કથા-સપ્તાહ - ઉતરાણ (ભીતરના ભેદ - 2)

‘શાનો કડવો ઘૂંટ પપ્પા?’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


સત્યેન્દ્રના ખભે હાથ મૂકીને નેહાલીએ લાગણીથી પૂછ્યું, ‘મારાથી કોઈ ભૂલ થઈ પપ્પા?’

નેહાલીની સમજ કહેતી કે માના ગયા બાદ પિતા એકદમ એકલા પડી ગયા જેવું મહેસૂસ કરતા હશે.

માની વિદાયએ પપ્પા હૈયાફાટ રડ્યા હતા. ત્યાર પછી પણ ઘણી વાર મારા ખોળામાં માથું મૂકી નાના બાળકની જેમ રોયા છે : તું પણ પરણી જશે પછી મારું કોણ એમ એવા ડૂમાભર્યા કંઠે પૂછે કે સહ્યું ન જાય. કદાચ એટલે પણ તેમણે લગ્ન વરસ પાછળ ઠેલાવ્યાં એનો ખાસ વિરોધ નહોતો થયો. આર્જવ પણ કહેતો : પપ્પાને સ્વસ્થ થવા જેટલો સમય તો આપણે આપવો જ જોઈએ... નોકરી રિઝ્યુમ કર્યા પછી પપ્પાનો દિવસ વહી જતો, લાઇફ ધીરે-ધીરે નૉર્મલ મોડમાં આવવા લાગી.

‘ચાલ આજે આપણે પિક્ચર જોવા જઈએ.’

એક શનિની સાંજે પપ્પાએ બહુ ઉમળકાભેર કહેતાં નેહાલીએ રાજીપો દાખવેલો, ‘હું આર્જવને કહી દઉં...’

તરત જ તે રિસાઈ જેવા ગયા, ‘કેમ, તારાથી પપ્પા જોડે પિક્ચર જોવા ન અવાય? આર્જવ તને બધે લઈ જાય છે? તેના ફ્રેન્ડ્સ જોડે આઉટિંગ નથી માણતો, તારા વિના?’

નેહાલીને થોડું ખટકેલું. પપ્પા આર્જવનો વાંક કાઢવાની જેમ શું કામ કહે છે? અમે લગ્ન કરવાના એટલે આર્જવે મારા પલવડે બંધાઈ રહેવું એવું હું નથી માનતી.

‘જોકે તારી વાત તો સાચી. તારી મા હોત તો મને મૂક્યા વિના ઓછી જાત?’

તેમણે સહેજ ગળગળા સાદે કહ્યું ને નેહાલીએ ખટકો ખંખેરી નાખેલો, ‘મા નથી તો શું થયું, હું છુંને. આપણે બે જઈશું. ડૅડી ઍન્ડ ડૉટર. આર્જવનું કામ નથી!’

આવી જ રીતે ક્યારેક અમે બે ડિનર માટે બહાર જઈએ ત્યારે પણ પપ્પા કેવા ખુશમિજાજી બની જતા. હા, હું ક્યારેક આર્જવની વાત ઉખેળું એ ગમે નહીં.

‘દરેક પિતાને દીકરીના પતિ માટે થોડી ઘણી જેલસી તો હોવાની, તે તેમના હૃદયનો ટુકડો જો લઈ જવાનો!’ આર્જવ નેહાલીને સમજાવતો, ‘તું તો ખુશનસીબ છે નેહાલી કે તને બીજી વારના પપ્પા પણ આટલા હેતાળવા મળ્યા.’

નૅચરલી, આર્જવ વગેરેથી સત્યેન્દ્ર નેહાલીના સ્ટેપફાધર હોવાની બીના છાની નહોતી. પિતાનું સાવકાપણું પોતે કદી અનુભવ્યું નથી એનો નેહાલીને ગર્વ રહેતો.

પણ પપ્પા હમણાંના આમ કડવાં વેણ બોલી જાય એ નથી ગમતું. નેહાલીએ વર્તમાનની કડી સાંધી, ‘શાનો કડવો ઘૂંટ પપ્પા?’

‘આર્જવ બાબતનો.’ કટુતાથી બોલીને તેમણે ભાવ બદલ્યો, ‘બાકી તું જ વિચાર. તમારું સગપણ થયું ને બે મહિનામાં તારી માનો જીવ ગયો. આર્જવનું પગલું શુભ ગણાય?’

પળવાર તો નેહાલી સમસમી ગઈ. અભણ બૈરાની જેમ પપ્પા પગલાંનો હિસાબ માંડવા ક્યાં બેઠા? પછી ગડ બેઠી : ઓહ, માની વિદાયમાં પપ્પા આર્જવને નિમિત્ત માને છે એટલે ક્યારેક વાંકાબોલા થઈ જાય છે?

‘પપ્પા? તમારા અંતરમાં આર્જવ માટે આવું વિષ ભર્યું છે?’ તેનાથી બોલી જવાયું.

‘તું મને ગલત સમજી નેહાલી.’ તેમનો સ્વર ઉદાસ બન્યો, ‘મારા અંતરને તું જાણી ન શકી.’

નેહાલીએ ગૂંગળામણ અનુભવી, ‘પપ્પા જે છે એ સાફ-સાફ કહો.’

સત્યેન્દ્રએ ઊંડો શ્વાસ લીધો, ‘ઠીક, તો સાંભળ. આર્જવમાં કહેવાપણું ન હોય, પરંતુ તેની સંગત તેં જોઈ છે? બધાનો ઘરે આવરોજાવરો હશે. એમાં ઉધારીમાં અવ્વલ ઉમેશ પણ આવે ને પોતાની જ ફોઈની દીકરી-બહેન જોડે ઇશ્કબાજી કરતો ભાર્ગવ પણ હોય.’

આર્જવનું મિત્રવૃંદ વિશાળ, કબૂલ. એમ તેમનો સ્વભાવ એવો કે ખોટું કરનાર દોસ્તને કાન પકડી સાચી રાહ દેખાડે પણ ખોટું ખમી ન લે.

‘ઉમેશ-ભાર્ગવ કોણ છે એ હું નથી જાણતી, પણ આવાને મેં કદી ઘરે આવતા ભાળ્યા નથી.’

‘ઠીક છે ત્યારે, તું સાચી હું જૂઠો.’

‘પપ્પા...’ નેહાલી ઘવાઈ. ‘કોણ તમારી કાનભંભેરણી કરે છે?આર્જવને ચાહું છું. તમારા જમાઈ છે એ યાદ રાખો.’

કહીને સડસડાટ તે પોતાની રૂમમાં જતી રહી.

સત્યેન્દ્ર ક્યાંય સુધી એ દિશામાં જોઈ રહ્યા. પછી હળવો નિ:શ્વાસ નાખ્યો :

તું જે યાદ રાખવાનું કહે છે એ જ તો નથી ભુલાતું!

€ € €

‘શું વાત છે સત્યેનબાબુ, બહુ બિઝી લાગો છો?’

સોમની સવારથી સત્યેન્દ્ર ફોનકૉલ્સમાં વ્યસ્ત હતા. લંચ પણ કૅન્ટીનને બદલે બહાર પતાવ્યું. પરત થયેલા તેઓ ખુશમિજાજમાં પણ લાગ્યા એટલે ઑફિસના સ્ટાફમાં બોલકણા ગણાતા ત્રિપાઠીએ પૂછી લીધું, ‘દીકરીનાં મૅરેજની તૈયારી શરૂ કરી કે શું?’

દીકરીનાં લગ્ન. સત્યેન્દ્રનું સ્મિત પહોળું થયું, ‘કંઈક એવું જ. ગોરમહારાજની નિમણૂક થઈ ગઈ છે. હવે બસ મંત્ર પઢવાના બાકી છે.’

તેમનું મભમ ત્રિપાઠીના પલ્લે પડે એમ ક્યાં હતું?

€ € €

‘સુરતથી સ્પેશ્યલ માંજો આવી ગયો...’

સાંજની વેળા છે. સોસાયટીના નાકે આઇસક્રીમ પાર્લર આગળ ટોળું ભેગું થયું છે. એમાં મોટા ભાગના આર્જવના મિત્રો છે અને આર્જવ હોય ત્યાં સંક્રાંત નજીક આવે એમ ચર્ચાનો વિષય એક જ રહે છે - પતંગ!

આજે પણ આર્જવે સુરતથી માંજો આવ્યાનું કહેતાં ધીરેને તેની પીઠ થાબડી, ‘અમે તો મેદાનમાં બોર-લાડુ ખાઈ જાણીએ, પતંગબાજી તો તારી જ. તારી ટક્કરનો તો આખા મુંબઈમાં કોઈ નહીં હોય.’

ત્યાં...

‘એવું જ હાય તો એક ટક્કર આ સંક્રાંતે થઈ જાય.’

હેં . બીજા ચમક્યા. આર્જવ ટટ્ટાર થયો. બોલનાર હતો જોરાવરસિંહ!

જોરાવરની છાપ માથાફરેલ જુવાનની હતી. કડવાબોલો પણ ખરો. તેની સાથે કોઈને બહુ ભળે નહીં. જ્યારે આર્જવનું એવું કે તેને બધા સાથે ફાવે. કોની સાથે કેટલી ઊઠબેઠ રાખવી એની સૂઝ પણ આર્જવમાં ખરી. એ હિસાબે બધાનો ઘરે આવરોજાવરો ન હોય, રસ્તે મળે તો ગપાટી લેવાનું. જોરાવર સાથેય એવું જ. આને મૈત્રી કહો તો મૈત્રી. ક્યારેક જ જોરાવર ટોળીમાં ભેગો હોય. આજે આવ્યો તો બોલ્યો પણ કેવું?

આર્જવ જેટલું જ અચરજ તેના મિત્રોને પણ થયું, પરંતુ આમાં ઇનકારની ગુંજાશ નહોતી. પતંગબાજીમાં તો વળી પીછેહઠ હોતી હશે!

‘હરીફાઈ હોય આર્જવ તો જીતનું ઇનામ પણ અગાઉથી નક્કી હોવું જોઈએ.’

‘ઇનામ!’ આર્જવે ખભા ઉલાળ્યા, ‘આ કઈ કૉમ્પિટિશન ઇવેન્ટ ઓછી છે જોરાવર કે આપણને ઇનામના સ્પૉન્સર્સ મળી રહે.’

જોરાવર જરા જેટલું હસ્યો, ‘બહાનાં નહીં આર્જવ. હું જીતું તો મને ઇનામ તો જોઈએ જ.’

જોરાવર એવા આત્મવિશ્વાસથી બોલ્યો જાણે તેને પોતાની જીતની ખાતરી હોય. આર્જવ એથી શેહમાં આવે એમ નહોતો, પણ જરાતરા કૂતુહલ તો થયું. ‘અચ્છા? શું જોઈએ તને ઇનામમાં?’

અને આજ પ્રશ્નની રાહ જોતો હોય એમ જોરાવર સાવ નિકટ આવ્યો, નજરો પરોવી, ‘તારી વાગદત્તા સાથે એક રાત.’

આર્જવના કાનમાં ધાક પડી. મિત્રો ખળભળી ઊઠ્યા.

‘કમબખ્ત શું ચીજ છે.’ છાતી પર હાથ ફેરવતો જોરાવર એટલી જ નફટાઈથી કહેતો રહ્યો. ‘તેનું ભર્યું ભર્યું જોબન...’

ખલાસ. તેના બાકીના શબ્દો ગળામાં અટવાઈ ગયા. ગુસ્સાથી ફાટ-ફાટ થતા આર્જવે તેનો કાંઠલો ઝાલી બેરહેમપણે ગદડપાટુ વીંઝવા માંડી. ‘તારી આ

મજાલ.’ આર્જવે ધક્કો દઈને તેને રસ્તા પર પછાડ્યો.

‘આ...હ...’ જોરાવર એથીયે ભદ્દુ હસ્યો, ‘નેહાલી પર આટલું જોર કાઢે છે?’

હવે આર્જવને રોકવો અશક્ય હતો. મિત્રો વારતા રહ્યા, પણ તેણે નજીક પડેલું ક્રિકેટ-બૅટ ઉઠાવીને ધડાધડ જોરાવરને ધીબેડવા માંડ્યો. વિલનની પિટાઈના ફિલ્મી દૃશ્યે વાસ્તવમાં ટ્રાફિક જૅમ કરી નાખ્યો. વાયુવેગે ખબર પ્રસર્યા.

‘મારી નેહાલી પર નજર બગાડે છે.’ કહીને જોરાવરને ફટકારતો આર્જવ હાંફતો હતો. ‘તને જીવતો નહીં છોડું.’

€ € €

મારામારી? આર્જવની?

ખબર આવ્યા ત્યારે નેહાલી સાસરે જ હતી. દિવાકરભાઈ હજી ઑફિસથી આવ્યા નહોતા, ફફડાટભેર સાસુ-વહુની જોડી ઘટનાસ્થળે પહોંચી ત્યારે રસ્તા પર જોરાવર અધમૂઈ દશામાં પડ્યો હતો ને આર્જવને જીપમાં બેસાડીને પોલીસ થાણે લઈ જઈ રહી હતી!

ઘડી-બે ઘડીમાં આ શું થઈ ગયું?

€ € €

જામીન નામંજૂર!

અદાલતે જમાનત નકારી રિમાન્ડ મંજૂર કરતાં આર્જવ નિરાશ બન્યો, સ્વજનોમાં હતાશા વ્યાપી. શહેરમાં છાશવારે થતી મામૂલી મારપીટ આવું ગંભીર રૂપ લેશે એવું કોણે ધાર્યું હોય?

ગઈ સાંજે આર્જવને પોલીસ લઈ ગઈ તો જોરાવરને નજીકની હૉસ્પિટલમાં ભરતી કરાયેલો. મારથી અધમૂઆ થયેલા જોરાવરના જીવનું જોખમ ભલે નહોતું, રિકવરીમાં અઠવાડિયું તો લાગવાનું... મોટા ભાઈ-ભાભી સાથે રહેતા જોરાવરની ઘરમાં બહુ ગણના નહીં. એવી આર્થિક સ્થિતિ પણ નહીં કે જુદું ઘર મંડાય. મનેકમને સાથે રહેવાનું હોય એમાં આવો ઉધામા થાય એ કોને ગમે? સાંવરીભાભી તો બધાની વચ્ચે બોલી ગયેલાં : કહેવાય છે એમ જરૂર જોરાવરે આર્જવની વાગ્દત્તા વિશે અપશબ્દો કહ્યા હશે. એ વિના આર્જવ જેવો છોકરો આટલું ભડકે?

ત્યારે થયેલું કે જોરાવરના ઘરનાનું આવું વલણ હોય તો કેસ લાંબો ટકે નહીં, પણ હાય રે...

સવારે હોશમાં આવેલા જોરાવરે એવું બયાન આપ્યું કે જૂની ઉઘરાણીના મુદ્દે આર્જવ બાખડી પડ્યો... આર્જવ છુટ્ટો રહે તો મારા જીવને જોખમ છે, તેણે જાહેરમાં મને મારી નાખવાની ધમકી આપી છે!

- એટલે વકીલ દાસભાઈએ દિવાકરભાઈને ચેતવેલા એમ જામીન મંજૂર ન થયા. કોર્ટ વિક્ટિમના બયાનને પ્રાથમિકતા આપે છે.

આર્જવ સમજતો હતો કે પોતે મક્કમ ન રહ્યો તો મારા ઘરના ભાંગી પડશે... 

‘શું જરૂર હતી તમારે એ જોરાવર સાથે બાઝવાની.’ અરેસ્ટ પછી પહેલી વાર મળતી નેહાલીએ કોર્ટના પરિસરમાં જ આર્જવની છાતીમાં મુક્કા વીંઝ્યા, તેને વળગી પડી, ‘તેણે એક રાત માગી તો શું દઈ દેવાની હતી?’

‘વાહ. તારું આવું અપમાન સહી લઉં તો હું તારો પ્રિય શાનો!’

‘મારા દીકરાએ એ જ કર્યું જે કરવું ઘટે.’ વિનીતાબહેનનું માતૃત્વ રણઝણ્યું. સાંભળીને નેહાલીની પાંપણે બે બુંદ બાઝી. ઘટના બની ત્યારનું હૈયું કાંપતું હતું :આર્જવના જેલ જવામાં હું નિમિત્ત બની એથી પપ્પા-મમ્મીજીની અળખામણી તો ન બનુંને! અત્યારે જવાબ મળી ગયો.

‘ડોન્ટ વરી...’ દાસકાકાએ સાંત્વન આપ્યું, ‘થોડો સમય કદાચ લાગે પણ જીતવાનું સત્ય.’

ક્યાંય સુધી આ શબ્દો નેહાલીના ચિત્તમાં પડઘાયા કર્યા.

આર્જવને પોલીસ લઈ ગઈ. બાકીના ઘરે પાછા ફર્યા. મિત્રો-સ્વજનો સૌ દિવાકરભાઈ-વિનીતાબહેનના પડખે હતા. નેહાલીની ઇચ્છા તો આર્જવને ત્યાં જ રોકાવાની હતી, પણ વ્યવહારડાહ્યાં વિનીતાબહેને વારી : તું ઘરે પહોંચ, તારા પપ્પા રાહ જોતા હશે...

પપ્પા. ઘરે પરત થતી નેહાલીની ચાલમાં જુસ્સો હતો. 

ગામ આખું આજે આર્જવને ત્યાં ભેગું થયું હતું, એમાં મારા પપ્પાની ગેરહાજરી આંખે ઊડીને વળગતી હતી. મા હોત તો તેનાં વેવાઈ-વેવાણના પડખે રહી હોત, પણ પપ્પા તો બપોરે ઑફિસના લંચ-બ્રેક દરમ્યાન કોર્ટમાં આવ્યા એમાંય ભલીવાર નહીં. ન પપ્પાજીને ઢંગથી મળ્યા, ન આર્જવને હિંમતના બે શબ્દ કહ્યા. અરે, જમાનતનો ચુકાદો આવે એ પહેલાં તો ‘મારે જરૂરી મીટિંગ છે’ એમ કહીને નીકળી ગયેલા. ‘જામીન ન મળ્યા’નો ફોન કર્યો તો બોલ્યા પર કેવું : મને તો એની ખાતરી જ હતી!

ન મને આશ્વાસન, ન સાંજે છૂટીને મારા સાસરે આવવાનો વહેવાર... એવું કેમ પપ્પા? આર્જવ થના૨ો જમાઈ છે એ ભૂલ્યા તો નથીને!

€ € €

‘જમવામાં દળઢોકળી બનાવું છું

પપ્પા, ચાલશેને?’

‘ચાલશે.’ ટીવીનું રિમોટ મચોડતાં સત્યેન્દ્રે મલકી લીધું, ‘આટઆટલી ચૅનલ્સ, પણ હરામ બરાબર જો એક પણ ઢંગનો પ્રોગ્રામ આવતો હોય.’

નેહાલીને ઇચ્છા તો એવી થઈ કે રિમોટ ફગાવીને પપ્પાને હચમચાવે... જમાઈ લૉકઅપમાં હોય ત્યારે ટીવીનો કાર્યક્રમ તમે માણી જ કેમ શકો? અરે, ધાન પણ ગળે કેમ ઊતરે! પણ લાગે છે કે પપ્પાને આર્જવની તો ઠીક, હું દુ:ખી છું એનીયે પરવા નથી! જીવ દુભાયો.

‘ચાલો જમવા.’ ડાઇનિંગ ટેબલ પર થાળી પીરસીને તેણે પપ્પાને સાદ પાડ્યો, પોતે પણ બેઠી; પણ કોળિયો હાથમાં લેતાં જ ડૂમો ભરાયો, ‘મારાથી નહીં ખવાય...’ તેણે થાળીને હડસેલો માર્યો.

સત્યેન્દ્રએ ઊંડો શ્વાસ લીધો. નાઓ ઇટ્સ ટાઇમ.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK