કથા-સપ્તાહ - તેરે મેરે બીચ મેં (ગુણ-અવગુણ - ૧)

અલ્લા તેરો નામ..

katha

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમીત (પૂર્વેશ) શ્રોફ

લતાએ પોતાના કંઠથી અમર કરી દીધેલું ભજન ગણગણતા આદર્શને નિહાળીને કાવેરીના હોઠ વંકાયા : સાવ જુનવાણી છે આદર્શ! એમ તો ક્યાંથી કે રવિની રજાના દહાડે પત્નીને રોમૅન્ટિક ડેટ પ૨ લઈ જઈએ... હજી તો અમારાં લગ્નને દોઢ વરસ થયું, એટલાંમા કંઈ રોમૅન્સ ઓછો ઊતરી જાય! પણ એવું તો મારા પતિદેવને સૂઝતું જ નથી. તે તો લાગ્યા છે ઘરની સાફસફાઈ કરવા - એ પણ ભજન લલકારતા!

આની સામે અમારા જ ફ્લોર પર સામે રહેતા અક્ષભાઈને જુઓ તો! પરણ્યાને ત્રણ વરસ થયાં છે, તેમનાં પણ અમારી જેમ અરેન્જ્ડ મૅરેજ જ છે, ઉંમરમાંય અમે સરખાં જેવાં ને રહેનારાં ત્યાં પણ અમારી જેમ પતિ-પત્ની બે જ; તોય વાઇફ મનસ્વીને કેવી હથેળીમાં ને હથેળીમાં રાખે છે!

- તેમને તો પાછું પૈસાનુંય સુખને.

કાવેરીની બળતરામાં ઉમેરો થયો. હૉલમાં બેસીને શાક સુધારતી તે વારે-વારે ઘરની જાળીની બહાર નજર ૨ાખી સામા બંધ દ્વારને નિહાળી રહી.

કાંદિવલીની વૃંદાવન સોસાયટીમાં દસ-દસ માળની બે વિંગ અને એક ફ્લોર પર માત્ર બે જ ફ્લૅટ. એક ટૂ ગ્ણ્ધ્ અને બીજો થþી ગ્ણ્ધ્. બિલ્ડિંગને માંડ ત્રણેક વરસ થયાં હશે એટલે કન્ડિશન સારી અને રહેનારા મોટા ભાગે પગારદાર નોકરો જેવી સામાન્ય સ્થિતિના, પણ દરેક મિડલ ક્લાસ સોસાયટીમાં બે-ચાર મોભાદાર ખોરડાં નીકળી જ આવે એમ વૃંદાવનમાં પણ વૈભવી ગાડીવાળા ખરા... અમારી સામેના અક્ષભાઈનો જ દાખલો લોને.

કાવેરીની પિન એક જ ખાંચે અટકી ગઈ...

અમારો છઠ્ઠા માળનો આ ફ્લૅટ આદર્શે અમારાં લગ્નના છ મહિના અગઉ લોન પર લીધો છે. અક્ષ-મનસ્વી પણ લગભગ એ જ અરસામાં અહીં મૂવ થયેલાં, પણ એ તો ફુલ પેમેન્ટ કરીને! તેમના ત્રણ બેડરૂમના ફ્લૅટના પ્રવેશદ્વારની શોભા જ કહી દે કે પાર્ટી ખમતીધર છે! અંદરનું ઇન્ટીરિયર, ડિઝાઇનિંગ, ફર્નિચર - બધું અભિભૂત છે!

‘અમારે મનસ્વીનો ટેસ્ટ જરા ઊંચો. ખંતીલી પણ એવી જ. અમારા ફ્લૅટના ઇન્ટીરિયર માટે તે ક્યાં-ક્યાં નથી ભટકી! પણ ઘર જુઓ તો પૈસા વસૂલ.’

અક્ષને સાંભળો તો એમ જ થાય કે પત્નીને આવું વખાણનારો વર જોઈએ! આદર્શ તો આવુંબધું બોલવામાંય ન માને!

કાવેરીને ચચરાટી થઈ.

‘મારા સસરાનો જુહુના દરિયાકિનારે મોટો બંગલો હતો. જમીનની લે-વેચના ધંધામાં બહુ કમાયેલા. માળિયામાં ચાંદીની પાટો રહેતી. પણ એક તો એ ઘર જૂનું થયેલું ને સાસુ-સસરાના દેહાંત બાદ બે ભાઈઓ વચ્ચે ભાગ પાડવાનો વારો આવ્યો ત્યારે જેઠને બંગલો દઈ અમે અમારો ભાગ લઈ નીકળી આવ્યાં!’

ક્યારેક બપોરની ફુરસદમાં અહીં આવી જતી મનસ્વી આમ કહે ત્યારે ચકોર લાગે : પરણ્યાના વરસમાં વરને મુઠ્ઠીમાં કરી લઈને કેવી જુદી થઈ ગઈ! જેઠ-જેઠાણીનો ખાસ આવરો-જાવરોય નથી રહેતો અટલે મનસ્વી પાકી તો ખરી!

‘ભાગમાં અમે આ ફ્લૅટ લીધો, બાકીની મૂડી વ્યાજે મૂકી. શ્વશુરજીની બે ગાળાની ઑફિસ હજી કાઢી નથી. એકમાં જેઠે ધંધો સંભાળ્યો છે. અક્ષે ભાડાપેટે જગ્યા આપી એટલે ૭૦ હજાર તો એનું રેન્ટ આવે.’

મહિને સિત્તેર હજાર તો બહુ થયા. પ્રાઇવેટ બૅન્ક ‘ધિરાણ’માં નોકરી ક૨તા આદર્શનોય પગાર એટલો ખરો, પણ લોન-ભ્જ્ કપાતાં-મૂકતાં મહિને માંડ ત્રીસ હજાર ઘરભેગા થાય - કાવેરીના દિમાગમાં ગણતરી ચાલતી. એમાં બે જણનો નિભાવ થઈ રહે, ક્યાં મોજશોખ પૂરા થાય!

‘હાસ્તો, મહિને આટલી આવક હોય પછી પુરુષે બીજું કરવાનું પણ શુ રહે!’ કાવેરી.

અક્ષ ક્યાંય નોકરીધંધે જતો નહીં, જરૂર જ શું!

‘તે એમ ન માનશો કે અક્ષ ઘરે નવરો બેઠો છે! જરાય નહીં...’ મનસ્વી વળ ચડાવતી, ‘તે આખો દહાડો ટીવી-કમ્પ્યુટર પર શૅરબજારની ગતિવિધિ જોતા હોય. એમાં તેમની માસ્ટરી. દહાડાના અંતે સાત-આઠ હજાર તો એમાં જ પાડી લે.’

લો જુઓ. કુદરત જેને પૈસા રળવાની જરૂર નથી તેને પૈસા કમાવાની બુદ્ધિયે કેવી આપે છે!

‘કહું છું, તમે અક્ષભાઈની આવડતનો લાભ કેમ નથી લેતા! તે તો કહેતા પણ હોય છે કે આદર્શ બે-પાંચ લાખ આપે તો હું થોડા દિવસમાં ડબલ કરી આપું!’ એકાદ-બે વાર પોતે આદર્શને ભારપૂર્વક કહ્યું તો મારા શ્રીમાનજી ઉવાચ:

‘પારકાના ભરોસે આપણા પૈસાનો જુગાર ન રમાય! શૅરબજારની આંટીઘૂટી સમજ્યા વિના ઇન્વેસ્ટમેન્ટ થોડું થાય. અને મોટી રકમ એક ઠેકાણે રોકવા કરતાં બે-ચાર જુદા-જુદા ઠેકાણે રોકવામાં ડહાપણ છે એવું મારા પપ્પા કહેતા.’

બોલો. જે બાપા આખી જિંદગી નોકરીનું વૈતરું કરીને દીકરાને ઢંગનું ઘર દઈ ન ગયા તેમની સલાહ પાછા મને સંભળાવે છે! કાવેરી સમસમી જતી, પણ પતિને કહેવુંય શું! પોતાનું દહિસરનું પિયર પણ કંઈ એવું સધ્ધર ન મળે કે એના જોરેય ધણીને બે શબ્દ કહેવાય! છતાં ક્યારેક અસાવધાનીમાં ‘તમારા બાપા વળી કયો દલ્લો મૂકી ગયા’ એવું બોલી જવાય તો માઠું લગાડવાને બદલે આદર્શ હોંશથી કહેશે : કેમ, ગામમાં તેમણે પાકું મકાન તો કર્યુંને! ઘરના વાડામાં આંબાની કલમો રોપી છે એટલે થોડાં વરસોમાં સહેજે

ત્રણ-ચાર લાખનો પાક ઉતરવાનો. આપણને ઘડપણમાં નિભાવની ચિંતા ન રહે એવી દૂરંદેશી દાખવી મારા પપ્પાએ.....

લો, આમાં દૂરંદેશી શાની? ઊલટું દીકરા-વહુને ગામ સાથે બાંધી રાખવાની ચાલાકી રમી ગયા શ્વશુરજી! વાર-તહેવારે બીજે ક્યાંય જવાને બદલે આદર્શને ગામનું ઘર જ દેખાય - ઘર વપરાશમાં રહેવું જોઈએ; આંબાની દેખરેખ માટે બાજુવાળા નવીનભાઈને કહ્યું છે, પણ આપણી વસ્તુની આપણા જેટલી સંભાળ કોઈ ન રાખી શકે!

બેશક, ગામના ઘરે મોકળાશ હતી, ત્યાં નોકર-ચાકરોનીયે છૂટ, આદર્શ રાંધવાવાળીને તેડાવી લે; પણ તોય ગામડું એટલે ગામડું. મુંબઈમાં રહેનારને ત્યાં ન જ ગમે! કમને ગયેલી કાવેરી માંડ ત્યાંના આરામથી મન મનાવે, પણ મુંબઈ પરત થઈ ‘અમે બે દિવસની છુટ્ટીઓમાં લોનાવલા જઈ આવ્યા’નો પોરસ કરતી મનસ્વી ભટકાય એટલે છેવટે તો અફસોસ જ ઘૂંટાય - આવી છુટ્ટીઓ મારે ક્યાં!

આદર્શને મિત્રવર્તુળ નહોતું. સાથે કામ કરતા મોહિતભાઈ એકાદ વાર ઘરે આવ્યા હશે, અમારે તો ત્યાંય જવાનું નહીં. કાવેરીને વર્તુળની ખોટ વર્તાતી એવું નહીં. મનસ્વી જાય એમ વર-બૈરી બે જ હોય તો મજા આવે, પણ એવું આઉટિંગ ક્યાં?

‘જાહોજલાલી તમારા સાસરે માણજો, અહીં તો નીચી મૂંડી રાખીને કામે વળગો બેનબા!’ મા કહેતી એ સાંભરી કાવેરીએ નિ:શ્વાસ ખાળ્યો.

પિયરમાં પપ્પા-મમ્મી, બીમાર દાદી ને ત્રણ ભાઈ-બહેનોમાં પોતે સૌથી મોટી. એટલે ઘરકામ અને સાસુની ચાકરીમાં પિસાતી માએ નાની ઉંમરથી કાવેરીને પોતાની મદદમાં જોતરી દીધેલી... મા વહાલ ન કરતી એવું નહીં, પણ બિચારીનું હેત પાર વિનાનાં કામોમાં અટવાઈ જતું. પિતા બે છેડા ભેગા કરવામાં મથ્યા હોય. નાનાં ભાઈ-બહેન સાથે રમવાનો કાવરીને મોકો જ ક્યાં મળતો? સ્કૂલથી આવે કે લેસન પતાવીને ઘરનાં કામોમાં જોતરાઈ જવું પડે. ક્યારેક આળસ આવે કે વેકેશનમાં ક્યાંક ફરવા જવાની ઇચ્છા થાય તો મા ટોકે : એવી જાહોજલાલી આપણને ન પરવડે! એ બધા શોખ સાસરે પૂરા કરજો... માંદાં-માંદાં દાદીયે હું કૉલેજમાં આવી ત્યાં સુધી જીવ્યાં ને ગ્રૅજ્યુએટ થતાં માએ મુરતિયા જોવા માંડ્યા. કાવેરીને ક્યારેક થતું, મોટી દીકરી તરીકે હું ખોટમાં જ રહી! મારાં નાનાં ભાઈ-બહેનને આર્થિક છૂટ ભલે ન મળી, કામના બોજ વિનાની નિર્બધતા તો તેમણે માણી ને માને બોલી જવાય તોય તે વઢે : અલી, તારાથી ભાઈ-બહેનને રમતાં જોવાતાં નથી? કેવી બેન છે!

માનું વલણ અકળાવી જતું. પણ તેય બિચારી શું કરે! હશે. મારે હવે પિયરમાં કેટલા દહાડા!

કાવેરીને આમાં આઝાદી દેખાતી, તેની કલ્પનાનું વિશ્વ પાંગરતું : સાસરામાં મારે ઢસરડા નથી કરવા... પૈસેટકે સધ્ધર વર જ મને જોઈએ! જૉઇન્ટ ફૅમિલીનો વાંધો નથી, પણ બધાના પર્સનલ નોકરચાકરે ત્યાં હોવા ઘટે!

કાવેરી રૂપાળી હતી. ઘરકામમાં કેળવાયેલી એટલે માગાં આવતાં રહેતાં, પણ એમાં કાવેરીને જોઈતું પાત્ર ક્યાં! ધડાધડ તેણે ચાર-છ પ્રસ્તાવ આ જ કારણે ઠુકરાવ્યા ત્યારે વિભાવરીમાએ લગામ હાથમાં લીધી, ‘આ મુરતિયો ઘર નજીકની જ બૅન્કમાં નોકરી કરે છે. પગાર સારો અને સંસારમાં તમે વર-બૈરી બે જ હશો. આમાં મને ના નહીં જોઈએ. ઉંમરલાયક દીકરી બાપના ઘરે પડી રહે એ ઠીક નહીં!’

વિભુબહેન મુરતિયા વિશે તપાસ કરાવી ચૂકેલાં. ખોરડું ગુમાવવા જેવું નથી. એ મુરતિયો એટલે આદર્શ!

કાવેરી અડધી ઢીલી તો માના ઉમંગે પડી ગઈ હતી. નિયત સમયે વડીલ જોડે પધારેલા ૨૬ વરસના આદર્શને ભાળીને અવાચક થવાયેલું. રાજકુમાર જેવા રૂડારૂપાળા આદર્શમાં સ્વાભિમાન-સંસ્કારના ગુણ વર્તાયા.

‘હું કાંદિવલી રહું છું, નજીકની બૅન્કમાં મારી નોકરી છે. લોન પર ટૂ ગ્ણ્ધ્નો ફ્લૅટ નોંધાવ્યો છે... ગામમાં ઘર છે, સંતોષી છું. સંસારમાં બીજું કોઈ નથી, જીવનસાથી તરીકે મને ઊર્મિશીલ, મૂલ્યોનું જતન કરનારી યુવતીની ઝંખના છે.’

આજના યુગમાં કોઈ જુવાન આવી અપેક્ષાઓ રાખે! જૂની ફિલ્મોનો શોખીન આદર્શ પોતે જ જુનવાણી છે... પાછો કહે છે પોતે રાંધવામાં પણ એક્સપર્ટ છે! મતલબ પરણીને મારી રસોઈમાં ખોટ કાઢશે કે બીજું કંઈ!

આદર્શના સોહામણા દેખાવથી પ્રભાવિત થયેલી કાવેરીનું અંતરમન ધીરે-ધીરે જાગ્યું. મેળાપ પતતાં સુધીમાં લગભગ નક્કી હતું : આદર્શની લાયકાત ખરી, પણ મારે લાયક નહીં!

‘આ શું નખરાં!’ કાવેરીએ આદર્શ માટે પણ ઇનકાર ફરમાવતાં વિભુબહેનનો પિત્તો ગયો : તારા માટે મુરતિયા આભમાંથી ટપકવાનો છે? આદર્શમાં મને એક ખામી તો બતાવï.ચપટી વગાડીને પૂછતી માને કેમ કહેવું-શું કહેવું! આદર્શ હજી બાઇક પર ફરે છે, ચાર પૈડાંની ગાડી નથી એમ કહેવું? સંસારમાં ભલે અમે વર-બૈરી બેઉ હોઈએ, પણ હાથમાં પૈસાની ગરમી ન હોય તો સ્વતંત્રતા શું કામની!

‘અરે, એકલપંડા જુવાનને તારા પાલવડે બાંધી દઈશ તો પછી લહેર જ છે મારી લાડો. અહીંના કરતાં તો સ્થિતિ સારી જ રહેવાની!’

બસ, માનું આ વાક્ય મનમાં બેઠું ને કાવેરીની હા થઈ!

સામા પક્ષે આદર્શનો પણ હકાર હતો. કાવેરીને નકારવાનું કારણ નહોતું, તે સાચકલી ખૂલી જ ક્યાં હતી?

‘તું તો ખાટી ગઈ. તારો વર શય્યામાં માણવો ગમે એવો છે ને સંસારમાં ન સાસુ, ન નણંદ, ન દેરાણી-જેઠાણી!’

કાવેરીની કોઈ અંગત સખી નહોતી, પણ સગપણના દિને બિલ્ડિંગની હમઉમþ કન્યાઓનાં આવાં વધામણાં હરખાવી જરૂર ગયેલાં.

‘સૌથી પહેલાં આશિષ ઈશ્વરના.’

સગાઈની સાંજે પોતાને હકથી બહાર ફરવા લઈ જનારા આદર્શનું ડેસ્ટિનેશન સાંભળીને કાવેરીનાં અરમાન સંકોચાઈ ગયેલાં. રોમૅન્ટિક ડેટ મનમાં જ રહી ગઈ.

બીજા રવિવારે આદર્શ પાલવા લઈ ગયો. મૂવીના અંધારામાં હાથમાં હાથ લઈને બેઠો એ ગમ્યું, પણ પછી હોટેલમાં જવાને બદલે તેના ફ્લૅટ પર લઈ જઈને તેણે જાતે બનાવેલી પાંઉભાજી ખવડાવી એથી કચાશ વર્તાણી. બેશક, ભાજી આઉટ ઑફ ધિસ વલ્ર્ડ જેવી અફલાતૂન હતી. બનાવી પણ આદર્શે જ, પણ ભેગું મારેય ધાણા સમારવા જેવા કામમાં મદદે લાગવું પડ્યું એ ઢસરડો જને!

જોકે આદર્શે છૂટા પડતી વખતે પૂછ્યું હતું : યુ એન્જૉય્ડ? ત્યારે સચ નહોતું કહેવાયું. રખેને એનાથી સગાઈ તૂટે તો?

પરિણામે તે એવું જ દાખવતી કે પોતે જાણે ધન્ય થઈ ગઈ!

‘સાસરામાં સમાઈ જજે લાડો. ન ભૂલતી કે તારી પાછળ તારાં નાનાં ભાઈ-બહેનને અમારે પરણાવવાનાં છે!’

કન્યાવિદાય ટાણેની માની શિખામણ નવતર બેડી જેવી બની ગઈ. સુહાગરાતે તન અનાવૃત થયું, પણ મન?

કાવેરી સિસકારી ઊઠી. બેધ્યાનીમાં ચપ્પુની ધાર વાગી હતી ને ટેરવામાંથી લોહી ટપકવા માંડ્યું.

આદર્શ દોડી આવ્યો. ઇન્જર્ડ ફિંગર મોંમાં લઈને લોહી ચૂસ્યું. હળદર દબાવી.

જરાસી ચોટમાં પતિ કેવો વિહ્વળ બની ગયો એ કાવેરીને ન દેખાણું. તેનો જીવ તો છટપટતો હતો : અક્ષ-મનસ્વીની જેમ વીક-એન્ડમાં ફરવા ઊપડી ગયાં હોત તો આવો ઘા પડત જ નહીંને!

€ € €

અક્ષ-મનસ્વી આ વીક-એન્ડ ખંડાલા ફરી આવ્યાં. રિસૉર્ટમાં રહ્યાં, ખૂબ એન્જૉય કર્યું.

રવિની રાત્રે બેડરૂમની મદહોશીમાં આદર્શ પત્નીને રીઝવવા તત્પર બન્યો છે, પણ કાવેરી તો હજીયે ડિનર ટાણેની મનસ્વીની મુલાકાતની અસરમાં છે : અમે જમવા બેઠા ત્યારે તેમના ફ્લૅટની ચાવી લેવા આવેલી મનસ્વી કેવી ખુશખુશાલ લાગતી હતી! ઉત્સાહભેર વીક-એન્ડની વાતો કરી જે મેં બળતા જીવે સાંભળ્યા કરી.

‘તમે ક્યાંક ફરવા ગયા કે નહીં?’ તેણે પૂછતાં આદર્શ બોલી પડેલા, ‘અમારાં મૅડમને ઘર છોડવું ગમતું નથી.’

જૂઠ! કાવેરીએ ચિલ્લાવું હતું. પતિની પહોંચ ચોપાટીની ભેળપૂરી સુધીની જ હોય તો પત્નીને બહાર નીકળવાના હોંશ પણ કેમ જાગે!

શબ્દો ભીતર જ ગૂંગળાઈ ગયા. રજામાં આદર્શે‍ શું કર્યું? તો કહે કે સવારે ઘરમાં જાળાં પાડ્યાં, સાફસફાઈમાં અડધો દહાડો ગયો, બપોરે ખીચડી ખાઈને લહેરથી સૂતા ને સાંજે બૈરાની જેમ રસોડામાં ભરાઈને બટાટાવડાં-ફ્રૂટસૅલડ બનાવી પરવાર્યા કે રજા પૂરી!

ઓ રે. જીવન આમ જ વહી જશે?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK