કથા-સપ્તાહ - વળગાડ (મને ભૂત દેખાય છે - ૧)

રે ગરમી...

valgad

અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

શહેરથી નીકળેલી બસ ૩૨-૩૫ કિલોમીટરની યાત્રા ખેડીને ધાર્યા મુકામે પહોંચતા સુધીમાં તો તુલસી ઉનાળાના તાપથી ત્રાહિમામ્ પોકારી ગઈ. માનવજાતે શું હાલત કરી મૂકી છે ધરતીમાની! સૂરજ એની ઊગમી ગુમાવી રહ્યો છે તોય પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એ કેવો વિરોધાભાસ!

એમ તો પપ્પા મુંબઈથી વતન નવસારી શિફ્ટ થયા એમાં પણ લોકોને તો વિરોધાભાસ જ લાગેલોને... મુંબઈ છોડાતું હશે!

કામધંધા માટે દર્શનભાઈ મુંબઈ મૂવ થયેલા, સૂઝ-આવડતથી ધંધામાં ઘણું કમાયા, પણ પછી નાની ઉંમરમાં Xદયરોગના ઉપરાઉપરી બે હુમલા થતાં પત્ની ધર્મિષ્ઠાબહેન જીદ કરી તેમને નવસારીના વતન તાણી લાવ્યાં. ઘર તો હતું જ, થોડી ઘણી જમીન ખરીદીને ખેતી શરૂ કરી... આપણા વડવા એ જ કરતા હતાને!

તેમની એકની એક દીકરી તુલસી ત્યારે ૧૪ વર્ષની. બે વારના હાર્ટ-અટૅક પછી પપ્પા-મમ્મીની વર્તણૂકમાં, રહેણીકરણીમાં આવેલું પરિવર્તન તુલસીથી અજાણ્યું નહોતું. અગાઉ આડેધડ હોટેલમાં જવાનું બનતું, પાર્ટીની દેખાદેખી હતી અને એ લાઇફ-સ્ટાઇલને મેઇન્ટેઇન રાખવા પપ્પાએ દોડતા રહેવું પડતું. આમાં કોઈનું દબાણ નહોતું, પણ સ્વીકૃત ગણાયેલી મુંબઈની જીવનચર્યાના ફળસ્વરૂપ પપ્પાને નાની વયે હાર્ટ-અટૅક આવતાં માએ નક્કી કરી લીધું : હવે બહુ થયું! દર્શનભાઈની આમાં સંમતિ હતી.

નવસારી મૂવ થવાનું તુલસીને શરૂઆતમાં બહુ કઠ્યું. મુંબઈની ત્યાંની ચમકદમક, રોનક અહીં ક્યાં! પણ

ધીરે-ધીરે અણખટ નેપથ્યમાં ધકેલાતી ગઈ.

અહીં સવાર લતાના કંઠમઢી ભજનાવલિથી ઊગે. સૂરજનાં કિરણો પથરાય ત્યારે આંગણે તુલસીની પૂજા કરતી માનું દૃશ્ય કેવું રમણીય લાગે. હાથ-મોઢું ધોઈને તુલસી પણ પપ્પા જોડે યોગની કસરતમાં જોતરાઈ જાય. ખાવાનું પણ સાત્વિક. આર્થિક સધ્ધરતા અહીં પણ હતી અને તોય મા વાડામાં શાકભાજી ઉગાડતી, મસાલા ઘરે વાટતી. ચોખ્ખાં હવાપાણી, ખોરાક અને નિયમિત દિનચર્યાનું પરિણામ ૬ મહિનામાં દેખાવા માંડ્યું : પપ્પાની હેલ્થ બેટર થઈ. અમે કદી માંદા પડ્યાં હોય એવું સાંભરતું નથી અને સૌથી વિશેષ, અમે એકમેકની વધુ નજીક આવ્યાં... તાળો માંડતી તુલસીને એટલો જ રસ પડ્યો ખેતીમાં. દર્શનભાઈના મોસાળમાં ખેતી હજી ખરી એટલે આ ફીલ્ડ તેમને માટે સાવ અજાણ્યું નહોતું. બેચાર વર્ષમાં તેઓ બિયારણની ઓળખથી મોસમના વર્તારામાં એક્સપર્ટ થઈ ચૂકેલા. છુટ્ટીઓમાં તુલસીના ધામા ખેતરે જ હોય. સ્વાભાવિકપણે તેણે ભણવામાં પણ એગ્રિકલ્ચર પર કળશ ઢોળ્યો.

‘તમે છોકરીને સાવ દેશી બનાવી દીધી છે. આજકાલના છોકરાઓને ફુલફટાક યુવતી ગમે... તેનાં લગ્નનો મેળ કેમ બેસશે! કે પછી કોઈ સામાન્ય ખેડૂત જોડે જ પરણાવવાનાં છો?’

નિકટના સ્વજનો આમ પૂછતાં-કહેતાં એમાં ક્યાંક સાચે જ તુલસીના ભવિષ્યની ચિંતા હશે, પણ દર્શનભાઈ-ધર્મિષ્ઠાબહેન ટાઢક રાખતાં: દેશીપણું એટલે શું? છોકરી પૂરાં કપડાં પહેરે એટલે દેશી? બાકી અમારી તુલસી અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતમાં પણ માહેર છે, ટ્વિટર-ફેશબુકને એ સમયનો બગાડ માને છે એથી અકળાવાને બદલે એ જુઓ કે એ જ ઇન્ટરનેટથી તેણે જુદા-જુદા ગામના ખેડૂતોને એક પ્લૅટફૉર્મ પર સાંકળી કૉલેજનો ઇનોવેટિવ પ્રોજેક્ટ પાર પાડ્યો છે. અંહ, રૂડીરૂપાળી અમારી તુલસી માટે અમને કહેવાતો મૉર્ડન નહીં, પોતાના મૂળિયા સાથે જોડાયેલો જુવાન જોઈએ, એ ખેડૂત હોય તો ગર્વની વાત છે. આખરે ખેડૂત જગતનો તાત છે!

અંગે યૌવન બેઠું, બંધ પાંપણના પ્રદેશમાં શમણાના તિનકા ભેળા થતા ગયા એમ તુલસી નીખરતી ગઈ. આદર્શ જીવનસાથીની કલ્પના તેને મુગ્ધ કરી જતી, પરંતુ સંયમનો ગુણ પણ તેને સુલભ હતો.

‘સૌથી મહત્વનો મુદ્દો ખેડૂતોની વધતી આત્મહત્યાનો છે... ખેડૂત દેવું કરી મોંઘું બિયારણ ખરીદે, ટેક્નૉલૉજી વસાવે પણ ધાર્યો પાક ન થતાં આપઘાત કરવાનો જ રહે છે એ પરિસ્થિતિમાં મને ક્યાંક સંકલનનો અભાવ જણાય છે... ખેડૂતને એજ્યુકેટ કરવાની જરૂર છે. કેવળ દેવામાફી એ ઉકેલ નથી.’

હજી છ મહિના અગાઉ, એગ્રિકલ્ચરની માસ્ટર્સ ડિગ્રીના અંતિમ પ્રોજેક્ટમાં તુલસીએ આપેલા વ્યક્તવ્ય અને સુઝાવો પર યુનિવર્સિટીના ડીન એટલા પ્રભાવિત થયા કે ગયા મહિને જાહેર થયેલા પરિણામની બપોરે તેમણે ટૉપર રહેલી તુલસીને અપૉઇન્ટમેન્ટ-લેટર થમાવી દીધો હતો - ખેતીના પ્રચાર-પ્રસાર અધિકારી તરીકે તારી સરકારી નિમણૂક થઈ છે, નવસારી જિલ્લાનાં ગામડાંઓની ખેતીવાડીમાં ઉત્થાનની જવાબદારી નિભાવવી ગમશેને?

ઇનકારનો સવાલ નહોતો. માતાપિતાના આમાં આર્શીવાદ હતા અને પોતાને સોંપાયેલી કામગીરીમાં પાર ઊતરવા તુલસી કટિબદ્ધ હતી.

ઑફિસમાં હાજરી પુરાવી તે સીધી એગ્રિકલ્ચર કૉલેજ પહોંચી જતી. અહીં જ પોતે ભણી હતી. લાઇબ્રેરીમાં

રેફરન્સ-બુક્સ ઉલેચીને તે મહેસૂલ-ખાતામાં જિલ્લાના પાકની વિગતો મેળવતી અને સાથે સરકારી યોજનાઓને સંલગ્ન કરી તેણે તારણ તારવ્યાં હતાં. હવે એના પ્રચાર-પ્રસાર માટે દરેક ગામની રૂબરૂ મુલાકાત લેવાની હતી, ખેડૂતોને ભેગા કરી તેમને તેમની ભાષામાં સમજાવવાના હતા. તેમને એવું ન લાગવું જોઈએ કે આજકાલની આવેલી આ છોકરી અમને શું શીખવવાની!

અઠવાડિયાના ટૂંકા ગાળાનો સાર કાઢવો હોય તો કહી શકાય કે કમસે કમ ગુજરાતનાં ગામડાં હવે ધૂળવાળાં નથી; પાકી સડક છે, વીજળીની સુવિધા છે, ઘણાં ગામ તો કૅશલેસ બન્યાં છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિના છાંટણા હજીય અહીં ક્યાંક જોવા મળે છે અને છતાં ખેતી માટે વીજળીચોરી કે પાણીચોરીની બદનિયત પણ આંખ-કાન ખુલ્લાં રાખીને નિહાળી શકો! 

આવા અનુભવ વચ્ચે આજે અમલસાડ નજીકના સુખવા ગામમાં આગમન. આજુબાજુનાં ચાર-છ ગામ ફરી લેવાની ધૂન સાથે બસમાંથી ઊતરતી તુલસીએ આસપાસ નજર દોડાવી, સાડીના છેડાથી કપાળનો પ્રસ્વેદ લૂછuો.

ધમધોખતા તાપમાં ચકલુંય ફરકે એમ નહોતું. થોડી વારમાં પાદરના બસસ્ટૅન્ડ નજીક વડની છાયામાં ઊભી રહી. ત્યાં બસના રસ્તે, દૂરથી એક બાઇક આવતું દેખાયું. એના સવારની દેહાકૃતિ કેવી ભવ્ય જણાતી હતી. નજીક આવતાં મુછાળા જુવાનની સોહામણી મુખાકૃતિ રાજાધિરાજ જેવી કાંતિવાન જણાઈ. અજાણી યુવતીને નિહાળી તે સામેથી ઊભો રહ્યો.

‘થૅન્ક્સ’ આભાર માની તુલસી મલકી, ‘મારે અજિતભાઈને મળવું છે - ગામના સરપંચ. ’

‘ઓહ, અજિતકાકા’ મરૂન રંગના પઠાણીમાં શોભતા ગોરા જુવાને ફટફટિયાને કિક મારી, ‘બેસી જાઓ, છોડી દઉં.’

સહેજ ખચકાઈ તુલસી પાછળ બેઠી. અજાણ્યા જુવાનના ખભે હાથ મૂકતાં સંકોચ થયો એટલે હૅન્ડલ પકડી રાખ્યું. રસ્તા જોકે કાચા નહોતા અને જુવાન બહુ સહજપણે બાઇક ચલાવી રહ્યો હતો.

‘તમે અજિતભાઈનાં સગાં તો લાગતાં નથી’ તે બોલ્યો. ‘તેમની હવેલી અમારી શેરીમાં જ છે. અમારી બાજુનું જ મકાન. તમને ક્યારેય ત્યાં આવતાં-જતાં જોયાં નથી એટલે...’

‘અજિતભાઈ સાથે મારે કોઈ સગપણ નથી. હું તો સરકારી કર્મચારી છું.’ તુલસીએ પરિચય દઈ ઉમેર્યું, ‘આજે તમારા ગામની ઊડતી મુલાકાતે આવી છું. ખેતીની હાલત અને ખેડૂતોની સમસ્યા, જો હોય તો, સમજવાનો હેતુ છે.’

‘ઓહ, ત્યારે તો તમે ખરા વખતે આવ્યાં, તુલસી. મારે ચીકુની નાનકડી વાડી છે, થોડી શેરડી છે. મારે જાણવું છે કે... ’

તેની સાથે ટેક્નિકલ ચર્ચામાં તુલસીને મજા પડી. દસમું પાસ જુવાન ખેતીમાં ઘડાયો છે, ઇન્ટરનેટના ઉપયોગથી આધુનિક પદ્ધતિઓથી વાકેફ રહે છે એ સરાહનીય ગણાય. ચર્ચા કરવાનો તેનો સ્તર જ સૂચવે છે કે જુવાન હોશિયાર છે. ખેતી માટેની તેને કેવી લગની છે!

આમ તો ગામના રસ્તા હરિયાળા હોય, પણ અહીં સરકારી રોપાઓની દેખરેખ થતી હોય એવું લાગ્યું નથી. તળાવ પણ સુકાયેલું લાગ્યું, એને ઊંડું કર્યું હોય તો!

‘તમારા ક્ષેત્રમાં આવાં કામો પણ આવે?’

‘એમ તો નહીં, પણ બીજા પ્રશ્નો ન હોય તો ખેડૂત ખેતી પર પૂરતું ધ્યાન તો આપી શકેને.’

સાંભળી જુવાન મલક્યો. સાઇડ મિરરમાં ઝિલાતું તેનું સ્મિત કેવું મોહક લાગ્યું.

ત્યાં બાઇક શેરીમાં દાખલ થઈ. સામસામે હારબંધ ઊભેલાં લાંબાં-પહોળાં મકાનો મોકળાશવાળાં લાગ્યાં, વચ્ચે કૂવો હતો. ઓટલે કે બારીએ બેઠેલા વૃદ્ધ નિવૃત્ત કુતૂહલવશ તુલસીને નિહાળી રહ્યા. મકાનોની હારમાં બેત્રણ ગાળાની વિશાળ હવેલી જુદી તરી આવતી હતી. જુવાને ઝાંપે બાઇક ઊભી રાખી, ‘આ જમણી બાજુનું ઘર મારું.’

સરપંચની હવેલી જેવું મોટું નહીં છતાં સુઘડતામાં નોખું તરી આવતું પાકું મકાન. આંગણામાં રંગોળી અને દીવાલે ચીતરેલાં હાથી-મોરલાને કારણે જુદી જ ભાત ઊપસાવતું હતું.

‘ટ્રૅક્ટર અને ગાય-ભેંસ પાછળ વાડામાં છે. જતાં પહેલાં સાદ પાડજો, મારી વાડીનાં ચીકુ-શેરડી તમને આપવાં છે.’

‘છૂટાં ક્યાં પડો, તમારા સરપંચ જોડે મેળવશો નહીં? અજિતભાઈ કેવા માણસ છે? એ વિશે વાત કરવાની રહી ગઈ.’

‘અજિતકાકા ત્રણેક હજારની વસ્તીવાળા અમારા ગામના સૌથી મોટા માણસ છે. પાંચેક ટર્મર્થીી અમે તો તેમને જ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાતા જોયા છે.’

ત્યારે તો તેઓ સહેજેય ફિફ્ટી પ્લસ હોવાના...

‘હા, ૫૨-૫૩ના હશે. તેમને એક દીકરી છે - સુગંધા. બહુ મીઠડી છે.’

આમ કહેતાં તે કેવો ખીલી ઊઠ્યો. અજિતભાઈની દીકરી અમારા જેવડી જ હોય... આને તુલસીથી પૂછ્યા વિનાન રહેવાયું,

‘અરે, તમારું નામ તો કહો.’

‘અરે, આકાર!’ ત્રીજા ઘરની મેડીએથી પોકાર પડતા જુવાને એ તરફ જોયું.

‘શું વાત છે’ પંચાતિયા ગણાતા ઝીણાભાઈએ તપખીર તાણી, ‘તું છવ્વીસનો થયો, પણ કોઈ છોકરી દેતું નથી એટલે....’ ગાલાવેલું હસીને તેમણે ઓકી નાખ્યું, ‘બહારની બાઈઓ ફેરવવા માંડી?’

તુલસી ડઘાઈ. ગામમાં આવું સ્વાગત થશે એમ ધાર્યું નહોતું, એ તો ઠીક, પણ આકાર જેવા સોહામણા ધરતીપુત્રને કોઈ કન્યા કેમ ન આપે?

આકારે જરાય અસ્વસ્થ થયા વિના શર્ટની બાંય ચડાવી, ‘મૅડમને પંચનામું કરવા લાવ્યો છું, કાકા - તમારું!’

આકારની સશક્ત ભુજા અને તેવર જોઈને ફફડેલા કાકાએ બારી વાસીને રાડ નાખી - અરે, કોઈ દરવાજો બંધ કરજો, પેલો રાક્ષસ મને મારી ન નાખે!

તુલસીથી હસી પડાયું. પળવાર તેને મુગ્ધતાથી તાકી આકાર સભાન થયો, ‘ક્ષમા કરજો, મારી આડમાં તમારું અપમાન થયું, પણ જોજો હોં, આ એક નમૂના પરથી મારા ગામવાસીઓને સરખા ન ધારી લેતા.’

પોતાના ગામ વિશે કેટલો સંવેદનશીલ છે જુવાન! તુલસીએ સ્મિત વેર્યું, ‘જે ગામની નવી પેઢીના પ્રતિનિધિ જેવા તમે હો આકાર, તેના વિશે ગમે તેવી ધારણા બંધાય પણ કેમ?’

ત્યારે એ કેવો ઝળઝળ થઈ ઊઠ્યો. છતાં તુલસીને કુતૂહલ તો ૨હ્યું. આકારને કેમ કોઈ કન્યા નહીં આપતું હોય? એનો પાછો કોઈ ક્ષોભ આકારમાં કળાતો નથી. પૂછવા જેટલી આત્મીયતા હજી ક્યાં છે? બની શકે, આકારને સુગંધાની જોડે મહોબ્બત હોય, પણ તેની સ્થિતિ અજિતભાઈ જેવી નથી એટલે સરપંચનો રિશ્તામાં વિરોધ હોય અને આ કિસ્સો ગામમાં છૂપો ન રહેતાં આકારને કોઈ છોકરી આપતું ન હોય...

હવેલીના દીવાનખંડમાં બેઠક લેતાં સુધીમાં તુલસીએ કથા ઘડી કાઢી.

‘અરે, આકાર તું આવ્યો છે!’

ઘરનોકરે સંદેશો પહોંચાડતાં પહેલાં રમાબહેન પ્રવેશ્યાં. પચાસેકનાં લાગતાં સરપંચપત્ની સુતરાઉ બાંધણીમાં ગરવાઈભર્યાં જણાયાં. અજિતભાઈ આવી રહે ત્યાં સુધીમાં તેમણે દૂધ-કોલ્ડિÿંકથી સ્વાગત કરી ગરમીના ઉકળાટની વાતો કર્યે રાખી એ તો ઠીક, આકાર સાથેના વર્તનમાં ક્યાંય કડવાશ ન જણાઈ એથી સુગંધાના રિશ્તાવાળું અનુમાન ખોેટું પડતું જણાયું તુલસીને.

‘હું સરપંચને તેડાવી લાઉં.’ રમાબહેન અંદર ગયાં એટલે તુલસીએ હૉલમાં નજર દોડાવી. છતના ઝુમ્મરથી વિશાળ LED સ્ક્રીન સુધી અહીં ઐfવર્ય હતું, આધુનિકતા હતી. સામી દીવાલે સદ્ગત વડીલોની વિશાળ ફોટોફ્રેમ હતી.

‘અજિતકાકાનાં ફાધર-મધર છે.’ આકારે વિનાપૂછ્યે માહિતી આપી, ‘તેમના પિતાજી મંગુદાદા તો નાની વયે ગુજરી ગયેલા, પણ દેવકુંવરદાદીને તો ગામના બુઝુર્ગ આજેય હેતથી સાંભરે છે. લોકસેવાનાં ઘણાં કામ તેમણે કરેલાં. એ પુણ્યાઈએ જ તો આજે પણ અજિતભાઈ બિનહરીફ ચૂંટાય છે.’

‘તેઓ આજે, કાલ તમારી છે.’

‘તમે મારા માટે વધુપડતું ધારી બેઠાં, તુલસી....’ તે મલક્યો ‘મને કોઈ કન્યા દેવા રાજી નથી, એ ભૂલી ગયાં?’

‘એનું એક જ કારણ છે...’ પછીથી અજિતભાઈનાં પત્નીને પૂછતાં તેમણે દયા દાખવી, ‘બિચારાની વિધવા સૂર્યામાને વળગાડ છે! શું કહું...’

આસપાસ જોઈને રમાબહેને ધીમા સાદે ઉમેર્યું હતું, ‘સૂર્યા પર પ્રેતની છાયા છે. તેમને દેખાતું પ્રેત બીજા કોઈનું નહીં, મારાં સાસુનું છે!’

હેં. તુલસી સહેમી ઊઠી. ના, વળગાડ કે ભૂતપ્રેમમાં પોતે બિલકુલ માનતી નથી, પણ રમાબહેનનાં સાસુનું પ્રેત તેની પડોશણને દેખાય એ કેવું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK