કથા-સપ્તાહ - વેર (સળગતો દાવાનળ - ૧)

હોલી કે દિન...


katha

અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

ક્યાંક ગૂંજતા લતા-કિશોરના હોળીગીતે ચિત્તમાં ઝણઝણાટી ફેલાવી દીધી. ભૂતકાળના સ્મૃતિતાર રણઝણી ઊઠ્યા. એમાં જોકે મધુરતા ઓછી અને પીડાનો ચિત્કાર વધુ હતો.

આદર્શનાં જડબાં તંગ થયાં. છ વરસ અગાઉની હોળીએ મારું સુખ સ્વાહા કરી દીધું. બાકી તો કેવો રંગ-ઉમંગભર્યો રહેતો એ તહેવાર! આમ તો ઘરે બધા જ તહેવાર રંગેચંગે ઊજવાતા, પણ હોળી એટલે હોળી!

ગતખંડ સાદ પાડતો હોય એમ શિકાગોની શેરીમાંથી તેનું મન મુંબઈના ઘરે પહોંચી ગયું.

‘માથે પરીક્ષા કેમ ન હોય, આદર્શને હોળી-ધુળેટી રમ્યા વિના ન ચાલે!’

કાવેરીમા કહેતી.

ફાગણની પૂનમ મોટા ભાગે માર્ચ મહિનામાં આવે ને એ આમ જુઓ તો સ્કૂલોમાં અંતિમ પરીક્ષાનો સમયગાળો!

‘પરીક્ષા એની જગ્યાએ, તહેવાર એની જગ્યાએ.’ પિતા વિનાયકભાઈનો દૃષ્ટિકોણ નિરાળો. બીજા પેરન્ટ્સ સંતાનને પરીક્ષાનો હાઉ બતાવીને ડરાવતા હોય ત્યારે વિનયભાઈ જુદું કહેતા, ‘આખું વરસ બરાબર ભણ્યા હો તો ફાઇનલ એક્ઝામનો ડર શું કામ હોવો જોઈએ?

રંગો રમવાથી વર્ષભરની મહેનતનો રંગ ઓછો ધોવાઈ જવાનો!’

કદાચ આ જ અભિગમે આદર્શમાં આત્મવિશ્વાસ પ્રેર્યો. ભણવામાં તે હોશિયાર હતો. સ્પોર્ટ્સમાં એટલો જ અિગ્રમ. પ્રાઇવેટ કંપનીમાં ક્લેરિકલ જૉબ કરતા વિનયભાઈની આર્થિક સ્થિતિ સાધારણ, પરંતુ એકના એક દીકરાને માબાપનાં લાડ-પ્યારની કમી ક્યારેય વર્તાઈ નહોતી. મલાડના ઘરમાં સુખની સંપન્નતા પ્રવર્તતી.

અને તહેવારની રોનકદાર ઉજવણીનો મતલબ હોળીમાં મોંઘી પિચકારી કે દિવાળીમાં ઢગલાબંધ ફટાકટા ખરીદવા એવો નહીં. જે મળે, જેટલું મળે એને આનંદથી માણવાની ખુશીમાં જે નથી એનો અભાવ આદર્શને કદી કનડતો નહીં. પરીક્ષાને કારણે મિત્રો ભેળા ન થાય. એની જરૂર પણ કોને હોય? આદર્શ પપ્પા-મમ્મી સાથે રંગોમાં રમે. ઘરમાં કેવો કિલ્લોલ છવાઈ જાય. પછી મા રસોડામાં ગૂંથાય ત્યારે પપ્પા સાથે ઘર ધોવાનીયે કેવી મજા આવે. આદર્શ કૉલેજમાં આવ્યો ત્યાં સુધી આ પ્રથા ચાલુ રહી.

અમારા એ સુખ પર છ વર્ષ અગાઉ ગ્રહણ લાગ્યું... નિ:શ્વાસ ખાળીને આદર્શે કડી સાંધી:

પોતે ત્યારે અંધેરીની મીઠીબાઈ કૉલેજમાં ગ્રૅજ્યુએશનના બીજા વરસમાં... CA થઈને પોતાની પ્રૅક્ટિસ જમાવવાની મહત્વાકાંક્ષા ધગધગતી હતી. સ્કૂલજીવનની અલ્લડતા ઊગતી જવાનીની ચંચળતામાં પરિવર્તિત થઈ હતી. ઘટમાં ઘોડા હણહણતા હતા, આંખોમાં આકાશ સમેટવાની ક્ષમતા હતી. કુંવારી કન્યાઓનાં અરમાન જેવો આદર્શ એટલો પાણીદાર જણાતો કે મા રોજ રાતે નજર ઉતારતી!

કૉલેજમાં આવ્યા પછી આદર્શ અકાઉન્ટ લખવાનાં છૂટકપૂટક કામો કરીને પોતાની પૉકેટમની કાઢી લેતો. બચત પપ્પા-મમ્મીના બર્થ-ડે અને ઍનિવર્સરીની ટ્રીટમાં વાપરી નાખતો. વય વધવા સાથે એ બૉન્ડિંગ મજબૂત બન્યું હતું. મા વહુ-પોતરાનાં સમણાં જોતી, પિતા દીકરાની જ્વલંત કારર્કિદીની દુઆ રળતા. સગાંસંબંધી કહેતાં પણ - તમારો દીકરો તમારા દિ ફેરવશે!

‘નહીં...’ આદર્શ માબાપને બાથમાં લેતાં ટહુકતો, ‘હું કહીશ કે અમારા આ દિવસો કોઈ દિ ફેરવાય નહીં!’

પણ કુદરતને એ ક્યાં મંજૂર હતું? છ વર્ષ અગાઉની એ હોળીના અઠવાડિયા પહેલાંની વાત.

કાવેરીમા પર હૃદયરોગનો તીવþ હુમલો ત્રાટક્યો. સમયસર સારવાર મળતાં તેની શ્વાસદોર તત્કાળ તૂટતાં તો બચી, પરંતુ તપાસમાં માલૂમ પડ્યું કે માના હૃદયના વાલ્વમાં ખરાબી સર્જાઈ છે અને બહુ મોટું ઑપરેશન શક્ય એટલું જલદી કરવું પડે એમ છે!

આદર્શને આજેય યાદ છે. બુધવારની એ કષ્ટદાયી રાત્રિ હતી. બપોરે માને હૉસ્પિટલમાં લાવ્યા. સાંજે નિષ્ણાત ડૉક્ટરના નિદાન બાદ સ્તબ્ધ મને બાપ-દીકરો ત્ઘ્શ્ની સામે કૉરિડોરના બાંકડે બેઠા હતા.

આદર્શને મા જેટલી જ પિતાની ચિંતા હતી. બેઉને એકમેક વિના જાણે જીવ્યા જ નથી... પપ્પા ભાંગી ન પડે એ મારે જોવાનું. ખરેખર તો રૂપિયા-પૈસાની વ્યવસ્થા પણ મારે કરવાની હોય, પરંતુ વીસનો થવા છતાં મેં કેમ ઢંગનું કમાવાની દરકાર ન રાખી? જુવાનજોધ દીકરાના બાપ હોવાની નચિંતતા મારા પિતાને કેમ નહીં! પૉકેટમની જાતે કાઢી લઉં એમાં દીકરાની ફરજ ઓછી પૂરી થઈ ગઈ?

જાત પ્રત્યે શરમ ઘૂંટાતી હતી. ખરેખર તો ઘર કેમ ચાલે છે, પપ્પાની કેટલી બચત ક્યાં છે એનોય અડસટ્ટો નથી મને. આ બધું વિધિવત્ ચર્ચાયું જ નથી ક્યારેય. મા-પપ્પા તો મને નિશ્ચિંત રાખવા ગમે એમ બે છેડા ભેગા કરી જાણે, મારા માથે જવાબદારી ન નાખવા ગમે એ કહે; પણ હું કેમ ચૂક્યો!

‘તું સહેજે ફિકર ન કરીશ બેટા...’

આદર્શને ગહન વિચારમાં ભાળીને છેવટે વિનયભાઈનું ધ્યાન ગયું. ‘રૂપિયાનો બંદોબસ્ત થઈ જશે. આપણી ફિક્સ્ડ ડિપોઝિટ છે બૅન્કમાં, રિકરિંગ છે, માનાં ઘરેણાં છે... બાકીની લોન લઈશું.’

ના, આ પરિસ્થિતિમાં માના દાગીના વેચાય એનો બહુ રંજ અનુભવવો ન જોઈએ...

‘કાલે બૅન્ક ઊઘડતાં જ કલાકેકમાં બંદોબસ્ત પાર પાડીશું. તારી મમ્મીના ઑપરેશનમાં કોઈ વિઘ્ન નહીં રહે.’

ધરપત જેવી છવાઈ હતી. મા-પપ્પાનો સહિયારો હેલ્થ-ઇન્શ્યૉરન્સ હતો ખરો, પરંતુ એ તો ૨૦ લાખના તોતિંગ ખર્ચ સામે સાગરની બુંદ જેવો.

‘તારી માને કરકસરની ટેવ. વળી તારી વહુ માટે થોડું-થોડું સોનું લેતી રહેલી.’ વિનયભાઈએ સાદ ખંખેર્યો, ‘એ બધું હવે કાઢી નાખવું પડશે.’ તેમણે ડોક ધુણાવી, ‘મને એનો અફસોસ નથી. તું ભડવીર છે. તને ભેગું કરતાં વાર નહીં લાગે.’

પિતાનો પોરસ પોરસાવી ગયો. તેમના વિશ્વાસમાં પાર તરવાની ઝંખના જાગી, ‘હા પપ્પા, પહેલાં મા.’

બાપ-દીકરાએ નક્કી તો કર્યું, પણ કુદરત જુદો જ ઘાટ ઘડી બેઠી હતી...

‘આજે વાતાવરણમાં ખાસ્સી ઠંડક છે.’

આદર્શ ઝબક્યો. બાજુમાં આવીને અમેરિકન ઉચ્ચારમાં બોલતા ગોરા જુવાનને પળવાર જોઈ રહ્યો.

‘મિસ્ટર આજે વાતાવરણમાં ખાસ્સી ઠંડક છે.’

જુવાને રિપીટ કર્યું ને આદર્શને ઝબકારો થયો. શિકાગોની બદનામ ગલીમાં પોતે શા માટે ઊભો છે એ જાણે યાદ આવ્યું.

‘જી, વાતાવરણમાં ઠંડક છે એટલે તો ગરમાવાની ખાસ જરૂર છે.’

કોડવર્ડની ખાતરી થતાં જુવાને સ્મિત ફરકાવ્યું. થોડા વધુ નિકટ આવી કાનમાં ગણગણ્યો, ‘સામી રેસ્ટોરાંના કાઉન્ટર પરથી તમારું પાર્સલ લઈ લેજો... કોડવર્ડ છે ટેન ડૉલર્સ.’

આદર્શનું હૈયું ધડકી ગયું.

‘થૅન્ક્સ.’ આદર્શે ડૉલર્સની થોકડી કાઢી, જુવાને ચપળતાથી સરકાવી. સીટી બજાવતો એવી રીતે આગળ વધી ગયો જાણે આદર્શને જોયો ન હોય, મળ્યો ન હોય, ઓળખ્યો ન હોય!

આઇ હોપ, તેણે મને ચીટ ન કર્યો હોય! માલ સામે ડિલિવરી ક્યાં મેળવી છે મેં? થડા પરનો આદમી કોડવર્ડની સામે અજીબપણે તાકી રહે કે તાડૂકી બેસે તો મારે ભોંઠા પડવાનું થાય! દુનિયામાં છેતરનારાઓની કમી નથી અને શિકાગો આમેય એના ક્રાઇમરેટ માટે બદનામ છે... ગુનાની આલમમાં અનેક પહેરા હોય છે. અજાણ્યા પર અહીં પણ કોઈ ઝટ વિશ્વાસ મૂકતું નથી. છતાં કોઈના પર તો વિશ્વાસ મૂક્યા વિના ચાલે એમ નહોતું. ચાર મહિના મથ્યા પછી ડ્રગ-ડીલર સાથે વાત જામી છે, સોદો તય થઈ શક્યો હતો... હવે તે ચીટર પુરવાર થાય તો મારી ભેગી કરેલી મહામૂડી વેડફાય, ફરી એનો જોગ કરતાં જાણે કેટલો સમય વહી જાય.

નહીં, આદર્શે સ્વભાવગત આત્મવિશ્વાસ સતેજ કર્યો : ગુનાની દુનિયામાં વિશ્વાસે વહાણ ચાલતાં હોય છે. છેતરાયા પહેલાં મારે એની આશંકા માત્રથી નર્વસ થવાનું ન હોય! બલ્કે મોડું થાય એ પહેલાં ડિલિવરી લઈ લેવી ઘટે!

અને તેણે રેસ્ટોરાં તરફ કદમ ઉપાડ્યાં.

રેસ્ટોરાંનો ગ્લાસડોર પુશ કરીને આદર્શ ભીતર પ્રવેશ્યો. ખરેખર તો એ નાનકડો બારરૂમ હતો. સમી સાંજે શિકાગોની એ ગલીમાં રોશનીની ઝાકઝમાળ હતી, જ્યારે બારમાં માહોલ ધૂંધળો લાગ્યો. ઝાંખો પ્રકાશ, સિગારેટનો ધુમાડો, સ્પીકરમાં ગુંજતું માદક સંગીત, એમાં ભળતો ભીડનો શોરબકોર, પિરસણિયણ તરીકે અર્ધનગ્ન વેઇટ્રેસો.

પીનારાને લલચાવે એવું વાતાવણ હતું, પણ મારે ક્યાં પીવા બેસવું છે! આદર્શ થડા તરફ વળ્યો.

ત્યાં ગાલે ચાકુના ચીરાવાળો પુરાણો કોઈ ઘા ધરાવતો કરડો આદમી બેઠો હતો. ચાલીસેક વર્ષના હટ્ટાકટ્ટા આદમીએ ભ્રમણ ઊંચી કરી, ‘યસ?’

અજાણ્યાને ડરાવી દે એવો એ ભાવ હતો. કદાચ તેને પણ દરેક અજાણ્યામાં પોલીસ દેખાતી હશે! આદર્શના હોઠ વંકાયા, ‘ટેન ડૉલર્સ.’

આદમીએ તેને ધ્યાનથી નિહાળ્યો. પછી વાંકા વળીને નીચેના ડ્રૉઅરમાંથી કાળી થેલી કાઢી, ‘તમારું પાર્સલ.’

ઉત્સુકતાથી આદર્શે થેલીમાં નજર નાખી. ડ્રગનાં પૅકેટને બદલે બિયરનાં ચાર ટિન જોઈ તેને વિચલિત થતો ભાળીને કરડો આદમી હળવું મુસ્કુરાયો, ‘ટિનમાં બિઅર નથી એટલામાં સમજી જાઓ.’

હેં! આદર્શ ખીલી ઊઠuો. બિઅરના ટિનમાં ડ્રગ હોઈ શકે એવી કોઈને કલ્પના પણ નહીં આવે!

‘આભાર...’ તેણે થેલી સંભાળી કે આદમીએ સૂચવ્યું, ‘પાછલા દરવાજેથી બહાર નીકળી જાઓ શ્રીમાન.’

તેની એ તકેદારી પણ આદર્શને ગમી. ડ્રગ-ટ્રાફિકિંગમાં સંકળાયેલાઓ માટે આમાંનું કંઈ જ નવું નહીં હોય, પણ મારા જેવા નવા નિશાળિયાને તો જરૂર પ્રભાવિત કરી દે એવું તેમનું તંત્ર છે....

પાછલા દરવાજેથી બીજી ગલીમાં બહાર નીકળ્યા પછી આદર્શને રૂમ પર પહોંચવાની ઉતાવળ હતી. બિઅરના ટિનમાં બિઅરને બદલે મૅરિજુઆનાનો પાઉડર જ છેને એ ચેક કરી લેવું ઘટે!

વળી આદર્શે ધþાસકો અનુભવ્યો : ડ્રગને બદલે ભળતું જ કંઈ આપીને મને છેતર્યો તો નહીં હોયને!

આ અવઢવમાં આદર્શને સૂઝ્યું પણ નહીં કે શિકાગોની સ્ટ્રીટમાં હોળીનું જૂનું હિન્દી સૉન્ગ ક્યાંથી! સૂઝ્યું હોત તો તેણે આસપાસ જોવાની તકેદારી રાખી હોત ને તો કદાચ જાણી શકત કે કોઈ પોતાના પર નજર રાખી રહ્યું છે!

€ € €

હોલી કે દિન...

માબેાઇલની રિંગટોન તરીકે મૂકેલા ગીતમાં લતા-કિશોરનો કંઠ ગૂંજ્યો કે નીમાએ થોડી અસ્વસ્થતા અનુભવી. પર્સમાં મૂકેલો મોબાઇલ ફંફોસવામાં દેર થઈ એટલે ફડકો પણ જાગ્યો : હિન્દી ગીત સાંભળીને થોડે દૂર ઊભેલો આદર્શ ચેતે નહીં તો સારું!

બટ લકીલી તે તો કોઈ ગહન વિચારમાં ડૂબી જતો જણાયો. નીમાએ વધુ દેર થાય એ પહેલાં કૉલ કટ કર્યો - અંશુમાનનો ફોન હોવા છતાં!

વળી તેનો કૉલ ન ટપકે એ માટે ઝડપથી ટેક્સ્ટ-મેસેજ કર્યો : ઇન પ્રેયર હૉલ. વિલ કૉલ યુ લેટર.

મોબાઇલ સાઇલન્ટ મોડ પર મૂકીને

તેણે ધ્યાનથી નજર ટેકવી. ફુટપાથના થાંભલાની આડશે પોતે એવી રીતે ઊભી હતી કે મારી નજર આદર્શ પર રહે, પણ તે મને જોઈ ન શકે...

અને નીમાની આંખો ચમકી.

કોઈ ગોરો જુવાન આદર્શની નિકટ આવીને ઊભો હતો. તેમની વચ્ચેની વાતો સંભળાવાની નહોતી, પૈસાની લેવડદેવડ પણ એવી સિફતથી થઈ કે નીમાને એની ગંધ પણ ન આવી. જોકે પછી આદર્શને તેણે બારમાં જતો ભાળ્યો...

નીમા ખચકાઈ. હું બિઝનેસ ટાયકૂન વિશ્વંભરનાથની થનારી પુત્રવધૂ, શહેરના નામચીન વિસ્તારમાં આવી એ જ વધુ પડતું છે. એમાં થનારા શ્વશુ૨ના શોફર પાછળ બારમાં જઈને મારે એટલું રિસ્ક પણ નથી લેવું જે મને મારી મંઝિલથી દૂર કરી દે!

છતાં ખાસ્સી વારે આદર્શ બહાર ન આવ્યો ત્યારે તેણે ચક્કર મારી લીધું. ના, આદર્શ અહીં તો નથી. હોઠ કરડીને તે બહાર નીકળતી હતી કે ઝબકારો થયો : બારમાં એકથી વધુ એક્ઝિટ હોઈ શકે ને એ બીજી ગલીમાં ખૂલતો હોય એવું સાવ સંભવ છે! આદર્શ ત્યાંથી જ સરક્યો હોય.

બટ વાય? આ બધી કોઈ સામાન્ય હરકત નથી. ડૅડીજીના ડ્રાઇવરને આવા બદનામ વિસ્તારમાં આવવાની જરૂર શું પડે? પેલો ગોરો જુવાન કોણ હતો? બારમાંથી બીજા રસ્તે નીકળવાનો શો મતલબ? શું છુપાવવા માગે છે આદર્શ? શું કરવા માગે છે?

નીમા મૂંઝાઈ. કારને બીજી ગલીમાંથી વળાવીને તેણે વિલાની વાટ પકડી.

આદર્શ કંઈ ઊંધુંચત્તું કરીને મારો ખેલ ન બગાડે તો સારું.

ખેલ. એક અત્યંત અમીર પરિવારના સંતાનને પ્રેમજાળમાં ફસાવીને વેર વાળવાનો ખેલ જમાવ્યો છે એમાં આદર્શ સાવધ રહેવાયોગ્ય લાગ્યો હતો નીમાને. આજે પણ ભટકીને તેણે શું મેળવ્યું કોણ જાણે?

નહીં, કંઈકેટલીયે અડચણો, પડકારો વેઠીને પોતે મંઝિલ નજીક પહોંચી છે. એમાં આદર્શ કે બીજું કોઈ પણ રોડા ન નાખે એ માટે સાવધ રહેવું રહ્યું. આખરી પડાવમાં બાજી ફોક થાય એ કેમ ચાલે?

નીમાએ જિગરમાં જુસ્સો ભયો., કારને શિકાગોની ઢળતી સાંજના ટ્રાફિકમાં હંકારતી નીમા પોતાની બાજી વાગોળી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK