કથા-સપ્તાહ - વેર (સળગતો દાવાનળ - 2)

કારને શિકાગોની ઢળતી સાંજના ટ્રાફિકમાં હંકારતી નીમા વાગોળી રહી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


પોતાનું વેર નાથ પરિવાર સામે હતું અને એને વસૂલવા કુટુંબના સૌથી નાના દીકરા અંશુમાનને ટાર્ગેટ કરવો પ્રમાણમાં સરળ લાગ્યું હતું નીમાને. વિશ્વંભર નાથ, તેમનાં પત્ની ચારુબાળા, મોટો દીકરો વેદાંત, તેની વાઇફ શ્વેતા અને અંશુમાન -  પરિવારના દરેક સભ્ય પર ઝીણવટભર્યું રિસર્ચ કરી નીમાએ લક્ષ્યાંક પાકો કયોર્ï હતો. ધનકુબેરના દીકરા તરીકે ઊછરેલો અંશુમાન ગુણોનો ભંડાર હતો એવું નહીં, બલ્કે આશિક મિજાજ છેલબટાઉ જુવાનને પોતે કુનેહથી વશ કરી શકશે એવી પાકી ગણતરી સાથે નીમા આગળ વધી હતી.

સાત-આઠ મહિના અગાઉની વાત.

ટૂર-કંપની ચલાવતા અંશુમાનની સેક્રેટરી તરીકે ખાલી પડેલી જગ્યામાં ગોઠવાઈને નીમાએ પહેલું પગલું લીધું. પછી બાકીની સીડી ચડવી આસાન રહી.

પચીસેક વરસની નીમા અત્યંત સૌંદર્યમઢી તો હતી જ, આત્મવિશ્વાસની ધાર તેના રૂપને તેજોમય બનાવતી. એમાં પાછી પ્રખર બુદ્ધિમત્તાની મૂડીથી તેણે સહેજે આછકલી થયા વિના અંશુમાનને એ હદે પ્રભાવિત કયોર્ કે નોકરીએ જોડાયાના મહિનામાં પોતે બૉસ હોવાનું ભૂલીને તે ગરીબ, અનાથ સેક્રેટરીની આગળપાછળ ભમતો થઈ ગયો.

‘તું સાચે જ બહુ રૂપાળી છે નીમા...’ અંશુમાનની આંખોમાં કંઈકેટલા ભાવ વિખરાઈ જતા. પોતાની શ્રીમંતાઈના જોરે મનફાવતી તિતલી ભોગવવાની અંશુમાનને ટેવ હતી. પણ ન શ્રીમંતાઈથી, ન દેખાવથી અંજાતી નીમા જાણે પડકારરૂપ બની ગઈ તેના માટે; કદાચ પ્રશસ્તિથી તે રીઝે!

પણ નીમાને ઉતાવળ નહોતી. લોઢું બરાબર ગરમ થવા દેવાનું હતું. પછી ઘાટ ઘડવાનો હતો. અંશુમાનનાં વખાણ સામે તે નિસાસો નાખતી.

‘છોકરી ગરીબ અને અનાથ હોય ત્યારે રૂપ પણ તેનું દુશ્મન બની જતું હોય છે. ગરજાઉ ભમરા જેવી નજરોથી તેના પર સતત બળાત્કાર થતો રહે છે.’

આમાં આડકતરો ઘા અંશુમાન પર હતો. અંશુમાનને એ સમજાયું, થોડો ઓછપાયો. બૉસને મોં પર કહી શકવાની ખુમારી કોઈનામાં પહેલી વાર જોઈ!

આવી છોકરી બળજબરીને ગાંઠે નહીં. ગિફ્ટ્સથીયે રીઝે નહીં. નીમાને રાજી કેમ કરવી? અંશુમાન ગૂંચવાતો, મૂંઝાતો. એટલું જ નીમાનું આકર્ષણ વધતું રહ્યું. એની માત્રા ચકાસતી નીમા ફૂંકીને આગળ વધી.

‘આમ તો આપણી અમેરિકન સોસાયટીમાં સેક્સની આભડછેટ નથી, પણ મને આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ છે. લોકોની નજરોને તો હું રોકી નહીં શકું, પરંતુ લગ્ન વિના મારા શરીરને અભડાવા નહીં દઉં.’

લગ્ન! અંશુમાનની આંખો પહોળી થયેલી. મનફાવતી આઝાદી માણતા જુવાનને લગ્નની બેડીમાં જકડાવાનું કેમ રુચે! પણ એમ તો નીમાની લાલસા પણ જેવીતેવી નહોતી. આવી જ એકાદ ચર્ચામાં નીમાએ કહી દીધું, ‘જોકે મારા જેવીના નસીબમાં તમારા જેવો રાજકુમાર ક્યાંથી લખ્યો હોય, પણ જેવો હશે તેને હું સ્વર્ગનું સુખ આપીશ...’ નીમા ક્યાંક ખોવાતી.

અંશુમાનને કંઈનું કંઈ થઈ જતું. નીમા સાચે જ જન્નતની હૂર જેવી છે, તે સ્વર્ગ જ રચેને! પછી ધ્યાનમાં આવતું કે તેણે મને રાજકુમાર કહ્યો... ‘તારા નસીબને આટલું ઓછું કેમ આંકે છે નીમા?’ અંશુમાને ગુગલી ફેંકી, ‘તને મારાથી વધુ લાયક રાજકુમાર મળી જશે...’

અંશુમાનને ભનક નહોતી કે નીમા સિક્સર ફટકારવા તૈયાર બેઠી છે, ‘બીજા મળે...’ તેણે નજરોના તાર સાધ્યા, ‘તમે તો નહીં !’

મતલબ... અંશુમાન ઝળહળી ઊઠ્યો, ‘હું તને ગમું છું નીમા?’

‘તમને શંકા છે અંશુમાન?’ નીમાએ પાંપણ પટપટાવી. અંશુમાન સાતમા આસમાનમાં. મને ગરજાઉ ભમરો કહેનારીમાં આવો પલટો! એનો જોકે આનંદ જ હોયને!

‘જોકે એથી શું? હું રહી ગરીબ, તમે અમીર. આપણો મેળ ક્યાંથી?’ ખભા ઉલાળીને નીમાએ હાંફતી છાતીથી નાખેલો નિસાસો ધાર્યું કામ આપી ગયો. અંશુમાને આગળ વધીને તેનો હાથ પકડી લીધો, ‘નો મોર ડિસ્કશન નીમા, વી આર મૅરિઇંગ!’

અંશુમાનનો રણકો જ કહેતો હતો કે આપણને પરણતાં હવે કોઈ રોકી ન શકે...

મતલબ, નાથ ફૅમિલી પણ નહીં! ગ્રેટ. નોકરીએ જોડાયાના બે મહિનામાં પોતે વેર વસૂલવાની ધરી તો રચી લીધી...

‘ડૅડ આ છે નીમા...’ એ જ સાંજે અંશુમાન નીમાને તેમની વિલા લઈ આવેલો. શિકાગો નદીના કિનારે એકરોમાં પથરાયેલી વિલા અત્યંત વૈભવી છે. એના રજવાડી દીવાનખંડમાં ડગ મૂકતાં નીમાએ અડધી મંઝિલ સર કર્યાનો રોમાંચ અનુભવ્યો હતો.

આમ તો પરિવારના તમામ સદસ્યો વીક-ડેઝમાં રાતના ડિનર સિવાય ભેળા થાય એવું બહુ બનતું નહીં. શ્રીમંત ઘરમાં દરેકને પોતાની વ્યસ્તતા હોવાની, પણ ‘તમારા માટે સરપ્રાઇઝ છે’ એવું કંઈક અંશુમાને કહી રાખ્યું હતું એટલે એની રાહ જોતા હોય એમ માતા-પિતા અને ભાઈ-ભાભી હૉલમાં જ હાજર હતાં.

ખાસ તો વિશ્વંભરને જોઈને પોતાની નજરમાં અણગમતો ભાવ ડોકાઈ ન જાય એની કાળજી રાખી નીમાએ. રુઆબદાર, ગર્વીલા વિશ્વંભર ફોટોમાં અપે ટીવી પર જોયા હતા એવા જ લાગ્યા. પચાસેકની વય, ગોરો વાન, ડિઝાઇનર સૂટમાં જાજરમાન જણાતું વ્યક્તિત્વ... ચશ્માં પાછળની તેમની નજરોમાં સામાને પારખવાની કેવી વેધકતા છે!

અંશુમાને પણ કોઈ જાતની પૂર્વભૂમિકા વિના ધડાકો કરી દીધો, ‘હું તેને પરણવાનો છું.’

અંશુમાનની જાહેરાત બૉમ્બશેલથી કમ નહોતી. કેવા ખળભળી ગયેલા સૌ. સૌથી વિશેષ વિશ્વંભરનાથ.

‘છે કોણ આ છોકરી?’ માતા ચારુબાળા ડઘાયેલાં.

‘મારી સેક્રેટરી છે મા...’

‘નૉન્સેન્સ...’ પરિચય જાણીને નીમા તરફ જોવાની દરકાર સુધ્ધાં રાખ્યા વિના વિશ્વંભરનાથ ઊભા થઈ ગયેલા, ‘તારે ક્યાં પરણવું એ હું નક્કી કરીશ. આ તારી સેક્રેટરી હોય તો કિંમત ચૂકવીને તેની સાથે સૂવાની મજા માણ. એનો ક્યાં વાંધો છે? બાકી તે નાથ ફૅમિલીની વહુ નહીં બને શકે.’

તેમના રણકામાં તેમની સત્તા, ગુમાન છતાં થતાં હતાં.

‘સમાજમાં આપણું કેટલું નામ છે...’ ચારુબહેને દીકરાની પીઠ પસવારી.

‘નામ!’ નીમાએ તુચ્છકાર કયોર્, ‘કે બદનામ!’

સાંભળીને કેવા સમસમી ગયેલા સૌ. કાળાશ જેવી છવાઈ ગઈ.

નીમાએ અંશુમાનને નિહાળ્યો. પ્રેમ દાખવતી હોય એમ તેની હથેળી થામી, ‘ક્ષમા કરજો અંશુમાન, પરંતુ જે પુરુષ મારા મોં પર મારી કિંમત ચૂકવવાનું કહે તેની સાડીબારી હું પણ કેમ રાખું?’ પછી આંખમાં અશ્રુભાવ આણ્યો, ‘મેં તો કહ્યું જ હતું. મારા માટે કોઈ રાજકુમાર નહીં આવે... તમે પણ તમારી પિતાની મરજીના બંધાયેલા.’

ઘા ધારી જગ્યાએ લાગ્યો. અંશુમાનનો મિજાજ રણકી ઊઠ્યો, ‘મારી મરજીનો માલિક હું. નચિંત રહે નીમા, આપણને કોઈ જુદા કરી નહીં શકે.’

લેટ્સ ગો ટુ કોર્ટ...’

તેણે નીમાનો હાથ પકડ્યો. તેની સાથે ઉંબરા સુધી પહોંચતાં દરેક ડગલે નીમાનું હૈયું કાંપતું હતું. ધારણા કરતા કંઈક ઊંધું થવાના ભણકારા વાગ્યા. ત્યાં...

‘ઇનફ અંશુ...’ ઉંબરો ઓળંગતા જ હતા કે વિશ્વંભરનો સાદ સંભળાયો. નીમા આંખો મીંચી ગઈ - હા...શ!

‘નાથનો દીકરો કોર્ટમાં પરણતો હશે? છટ્! ધામધૂમથી તારા-નીમાનાં લગ્ન થશે.’

અંશુમાન પિતા તરફ દોડી ગયો. ભેટીને ચુંબન દીધું. ‘લવ યુ ડૅડ!’

‘શરત એટલી કે લગ્ન છ મહિના પછી - સમજોને હોળી પછી થશે. હમણાં લગ્નની કોઈ જાહેરાત પણ નહીં.’

‘કેમ-કેમ?’

‘બધું તને કહેવું પડશે?’ આછું હસીને વિશ્વંભરે દીકરાનો ગાલ થપથપાવ્યો, ‘તું તો જાણે છે કે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ. ગૂંચવણમાંથી અમે થોડા બહાર નીકળીએ તો તને પરણાવવાનો લુત્ફ તો માણી શકીએ. બોલ, એટલો તો અમારો હક ખરો કે નહીં!’

ત્યારે અંશુમાન તરત માની ગયો, ‘અફકોર્સ ડૅડ!’ પછી નીમાને નિહાળી, ‘ઍગ્રીડ?’

‘લગ્ન તો એક વિધિ છે અંશુમાન.

માતા-પિતાના આશિષ મળી ગયા, બીજું શું જોઈએ?’ વડીલોને પગે લાગીને નીમાએ વિશ્વંભર સમક્ષ હાથ જોડ્યા હતા, ‘ક્ષમા કરજો સર, ન બોલવા જેવું બોલી ગઈ હોઉં તો; પણ મારા સન્માનને પણ ઠેસ પહોંચી’તી એટલું તો આપ માનશો.’

વિશ્વંભરે તેને ત્યારે ધ્યાનથી નિહાળી હતી. નીમાએ ભોળપણનો, નિર્દોષતાનો ભાવ ટકાવી રાખવા બહુ મથવું પડ્યું હતું. દીકરાના દબાણે મને વહુ તરીકે સ્વીકારનારા વિશ્વંભરે લગ્નમાં જાણીજોઈને મુદત નાખી હોય, જેથી એ દરમ્યાન ખરેખર તો અંશુમાનને મારા મોહમાંથી અળગો કરવાની રમત રમી શકાય...

નીમા સાચું જ સમજી હતી, પણ એમ તો પોતે પણ પૂરી તૈયારી સાથે બાજીમાં ઊતરી હતી. મને દીકરાથી દૂર કરવા વિશ્વંભર પ્રથમ તો મારા વિશે શક્ય એટલી વિગતો એકઠી કરવા ઇચ્છશે, પણ એથી મારા મૂળ કુળ સુધી પહોંચી ન શકે એટલી તકેદારી તો પોતે રાખી જ હોય... ક્યાંક, કોઈ રીતે તેઓ ફસાવી ન જાય એ માટે નીમા સાવધ રહેતી. સામે અંશુમાનને એવું દાખવતી જાણે ‘મમ્મી-ડૅડી’ અને ‘ભાઈ-ભાભી’ની પોતાને કેટલી પરવા છે! અંશુમાન એથી પોરસાતો. તેને હાથમાંથી સરકવા કેમ દેવાય? સેક્રેટરી તરીકે તેણે કામ ચાલુ જ રાખ્યું એમ વિલામાં તેનો આવરોજાવરો સામાન્ય થતો ગયો. (બનાવટી) કાળજી અને બુદ્ધિમત્તાથી તેણે ધીરે-ધીરે સૌનાં મન પલોટ્યાં. વિશ્વંભર પણ નીમા બાબત પોતાની પ્રસન્નતા જતાવતા હોય છે. જોકે એ મીંઢો આદમી પેટમાં કયું પાપ છુપાવીને બેઠો હોય કહેવાય નહીં! નીમા ભ્રમમાં રહેવા નથી માગતી.

તે અંશુમાનને એકલા પડવાનો મોકો પણ ન આપતી. ના, નીમાએ ધાર્યું હોત તો અંશુમાનને વહેલાં લગ્ન માટે મનાવી લીધો હોત, પણ પોતે લગ્ન ક્યાં કરવાં જ છે? અંશુમાન તો નાથ પરિવારમાં પ્રવેશ મેળવવાનું પગથિયું હતો માત્ર. છતાં લગ્નમાં પડેલી મુદતે હોળીના મુરતની યાદ અપાવી. નીમાને એ વધુ યોગ્ય લાગ્યું. વેરની વસૂલાત એના આરંભબિંદુના મુરતે જ અંત પણ પામવી જોઈએ! હોળીનો લક્ષ્યાંક ભૂલું નહીં એ માટે તો મેં રિંગટોન પણ હોળીગીતની રાખી છે. બસ, આ સમયગાળામાં ન અંશુમાન મારી પકડમાંથી છટકવો જોઈએ, ન હું વિશ્વંભરની પકડમાં આવું એવું થવું જોઈએ!

નીમા એ બેઉ તકેદારીઓ સભાનતાપૂર્વક પાળતી હતી ત્યાં વિશ્વંભરે લગ્નમાં મુદત આપ્યાના બે મહિના પછી, કહો કે આજથી ત્રણ-સાડાત્રણ મહિના અગાઉ આદર્શનો પ્રવેશ થયો.

ખરેખર તો તે વિશ્વંભરના શોફર તરીકે જોડાયો હતો. ચોવીસ કલાકની ડ્યુટી અને રહેવાનું વિલાના સર્વન્ટ ક્વૉર્ટર્સમાં. અમેરિકામાં નોકરોનું સુખ ભારત જેવું ન જ મળે, છતાં નાથ ફૅમિલીમાં નહીં-નહીં તોય દસ-બાર જણનો સ્ટાફ હશે. એમાં ત્રણેક અમેરિકન પણ ખરા. નીમા દરેકને નામથી ઓળખતી. નોકરો સાથે શેઠાણીપણું દાખવવાથી તે દૂર રહેતી. એમાં આ આદર્શ થોડો અલગ પડતો લાગ્યો.

બીજા ડ્રાઇવર્સ જોડે પણ ભાગ્યે જ કશું બોલે. જાણે કામ સાથે કામ. બાકીનો સમય પોતાની રૂમમાં પુરાઈ રહે. પોતાને ક્યારેક અજીબ નજરે નિહાળતો હોય એવું લાગે. કશુંક જાણીતું છે આ ચહેરામા, તેની આંખોમાં. નીમાને સમજાતું નહીં, શું!

‘તેનું ડ્રાઇવિંગ સુપર્બ છે.’ ભાગ્યે જ કોઈને વખાણવામાં માનતા વિશ્વંભર તોલીને પ્રશંસા કરનારા એટલે આદર્શની સ્કિલ બાબત ક્વેન હોઈ જ ન શકે. બટ યેટ... નીમાને તે સાવધ રહેવા યોગ્ય લાગ્યો હતો. વિશ્વંભરે ક્યાંક તેને મારું પત્તું કાપવા તો પ્લેસ નથી કયોર્!

અંશુએ નીમાને કાર ગિફ્ટ કરેલી, પણ ડ્રાઇવિંગ નવું-નવું હતું એટલે ઘણી વાર તે શોફરને તેડાવતી. બે-ચાર વાર આદર્શની કંપની પણ લીધી, પરંતુ તે તો ભાગ્યે જ કંઈ બોલતો. ઘણી વાર નીમાના હોઠ સુધી આવી જતું - તને વિશ્વંભરે મારી ગેમ કરવા રાખ્યો છે?

પણ પ્રશ્ન ગળી જવો પડતો. આમ

પૂછીને મારે ખુલ્લા નથી પડવું! અંશુમાનને તે પૂછતી - આ આદર્શ થોડો અજીબ નથી? કેટલો સાઇલન્ટ!

‘હોય, કેટલાક પુરુષો વગર લગ્ને પણ ચૂપ રહેતા હોય છે!’ અંશુમાનને આમાં કશું અજુગતું નહોતું લાગ્યું.

નીમા એને હસવામાં લઈ ન શકી. એક-બે વાર તો વિલા પાછળની તેની રૂમ પર પણ જઈ ચડેલી. કશી ક્લુ મળે, કોઈ ભેદ મારી આંખે ચડે....

પણ નિરાશ થવું પડતું. હૅન્ગરે લટકતા યુનિફૉર્મ સિવાય કશું દેખાતું નહીં. ક્લોઝેટ જોવાની ચેષ્ટા કેમ થાય!

‘મૅડમ, તમે અહીં...’ આદર્શ પૂરી અદબ જાળવતો, ‘મને કૉલ કયોર્ હોત તો હું આવી જાત...’

‘ઇટ્સ ઓકે. આઇ થૉટ ડૅડી ઘરે છે તો

તમે ફ્રી હશો તો એકાદ રાઉન્ડ લઈને ડ્રાઇવિંગ પાકું કરું.’

તે શીખવતો. ડ્રાઇવરના યુનિફૉર્મમાં પણ બેહદ કામણગારો લાગતો અને છતાં તે બંધ કળી જેવો રહેતો એ નીમાને ખટકતું. ઑફિસથી ઘર, ઘરથી ક્વૉર્ટરની રૂમનો ચકરાવો જ જાણે તેની જિંદગી. રિયલી? નીમાને માનવું મુશ્કેલ લાગતું.

‘આજે ડૅડી જૉન (બીજો ડ્રાઇવર)ને લઈને ઑફિસ ગયા. આદર્શે રજા પાડી છે. બીમાર છે.’

હજી ત્રણ દિવસ અગાઉ અંશુમાને અમસ્તું કહેતાં નીમા ચમકી. તો-તો તે ઘરે હોવો જોઈએ. ખરેખર?

બેશક, વિલામાં કોઈને કન્સર્ન નહીં હોય કે રજા લીધેલો ડ્રાઇવર ક્યાં છે, શું કરે છે? પણ ઘરે જવાનું બહાનંમ ઊભું કરીને નીમાએ નજર રાખી એમાં તે ફાવી. તદ્દન નિરુપદ્રવી દેખાતા આદર્શને તેણે બદનામ ગલીઓમાં, બારમાં ભટકતો જોયો... ના, તે ટિપિકલ ડ્રાઇવર જેવી હરકતો નહોતી. તેને દારૂ પીવામાં, આૈરતો પાસે જવામાં રસ નહોતો... તેને કંઈક બીજાની જ તલાશ છે. આજે પણ ભટકીને તેણે શું મેળવ્યું કોણ જાણે?

છેલ્લા વળાંકે વળતી નીમાએ જોયું તો વિલાના પ્રવેશદ્વારે ટૅક્સીમાંથી આદર્શ ઊતરી રહ્યો હતો. તેના હાથમાં કાળી થેલી હતી.

આ શું લઈ આવ્યો તે? ïહોઠ કરડીને નીમાએ કાર વિલાના ગેટમાં વાળી, બરાબર આદર્શની પાછળ પહોંચીને એવા જોરથી હૉર્ન માયોર્ કે ભડકતા આદર્શના હાથમાંથી થેલી વચકી પડી. એમાંથી સરકતા બિઅરના ટિનને તાકીને નીમા આદર્શને નિહાળી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK