કથા-સપ્તાહ - વળાંક (અંત કેરો આરંભ - 2)

અલવિદા! હું જઈ રહી છું અનંતયાત્રાએ...અન્ય ભાગ વાંચો

1  |  2 |  3  |


માથેરાનના સુસાઇડ પૉઇન્ટની ઝાડીમાં બેઠેલી ઝરણાએ મોબાઇલની સ્ક્રીન પર ઝળહળતી તસવીરમાં ફૂટડા દેખાતા જુવાનને જાણે કહ્યું, પરંતુ એથી કોઈ ફરક ન પડતો હોય એમ જુવાન મલકતો રહ્યો એ જોઈને હળવો નિ:fવાસ જ નાખી શકી ઝરણા : બેદર્દ સજનવા!

‘એક વાર હા કહી દે ઝરણા... આખી જિંદગી તારો ગુલામ રહીશ!’

કદી કેટલું કરગરતો શૌર્ય મને... ઝરણા વાગોળી રહી.

અંધેરીના છ વિંગ ધરાવતા વિશાળ સોસાયટી કૅમ્પસમાં તેમનું રહેવાનું. આમ તો સોસાયટીનાં ગૅધરિંગ્સમાં જોવા-મળવાનું થાય, પરંતુ હાય-હલોથી વિશેષ સંબંધ નહીં. શૌર્ય ઝરણાથી બે વરસ મોટો. વળી સ્કૂલ પણ અલગ એટલે બેઉની ફૅમિલી વચ્ચે પણ બિલ્ડિંગના રહેવાસી જેટલી જ ઓળખ. શૌર્ય-ઝરણાની મૈત્રી જામી કૉલેજકાળમાં.

ટેન્થ પછી ઝરણાએ વિલે પાર્લેની જુનિયર કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, શૌર્ય ત્યાં સિનિયર.

અઢારની ઉંમરે શૌર્યનું બાંકાપણું મહોર્યું હતું. કસરતના શોખે શરીર કસાયેલું હતું. મૂછ ફૂટ્યા પછી રૂપાળા ચહેરામાં પૌરુષત્વ છલકતું. શૅરબ્રોકર પિતા સુશીલભાઈની આર્થિક સ્થિતિ સધ્ધર. એકના એક દીકરા તરીકે માબાપના લાડલા શૌર્યને રૂપિયા-પૈસાની છૂટ રહેતી. મોંઘીદાટ બાઇક પર કૉલેજ આવતો તે ડૅશિંગ જણાતો.

અને રૂપાળી તો ઝરણા પણ ક્યાં કમ હતી! સોળના ઉંબરે યૌવન પુરબહાર બેઠું. ગોરી કાયાનો ઘાટ નિપુણ મૂર્તિકારે ઘડ્યો હોય એવો ધારદાર હતો. તેના આગમન સાથે કૉલેજના કૅમ્પસમાં જાણે વસંત છવાઈ હતી. પોતાની રૂપમૂડીથી ઝરણા સભાન હતી; પરંતુ એથી બહેકવાનો તેનો સ્વભાવ નહોતો, સંસ્કાર નહોતા. શિક્ષક માતા-પિતાનું એકમાત્ર સંતાન અને એય દીકરી હોવાનો તેને ગર્વ હતો. નરેનભાઈ-સ્વાતિબહેનની એવી પરવરિશ હતી, ઉછેર હતો. ઊર્મિશીલતા તેનું ઘરેણું હતું.

સ્કૂલથી કૉલેજનો બદલાવ સ્વીકારવામાં તેને તકલીફ નહોતી થઈ; પરંતુ કૉલેજ એટલે સ્વતંત્રતા, સ્વચ્છંદતા એવું પણ તે માનતી નહીં. ના, ઝરણા બોરિંગ નહોતી. પોતાના ગ્રુપમાં ખૂલીને મસ્તી માણતી. એમાં બૉય્ઝ પણ ખરા. જોકે ઝરણાનું વ્યક્તિત્વ જ એવું ઘડાયેલું કે તેની સાથે આછકલા થવાનું ન ગમે, ન એવી હિંમત થાય.

‘તું બહુ અલગ છે ઝરણા...’ શૌર્ય કહેતો.

ઝરણા કેવળ મલકતી. શૌર્ય એ સ્મિતમાં ખોવાતો.

સોસાયટીનો છોકરો કૉલેજનો મોસ્ટ હૅન્ડસમ અને સ્ટાઇલિશ ગણાય છે એ હકીકતથી ઝરણા અજાણ નહોતી, પણ એથી તેના નામની આહ ભરવાની બીજી છોકરીઓની દીવાનગી ઝરણાને નવાઈપ્રેરક પણ લાગતી. તે શૌર્ય જોડે બોલતી, સિનિયર તરીકે રિસ્પેક્ટ કરતી, ક્વચિત્ તે કહે તો ઘર સુધી બાઇકની લિફ્ટ પણ સ્વીકારતી; પરંતુ એમાં એ ભાવ નહોતો જેનાથી શૌર્ય ટેવાયો હતો.

આમાં ઝરણાનું અભિમાન હોત તો શૌર્યએ પણ તેને ગણકારી ન હોત, પરંતુ અહીં તો અલિપ્તતા હતી. શૌર્યને પરખાતી, પણ સમજાતી નહીં. કદાચ એટલે જ તેનું આકર્ષણ જાગ્યું.

‘ઝરણા, તું કદાચ નહીં જાણતી હોય પણ દાસસર ટ્રાઇબલ્સ માટે એક  NGO ચલાવે છે. શિયાળામાં ધાબળાના વિતરણના કાર્યક્રમ માટે તેમને વૉલન્ટિયર્સની જરૂર છે. હું જવાનો છું. તને આવી પ્રવૃત્તિઓ ગમશે એમ માનીને મેં તારું નામ સજેસ્ટ કર્યું છે. સર જોડે કન્ફર્મ કરી લેજે.’ શૌર્યએ કહેલું.

કૉલેજમાં આવ્યે ત્યારે છ મહિના થયા હશે. શૌર્યએ સાચું ધાર્યું. આવા કામમાં મને ઇનકાર હોય જ નહીં! કૉલેજમાંથી વીસ-બાવીસ જણનું ગ્રુપ થયું હતું. સેવાકાર્ય ઉપરાંત જંગલ-વિસ્તારના કૅમ્પમાં ખાણી-પીણી, રમતોનો જલસો પણ ખૂબ કર્યો.

‘થૅન્ક્સ...’ કૅમ્પમાંથી નીકળતી વખતે ઝરણાએ શૈાર્યને મળીને અલગથી વિશેષરૂપે આભાર માન્યો.

‘દોસ્તી કા ઉસૂલ આજ ભી વહી હે મિસ; નો સૉરી, નો થૅન્ક યુ.’

શૌર્ય એટલું ફિલ્મી ઢબે બોલ્યો કે ઝરણા હસવું ખાળી ન શકી. શૌર્ય પણ હસ્યો. એ હાસ્યમાં મૈત્રીની ગાંઠ પાકી થઈ.

હવે બેઉ એકમેકના ઘરે આવતાં-જતાં થયાં. સાથે સમય પસાર કરવાની તકો, અવસરો વધ્યાં. ઝરણા તોય એવી ને એવી જ રહી. શૌર્યનું તેના માટેનું આકર્ષણ વધતું ગયું.

ઝરણા અઢારની થઈ ત્યારે શૌર્યએ પૂછી લીધું, ‘હવે તું પુખ્ત છે ઝરણા, તારા સમણામાં મારું સ્થાન છે?’

જાણે તે ઝરણાને અઢારમું બેસવાની જ રાહ જોતો હતો!

‘હજી હું એટલી પણ પુખ્ત નથી થઈ.’ ઝરણાએ સલૂકાઈથી કહી દીધેલું. ન ગુસ્સો, ન ઉપહાસ. ન ઇનકાર, ન ઇકરાર!

ભારોભાર ઠાવકાઈ ધરાવતી ઝરણા મારું અંતર પામી ગઈ, હવે ચેતીને આઘેરી રહેશે એવી શૌર્યની ધારણા પણ જોકે ખોટી પુરવાર થઈ.

‘કાલની મને ખબર નથી શૌર્ય, પણ એથી આપણી આજની મૈત્રી બદલાતી નથી.’

શૌર્ય ઝળહળી ઊઠેલો. તેણે નક્કી કરી લીધું : મારી પત્ની તો તું જ બનશે ઝરણા! મારા પ્રયત્નો એ દિશાના જ રહેવાના... પછી તો તે મંડી પડ્યો. કૉલેજની પિકનિક હોય કે રોઝ ડે જેવું સેલિબ્રેશન, તેનું ફોકસ ઝરણા પર જ રહેતું. અરે, લોહીથી પત્ર પણ લખ્યો : એક વાર મારી થઈ જો ઝરણા, તારાં ચરણોમાં જન્નત ન બિછાવું તો કહેજે!

ઝરણા રિઝાઈ. છૂટકો ક્યાં હતો? આટઆટલી રોમૅન્સસભર ટ્રીટમેન્ટ કોનું દિલ ન હરે? અને શૌર્યના યત્નોમાં બનાવટ નહોતી એ પણ ચોક્કસ. તે ઝરણાને ચાહતો.

અલબત્ત, કૉલેજમાં આગળ વધતી લવ સ્ટોરી હજી ઘર સુધી પહોંચી નહોતી. માબાપથી છાનું રાખવાનું ઝરણાને અજીબ લાગતું. ઘરનાથી છુપાવવાનું આમ તો કોઈ કારણ નહોતું, બેઉના ઘરેથી વિરોધ થવાની શક્યતા પણ નહોતી. છતાં પ્રીતમાં છાનાછુપાની પણ મજા હોય છેને! કૉલેજમાં ગ્રુપમાં ઘણાને આનો અંદાજ આવ્યો હોય તો હોય, શૌર્ય-ઝરણાએ ત્રીજા કોઈ સમક્ષ કબૂલ્યું નથી. બેઉ પ્રણયમાં ગળાડૂબ હતાં.

પણ પછી...

ઝરણાની કૉલેજ પતી. તેણે અગાઉ કરેલાં એવાં  NGOનાં કામોમાં જાતને પરોવી દીધી. શૌર્યએ માસ્ટર્સ પતાવીને લૉ જૉઇન કર્યું. શૌર્યને ભણવાનો શોખ હતો એવું નહીં, પણ કામધંધે ચડવાની ઉતાવળ નહોતી એટલે ડિગ્રી લઈ રાખેલી ખોટી નહીં એમ કહીને તેના પિતાએ તેને પ્રેર્યો હતો.

ધીરે-ધીરે તેનામાં બદલાવ જોવા મળ્યો.

‘આઇ લવ યુ...’

ઝરણા-શૌર્ય પાસે મળવાનાં બહાનાંની અછત નહોતી; પરંતુ તેઓ એકલાં પડતાં ત્યારે શૌર્ય ચુંબનો કરવા માંડે, ફિઝિકલ થવાની ચેષ્ટા આદરે એ ઝરણાને ખટકતું. ના, મિલનની ઉત્કટતા તો તેનેય વર્તાતી, પણ એથી ભાન ભૂલવાનું તેના સ્વભાવમાં નહોતું. શૌર્યને એની જાણ છે તોય કેમ આમ બહેકતો જાય છે?

શૌર્યનો ચાર્મ એવો હતો કે ઝરણા માટે પણ સંયમ જાળવવો ઘણી વાર અઘરો બનતો એટલે પછી તે નર્જિન એકાંત ખાળતી, જ્યારે શૌર્યને એનો જ ચાવ વધુ રહેતો. તે અકળાતો, ‘જવાનીને જવાનીની ઢબે ન માણી તો ખાક જવાની જીવી! તને મારા પર વિશ્વાસ નથી? પ્રેમ નથી?’

‘પ્રેમ છે શૌર્ય એટલે જ મને તકલીફ થાય છે. તું આવો તો નહોતો.’

‘હું મોટો થયો છું ઝરણા, મારી જરૂરતો વિસ્તરી છે. એ તારાથી પૂરી ન થાય તો દોષ મને ન દેતી.’

એક તબક્કે શૌર્યએ કહી દીધું.

આનો ગૂઢાર્થ ન સમજાય એટલી અબુધ નહોતી ઝરણા.

‘તારી જરૂરિયાતો એટલી જ અધીરી હોય શૌર્ય તો બારાત લઈને આવો આંગણે, હું તૈયાર છું.’

‘વાહ. હવે તો મારી પણ જીદ છે ઝરણા. મને પ્રેમ કરતી હો તો વિના લગ્ને મર્યાદા ઓળંગી બતાવ.’

ઝરણાના વદન પર પીડા કોતરાઈ, ‘એ શક્ય નહીં બને.’

‘આઇ ન્યુ ઇટ.’ શૌર્ય કડવું હસ્યો. ‘મારા મિત્રો સાચું કહે છે - તું એક નંબરની વેદિયણ છે!’

મિત્રો... દુ:ખી હૈયે ઝરણાએ તારવવાજોગ તારવી લીધું. લૉમાં શૌર્યનું નવું ગ્રુપ બન્યું હતું. એ સંગતદોષ અમારા સંબંધને કનડી રહ્યો છે! ઝરણા શૌર્યના જૂના ફ્રેન્ડ્સને જાણતી; પણ પોતાની કૉલેજ પતી એટલે નવા દોસ્તોને મળવા-મૂકવાનું બનતું નહી, જ્યારે શૈાર્ય તેમની કંપનીના હેવાયા થતા જાય છે! વાય?

‘કેમ કે ત્યાં મને જોઈતું મળે છે.’ શૌર્ય ગુરૂરથી કહેતો.

જોઈતું મતલબ શરાબ, માંસ-મચ્છી જ કે પછી... ઝરણા તમતમી ગયેલી. શૌર્યના આ કહેવાતા ત્રણ-ચાર મિત્રો એક ફ્લૅટ ભાડે રાખીને સાથે રહે છે. હવે તો શૌર્ય પણ ત્યાં વીક-એન્ડની રાત્રિ રોકાતા હોય છે એ કેવળ ડ્રિન્ક-નૉન વેજની પાર્ટી માટે જ કે પછી નિજ મનોરંજન માટે છોકરીઓ પણ તેડાવતા હશે?

ના, ઝરણાને શંકા નહીં, ચિંતા થતી. બૂરી સંગત કળણ જેવી છે, તમને પૂરેપૂરા ડુબાડી દે - મારા શૌર્યને હું ડૂબવા તો નહીં જ દઉં!

પરંતુ ઉપદેશથી તે સુધરે નહીં, તેમના ભેગા મારે કળણમાં ડુબાય નહીં - પિયુને વારવા-ઉગારવાની રાહ સાંપડતી નહોતી ત્યાં... ‘સવિતાભાભી ઇઝ રિયલી અમેઝિંગ...’

હજી ત્રણ મહિના અગાઉ ઝરણા શૌર્ય સાથે બૅન્ડ-સ્ટૅન્ડ પર ગોઠવાઈ હતી ત્યાં લૉના મિત્રોમાંના એક નિહારના ફોન પર શૌર્યને ઉત્તેજિત થતો ભાળીને ઝરણાએ હોઠ કરડ્યો હતો. આ લોકોને બીજું કંઈ સૂઝતું નહીં હોય! કોણ છે સવિતાભાભી?

‘હૂર છે...’ ફોન મૂકીને શૌર્યએ નફટાઈથી કહેલું. ‘સવિતાભાભી ઍડલ્ટ વેબસાઇટ છે. એ વચ્યુર્અરલ છે, આ રિયલ છે. એટલે તેમને સવિતાભાભી કહીએ છીએ. જેની પ્રેયસી શુષ્ક હોય તેના માટે તો ભાભી રસિકપ્રિયા છે!’

‘બસ કરો શૌર્ય. મારી સરખામણી સસ્તી બાઈ જોડે!’ ઝરણાનું સ્વમાન ઘવાયું, ‘તમારું ચિત્ત વાસનાના ચગડોળે ચડ્યું છે, એને હેઠું તારો. આ આગ તમારા મિત્રોએ લગાવી છે.’

‘એ આગ બુઝાવવાની ક્ષમતા તારી પાસે છે ઝરણા, પણ તારે બુઝાવવી નથી. મને બળતો જ રાખવો છે?’

‘હું તો રાહ જોઈને બેઠી છું શૌર્ય. તમે ઇશારો કરો ને પપ્પા-મમ્મી લગ્નનું કહેણ લઈને આવે.’

‘લગ્ન... લગ્ન! એક તું છે જે તારી જ શરતોએ જીવવા માગે છે ને એક ભાભી છે જે કોઈ અપેક્ષા વિના સર્વ સુખ ધરી દે છે!’

ઝરણાને અરુચિ થઈ. કેવી તે સવિતાભાભી. શૌર્યના મિત્રો તેનું સુખ માણતા હશે, મિત્રોમાં તેની રસિક ચર્ચા ચાલતી હશે એટલે શૌર્ય બહેકતા રહ્યા છે. બૅચલર મિત્રોને બાંધી રાખનારું કોઈ નહીં હોય. શૌર્યને એ મુક્તિની ઈર્ષા થતી હશે. મારી પ્રેયસી મને કામસુખમાં સાથ નથી આપતી એનું નીચાજોણું લાગતું હશે. તો જ મિત્રો મને વેદિયણ કહે એ સાંભળી પણ લેને... શૌર્ય ઘણા આગળ વધી ચૂક્યા છે; પણ તેમને વાળવા કેમ, વારવા કેમ!

મારા-તેમના પેરન્ટ્્સને વાત કરું? અમારો પ્રણયભેદ કબૂલીને લગ્નની શરણાઈ વગાડી દઉં એ પણ કદાચ શૌર્યને ન ગમે... કેમ સમજાવું શૌર્યને કે તમારી તડપ મને પણ એટલું જ તડપાવે છે!

પોતે વિચારોમાં ગોથાં ખાતી રહી ને શૌર્ય સંયમની આખરી લગામ છોડીને સવિતાભાભીના પડખે ભરાઈ ગયા!

અફર્કોસ, શૌર્ય આવું કબૂલે નહીં; પરંતુ તેના આવેગ-આવેશમાં ઠહેરાવ આવતો લાગ્યો. અમે મળીએ એમાં ઉત્સાહ-ઉમંગ તો ઠીક, ઉત્તેજના પણ ન હોય એ સ્થિતિ અલાર્મિંગ લાગી. શૌર્ય જુદા જ ખુમારમાં લાગતો અને છતાં મિત્રોની, સવિતાભાભીની પણ વાત ન કરતા એ વિરોધાભાસ અજીબ જણાતો.

એ તો ગયા અઠવાડિયે તેના મોબાઇલમાં ધૅટ સવિતાભાભી જોડે તેની વાંધાજનક તસવીરો જોવા મળી ત્યારે ભાન થયું કે મારો હક શૌર્ય બોટાવી આવ્યા!

‘હાઉ ડેર યુ...’ ઝરણાને ફોટો જોતી ભાળીને શૌર્ય ભડકેલો, ‘ભાભીથી છાનું રાખીને ફોટો પાડ્યા છે, એ પબ્લિક માટે નહીં!’

હુંં પબ્લિક? ઝરણા ડઘાયેલી.

‘જે સુખ તારે આપવાનું હતું એ સવિતાભાભીએ આપ્યું, આપી રહી છે. એમાં રુકાવટ આણવાનો મારો કોઈ ઇરાદો નથી. હું તને છોડી શકું ઝરણા, ભાભીને નહીં.’

- જેને મનનો માણીગર માન્યો, હૃદયના રાજપાટ આપ્યા તે જ મોં ફેરવી લે ત્યારે મરવા સિવાય બીજો કયો માર્ગ રહે છે? જુઓ, આકાશમાં ડૂબતી સંધ્યા પણ કહે છે કે તું પણ આ અંધકારમાં ડૂબી જા... એમાં જ ખરી મુક્તિ છે!

અને યાદો સમેટીને નિર્ધાર પાકો કરતી ઝરણા ઊભી થઈ. મૃત્યુ એક છલાંગ જેટલું જ દૂર હતું. બસ, પચીસ-ત્રીસ ડગલાં જેટલું દોડી ખીણમાં ઝંપલાવી દેવાનું હતું... હોઠ ભીડીને તેણે દોટ મૂકી કે ચીસ સરી ગઈ.

બાજુમાં ક્યાંકથી એક પુરુષ પણ આમ જ અચાનક પ્રગટuો ને ખરેખર તો બેઉ એકબીજાને ભાળીને ચોંકી-ચીખી ઊઠ્યાં.

જિંદગીના સંભવિત અંતિમ વળાંકે ભેગી થયેલી બે વ્યક્તિનું મિલન તેમને જીવન તરફ દોરી જશે કે મૃત્યુ તરફ એ કોણ કહી શકે?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK