કથા-સપ્તાહ - વળગાડ (મને ભૂત દેખાય છે - 2)

વળગાડ!


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


સુખવા ગામની મુલાકાતને બે અઠવાડિયાં થવા આવ્યા છતાં આ શબ્દ તુલસીના માનસ પરથી હટતો નથી...

‘અરે, આકાર, તું આવ્યો છે, આ છોકરી જોડે?’ રમાબહેન અંદર ગયાની બીજી મિનિટે મલમલનો પડદો હટાવીને પ્રવેશનાર સુખવાના જાજરમાન સરપંચ અજિતભાઈએ તુલસીને સ્મિતથી આવકારીને હીંચકાની બેઠકે ગોઠવાતાં આકારને પૂછ્યું હતું. તેમની વાણીમાં આકાર માટેનો ભાવ છતો થતો હતો.

‘જી’ આકારે તુલસીનો પરિચય આપ્યો, આગમનનું કારણ વિસ્તારથી સમજાવ્યું. પછી અડધોએક કલાક કામની વિગતો ચર્ચાઈ. અજિતભાઈને જોકે ખેડૂતોની સમસ્યામાં કે એના નિરાકરણમાં ખાસ રસ હોય એવું લાગ્યું નહીં.

‘વાંક સરકારનો છે. લોન દઈ-દઈ ખેડૂતોને ફટવે છે અને પછી લોનમાફીના નાટકથી વોટબૅન્ક તગડી રાખે છે! આજે મહેનત કરવી છે કોણે?’

તેમનો આક્રોશ વધુપડતો ભાસ્યો, કારણ ઉપરછલ્લું લાગ્યું.

‘સર, ચોમાસા પહેલાં ગામનું તળાવ ઊંડું કરવાનો ઑર્ડર તમે કોઈને આપ્યો છે?’

અજિતભાઈની આંખ સહેજ ઝીણી થઈ, પછી હસ્યા, ‘આ બધું પણ તમારે જોવાનું છે?’

‘નો, સર...’

‘ધેન વૉટ આઇ સજેસ્ટ, તમે તમારા કામ પર ફોકસ રાખો. બાકી ખેડૂતોની સભાનું કંઈક ગોઠવીશું.’ પછી આકારને નિહાળ્યો, ‘આકાર, આ બહેન તને ક્યાં ભટકાણાં?’

અજિતભાઈને એ જાણવામાં વધુ રસ લાગ્યો કે પછી મને ટાળવાની આ ચેષ્ટા છે? સરપંચનો ઢીલો પ્રતિભાવ તુલસી માટે પડકારરૂપ હતો. અહીં તો સુધારાનો કેટલો સ્કોપ છે. ગામની જમીન ઉપજાઉ છે. યોગ્ય ઢબે પાક લેવાની સમજ ખેડૂતોને દેવાય તો ગામડું નંદનવન બની શકે એમ છે. સરપંચશ્રીને આવો બદલાવ લાવીને દેખાડવો રહ્યો! લાગે છે અહીં મારે વારંવાર આવતા રહેવું પડશે અથવા તો આ જ ગામમાં નાનકડું કાર્યાલય ખોલી દીધું હોય તો?

‘આકાર, અમારે તાલુકાદીઠ એક કાર્યાલય ખોલવાનું હોય છે, એકાદ હૉલ જેવું હોય તો બહુ થયું, જ્યાં બધા ભેગા મળી શકીએ અને સરકારી યોજનાઓનાં ડિસ્પલે મૂકી શકાય.’ અજિતભાઈનો મેળાપ પતાવીને પગથિયાં ઊતરતાં તુલસીએ પૂછી લીધું, ‘આ ગામમાં તમારા ધ્યાનમાં એવી કોઈ જગ્યા છે ખરી? આપણે ભાડાપેટે લેવાની છે.’

‘સમજો તમારું કામ થઈ ગયું.’ આકારે ચપટી વગાડી, ‘ગામના પાદરે જતાં તળાવને અડીને જૂની શાળાનું મકાન છે, વપરાશમાં નથી, સાફસફાઈ, રંગરોગાન કરાવી એનો વર્ગખંડ ઉપયોગમાં લઈ શકાય... ભાડુંય નહીં દેવું પડે.’

‘ભાડાની ચિંતા નથી આકાર. એ તો સરકાર આપશે જ, પણ બંધ થયેલી શાળાના જીર્ણોદ્ધાર કરાવવા જેવા વિચાર તમારા સરપંચને કેમ નથી આવતા? અજિતભાઈએ ગામની કાયાપલટ કરી હોય એવું મને નથી લાગતું. છતાં ચાર-પાંચ ટર્મથી એ માણસ બિનહરીફ ચૂંટાય એ કેવું!’ ઝાંપા સુધી પહોંચતાં તુલસીના હોઠે આવી ગયું, ‘તમારું પોટેન્શ્યલ મેં થોડા કલાકમાં પારખ્યું, આકાર, એ શું ગ્રામજનોથી અજાણ્યું હોય! શા માટે તમે આગળ નથી આવતા, શા માટે લોકો તમને આગળ નથી કરતા?’ હાથ હલાવી કશું કહેવા જતી હતી કે ખ્યાલ આવ્યો, ‘અરે, મારું પર્સ તો હું ભીતર ભૂલી ગઈ!’

પર્સ લેવા તે ઉતાવળે પગથિયાં ચડી, હૉલમાં પહોંચતાં જોયું તો રમાબહેન પર્સ દેવા જ આવતાં હતાં. ‘તું ભૂલી ગઈ.’

‘પણ એક સવાલ પૂછવાનું યાદ આવી ગયું...’ સહેજ હાંફતા શ્વાસે તેણે કુતૂહલને વાચા આપી, ત્રીજું કોઈ હતું નહીં એટલે ખુલાસો થઈ શકે એમ હતું, ‘આકાર બાબત.’

ઝીણાભાઈની કૂથલીનો સંદર્ભ દઈને તુલસીએ કરેલી પૃચ્છાએ રમાબહેને નિ:શ્વાસ નાખ્યો, ‘ગામનું હીર છે આકાર. દીવો શું સૂરજ લઈને શોધવા નીકળો તોય તેના જેવું પાત્ર ન મળે... પણ બિચારો કુંવારો રહ્યો છે તેની વિધવા માના વાંકે.’

તુલસી સાંભળી રહી.

‘પરિવારમાં મા-દીકરો બે જ. આર્થિક સ્થિતિ પણ ઠીક-ઠીક સધ્ધર તોય એવા ખોરડે કોઈ કન્યા નથી દેતું તુલસી, કેમ કે તેની મા સૂર્યાને વળગાડ છે!’ ભયાનક ભેદ કહી નાખવાના શ્રમે હાંફી ગયાં રમાબહેન, ‘સૂર્યા પર પ્રેતની છાયા છે. તેમને દેખાતું પ્રેત બીજા કોઈનું નહીં, મારાં સાસુ દેવકુંવરનું છે!’

ધારણા બહારનું કારણ સાંભળીને તુલસી હતપ્રભ બની.

વળગાડ કે ભૂતપ્રેતમાં પોતે માનતી નથી, પણ આકારથી માંડી અજિતભાઈ-રમાબહેન કોઈ અભણ, ગમાર નથી છતાં...

‘અમે ભૂત-ભૂવામાં નથી માનતાં એવું કહેવું આસાન છે છોકરી...’ તુલસીના વિચાર પામી ગયાં હોય એમ રમાબહેન બોલી ઊઠ્યાં, ‘પણ બાનું પ્રેત દેખાય ત્યારે સુકલકડી બાઈ ચાર-છ પુરુષોથી ઝાલી ન ઝલાય એટલું જોશ તેનામાં આવી જતું હોય છે! અનુભવ વિના કદાચ તું નહીં માને તુલસી,

પણ તારા ન માનવાથી હકીકત ઓછી બદલાવાની?’

ત્યારે તો પોતે વિના દલીલ નીકળી. આકારને પણ કશું જતાવ્યું નહીં, ઘરે પણ વાત નથી કરી, છતાં વળગાડની વાત દિમાગમાંથી નીકળી નથી, નીકળે પણ કેમ? અનેક પ્રકારની અંધશ્રદ્ધાને કારણે આપણો દેશ આમેય વગોવાયેલો છે. એ વિશે વાંચ્યું છે, જાણ્યું છે, પણ એકવીસમી સદીમાં ગ્રામજનોનો શિક્ષિત સમૂહ વળગાડમાં માને એ કેવું!

નહીં નહીં, આ કેવળ અંધશ્રદ્ધા છે, બીજું કંઈ નહીં! તુલસીએ વધુ એક વાર જાતને સમજાવી.

€ € €

‘આકાર, આજે તો તમારા ઘરની મહેમાનગતિ માણવી છે.’

પહેલી મુલાકાતના અઢારમા દહાડે શાળાના મકાનનું નક્કી કરવા બાબત બીજી વાર ગામ જવાનું બન્યું ત્યારે અગાઉથી આકારને જાણ કરી રાખેલી. બસ-સ્ટૅન્ડ પર તે હાજર હતો, અજિતભાઈની મંજૂરી, ચાવી તેણે મેળવી લીધેલી એટલે બેઉ સીધાં જૂની શાળાએ જ પહોંચ્યાં. નાનકડું પ્રાંગણ ધરાવતી શાળામાં ‘એલ’ આકારમાં આઠ ઓરડા હતા.

‘વાહ, તમે તો આંગણું વળાવી, સાફસફાઈ કરી કલાસરૂમ તૈયાર રાખ્યો છે!’

‘રંગરોગાન કરાવીશું તો બિલ્ડિંગ હાઇક્લાસ થઈ જશે.’ આકાર પણ કેવો થનગનતો હતો.

‘જરૂર. પછી તો મારે અઠવાડિયાના બે-ત્રણ દિવસ અહીં આવવાનું બનશે... બોર નહીં થાઓને!’

‘નહીં રે તું... તમે આવો તો ગમશે.’

‘મને તમારો તુંકારો ગમશે આકાર’ કહી પોતે તેના ઘરે જવાની વાત મૂકતાં તે સહેજ ખચકાયો.

‘શું થયું, હું આવું એ તારી મમ્મીને નહીં ગમે?’

તુલસીના ધ્યાનમાં હતું કે આકાર ભાગ્યે જ તેના ઘરની, માની વાત ઉખેળતો.

‘હોતું હોય!’ આકારનું માતૃગૌરવ રણઝણી ઊઠ્યું. ‘મારી મા તો મહેમાનને ભગવાન સમજનારી... બસ, ક્યારેક...’ તેણે નિ:શ્વાસ ખાળ્યો. ખભા ઉલાળ્યા, ‘બેટર છે, તું જાતે જ મારી માની મહેમાનગતિ નિહાળી લે.’

આકારની બાઇક પર પોતે જોશભેર નીકળી તો ખરી, પણ તેના આંગણામાં પગ મૂકતાં થથરી જવાયું.

‘મા, જો તો કોણ આવ્યું છે?’ આકારે ઊંચા સાદે બૂમ મારી. કાછિયો વાળેલી બાઈને અંદરથી આવતી જોઈ તુલસી ગૂંચવાઈ.

‘આ રતનમાસી છે. માની દેખરેખમાં રહે છે.’ આકારે ઊંડો શ્વાસ લીધો, ‘તારાથી શું છુપાવવું, તુલસી, વાત એમ છે કે...’

આકાર આટલું કહે છે ત્યાં સ્ત્રીની કાળી ચીસે વાતાવરણ કંપાવી દીધું,

‘મા...! આકાર-રતન પાછળ તુલસી પણ દોડી.

‘ધાજો રે ધાજો!’

રૂમના પલંગના પાયાને વળગીને બેઠેલી પચાસેક વર્ષની પ્રૌઢ સ્ત્રી સાદા સાડલામાં છે, તેની સપ્રમાણ કાયા અક્કડ બની છે, સુંદર મુખ પર ભય થીજી ગયો છે, અદૃશ્યમાં કશુંક ભયજનક ભાળતાં હોય એમ પહોળી થયેલી કીકીમાં હેબત ડોકાય છે.

‘જુઓ... દેવીબાનું પ્રેત મને ડરાવે છે... કેવી બિહામણી નજરથી મને ડારે છે... તે મારું ધનોતપોત કાઢી નાખશે. ઓ મા, કોઈ તો મને બચાવો...’ એ ધડાધડ પલંગના પાયા પર માથું અફળાવા લાગ્યાં.

‘મા!’ આકાર દોડી ગયો, રતન સાથે તુલસી પોતે મથી ત્યારે માંડ સૂર્યાબહેન કાબૂમાં આવ્યાં.

‘આ...કુ...’ છેવટે દીકરાને ઓળખી તેના ખભે હાશ ગુમાવી ઢળી પડ્યાં.

આકારે એમનું ડ્રેસિંગ કર્યું. પલંગ પર પોઢાવ્યાં, થાક્યાં હોય એમ સૂર્યાબહેન ઘસઘસાટ ઊંઘી પણ ગયાં! બહાર આંગણે વળેલું ટોળું વિખેરાઈ ગયું.

‘તુલસી, જોયું, મારી માને વળગાડ છે’

‘મેં સાંભળ્યું હતું આકાર, પણ...’ તુલસી સ્તબ્ધ હતી, ‘ઇટ્સ અનબિલીવેબલ!’

આજ પછી કોઈ બીજું મને વળગાડ વિશે કહે તો હું એને અંધશ્રદ્ધા ગણી શકીશ ખરી? તુલસી પાસે આનો જવાબ નહોતો.

€ € €

‘મારી માન્યતા સ્પષ્ટ છે, તુલસી... શ્રદ્ધાનો વિષય હોય ત્યાં બુદ્ધિ બાજુએ મૂકી દો અને અંધશ્રદ્ધા હોય ત્યાં રૅશનલ બનો.’ પિતાએ એક જ વાક્યમાં દીકરીને માર્ગદર્શન આપી દીધું.

બપોરના અનુભવમાંથી તુલસી હજીય પૂરી મુક્ત નથી થઈ. ઘરે આવી પપ્પા-મમ્મીને કહ્યા વિના ન રહેવાયું. સરકારી કર્મચારી તરીકે દીકરીએ ઉઠાવેલી જહેમતનો માબાપને ગર્વ હતો એમ આવા કોઈ બનાવથી ગભરાવી તેને વધુ નર્વસ કરવાની ન હોય...

‘તેં જોયું એ સાચું બેટા, પણ એનું અર્થઘટન ખોટું. આપણે ઈfવરને જોયો નથી, પ્રેતને નિહાળ્યું નથી એટલે જોયા વિના ઈfવરમાં માનીએ તો પ્રેતમાં પણ માનવું ઘટે એ દલીલ અર્થહીન એટલા માટે છે, કેમ કે એક શ્રદ્ધા છે, બીજી અંધશ્રદ્ધા. પ્રેતની જેમ વળગાડ પણ કેવળ અંધશ્રદ્ધા છે, એને તર્કથી તોલો.’

તુલસીની સમજબારી ખૂલી ગઈ, આ મામલામાં ઊંડા ઊતરવાનું નક્કી કરી લીધું. સત્યને ખાતર, એથી વિશેષ કદાચ, આકારને ખાતર!

પોતાનો પ્રયત્ન ભૂતકાળના પટારામાંથી કયું રહસ્ય બહાર આણશે એની તુલસીને ત્યારે ક્યાં ખબર હતી?

€ € €

બીજાં બે અઠવાડિયામાં તુલસી સુખવા ગામમાં ગોઠવાઈ ગઈ.

શાળાના મકાનને રંગરોગાન કરાવી એનું ઉદ્્ઘાટન પોતાના ઉપરી અધિકારી પાસે કરાવ્યું. બહુ રંગેચંગે પ્રસંગ પાર પડ્યો. રંગબેરંગી ધજાપતાકાથી આંગણું સજાવાયું હતું. બાળકો વંદેમાતરમ ગાવા હાજર હતાં, સરપંચ અજિતભાઈએ સરકારની પહેલને બિરદાવવા બે શબ્દો કહ્યા, સાહેબ પાસે રિબિન કપાવી નાળિયેર ફોડવાનો વારો આવ્યો કે તુલસી ટહુકી, ‘આનો અધિકાર કેવળ એક જ વ્યક્તિને હોય.. શાળાની આ કાયાપલટ પાછળ, આજની આ તૈયારી પાછળ જેનો હાથ છે અને ગામનું હિત જેના હૈયે છે એ આકાર જાડેજા!’

હું! આકાર ડઘાયેલો.

‘આકાર, આ હક છે તમારો.’

સો-સવાસો જેટલા મહેમાનો વચ્ચે તુલસીએ આકારને આપેલા સન્માન બદલ સૌથી વધુ તાળી અજિતભાઈએ પાડી હતી.

‘તુલસી, વીત્યા દિવસોમાં આપણી વચ્ચે કેવળ આજના ફંક્શન વિશે વાતો થતી રહી-’ છેવટે ભીડ વિખેરાયા પછી તુલસી સાથે વર્ગખંડમાં એકાંત મેળવી આકારે કહ્યું હતું, ‘મને થયું મા વિશે જાણ્યા પછી તને અંગત ચર્ચા ઉખેળવાનું મન નહીં હોય.’

‘એથી ઊલટું છે, આકાર. માની હાલત વિશે મારે વિસ્તારથી ચર્ચા કરવી હતી એટલે ફંક્શન પત્યાની રાહ જોતી હતી... પણ પહેલાં મને ફરી મા પાસે લઈ જાઓ, મારે તેમના આશિષ તો લેવાના જ હોય!’

સદ્્ભાગ્યે સૂર્યાબહેન એ દિવસે એકદમ સ્વસ્થ જોવા મળ્યાં, ‘આ છોકરી કોણ છે, આકુ, મેં ન ઓળખી!’

ઉનાળાના તડકામાં મસાલા સૂકવતાં સૂર્યાબહેન દીકરા સાથે પ્રવેશતી અજાણી કન્યાને ભાળી નવાઈ પામ્યાં.

‘હું આવી જ પહેલી વાર હોઉં તો તમે મને ક્યાંથી ઓળખો મા!’

તેણે પણ આકુની જેમ મને મા કહી, કેવા ભાવથી, મારા આશિષ લેવા ઝૂકી!

‘હાય હાય આકુ, તું આની જોડે પરણી તો નથી આવ્યોને!’ ભોળાભાવે પૂછીને તેમણે લજ્જાતી તુલસીને નિહાળી, ‘છોકરી છે રૂપાળી હોં.’

‘મા-મા’ લાલચોળ બનેલા આકારે કહેવું પડ્યું, ‘આ તુલસી છે મા. ખેતી માટેની સરકારી અધિકારી.’

‘ઓહ!’ સૂર્યાબહેને જીભ કચરી, ‘હુંય વાલામૂઈ! તું મને પૂછuા વિના ઓછો પરણવાનો! તું બેસ દીકરી, હું ચા-નાસ્તો લાવી.’

ક્યાં પેલા દહાડે વળગાડથી ધ્રૂજતાં મા અને ક્યાં આજની વાત્સ્લયમૂર્તિ!

‘માને મારાં લગ્નની બહુ હોંશ છે, તુલસી. પણ પોતાને વળગાડ હોવાનું પણ તે જાણે છે એટલે મારું ઠેકાણું નથી પડતું એના વસવસામાં તને નિહાળી મનગમતું શમણું પંપાળી લેવાની ચેષ્ટા તને ખટકી હોય તો...’

‘મને બેશક ખટક્યું, આકાર. તમારું આમ ગુનેગારની જેમ બોલવું અને...’ તુલસીએ તેના બાવડે ચીંટિયો ભર્યો. ‘મને તમે મિત્ર તરીકે તો ઓળખાવી જ શક્યાં હોત.’

સાંભળીને આકાર તુલસીને તાકી રહેલો... શમણાં પરોવાવાની એ શરૂઆત હતી? જવાબ કોણ આપશે?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK