કથા-સપ્તાહ - વિજોગ (જ્ઞાન-વિજ્ઞાન - ૧)

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું.

vijog

અન્ય ભાગ વાંચો
1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

ખંડાલાના બંગલે સવાર આમ જ ઊગતી. ઉગમણી દિશાએથી સૂરજનાં કેસરિયા કિરણો પથરાય, બંગલાની ચોપાસ છવાયેલાં ઘટાટોપ વૃક્ષોના ઘરમાંથી પંખીઓ મીઠો કલશોર મચાવે અને એમાં ભળતો ભક્તિભાવ આત્માને પુલકિત કર્યા વિના ન રહે.

‘સવારનું આવું દર્શન તેં મને દેખાડ્યું તાનિયા.’

કાનોમાં મધુરતા, આંખોમાં બારી બહાર દેખાતા દૃશ્યની રમ્યતા અને શ્વાસોમાં તાજી હવા ભરતા ઓમકારનાથે કહ્યું, ‘બાકી મેં તો જાતને જાણે કયા કોચલામાં બંધ કરી દીધી હતી...’ પછી વ્હીલચૅર ઘુમાવતાં હળવો નિ:શ્વાસ નાખ્યો, ‘જોકે આ દર્શન પણ મારા માટે તો અધૂÊરું...’

તેમની નજર દીવાનખંડની સામી દીવાલે જડેલી વિશાળ ફોટોફ્રેમ પર ખોડાઈ. ફૂલદાનીમાં રજનીગંધાનાં ફૂલો સજાવતી તાનિયાએ પણ અછડતી નજરે તસવીર નિહાળી લીધી.

ઓમકારનાથનાં પત્ની વનદેવીનો એ જુવાનીકાળનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફ હતો.

કેટલું જાજરમાન વ્યક્તિત્વ. ન મેકઅપનો ઠઠારો, ન શણગારના વિશેષ પ્રયત્નો. તોય તેમનો સાદગીસભર ચહેરો કેવો તેજોમય જણાય છે. હોઠોના મરોડમાં નિદોર્ષતા છે એટલી જ આંખની કીકીમાં બુદ્ધિમત્તા છે...

અને કેમ ન હોય? તાનિયાએ વાગોળ્યું : ઓમકારનાથ પ્રખર વિજ્ઞાની છે તો વનદેવી પણ નીવડેલાં ન્યુરો સજ્ર્યન છે!

અત્યંત પ્રતિભાવાન બે વ્યક્તિત્વોનું સહજીવન પણ કેવા ઉતાર-ચડાવવાળું રહ્યું! પ્રણયબદ્ધ થઈ બેઉ પ્રમાણમાં મોટી કહી શકાય એવી ઉંમરે પરણ્યાં... લગ્ન સમયે ઓમકારનાથ ૩૮ના હતા, વનદેવી ૩૫નાં. વનદેવીના એક વારના ગર્ભપાત ઉપરાંત લગ્નના સાતમા વરસે ઓમકારનાથને લકવા લાગ્યો, કમર નીચેનું અડધું અંગ સાવ જ જૂઠું પડી જતાં વ્હીલચૅર કાયમની સંગાથી જેવી બની ગઈ ને એના થોડા સમયમાં પતિથી છૂટા થઈ વનદેવી જાણે ક્યાં જતાં રહ્યાં! એ ઘટનાનેય આજે પાંચ વરસ થવાનાં.

આ તરફ ઓમકારનાથ પણ જગતથી અલિપ્ત થઈને છેવટે ખંડાલામાં વસ્યા છે અને કૅરટેકર તરીકે વરસથી તેમની સાથે રહેનારી હું એ પણ જાણું છું કે પાંચ-પાંચ વરસના વિજોગ છતાં ઓમકારનાથ પત્નીને આજેય એટલું જ ચાહે છે!

તાનિયાએ વળી તસવીર નિહાળી : તમે કર્યું જ છે એવું વનદેવી કે તમને કોણ ન ચાહે!

‘તાનિયા, તને રસ પડે એવું કામ છે.’

ખંડાલા નજીકના ગામમાં રહેતી તાનિયાના પેરન્ટ્સની સ્થિતિ મધ્યમ વર્ગની ગણાય. જોકે બે સંતાનોમાં મોટી તાનિયા અને નાના દિગંતને તેમણે લાડપ્યારની કમી વર્તાવા નહોતી દીધી, પણ પછી ટૂંકી માંદગીમાં પિતાએ પિછોડી તાણતાં કૉલેજ જતી થયેલી તાનિયાએ કમાવું પડે એવા સંજોગો નિર્માયા. ભણવામાં હોશિયાર તાનિયાએ તત્કાળ તો ટ્યુશન્સ શરૂ કરી ગુજારાનો મેળ પાર પાડ્યો.

ખુદ્દારી-ખુમારી તાનિયાના લોહીમાં હતી. અત્યંત રૂપાળી તાનિયાનો આત્મવિશ્વાસ તેના સૌંદર્યને ધાર આપતો. તેનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેની સાથે સંયમથી વર્તવાની સભાનતા સામામાં આપોઆપ આવી જાય. સવિતામાને તે કશું કરવા ન દેવી : આ ઉંમરે તારે ઢસરડા કરવાના ન હોય મા, હું બેઠી છુંને. પોતાનાથી પાંચ વરસના દિગંતની નચિંતતા, નિદોર્ષતા જોખમાય નહીં એનું ધ્યાન રાખતી.

સમાંતરે તેણે ઢંગની નોકરીની તલાશ પણ જારી રાખી. ટ્યુશન્સથી કેટલુંક નભે? અલબત્ત, માની શરત હતી કે તારો અભ્યાસ રખડી ૫ડે એવું કોઈ કામ લેવાનું નહીં. આ બેઉનો મેળ સચવાઈ જાય એવી દિશા પિતાના મિત્ર એવા બૅન્ક-મૅનેજર દાસભાઈએ ચીંધી.

‘તને વિજ્ઞાનમાં રસ છે. તું ભૌતિકશાસ્ત્ર ભણે છે તાનિયા એટલે ઓમકારનાથનું નામ તો તેં સાંભળ્યું હશે.’

ઓમકારનાથ! તાનિયા ઝળહળી ઊઠેલી. આખી દુનિયા જેમને ફિઝિક્સના ભીષ્મપિતામહ સમાન માને છે એવા પ્રખર વિજ્ઞાનીને કોણ ન ઓળખે!

ફિઝિક્સની વિદ્યાર્થિની તરીકે તાનિયાને તો તેમનો જીવનસાર પણ જાણે કંઠસ્થ હતો.

મુંબઈના ગર્ભશ્રીમંત ગુજરાતી કુટુંબમાં ઓમકારનાથનો જન્મ. બાળપણથી જ તે એટલા મેધાવી કે અઢાર વરસની ઉંમરે તો તેમણે માસ્ટર્સની ડિગ્રી મેળવી, ડૉક્ટરેટ માટે વિદેશ ઊપડ્યા. ઑક્સફોર્ડમાં તેમના નામનો ડંકો વાગ્યો. ત્યાંના પ્રોફેસર્સ તેમની પાસેથી શીખતા.

અત્યંત સોહામણા ઓમકારનાથને વિષયની દીવાનગી હતી. બ્રહ્માંડને લગતી નવી થિયરીની ખોજ તેમના રિસર્ચનો પાયો હતો. તેમના રિસર્ચ-પેપર્સની નોંધ નાસામાં પણ લેવાતી. છવ્વીસની વયે તેમને લંડનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના કૉસ્મોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ બનાવવામાં આવ્યા. અહીંથી ઓમકારનાથને મોકળું મેદાન મળ્યું. ફિઝિસિસ્ટ, રિસર્ચર તરીકે તેમનું નામ દુનિયાભરમાં છવાતું ગયું. વષોર્ની મહેનત પછી બ્રહ્માંડમાં પૃથ્વી જેવો જ ગ્રહ હોવાની તેમની થિયરીએ હલચલ સર્જી દીધી. સામાન્ય માણસને એની ટેક્નિકલિટીમાં સમજ ન પડે, પરંતુ આ ક્ષેત્રના ખેરખાંઓ મોંમાં આંગળાં નાખી જાય એટલું સચોટ એ તારણ હતું.

ઍન્ડ ધૅટ મેડ હિમ લિવિંગ જિનીયસ!

તેમની બુક્સ, તેમનાં લેક્ચર્સ માટે પડાપડી થતી. ભારતીયો માટે તો ઓમકારનાથ ગર્વના પ્રતીકરૂપ હતા. ઓમકારનાથ પણ સિદ્ધિનું શ્રેય દેશની માટીને આપતા. ભારતમાં વિશ્વકક્ષાનું રિસર્ચ સેન્ટર શરૂ કરવાનું તેમનું સમણું હતું, પરંતુ એ સાકાર થાય એ પહેલાં...

સિદ્ધપુરુષ પ્રત્યે કુદરત ક્રૂર બની. ૪૫ની વયે તેમને પૅરૅલિસિસનો અટૅક થયો. કમર નીચેનું અંગ રહી ગયું અને એની નિરાશામાં તેઓ લાઇમલાઇટમાંથી ગુમનામીના અંધકારમાં જાણે વિલીન થઈ ગયા... ગમે એમ પણ તેમની થિયરીને કારણે જનમાનસમાં તેઓ આજે પણ લેજન્ડરી જિનીયસનું સ્ટેટસ ભોગવે છે.

- પણ દાસકાકા તેમનો રેફરન્સ કેમ આપે છે?

‘તારા એ પ્રિય વિજ્ઞાની બે વરસથી ખંડાલામાં રહે છે.’

હેં. તાનિયા પડતા રહી ગઈ. ના, પૅરૅલિસિસ પછી ઓમકારનાથ મુંબઈ પરત થયાની તો જાણ હતી, પણ બે વર્ષથી મારા જ શહેરમાં છે એવી તો કલ્પના પણ કેમ થાય!

‘ઓમકારનાથને એકાંતવાસ પસંદ છે. એકરોની જમીન વચ્ચે તેમનો રળિયામણો બંગલો છે. મહેમાનોની અવરજવર રહેતી નથી. પ્રેસને તો સદંતરપણે નો એન્ટ્રી છે. ઘરકામ, બાગકામ માટે બે કપલ બંગલો પાછળના સર્વન્ટ ક્વૉર્ટરમાં રહે છે. એક નેપાલી ગુરખો છે. પચાસના ઉંબરે પહોંચેલા ઓમકારનાથ ડિવૉર્સી છે એ તને કહી દઉં.’ દાસકાકાએ ઉમેર્યું, ‘હમણાં તેમના બૅન્ક-અકાઉન્ટ માટેની અરજી આવી ત્યારે મને જાણ થઈ, મળવાનું બન્યું. તેમને કૅરટેકરની જરૂર છે. અગાઉ એક વિધવા બાઈ હતાં તે દેશ જતાં રહ્યાં. તું કહેતી હો તો તારું નામ સૂચવું. જોકે તારે કૉલેજનું ત્રીજું વરસ બાકી છે ને ત્યાં વહેલી સવારથી રાતે આઠ-નવ વાગ્યાની ફુલ ડે ડ્યુટી રહેશે.’

‘મને મંજૂર છે...’ તાનિયાને દ્વિધા નહોતી. ‘કૉલેજ તો હું ડિસ્ટન્ટ કોર્સથી પણ પતાવી શકીશ. ઓમકારનાથસ૨ના સાંનિધ્યનો લાભ ક્યાં મળવાનો!’

દાસભાઈની ભલામણ પછી ઓમકારનાથે વિશેષ પૂછપરછ વિના તાનિયાને નોકરીએ રાખી લીધી હતી.

‘મને તો વિશ્વાસ નથી બેસતો કે હું તમારે ત્યાં, તમારી સાથે છું!’

પહેલી વાર ઓમકારનાથની રૂબરૂ થતાં તાનિયા અભિભૂત થયેલી. ફોટો કે યુટ્યુબ પરના વિડિયોમાં છટાદાર લેક્ચર આપતા પુરુષનું સોહામણાપણું પચાસની ઉંમરેય અકબંધ રહ્યું છે. તેમને જોતાં વ્હીલચૅરની પરવશતા ડંખે નહીં, બલ્કે આદરથી નમી જવાય!

તાનિયાએ પાયલાગણ કર્યાં, હરખ જતાવ્યો એમાં ક્યાંય ખુશામતખોરી કે ડોળ ન દેખાયો. તેનું બૅકગ્રાઉન્ડ જાણીને તેની પરિવાર માટેની કટિબદ્ધતા ઓમકારનાથને સ્પર્શી ગયેલી ખરી. જોકે ઓમકારનાથ તરત ઊઘડ્યા નહોતા. બહુધા પહેલે માળની તેમની લાઇબ્રેરીમાં યા લૅબોરેટરીમાં તેમનો દિવસ વીતે. બંગલામાં લિફ્ટ હતી અને રિમોટવાળી વ્હીલચૅરના હલનચલનની તેમને ફાવટ આવી ગઈ હતી એટલે સવારે પ્રાત:ક્રિયા પછી હરવા-ફરવા માટે તેમને મેઇડની જરૂર નહોતી.

તાનિયાના આગમન બાદ ફેર એ પડ્યો કે ઉપલા માળે જૂસ-નાસ્તો-દવા સમયસર પહોંચવા માંડ્યાં. બંગલામાં ગૃહિણીનો સ્પર્શ વર્તાવા માંડ્યો. ઓમકારનાથની પસંદ પ્રમાણેનાં વ્યંજન બનતાં ગયાં. આ બધું ઓમકારનાથના ધ્યાનમાં હતું અને મોટા ભાગે અબોલ રહેતા ઓમકારનાથને પોતાના અભ્યાસ બાબત પૂછપરછ કરતી થઈને તાનિયાએ કશોટોનું આવરણ વીંધ્યું.

ઓમકારનાથ વાતો કરતા થયા અને પછી તો તાનિયા ક્યારે તેમના જીવનનું અભિન્ન અંગ બની ગઈ એની તેમનેય ગત ન રહી. દીકરી જેવા તેના વાત્સલ્યભાવથી ઓમકારનાથ ગદ્ગદ થતા.

ઓમકારનાથ પોતે તો બંગલાના પરિસર બહારની ખાસ નીકળતા નથી, પરંતુ તાનિયાનાં મધર-નાના ભાઈને મળવા તેડાવતાં. દીકરી પિતાસમાન પુરુષની છત્રછયામાં છે એનો સવિતામાને સંતોષ.

- એ હિસાબે ખંડાલાની આજની સવાર રોજિંદી હતી, પણ હૈદરાબાદમાં એ જુદા જ વમળ સાથે ઊગી હતી!

€ € €

યુરેકા! સૂર્યના પ્રથમ કિરણ સાથે પાછલા ૪૮ કલાકના ઉજાગરાવાળો પાંત્રીસેક વરસનો બ્રેઇન સાયન્ટિસ્ટ અર્ણવસિંહ ચૌધરી નાચી ઊઠ્યો.

બ્રેઇન-મગજ.

નર્વસ સિસ્ટમના કેન્દ્રસમું આ અંગ શરીરમાં હૃદય જેવું જ અગત્ય ધરાવે છે. મગજની ચેતાઓ કામ કરતી અટકી જાય ત્યારે ક્યારેક હૃદય ધબકતું હોવા છતાં માણસ મૃત ગણાય છે. બ્રેઇન ડેડ.

કોઈ માણસ પ્રખર બુદ્ધિશાળી હોય તો આપણે કહીએ છીએ કે આનું મગજ તો બહુ સારું! કોઈ વારંવાર ભૂલો કરે તો કહીએ કે મગજ જેવું કંઈ છે કે નહીં? વાય? એવું શું છે મગજમાં જે માણસોને એકબીજાથી અલગ પાડે છે? કેમ દરેક માણસ આઇન્સ્ટાઇન નથી હોતો? કે પછી ફૉર ધૅટ મૅટર, ડમ્બ નથી હોતો?

આ પ્રશ્નો નવા નથી. એના જવાબ માટે અખરોટ આકારના અંગને સમજવા દુનિયાભરના વિજ્ઞાનીઓ વરસોથી મથી રહ્યા છે. જેણે બ્રેઇન વિશે અનેક નવાં સત્યો ઉજાગર કર્યાં છતાં મૂળ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે.

વૉટ ઇઝ ધૅટ આલ્મા મૅટર? શું માનવમનની બુદ્ધિ કોઈ એક જ તત્વને આભારી છે?

- આજે હું કહી શકું છું કે હા! પોતે તારવેલા તારણને સામાન્ય ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે માનવબુદ્ધિ બ્રેઇનમાં રહેલા કેમિકલ એક્સને આભારી છે. જેટલું એ રસાયણનું પ્રમાણ વધુ, માનવનો બુદ્ધિઆંક વધુ.

અર્ણવસિંહને નાચવા-કૂદવાનું મન થાય છે, પણ રાજીપો દેખાડીને મારે મારા રિસર્ચની સફળતાની કોઈને ગંધ નથી આવવા દેવી. હૈદરાબાદ ખાતે આવેલા દેશના વિશ્વસ્તરના બ્રેઇન રિસર્ચ સેન્ટરમાં બીજા કોઈ પણ સરકારી ખાતાની જેમ વિઘ્નસંતોષીઓ ઓછા નથી... દસ વરસની મારી જહેમત-મહેનત રોળાઈ જાય એ કેમ પરવડે?

- પણ પછી વધુ એક વાર પોતાના ફાઇનલ ડેટા ચકાસતા અર્ણવસિંહને જ એક અણખટ થઈ.

પોતે અભ્યાસ કરેલા બ્રેઇનમાં કોઈ એક્સ્ટ્રા-ઑર્ડિનરીલી સુપર ઇન્ટેલિજન્ટ દિમાગ નહોતું. એમાં જો કેમિકલ એક્સનો જથ્થો વિપુલ માત્રામાં મળી આવે તો રિસર્ચના તારણમાં સંદેહ ન રહે... સેન્ટરના વડા સંન્યાલસાહેબ પણ આવી જ સલાહ દેવાના.

આ વિચાર અર્ણવને અત્યારે જ સ્ફુર્યો એવું નહોતું. પણ એક તો માનવમગજ મળવાં દુર્લભ. એમાંય સુપર ઇન્ટેલિજન્ટ પર્સન્સ પણ જૂજ હોવાના... એટલે તારણ સુધી પહોંચતાં તો મન મનાવ્યા કર્યું, પણ ફાઇનલ ડેક્લેરેનેશન પહેલાં થાય છે કે આવો એક પ્રયોગ પણ કરી રાખવો ઘટે. હું ન કરું ને મારી થિયરીને આધારે કોઈ બીજું આ પ્રયોગ કરે ને એમાં ક્યાંક અવળું નીકળ્યું તો-તો જગહાંસી થાય, દાયકાની મહેનત પર પાણી ફરી વળે!

અર્ણવસિંહનો ઉત્સાહ મંદ પડ્યો. ïશું કરવું? રિસર્ચની સક્સેસની જાહેરાત મોકૂફ રાખવી?

લાંબું વિચારતાં એ જ ઠીક લાગ્યું. જાતને ચિયરઅપ કરી - પ્રશ્ન સુપર ઇન્ટલિજન્ટ બ્રેઇન મેળવવાનો જ છેને... પછી તો એની ચકાસણી ત્રણ-ચાર માસમાં પૂરી થઈ જશે - આટલું ખમ્યો તો થોડું ઓર સહી!

અર્ણવસિંહે હવે નવી દિશામાં વિચાર્યું : એક્સ્ટ્રા-ઑર્ડિનરી બ્રેઇન કોનું હોય?

નીવડેલા મૅથેમૅટિશ્યનનું કે સાયન્ટિસ્ટનું... જેમ કે અમારા સેન્ટરના વડા સંન્યાલસાહેબ! મારા રિસર્ચનો ઢાંચો તેમણે જ તૈયાર કરી આપેલો અને આવા બીજા ભારતીય એટલે સંન્યાલથીયે હજાર ચાસણી ચડે એવા ઓમકારનાથ મહેતા, યસ!

વિજ્ઞાનની દુનિયામાં જેમને આઇન્સ્ટાઇન સમકક્ષનો દરજ્જો અપાય છે તેના જ દિમાગનો અભ્યાસ કરવાનો હોય! હી ઇઝ ધ અલ્ટિમેટ.

ઝળહળી ઊઠતા અર્ણવસિંહે બીજી પળે હોઠ કરડ્યો.

કેમિકલ એક્સની પ્રૉપર્ટી એવી છે કે એમાં વરસોથી ફ્રોઝન કરી રાખેલું બ્રેઇન ન ચાલે. બાકી તો આઇન્સ્ટાઇનનું ખુદનું બ્રેઇન પણ રિસર્ચ માટે ક્યાં અવેલેબલ નથી! નજીકના ભૂતકાળમાં આ કક્ષાનું કોઈ બ્રેઇન પ્રાપ્ય હોત તો-તો રિસર્ચમાં એ આવી જ ગયું હોત! અહં, બ્રેઇન તો ઓમકારનાથનું જ જોઈએ અને બ્રેઇનની બીજી ખાસિયત એ કે માણસ મર્યા વિના એને શરીરમાં કઢાય નહીં!

મતલબ, મારે ઓમકારનાથ મરે ત્યાં સુધી રાહ જોવાની? હજી તો પચાસના થયેલા જાણે તે કેટલું જીવશે!

ધગધગતો નિ:શ્વાસ સરી ગયો અર્ણવસિંહના મુખમાંથી, જે આગળ જતાં ખતરનાક ઇરાદામાં ફેરવાઈ શકે એમ હતો!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK