કથા-સપ્તાહ - તેરે મેરે બીચ મેં (ગુણ-અવગુણ - 3)

‘માય ગૉડ!’ દરવાજો બંધ કરીને મનસ્વીએ સોફામાં પડતું મૂક્યું.


ન્ય ભાગ વાંચો


1  |  2  |  3  |  4  |સામી ઈઝીચૅર પર એદીની જેમ ફેલાઈને ઇંગ્લિશ મૂવી જોતો અક્ષ હસ્યો,

‘શું થયું? તારી સોકૉલ્ડ બહેનપણીએ

મરચું ભભરાવ્યું!’

પતિ-પત્ની પોતાને મૉડર્નએજ કપલ ગણતા. પૈસો જોઈને જ સાધારણ ઘરની મનસ્વી અક્ષને પરણી હતી,

છોગામાં તે ઠીક-ઠીક દેખાવડો પણ ખરો. ખોટ હોય તો એટલી કે તેને કામકાજમાં જરાય રસ ન મળે.

‘એટલે તો તારા જેવી મિડલ ક્લાસ કન્યાનો નંબર લાગી ગયો.’ અક્ષ પણ શબ્દો ચોર્યા વિના કહેતો.

અક્ષમાં ઍટિટ્યુડ હતો, સ્ટાઇલિશ લાગતો. ત્યારે તો મનસ્વીને પણ એમ કે અખૂટ પૈસો હોય તો કામ કરવું પણ શું કામ!

સસરા હતા ત્યાં સુધી ઠીક, પણ જેઠનો ભરોસો નહીં. અક્ષની જાણ બહાર ધંધાનો પૈસો ચાંઉ કરતા ગયા ને છેવટે અમને ઠેંગો દેખાડે તો ક્યાં જવું! ભાગ પાડતી વેળા એટલે તો મનસ્વીએ પતિને બરાબરની પટ્ટી પઢાવી રાખેલી : મોટા ભાઈ કદી તમને ઉપર આવવા નહીં દે, અહીં મારેય ભાભીને આધીન રહેવું પડે એના કરતાં આપણો સ્વતંત્ર ફ્લૅટ હોય તો પૂરેપૂરી પ્રાઇવસી!

કોઈ પણ જુવાનની જેમ આ તર્ક અક્ષને જચી ગયો... અક્ષથી કશું કામ થવાનું નથી એ જાણી ગયેલી મનસ્વીએ જ લીડ લઈ ભાગમાં આવેલો ગાળો ભાડે ચડાવ્યો, અહીંનું આ ઘર સજાવ્યું... પતિ-પત્ની એશથી રહેતાં.

સામેવાળો આદર્શ પરણ્યા પછી કાવેરી સાથે મનસ્વીએ ઘરવટ કેળવેલી એ ખરેખર તો શો-ઑફ ખાતર.

પોતે કેટલા સુખી છીએ એ જતાવવાનું ગૃહિણીમાત્રને ગમતું હોય છે. કાવેરીને અંજાતી જોયા પછી મનસ્વી માટે તો તે લુત્ફનું સાધન બની ગઈ.

હા, શૅરબજારમાં અક્ષને રસ ખરો, ટ્રેડિંગની ફાવટ ખરી. એમાં ક્યારેક નુકસાન પણ થાય, પરંતુ લોકોને શું કામ એવું જતાવવાનું? અક્ષને પણ એટલે તો પઢાવી રાખેલો કે ત્રીજા કોઈ પણ સમક્ષ પોતાનું માન જળવાઈ રહે. ઘરની બહાર અક્ષ છંછેડાય એવી સ્થિતિ મનસ્વી સર્જવા પણ ન દેતી. પછી અક્ષને પણ શું વાંધો હોય સુખ જતાવવામાં? અને કાવેરીને ન કહેવાનું મનસ્વી પાસે બીજું કારણ પણ હતું - આદર્શ!

આદર્શ અક્ષ કરતાં ક્યાંય સોહામણો. મીંઢી કાવેરી કદી બોલે નહીં, પણ પત્નીને હથેળીમાં ને હથેળીમાં રાખે એ તો દખાયા કરે. કયો વર આજે જાળાં પાડી ઘર સાફ કરે! અને તેની રસોઈ તો અફલાતૂન! કમાય છે, બચત કરી જાણે છે, ગામમાં ઘર કર્યું છે તોય જો પત્ની પર જરાજેટલો રુઆબ છાંટતો હોય... તેની સામે અક્ષ? શેક્યો પાપડ ભાંગે નહીં. કોઈ વાર હું સાચે જ થાકી હોઉં તો એની પરવા કર્યા વિના પોતાની ક્ષુધા સંતોષવા મજબૂર કરે : મારો પૈસો વાપરે છે તો મને ખુશ પણ રાખવાનો!

હોય, દૂઝણી ગાયની લાત ખમી લેવી પડે. એનાં નિશાન મનસ્વી કોઈને દેખાડતી નહીં, નૅચરલી. કાવેરી સમક્ષ મનગમતું ચિત્ર રજૂ કરવાનો આનંદ તે માણતી. બોલવામાં તો અક્ષ પણ સૂરો. બિન્દાસ કહે : આદર્શ લાખ-બે લાખ આપે તો થોડા દહાડામાં ડબલ કરી દઉં!

તે જાણે જ કે આદર્શ પાસે એવડી રકમ હોય નહીં, હોય તો મારા કહેવાથી નાખે નહીં!

કાવેરી એથી અભિભૂત બને એ જોવું પતિ-પત્નીને ગમતું. ઘરના બંધ દરવાજા પાછળ અમારા સુખનું ચિત્ર થોડું જુદું છે એની કાવેરીને તો દોઢ વરસેય ભનક નહીં હોય!

- અને અક્ષે ચોક્કસ જગ્યાએ ચીમટી ભરી. મનસ્વી ચિત્કારી ઊઠી, ‘હેય.’

‘ક્યારનો પૂછું છું, જવાબ કેમ નથી દેતી? શું થયું કાવેરીને ત્યાં?’

અક્ષ તપી ગયેલો. તે પોતે કિંગની જેમ રહેતો ને ક્યારેક પત્નીને ગુલામડી તરીકે ટ્રીટ કરવાનું ઝનૂન તેનામાં આવી જતું. પૈસાનો જાદુ શું નથી કરાવતો!

‘અરે, એ બાઈ નાટકના પ્રોગ્રામમાં શું જઈ આવી, ગઈ કાલની માથું ખાય છે!’

‘છોડ તેને. જા, કિચનમાંથી મન્ચિંગ લઈ આવ, ફ્રિજમાંથી બિઅરનું ટિન કાઢ...’

સવાર-બપોર-સાંજ દારૂ! મનસ્વીએ ચીડ મનમાં જ દબાવી રાખી : શરૂ-શરૂમાં પતિનું કામધંધે ન જવું કે અનિયમિતપણે જવું તેને ગમતું, કેમ કે સંસર્ગથી ધણીને મુઠ્ઠીમાં રમતો કરી દેવાનો હતો; પણ ભાગલા પછી ઘરે તેની સતત હાજરી મનસ્વીને ક્યારેક ઇરિરેટ કરી જતી. જોકે શું થાય! ગમે ત્યારે તેની શરાબ-શબાબની ભૂખ જાગે ને તેના આક્રમણમાં પહેલાં જેવો ભલીવાર ન હોય!

આવું જોકે વાઘને કેમ કહેવાય! એટલે મનસ્વીએ પણ નિયમ રાખેલો, અક્ષ જે દહાડે બહુ હ્યુમિલિયેટ કરે ત્યારે તગડું શૉપિંગ કરી લેવાનું!

આમાં કદી અક્ષ ટકોરે તો મનસ્વી મગરૂરીથી કહી દે : પૈસા ખાતર તને પરણી હોઉં તો વાપરું પણ ખરીને!

‘ક્વિક હની.’ અક્ષે ચપટી વગાડતાં મનસ્વીએ ફટાફટ સામગ્રી આણી, ‘યુ એન્જૉય...’

‘તું ક્યાં ચાલી?’

‘આઇ ઍમ ટાયર્ડ. મારે થોડું સૂઈ જવું છે.’

સાંભળીને અક્ષની આંખમાં તોફાન ચમક્યું, ‘નૉટ નાઓ.’ તેણે પૅન્ટનો બેલ્ટ કાઢ્યો, ‘મારે તારું બીજું પણ કામ છે.’

નો! મનસ્વીને ધ્રાસકો પડ્યો, અક્ષના મૂડમાં પંચર પાડવાનું હથિયાર અણીના વખતે સૂઝી આવ્યું.

‘હું તો મારું કામ નિભાવીશ અક્ષ, પણ ફરી યાદ અપાવું છું. ત્રણ મહિનાથી ઑફિસનું ભાડું નથી આવ્યું. ફોન પર વાત કર્યે નહીં ચાલે...’

આટલું સાંભળતાં જ અક્ષનો કામ નિચોવાઈ ગયો. મનસ્વીએ ગરદન ટટ્ટાર કરી, ‘તમારે જાતે મોહમ્મદભાઈ (ભાડૂત)ને મળવું પડશે.

અક્ષે અકળામણ દાખવી.

‘બે મહિનાથી ફિક્સ તોડીએ છીએ આપણે, શૅરબજારમાંય તમે રૂપિયા ઉડાવ્યા.’

‘ઉડાવ્યા એટલે!’ અક્ષનો પિત્તો ગયો, ઊભા થઈ મનસ્વીના વાળ ખેંચીને તેની

રાડ પડાવી દીધી, ‘રૂપિયા તું તારા પિયરથી નથી લાવી, મને રુઆબ ન દેખાડ. બેસ સીધી અને...’

પશુને તાબે થયા વિના ક્યાં છૂટકો હતો!

કાવેરીએ આ બધું જોયું-જાણ્યું હોત તો? પણ એમ તો હવે ૫છી શું થવાનું એનીયે ક્યાં ખબર હતી? 

€ € €

બૅન્ક-ગૅધરિંગના મહિના ૫છીના લંચ-બ્રેકમાં મોહિત સાથે ખૂણાના ટેબલે ગોઠવાયેલા આદર્શનો સેલફોન રણક્યો. નંબર અજાણ્યો હતો.

‘નથવાણી હિયર.’

‘સર આપ?’ આદર્શ ચમકી ગયો. ણ્ય્ ઉપરી મને સીધો ફોન કરે છે!

‘કૅન યુ પ્લીઝ કમ ડાઉન ટુ માય ઑફિસ? યા, ઇટ્સ અર્જન્ટ.’

ફોન કટ થયો. વાત જાણીને મોહિત પણ નવાઈ પામ્યો : નથવાણીસાહેબને આદર્શનું શું જરૂરી કામ પડ્યું હોય?

‘જોઈએ.’

€ € €

બે કલાક પછી બૅન્કની વરલી ખાતેની કૉર્પોરેટ ઑફિસમાં ણ્ય્ હેડની કૅબિનમાં નથવાણીની સામે બેઠેલા આદર્શના કપાળેથી પસીનો નીતર્યો : હાઉ ઇટ ઇઝ પૉસિબલ!

‘જે છે એ તમારી નજર સામે છે આદર્શ...’ નથવાણી પૂરેપૂરા ગંભીર હતા. ‘બૅન્કની કૅશનો હિસાબ તમારી પાસે હોય છે. તમારા જ કમ્પ્યુટરની એન્ટ્રી બતાવે છે કે બૅલૅન્સશીટમાં ચેડાં કરીને તમે થાપણદારોની કુલ બાર લાખની રકમ પાછલા પખવાડિયામાં સગેવગે કરી છે...’

યસ, બૅન્કિંગનો જાણકાર કોઈ પણ માણસ નથવાણીની વિશાળ કૅબિનમાં લગાડેલી LED સ્ક્રીન પર ઝબૂકતી વિગતો જોઈને કહી શકે, પુરવાર કરી શકે છે કે બાર લાખની છેતરપિંડી મારા હસ્તક થઈ છે! આદર્શને કમકમાં આવ્યાં.

‘તમારાથી આવી ઉમ્મીદ નહોતી.’ નથવાણીનો સ્વર ઊંચો થયો, ‘જાણે ઑડિટરના ધ્યાનમાં ન આવ્યું હોત તો તમે કેટલી ઉચાપત હજી કરત!’

‘સર, મેં આવું કંઈ કર્યું જ નથી...’

‘તો શું આ પુરાવો ખોટો?’ ટેબલ ઠોકીને નથવાણીએ ડારો આપ્યો, ‘આ તમે જ કર્યું છે આદર્શ અને આની પાછળ તમારી પત્ની જવાબદાર છે.’

પત્ની! આદર્શ બઘવાયો.

‘કેમ, બૅન્કના ગૅધરિંગમાં તેણે જ કહ્યું હતુંને કે તમારું સ્થાન પહેલી-બીજી રોમાં હોવું જોઈએ... બસ, પત્નીની અપેક્ષા સંતોષવા તમે સીધો અમીર બનવાનો જ માર્ગ પકડી લીધો.’

હદ થાય છે! કાવેરીએ મને કહેલું વાક્ય ઉપરી સુધી પહોંચીયે ગયું!

‘આ કૃત્યનો અંજામ જાણે છે આદર્શ? ફલાણી ઇન્ડિયન પીનલ કોડ મુજબ પાંચ વર્ષની કેદ, ભવિષ્યમાં કોઈ બૅન્ક તને નોકરી નહીં આપે...’

આદર્શ છટપટાયો : આ જરૂર કોઈ ગેમ છે, મને ફસાવાઈ રહ્યો છે.

‘સજા-બદનામીમાંથી બચવું હોય તો એક જ ઉપાય છે...’ નથવાણી ખુરસીને અઢેલ્યા, પેન રમાડી, ‘તારી વાઇફ જ તને ઉગારી શકે એમ છે.’

આદર્શના દિમાગમાં કડાકો બોલ્યો.

‘સાંભળ...’ અવાજ ધીમો કરીને નથવાણી આદર્શ તરફ ઝૂક્યા, ‘આ ક્વેરી હજી મારા સુધી આવી છે. ધીસ કૅન બી રિવર્સ ઇફ ઍન્ડ ઓન્લી...’

આદર્શ તેમને ટાંપી રહ્યો.

‘નેક્સ્ટ વીક-એન્ડ હું ખંડાલા છું... વાય ડોન્ટ યુ સેન્ડ કા...વે...રી...’ તે થોથવાયા.

કાળઝાળ થતા આદર્શે વચ્ચે પડેલા લૅપટૉપનો ઘા કરીને તેમનો કૉલર પકડ્યો. તેની આંખમાંથી ફૂટતા લાલ દોરાએ નથવાણીને થથરાવી મૂક્યા, ‘યુ સ્વાઇન. તને લોકો પિગ કેમ કહે છે એ આજે જાણ્યું.’

આદર્શ માટે હવે બધું સ્પષ્ટ હતું. જે ગુનો મેં કર્યો‍ જ નથી એ મારા કમ્પ્યુટર પરથી મારો પાસવર્ડ હોય તો કોઈ બીજા દ્વારા જરૂર થઈ શકે... જ્યાં-ત્યાં CCTVની હાજરીને કારણે મારા પર્સનલ કમ્પ્યુટરનો પાસવર્ડ લેવો રમતવાત ગણાય... નથવાણીએ એ જ કર્યું, કાવેરીને ખાતર! તેની નજર ફંક્શનની કાવેરી પર જ હોવી જોઈએ. તો જ તે મને શું બોલી એ પણ તેના ધ્યાનમાં રહેને!

નથવાણીએ ટ્રૅપ તો જડબેસલાક ઘડ્યો છે, પણ એથી ડરીને હું મારી પત્નીને ધરી દેતો હોઈશ?

‘તું શિકાર ભૂલ્યો નથવાણી!’ આદર્શનો ફૂંફાડો ધગધગતો હતો, ‘કાવેરી તને નહીં મળે. બાકી તું મને ફસાવવાનો થયો તો યાદ રાખ, જેલમાં જતાં પહેલાં તારા વાસનાના મૂળને હું વાઢતો જઈશ.’

તેણે ધક્કો દેતાં નથવાણી ખુરસી પર ફસડાઈ પડ્યા. બિચારામાં fવાસ લેવાના હોશ નહોતા. આદર્શના ધમધમાટભેર નીકળી ગયા પછી પણ તેના શબ્દો ક્યાંય સુધી કૅબિનમાં પડઘાતા રહ્યા. પહેલી વાર નથવાણીને કોઈ માથાનું મળ્યું!

€ € €

‘નહીં મોહિત...’ વળી બૅન્ક પર પહોંચી મોહિતને અલગ લઈ જઈ ઊભરો ઠાલીને આદર્શ હળવો થયો, ‘મારી ધમકી પછી નથવાણી ખોટી ફરિયાદ નોંધાવવાની

હિંમત નહીં જ કરે, પણ ફરી બીજો કોઈ દાવ માંડી શકે એ લટકતી તલવાર શું કામ માથે રાખવી?’

મોહિતને અંદાજ આવ્યો, આદર્શે પુષ્ટિ કરી, ‘આઇ ઍમ લિવિંગ ધ જૉબ.’

€ € €

‘હેં, તમે નોકરી છેાડી આવ્યા?’ સાંજે ઘરે આદર્શે આપેલા ખબરે પાણી ધરતી કાવેરીના હાથમાંથી ટ્ર વચકી પડી.

‘તમે મજાક કરો છો આદર્શ?’ પૂછ્યા પછી કાવેરીને જ પ્રશ્ન અસ્થાને લાગ્યો. આદર્શ ક્યારેક હસાવી મૂકે ખરા, પણ આવી રમૂજ તો ન જ કરે. ‘નોકરી છોડી એટલે હજી તો રાજીનામું મૂક્યુંને આદર્શ? કર્મચારીએ નોટિસ પિરિયડ સર્વ કરવાનો હોય એની મને જાણ છે. એમાં વાત વાળી લેજો. જોઈએ તો ઉપરીના પગે પડીને ભૂલ સુધારી લો. તમારી જૉબ નહીં હોય તો સૅલેરી નહીં થાય. ઘરનો હપ્તો કેમ જશે, આપણે ખાઈશું શું?’

એકfવાસે બોલતી કાવેરીને આદર્શે હાથ પકડીને પડખે બેસાડી હતી, ‘તું આટલી તાણ શું કામ લે છે! હું છુંને.’ આદર્શે ગળું ખંખેર્યું. નોટિસ પિરિયડની તારી વાત સાચી, પણ હું તો એનો ફાઇન ભરીને તાત્કાલિક અસરથી છૂટો થઈ ગયો છું.’

હેં! કાવેરીએ આદર્શનો હાથ તરછોડ્યો, વાણીમાં કડવાશ ભરી, ‘તમે સામેવાળા અક્ષનું જોઈને રવાડે ચડ્યા લાગો છો

આદર્શ, પણ એમ રોજગાર વિનાના રહીને ખાટલો તોડવો આપણને નહીં પોસાય! તમારા બાપા કંઈ દલ્લો મૂકીને નથી ગયા કે લહેરથી રહી શકીએ.’

આદર્શ મૂરઝાયો. નોકરી જવાથી પત્ની ગુજારાની ચિંતા કરે એ સ્વાભાવિક, પણ એના કારણમાં આવું ધારે? ધણીએ અચાનક નોકરી ત્યજવી કેમ પડી એની પૃચ્છા નહીં, બસ, આડેધડનું આરોપનામું ઘડીને બિચારા મારા પપ્પાનેય સાલવી લીધા!

કોણ જાણે કેમ, બૅન્કમાં જે થયું એ કહેવાની ઇચ્છા જ મરી ગઈ. મે બી કાવેરીનો મૂડ ઠીક થાય ત્યારે, તેને જાણવાની ઇચ્છા થાય તો કહેવું.

‘મા, તારા જમાઈએ નોકરી છોડી દીધી.’ ધૂંધવાતી કાવેરીએ પિયર ફોન જોડ્યો, ‘રામ જાણે શું કામ. કોઈ કંઈ બોલ્યું હશે યા તો તેમણે જ કશો છબરડો વાલ્યો હશે! તેની માફી માગતાં કે કોઈનું બોલેલું જતું કરતાં આદર્શને શાનું આવડે! બહુ એંટ છે તારા જમાઈમાં...’

કાવેરી બીજી રૂમમાંથી વાત કરતી હતી, પણ આવેશમાં એટલા જોશમાં બોલતી હતી કે માસ્ટર બેડરૂમમાં આદર્શને સાફ-સાફ સંભળાતું હતું! કદાચ આદર્શથી છુપાવવાની તમા પણ નહીં હોય. પતિ કમાતો હોય ત્યાં સુધી જ તેની કિંમત? આદર્શ શોષવાયો.

‘શું બીજી જૉબ શોધી લેશે? નોકરી રેઢી પડી છે! પગાર વિના ઘર કેમ ચાલશે?

હાય-હાય... અમારે હવે રોજનાં એકટાણાં ન હોય તો સારું!’

કાવેરી પોતાની પરેશાની મા સાથે વહેંચીને હળવી થાય એ ગમે, પણ મારા માટે આ બધું શું બોલે છે તે! તેણે મને આટલો જ જાણ્યો?

- મારે આવું વિચારવાનું ન હોય... આખી રાત આદર્શે જાતને સમજાવવામાં વિતાવી. ભવિષ્યની ચિંતાને કારણે જ કાવેરી આકુળવ્યાકુળ થઈ હોય. એમાં પોતે શું બોલી રહી છે એનું તેનેય ભાન નહીં હોય! સવાર થવા દો, તેનામાં પણ સમજનો પ્રકાશ પથરાશે ત્યારે પોતાના જ બોલનો તેને પસ્તાવો જાગશે!

એ વાત જુદી કે આદર્શ માટે એ સવાર આજે બે મહિનેય નથી ઊગી! બલકે જુદી જ કાવેરી તેની સમક્ષ ઊઘડતી ગઈ. એથી ઘવાયેલું અંત૨ કયો નિર્ણય ઘડશે એની તો આદર્શને પણ ખબર નથી!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK