કથા-સપ્તાહ - વિજોગ (જ્ઞાન-વિજ્ઞાન - 4)

‘તેં મારું પાપ સાંભળ્યું તાનિયા, હવે જરા પસ્તાવો પણ જાણી લે.’ વનદેવીના સ્વરમાં ઊંડાણ હતું.


અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |  4  |  5 


હજીયે એટલી જ જાજરમાન દેખાતી સ્ત્રી ભીતરથી ભાંગી પડી છે. તાનિયાએ મૂંગો નિ:શ્વાસ નાખ્યો. મધરાતના સુમારે હૉસ્પિટલની રૂમમાં બેમાંથી કોઈની આંખોમાં નીંદર નથી. વનદેવીની હાલત જોતાં લાગે છે કે તેમને ઊંઘવાની આદત પણ નથી!

તાનિયા તેમને તાકી રહી. આ એ જ નારી છે જેને ઓમકારનાથ કેટલું ચાહતા - હજીયે ચાહે છે. બીમારીથી નાસીપાસ થયેલા પતિની જિજીવિષા જગાવવા તેને ત્યજનારી પત્ની તરીકે વનદેવી પ્રત્યે કેટલો અહોભાવ હતો મને!

પતિમાં બીમારી પણ તેણે જ રોપી એ જાણ્યા પછીયે જોકે નફરત નથી થતી, કેવળ કરુણા જ જન્મે છે. હું જોઈ શકું છું, મને સમજાય છે કે માતૃત્વ ગુમાવી ચૂકેલી નારી જિંદગીના બાકી રહેલા એકમાત્ર આધાર સમા પતિને પળ-પળ પોતાની પાસે ઝંખતી હતી... ઓમે બાળક દત્તક લેવા સુધીના વિકલ્પો આપ્યા, વનદેવી રડી પડતાં : એ મારો અંશ તો નહીં જને! લાગણી જ્યારે હાવી થઈ જાય ત્યારે પ્રચંડ બુદ્ધિમત્તાવાળી વ્યક્તિ પણ સાવ સામાન્ય જણની જેમ વર્તે એનો આ પુરાવો.

‘ઓમ તંદુરસ્ત હોત તો હું આજેય ન જન્મેલી દીકરીનો ગમ ભૂલી ન હોત... કેમ કે એ ગમમાં મારાં સાકાર ન થઈ શકેલાં સમણાં હતા. એક એવું ભાવવિશ્વ જે હું ક્યારેય જીવી ન શકી. ભલે દુ:ખી થઈને, પણ એ બધું મારે અખંડ રાખવું હતું. એમાંથી મુક્ત થવું મતલબ મારી દીકરીથી સાવ વિમુખ થઈ જવું... કઈ મા એ કરી શકે તાનિયા? જાણું છું કે ઓમની તડપ મારાથી ઓછી નહોતી, પરંતુ ભાવવિશ્વમાંથી ઝબકીને જોતી ને ઓમને ન ભાળીને વિહ્વળ થઈ જવાતું. તે નજરોથી દૂ૨ રહે એ ખમ્યું ન જતું. એમાં ન થવા જેવું થઈ ગયું. ઓમને સતત સાથે રાખવાનો રામબાણ ઇલાજ મેં શોધી કાઢ્યો. અપાહિજતા! ઓમની ફિતરત જાણી ગયેલી હું. હોનહાર વિજ્ઞાની અસહાય અવસ્થામાં કદાપિ જાહેર જીવનમાં રહેવાનું પસંદ ન કરે.’

વનદેવીને શ્રમ પડ્યો.

‘મારી ઘેલછાને મનોરોગ ગણાવી હું અપરાધમાંથી છટકવા નથી માંગતી તાનિયા... માંદા પડલા ઓમને થાપા પર ઇન્જેક્ક્ષન દેતી વેળા હું જાણતી હતી કે ઓમ ફરી ક્યારેય ચાલી શકવાના નથી... તોય મારો હાથ કાંપ્યો નહોતો. ઓમને જાળવી જાણવાનો વિશ્વાસ હતો મને, ઓમ મારી આસપાસ જ રહેશે એ કલ્પના રોમાંચક લાગી હતી મને...ડોક્ટર પત્નીની આ કરતૂત હોઈ શકે એ તો ઓમના સ્વપ્નમાં પણ નહીં હોય!’

હાંફી ગયાં વનદેવી.

બાકી એ સમયે તો ઓમ પર આવનારી આફત માટે પોતે તૈયાર હતાં. બીમારીમાંથી સાજા થયેલા ઓમ એક સવારે પથારીમાંથી ઊઠી ન શક્યા. કેવી રાડારાડ મચાવી’તી તેમણે... પૅરૅલિસિસના નિદાને એામ હતપ્રભ બની ગયા, વનદેવીએ તેમને આગોશ આપ્યો - ચિંતા ન કરો, ઓમ, હું છુંને!

ખરેખર તેમણે પતિને તકલીફ ન વર્તાવા દીધી. ચેન્જ માટે લંડનથી મુંબઈ આવ્યા. વનદેવી તેમને ચિયરઅપ કરવા ઘણું મથતાં, પણ ઓમની નિરાશા ચરમસીમાએ હતી. સંશોધનક્ષેત્રે કંઈકેટલું અધૂરું રહ્યાનો અસંતોષ હતો. શા માટે ઈશ્વરે મને આવી સજા કરી? એનો જવાબ માગવો હોય તો મારે ઈશ્વર પાસે પહોંચવું જોઈએ...

આત્મહત્યાના વિચારો ઘૂમરાવા લાગ્યા. બાલ્કનીમાં બેઠા હોય ત્યારે રેલિંગ પકડીને કૂદી પડવાની ઘેલછા તરવરતી. ચપ્પુ જેવી ચીજને અનિમેષ નેત્રે તાકી રહેતા. ‘કેટલી ગોળી લેવાથી મૃત્યુ આવે?’ એવું વનદેવીને પૂછી બેઠા ત્યારે પત્નીની હામ ફસકી ગઈ...

મેં ઓમની આ શું દશા કરી મૂકી! મારા સ્વાર્થ ખાતર તેમને મૃત્યુના દ્વારે લાવી મૂક્યા?

વનદેવીએ અપરાધ ડંખવા લાગ્યો. એની કબૂલાત ઓમને મૃત્યુની વધુ કરીબ જ લઈ જાય. મારે તો તેમને જિવાડવા છે... શું કરું કે ઓમ જીવી જાય?

‘અને બસ, તેમને ત્યજવાનો માર્ગ મને રુચ્યો... ખરેખર તો તેમનાથી દૂર જઈને હું મારા અપરાધની સજા ઓઢી રહી હતી...’ વનદેવીની પાંપણે અશ્રુ બાઝ્યાં, ‘ઓમની અવદશાએ મારું કૃત્ય પાપ બની ગયું હતું. આ પાંચ વરસોમાં એના પ્રાયિત્તની શોધમાં દરબદર ભટકતી રહી... ડૉક્ટર તરીકે મરવાના ઘણા ઉપાય મારી પાસે હતા તોય આટલાં વરસો હું જીવતી કેમ રહી એનું મને અચરજ થાય છે.’

‘તમે તો ઓમ અંકલને ફરી મળવાનો કૉલ આપીને નીકળ્યા હતા.’

‘એ તો તેમની જિજીવિષા પ્રગટાવવા. બાકી હું આજે પણ તેમનો સામનો કરવાની સ્થિતિમાં નથી.’ વનદેવીએ ડોક ધુણાવી, ‘અપાહિજ અવસ્થામાં પતિને છોડવા બદલ સમાજમાં ટીકાપાત્ર પણ થઈ હોઈશ, મને એ સજાના શિરપાવ જેવું લાગતું. મહિનાથી હરિદ્વારમાં છું. ગંગામાં ડૂબીને પાપ ધોવાં હતાં. રોજ ઘાટે આવતી, કૂદવા મથતી; પણ કૂદી ન શકતી. શું કામ?’ પૂછીને તેમણે જ ઉત્તર વાળ્યો, ‘ઊંડે ક્યાંક મને હતું કે મર્યા પછી મારી ઓળખ ઓમને સાંકળવાની... પ્રખર વિજ્ઞાનીની પૂવર્‍ પત્નીએ આત્મહત્યા કર્યાના ખબર ઓમથી છાના ન રહે. પછી ઓમ જીવિત પણ શું કામ રહે? ને હું હામ હારી જતી. ન જીવી શકતી, ન મરી શકતી. આજે તમામ અટકળો બાજુએ મૂકીને ઝંપલાવવા જતી હતી ત્યાં તું આવી તાનિયા... કેમ વિધાતાએ આવો જોગ સરજ્યો!’

‘કેમ કે તમારે જીવવાનું છે વનદેવી, તમારા ઓમ માટે... તેમની દૃષ્ટિ આજે પણ સવારના રમણીય દૃશ્યમાં તમને ખોજે છે. એ ઇન્તેજારનો હવે અંત આણો.’

વનદેવી સહેજ ધ્રૂજી ગયાં.

‘ઓમકારનાથને અપંગ કરવાનું તમારું કૃત્ય બેશક ખોટું, પરંતુ એની પાછળનાં કાર્યકારણો જોતાં મને જો એ ક્ષમ્ય લાગતું હોય તો ઓમસર તો એને લક્ષ્યમાં પણ લે ખરા?’

વનદેવીની આંખો વરસી પડી.

‘ના, તમે-ઓમઅંકલ આટલા પ્રખર જ્ઞાની છતાં આત્મહત્યાનું વિચારો એ બદલ ઠપકો નહીં દઉં, પણ સમાજ માટે તમારું આયુષ્ય જ વધુ લાભદાયક પુરવાર થાય એટલું અવશ્ય કહીશ. આપણા મિલનના જોગનો મતલબ જ એ કે તમારા વિજોગનો અંત આવે.’

તાનિયાએ વનદેવીનો હાથ હાથમાં લીધો, ‘અને વિશ્વાસ રાખજો, હું છું તમને બેઉને જાળવનારી.’

વનદેવી તાનિયાને વળગી પડ્યાં. ક્યારેક ભાવવિશ્વમાં રહેલી દીકરી મોટી થઈને સાંત્વન આપતી હોય એવું લાગ્યું વનદેવીને!

€ € €

ઑલ સેટ.

આ તરફ હૈદરાબાદમાં અર્ણવસિંહે પણ વીત્યા દિવસોમાં પોતાની યોજના ઘડી કાઢી છે. ઓમકારનાથને દૂર કરવાની યોજના!

ના, હવે આ વિચારે થડકારો નથી આવતો. બલ્કે તેમને મારીને મારું રિસર્ચ પૂરું કરવાની ઉત્તેજના મને વધુ બહેકાવે છે!

ઓમકારનાથ ભલે એકાંતવાસ સેવતા હોય, તેમનું ઘર મુંબઈમાં હોવાની તો જાણ હતી. ત્યાંનો નંબર મેળવીને અપૉઇન્ટમેન્ટ માટે ફોન કર્યો તો જાણ્યું કે સાહેબ ખંડાલા છે અને કોઈને મળતા નથી...

અર્ણવને એ વધુ અનુકૂળ લાગ્યું. મારા સ્કૂલ-ટાઇમમાં પપ્પાની જૉબ પુણે હતી એટલે ખંડાલા-લોનાવલાનો વિસ્તાર જાણીતો પણ છે. તેમનું ઘર શોધવામાં તકલીફ નહીં નડે... ત્યાં જઈને કરવું શું?

પહેલા થયું કે મારે જઈને તેમને મૃત્યુ પછી સ્ટડી માટે બ્રેઇન ડોનેટ કરવા કન્વિન્સ કરવા. જોઈએ તો કશું લખાણમાં લઈ લેવું. પછી બીજે-ત્રીજે દહાડે કૉન્ટ્રૅક્ટ કિલરને મોકલીને ઓમનું રામનામ સત્ય કરી દેવું!

આમાં ધાસ્તી એ થઈ કે ભાડૂતી ખૂનીએ ઓમને મારવામાં ભૂલથી પણ જો તેમના મગજને નુકસાન પહોંચાડી દીધું તો પત્યું! ઓમ મરે ત્યારે બ્રેઇન સંપૂર્ણપણે સલામત હોવું જોઈએ. ભલે તેને આવું કહી પણ રાખો, પરંતુ કોઈ પણ કા૨ણે કિલર તકેદારીમાં ચૂક્યો તો મારા માટે એનો અર્થ નહીં રહે. ફરી આવું બ્રેઇન ક્યારે-કોનું મળે કોને ખબર! અહં, ઓમને પતાવવાનું કામ મારે જ કરવું રહ્યું!

એ માટેનો પ્લાન પણ કેવો સૂઝી આવ્યો!

કાલે શનિવાર. પપ્પાની જૉબને કારણે અમે ત્રણેક વરસ પુણે રહેલા એની અહીં જાણ છે એટલે લૉન્ગ વીક-એન્ડમાં મારું પૂણે જવું અસ્વાભાવિક નહીં ગણાય. પુણેની ડાયરેક્ટ ફ્લાઇટ બપોરની છે. એ હિસાબે ઓમકારનાથના ઘરે પહોંચતાં મને રાતના આઠ-નવ થવાના. અતિથિને, ખાસ કરીને એક વિજ્ઞાનીને ૨ાતવાસો કરવા દેવા જેટલી સજ્જનતા તો ઓમકારનાથ દાખવશે... બસ, પછી જમી-પરવારી લાંબી મહેફિલ જમાવીશું. ત્યારે મારા એક ગજવામાં ગન હશે ને બીજામાં ચાકુ!

એક તબક્કે પ્રથમ હું ગન કાઢીશ, ઓમકારનાથ હેબતાશે.

‘આજે તારું મૃત્યુ નિશ્ચિત છે ઓમ, કેવી રીતે મરવું એ તારા ફેંસલા પર આધાર રાખે છે. મારું માનીશ તો એકઝાટકે મુક્તિ, નહીં તો ૨ૌરવ નર્કની યાતના ભોગવવા તૈયાર રહે.’

મૃત્યુનો વિકલ્પ ન હોય ત્યારે કોઈ પણ માણસ સરળ મોત જ પસંદ કરવાનો.

‘બસ, તો એ માટે તું આટલું મને લખી આપ.’

પોતે ઓમને તેનાં જ પૅડ-પેન ધરશે... પણ તેણે લખવાનું છે શું?

અર્ણવસિંહે પોતે લખેલી ચિઠ્ઠી વાંચી:

આજે બ્રેઇન સાયન્ટિસ્ટ અર્ણવસિંહ મારો મહેમાન બન્યો. તેની સાથેની ચર્ચાએ મને મારા દિવસો યાદ અપાવી દીધા... પૃથ્વી જેવો બીજો ગ્રહ હોવાની થિયરી આપનારો હું એ ગ્રહ શોધી ન શક્યો. શા માટે આવી આ અપાહિજ અવસ્થા? મારી પંગુતા મને ડંખે છે. પત્ની છોડી ગઈ, હું કશા કામનો ન રહ્યો... અરેરેરે.

નહીં, જીવન ટકાવવા કોઈ પ્રેરણા કામ લાગે એમ નથી. આઇ ઍમ અ લૂઝર અને એ અધૂરપ આજે વળી વધુ ડંખે છે. હવે બહુ થયું.

હું ઓમકારનાથ મહેતા પૂરા હોશહવાશમાં કબૂલ કરું છું કે હું રાજીખુશીથી મારા પંગુ જીવનનો

અંત આણું છું. એને માટે કોઈ જવાબદાર નથી.

મારું રિસર્ચ, મારું કાર્ય, મારી મિલકત બધું વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે વપરાય એવી ઇચ્છા છે. અને હા, મને બાળશો નહીં. મારું શરીર, અંગો પણ રિસર્ચ માટે વાપરવાની અનુમતિ દેતો જાઉં છું.

લિ. ઓમકારનાથ!

અત્યારે મેં લખેલો લેટર મરતાં પહેલાં ગનના પ્રેશરે ઓમકારનાથ

લખશે : અર્ણવસિંહની નજર સમક્ષ દૃશ્ય ઊપસ્યું:

રાત્રિનો સમય છે. વ્હીલચૅર પર ગોઠવાયેલા ઓમની સામે હું બેઠો છું. મારા હાથની લોડેડ ગન ઓમ તરફ તકાઈ છે. મોતના ફફડાટે કહ્યાગરો બની ઓમ અક્ષરશ: આ ચિઠ્ઠીનો ઉતારો પોતાના હસ્તાક્ષરમાં કરીને પેન આડી મૂકે છે કે ચીલઝડપે ચાકુ કાઢીને હું ઓમના ડાબા હાથની ધોરી નસ કાપી દઉં છું!

ખચાક્. ટપકતા લોહી સાથે ઢળી પડતા ઓમકારનાથનું દૃશ્ય અર્ણવસિંહને ખીલવી ગયું!

€ € €

ફાઇનલી... આઇ ઍમ કમિંગ ઓમકારનાથ.

શનિની બપોરે હૈદરાબાદની પુણેની ફ્લાઇટ ઊપડી. અર્ણવસિંહે પ્લેનનાં પૈડાંની ધþુજારી અનુભવી.

€ € €

‘તાનિયા વિના ગમતું નથી!’

શનિવારની રાત્રે ખાણું ખાતા ઓમકારનાથ સ્વગત બોલ્યા. છોકરીએ કેવી માયા વળગાવી દીધી છે! દેવી તેને મળત તો દીકરી મળ્યા જેટલી જ ખુશી તેને થાત...

નૅચરલી, રોજ વાત કરતી હોવા છતાં તાનિયાએ ઓમકારનાથને વનદેવી બાબતની કે પછી પોતે વહેલી પાછી ફરી રહી છે એની ગંધ નહોતી આવવા દીધી. કેટલીક વાતો રૂબરૂ જ કરવાની હોય. વનદેવીને અચાનક ભાળીને ઓમઅંકલના ચહેરા પર થીજી જનારું અચરજ મારે જોવું છે!

આવું કહેનારી તાનિયાને વનદેવીએ હૈયાસરસી ચાંપી હતી : દીકરી માને સાસરિયે દોરે એવો તારો ઉમંગ મને ઝંકૃત કરે છે તાનિયા. હવે મારે જીવવું છે. મારા ઓમ સાથે. અને જો મારા કૃત્ય બદલ તેઓ મને મોત આપે કે તેમની ખફગી મારું હૃદય બંધ કરી દે તો મને સોહાગણના શણગાર સજાવજે...

‘તમે હવે કેવળ શુભ વિચારો બહેન.’ સવિતામા તેમને આશ્વસ્ત કરતાં. સંઘથી છૂટા પડી વહેલા પાછા ફરવામાં તેમને કે દિગંતને વાંધો નહોતો. ઊલટું પતિ-પત્નીનો મેળાપ થવાની ખુશી છલકતી. તત્કાળમાં રિઝર્વેશન મેળવી ચારેય સુપરફાસ્ટ ટ્રેનમાં પાછા આવી રહ્યા છે એની જોકે ઓમકારનાથને જાણ નથી.

જમી-પરવારીને ઓમકારનાથ થોડુંઘણું વાંચતા, દિવસભરનાં કામોની યાદી ચકાસતા. રાત્રે નવ-દસ વાગતાં તો પોઢી જાય.

‘બહાદુર...’ અત્યારે પણ તેમણે સાન્યસ ટુડેનો અંક ગ્રહી મેઇડને સૂચના આપી, ‘હવે તું જા, કલાક પછી આવજે.’

ઓમકારનાથને સુવાડીને ગુરખો બહાદુર મુખ્ય દરવાજે લૉક ચડાવી પરસાળમાં સૂઈ રહેતો. ઓમકારાથના બેડ પાસે બેલ હતો જે દબાવતાં પછવાડેના સવર્ન્ટા ક્વૉર્ટરમાં રહેતો બાકીનો નોકરવર્ગ પણ દોડી આવે એમ હતું. આટલી વ્યવસ્થા ઓમકારનાથને પૂરતી લાગતી.

આજે જોકે બહાદુર નીકળે એ પહેલાં ડોરબેલ રણક્યો. હૈદરાબાદથી અર્ણવસિંહ આવી પહોંચ્યો હતો!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK