ‘આ બાબતમાં ઇનકાર થયો તો સાચે જ દેવીબાના ભૂતને લાવ્યા વિના મારે છૂટકો નહીં રહે!

સાંભળીને સાચે જ ભૂત દેખાતું હોય એમ સૂર્યાબહેનની છાતી હાંફવા માંડી. તેમને હતપ્રભ હાલતમાં મૂકી ધમધમાટ બહાર નીકળતા અજિતભાઈ ઘરના પ્રવેશદ્વારે કોઈક જોડે અથડાઈ પડ્યા.

તુલસી!

સરકારી અધિકારીને જોઈને સરપંચને સમજાયું નહીં કે એ હજુ હમણાં જ આવી કે પછી અમારી વાતો સાંભળી ગઈ?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK