કથા-સપ્તાહ - વળાંક (અંત કેરો આરંભ - 3)

સમય જાણે થંભી ગયો.


અન્ય ભાગ વાંચો

1  |  23  |  4 


નરી નિ:સ્તબ્ધતાથી આશ્લેષ-ઝરણા એકમેકને તાકી રહ્યાં. સામી વ્યક્તિ મોતની છલાંગ લગાવવા જ આવી હતી એ સમજાતું હતું, પરંતુ પોતે પણ મરવા માગે છે એ તેને કળાયું હશે ખરું એની અવઢવ હતી.


સાથે મરવાથી ભળતાં જ વમળ સર્જા‍વાની ભીતિ હતી. બેઉ ઇચ્છી રહ્યાં કે સામી વ્યક્તિ નીકળી જાય તો પોતે કૂદવાનો ટાસ્ક પૂરો કરે! જવાની ઉતાવળ ન હોય, બીજાના જવાની રાહ જોતાં હોય એમ બેઉ ઊભાં રહ્યાં. અંધકાર વધુ ગાઢ બન્યો.

બિહામણી નિર્જનતામાં તદ્દન અજાણ્યા પુરુષનો ડર નહોતો લાગતો ઝરણાને. એના કારણે પોતાની મરવાની ઘડી ટળી એનો કચવાટ થતો હતો.

‘તેં મને રોકી લીધો.’ છેવટે પુરુષ તરીકે પહેલ કરતો હોય એમ આશ્લેષના હોઠ ઊઘડ્યા. તેના નિસાસામાં રહેલું દર્દ ઝરણાને સ્પર્શી ગયું. ક્યાંક એ તેનું પોતાનું દર્દ હતું.

‘અને તમે મને.’ ફિક્કું હસી તે થાકી હોય એમ પથરાળ જમીન પર ગોઠવાઈ. આશ્લેષ તેની ત્રાંસાઈમાં બે હાથ જેટલો દૂર બેઠો.

થોડી ક્ષણ બેઉ અદૃશ્યને તાકતાં રહ્યાં.

‘શું વિચારો છો?’ છેવટે ઝરણાએ પૂછ્યું.

આશ્લેષે તેના તરફ નજર ફેરવી, ‘વિચારું છું, જિંદગીના અંતિમ વળાંકે કુદરતે મને કેમ રોક્યો?’

‘જવાબ મળ્યો?’ ઝરણાના પ્રશ્નમાં ઉત્સુકતા હતી.

‘હં.’ આશ્લેષે ડોક ધુણાવી, ‘ખરેખર તો કુદરત મને રોકવા નહીં, તને બચાવવા ઇચ્છતી હતી.’

સાંભળવામાં સારું લાગ્યું. પછી એ ખેદભર્યું મલકી.

‘મને બચાવવા જેટલી મહેરબાની કુદરત શું કામ કરે?’ ઝરણાની વાણીમાં દદર્નોક લસરકો ભળ્યો, ‘કુદરત કૃપાળુ હોત તો મારા આપઘાતના સંજોગ જ ઊભા ન કરતને!’

કેવા સંજોગ? આશ્લેષની કીકીમાં કુતૂહલ છલકાયું- અત્યંત રૂપાળી દેખાતી કન્યા જાણીને મરવા શું કામ માગે? સુહાગની કોઈ નિશાની બદન પર નથી એટલે કુંવારી જ હોવી જોઈએ; એવી તે શી વિપદા આવી પડી કે તેણે અકાળે મરવું પડે!

‘મરવાનું એક મુરત ટળ્યું એથી મૃત્યુનો ઇરાદો ઓછો ટળવાનો?’ ઝરણાનો ખુમાર બોલ્યો, ‘આજને બદલે કાલ કે પરમનું મુરત હશે, માથેરાનની ખીણને બદલે મુંબઈનો દરિયો નસીબમાં હશે.’

જીવવાનું કારણ ન રહે ત્યારે જ માણસ મૃત્યુને ભેટવાની દીવાનગી દાખવતો હશેને! છોકરી આત્મહત્યા માટે મક્કમ જણાય છે; પણ કયા દુખે?

‘મરવાનું તારી પાસે ચોક્કસ કારણ હશે જ; મારે એના પૃથક્કરણમાં નથી પડવું. ઇચ્છું છું કે છૂટાં પડતાં પહેલાં આપણે એકમેકનું દર્દ તો જાણીએ, જીવનના અંતિમ વળાંકે ભેગાં થવાનું કદાચ એ જ તાત્પર્ય હોય.’

‘હં.’ ઝરણાએ ઊંડો શ્વાસ લીધો, ‘મારું નામ ઝરણા.’

જે વ્યથા સગી જનેતાને નથી કહેવાઈ એ સાવ અજાણ્યા પુરુષના દસ-પંદર મિનિટના સહવાસમાં ઉલેચાતી ગઈ એનું અચરજ ન હોય, કેમ કે એ મિનિટો પહેલાં બે વચ્ચે જે બન્યું એ પણ ઘણું અસામાન્ય હતું- મૃત્યુના દ્વારે પહોંચી જિંદગીના રસ્તે પાછા વળવાનું, ભલે બીજા થોડા સમય માટે.

શૌર્ય સાથેના પ્રેમથી માંડી સવિતાભાભી સાથેના સ્ખલન સુધી કહેતાં હાંફી જવાયું. અશ્રુ ધસી આવ્યાં.

‘ત્રણ વરસનો અમારો પ્રેમ છેલ્લા ત્રણ મહિનામાં સુકાતો ગયો, પરસ્ત્રી સાથેનો સંબંધ પતન સમાન ગણાય, હું શૌર્યનું પતન કેમ જોઈ શકું?’

જવાબમાં શૌર્ય કડવું હસતો - ખરેખર તો તું મને સુખી નથી જોઈ શકતી! સવિતાભાભી મારી ફૂટડી જુવાની ભોગવે છે એની ઈર્ષા થતી હોવી જોઈએ.

ઝરણા કાને હાથ દાબી દેતી. હું શૌર્યને ગુમાવી ચૂકી! ઝરણાને સમજાતું, એનો સ્વીકાર દુષ્કર લાગતો. શૌર્યના શબ્દો અપરાધભાવ પ્રેરતા. મન મોટું રાખી શૌર્યને છૂટછાટ માણવા દીધી હોત તો શું ખાટુંમોળું થઈ જાત? પ્રણયમાં સંસ્કાર મહત્વના કે પ્રિયનું મન? વેદિયણ!

જાત પ્રત્યે ચીડ ઊપજતી. એમાંથી ભયાનક નિર્ણય જન્મ્યો.

‘શૌર્ય, તમને પામવાની, વારવાની આ જ કિંમત હોય તો-’ અઠવાડિયા અગાઉના એકાંતમાં ઝરણાએ દુપટ્ટો સરકાવી ડ્રેસનાં બટન ખોલ્યાં હતાં.

શૌર્ય જોવા પણ રાજી નહીં, ‘તારા પ્રગટ થવામા સ્વાર્થ છે ઝરણા, રહેવા દે, તારાથી સવિતાભાભી જેવા નહીં બનાય.’

શૌર્ય ધુતકારીને જતો રહ્યો એ ક્રૂરતાથી વિશે આઘાત ઝરણાને પોતાની વર્તણૂકનો થયો. હું આ શું કરવા જઈ રહી હતી! પ્રેમ વ્યક્તિને આટલો નિર્લજ્જ પણ બનાવી દેતો હશે? આટલું કરીને પણ હું શું પામી?

ઝરણાનું ઊર્મિતંત્ર ચુભે એવા સવાલો કરતું, હૃદય પાસે જવાબ નહેાતા, એ ઘવાતું. જેને અંતરમનથી ચાહ્યો તે બીજાનો થયો પછી જીવનમાં રહ્યું શું? ન ઉમંગ, ન ખુશી, ન સ્વપ્નો, ન સંસાર. શૌર્યના જતાં બધું જતું હોય તો પછી જીવન પણ શું કામ રહે!

કોઈ એક ક્ષણે ઉદ્ભવેલું વિચારબિંદુ પ્રબળ નિર્ણયધારા બની રગરગમાં ફરી વળ્યું.

‘-અને બસ, હું માથેરાન આવી ચડી.’ ઝરણાએ કડી સાંધી, ‘નીચાણમાં ગામમાં અમારી NGOની ટીમ જનજાગૃતિ કાર્યક્રમ માટે આવી છે. મને આ ઊંચા પર્વત પોકારતા લાગ્યા. ઘરેથી નીકળી ત્યારનું એટલું તો નક્કી હતું કે હવે જીવતી પાછી અહીં નહીં આવું. મારી ટીમને એક રાત માથેરાન રોકાવાનું કહીને આવી છું, નજીકની હોટેલમાં રૂમ રાખી છે. લગેજમાં આત્મહત્યાની અંતિમ ચિઠ્ઠી છોડી છે.’

આશ્લેષની એક કીકીમાં હમદર્દી નીતરી, બીજામાં ઠપકો, ‘નાદાન છોકરી, એના માટે મરવા નીકળી જે તને લાયક જ નહોતો? દોષી તું નથી, શૌર્ય છે જે ચલિત થયો, સવિતાભાભી છે જેણે તેને લપસાવ્યો, એ મિત્રો છે જેમણે તેને બહેકાવ્યો.’ સહેજ હાંફી ગયો આશ્લેષ, ‘તને તારાં મા-બાપનોય વિચાર ન થયો?’

‘કેમ ન થયો!’ ઝરણાની પાંપણ ભીની બની, ‘અઠવાડિયાના ભીષણ દ્વંદ્વ પછી હું મરવાના ઇરાદે નીકળી છું. મારા મૃત્યુના ખબર મા-બાપ માટે જીવનભરનો આઘાત બની રહેવાના, પણ મને લાશની જેમ જીવતી જોઈને પણ તેઓ એટલાં જ દુખી થવાનાં; એ દુખ ઝેલવાની મારામાં ક્ષમતા નથી. મારે મરવું છે, દોષના હિસાબ ગોઠવી મને ન રોકશો.’

આશ્લેષનાં નેત્રોમાં કરુણા છવાઈ, ‘મરવામાં તેં મુક્તિ માની, ઠીક છે, એની સામે હું દલીલ નહીં કરી શકું. કેમ કે હું પણ એ જ નાવનો મુસાફર છું... છતાં એટલું જરૂર કહીશ કે તારે મરવું જ હોય તો બધાને ખુલ્લા પાડીને મર, જેથી ફરી કોઈ ઝરણા પોતાના શૌર્યને સવિતાભાભીના કારણે ન ગુમાવે.’

ઝરણા સ્થિર થઈ. પછી ડોક ધુણાવી, ‘તમે મને જીવવાનું કારણ આપો છો.’

‘નહીં, એવું માન કે મરતાં પહેલાં પુણ્યનું ભાથું બાંધી જવાની સલાહ આપું છું.’

‘મતલબ-’ ઝરણાની નજર ઝીણી થઈ, ‘તમે ભાથું બાંધીને આવ્યા છો?’

‘મારો કિસ્સો જુદો છે, ઝરણા.’ આશ્લેષે કાંકરી ઉઠાવી હવામાં ફંગોળી, ‘હું આશ્લેષ. વરલી રહું છું. અત્યંત પ્રેમાળ પત્ની છે મારી. હું તેના સુખ ખાતર મરી રહ્યો છું, ઝરણા. મને - હું HIV પૉઝિટિવ છું!’

હેં. ઝરણા કમકમી ગઈ. આવા સોહામણા પુરુષને આવો રોગ!

આશ્લેષ કહેતો રહ્યો. મા-બાપની વિદાય, પોતાનું વેશ્યાગમન, શર્વરી સાથે પાંચ વરસનો સોનેરી સંસાર અને ણ્ત્સ્નું નિદાન...

‘મારું મૃત્યુ નિશ્ચિત છે ઝરણા, પણ મારે રિબાઈને નથી મરવું, શર્વરીને રિબાતી નથી જોવી.’ આશ્લેષે સમાપન કર્યું, ‘માથેરાનમાં કાલ-પરમ અમારી કંપનીની કૉર્પોરેટ મીટિંગ છે. સવારે શર્વરીની વિદાય લીધી ત્યારે તેને તો એમ જ કે હું મીટિંગની પૂર્વતૈયારીને કારણે વહેલો જાઉં છું.’

‘બિચારાં શર્વરીબહેન.’ ઝરણાથી બોલી જવાયું, ‘તમારા દેહાંતના ખબરે ભાંગી પડશે.’

‘યા, બટ હોટેલથી અહીં આવતા અગાઉ મેં, અહર્નિશને લાંબી ઈ-મેઇલ કરી છે. એમાં HIVના સત્ય સાથે આત્મહત્યાની નોંધ પણ છે.’ આશ્લેષે ગજવામાંથી મોબાઇલ કાઢ્યો, ‘અહર્નિશને રોજ રાત્રે સૂતાં પહેલાં મેઇલ ચેક કરવાની ટેવ છે, એટલે હજી જાણ્યું નહીં હોય. અને જાણી લીધું હોય તો પણ તેનો કે શર્વરીનો ફોન બાધારૂપ ન બને એ માટે મેં મારો સેલફોન પણ સ્વિચ્ડ-ઑફ કરી રાખ્યો છે. ખે૨, અત્યારે તો તું નીકળે છે ઝરણા. મેં કહ્યું એમ પુણ્યનું ભાથું બાંધ, ઠીક સમજે તો મારી શર્વરીને મળી મારી અંતિમ પળોનું બયાન દેજે.’

આશ્લેષ ઊભો થયો. ઝરણાય સફાળી ઊભી થઈ, આશ્લેષનો હાથ પકડી લીધો, ‘તમે મને દિશા ચીંધી, આશ્લેષ, સાથ નહીં આપો?’

‘મારી શુભેચ્છા તારી સાથે છે ઝરણા, પણ અહર્નિશ આજે મેઇલ જોઈ લેશે, તો કાલે મને મરવા નહીં દે.’ આશ્લેષે ડોક ધુણાવી, ‘અને મને એ નહીં પરવડે. મેં કહ્યુંને, આપણા મેળાપમાં કુદરતનો ઇશારો તને પાછી વાળવાનો છે, મારે તો અહીંથી કૂદવાનું જ છે; આજે જ.’

ઝરણા પાસે દલીલ ન રહી. આશ્લેષ હવે અજનબી નહોતો, હમદર્દ હતો, હમરાઝ હતો. તેણે મને મકસદ આપી, હું કેમ તેને જવા દઈ શકું? પણ એમ તો આત્મહત્યા કરવા માગતી હું આશ્લેષને આપઘાત ન કરવાનું સમજાવી પણ ન શકું.

‘તમારો મેળ મને યાદ રહેશે, સિધાવો.’ કહેતાં પોતાની અવસ્થા સાંભરી. બોલી જવાયું, ‘આશ્લેષ, મરતાં અગાઉ આખરી ઇચ્છા પૂરી કરી લો. જુઓ, આટલું થયું પણ મેં મારા મોબાઇલની સ્ક્રીન પર શૌર્યનો ફોટો રાખ્યો છે, તેને જોઈને હું કૂદવાની હતી. તમે શર્વરીને નહીં જુઓ?’

‘તે તો મારી સાથે હોવાની.’ આશ્લેષે હૈયા પાસે ગજવામાં મૂકેલી તસવીર કાઢી, ધરી, ‘જો આ મારી શર્વરી.’

અને એના પર નજર ફેંકતી ઝરણાના હોઠ પહોળા થયા, કીકીમાં આઘાત છવાયો, દિમાગમાં ધણધણાટી બોલી-આ શર્વરી!

‘છેને ગુણવંતી?’ આશ્લેષના પોરસ સામે ઝરણાએ હોઠ કરડ્યો. નહીં આશ્લેષ, તમને હું ભ્રમ સાથે તો નહીં જ મરવા દઉં.

‘આશ્લેષ, તમને HIV છે. છ વરસ અગાઉના એક વારના વેશ્યાગમનને બાદ ક૨ો તો તમે શર્વરી સિવાય કોઈ જોડે સૂતા નથી. તમને કેમ HIV થયો એ તમને સમજાતું નથી. રાધર, પુરાણા વેશ્યાગમનને તમે કારણભૂત માની લીધું.’

‘હં.’ આશ્લેષે કાળજીથી ફોટો ખિસ્સામાં મૂક્યો.

‘તમને કદી એ વિચાર કેમ ન થયો આશ્લેષ કે ણ્ત્સ્નો ચેપ તમને તમારી પત્ની તરફથી પણ મળ્યો હોઈ શકે?’

‘વૉટ!’ આશ્લેષ સમસમી ગયો,

‘શર્વરી તરફથી ચેપ લાગવાનો મતલબ તું જાણે પણ છે?’

‘મતલબ એ જ કે તમારી શર્વરી બેવફા છે.’ ઝરણાનો આક્રોશ ફાટ્યો, ‘હું પૂરા ભાનમાં કહી રહી છું, આશ્લેષ મારી પાસે એનું કારણ પણ છે.’

તમારી પત્ની શર્વરી અને શૌર્યની સવિતાભાભી એક જ વ્યક્તિ છે!’

‘હેં!’

€ € €

‘આશ્લેષ તેં આ શું કર્યું?’

રાત્રે સાડાનવના સુમારે લૅપટૉપ પર મેઇલ ચકાસવા બેઠેલો અહર્નિશ આશ્લેષની ઈ-મેઇલ વાંચીને ભડક્યો. હૈયું ડૂબવા લાગ્યું. સ્નેહાને જાણ થતાં એય રડવા જેવી થઈ - આશ્લેષભાઈને HIV!

‘તેનો મોબાઇલ ઑફ આવે છે, હોટેલવાળા કહે છે કે સાંજનો ફરવા નીકળેલો તે હજી પરત નથી થયો.’

બીજા અડધો કલાકમાં આટલી તપાસ કરી ચૂકેલા અહર્નિશે ચપટી વગાડી, ‘ફોનની રાહમાં બેસવું નથી. લેટ્સ રશ ટુ માથેરાન.’

પતિ-પત્ની ઘર બંધ કરી, ગાડી લઈ ફટાફટ નીકળ્યાં, ‘શર્વરીને લેતાં જઈએ. ના, તેને ફોન પર જાણ નથી કરવી, બિચારી ગભરાઈ જશે.’

અહર્નિશે જેને બિચારી કહી એ શર્વરી ત્યારે જોકે લિજ્જતપૂર્વક શૌર્યને માણી રહી હતી!

‘એક કબૂલાત વિના આપણા સહજીવનની શરૂઆત ન થઈ શકે.’ સુહાગસેજ પર આશ્લેષે આવું કંઈક કહી દિલ્હીના વેશ્યાગમનની વાત કરી ત્યારે શર્વરીના કપાળે કરચલી ઊપસેલી- ક્યાંક આમ કહી આશ્લેષ મને મારાં સ્ખલન યાદ અપાવવા માગે છે?

હા, યૌવન બેઠું ત્યારનું ચટકા ભરતું. બહેનપણીના દેખાવડા ભાઈ સાથે પહેલી વાર શરીરસુખ માણ્યું, તે જોકે પરણેલો હતો. અનુભવી પુરુષને પોતે જ ઇશારા આપી પલોટ્યો હતો, કૉલેજમાં બીજા એકબે જુવાનો સાથે મજા માણી, પણ છૂટકમૂટક એ તમામ કિસ્સામાં એટલી સાવધાની તો રાખેલી કે પોતાનું નામ, ભલીભોળી ઇમેજ ક્યાંક ખરડાય નહીં... પતિ તરીકે આશ્લેષને પસંદ કરતી વેળા તેના સોહામણા દેખાવમાં ફાટફાટ થતી મર્દાનગીનું આકર્ષણ વિશેષ હતું. હા, પહેલી રાત્રિ બાબત થોડુંઘણું ટેન્શન હતું. આશ્લેષે પોતાનું સ્ખલન ઉઘાડતાં મનનો ચોર ફફડી ઊઠ્યો, પણ સદ્ભાગ્યે એમાં પોતાને પકડવાનો આયાસ નહોતો, ઊલટું આશ્લેષની નિખાલસતા બિરદાવી પોતે સમજદાર, પ્રેમાળ ઠરી હતી! કૌમાર્યની અખંડતા ચકાસવાની આશ્લેષની વૃત્તિ નહોતી, પત્નીમાં વિશ્વાસ મૂકવાની દિલેરી ધરાવતા આશ્લેષને શયનેષુ રંભા બની પોતે ભરપૂર રીઝવ્યો. બદલામાં તેણે વરસાવેલું સુખ પણ અનરાધાર હતું! શર્વરીને લાગતું કે હવે પોતે બીજે ભટકવું નહીં પડે, પરંતુ આશ્લેષે જૉબને કારણે આઉટિંગ ઘણું રહેતું. એ રાત્રિઓ વેરણ બનતી. ભૂખ લાગતાં કીડી પણ કણ શોધી લે એમ સામેના ફ્લૅટમાં રહેવા આવતા કૉલેજના જુવાનિયાઓમાં તેને મારણ મળી રહેતું. મફતની મજા માણી છૂટા પડવાની નીતિરીતિ અગિયાર મહિનાના કૉન્ટ્રૅક્ટ પર રહેતા સ્ટુડન્ટ્સને પણ ફાવી ગઈ હતી. પથારીમાં શરૂ થતો સંબંધ પથારીમાં જ પૂરો થઈ જાય એ વણલખ્યો નિયમ અપવાદ વિના પળાયો છે. આશ્લેષ હોય ત્યારે એ તરફ જોવાનું નહીં, એમ ક્યારેક કોઈ જ ભાડૂત ન હોય એ ટાઇમ કપરો વીતે ખરો. પણ એવું બહુ ઓછું બનતું. એમાંય આ વખતના જુવાનિયાઓ તો કાબિલે તારીફ છે!

ખાસ કરીને આ શૌર્ય. તે આમ તો ભાડૂતનો મિત્ર છે, ફૂટડા જુવાનની ભલામણ નિહારે કરતાં ઇનકાર ન થયો... પછી તો તેનેય સ્વાદ દાઢે વળગ્યો હોય એમ આશ્લેષની ગેરમૌજૂદગીમાં છાશવારે આવતો રહે છે.

‘મારી પ્રેયસી મને ભાવ નથી આપતી, બટ સવિતાભાભી, તુસી ગ્રેટ હો.’

જુવાન છોરાઓએ પાડેલું નામ ગમ્યું એમ સહેજ પરેશાન પણ કરી ગયું. આવી પ્રસિદ્ધિ મને ન પરવડે!

જોકે અત્યારે એની ચિંતા શું કામ કરવી? શર્વરીએ સમાગમમાં ચિત્ત પરોવ્યું.

કુદરત આજે કેવો ઘાટ ઘડી બેઠી છે એની ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK