કથા-સપ્તાહ - વૈદેહી (એ દિલ-એ-નાદાન - ૧)

દૂર ક્યાંકથી લતાનો કંઠ પડઘાયો.

katha

અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

પોતાને બહુ ગમતું ગીત સાંભળી વૈદેહીના હોઠ મલકી ગયા. બીજી પળે અરેન સાંભરી ગયો.

‘ચોમાસાના વરસાદમાં હું બાલ્કનીના હીંચકે બેઠો હોઉં, હાથમાં ગરમાગરમ ભજિયાંની ડિશ હોય, ઘરની મ્યુઝિક-સિસ્ટમમાં લતાજીનાં મધુર ગીતો ગુંજતાં હોય અને એ અનુભૂતિને માણી શકનારી મારી સાથે હીંચકે ઝૂલતી હોય - મારા માટે એ સુખ છે.’

હજી ગયા મહિને અમે પહેલી વાર મળ્યાં ત્યારે તેમની કલ્પનાનું સુખ કેટલું રોમૅન્ટિક લાગ્યું હતું!

વૈદેહીના સ્મિતે રતાશ પકડી.

છએક મહિના અગાઉ ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું ભણી મુંબઈની પ્રતિષ્ઠિત બિલ્ડર ફર્મમાં કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલી દીકરી માટે માતા દેવયાનીબહેને મુરતિયા તરાશવા માંડેલા. સંપન્ન પરિવારની ગુણવંતી કન્યા માટે કહેણની કમી નહોતી. અત્યંત રૂપાળી વૈદેહી ઉર્મિશીલ હતી, ભારોભાર આત્મવિશ્વાસુ. ભાઈબહેનમાં તે મોટી એટલે ઠાવકી પણ ખરી. બાવીસની વયે તેનું યૌવન પૂરબહાર હતું ને કોરા હૃદયમાં મુગ્ધ શમણાં ઘૂંટાતાં.

‘તારા કાર્યસ્થળે છે કોઈ છોકરો?’

મા પૂછતી.

ના, સિંઘાનિયા બિલ્ડર્સની વરલી ખાતેની બ્રાન્ચ-ઑફિસમાં પોતે મોસ્ટ જુનિયર. સ્ટાફમાં બેચાર બૅચલર એન્જિનિયર્સ ખરા, પણ દિલ ગવાહી દે એવું કોઈ ન લાગતું. ખરેખર તો વરલીની બ્રાન્ચ-ઑફિસના કર્તાહર્તા આધેડ વયના મૂર્તિસાહેબ પરાંના પ્રોજેક્ટ્સના મુખ્ય ઇન્ચાર્જ પણ ખરા એટલે કામનું ભારણ વર્તાતું. ઇન્ટીરિયર ડેકોરેટર તરીકે વૈદેહીએ નવા પ્રોજેક્ટ પ્લાન્સમાં વાસ્તુદોષ વિશેનાં સજેશન્સ આપવાનાં રહેતાં. અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટની સાઇટ વિઝિટ કરી ઇન્ટીરિયરને લગતો પ્રોગ્રેસ રિપોર્ટ પણ તૈયાર કરવાનો રહેતો. પહેલો જ જૉબ હોવા છતાં બહુ જલદી વૈદેહી કામમાં ઘડાઈ ગયેલી. મૂર્તિ જેવા સિનિયર પર્સન પણ તેની એફિશ્યન્સીને વખાણતા. કાર્યસ્થળ ઘરની નજીક હતું ને સત્તરના સ્ટાફમાં ઑફિસ પૉલિટિક્સ નહોતું એટલે વૈદેહીને મજા આવતી.

અંહ, ખટકતી એક બાબત તો અહીં પણ હતી - લાયઝનિંગ!

અલબત્ત લાયઝનિંગ વૈદેહીનો કોર સબ્જેક્ટ નહોતો, તેના સ્કોપમાંય એ નહોતું. પરંતુ પ્રાઇવેટ કંપનીમાં આવી દલીલ ભાગ્યે જ સ્વીકારાતી હોય છે. ખાસ કરીને સ્ટાફની અછત હોય ને અર્જન્સી આવી પડે તો વૈદેહીએ આ જવાબદારી પણ નિભાવવાની! પ્રોજેક્ટ પરમિશનથી માંડી સાઇટ ક્લિયરન્સનાં સર્ટિફિકેટ મેળવવા સુધીનાં કામોમાં સરકારી અધિકારીઓનાં ગજવાં ભરવાં પડે એ બહુ ઘૃણાસ્પદ લાગતું વૈદેહીને.

અરેન સાથેની પહેલી મુલાકાતમાં પણ આ વિશેનો મારો ખટકો ઉજાગર થઈ ગયેલો...

અત્યારે પણ ઑફિસથી ટૅક્સીમાં લાયઝનિંગના કામે નીકળેલી વૈદેહીએ મહિના અગાઉના એ પહેલા મેળાપની કડી સાંધી:

‘આ વેળા તારું ગોઠવાઈ જાય તો એથી રૂડું કંઈ નહીં!’

આમ તો મા દરેક કહેણ પર આશાવાદી બનતી, પણ આ વખતનો તેનો રણકો જ જુદો હતો, ‘છોકરો ચોપાટીની આર્ટ્સ કૉલેજમાં પ્રોફેસર છે, નામ અરેન. બે ભાઈઓમાં નાનો. મોટો વિક્રાન્ત સીએ છે. ફોર્ટ ખાતે એની પોતાની ઓફિસ છે. ત્રણ વરસ અગાઉ તન્વીને પરણેલો વિક્રાન્ત અલગ રહે છે. એમ ન માનીશ કે વહુએ દીકરાને માબાપથી જુદો કર્યો...આ તો વિક્રાંત-અરેનનાં માતા કુંદનબહેનનું ર્દીઘદૃષ્ટિભર્યું આયોજન હતું...’

બાંદરાના મુખ્ય ઘરની આસપાસમાં કુંદનબહેને બે દીકરા માટે આગોતરા બે ફ્લૅટ લઈ રાખેલા. મુંબઈમાં એક તો ઘર નાનાં પડે, વળી ગૃહસ્થી ચલાવવાની આવે તો દીકરા-વહુ જવાબદાર પણ બને ને સૌને જોઈતી મોકળાશ મળતાં સંબંધોમાં ખટાશ નહીં ભળે... આજે મારી મોટી વહુ કેવી ઘડાઈ ગઈ છે! ઘરની સાથેાસાથ ન્ત્ઘ્ જેવી બેત્રણ કંપનીઓની એજન્સી પણ સંભાળી જાણી છે તન્વીએ. અરેન પરણે કે હું તેનેય જુદો કરી દેવાની. પણ એ તો રહેઠાણ પૂરતું, બાકી અંતરથી તો અમે જોડાયેલાં જ રહેવાનાં! મહિને એક વીક-એન્ડ બધાએ મોટા ઘરે સાથે ગાળવાનો નિયમ પણ મેં રાખ્યો છે...

આવી સૂઝ દાખવનારાં કુંદનબહેન જોકે નાના દીકરાને પરણાવી ન શક્યાં. અણધાર્યો ત્રાટકેલો હૃદયરોગ તેમને ઝડપી ગયો.

‘માને ગયે આજે તો વરસ થવાનું...’

મહિના અગાઉ ભાઈ-ભાભી અને ડૅડી જોડે વૈદેહીને જોવા આવેલા અરેને એકાંત મેળાપમાં કહ્યું હતું, ‘તન્વીભાભી તો ત્યારનાં કહે છે કે અમે જૂના ઘરે રહેવા આવી જઈએ, હવે વિક્રાન્તને ત્યાં નથી ગમતું ને તમે-ડૅડી એકલા પડ્યાનો ગમ તો મનેય સતાવે છે...’

અરેનનો ભાઈ-ભાભી માટેનો ગર્વ દેખીતો લાગ્યો. બન્ને ભાઈઓ બોલે ઓછું, પણ એકમેકની કંપનીમાં એવા ખીલે કે ત્રીજાની જરૂરે ન વર્તાય. મળતાવડાં જણાતાં તન્વીભાભી હસેલાં પણ - બે ભાઈઓનું બૉન્ડિંગ એવું છે કે શરૂ-શરૂમાં મને અકળામણ થઈ જતી. હું ક્યાં આમાં અટવાઈ! પછી ગંભીરપણે ઉમેરેલું - આજે એટલું કહીશ કે તેમનું ઐક્ય આપણી નિશ્ચિંતતા છે... પપ્પા-મમ્મીજીએ મને તમામ સ્વતંત્રતા આપી. કુંવારી હતી ત્યારે અંધેરીના પિયરમાં જેટલું કરી નહોતી શકી એટલો વ્યા૫ સાસરે વિસ્તારી શકી. વિક્રાન્ત દસ વાગ્યે ટિફિન લઈને નીકળે એના કલાકમાં હુંય મારા કામે નીકળી પડું. અરેનની પત્નીને પણ જોઈતી છૂટ મળશે, શરત એટલી કે તેનામાં મારું-તારું કરવાની ભાવના ન હોવી જોઈએ, સહિયારાપણામાં સુખ અનુભવનારી કન્યા જ મારા દિયર સાથે શોભે.

‘મારી દીકરીને જૉઇન્ટ ફૅમિલીનો વાંધો નથી.’ માએ તરત ટાપસી પૂરેલી.

નૅચરલી રૂડોરૂપાળો અરેન સૌને એક નજરમાં ગમી ગયેલો. બે ભાઈઓની રામ-લક્ષ્મણની જોડી હતી. તેમના ફાધર સુબોધભાઈ, રિટાયર્ડ બૅન્ક-મૅનેજર પ્રમાણમાં મિલનસાર લાગ્યા. વૈદેહીથી ત્રણેક વરસ મોટી તન્વી ઈઝીગોઇંગ લાગી, કુટુંબ પ્રતિષ્ઠિત છે, બીજું શું જોઈએ?

‘સવાલ કેવળ જૉઇન્ટ ફૅમિલીનો નથી...’

એકાંત મેળાપમાં ભાઈભાભી માટેનો ગર્વ દાખવી અરેને માના કથનના સંદર્ભમાં સ્પષ્ટતા કરેલી, ‘ભાભીના કહેવા છતાં હું ગાંઠ્યો નથી... ત્રણ વરસથી ભાભી તેમની રીતે રહેવા ટેવાયાં હોય, ત્રણ બેડરૂમના અમારા જૂના ઘરમાં સેપરેટ રૂમ સિવાય કોઈ પ્રાઇવસી નહીં હોય; જેનાથી ભાઈભાભી તેમના ફ્લૅટમાં ટેવાયા હોય; જ્યારે મારી વાઇફ શરૂથી પપ્પાની હાજરીથી ટેવાઈ હશે, એ જ માહોલમાં ઢળી હશે.’

અરેનમાં કેવી સૂઝ છે! વૈદેહીને તેનો નિખાલસતાનો ગુણ પણ સ્પશ્યોર્.

‘સો મેં સોગંદ આપી વિકીભાઈ-તન્વીભાભીને પરાણે જુદા ફ્લૅટમાં રાખ્યાં છે... ઘરે કુક છે, મેઇડ છે. થિંગ્સ આર નૉટ ધૅટ ડિફિકલ્ટ. મુદ્દો એ છે કે જૉઇન્ટ ફૅમિલીથી વિશેષ, જેઠજેઠાણી જુદાં રહે છે ને પપ્પા મારી સાથે જ રહેવાના એ મતલબની  ફૅમિલી-લાઇફ સ્વીકાર્ય હોય એટલી અપેક્ષા છે.’

બે ભાઈઓ પિતાને સાચવવાના વારા પાડે એવી છીછરી હરકત વિક્રાન્તભાઈ-અરેન ન જ કરે, મોટાભાઈ તરીકે વિક્રાન્તે પોતે જૂના ઘરે મૂવ થઈ નાના ભાઈની નવપરણેતરને જોઈતી મોકળાશ આપવાનું વિચારી જ રાખ્યું હોય એ જાણતા-સમજતા અરેનને કયો કોલ ખપે છે એ વૈદેહીને સમજાઈ ગયું. 

€ € €

‘વડીલની નિશ્રાને હું સૌભાગ્ય માનું છું અરેન, નિશ્ચિંત રહેજો.’

વૈદેહીના વેણમાં દંભ નહોતો. અરેન પ્રભાવિત બન્યો. બેઉનાં મૂલ્યોનો મેળ ખાતો હતો, પસંદ-નાપસંદ મળતી આવતી હતી. લાયઝનિંગ જૉબમાં આચરવા પડતા કરપ્શનની બાબત વૈદેહીનો ખટકો અરેનને પોતાની લાગણીથી જુદો નહોતો લાગ્યો. આખી સિસ્ટમ સડી ગઈ છે, વૈદેહી...

બીજી વાર અમે તેમના ઘરે મળ્યાં... વિક્રાન્તભાઈ-ભાભી સ્વાભાવિકપણે ત્યાં હાજર હતાં. વૈદેહી સૌને ગમી ગયેલી.

‘વૈદેહી, અરેન ભાવનાવાદી છે.’ એ મેળાપમાં વિક્રાન્તે આત્મીયતા કેળવી હતી. વૈદેહી સાથે ગપાટા હાંકી ખરેખર તો તેની ચકાસણી કરી હતી. નીકળતી વેળા પોતે પાયલાગણ કર્યું તો માથે હાથ દઈ આર્શીવાદ દીધા હતા - જલદી તું મારા અરેનની ધરોહર બને!

સાંભરીને અત્યારે પણ લજાઈ ગઈ વૈદેહી.

વીત્યા દિવસોમાં અમે બેએકવાર મળ્યાં. સાથે બહાર ડિનર લીધું. અમારા બેની હા થઈ ગઈ છે, પણ મૂરત સારાં ન હોવાથી ગોળધાણા ખવાયા નથી. મા કહેતી’તી કે પરમ દિવસથી તિથિમાં ઉઘાડ છે, એનો જ કોઈ દહાડો પાકો કરીએ!

દરમ્યાન અમારે નિયમિત વાત-ચૅટ થતી હોય છે અને ખરેખર તો મને એનો જ ઇન્તેજાર રહેતો હોય છે! એવી જ હાલત અરેનની છે. અમારી હૈયાપાટી પર એકમેકનાં નામ કોતરાઈ ચૂક્યાં છે...

વૈદેહીની રતાશ ગાઢી થઈ.

‘તું એકલી-એકલી બહુ મલકાય છે એટલે લાગે છે કે રાજીનામું બહુ જલદી પડવાનું.’

કાર્યસ્થળે કોઈ આ મતલબની ટિપ્પણી કરી જતું ને વૈદેહી કેવળ મલકી લેતી. જરૂર કરતાં વધુ ઊઘડવાની તેને આદત નહોતી. હા, પોતે લગ્ન પછી કામ નહીં કરે એ મતલબનું ક્યારેક બોલી જતી ખરી. બાકી જિંદગી ખરેખર બદલાઈ રહી છે. અને હું એ બદલાવને વધાવવા આતુર છું!

ઊંડો શ્વાસ લેતી વૈદેહી ખુમારમાંથી ઝબકી. ધ્યાન ગયું, ‘ભૈયા, અભી સ્ટાર મૉલ સે રાઇટ ટર્ન લેના હૈ. સમર્થ અપાર્ટમેન્ટ કા બોર્ડ દેખ લો.’ આજે મહાનગરપાલિકાના સિવિલ ખાતાના ઉચ્ચ અધિકારીને લાખ રૂપિયાનું કવર ધરવા તેના ઘરે જવાનું હતું. વૈદેહી તેને તેની ઑફિસમાં એકાદ વાર મળેલી, ઘરે જવાનો આ પહેલો પ્રસંગ છે. ત્રીસેક વરસનો જુવાન ઑફિસર નિસર્ગ જોશી જોકે એટલો કરપ્ટ છે કે કામના સાટામાં ક્યારેક એસ્કોર્ટનો સંગાથ પણ બેધડક માગી લેતો હોય છે!

લાયઝનિંગ ઑફિસરની રજાને કારણે કવર દેવાની જવાબદારી પોતાના શિરે આવી, એમાં નિસર્ગની ઑફિસે અપૉઇન્ટમેન્ટ માટે ફોન કરતાં માલૂમ પડ્યું કે એ જનાબ પણ છુટ્ટી પર છે. એટલે ભરબપોરે એક વાગ્યે કવર લઈ મારે તેના શિવાજી પાર્ક ખાતેના ઘરે આવવાનું થયું છે...

વાગોળતી વૈદેહીને આગળ શું થવાનું એની ક્યાં ખબર હતી?

€ € €

કેટલી વાર! વૈદેહી કંટાળી. પોતે વીસ મિનિટથી ‘સમર્થ ટાવર’ના નવમા માળના ફ્લૅટના દરવાજે ઊભી છે, પણ આ દરમ્યાન ચારેક વાર ડોરબેલ રણકાવા છતાં જો બારણું ખૂલતું હોય!

ના, દરવાજે બહારથી આગળો નથી એટલે નિસર્ગ ઘરમાં જ હોવો જોઈએ... નવમા માળે બીજા બે ફ્લૅટ છે, પણ બેઉ ઘરે તાળું છે અને દરવાજાના ખૂણે બાઝેલાં જાળાં જોતાં લાગે છે કે ઘણા વખતથી ફ્લૅટ બંધ પડ્યા હોવા જોઈએ... એ હિસાબે રંગીન મિજાજનો ગણાતો બૅચલર ઑફિસર કોઈ સુંવાળી કંપની લઈ બેડમાં પડ્યો હોય તો જ દરવાજો ખોલવામાં વાર થાય એવું બને! એનો પુરાવો પણ વૈદેહીને બીજી સેકન્ડે મળી ગયો - સૅન્ડલ!

નિસર્ગના ફ્લૅટના દરવાજે બેત્રણ જેન્ટ્સ ફુટવેર સાથે ઑલ સીઝન લેડીઝ સૅન્ડલ નજરે ચડ્યાં!

અર્થાત અત્યારે કોઈ સ્ત્રી પણ નિસર્ગના ઘરે મોજૂદ છે! બેઉ જાણે કઈ રંગરેલી મનાવતાં હશે કે ૨૦-૨૫ મિનિટેય દરવાજો નથી ખોલાતો!

વૈદેહીને અરુચિ થઈ. વધુ એક વાર ડોરબેલ રણકાવતાં નજર વળી લેડીઝ સૅન્ડલ તરફ ગઈ ને દિમાગમાં ઝીણો સળવળાટ સર્જાયો.

બ્રાઉન સૅન્ડલની આવી જ ડિઝાઇનર જોડી મેં બીજે પણ ક્યાંક જોઈ છે... અંહ, ઑફિસમાં તો કોઈ આવાં મોંઘાં સૅન્ડલ નથી પહેરતું અને ઘરે...

ઘરે. વૈદેહીને ઝબકારો થયો - તન્વીભાભી!

બીજી મુલાકાત માટે અમે અરેનના ઘરે ગયાં ત્યારે બારણામાં સેમ આવાં જ સૅન્ડલ મેં જોયાં હતાં... જોતાં જ ગમી જાય એવાં સૅન્ડલ વિશે તન્વીભાભીને અમસ્તું જ પૂછતાં તે મલક્યાં હતાં - હું મારા અપીરન્સ બાબત બહુ ચૂઝી છું, બ્રૅન્ડેડ ચીજોનો મારો આગ્રહ હોય છે અને આ પર્ટિક્યુલર સૅન્ડલ તો ડિઝાઇનરે સ્પેશ્યલ ડિઝાઇન કયાંર્ છે...

ભાભી અહીં આવે તો ખબર પડે કે ‘સ્પેશ્યલ ડિઝાઇન’ કરેલાં સૅન્ડલની નકલ બજારમાં એટલી છૂટથી વેચાય છે કે નિસર્ગ સાથે મજા માણનારી બાઈ સુધ્ધાં એ પહેરીને આવી છે!

- અને દરવાજો ખૂલવાનો સંચાર સંભળાતાં વૈદેહી સચેત થઈ મનોભાવ સમેટી ઑફિસવાળું સ્મિત સજાવી દીધું.

બારણું ખોલનાર નિસર્ગ જ હતો. ઘૂંટણ સુધીનો બમુર્ડા પહેરનાર નિસર્ગે ઉપરના ઉઘાડા બદન પર ટુવાલ લપેટ્યો હતો, પણ એથી તેની ગરદને પડેલા લિપસ્ટિકના ડાઘ છૂપા ન રહ્યા વૈદેહીની ચતરી નજરથી. વળી નિસર્ગનો બગડેલો મૂડ ભીતરના ભંગની ગવાહી દેતો લાગ્યો, ‘કયા હૈ? હમકો કુછ નહીં ચાહિએ. વૉચમૅન ભી સેલ્સગર્લ કો કૈસે આને દેતા હૈ?’

‘સર, હું વૈદેહી. સિંઘાનિયા બિલ્ડર્સમાંથી આવી છું. મૂર્તિસરે મને મોકલી છે.’ કહી તેણે ખભે લટકતા પર્સની ચેઇન ખોલી કવર કાઢ્યું, ‘આ લો સર, ખારના પ્રોજેક્ટ માટે.’

‘હં.’ લાખનું કવર જોઈ નિસર્ગ કૂણો પડ્યો. તોય બોલવાનું ન ચૂક્યો, ‘એવું હોય તો ફોન કરીને આવવું જોઈએ.’

‘સૉરી સર.’ વૈદેહીએ કહેવા ખાતર કહ્યું, બાકી તેના સ્વરમાં જરાય દિલગીરી નહોતી. ‘સર, તમે રકમ ગણી લો એટલે હું મૂર્તિસર જોડે તમારી વાત કરાવી દઉં.’

નૅચરલી, આવી મોટી રકમ મળ્યાની પહોંચ આ જ રીતે દેવાતી હોય એટલે નિસર્ગથી ઇન્કાર ન થયો. બારસાખે ઊભા રહી રકમ ગણવી ઠીક ન લાગી, તે સહેજ અંદર તરફ હટ્યો, ‘પ્લીઝ કમ ઇન.’

વૈદેહી ઘરમાં પ્રવેશી. હૉલનું ઇન્ટિરિયર ભવ્ય હતું. ઇટાલિયન માર્બલ, છતમાં ઝુમ્મર, દીવાલો પર કાચનું સુશોભન... આવા સરકારી અધિકારી માટે કોના બાપની દિવાળી!

‘ઠીક છે.’ કવરમાંથી નીકળેલી બે હજારની નોટો ગણી નિસર્ગે કહેતાં વૈદેહીએ મૂર્તિસરને કૉલ જોડી નિસર્ગને આપ્યો. તેમની વાતો ચાલતી હતી એ દરમ્યાન વૈદેહીની નજર અમસ્તી જ રૂમમાં ફરતી હતી ત્યાં ચમકવા જેવું થયું.

હૉલમાંથી નાનકડા પૅસેજ બાદ આવતો બેડરૂમ અહીંથી દેખાય એમ નહોતો, પણ રૂમના બારણેથી કાન માંડી ઊભેલી સ્ત્રીની ઝલક હૉલની દીવાલે જડેલા શીશામાં બરાબર ઝિલાતી હતી એનો કદાચ અંગે કેવળ ટર્કિશ ટુવાલ વીંટાળી ભેલી એ સ્ત્રીને અંદાજો નહીં હોય.

પોતે આવી ત્યારે નિસર્ગ આ સ્ત્રી સાથે કામક્રીડામાં જ ડૂબેલો હોવાનું પુરવાર કરવા બીજી સાબિતીની જરૂર નહોતી.

ત્યાં એ સ્ત્રી બે ડગલાં આગળ વધી ને પૅસેજની લાઇટના ઉજાસમાં તેનો ચહેરો મિરરમાં બરાબર ઝિલાયો. વૈદેહીએ ધરતીકંપનો આંચકો અનુભવ્યો - ત...ન્વીભાભી!

હૈયું ધડકી ગયું. અરેનનાં ભાભીને આ ભ્રષ્ટ આદમી જોડે અનૈતિક સંબંધ છે?

પૅસેજમાં ધસી જઈ તેમને ઝંઝોડવા હતાં, દેવ જેવા વિક્રાન્તભાઈને છેહ દેતાં તમારો જીવ કેમ ચાલ્યો એ પૂછવું હતું, પણ છેલ્લી ઘડીએ જાતને સંભાળી - નહીં, પારકાના ઘરે તમાશો માંડવાનો શું અર્થ!

ઊલટું પોતે તેની નજરે ન ચડે એ માટે મોં આડું કરી લીધું વૈદેહીએ. નિસર્ગનો ફોન પત્યો કે થૅન્ક્સ-આવજોનો વિવેક દાખવ્યા વિના ઘરની બહાર નીકળી ગઈ અને પીઠ પાછળ નિસર્ગે દરવાજો પણ તરત બંધ કરી દીધો!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK