કથા-સપ્તાહ - વિજોગ (જ્ઞાન-વિજ્ઞાન - 5)

‘વેરી ઇન્ટરેસ્ટિંગ.’

અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |  4  |  5ઓમકારનાથ અર્ણવસિંહના રિસર્ચનો બેઝ જાણીને અંજાયા.

સામાન્યપણે ઓમકારનાથ ચાહીને તો કોઈને મળતા જ નહીં એમ આંગણે આવેલા અતિથિને પાછો કેમ કઢાય, જ્યારે તે જાતભાઈ હોય!

અર્થાત્ વિજ્ઞાની!

‘ઓમકારનાથનું ઘર આ જ છે?’ હજી બે કલાક પહેલાં ડોરબેલના જવાબમાં દરવાજો ખોલનાર નેપાલી ગુરખાને પૂછતાં આગંતુકને સહેજ ડોક લંબાવીને ઓમ નિહાળી રહેલા. પાંત્રીસેકની વય, જીન્સ-શર્ટમાં ગોરો-ઊંચો જુવાન સોહામણો દેખાયો. ગરવાઈભર્યા ચહેરા પર વિદ્વત્તાની ચમક વર્તાણી.

‘મારું નામ ડૉ. અર્ણવસિંહ. હું બ્રેઇન સાયન્ટિસ્ટ છું. હૈદરાબાદના રિસર્ચ સેન્ટરમાંથી ખાસ તમને મળવા આવ્યો...’

પરિચય સાંભળીને પોતે તેને આવકારેલો : બહાદુર, તેમને આવવા દે...

મારો અવાજ સાંભળીને તે દોડી આવ્યો. પગે લાગ્યો એમાં તેની વિનમþતા છતી થતી હતી, અહોભાવ પ્રગટતો હતો.

‘આમ તો આપણું રિસર્ચ-ફીલ્ડ જુદું છે સર અને તમારી હિમાલય સમી સિદ્ધિ સામે હું તો મગતરું પણ નથી... આપ મારી પ્રેરણા છો સર. રિસર્ચના અંતિમ તબક્કામાં આપના આર્શીવાદ લેવા હતા. મુંબઈના ઘરેથી જાણ થઈ કે આપ ખંડાલા છો... સો, વીક-એન્ડની રજામાં પુણે ઊતરી આપને ખોળતો ઘૂમી રહ્યો છું.’

તેના શબ્દોમાં સચ્ચાઈ વર્તાઈ હતી, પરંતુ એમ તો પ્રશસ્તિથી ફૂલવાનું ઓમકારનાથ શીખ્યા નહોતા.

‘તો-તો ઠીક ભૂખ્યો થયો હશે. બહાદુર, અર્ણવસિંહની થાળી તૈયાર કરો અને ગેસ્ટરૂમમાં પથારી પણ...’

(સાંભળીને અર્ણવસિંહને હાશકારો થયો હતો : ઓમે સામેથી રાત્રિરોકાણની તૈયારી કરાવી. મતલબ, તેનું મોત જ પોકારતું લાગે છે!

...જમ્યા પછી બેઠકખંડમાં અમારી ગોષ્ઠિ જામી છે. ઓમકારને રસ પડે એવા કિસ્સા કહેતા અર્ણવસિંહની નજર ઘડિયાળ પર છે જે હવે પોણાબારનો સમય સૂચવી રહી છે... વૉચમૅન પરસાળમાં ગહેરી નીંદમાં સૂઈ ગયો છે. નોકરવર્ગ જંપી ચૂક્યો છે... ઓમકાર પણ બે-એક વાર ‘હવે સવારે વાત’ એમ બોલી ગયા, પણ એ સવાર તારા નસીબમાં ક્યાંથી?)

અર્ણવસિંહનાં જડબાં સહેજ તંગ થયાં.

‘આઇ ઍમ શ્યૉર...’ ઓમના કથને તેણે ધ્યાન આપવું પડ્યું. ‘તમે મગજની બુદ્ધિમત્તાને સાંકળતું કેમિકલ શોધી લો તો પછી એના ઉપયોગથી સમગ્ર માનવજાતિની બુદ્ધિ એક લેવલ પર લાવવાનું પણ બને... અદ્ભુત!’

‘થૅન્ક્સ...’ અર્ણવસિંહે આળસ મરડી.

‘ઓહ, તમારે સૂવું હશે.’

’નહીં...’ અર્ણવે આસપાસ નજર દોડાવી. સામી ટિપોય પર ટપાલની ઇન-આઉટ ટ્રેની વચ્ચે

પૅડ-પેન-પેપરવેઇટ બહુ વ્યવસ્થિતપણે મૂકેલાં દેખાયાં. ચોક્કસ તાનિયાની જ ગોઠવણી. અર્ણવસિંહના હોઠ વંકાયા. થોડા કલાકની સોબતમાં ઓમકારનાથે નહીં-નહીં તોય ચાર-છ વાર તેમની કૅરટેકરને સાંભરી હશે... તાનિયા હોત તો તેને બોલાવત, તમારા જેવા હોનહાર વિજ્ઞાનીને મળીને તે રાજી થાત. મારી દિનચર્યામાં ધબકારો તેણે પૂર્યો છે વગેરે-વગેરે..

થૅન્ક્સ ગૉડ કે તાનિયા અહીં મોજૂદ નથી. નહીંતર ઓમે તેને તેડાવવાની જીદ પકડી હોત તો મારું મિશન અટવાઈ પડત... નાઓ ઇટ્સ ટાઇમ.

અને પૅડ-પેન લઈને અર્ણવસિંહ ફરી ઓમની સામે ગોઠવાયો. પહેલાં તો ઓમકારનાથે માન્યું કે મારો ઑટોગ્રાફ લેવો હશે, પણ...

‘મારું રિસર્ચ એક જ જગ્યાએ અટક્યું છે સાહેબ.’ પૅડ ખોલી વચ્ચેની ટિપોય પર મૂકી અર્ણવે પેનનું ખોલું ખોલી ઓમકાર તરફ ધર્યું, ‘તમારા જેવા કોઈના બ્રેઇનના ઍનૅલિસિસ પૂરતી મારી થિયરી અટકી છે...’

શબ્દે-શબ્દે નર્વસ થવાને બદલે મંઝિલ નિકટ હોવાની ઉત્તેજનાનો ખુમાર અનુભવતો હતો અર્ણવસિંહ, ‘લો આ પેન. હું કહું એમ લખવા માંડો.’

ઓમકારનાથના કપાળે કરચલી ઊપસી. ત્યાં અર્ણવસિંહે ગજવામાંથી ગન કાઢતાં તેમનાં નેત્રો પહોળાં થયાં.

€ € €

અર્ણવસિંહ મારી હત્યાના ઇરાદે આવ્યો છે અને એને આત્મહત્યાનું રૂપ આપવા મારી પાસે સુસાઇડ-નોટ લખાવવા માગે છે અને આખી કસરત પાછળનું કારણ છે એના રિસર્ચ માટે મારા મગજની જરૂર! વિજ્ઞાનીઓ આવા કારણથી હત્યા કરતા થઈ જશે?

‘નહીં...’ ઓમકારનાથની દૃઢતા રણકી. ‘તું મને રિબાવીને મારી શકે છે અર્ણવ, પણ તારી મરજી મુજબની વસિયત તો હું નહીં જ કરું. કોઈ પણ રિસર્ચ માનવજાતના કલ્યાણ માટે હોવું જોઈએ, એમાં મારું અંગ દાન કરવાનો મને વાંધો હોય જ નહીં; પણ તું તો તારા સ્વાર્થે આંધળો બન્યો છે. મને મારીને તારું રિસર્ચ પતાવવાની ઉતાવળ વધુપડતી ગણાય.’

અર્ણવે હોઠ કરડ્યો. ગનના પ્રેશર છતાં, રિબામણીની ધમકી છતાં એક અપંગ પુરુષ આટલી મક્કમતાથી તાબે થવાનો ઇનકાર કરે છે? શું કરવું? જેટ ઝડપે ચાલતા દિમાગમાં ઝબકારો થયો ને ગજવામાંથી રૂમાલ કાઢી અર્ણવે ઓમને મુશ્કેટાટ બાંધ્યો.

ઓમકારનાથ સમજતા હતા કે હોહા કરવાથી ભડકીને અર્ણવ સીધી ગોળી ચલાવી દેશે. તેને કોઈક રીતે વારવો જોઈએ... વનદેવીને મYયા વિના મારે મરવું નથી. આમ મૃત્યુ અણધાર્યું આવીને એમાં વિઘ્ન નાખી ન શકે. ઓમની જિજીવિષા તેમને અક્કડ રહેવા પ્રેરતી હતી. અર્ણવની બળજબરીને તાબે નહોતું થવું એમ બચાવનો કોઈ એક મોકો મળી જાય, કોઈ રીતે તેની ગન કબજે કરી શકાય...

પણ તેણે રૂમાલ વીંટાળતાં ઓમના કપાળે કરચલી ઊપસી. તે હવે શું કરશે?

‘ઠીક છે ઓમ, તમે નહીં લખો તો તમારા હસ્તાક્ષરની કૉપી કરીને લખાણ લખવામાં મને વાર નહીં લાગે... પણ એ મહેનતનું ફળ તાનિયાએ ચૂકવવું પડશે. ’

તા...નિ...યા! ઓમકારનાથની કીકીમાં વિહ્વળતા પ્રગટી. અર્ણવસિંહ સમજ્યો કે તીર નિશાને બેઠું છે.

‘દુનિયામાં ભૂખ્યાડાંસ પુરુષોની કમી નથી. ભાડૂતી આદમીઓ મોકલીને રોજ તમારી તાનિયા પર બળાત્કાર ગુજારાવીશ.’

અર્ણવના ચહેરા પર ટપકતી ખંધાઈએ ઓમકારનાથને થથરાવી મૂક્યા. જોરથી ડોક ધુણાવી - નહીં...

‘વિચારી લે, હું તને એક મિનિટ આપું છું. ક્યાં વસિયત, ક્યાં બળાત્કાર!’

€ € €

‘બસ, મંઝિલ હવે થોડી જ દૂર છે.’ સ્કૂટીના આખરી વળાંકે તાનિયાએ કહ્યું, પાછળ ગોઠવાયેલાં વનદેવીનું હૈયું ધડકી ઊઠ્યું.

હજી તો હમણાં જ તાનિયાના ઘરે ખંડાલા પહોંચ્યા. ઓમની નજીક હોવાની ઉત્કંઠતા જેટલી જ નર્વસનેસ પણ હતી, જ્યારે તાનિયાના ઉત્સાહને થોભ નહોતો : આપણે અત્યારે જ તમારા ઘરે જવા નીકળીએ. ચાવી મારી પાસે છે. ચુપકેથી મકાનમાં દાખલ થઈ તમને સીધા ઓમઅંકલના બેડની સામે ઊભા રાખીને તેમને જગાડીશ. જુઓ તે કેવા આભા બને છે!’

ઓમકારનાથને પાંચ વરસ પછી રૂબરૂ થવાની કલ્પનાએ વનદેવી કંપી જતાં. ક્યારેક રોમાંચથી, ક્યારેક ભયથી.

બસ, હવે બે-પાંચ ઘડીમાં ફેંસલો થઈ જવાનો. આ ઝાંપો ખોલીને અમે અંદર પ્રવેશ્યા. પરસાળમાં સૂતા વૉચમૅનને ડિસ્ટર્બ કર્યા વિના તાનિયા ચાવીથી દરવાજાનું લૉક ખોલે છે અને...

€ € €

ઓમકારનાથનું હૈયું જોશભેર ધડકતું હતું. શું જિંદગીનો અંત સાચે જ આવી ગયો? દેવીને હું મળી નહીં શકવાનો અને તાનિયા... ના, ના... તેને તો જોખમમાં મુકાય જ કેમ!

ઓમકારનાથે પેન ઉઠાવી. વિજયનું સ્મિત ફરકાવતો અર્ણવસિંહ સામે ગોઠવાયો. ગન બરાબર ઓમના

હૃદય પર તાકી, ‘હવે હું કહું એ લખવા માંડ...’

એ જ પળે મુખ્ય દરવાજાના લૉકની કળ ફરી ને બીજી પળે ચુપકેથી તાનિયા-વનદેવી ભીતર હજી તો ડગ મૂકે છે કે...

બે-ત્રણ ઘટના એકસાથે બની.

હળવા સંચારે અર્ણવસિંહના કાન ચમક્યા, અવાજની દિશામાં ડોક ઘુમાવી. તેની નજરે ઓમકારનાથે પણ દૃષ્ટિ ફેરવી તો અંદર ડગ મૂકતાં તાનિયા-વનદેવી ભીતરનો નજારો જોઈને હેબતાયાં. ઓમના મુખ પર બુકાની, તેમની પાસે બેઠેલા આદમીના હાથમાં ગન ભાળીને ચીસ ફૂટી.

વનદેવી ઓમકાર તરફ ધસી ગયાં. અણધાર્યા વિઘ્નથી હેબતાયેલા અર્ણવસિંહની આંગળી ટ્રિગર પર દબાઈ. સાઇલેન્સરને કારણે ધડાકો તો ન થયો, પણ છૂટેલી ગોળ ઓમનું હૃદય વીંધે એ પહેલાં વનદેવી વચ્ચે આવી ગયાં!

છાતીમાંથી વહેતા લોહીના ફુવારાભેર વનદેવી વ્હીલચૅર પર ઓમના ખોળામાં લથડિયું ખાઈને ઢળી પડ્યાં એ દૃશ્યે અણર્વસિંહનું કાળજું ચીર્યું.

ખૂ...ન! ઓમની ‘આત્મહત્યા’ને બદલે સાચે જ મારાથી ખૂન થઈ ગયું? જે મને કોઈ કામ લાગવાનું નહીં... મારું રિસર્ચ... ઓહ, હું અહીં શું કરું છું? રન... ભાગ!

દરવાજે ઊભેલી તાનિયાને હાથમાંની ગન બતાવીને અર્ણવ ભાગવા ગયો; પણ છેલ્લી ઘડીએ તાનિયાએ પગ આડો કરતાં તેણે ગડથોલિયું ખાધું, ફર્શ પર પછડાયો એવી જ તાનિયા તેની પીઠ પર ચડી બેઠી. દરમ્યાન ચીસને કારણે ઝબકેલો નોકરવર્ગ આવી પહોંચ્યો. અર્ણવની ગન કબજે કરી બહાદુર વગેરેને તેની સોંપણી કરીને તાનિયા ઓમકારનાથ તરફ ધસી. વનદેવી કણસતાં હતાં.

‘તેમનો શ્વાસ ચાલે છે ઓમઅંકલ. શ્વાસ છે ત્યાં સુધી તમારે આશ નથી છોડવાની!’

€ € €

‘તારા એ શબ્દોએ મને કટોકટીના ૮૦ કલાક ધબકતો રાખ્યો... છેવટે ડૉક્ટરોએ દેવીને જોખમમુક્ત જાહેર કરી ત્યારે જીવમાં જીવ આવ્યો.’

મહિના પછી ઓમકારનાથ તાનિયાને કહી રહ્યા છે. વનદેવી હવે પૂર્વવત્ થયાં હોવાથી ઓમકારનાથે તાનિયાની ફૅમિલીને ડિનર પર તેડાવી છે. આજે કેટલા વખતે વનદેવીએ રાંધ્યું!

‘દેવીએ મારો ઘા ઝીલી લીધો! તેને કંઈ થયું તો હું ખુદને ક્યારેય માફ નહીં કરું.’ દેવીની કટોકટીની હાલત દરમ્યાન ઓમ ઘણી વાર તાનિયાને કહી જતા.

‘માફ તો તમારે વનદેવીને કરવાના છે અંકલ...’ છેવટે તાનિયાએ પંગુતા પાછળનો ભેદ ઉજાગર કરતાં પળવાર તો ડઘાયેલા ઓમકારનાથ. મારી વનદેવીએ આવું કર્યું? પછી તેમના હોઠ સ્મિતમાં વંકાયા, ‘ના, મારી વનદેવી જ આવું કરી શકે. કોઈ પણ રીતે તે મને પામવા માગતી હોય તો ગમે એ કરવાની તેને છૂટ છે. પત્નીને એટલો તો હક હોય જને.’

તાનિયા આભી બનીને ઓમને નિહાળી રહેલી.

‘દેવીના હમણાંના કૃત્યને પાપ સરભર કરવાના આશય સાથે ન સરખાવીશ... દેવીએ ખોટું ન કર્યું હોત તો પણ તે મારી આમ જ ઢાલ બની હોત.’

થોડી સ્વસ્થતા કેળવાયા પછી દેવીએ એકરારની ચેષ્ટા માંડતાં ઓમે આવું જ કંઈક કહ્યું ને તે ભીની આંખે પતિને વળગી રહેલાં : તમે તો તમે જ ઓમ.

બે હૈયાંના દૂઝતા ઘા રૂઝ્યા હતા, નવી દૃષ્ટિ જાણે સાંપડી હતી.

‘બધા વિધાતાના ખેલ છે. આપણે સૌ એની કઠપૂતળી. સુખદુ:ખના તડકા-છાંયડા જીવનમાં આવતા રહેવાના. એનાથી ડગીએ નહીં, ડરીએ નહીં એ થિયરી આપણા માટે આજે પુરવાર થઈ છે... વિજોગના અંતનો જોગ પણ એણે કેવો સરજ્યો! ખેર, અમે નક્કી કર્યું છે તાનિયા...’ ઓમે અત્યારે ઉમેર્યું, ‘હવે કોઈ વિજોગ નહીં, સમાજનો પણ નહીં. હું અપંગ ભલે હોઉં, દેવીના રહેતાં હું અપૂર્ણ નથી.’

‘અને તારા રહેતાં મારું માતૃત્વ અધૂરું નથી. તારાં સવિતામા દેવકી તો હું યશોદા.’

તાનિયા ગદ્ગદ થઈ.

‘સૌ સારું જેનું છેવટ સારું...’ સવિતાબહેને કહ્યું ને તાનિયાએ ૫ાર ઊતરવાની લાગણી અનુભવી!

€ € €

કથાના ઉપસંહારમાં એટલું જ કે અર્ણવસિંહને ઘટતી સજા થઈ, સાયન્સવલ્ર્ડમાં તે ટીકાપાત્ર બન્યો, તેનું રિસર્ચ રઝળી પડ્યું. જેના પર બળાત્કારની ધમકી દઈને ઓમને વશ કરવા ચાહ્યો એ તાનિયા જ ખરા વખતે ઓમની વાઇફને લઈને ટપકી પડી એ જોગાનુજોગ બહુ વસમો લાગ્યો અણવર્નેવ, પણ શું થાય! કેસના દબાણ, રિસર્ચ અધૂરું રહ્યાની હતાશામાં તેનું માનસિક સંતુલન ખોરવાતું ગયું અને કેમિકલ એક્સ હાલ પૂરતું તો અપ્રગટ જ રહ્યું છે!

જ્યારે ઓમ આજે પણ પૃથ્વી જેવો બીજો ગ્રહ શોધવામાં મચ્યા છે. દિગંત ડૉક્ટરીનું ભણે છે. તાનિયા તેના જેવા જ પાણીદાર જુવાનને પરણી છે અને સવિતાબહેન તથા ઓમ-વનદેવી મૂડી પરના વ્યાજને રમાડવામાં વ્યસ્ત છે! હવે ઓમની સવારના દૃશ્યમાં વનદેવીની હાજરી તેને સંપૂર્ણ બનાવે છે. એ સુખ શાશ્વત રહેવાનું એટલું વિશેષ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK