કથા-સપ્તાહ - વૈદેહી (એ દિલ-એ-નાદાન - 3)

વાય વિકીભાઈ, વાય?અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


મધરાતનો સમય છે. ICUમાં ઍડ્મિટ વિક્રાન્તની ટ્રીટમેન્ટ ચાલે છે. કેસ ક્રિટકલ હોવાનું તો ડૉક્ટર્સ કહી જ ચૂક્યા છે. દીકરાના પગલે ભાંગી પડેલા સુબોધભાઈને વૈદેહીના પેરન્ટ્સે સંભાળ્યા છે, સ્તબ્ધ તન્વીની સંભાળમાં તેનાં પિયરિયાં છે. હૉસ્પિટલના કૉરિડોરમાં ઘવાયેલા સિંહની જેમ આંટા મારતા અરેનને એક જ પ્રશ્ન મૂંઝવે છે - ભાઈએ આત્મહત્યા જેવું આતંકિત પગલું કેમ લેવું પડે? તેમના પૅન્ટના ગજવામાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં કેવળ ‘હું મારી મરજીથી જીવન ટુંકાવું છું’ એટલી જ નોંધ છે. વાય! ભાઈ, તમે મારી સાથે પ્રૉબ્લેમ શૅર ન કરી શક્યા? એવું તે કયું આભ તૂટ્યું કે તમે આમ...

અરેનની આંખો છલકાઈ. વૈદેહી આંખો મીંચી ગઈ. ખુલી ત્યારેદિધા નહોતી.

€ € €

ICUના બેડ પર ખુલ્લી આંખે સૂતો વિક્રાન્ત શૂન્યાવકાશમાં

તાકી રહ્યો.

‘તમારી પત્ની બદચલન છે.’

શુભચિંતકના નામે ગયા મહિને આવેલા ફોનની વિગતો ક્ષણવાર તો હાસ્યાસ્પદ લાગી. લગ્નનાં ત્રણ વરસે મારી તન્વીમાં ખોટ કાઢનારી આ કોણ ફૂટી નીકળી! તન્વી મને, મારી ફૅમિલીને કેટલું ચાહે છે એ હું જાણું છું એમ કોઈનો ફોન આવવાથી હું વહેમીલો થતો હોઈશ? છટ્!

પણ પછી અવઢવ જાગી - ફોન કરનારનો ઇરાદો પતિ-પત્નીમાં ફાટ પાડવાનો હોત તો ઉપરછલ્લી વાતો કરી હોત; આણે તો નિસર્ગનું નામ, સમર્થ અપાર્ટમેન્ટનું ઠામ ખાતરીપૂર્કી આપ્યાં... તન્વી સાથે વીક-એન્ડની ફુરસદમાં ક્યારેક તેના કામની ચર્ચા થાય, પણ એમાં આ નામ તો

ક્યાંય આવ્યું નથી. તન્વીએ જાણીને છુપાવ્યું?

ઘરે પહોંચ્યો ત્યાં સુધી આ જ વિચારમાં ગોથાં ખાતો રહ્યો.

‘તન્વી,’ રાત્રે પ્યાર કરવા પડખે ભરાતી પત્નીને તેણે અચાનક કહ્યું, ‘આજે મારે મોબાઇલ પર સમવન નિસર્ગનો ફોન આવેલો.’

સાંભળતાં કેવું ભડકી ગઈ હતી તન્વી...

‘અચ્છા, કોણ નિસર્ગ?’ પરાણે સ્વસ્થ થઈ અજાણ બનવાના તેના પ્રયત્નમાં ઊલટી સચ્ચાઈ વર્તાઈ.

‘મેં પણ આ જ પૂછ્યું, કોણ નિસર્ગ? તો રૉન્ગ-નંબર કહી તરત ફોન કાપી નાખ્યો.’

‘ઓહ. ફર્ગેટ ઇટ.’ તન્વી તેને જાદુઈ પ્રદેશમાં તાણી ગઈ હતી. જાણે મને સાચે જ બધું ભુલાવી દેવું હોય!

પત્નીના પ્રયત્નોએ બીજા દહાડે ‘સમર્થ’ પર નજર રાખવા પ્રેર્યો‍. તન્વી આવી, નવમા માળે ગઈ... વિક્રાન્તે મોબાઇલ જોડતાં જૂઠું

બોલી - હું હમણાં મરીન લાઇન્સ આવી છું...

બસ, આટલા પુરાવા પૂરતા હતા. નિસર્ગની રૂમમાં ધસી જઈ પત્નીને રંગેહાથ પકડવાની જરૂર ન વર્તાઈ. પકડીને કરવુંય શું, મારું જે ધન લૂંટાયું એ પાછું ઓછું આવવાનું?

ઑલ ફિનિશ્ડ. કારની સીટ પર માથું ઢાળી બેસી પડેલા વિક્રાન્તને નિરાશા ઘેરી વળી. એ વખતે કશા કામ માટે અરેનનો ફોન ન આવ્યો હોત તો કદાચ અનિર્ણિત અવસ્થામાં કાર હંકારી ગોઝારો અકસ્માત કરી બેઠો હોત વિક્રાન્ત... એ પળ સચવાઈ ગઈ. અરેનના સાદે તે તાત્પૂરતો આઘાતમાંથી બહાર આવ્યો. પિતાના ખોળે કે નાના ભાઈના ખભે માથું ઢાળી રડી લેવાની વૃત્તિને વશમાં રાખવી પડી. નહીં, મારા દર્દનો તેમને કે કોઈને અહેસાસ પણ થવો ન જોઈએ. મારા દુ:ખે તેમને દુ:ખી થતાં હું જોઈ ન શકું!

જાણે કઈ હામે પોતે ઑલ ઇઝ વેલનો મુખવટો ઓઢી રાખ્યો. ત્યાં સુધી કે સાથે શ્વસતી તન્વીને પણ એની ભનક ન આવી. છતાંમનમાં તો એકના એક વિચારો જ ઘૂમરાતા રહેલા.

હવે? ડિવૉર્સ?

મોટા ભાઈના છૂટાછેડાની નાના ભાઈના સંસાર પર શું અસર પડે? ઢળતી વયે પપ્પાને કેવું લાગે? પોતાનું પાપ છાવરવા તન્વી વળતા બનાવટી આક્ષેપ મૂકે તો એ બધું પપ્પા-અરેન-વૈદેહીએ શું કામ સહેવું?

વૈદેહી.

અરેન દ્વારા તે મારા હાલચાલ પૂછતી રહે છે - એકદમ આટલી કાળજી કરવાનો મતલબ... હું ડિસ્ટર્બ હોઈ શકું એવી તેને જાણ હોવી જોઈએ. અને એ ત્યારે જ સંભવ બને જ્યારે તે શુભચિંતકને જાણતી હોય યા ખુદ તે જ શુભચિંતક બની હોય!

એટલે પછી પોતે પણ તેને મોઘમ સંદેશો કહેવડાવ્યો જે તે સમજી જ હોય...

કેટલી સૂઝવાળી છોકરી! તન્વીનો ભેદ તેણે ક્યારે-કઈ રીતે જાણ્યો હશે એ મહત્વનું નથી, અગત્યનું એ છે કે કેવી સૂઝથી તેણે જેઠાણીનો અફેર ટૅકલ કરી જાણ્યો. તે ખુદ મને કહી શકત, પણ આગળ જતાં એમાંથી તન્વી ‘વૈદેહી પતિ-પત્નીમાં ફૂટ પડાવવા માગે છે’ની રડારોળ મચાવી ન શકે એ માટે અજાણી શુભચિંતક બની. અરેનને ૫ણ ન કહી તેણે ડહાપણનું કામ કર્યું. તેના હાથમાં મારો નાનકો સલામત છે, પપ્પાને તે જાળવી જાણશે.

તો પછી મારે જીવીને શું કામ છે! તન્વી સાથે, ફૅમિલી સાથે નૉર્મલ રહેવું અસહ્ય બનતું જાય છે. મેં તને કયું સુખ ન આપ્યું તન્વી કે તું આમ પરપુરુષની બાંહોમાં જઈ ચડી? પત્ની પ્રત્યે ધિક્કાર જાગતો, નિસર્ગને પતાવી દેવાનું ઝનૂન ચડતું. એનાથી ક્યાંય વિશેષ દામ્પત્યમાં સર્વસ્વ ગુમાવ્યાનો ખાલીપો છલકાઈ જતો.

એની અસરમાં પોતે વાંદા મારવાની દવા પી બેઠો...

સાંજે છેલ્લો સ્ટાફ નીકળ્યા પછી પોતે ઑફિસ અંદરથી બંધ કરી. લન્ચ-ટાઇમમાં લાવી રાખેલી દવા ગટગટાવતાં પહેલાં મોબાઇલ સ્વિચ ઑફ કરી દીધો. લૅન્ડલાઇનનું રિસિવર બાજુએ મૂકી એક શ્વાસમાં બાટલીમાંનું પ્રવાહ ગળે ઉતારી દીધું હતું!

ધીરે-ધીરે હોશ ગુમાવ્યા. બુઝાતી જતી ચેતનાને એટલું પરખાયું હતું કે ઑફિસની બીજી ચાવી લઈ અરેન આવી પહોંચ્યો છે. મને ટિંગાટોળી કરી ક્યાંક લઈ જવાય છે.

આંખ ખૂલી ત્યારનો જાતને આ બેડ પર જોઉં છું. આંખની કીકી સિવાય કોઈ અંગ હાલતાંચાલતાં હોય એવું અનુભવાતું નથી! અરેન ભલે મને હૉસ્પિટલ લાવ્યો, મેં આંખો ખોલી તેને જોઈ લીધો એટલો સંતોષ; બાકી હું બચવાનો નથી. મારે જીવવું જ નથી....

સામે દરવાજામાં જડાયેલા ગોળાકાર કાચમાંથી મને અરેનનો અશ્રુભીનો ચહેરો દેખાય છે. કેવો બેબસ બની ગયો છે મારો ભાઈ! વૈદેહી, વૈદેહી તું ક્યાં છે? સંભાળ મારા અરેનને!

સમજું છું વૈદેહી. આ સંજોગોમાં તું કદાચ અરેનને સત્ય નહીં કહી શકે. મારું પગલું તેને, પપ્પાને મૂંઝવતું હશે. પણ એ ભેદ મારા ગયા બાદ ખૂલે એવી તજવીજ હું કરતો ગયો છું. તું બસ, તેને જા...ળ...વી લેજે.

વિક્રાન્ત આંખો મીંચી ગયો.

‘ડૉક્ટ૨,’ બાજમાં બેઠેલી નર્સ બોલી ઊઠી, ‘પેશન્ટના ધબકારા મંદ પડતા જાય છે.’

€ € €

પતિના પગલાથી ડઘાયેલી તન્વીના દિમાગમાં ગણતરી ચાલે છે : વિક્રાન્ત સાથે મારો સુખી સંસાર હતો. દરેક સ્વતંત્રતા મને સુલભ હતી. એજન્સીનું ગમતું કામ હું હોંશથી કરતી. એ સિલસિલામાં નિસર્ગ જોશીને મળવાનું થયું અને જીવનમાં ન ધારેલો વળાંક સરજાયો.

આડા સંબંધનો વળાંક!

ચોમાસાના ભરવરસાદના દહાડે પોતે પહેલી વાર નિસર્ગના ઘરે ગયેલી ત્યારે અડધીપડધી ભીંજાઈ ગયેલી. ભીનાં વસ્ત્રોમાં સુરેખ બનેલાં પુષ્ટ અંગોએ રંગીન મિજાજના નિસર્ગની દાઢ સળકી. પહેલાં તો ‘શરદી લાગી જશે’ કહી બ્રાન્ડી પીવડાવી, પછી બેચાર હરકતો એવી કરી કે મન લપસી પડ્યું! 

ના, પોતે બ્રાન્ડીના ઘેનમાં હતી, નિસર્ગે મારો ગેરલાભ લીધો એવું કહી જાતને છેતરી ન શકું. જે બન્યું મારી મરજીથી બન્યું. શું કામ બન્યું એનો કોઈ જવાબ નથી. કદાચે એને પણ નિયતિ કહેતા હશે. પણ એક વારનો સંબંધ દોહરાવાતો રહ્યો એ નિયતિ નહીં; અમારો ફેંસલો, અમારી મરજી હતી. આ પ્રણય નહોતો, શરીરની અમારી જરૂરિયાતો પણ કંઈ અતૃપ્ત યા અધૂરી નહોતી છતાં આઠ-દસ દહાડે ભેગાં મળી એન્જૉય કરવાનો નિયમ બની ગયો. નિસર્ગના ફ્લોર પર ન પાડોશી મળે, ઘરમાં પૂરી સ્વતંત્રતા! અમારા કામમિલનને સહેજે દોઢ વરસ થયું હશે. નિસર્ગ પરણતાં મેળાપ બીજે ક્યાંક ચાલુ રહેશે ત્યાં સુધીની ગણતરી હતી અમારી. તનોરંજનને કારણે એકબીજાનો સંસાર ન ભાંગે એટલી તકેદારી અમારે બેઉએ રાખવાની હતી. એમાં ક્યાં ચૂક થઈ?

તન્વીને સમજાતું નથી. વચમાં વિક્રાન્તે નિસર્ગનો ઉલ્લેખ કરી પોતાને ચમકાવી દીધેલી. ત્યારનો તેમને વહેમ પડ્યો હશે? આત્મહત્યાનો પ્રયાસ એના જ પરિતાપરૂપ હશે? વિક્રાન્તે પોતે મરવાનું વિચાર્યું, મારો-નિસર્ગનો જીવ લેવા ઇચ્છ્યો હોત તો...

તન્વી થથરી.

સાંજે વિક્રાન્ત ઑફિસથી ઘરે ન પહોંચતાં પોતે અરેનને જાણ કરી. એય ગભરાયો. માર-માર કરતાં ઑફિસ પહોંચ્યો. ત્યાંથી તેણે દીધેલા ખબર શૉકિંગ હતા - વિકીભાઈએ ઝેર પીધું છે! તેમને નજીકની સિટી હૉસ્પિટલ લઈ જઈએ છીએ.

તમે આવો...

ત્યારના અમે સૌ અહીં છીએ. વિક્રાન્તને ક્યારેક ભાન આવતું જાય છે, પણ તેને મળવાની કોઈને ઇજાજત નથી. પોતે દરવાજાના કાચમાંથી જોવા ગઈ ત્યારે મને ભાળી તેમણે આંખો બંધ કરી દીધી કે એ કેવળ જોગાનુજોગ હતો? સારું થયું કોઈ બીજું એ જોઈ ન શક્યું!

સુસાઇડનું બીજું તો કોઈ જ કારણ ક્ષિતિજે નજર આવતું નથી. સીધી લાઇનના આદમીને બૂરી ટેવ, કુસંગત છે નહીં. માથે દેવું નથી, તનમાં રોગ નથી. ચોક્કસ તેમને મારી બેવફાઈનો જ આઘાત લાગ્યો હોય - નસીબ સારાં કે આવું કંઈ જ તેમણે આપઘાતની ચિઠ્ઠીમાં લખ્યું નથી. ચારિhયભ્રષ્ટ હોવું અને પુરવાર થવું એમાં ભેદ છે. મારો દોષ જાહે૨ થયો તો મને સાંત્વના દેતાં મારાં પિયરિયાં જ મને ઠપકારશે. સૌની સહાનુભૂતિ હું ગુમાવી બેસીશ. નહીં, તેમણે મારા અફેરને કારણે ઝેર પીધું હોય તો-તો વિક્રાન્ત વિના કઈ કહ્યે ઊકલી જાય એમાં જ મારું હિત છે! આવું વિચારતાં થોડું દુ:ખ તો થાય છે વિક્રાન્ત, પણ શું થઈ શકે? વિક્રાન્તે વાત કરી હોત તો કોઈ વચલો રસ્તો નીકળત. તેણે મરવું હોય તો તેનું જીવનદાન માગવામાં મને રસ નથી. બસ તે કોઈને સત્ય કહેવા ન પામે, એ પહેલાં જ ઊકલી જાય એવો ચમત્કાર કરજે ઈશ્વર!

પોતાના સ્વાર્થે ધણીના મરવાની મૂક પ્રાર્થના કરતી તન્વી ચમકી - આ વૈદેહી શું કહી રહી છે?

€ € €

‘અરેન, વિક્રાન્તભાઈના પગલાનું કારણ હું જાણું છું.’

ક્યારની દૂરના બાંકડે ગુમસુમ બેઠેલી વૈદેહીના વાક્યે બૉમ્બની ગરજ સારી. લૉબીમાં મોજૂદ આત્મજનો એને તાકી રહ્યા. નિકટ જઈ અરેને તેનો ખભો હચમચાવ્યો, ‘તું જાણે છે, વૈદેહી?’

‘આપણાં લગ્ન પહેલાંનું જાણું છું, અરેન. આજે મારી ખામોશી તોડું છું.’

તેના શબ્દો અરેનમાં કંઈ કેટલાં વમળ સર્જતાં હતાં.

‘ભાઈની આત્મહત્યાના પ્રયાસનું કારણ છે...’ વૈદેહીએ આંગળી ચીંધી, ‘તન્વીભાભીની બદચલની.’

હેં! અરેન ફાટી આંખે પત્નીને તાકી રહ્યો.

તન્વી બઘવાઈ. મારું રહસ્ય વૈદેહીએ કેમનું જાણ્યું? વિક્રાન્ત વૈદેહીને ભેદ કહી ગયા હશે?

એ વિચારમાં ગોથાં ન ખા તન્વી, ડારો પાડી વૈદેહીને ડાર નહીંતર અત્યાર સુધી સહાનુભૂતિનું પાત્ર બનેલી તું ધિક્કારનું કેન્દ્ર બની જવાની!

અને તેણે ધસી જઈ વૈદેહીને તમાચો ઠોક્યો. સટાક.

‘તારી આ હિંમત? મારા પવિત્ર દામન પર કલંકના છાંટા ઉડાડનારી, ક્યાંક તારા ચારિhયમાં ખોટ નથીને? મારા વર પર તારી બદનજર હોય ને એ દુખે વિક્રાન્તે...’ તેણે ધ્રુસકું નાખ્યું.

તન્વીએ ફંગોળેલા તર્કે લૉબીમાં ખળભળાટ સરજી દીધો.

‘આ તારું અસલી પોત પ્રકાશ્યું તન્વી.’ ભાભીનું છોગું ઉડાડી લઈ એકવચનમાં સંબોધી વૈદેહીએ તન્વીને તેની હદ જાણે બતાવી દીધી, ‘વિક્રાન્તભાઈના પગલાનું કારણ હું જાણું છું, કેમ કે શુભચિંતક બની મેં જ તેમને તારા અફેર બાબત ચેતવ્યા હતા.’

વૈદેહીને શ્રમ વર્તાયો. અરેન ધબ દઈ બેસી પડ્યો. તન્વી અંદરખાને છટપટાતી હતી.

‘બાકી હું તો તારો નિસર્ગ જોશી સાથેનો આડો સંબધ મારાં લગ્ન પહેલાંનો જાણું છું.’

વૈદેહી કહેતી ગઈ. તેના શબ્દોની સચ્ચાઈ તન્વીનું કાળજું ઉતરડતી હતી. છેવટે હાંફતા fવાસે

વૈદેહીએ ઉમેર્યું,

‘તમારે પુરાવો જ જોઈતો હોય તો ‘સમર્થ’ બિલ્ડિંગમાં દરેક ફ્લોર પર લાગેલા ઘ્ઘ્વ્સ્નું ફુટેજ જોઈ લો એટલે મૅડમ ક્યારે અંદર જઈ કેટલા કલાકે બહાર નીકળે છે એની જાણ થઈ જશે.’

ખલાસ! કથાના છેલ્લા મણકાએ તન્વીનું જોમ નિચોવાઈ ગયું. વૈદેહીનું સત્ય બીજાઓએ સ્વીકારી લીધાનું જણાતાં તે હથેળીમાં ચહેરો છુપાવી ફસડાઈ પડી.

અરેન આંખો મીંચી ગયો. આ શું થઈ ગયું? તન્વીભાભીનો પરપુરુષ સાથે સંબંધ? મારો ભાઈ તો તને કેટલું ચાહતો હતો તન્વી, કોઈ સુખથી તને વંચિત નથી રાખી. તોય તેં તેમની પીઠમાં છૂરો ભોંકવા જેવું કર્યું? પછી મારો ભાઈ ઝેર ન પીએ તો શું કરે? કાશ, ભાઈ પહેલાં મેં તારું પાપ જાણ્યું હોત તો તારી સાથે હિસાબ પતાવી મારા ભાઈને જાળવી લીધો હોત...

પણ પહેલાં જાણ ભાઈને થઈ ને એ વૈદેહીએ કરી.

અરેનના દિમાગમાં ધણધણાટી બોલી.

એ જ વખતે ICUમાંથી નર્સ આવી, ‘નો નૉઇઝ પ્લીઝ. પેશન્ટ સિન્ક કરે છે... જસ્ટ પ્રે ફૉર હિમ.’

અરેન પૂતળા જેવો બન્યો. વૈદેહીનું હૃદયકબૂતર ફફડી ઊઠ્યું.

(ક્રમશ:)

Comments (1)Add Comment
...
written by ikbal, July 29, 2018
5 episod not lod
report abuse
vote down
vote up
Votes: -1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK