કથા-સપ્તાહ - તેરે મેરે બીચ મેં (ગુણ-અવગુણ - 4)

આદર્શ નોકરી વિનાના થઈ ગયા!


ન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


બે મહિના અગાઉની એ સાંજે ઘરે આવીને આદર્શે ખબર દેતાં કાવેરીની ભીતર ધરબાયેલો જ્વાળામુખી ફાટવાની એ ઉદ્ભવ ક્ષણ હતી!

‘આદર્શભાઈ હમણાંના કામે નથી જતા?’

ચોથે દહાડે મનસ્વીએ પૂછતાં ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠેલા આદર્શને સંભળાય એવો નિસાસો નાખીને કાવેરીએ ખબર પટારો ખોલી દીધો હતો : અમારા સાહેબ તો નોકરી છોડી આવ્યા! તેમના પિતાજી રાજાધિરાજ ખરાને. તેને કમાવાની શી ચિંતા!

આદર્શની હાજરીમાં જ તેને આમ બોલતી જોઈને મનસ્વી જેવી મનસ્વી પણ થોડી ડઘાઈ ગયેલી.

‘હું તેમને હંમેશાં અક્ષનો દાખલો આપતી... પણ તેમની જેમ શૅરબજારમાંથી કમાવાને બદલે ઘરે બેસવાની ખોટી શીખ તેમણે લીધી!’

બીજા સંજોગોમાં મનસ્વીએ પોરસ અનુભવ્યો હોત કે આખરે મેં જમાવેલી ઇમેજનો અક્ષે પણ આભાર માનવો જોઈએ!

પણ હમણાંના હાલાત જુદા હતા. ઑફિસની જગ્યા ભાડે લેનારો કબજો છોડતો નથી ને ભાડું ચૂકવતો નથી. મનસ્વીએ જેઠનીયે મદદ માગી, પણ મોહમ્મદ સાથે ભીડવામાં તેમનેય રસ નહોતો. ઊલટું તેમણેય બે શબ્દો સંભળાવ્યા : મને એ આદમી શરૂથી જ ભરોસાપાત્ર નહોતો લાગ્યો, પણ તમને વર-બૈરીને મોટાની સલાહ લેવાની-સાંભળવાની ટેવ જ ક્યાં છે!

પડ્યાને હર કોઈ પાટુ મારે... અને લાઇફ-સ્ટાઇલની આદત પણ એવી કે નથી છૂટતી, નથી બદલાતી. નબળો માટી બૈરી પર શૂરો. અક્ષ હાથ ઉપાડે ને હું સામાં વચકાં ભરું એ બહુ સામાન્ય ઘટના થઈ પડી છે... તોય એની જોડે અમે ત્રીજાને જાણ થવા નથી દેતા. સુખની દંભી ઇમેજ ટકાવી રાખવા જેટલી સૂઝ આ કાવેરીમાં નથી. ડફોળ. આદર્શભાઈ તોય તેને સહી લે છે. કાશ, મારો અક્ષ આવો હોત! જોકે આવું કાવેરીને શાનું કહેવું? પાડોશીને સુખી ન જોઈ શકવાનો સંસારનો સર્વસામાન્ય નિયમ સાંભરી મનસ્વીએ મનોભાવ સમેટીને કહ્યું, ‘મારા અક્ષ તો અક્ષ જ! તે તો હંમેશાં કહેતા હોય, તું ખર્ચી શકે એનાથી વધારે કમાવાની જવાબદારી મારી!’

‘લો, સાંભળો...’ કાવેરીએ ત્રીજાની હાજરીની પરવા રાખ્યા વિના પતિને સંભળાવ્યું, ‘તમને તો એવું કમાતાં જ ન આવડ્યું કે મારા મોજશોખ પૂરા કરી શકો!’

કયા મોજશોખ? આદર્શે પત્નીને ઝંઝોડવી હતી, પણ મનસ્વીની મોજૂદગીને કારણે ગમ ખાઈ જવો પડ્યો. એથી કાવેરીએ એમ માન્યું કે પુરુષ કમાતો જ ન હોય પછી શું બોલે?

‘હોય, કોઈના નસીબમાં રાજા ભોજ હોય, કોઈના તકદીરમાં ગંગો તેલી!’

મારી આ કિંમત! મહેણું આદર્શના હૈયે ચોંટી ગયું. પછી તો અક્ષે પણ ડોકાઈને ટિપ્પણી કરી હતી : શું બૅન્કરસાહેબ, નોકરીનું ઉઠમણું થઈ ગયું? તો કોઈ ધંધો કરો - મરદ માણસ છો યાર!

આદર્શ કહી ન શકતો કે તમે તમારું સંભાળો, બીજાના મામલે ચંચુપાત છોડો! પણ આવું કંઈ સાંભળીને પત્ની કઈ હદનું રીઍક્શન આપે એની ખાતરી નહોતી. તેની ચુપકીને કાવેરી જુદા અર્થમાં લેતી : આદર્શ મોંનાય મોળા. રામ જાણે નોકરીમાં એવો તે શો છબરડો વાલ્યો હશે! ખોટું કે નીતિ વિરુદ્ધનું તો કરે એવા નથી, પણ પોતાની ભૂલમાંથી છટકતાંય નહીં આવડ્યું હોય - બાઘા!

દરમ્યાન નોકરી માટેના પ્રયત્નો ચાલુ હતા. એક-બે જગ્યાએ બધું અનુકૂળ હતું ત્યાં ‘તમે છેલ્લી નોકરી રાતોરાત કેમ છોડી’નો પોતે સંતોષકારક ખુલાસો કરી શક્યો નહીં. સચ કહેવાય કેમ! પુરાવા વિના કોઈ સાચું કેમ માને? એટલે વાટાઘાટો ભાંગી પડી... આર્થિક તકાજો કહેતો હતો કે હવે કંઈક કરવું રહ્યું... કામની ભીખ માગવી, પૈસા માટે હાથ ફેલાવવાનું તો મારા પેરન્ટ્સને મને શીખવ્યું નથી. સ્વમાનભેર, પેટિયું રળવા જેવડી આવડત પુરુષને ન હોય તો તે મરદ શાનો! હવે તો એવુંય થાય કે નોકરીની ગુલામી કરવી જ શું કામ! એના કરતાં ધંધો જમાવ્યો હોય તો... કોઈ પણ ધંધા માટે હુન્નર જોઈએ ને એક આવડત તો પોતાનામાં છે જ.

એ સાંજે હોંશભેર બટાટાવડાં બનાવીને આદર્શે કાવેરીને પૂછ્યું, ‘વડાં કેવાં છે? વડાપાંઉની લારી કરી હોય તો?’

‘હાય હાય...’ કાવેરીએ ઊલટો આઘાત દર્શાવ્યો, ‘એટલે તમે આમ અભણ માણસની જેમ ગલી-ગલીએ પાંઉવડાની લારી ફેરવતા રહેશો? સખણા રે’જો. ગલીના નાકે તમે પાઉંવડાની લારી લઈને ઊભા રો’તો સમાજમાં મોં દેખાડવા જેવું નહીં રહે. નવરા બેઠા નખ્ખોદ વળે એ આનું નામ!’

સ્વાશ્રયની બાબતમાં પત્નીએ પતિને પોંખવાનો હોય, પ્રોત્સાહિત કરવાનો હોય; પણ કાવેરી તો...

‘હું તો લગ્ન કરીને ફસાઈ ગઈ.’

હજી પંદર દહાડા અગાઉ કાવેરીના પિયરમાં વિભાવરીમાએ શ્રી સત્યનારાયણની કથા રાખી હતી. ખાસ તો નોકરી વિનાના જમાઈનું ઠેકાણું પડે એ હેતુથી રખાયેલી કથામાં આદર્શ-કાવરી જ બેઠાં, પણ કાવેરીને તો જાણે પતિ સાથે ધાર્મિક વિધિ કરવામાંય રસ નહોતો. છેવટે દક્ષિણા માટે આદર્શે પાંચસો એકનું કવર કરતાં કાવેરી તતડી : દાનેશ્વરી કર્ણ બનવાની શી જરૂર છે! સવાસો તો બહુ થયા... તમારે ક્યાં નોકરી રહી છે!

‘એ તો તું મને ભૂલવા ક્યાં દે છે.’ ફિક્કું મલકી લઈને આદર્શે ઉમેર્યું અને તું પણ યાદ રાખ કે બાકી નીકળતું બોનસ વગેરે આવ્યું છે એમાંથી જ ઘર ચાલ્યું છે, ફિક્સ્ડ તોડીને હું ધર્માદો નથી કરતો.’

‘જોઈ તારા જમાઈની એંટ!’ ધૂંધવાતી કાવેરીએ વિજયામા સમક્ષ ઊભરો કાઢ્યો.

કથામાં આવેલા પાડોશીઓ વિખરાયા, મહારાજ પણ ગયા પછી મા સાથે રસોઈઘરમાં લંચની તૈયારીમાં પડેલી કાવેરીએ નીચે બેસીને પૂરી વણતાં ઊભરો ઠાલવ્યો. એક તરફ દાળ-શાક ને ત્રીજા ચૂલે પૂરી તળતાં વિભાવરીબહેનનાય ધ્યાનમાં ન રહ્યું કે પાણી પીવાને કાજ જમાઈ રસોડાના ઉંબરે ઊભા છે!

‘હું તો ફસાઈ. મારી તો જરાય ઇચ્છા નહોતી, પણ તેં દબાણ કર્યું એટલે આદર્શ માટે મારી હા થઈ...’

આદર્શ સ્તબ્ધ.

‘મારે તો અહીં સુખ નહોતું. કામ, કામ ને કામ! થયું કે આદર્શ પાસે ગાડી, બંગલો ભલે ન હોય; એકલપંડા આદમીને પરણીને સ્વતંત્રપણે હરવા-ફરવાના અને ટેસથી રહેવાના મારા શોખ પૂરા કરીશ, પણ ઠીક હવે. વચમાં તેમને પાંઉવડાની લારી નાખવાનો તુક્કો સ્ફુર્યો હતો! રસોડે બૈરાવેડા કરે છે એ ઓછા છે? મને તો ફડકો છે કે નોકરી જવાથી આદર્શ અહીંનું ઘર કાઢીને ગામ જવાની વાત ન કરે! ના રે, દરિયો પૂરીશ પણ ગામ નહીં જાઉં...’

‘છાની મર. બાઈ માણસ કામની હોહા કરતું સારું ન લાગે! દેવ જેવો જમાઈ શોધ્યો, પણ સુખ જેને પચવાનું હોય તેને જ પચે.’ વિભાવરીબહેને ડારો આપ્યો, ‘કોઈ ખોટા ભવાડા ન કરીશ, તારાં ભાઈ-બહેનને હજી પરણાવવાનાં છે મારે. ’

કાવેરીએ નિ:સહાયતા અનુભવી.

મેં આ શું સાંભળ્યું! કાવેરીનો શબ્દેશબ્દ આદર્શના હૃદયપટ પર ધણની જેમ વીંઝાયો હતો. ખરા અર્થમાં કાવેરી આજે નિરાવૃત થઈ હતી. હું તો તેને મૂળમાં પસંદ જ નહોતો, રાધર મારી પસંદમાં સમાધાન હતું! પછી એમાં સ્નેહ, સમર્પણ ક્યાંથી આવે? તે મારી સાથે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી પણ કેમ શકે? કાવેરીને મારા ગુણ જોવા હોત તો લગ્ન પહેલાં દેખાઈ ગયા હોત, પણ ત્યારે જે પસંદ ન પડ્યો તેના ગુણ નિહાળવાની દૃષ્ટિ પછી પણ કેમ કેળવાય? તે તો ગુણમાંય અવગુણ જ જોવાની! પતિ માટે ભીતર ઝીણી-ઝીણી રાવ-ફરિયાદોનો ડુંગર જમાવી બેઠેલી સ્ત્રી ધણીની નોકરી જવાની નાનકડી તકલીફમાં ઉઘાડી પડી ગઈ! તે મને અક્ષનું ઉદાહરણ આપતી એમાં કેવળ દેખાદેખી નહોતી... જીવનસાથીનો સાથ હોય તો ગમે એવું દુ:ખ પણ સુખ જ લાગવાનું એ સાદી સમજ જેને ન હોય એ સંસારનો મર્મ પણ શું સમજે! 

લગ્ન સમયે મેં મારી અપેક્ષા, મારું માનસ કાવેરીથી છુપાવ્યાં નહોતાં, છળ તો કાવેરીએ આદર્યું પોતાની આશા, એષણા, અપેક્ષાઓ પર આવરણ રાખીને... વીત્યા દોઢ વરસમાં કાવેરી ક્યારેક સાચું હસી હશે, મારા પર પ્રેમથી વરસી હશે એનોય કદાચ પછી તેને વસવસો થયો હશે કે પ્યાર ન કરવા જેવા પુરુષ પર હું ક્યાં આમ ઓળઘોળ થઈ!

જેને મારા માટે આટઆટલી ફરિયાદો હોય તેને શા માટે વધુ બાંધી રાખવી? કાવેરીને ત્યજવામાં તેનું સુખ છે, મારા ગુણ તો મને તેના નિભાવનું જ સૂચવે છે!

પાછલા અઠવાડિયાથી આદર્શના ચિત્તમાં આ જ બધું ઘૂમરાયા કરે છે. સવાલ એ નથી, ક્યાં સુધી મારે સહેવું? સવાલ એ છે ક્યાં સુધી કાવેરીએ સહેવું? ઇટ હેઝ ટુ કમ ટુ ઍન ઍન્ડ. અને...

€ € €

બીજી સવારે આદર્શ ઘરમાં ક્યાંય નહોતો. ડ્રેસિંગ-ટેબલ પર ફરફરતી

ચિઠ્ઠીએ કાવેરીનું ધ્યાન ખેંચ્યું. શું લખ્યું હતું એ ચિઠ્ઠીમાં ?

કાવેરી, 

પતિ તરીકે હું તને ક્યારેય પસંદ નહોતો, પ્રિય નહોતો એ કથાના દહાડે જાણ્યા પછી તારા નામ આગળ પ્રાણપ્યારી લખવું વાજબી નથી લાગતું... મન વિના માળવે ન જવાય એમ મરજી વિનાનું લગ્નજીવન પણ ન જીવાય. 

મને આનો એક ઉકેલ સૂઝે છે - તારાં બીજાં લગ્ન! એમાં તું છંડાઈને પિય૨ પાછી આવેલી ન ગણાય એટલે તારાં ભાઈ-બહેન પર એની વિપરીત અસર પણ નહીં થાય ને તારું આ દોજખ પણ છૂટે.

આમ કહીને હું કોઈ જવાબદારીમાંથી છટકવા નથી માગતો... તારા ધ્યાનમાં કોઈ મુરતિયો હોય તો નિ:સંકોચ કહેજે, તને થાળે પાડવાની જવાબદારી મારી. એટલે જ્યાં સુધી તારા માટે તને ગમતું પાત્ર ન મળે ત્યાં સુધી આપણે તન-મનથી તો આ પળથી જ છૂટા, ભલે એક છત નીચે રહીએ. આ કોઈ સ્ટન્ટ નથી કે તને ભડકાવા, હેબતાવાની રમત નથી. સાચા દિલથી લખ્યું છે, દિલથી વાંચજે.

જોકે એ માટે કમાવું પડશે. હું પાંઉવડાના ધંધાના શ્રીગણેશ કરવા જાઉં છું... આપણા માર્ગ ફંટાવાની આ શરૂઆત છે. નવો વળાંક બન્ને માટે સુખરૂપ નીવડે એવી પ્રાર્થના...

લિ. કેવળ આદર્શ!

શું કરવા ધાર્યું છે આ માણસે! કાવેરી સ્તબ્ધ હતી. પત્ની માટે નવો પતિ શોધનારો વર તો પહેલો જોયો! આ શક્ય છે?

આદર્શ મારું અંતરમન જાણી ગયા, આ કેવો પ્રસ્તાવ મૂકી બેઠા! મારી પસંદનો પુરુષ...

ત્રણ શબ્દો દફન થયેલા સમણામાં સળવળાટ સર્જી ગયા. આદર્શનો તર્ક તો સાચો. આમ કરવામાં મારાં ભાઈ-બહેનનું ભાવિ નહીં રૂંધાય, મા પણ ઠપકો શું કામ દે? બીજી તક કેટલાને મળે?

એકાએક કાવરીને બધું ગમતીલું લાગવા માંડ્યું. કુદરત ફરી એક તક આપી રહી છે એને વધાવવા તૈયાર થઈ જા કાવેરી! ઓહ, એ નવો પુરુષ અક્ષ જેવો કોઈ અતિ શ્રીમંત, દેખાવડો ને જલસાથી જીવનારો હોય તો... જીવનમાં સાચે જ નવા રંગ પુરાઈ રહ્યા છે?

€ € €

ધંધો જામી રહ્યો છે! ઘરથી દસેક મિનિટના અંતરે આવેલા મૉલ નજીક પાંઉવડાની લારી ઊભી રાખવાનો મેળ ગોઠવવામાં સમય-પૈસા ખર્ચાયા, પણ લોકેશન મોકાનું હતું. પ્રોડક્ટમાં દમ હતો એટલે પાંઉવડાનો બિઝનેસ મહિનામાં તો ધડાધડ વિસ્તરવા માંડ્યો. રૉ મટીરિયલની ખરીદીથી માંડીને વડાં તૈયાર કરવા સુધીનાં તમામ કામ આદર્શ એકલા હાથે નિભાવતો. મળસકે ચાર વાગ્યાનો ઊઠી જાય. ખપતને કારણે ક્વૉન્ટિટી વધતી એટલે ભારણ પણ રહેતું. જાતે લારી ખેંચવાનો પણ શરમ નહીં!

‘તમે શું પુરવાર કરવા માગો છો આદર્શ?’ અઠવાડિયું એક તાલ નિહાળ્યા પછી કાવેરીએ ચર્ચા આવશ્યક સમજી હતી, ‘તન-મનથી છૂટા થઈને મને આઝાદ કરવાની મહાનતા પોષવી છે તમારે? આ બધું આટલું સરળ છે? એટલા ત્રાસ્યા છો મારાથી આદર્શ?’

પળવાર માટે પતિ-પત્નીની નજર મળી, છૂટી પડી.

‘ઊલટું તું ત્રાસી છે કાવેરી, મારાથી...’ આદર્શે હસવાનો પ્રયત્ન કરેલો, ‘હવે એ બધી બહેસ શું કામ! મનગમતું કરવાની સમજ કેળવાઈ છે એનો ઉમંગ કેમ ન માણીએ? જો હું નવા વ્યવસાયમાં મોજ માણું છું, તું પણ તારી કલ્પનાનો પુરુષ ખોળી લે... તારી બહેન માટે તારાં મમ્મી મુરતિયા શોધે જ છે. એ બહાને મૅરેજબ્યુરોની મુલાકાતે જઈ તારે અનુકૂળ પાત્ર નિહાળતી થા. પછી મેળ ગોઠવવાની જવાબદારી મારી!’ ’

‘તમારી વાતોથી મન બહેલે છે આદર્શ, પણ એક ભવમાં બે ભવ!’ કાવેરીથી બોલી જવાતું : આદર્શ, તમે મારી પસંદમાં ઢળી ન શકો?’

તેના પ્રશ્ને આદર્શના હોઠ સ્મિતમાં વંકાતા, ‘હું કોઈ બીજું કેવી રીતે બની શકું કાવેરી?’

કાવેરી હળવો નિ:શ્વાસ સારી રહી... હાસ્તો. આદર્શે મને તેમના ઢાંચામાં ઢળવા કહ્યું હોત તો એ ઓછું થઈ શક્યું હોત!

આ તબક્કે દુનિયા પતિ-પતïનીમાં આવેલી દૂરી દેખી શકતી નથી. બંધ ઘરમાં બેઉ પોતપોતાની મરજી મુજબ રાંધે છે, ખાય-પીએ છે. બેડરૂમ જુદા છે. આદર્શ કહે છે એમ જેમનાં સમણાં જુદાં હોય તેમનો રૂમ એક હોય તો પણ મનથી તો તેઓ અલગ જ હોવાના! આદર્શની વ્યસ્તતાને કારણે ઘરે ઊંઘવા સિવાય એકલા પડવાનો સમય બહુ ઓછો મળે, પણ એમાં અગાઉ જેવાં મહેણાંટોણાં હોતાં નથી.

‘સોસાયટીવાળાને હજી હજમ નથી થતું : વાઇટ કૉલર જૉબ છોડીને આદર્શભાઈને આ શું સૂઝ્યું!’ કાવેરી હેવાલ આપતી એમાં કેવળ વિધાન દોહરાવવાનો ભાવ રહેતો, ‘નારાજ તો મમ્મી-પપ્પા પણ છે. આદર્શકુમારે કેટરિંગનો ધંધેા માંડવો હતો. સાવ જ આવું?’

‘નોકરી વિનાના માણસે ઓછી

મૂડીએ ધંધો જમાવવો હોય તો આનાથી યોગ્ય વિકલ્પ નહોતો...’ ઝાઝી હોહા કર્યા વિના શરૂ કરેલી લારી બાબત મોહિતને જાણ કરતાં તેણે જુદું કહેલું : તારા સાહસનો આનંદ, પણ લારી પર ભાભીને ન લાવીશ...

તેને કે કોઈને પણ કેમ કહેવાય કે તારી ભાભી હવે મારી કંઈ જ રહી નથી!

અત્યારે પણ આના પડઘાએ આદર્શના હૃદયમાંથી પ્રશ્ન ઊઠ્યો - સાચે જ?

જવાબને તરાસવાનો નહોતો - આદર્શને એની સુપેરે જાણ હતી!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK