કથા-સપ્તાહ - ઉતરાણ (ભીતરના ભેદ - ૧)

ઉતરાણ!


new

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમીત (પૂર્વેશ) શ્રોફ

આર્જવનો એ સૌથી પ્રિય તહેવાર! સૂર્યના મકર રાશિમાં પ્રવેશને મકરસંક્રાન્તિ પણ કહે છે, પરંતુ તહેવાર સાથે જોડાયેલી શાસ્ત્રીય વાતોમાં તેને રસ નહીં. તેને તો ૧૪ જાન્યુઆરીની ઉતરાણ એટલે પતંગોત્સવ!

‘મુંબઈમાં પતંગનું ખાસ ચલણ નથી એવું કહેનારા એક વાર અમારી સોસાયટીમાં આવીને જુએ...’ આર્જવ કહેતો, ‘આખો માહોલ મિની સુરતમાં ફેરવાઈ ગયેલો લાગે. સોસાયટીની ટેરેસને બદલે સૌ પડખેના વિશાળ મેદાનમાં ભેગા થઈએ. રંગબેરંગી પતંગ, ભાતભાતનું ખાવાનું, લાડુ-ચિક્કીની મજા સાથે ‘કાઇપો છે’ની બૂમાબૂમથી આકાશ ગજવી દેવા તો અમે DJનું ન્યુસન્સ રાખતા નથી અને આપણો દસ વર્ષનો રેકૉર્ડ છે મૅડમ, ધરાર જો મારાથી વધુ કોઈ પતંગ કાપતું હોય!’

પતંગબાજીના શોખ વિશે આર્જવ અવિરતપણે બોલી શકે... પિયુનો ગુણ સાંભરતી નેહાલી મંદ-મંદ મલકી પડી.

આવતા અઠવાડિયે આવનારી અમારા વેવિશાળ પછીની પ્રથમ ઉતરાણ માટે આર્જવ કેટલા ઉમંગમાં છે!

‘મેં તો યાર-બિરાદરોની ટોળીને કહી દીધું છે : આ વરસથી મારી ફીરકી પકડનારી આવી જવાની, પછી બંદા ઝાલ્યા ઝલાવાના નથી!’

તેમની વાણી જ એવી કે ખુમાર જાગ્યા વિના ન રહે... અત્યંત સોહામણા, એવો જ બેફિકરો મિજાજ. મિત્રોમાં રાજા જેવા. Xદયથી રસભર્યા. વયસહજ

ઉમંગ-આવેગ તો ઠીક, નિતાંત પ્રણયમાં ડૂબીને ઉત્કૃષ્ટ પળો પણ અમે માણી છે વેવિશાળના આ દસ મહિનામાં.

અને માત્ર આર્જવ જ નહીં, તેના માવતર જોડે પણ મને હેતગાંઠ બંધાઈ છે. ઘાટકોપરના તેમના ઘરમાં મને હંમેશ સ્નેહ, સુખ વર્તાતાં.

‘તને અહીં શાંતિ નહીં લાગે.’ આર્જવનાં માતા વિનીતાબહેન હસતાં, ‘આર્જવ અને તેના પપ્પા બેઉ મહેફિલના માણસ. મિત્રોની અવરજવર ચાલુ જ હોય, એ પણ વિધાઉટ નોટિસ. પછી ધડાધડ બાપ-દીકરાની ફરમાઇશો છૂટે. આપણને રસોડામાંથી પરવાર નહીં!’

કહીને ઉમેરતાં, ‘તને એમાં પણ આનંદ આવે, ઘર ભર્યુંભાદર્યું હોવાનો સંતોષ થાય ત્યારે માનવું કે દંપતી તરીકે તમે બિનશરતી બની ગયાં.’

કેટલી સરળ સમજ.

‘મને તો અત્યારથી આ બધું ગમે છે મા.’ પોતે કહેતી એમાં દંભ નહોતો.

‘જાણે એ અમને પરખાતું ન હોય!’ મેંશના ટપકા જેવું બબડીને મા ઉમેરતાં, ‘તમને જોઈને કોઈ કહી ન શકે કે તમારાં અરેન્જ્ડ મૅરેજ છે.’ પચીસ વર્ષના આર્જવ સૉફ્ટવેર એન્જિનિયરિંગનું ભણીને મીડિયા કંપનીમાં ઊંચા હોદ્દા પર છે. એકના એક દીકરા તરીકે સ્વાભાવિકપણે માબાપના લાડકા. જોકે અરેન્જ્ડને બદલે લવમૅરેજ છે એવું માનવાનાં બીજાં કારણો પણ ખરાં.

રહેવાનું અમારે એક જ લત્તામાં. અમારે ત્રણ માળનું જૂનું પણ પોતીકું મકાન. એટલે કોઈ પણ ધારી લે કે આવતાં-જતાં નયન લડ્યાં હશે, પણ એવું નહોતું. અરે, અમને તો એકબીજાને ક્યારે જોયા હોય એવો ખ્યાલે નહોતો.

‘આનું નામ સંજોગ...’ મા કહેતી.

મા.

મૃત માની યાદે નેહાલી થોડી ભાવુક બની. કેટલું ઉતાર-ચડાવવાળું રહ્યું મમતામાનું જીવન. સુખદુ:ખના સંગમ સમું. નેહાલીએ વાગોળ્યું.

લગ્નના બીજા વરસે મારો જન્મ અને હું છ વરસથી થઈ ત્યારે મારા જન્મદાતા વિક્રાંત પપ્પાનું Xદયરોગમાં જુવાનજોધ વયે અવસાન... તેમના હેતનું મને ખાસ સ્મરણ નથી, પણ મા કહેતી : તું તેમની બહુ લાડકી હતી... જોકે પપ્પાના દેહાંત બાદ સંસારમાં, આવડા મોટા આ ઘરમાં અમે મા-દીકરી એકલાં પડ્યાં. ખાસ તો મારાં નાનીનો આગ્રહ એવો કે માએ બીજાં લગ્ન કરી લેવાં. તેમની સમજાવટ રંગ લાવી. ધીરે-ધીરે બીજાં લગ્ન માટે માનસિકપણે તૈયાર થયેલી મા એક વાતે સ્પષ્ટ હતી : મારી નેહાલીને હું ત્યજવાની નથી. તેને સાચા દિલથી સ્વીકારનારો પુરુષ જ મને પતિ તરીકે ખપશે...

આમાં થોડો સમય લાગ્યો. માના બીજા પતિ તરીકે સત્યેન્દ્રનો અમારા જીવનમાં પ્રવેશ થયો ત્યારે હું નવેક વરસની હતી...

નેહાલીને બરાબર યાદ છે:

એ દિવસે બેબી નેહાલી સ્કૂલથી પાછી ફરી ત્યારે હૉલમાં મા ઉપરાંત સફેદ સૂટમાં સજ્જ સોહામણા પુરુષને ભાળીને થોડી ખચકાયેલી.

‘આવ બેટા...’ માએ હાથ લંબાવીને દીકરીનો સંકોચ ઓગાળ્યો, ખોળામાં બેસાડીને અંકલને નમસ્તે કરવા કહ્યું.

‘નમસ્તે અંકલ.’

‘નમસ્તે બેટા.’ અંકલે બેબીને પોતાના ખોળામાં લઈને ચૉકલેટ્્સ આપી, ‘મારે તારા મોંએ અંકલ નહીં, પપ્પા સાંભળવું છે. કહીશ મને ડૅડી?’

બેબીએ મા સામે જોયું. મૃત પિતાનું સ્મરણ નહોતું એટલે ખાસ લગાવ પણ નહોતો. માએ મૂંગો હકાર ભણતાં તેણે અંકલ સાથે નજરો મેળવી, ‘ઓકે પપ્પા.’

નેહાલીએ કહ્યું ને બાકીના બે મલકી પડ્યા. સંસારમાં જાણે ખુશીના પ્રવેશનો એ સંકેત હતો.

‘તારા નવા પપ્પા - સત્યેન્દ્ર - એવિયેશન મિનિસ્ટ્રીમાં જૉબ કરે છે. સરકારી કર્મચારી તરીકે તેમને રહેવાનું ક્વૉર્ટર મળે છે, પણ આપણે એવા કામચલાઉ નિવાસમાં નથી જવું એટલે પપ્પા જ અહીં રહેવા આવી જશે. તમે ગમશેને?’

મમતાએ વારી-વારીને દીકરીને પૂછ્યું હતું. સત્યેન્દ્ર નિ:સંતાન વિધુર હતો. તેની વાઇફને ગુજર્યાને વરસ જ થયું હતું એ બધું એ વખતે નેહાલીને કહેવાનો મતલબ નહોતો. બાળકીને એમાં શું સમજ પડે? મહત્વનું એ હતું કે અમારાં રસરુચિ મેળ ખાય છે. સત્યેન્દ્રમાં અહમ નથી. બાકી તેનો પગાર ઓછો નથી, ક્વૉર્ટર પણ ખાસ્સું મોટું છે; પણ તોય અહીં આવવામાં નાનમ નથી. અને સૌથી વિશેષ, નેહાલીને પિતાનો પ્રેમ આપવાની કટિબદ્ધતા મમતાને સ્પર્શી ગઈ હતી.

‘શ્યામા સાથે સાતેક વરસનું મારું લગ્નજીવન રહ્યું...’ ત્યારે પાંત્રીસેકના સત્યેન્દ્રએ મમતાને કહેલું : બે વારના તેના મિસકૅરેજ પછી અમે સંતતિની આશા છોડી દીધેલી... શ્યામાને એનો ગમ વધુ. એ અધૂરપે જ કદાચ નાની વયે તેનો જીવનખેલ સમેટી લીધો... ખેર, હવે મને ફૂલ જેવી દીકરી મળી એ ખુશી જેવીતેવી છે!’

સત્યેન્દ્ર નેહાલી માટે અવનવી ગિફ્ટ્સ લાવતો : ફ્રૉક, રમકડાં, મીઠાઈ... નેહાલી ખીલી ઊઠતી. મમતાને એટલું પૂરતું હતું. સાદાઈથી તેઓ પરણી ગયાં. નેહાલી હવે નેહાલી વિક્રાંત શાહમાંથી નેહાલી સત્યેન્દ્ર મહેતા બની ગઈ..

ધીરે-ધીરે સત્યેન્દ્ર અંકલ નવા પપ્પામાંથી પપ્પા બની ગયા. ત્રણેને જોનાર કોઈ અજાણ્યાને ગંધાય નહીં કે પતિ-પત્નીનાં બીજાં લગ્ન છે અને પુરુષ બાળકીનો સાવકો પિતા છે! નેહાલીને હવે પપ્પા પહેલાંનાં વરસો યાદ પણ નહોતાં.

પણ પછી કંઈક બન્યું હતું.

નેહાલીએ સાંભર્યું:

‘નેહાલી...’

માના સાદે પિતા સાથે વૉટરપાર્કના હોજમાં મસ્તી કરતી નેહાલી ચમકી. મા એકદમ કેમ ગુસ્સે ભરાણી? બાકી પપ્પા જોડે કેટલી મજા આવતી હતી. કમરથી પકડી ઊલટી કરીને પપ્પા પાણીમાં ઝબોળતા હતા એવો આનંદ તો કોઈ રાઇડમાં નથી આવ્યો. મમ્મી પણ ખરા વખતે ટપકે છે!

‘મજા તમારે બેએ જ કરવાની છે?’ મમતા તાડૂકી, ‘જા, મારા માટે રિંગ લઈ આવ તો હું પણ પાણીમાં પડું!’

મમતાને પલળવું પસંદ નહોતું એટલે બપોર સુધી દૂર રહી, હવે તેને પણ મન થયુંને! પૂલમાંથી બહાર નીકળીને નેહાલી ફટાફટ મા માટે રિંગ લઈ આવી ત્યારે પપ્પાને આજીજીપૂર્વક માને કહેતાં સાંભળ્યા, ‘ભૂલ થઈ, જવા દે. ફરી ધ્યાન રાખીશ...’

પપ્પા મમ્મીને સૉરી બોલે છે! નેહાલીને અચરજ થયેલું, ‘મમ્મી, ઇટ્સ ઓકે. હું તારી રિંગ લઈ આવી.’

‘તો ઉપકાર કર્યો‍ મારા પર.’ મમતાએ છણકો કર્યો‍, ‘આવી મોટી પંદર વરસની ઢાંઢી થઈ તોય અક્કલ ન આવી.’

નેહાલી આ ઢબથી, આવા શબ્દોથી ટેવાઈ નહોતી. ૫છી જોકે મમતાએ રણકાભેર માહોલ બદલ્યો,  ફૅમિલી ખુશહાલ મૂડમાં ઘરે પાછી ગઈ.

પણ એ બનાવ પછી માની ચોકી વધી ગઈ હોય એવું નેહાલીને લાગ્યું. ટૂંકાં કપડાં તો નેહાલીને ખુદને નહોતાં ગમતાં, પણ માને તો રાતની નાઇટીમાં પણ ચૂંધી : ઘૂંટણ સુધીનું ફ્રૉક જેવું આપણને ન ચાલે!

આવી કે પછી નો નાઇટ પાર્ટી વિથ ફ્રેન્ડ્સની પાબંદી નેહાલી ચલાવી લે, પણ મા તો પપ્પા જોડે બજારમાં પણ ન જવા દે એ ખટકતું. મા મક્કમ સ્વરે કહેતી : તમે જાઓ એનો વાંધો નહીં, પણ પછી તું ખોટા ખર્ચ કરાવીને કપડાંથી કબાટ ભરે એ ન ચાલે!

‘હોય બેટા...’ પપ્પા કહેતા : ‘મમ્મી આપણા સારા માટે જ કહેતી હોયને.’

નેહાલીએ સ્વીકારી લીધું. બીજાં ચારેક વરસ વીત્યાં. ૧૯-૨૦ની ઉંમરે નેહાલીના અંગે પુરબહાર યૌવન હતું. કૉલેજના માહોલની અલ્લડતા હતી.

‘સૉરી કહ્યુંને...’ એક સવારે અમસ્તી જ વહેલી ઊઠી ગયેલી નેહાલીએ પપ્પાને દબાયેલા સાદે માની માફી માગતાં સાંભળીને રમૂજ થઈ.

‘શું થયું પપ્પા-મમ્મી?’

નેહાલીના સાદે બેઉ ઝબક્યાં. ત્રણ માળના ઘરમાં હૉલ-કિચન ભોંયતળિયે, જ્યારે સૂવાના રૂમ પહેલા માળે.

‘થવામાં એ જ કે તારા પપ્પાનેનવો-નવો નશો ચડતો જાય છે અને નશો ભાન ભુલાવે છે એ તેમને યાદ નથી.’

પપ્પા કદી ડ્રિન્ક્સ લે ખરા, એમાં આટલી નારાજગી!

નેહાલીને ટહુકવાનું મન થયેલું, પણ માનો તમતમી ગયેલો ચહેરો જોઈને માંડવાળ કર્યું. પપ્પાના સૉરી છતાં આ વેળા નારાજગી લાંબી ચાલી. મા ભાગ્યે જ નેહાલીને એકલી પડવા દેતી. માની કાળજી અલબત્ત ગમતી.

‘ભણવાનું પતે કે મારે તને પરણાવી દેવી છે.’ મા જાણે ગોખતી રહેતી.

નેહાલીએ કડી સાંધી : હું લાસ્ટ યરમાં આવી ત્યાં તો તેણે મુરતિયા તરાસવા માંડેલા... માને મારાં લગ્નની ઉતાવળ હતી, પપ્પા કહેતા : પહેલાં નેહાલીને જાતકમાણીથી સ્વાવલંબી થવા દો, પછી લગ્નનું વિચારો. મા જોકે ગાંઠી નહોતી અને આર્જવ સાથે મેળ જામી જતાં તે કેટલી ખુશ હતી. જોકે મારાં લગ્ન જોવા ન પામી. આમ તો ગઈ હોળી પછી એપ્રિલમાં વેવિશાળ થયું અને જુલાઈમાં લગ્નતારીખ તેણે કઢાવી રાખેલી, પણ એ પહેલાં તેની શ્વાસડોર તૂટી.

નેહાલીએ દર્દ અનુભવ્યું:

માના અંત સમયે હાજર ન રહ્યાનું દુ:ખ મને આજે પણ છે. આર્જવના સગામાં લગ્ન હતાં. હું તેની ફૅમિલી ભેગી વડોદરા ગઈ હતી. પપ્પા તેમની ઑફિસની કોઈક પાર્ટીમાં ગયા હતા. જમવામાં મા એકલી હતી. મમ્મીના ખાવામાં કશુંક આવી ગયું કે શું, બેહદ ઝાડા-ઊલટી થયાં. પપ્પા ઘરે પહોંચ્યા ત્યારે મા અશુદ્ધસી હતી... તેને હૉસ્પિટલાઇઝ કર્યાનો ફોન આર્જવ પર પહોંચ્યો. તાબડતોબ લગ્નમાંથી અમે નીકળીને આવ્યા તોય અંતિમ મોંમેળાપ ન થયો. માએ આંખ મીંચી દીધેલી!

હૈયાફાટ રડતી નેહાલીને આર્જવે સંભાળી હતી. પપ્પા પણ કેવા ભાંગી પડેલા. જોકે આર્જવના, તેના પરિવારના સંગાથે જીવન ધબકતું થયું. થોડા સ્વસ્થ થયા પછી પપ્પાએ વહેવાર યાદ અપાવ્યો : અમારામાં હવે વરસ સુધી શુભપ્રસંગ નહીં લેવાય.

આમાં ઇનકાર કોને હોય! ઊલટું માના દેહાંત બાદ મારી સંભાળમાં આર્જવ ચૂક્યા નહીં. એથી પણ અમારું એક્ય વધ્યું.

એમાં હવે અમારી પ્રથમ ઉતરાણ..

€ € €

‘આ વખતે મિત્રોને મોજ છે. કહે છે કે તારો પતંગ કપાઈ ગયો, તું શું પેચ લગાવવાનો!’ આર્જવ.

નેહાલીએ રતાશ પકડી. આર્જવ આજે વળી તોફાની મૂડમાં છે! રવિવારે ડિનર અમે સાથે જ લઈએ. હજી સવારે જ સજોડેની પહેલી ઉતરાણનો રોમાંચ વાગોળ્યો, રાતના ડિનરમાં પણ એ જ વિષય કેન્દ્રમાં રહેવાનો...

આર્જવે માનું હૈયું જીતું લીધેલું. પપ્પા સાથે પણ તે ખૂબ સહજ રહેતો, ડ્રિન્ક શૅર કરી શકતો એ નેહાલીને ગમતું. એમ આર્જવ તોફાની બને ત્યારે સંયમ જાળવવો અઘરો થઈ પડતો.

- અને આર્જવના હોઠ હોઠોની

સાવ નિકટ આવતાં નેહાલી વિચારવમળમાંથી ઝબકી.

‘અરે, હટો...’ ડિંગો બતાવી પિયુને હળવું હડસેલીને તે દૂર ભાગી. ‘હજી લગ્નમાં છ મહિના બાકી છે જનાબ...’

€ € €

નીચે હૉલમાં બેઠા સત્યેન્દ્રભાઈએ છતમાં નજર ખેડી. જુવાનિયાઓની ધમાલમસ્તીનો અવાજ અહીં સુધી પહોંચતો હતો. કદાચ જવાની એનું કામ કરી રહી છે!

તે ફિક્કું એવું હસ્યા. નજર સામી દીવાલે લટકતા કૅલેન્ડર પર ગઈ : જાન્યુઆરી આ ચાલ્યો... લગ્નમાં હજી છ મહિના રહ્યા.

ઓન્લી સિક્સ મન્થ્સ લેફ્ટ. તેમણે ઊંડો શ્વાસ લીધો.

€ € €

ડિનર ૫છી છેવટે આર્જવને વિદા કરી નેહાલી લતાનું ગીત ગણગણતી ઘ૨મા આવી.

‘નેહાલી, હવે ધરતી પર આવ.’ પિતાના શબ્દોએ નેહાલીના હોઠો પરથી ગીત છીનવી લીધું. પપ્પા હમણાંના આમ કડવું કેમ બોલી જાય છે?

‘તારી મા રહી નથી એટલે કડવો ઘૂંટ તો મારે જ પાવો પડશે.’

નેહાલી સ્તબ્ધ.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK