કથા-સપ્તાહ - વેર (સળગતો દાવાનળ - 3)

‘આઇ ઍમ સૉરી...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


પોતાનો વાંક નહોતો છતાં માફી માગી ટિન ફરી થેલીમાં નાખીને આદર્શે ફટાફટ ક્વૉર્ટર તરફ ચાલવા માંડ્યું.

બિઅર? નીમાથી મનાતું નથી. બિઅરની બ્રૅન્ડ પણ બહુ સામાન્ય છે. જે ચીજ વિલાના સ્ટાફ-કિચનમાં આસાનીથી મળી રહે એને માટે આદર્શ ચાર દહાડાથી ગલીઓમાં ઘૂમતો હતો?

ન બને. તો પછી?

અને નીમા ટટ્ટાર થઈ. ટિન ભલે બિઅરનાં હતાં, અંદર બિઅર જ હોય એ જરૂરી નથી! નીમાને સમજાયું નહીં : આમાં વિશ્વંભરની કોઈ ચાલ છે કે પછી આદર્શ કોઈ રમત રમી રહ્યો છે?

અહં, હવે તો આની ખાતરી કરવી રહી!

€ € €

‘હલો એવરીબડી!’ ટહુકો કરતી નીમા વિલામાં પ્રવેશી. ડિનર માટે સૌ ડાઇનિંગ હૉલમાં ગોઠવાયા હતા. નીમા હળવેથી અંશુમાનના પડખે બેસી ગઈ. મેઇડે તેની પ્લેટ લગાવી.

‘માય ગૉડ. તારી પ્રેયર બહુ લાંબી ચાલે છે આજકાલ.’ અંશુમાને ટકોર કરી, ‘કયા મંદિરે જાય છે રોજ?’

‘ભગવાનના આર્શીવાદ તો લેવા જ પડેને!’ ઊડતો જવાબ વાળીને નીમાએ માથે હાથ મૂક્યો, ‘ઉપ્સ, તારી રિંગ પછી સેલફોન મેં સાઇલન્ટ પર મૂક્યો હતો.’ તેણે બબડી લીધું, ‘ખરેખર તો ગાડીમાં ગૅસ ખલાસ થવા પર છે, ડ્રાઇવરને મોકલીને ભરાવી લેવો પડશે.’

ïઆમાં કોઈ પણ ટીકાટિપ્પણી થઈ નહીં ને ડિનર પછી હૉલની બેઠકમાંથી સરકી નીમાએ આદર્શને તેડાવીને કારની ચાવી થમાવી : હવે તબિયત ઠીક હોય તો ગૅસ ભરાવી આવો.

આદર્શ ખચકાયો. પોતાને બહા૨થી આવતો જોનારી નીમાનો ક્ટાક્ષ સમજાય એમ હતો. ‘જી’ કહીને નીકળવામાં તેણે સાર જોયો.

€ € €

‘જાણે નીમા આજકાલ શામાં આટલી બિઝી થઈ ગઈ છે!’ ઘણી વાર પછી પણ નીમા હૉલમાં ૫ાછી ન આવતાં અંશુમાનના કપાળે કરચલી ઊપસીને અદૃશ્ય થઈ, ‘લેટ મી ચેક...’

‘જોયું, બેઉએ મળવાનું કેવું બહાનું શોધી કાઢ્યું!’

ભાભીની મશ્કરી બહાર નીકળતા અંશુમાનના હૈયે ગલીપચી કરી ગઈ, પછી નિસાસો જ નાખ્યો : અમારી વચ્ચે એવું કંઈ થયું જ ક્યાં છે?

અંશુમાન નીકળ્યો ત્યારે નીમા આદર્શની રૂમે પહોંચીને ખાંખાંખોળા કરતી હતી.

€ € €

સર્વન્ટ્સ ક્વૉર્ટર્સની રૂમોનો એક ઝૂડો કિચનના ડ્રૉઅરમાં રહેતો એટલે આદર્શની ઓરડીમાં પ્રવેશવામાં ઝાઝી તકલીફ ન નડી નીમાને. સાદી રૂમમાં ઝાઝું રાચરચીલું નહોતું.

મારે બિઅરનાં ટિન શોધવાનાં છે! પલંગ નીચે કે પછી ડ્રેસિંગ-ટેબલના ડ્રૉઅરમાં થેલી નહોતી. બાકી રહ્યું ક્લોઝેટ. સદ્ભાગ્યે એની ચાવી કી-હોલમાં જ લટકતી છે. કદાચ આદર્શ ભૂલી ગયો... ના, ટિન અહીં પણ ન દેખાયાં. નીચેના ખાનામાં કપડાની સૂટકેસ દેખાઈ.

કદાચ આદર્શે બૅગમાં ટિન છુપાવ્યાં હોય! નીમાએ કળ દબાવી. બૅગ ખૂલી, અને એક ભેદ પણ!

આદર્શની બૅગમાં સામાનમાં સૌથી ઉપર વિવિધ અખબારોનાં કટિંગ્સ ચોંટાડેલો કાગળ હતો...

‘સદીનું સૌથી મોટું બૅન્ક-સ્કૅમ. ભાગ્યલક્ષ્મી બૅન્કને બાર હજાર કરોડનો ચૂનો લગાવીને નાથ એન્ટરપ્રાઇઝના વિશ્વંભર નાથ ફરાર!’

‘વેપારીનું વિદેશગમન. બૅન્કના કરોડો રૂપિયા ચાંઉ કરીને નાથ પોતાની ફૅમિલી સાથે પરદેશ ઊપડી ગયા ને સરકાર ઘોરતી રહી!’

નીમા ધબ દઈને બેસી પડી. આદર્શના સંદર્ભો સ્વયંસ્પષ્ટ બન્યા. તેના ચહેરામાં, તેની આંખોમાં જાણીતું તત્વ હવે પરખાયું - વેર!

એ જ વખતે અંશુમાનનો સાદ સંભળાયો. ‘નીમા આર યુ ધેર?’

નીમાએ ઝડપથી સામાન સમેટ્યો, ચહેરાના ભાવ બદલ્યા, ‘તું અહીં શું કામ આવ્યો અંશુ!’ દરવાજો ખોલીને બારણે ઊભેલા અંશુને સામો સવાલ કરીને નીમા પોતાનો જવાબ ખાઈ ગઈ, ‘હં. ખરો અધીરો! હું જરા ઓઝલ થઈ કે આવી ચડ્યો.’

પ્રેયસીનો છણકો અંશુમાનને ગમ્યો. તેનો હાથ પકડીને વિલા તરફ દોરતી નીમા સિફતથી એવા મુદ્દા ઉખેળતી ગઈ કે નીમાનું આદર્શના રૂમમાં હોવાનું કારણ પૂછવાનુંય અંશુમાન વિસરી ગયો!

€ € €

‘વિશ્વંભર નાથની ધરપકડ! એક જમાનાનો ડાયમન્ડ-કિંગ ડ્રગ-ટ્રાફિકિંગમાં સંડોવાયો?’

અમેરિકા વસતા ભારતીયોમાં જ નહીં, ભારતના ખુદના મીડિયામાં નાથ એન્ટરપ્રાઇઝના વિશ્વંભરની અરેસ્ટના સમાચાર વાઇરલ બન્યા છે.

‘સૂત્રોના અહેવાલ મુજબ ગઈ કાલે શનિની રાત્રે શિકાગોની નદીના બોટહાઉસમાં ધનકુબેરોની મેન્સ ક્લબની એક્સક્લુઝિવ પાર્ટી હતી. લો પ્રોફાઇલ રહેતા વિશ્વંભર નાથ જોકે આવી પાર્ટીના શોખીન. ગઈકાલે સાંજે ઘરેથી પાર્ટીમાં જવા નીકળેલા વેપારીને અંદાજ નહીં હોય કે પોતે બોટહાઉસને બદલે પોલીસથાણે જવાનું બનશે!

પ્રાપ્ત વિગતો અનુસાર પાર્ટીમાં જતા વિશ્વંભર નાથની કારને અધવચ્ચે અટકાવીને પોલીસે ઝડતી લેતાં કારના મિની ફ્રિજમાંથી બિઅરનાં ચાર ટિન મળ્યાં, જેમાં ખરેખર તો ડ્રગ હતું!

ભારત હોત તો VIP કારને હાથ લગાવાની કોઈની હિંમત ન થાત, પણ અમેરિકામાં કાયદો કોઈની શરમ નથી રાખતો. પ્રતિબંધિત ડ્રગ્સ રાખવાના આરોપસર તત્કાળ વિશ્વંભર નાથની ધરપકડ કરાઈ. નિષ્ણાતોની વાત સાચી માનીએ તો આ કેસમાં વિશ્વંભરને કમસે કમ પાંચ વરસની જેલ થવાની સંભાવના છે... અગેઇન અમેરિકામાં ભારત જેવું ઢીલું ન્યાયતંત્ર નથી. તારીખ પે તારીખવાળી રમત અહીં રમાતી નથી. આગામી છ માસમાં કેસનો ચુકાદો આવી જવાનો સંભવ છે. નાથના મૅનેજરે જોકે ડિફેન્સિવ સ્ટેટમેન્ટ આપતાં કહ્યું છે કે નાથ કોઈ ડ્રગનું સેવન કરતા નથી, આ તેમને ફસાવવાની કોઈની ચાલે છે જેનો પર્દાફાશ બહુ જલદી થઈ જવાનો...

વેલ, આવા દાવા ભારતમાં બેશક ચાલી ગયા હોત, અમેરિકામાં ડ્રગના કાયદા બહુ જલદ છે અને પોલીસે બાતમીના આધારે રેઇડ પાડી હોવાનું કહેવાય છે ત્યારે વિશ્વંભરને એટલો પસ્તાવો તો જરૂર થતો હશે કે પોતે ભાગ્યલક્ષ્મી બૅન્કનું ફુલેકું કરી નાહક ભારત છોડીને અમેરિકા વસ્યા!

- એ સાથે જ ટીવીની સ્ક્રીન પર બ્લૅકઆઉટ થયો અને આદર્શની આંખો ઊઘડી ગળ - સપનું!

પથારીમાં બેઠો થયો. નજર સામેની ઘડિયાળ પર ગઈ - સવારના સાડાપાંચ.

મતલબ સવારનું સપનું! આદર્શના હોઠ નંખાયા - ત્યારે તો એ સાચું જ પડવાનું! વિશ્વંભર તારા દહાડા ભરાઈ ગયા. નિર્દોષ લોકોના પૈસા પર બહુ જાહોજલાલી માણી, હવે ભોગવ! ડ્રગ્સમાં ફસાયેલો ફરી કદી ઊભરી શકવાનો નહીં, સ્વભાવગત તેં અહીં પણ કાળાં ધોળાં કર્યાં હશે તો એ પાપ ખુલ્લાં પડી જવાનાં.

છાતીમાં શ્વાસ ભરીને તેણે ક્લોઝેટ ખોલ્યું, બૅગ કાઢીને પલંગ પર મૂકી એમાં સાવ તળિયે છુપાયેલી તસવીરને હાથમાં લેતાં પાંપણે ભીનાશ છવાઈ : મારાં મમ્મી-પપ્પા!

તેમની છબિ ધૂંધળી થઈ ને છ વર્ષ અગાઉનો ભૂતકાળ તરવરી ઊઠ્યો...

માના હૃદયના વાલ્વનું ઑપરેશન કરવા ૨૦ લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર હતી. પપ્પાએ ફિક્સ્ડ-ઘરેણાં બધું વેચી-સાટીને પાર પાડ્યું હોત, પણ...

‘ભાગ્યલક્ષ્મી બૅન્ક ફડચામાં. ડાયમન્ડ કિંગ ૧૨ હજાર કરોડની ઉચાપત કરીને વિદેશ ફરાર!’

બુધવારની એ કષ્ટદાયી રાત્રિ હતી. બપોરે માને હૉસ્પિટલમાં લાવ્યા. સાંજે નિષ્ણાત ડૉક્ટરના નિદાન બાદ સ્તબ્ધ મને બાપ-દીકરો ICUની સામે કૉરિડોરના બાંકડે બેસીને પૈસાની વ્યવસ્થાનો હિસાબ માંડતા હતા, ત્યાં લૉબીના છેવાડે નર્સોના કાઉન્ટર પર લાગેલા ટીવીમાં ચમકેલા ખબરે ખાસ તો વિનયભાઈને ખળભળાવી મૂક્યા. ઘરેથી મગાવેલાં બૅન્કનાં કાગળિયાં, લૉકરની ચાવીનો ડબ્બો હડસેલીને ટીવી આગળ દોડી ગયા.

સાચવીને બધું થેલામાં મૂકીને આદર્શ પણ ત્યાં પહોંચ્યો.

ભાગ્યલક્ષ્મી જાણીતી બૅન્ક હતી. એના શૅરનો ભાવ પણ સારો. હમણાંથી સ્ટૉકની જાણકારી રાખતા થયેલા આદર્શે એના એન્યુઅલ રિપોર્ટનો પણ અભ્યાસ કરેલો. ઑન પેપર બધું હેલ્ધી હતું. તો પછી અચાનક આ શું થયું?

સમાચાર ધ્યાનથી જોતાં સમજાયું કે આની પાછળ ઝવેરાતની, ખાસ કરીને ડાયમન્ડ જ્વેલરીની જાણીતી બ્રૅન્ડ્સ ‘નાથ’ના સર્વેસર્વા વિશ્વંભર નાથનું દિમાગ છે. બૅન્કની વિવિધ બ્રાન્ચના અધિકારીઓને ફોડીને તેણે લીધેલી લોનનો આંકડો બાર હજાર કરોડનો થાય છે, જે ચૂકતે કરવાને બદલે મહાશય અમેરિકા ઊપડી ગયા છે - સમસ્ત પરિવાર સાથે.

જાણીને સામાન્ય માણસને આઘાત લાગે કે અમને લાખ-બે લાખની લોન માટે ધરમના ધક્કા ખવડાવતી બૅન્કોને છેતરવી આટલી સરળ હશે! રાબેતા મુજબ ઘોડો ભાગી છૂટ્યા પછી સરકાર તબેલો વાસવા બેઠી, પણ પ્રજાના ૧૨,૦૦૦ કરોડ પાછા આવે એવું લાગતું નથી! ભાગ્યલક્ષ્મીનાં ATM પર દેશભરમાં લાંબી કતારો લાગી છે, પરંતુ પૈસા નથીની નોટિસ સાથે બૅન્ક રાતોરાત બંધ કરી દેવાઈ છે.

‘નહીં...’

આદર્શ ચમક્યો. ચીસ નાખીને પિતાને ઢળી પડતા જોયા ત્યારે ઝબકારો થયો કે અમારું બધું આ જ બૅન્કમાં હતું-છે! એક તો પત્નીની ચિંતા, એમાં આખા જીવનની બચત ઉસરડાઈ ગયાના આઘાતે વિનયભાઈને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો ને ઘડીભરમાં તો તેમણે પ્રાણ તજી દીધા!

આદર્શ સ્તબ્ધ હતો. ભેગા થઈ ગયેલાં સગાંસ્નેહીઓ કહેતાં હતાં કે કોઈ તો તેને રડાવો, તેનો આઘાત વહેવો જરૂરી છે.

હૉસ્પિટલની બહાર આવી વાતો ચાલતી હતી ત્યાં...

‘બેચારી ઔરત...’ ત્ઘ્શ્માં કાવેરીબહેને નર્સોની કાનાફૂસી સાંભળી, ‘વાલ્વના ઑપરેશનની તૈયારી માટે પૈસા જુટાવતા તેના ધણીને બૅન્ક ઊઠી ગયાના ધક્કાથી જીવલેણ હાર્ટ-અટૅક આવી ગયો! બિચારીના જીવનું જોખમ છે એટલે તેને તો જાણ પણ નથી કરાઈ કે તે વિધવા થઈ ચૂકી છે!’

હે ભગવાન. આ નર્સ કોના વિશે બોલે છે? કાવેરીબહેનની છાતી હાંફવા માંડી. ‘આ...દર્શ...’ તેમની પાતળી ચીસે નર્સો ચમકી. કાર્ડિયોગ્રામના આરોહ-અવરોહ ભાળીને ઇમર્જન્સી બેલ વગાડી. થોડી વારમાં નિષ્ણાત ડૉક્ટર દોડી આવ્યા, પરંતુ કાવેરીબહેનના હોઠે એક જ નામ હતું - આદર્શ... મારા આદર્શને તેડાવો!

‘તમને ડૉક્ટર અંદર તેડાવે છે.’ છેવટે અંદરથી તેડું આવતાં આદર્શ સાથે બેઠેલા કુટુંબીઓએ હામ બંધાવી, ‘માને ખબર પડવા દેતો નહીં..’

ડોક ધુણાવીને આદર્શ ભીતર ગયો. કાવેરીમાના અંતિમ શ્વાસ જતા હતા. દીકરાને તેમણે ઓળખ્યો, ‘આ...દર્શ... તારા પપ્પા...’

ના, મા પપ્પાને જોવા-મળવા નથી માગતી, તે તો પૂછવા માગે છે કે પપ્પા ખરેખર નથી રહ્યા? તેને કેમ જાણ થઈ એ જાણવાનો અર્થ નહોતો. મરતી મા સમક્ષ જૂઠ ન બોલાયું. આદર્શે માનો હાથ પકડ્યો, ભીની પાંપણો પટપટાવી ને ધગધગતો નિસાસો સરી ગયો કાવેરીબહેનના મુખમાંથી - વિ...ન...ય!

બોલવાની શક્તિ ન રહી. તેમનો હાથ ઊઠ્યો, દીકરાના માથે પડ્યો ને વળતી પળે નીચે સરી ગયો.

‘શી ઇઝ નો મોર.’

ના, આદર્શ ત્યારે પણ રડ્યો નહીં. થોડા કલાકમાં બબ્બે આઘાતે તેનું લાગણીતંત્ર થીજવી દીધું હતું. બીજે દહાડે એક ઘરમાંથી બે અર્થી ઊઠતાં ન્યાત-સમાજમાં અરેરાટી મચી ગઈ હતી.

‘પપ્પા-મમ્મીને છેવટના પ્રણામ કરી લે.’ સ્મશાનમાં એકાદ વડીલે કહેતાં આદર્શની કીકી ફરકી. મા-બાપને ચિતા પર નિહાળીને તેનો ધબરાઈ રહેલો શોક ફાટ્યો હતો : હું મારા પપ્પા-મમ્મીને નહીં જવા દઉં!

આઠ-દસ જણે પકડીને તેને વારવો પડ્યો એટલું ઝનૂન હતું તેના રુદન-આક્રંદમાં.

‘આ પીડા પણ વાંઝણી જને! જાણે ભાગ્યલક્ષ્મીનું ડૂબવું કેટલાને ડુબાડશે!’

માતા-પિતાને અગ્નિદાહ દઈને શોકમગ્ન બેઠેલા આદર્શના કાને આવી ચર્ચા અફળાતી રહી. ભીતર આક્રોશ ઘૂંટાતો રહ્યો.

અમારું સુખ, મારાં માબાપ ભાગ્યલક્ષ્મીના પ્રતાપે રિસાયાં. બચતમૂડી ડૂબવાથી વિશેષ અણીના સમયે કામ ન લાગવાનો આઘાત પપ્પાના પ્રાણ હરી ગયો. એના પ્રત્યાઘાતે માનું હૃદય ડૂબ્યું... ધીસ ઇઝ મર્ડર. બૅન્ક ઊઠી ન ગઈ હોત તો આમાંનું કંઈ બન્યું ન હોત.

અને આના માટે મુખ્ય જવાબદાર છે વિશ્વંભર નાથ! ચિતા જેવું જ ભડભડ વેર ભીતર પ્રજ્વલિત થયું. સિસ્ટમને ખોખલી કરી વિદેશ જઈને એશ કરનારાઓ પ્રત્યે કોઈએ તો ભડકો દાખવવો પડશે; બહુ થયું, ક્યાં સુધી આપણે આવા તાયફા ખમતા રહીશું? કાયદો લાચાર હોય, કાયદાને તેઓ હાથો બનાવી શકતા હોય તો આપણે પણ કેમ કાયદો હાથમાં ન લઈ લેવો! આ જ ન્યાય.

માતા-પિતાની રાખને ઠંડી પાડી નદીમાં વહાવતી વેળા સંકલ્પ કર્યો : તમારા મોતનો બદલો લઈશ, વેર વસૂલ્યા વિના મને જંપ નહીં પડે!

- અને હવે એનું મુરત છે! બચતમૂડી વાપરીને ડ્રગની વ્યવસ્થા પોતે પાર પાડી ચૂક્યો છે.

આદર્શે શ્વાસ ઘૂંટ્યો. શનિવારે વિશ્વંભર મેન્સ ક્લબની દર મહિનાની અંતિમ પાર્ટીમાં જતો હોય છે. તેની કારમાં ડ્રગવાળાં બિઅરનાં ટિન ગોઠવવાનું સરળ છે મારા માટે. તબિયતના બહાને હું રજા પર ઊતર્યો છું એટલે આ શનિવારે જૉન સાહેબને લઈને જશે. કાર અહીંથી નીકળતાં હું પોલીસને નનામો ફોન કરી દઈશ, પછી ચેકિંગ અને ધરપકડ! ખેલ ખતમ.

આદર્શે માતા-પિતાની છબિ છાતીસરસી ચાંપી : તમારું વેર હવે ચૂકતે થવાનું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK