કથા-સપ્તાહ - વેર (સળગતો દાવાનળ - 4)

આદર્શે માતા-પિતાની છબિ છાતીસરસી ચાંપી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


માતા-પિતાની રાખને ઠંડી પાડીને નદીમાં વહાવતી વેળા પોતે સંકલ્પ કર્યો હતો : તમારા મોતનો બદલો લઈશ, વેર વસૂલ્યા વિના મને જંપ નહીં!

- બસ, પછી એ જ આદર્શનું મિશન બની ગયું.

દરમ્યાન ભાગ્યલક્ષ્મી સ્કૅમની તપાસ માટે વિવિધ સમિતિઓ રચાઈ. વિશ્વંભરના શોરૂમ્સ અને પેઢીએ દરોડા પડ્યા. એ બધું તો કેવળ દેખાવારૂપ રહ્યું. બૅન્કના ટોચના અધિકારીઓને બદલે ક્લર્ક લેવલના મામૂલી કર્મચારીને પકડી લેવાયા. એમાંના એકાદે લૉક-અપમાં આપઘાત કર્યો : મેં કંઈ ખોટું કર્યું નથી; પરંતુ મારા પર દબાણ કરવામાં આવે છે, ધમકાવાય છે એનો વિરોધ હું આ રીતે નોંધાવું છું...

મહાદેવભાઈ નામના તે ક્લર્કની પત્ની સુભદ્રાદેવીએ પતિની લાશ લેવાની ના પાડી દીધી : મને તો મારો વર જીવતો જોઈએ! તેને જાળવવાની જવાબદારી સરકારની હતી. ૨૪ કલાકમાં તેને ધમકાવનારા અધિકારીઓ સમક્ષ પગલાં ન લેવાયાં તો પતિની ચિતા ભેગી હું પણ સળગી જઈશ!

પછી શું થયું એ જોકે ખબર ન પડી. એકાએક મીડિયામાંથી એ વિશેના સમાચાર અદૃશ્ય થઈ ગયા. પોતે એ વિષયમાં તપાસ કરીને કોઈની આંખે ચડવું નહોતું. ભ્રક્ટ સિસ્ટમમાં એવી ઍક્શન લેવામાં કોઈ માનતું હોય! કદાચ બાઈ પણ માની ગઈ હોય, ધમકીને વશ થઈને ચુપકીદી સાધી લીધી હોય!

પોતાના પરિવાર સાથે વિશ્વંભરનાથ શિકાગોમાં છે અને નવો બિઝનેસ જમાવી દીધો હોવાના ખબર કોઈ ખૂણે ઝબકી જતા. એના પર આદર્શની ક્લોઝ-વૉચ રહેતી.

ભણી રહ્યા પછી અમેરિકાના વીઝા મળ્યા. બધું વેચી-સાટીને પોતે અમેરિકા મૂવ થયો. અહીં આવ્યા પછી વિશ્વંભર પર તેણે બાજ નજર રાખી. તેને માત કરવા પહેલાં તેના ગઢમાં દાખલ થવું પડે. તેના ડ્રાઇવરની જગ્યા ખાલી પડતાં પોતે ગોઠવાઈ ગયો એ હતું પહેલું પગથિયું. પોતે બીજાથી અળગો, અલિપ્ત રહેતો. બહુ ભળવાની જરૂર શી? મારો વેશ એટલો સલામત. હા, વિશ્વંભર સાથે અદબથી રહેવું પડતું, માલિકનેા રુત્બો જાળવવો પડતો એ બધું અસહ્ય હતું; પરંતુ જરુરી હતું. વિશ્વંભર ડ્રાઇવર તરીકે પોતાને વખાણતા એથી ઊલટી દાઝ બળતી : તારા પ્રતાપે મારે ડ્રાઇવરનો યુનિફૉર્મ પહેરવો પડ્યો છે બદમાશ, જો તારી શી દશા કરું છું!

ના, તેના ખૂનથી હાથ નહોતા રંગવા. જે કળથી મરે તેને માટે બળ શું કામ વાપરવું? કાયદાથી છટકનારને જુદા જ આરોપમાં કાયદાના હવાલે કરીને તેના સામ્રાજ્યનો અંત આણ્યો હોય તો! આવું કંઈક મનમાં રમ્યા કરતું હતું. એમાંથી ડ્રગ્સમાં ફસાવવાનો તુક્કો રામબાણ જેવો લાગ્યો.

- અને આજે એનું મુરત છે! બચતમૂડી વાપરીને ડ્રગની વ્યવસ્થા પોતે પાર પાડી ચૂક્યો છે.

આદર્શે શ્વાસ ઘૂંટ્યો. દર મહિનાના અંતિમ શનિવારે વિશ્વંભર નાથ મેન્સ ક્લબની પાર્ટીમાં જતો હોય છે. તેની કારમાં ડ્રગવાળી બિઅર બૉટલ ગોઠવવાનું સરળ છે મારા માટે. તબિયતના બહાને હું રજા પર ઊતર્યો છું એટલે જૉન સાહેબને લઈને જશે. કાર અહીંથી નીકળતાં હું પોલીસને નનામો ફોન કરી દઈશ. પછી ચેકિંગ અને ધરપકડ! ખેલ ખતમ.

આદર્શે માતા-પિતાની છબિ છાતીસરસી ચાંપી : આજે તમારું વેર ચૂકતે થવાનું!

€ € €

ગલત.

ના, આદર્શે ટિન કારમાં જાતે જ મૂક્યાં હતાં. તેના ફોનથી પોલીસે વાસ્તવમાં કાર પણ અટકાવીને સઘન તપાસ કરી હતી. ફ્રિજમાંથી બિઅરનાં ટિન પણ મળ્યાં હતાં, પરંતુ અંદર તો બિઅર જ હતો! ‘સૉરી’ કહીને અદબભેર તેમણે કાર જવા દીધી...

આવું કેમ થયું? પાર્ટીમાં જતા વિશ્વંભરના કપાળે કરચલી ઊપસી. પોલીસની વાત પરથી લાગ્યું કે તેમને કોઈનો ફોન ગયેલો... આવી હરકત કરી કોણે? કારમાંથી કશું વાંધાજનક ન નીકળ્યું એ માત્ર મારું નસીબ કે પછી મને ફિક્સ કરનારો જ ક્યાંક ચૂક્યો?

- એ તો આદર્શને પણ નથી સમજાતું. ટિનમાંનું ડ્રગ બિઅર કઈ રીતે બની જાય?

‘બિઅરનાં ટિન બદલાઈ જાય તો આવું બનેને.’

નીમાના સાદે જામતી રાતમાં ઓસરીમાં વિચારવશ બેઠેલો આદર્શ ઝબક્યો.

નીમા તેને રહસ્યમય લાગતી. અત્યંત સુંદર, આત્મવિશ્વાસભરી યુવતી અંશુમાનની સેક્રેટરીમાંથી પત્ની બનવાની એવું સાંભળ્યું હતું. તે પોતાને ક્યારેક વિચિત્ર નજરે તાકી રહેતી, ડ્રાઇવિંગ શીખવાના બહાને મને બોલતો કરવા મથતી એ સમજાતું. એટલે છાના ખૂણે તેની બીક રહેતી : છોકરી ચતુર છે, મારો ભેદ ન પામી જાય! જોકે આવી યુવતી હજારો કરોડોનો ગોટાળો કરનારી ફૅમિલી સાથે સંબંધ રાખવા માગે એય અચરજરૂપ હતું. નીમામાં એવી ધનલાલસા તો દેખાતી નથી...

જે હોય એ, તે જ એક એવી વ્યક્તિ છે જે તારા વેરનો તાગ મેળવી શકે! પોતે એનાથીયે અતડો રહેતો. એ દહાડે તેની સામે બિઅરનાં ટિન ખુલ્લાં પડેલાં એનો ધ્રાસકો પણ રહેલો... અને હવે તે બિઅરનાં ટીન બદલવાનું કહે છે એ શું છે?

‘તમારાં ડ્રગવાળાં ટિન મેં બદલ્યાં આદર્શ...’ નીમાએ ઝડપથી ઉમેર્યું, ‘કેમ કે પાંચ વરસના જેલવાસ કરતાં ક્યાંય વધુ સજાના હકદાર છે શ્રીમાન વિશ્વંભર નાથ અને તેમનો સમગ્ર પરિવાર!’

હેં.

€ € €

આદર્શને હવે સમજાતું હતું. નીમા પણ મારી જેમ વેર વાળવા આવી છે.

‘ડ્રગ્સકેસમાં વિશ્વંભરને ફસાવવાથી તેને બહુ-બહુ તો ચાર-પાંચ વર્ષની સજા થાય. હા, એ બહાને તેનાં કાળાં-ધોળાં બીજાં કામ ખૂલે એવી તમારી ગણતરી સાચી, પરંતુ મારા માટે તો એય પૂરતું નથી.’

નીમાનો આક્રોશ ઝબક્યો. શનિની રાત્રે વિલાવાળા પોતપોતાની પાર્ટીમાં હતા. ઈવન અંશુ પણ બૅચલર પાર્ટીમાં ગયો હતો એટલે વાતો થઈ શકવાની મોકળાશ હતી. દેખાવ એવો રાખ્યો કે નવી થનારી શેઠાણી બીમાર ડ્રાઇવરના હાલચાલ પૂછવા આવી છે. રૂમના ખુલ્લા દરવાજે અત્યંત ધીમા સ્વરે ગુજરાતીમાં થતી ચર્ચા અન્ય નોકરવર્ગના કાને પડે તોય સમજાવાની નહોતી.

‘આમાં તેમની ફૅમિલીની સજા ક્યાં? વિશ્વંભરના ફ્રૉડમાં તેઓ બરાબરના ગુનેગાર છે. બધા બધું જાણતા હતા, પરંતુ નથી પત્ની પતિને વારતી, ન પુત્રો કે ન પુત્રવધૂ વિશ્વંભરને સમજાવતાં... ગલત રાહ પર જનારાનો છેડો ફાડવા જેટલી હિંમત કોઈ દાખવી નથી શક્યું; કેમ કે દરેકને ઐશ્વર્યનો અને અમીરીનો મોહ છે, મૂલ્યોનું સ્તર •ણભારમાં છે.’

‘નીમા મારી કથા તો તું હવે જાણે છે, પણ તારે..’

‘મેં પણ વિશ્વંભરના બૅન્ક ધોખામાં મારા પપ્પા ગુમાવ્યા છે.’ નીમાએ કહ્યું, ‘તમે કેસસ્ટડી રાખ્યો હશે તો કદાચ ધ્યાનમાં હશે કે કડક પગલાં જતાવવા શૂરી બનેલી સરકાર ગણતરીબાજ મોટા માથાને તો કંઈ કરી ન શકી, પણ નબળો માટી બૈરી પર શૂરો એમ બિચારા ક્લર્ક અને મૅનેજર જેવાની ધરપકડ કરવા માંડી. એમાં એક મારા પિતા મહાદેવભાઈ વશી.’

આદર્શની સ્મૃતિ ઝણઝણી, ‘કોણ, પેલ ક્લર્ક જેમણે લૉક-અપમાં...’

‘જી...’ નીમાનો સ્વર રૂંધાયો.

મહાદેવભાઈ મલાડની બ્રાન્ચમાં સિનિયર ક્લર્કની પોઝિશન પર હતા. પત્ની-પુત્રી સાથે તેમનો નાનો સુખી પરિવાર હતો. ભાગ્યલક્ષ્મીનું ઉઠમણું કરીને વિશ્વંભર નાઠા પછી અચાનક પગલાં લેવાનો આફરો ચડ્યો હોય એમ સરકારે નિમ્ન વર્ગના કર્મચારીગણ પર ગાળિયો કસ્યો. એમાં મહાદેવભાઈ જેવા નર્યા નિર્દોષ પણ ભેખડે ભેરવાઈ ગયા.

પ્રામાણિકતાની મશાલ લઈને જીવનારા શખ્સ માટે ધરપકડ આપઘાત સમાન હતી. અધિકારીઓ ધમકાવતા : અમે કહીએ એ રીતની કબૂલાત કરી લો, નહીંતર બહાર તમારાં પત્ની-પુત્રીને રાવણભરોસે જ જાણજો..

આ દબાણ..... લોકનજરમાં તો હું ગુનેગાર ઠરી જ ગયોને! આબરૂની હરાજી સહી ન ગઈ ને મહાદેવભાઈએ લૉક-અપમાં આત્મહત્યા કરી લીધી.

‘એ મેં જાણ્યું હતું...’ આદર્શે વાગોળ્યું. ‘પછી તારાં મધરે લાશનો કબજો લેવાનો ઇનકાર જતાવેલો, ૨૪ કલાકની અંદર પગલાં ન લેવાયાં તો સળગી જવાની ધમકી આપી હતી... બસ, પછી શું થયું એ ખબર નથી.’

‘ખબર દબાવી દેવાયા.’ નીમા હાંફી ગઈ, ‘ભાગ્યા પછી પણ વિશ્વંભરે કેસ નબળો પાડવા વગ, પૈસો બધું વાપર્યું હતું જે ભલે જાહેર ન થયું હોય... પપ્પાના આપઘાતે અમે મા-દીકરી ભાંગી ૫ડેલાં. સગાંસંબંધી એવું પણ કહેતાં કે જરૂર મહાદેવે કશું ખોટું કર્યું હશે તો જ આત્મહત્યા કરીને છૂટી ગયોને!

€ € €

આવું બધું સાંભળીને સુભદ્રાબહેન સળગી ઊઠતાં, નીમા આક્રોશ ઘૂંટતી.

ત્યારે હજી અઢારની થયેલી નીમાને દુ:ખનો એ પ્રથમ સાક્ષાત્કાર હતો. એકની એક દીકરી તરીકે માતા-પિતાની અતિ લાડલી, એમ તેના સંસ્કાર બાબત પણ મહાદેવભાઈ-સુભદ્રાબહેન સચેત રહેલાં. મૂલ્યોમાં માનનારા પિતાની વીતક અસહ્ય હતી અને એમાં માનો અિગ્નસ્નાનનો પડકાર...

સુભદ્રાબહેનની પોકળ ધમકી નહોતી. જલદ પગલું લીધા વિના જડ, બધિર તંત્ર ગાંઠવાનું નહોતું... જોકે ધમકીની સામે તંત્ર તરફથી પણ વળતી કાર્યવાહી કરવાની, જોઈ લેવાની ચીમકી મળી. એ ગણકારે તો સુભદ્રાબહેન શાનાં? વરસોથી જે મૂલ્યોમાં શ્રદ્ધા રાખીને જીવ્યાં એની કસોટી હતી, એમાં તો પાર ઊતરવું જ રહ્યું!

નીમાને બરાબર યાદ છે. હોળીનો દિવસ હતો. પિતાનો બે દિવસ જૂનો મૃતદેહ મૉર્ગમાંથી ઘરવાળાને સુપરત થયો. જવાબદારો સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી.

‘મને ક્ષમા કરજો મહાદેવ, હું તમને ન્યાય અપાવી ન શકી.’ સુભદ્રાબહેનનો હૃદયદ્રાવક વિલાપ આંખો ભીંજવી દેનારો હતો.

પછી અશ્રુ લૂછીને નીમાના માથે હાથ ફેરવ્યો, ‘જાતને જાળવજે દીકરી...’ કહીને સડસડાટ નીકળેલાં તેઓ પહોંચ્યાં પોલીસથાણે.

કદી અંગ્રેજો સામે સ્વાતંત્ર્યસેનાનીઓ લડ્યા હશે એમ સૂત્રોચ્ચાર કરીને તેમણે સાથેના કાર્બામાંથી ઘાસતેલ છાંટીને દીવાસળી ચાંપી દીધી!

€ € €

‘ઓ...!’ આદર્શ સિસકારી ઊઠ્યો.

‘લોકો દોડી આવ્યા, આગ બુઝાવીને માને હૉસ્પિટલમાં લઈ જવાયાં. પૂરા પાંત્રીસ દિવસ મારી મા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈને છેવટે સ્વર્ગે સિધાવી. તેના કેસને અકસ્માતનું નામ આપીને વગધારીઓએ જાણે કેટલા કરોડોમાં ભીનું સંકેલ્યું હશે!’

નીમાએ પાંપણે બાઝેલી બૂંદ લૂછી, ‘માને બળતાં તો મેં જોઈ નહોતી, અંતિમ દિવસોમાં મારી મા પોતે બોલી પણ નહોતી શકતી, પણ એથી મારા અંતરમાં એક જ પાઠ ઘૂંટાતો રહ્યો - વેર!’

આદર્શે પોતાની ભીતર ભડકો અનુભવ્યો.

‘અલબત્ત, માતા-પિતા ગયાનાં

બે-ત્રણ વરસ મને સ્વસ્થ થતાં લાગ્યાં. પછી વેરને સાંભરીને મારો આત્મવિfવાસ વળી સંધાયો, હું મચી પડી. ના, અહીંના અધિકારીઓ તો પ્યાદારૂપ હતા. અમારો ખરો દુશ્મન તો અમેરિકા હતો - વિશ્વંભર નાથ! તેના પાપે આપણે પરિવાર ગુમાવ્યો તો તેનું કુટુંબ શું કામ હેમખેમ રહે? આપણી મંઝિલ એક છે આદર્શ, હું પણ અહીં વેર લેવા આવી છું.’ નીમાનાં વેણમાં ધગધગતો લાવા હતો, ‘જાણો છો આદર્શ, ત્યાર પછીની દરેક હોળી મેં આ ઘડીનો ઇન્તેજાર કર્યો છે... ખરી હોળી તો આ વખતે સળગવાની!’

આદર્શે નીમાની કીકીમાં ભડકો જોયો. મારો ભેદ જાણવા છતાં નીમા ચૂપ રહી છે એ જ તેની સચ્ચાઈની ગવાહી પૂરે છે.

‘આપણે સાથે મળી પ્રગટાવીશું એ હોળી.’

આદર્શે લંબાવેલી હથેળીમાં હથેળી પરોવતી નીમાને હવે પરિણામની દ્વિધા ન રહી!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK