કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 4)

નાગપાંચમની સવારે પોતે કેટલી ઉત્સાહભેર, આસ્થાભેર મા સાથે મંદિરે ગઈ હતી... તળાવે નાહી-પરવારીને પૂજામાં બેઠા સુધી બધું બરાબર હતું. ત્યાં ફુલવાએ દેખા દીધી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


આ શું થઈ ગયું!

નિરાલી અવાક છે. માના સર્પદંશને ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં ઘરમાં બોઝિલપણું યથાવત્ છે.

નાગપાંચમની સવારે પોતે કેટલી ઉત્સાહભેર, આસ્થાભેર મા સાથે મંદિરે ગઈ હતી... તળાવે નાહી-પરવારીને પૂજામાં બેઠા સુધી બધું બરાબર હતું. ત્યાં ફુલવાએ દેખા દીધી.

દર બીજા દહાડે ધોવા-ઈસ્ત્રીનાં કપડાં લેવા-મૂકવા ઘરે આવતી ફુલવા ગમતીલી હતી. ક્યારેક તેનો દીકરોય જોડે હોય. કેવો મીઠડો. મા ઊંચનીચમાં માનતાં નથી એટલે પણ ફુલવાને મંદિરમાં પૂજા ન કરવા દેવાનું વલણ જડ લાગ્યું. જીવનમાં પહેલી વાર આવા ભેદની સાક્ષી બન્યા પછી ચૂપ બેસવામાં ભણેલું-ગણેલું મન કેમ માને? પોતે અવાજ ઉઠાવ્યો, પણ પછી ચિત્ર એવું પલટાતું ગયું કે ફુલવા બાજુએ રહી ને હું અને મા સામસામા થઈ ગયાં! આમાં ચાવીરૂપ ભૂમિકા શકુ શેઠાણીની હતી. તે બાઈ શા માટે મારી પાછળ પડી છે? લગ્નના બીજા દહાડે મને નાગણ કહેનારી શેઠાણીની તીખી હસતી નજર હું ભૂલી નથી... ના, આશ્રયે માનેલું એમ પોતાના કુંવરને કોઈ કન્યા ન દે એટલે ગામની વહુઓની ટીકા કરવાનું એ વલણ નથી. તેને વિશેષપણે મારા પ્રત્યે દ્વેષ હોય એવું હવે લાગી રહ્યું છે!

ફુલવા માટે અવાજ ઉઠાવવાનું માને દુ:ખ ન હોય, પણ જે રીતે બન્યું એ ચોક્કસ માને ગમ્યું નહીં. એક તબક્કે માએ મારી પૂજાની થાળી ફગાવી. ડઘાઈ જવાયેલું. માનું આવું રૌદ્ર રૂપ! જરૂર હું ક્યાંક ચૂકી. જેના માટે ઝઘડો વહોર્યો તે ફુલવા પૂજાનો આગ્રહ પડતો મૂકીને જતી રહી. માએ ઉખડેલા મને પૂજા પતાવી. અમે ઘરે આવ્યા ત્યાં સુધી એક અક્ષર બોલ્યાં નહોતાં મા મારી જોડે!

જમ્યા પછી ધ્યાન આવ્યું કે સર્પ લઈને આવતો મદારી બે-ચાર વાર હાક મારીને નીકળી ગયો... સાપને દૂધ ધરવા જેટલી સ્વસ્થતા જ ક્યાં હતી? હું તહેવારના રીતરિવાજ શીખવા આવી હતી ને કંઈક જુંદુ જ થઈ રહ્યું છે! પૂજા હું કરી ન શકી, પણ સાપને દૂધ ધરવાની પ્રથા તો પાાળું.

‘મા, આપણે ત્યાંથી મદારી એમ જ નીકળી ગયો. રસ્તે ક્યાંક મળે તો દૂધ ધરી આવું.’

પોતે કહ્યું તોય પરવારીને આડાં પડેલાં મા કશું બોલ્યાં નહીં. ગામમાં મદારી નજરે ન ચડતાં તેની વસ્તી સુધી જવું પડ્યું. થોડા કલાક પછી એ ઘટનાનાં કાર્યકારણ જ કેવાં બદલાઈ ગયાં!

એક તો ત્રસ્ત મન અને ભરબપોરે ચાલવાના શ્રમે પોતે મદારીને દૂધ ધરીને આવ્યા બાદ મેડીની રૂમમાં પડી એવી ઊંઘી ગઈ. દરમ્યાન મા વાડામાં સૂકવેલાં કપડાં લેવા ગયાં એમાં સાપે દંશ દીધો.

‘ઓ મા! સા...પ!’

માની ચીસોએ હું જાગી, દોડી. મહોલ્લો ભેગો થઈ ગયો. ફટાફટ તેમને નડિયાદની મોટી હૉસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લીધો. આશ્રયને જાણ કરી... સર્પ બિનઝેરી હોવાની રાહત જોકે ગામમાં વહેતી થયેલી વાતે છીનવી લીધી અને બીજા ગમે એ બોલે, મા બોલ્યાં એ કેવું!

‘મા, હું તમારા પર સાપ છોડાવું એટલી નિમ્ન નથી એની ખાતરી કેમ કરાવું?’

‘તેં નિરાલીને આટલી જ જાણી મા?’ આશ્રય કેવા કાળઝાળ થયેલા, ‘તારી વહુ પર તને આટલો જ વિશ્વાસ?’

‘તું વહુ પરના વિશ્વાસનું કહે છે આશ્રય, પણ આજે મંદિરમાં જે થયું...’

‘મેં બધું જાણ્યું મા. અરે, તને તો ગર્વ થવો જોઈએ નિરાલી પર. તેણે ઊંચનીચના ભેદ સામે અવાજ ઉઠાવ્યો. એમાં સાથ દેવાને બદલે તું ગામની પંગતમાં બેસી ગઈ?’ આશ્રય હાંફી ગયેલા, ‘નિરાલીએ સર્પદંશનું કહ્યું, એ સપેરાને દૂધ દેવા ગઈ અને તને નાગ ડંખ્યો એ કેવળ જોગાનુજોગ જ હોય મા એ તને નથી પરખાતું! નિરાલી તારા હિસ્સાનો ડંખ લે મા, તને ડંખાવે નહીં.’

‘હં. આજે મને શકુની પારખુ નજરનું માન થાય છે. તને તે બરાબર પારખી ગયેલી... વહુઘેલો!’

‘મા... તું પણ!’ આશ્રયના રોષમાંથી દર્દ ફાટ્યું. માના લાડલા આશ્રય માટે જનેતાનું આ રૂપ અસહ્ય બની રહેવાનું... પણ એમ તો દીકરા સાથે આમ વર્તનારી મા પર પણ શું નહીં વીત્યું હોય!

- આમ કહીને આશ્રયને મેં મનાવ્યા, તેમણે માની માફીયે માગી; પણ એથી અકળામણ, અક્કડતાનું આવરણ તૂ્ટ્યુ નહીં. આશ્રયે નોકરીમાં અઠવાડિયાની રજા મૂકી છે. fવશુરજી બિચારા માને સમજાવે છે - નિરાલી આવું ન કરે એટલી ખાતરી તો તને હોવી ઘટે. રીસ બે-ચાર દહાડા સારી લાગે માયા, ઘરના સૂનકારાને દૂર કરવાની પહેલ વડીલ તરીકે આપણે કરવાની હોય...

‘તમેય વહુની પાટલીમાં બેસી ગયા? ત્યારે તો હું જ ભૂંડી!’ માનો ઘા વળી દૂઝતો થઈ જાય છે. વિશ્વાસનું શ્વાસ જેવું છે, ક્યારે છૂટે કહેવાય નહીં! સવાલ છે કે આ બધું ક્યાં સુધી ચાલશે? અમારું ઘર ક્યારે પૂર્વવત્ થશે? અથવા ક્યારેય થશે ખરું?

વિચારીને અત્યારે પણ નિરાલીની આંખો વરસી પડી!

- દૂરથી તેને જોતાં માયાબહેન નિશ્વાસ જ નાખી શક્યાં. સર્પદંશના પ્રાથમિક પ્રત્યાઘાતમાં હું વહુ પ્રત્યે આશંકા દર્શાવી બેઠી એ ઉતાવળિયું હતું, અધકચરું હતું એ મનેય અનુભવાયું. એ બાબતમાં વહુની માફી માગવામાં પણ મને નાનમ ન હોત, પણ વાત શું એટલી જ હતી?

મંદિરમાં બધાની વચ્ચે મારી આજ્ઞાનું નિરાલીએ શું માન રાખ્યું? તેના દોષ બાબત કોઈએ કંઈ કહેવું ન હોય તો શું હું જ ખોટી? આશ્રય કે નવનીત વહુનો કંઈ જ વાંક ન હોય એમ તેને છાવરે એ કેવું? બધા મને જ કેમ સમજાવે છે! સર્પદંશ નેપથ્યમાં જતો રહ્યો છે, જેમની પાછળ મેં જીવન વહાવ્યું એ બેઉ પુરુષો પહેલાં વહુના થયાનો ખટકો પજવી રહ્યો છે, શૂળની જેમ ચૂભે છે. એનો કોઈ ઇલાજ હશે ખરો!

€ € €

‘આવી નફ્ફટ વહુ મેં નથી જોઈ.’

આજે નોળીનોમના દિવસે દર્શન કરવા હવેલીએ પહોંચેલી નિરાલીને ભાળીને શકુ શેઠાણી ટટ્ટાર થઈ ગયાં. પોતે રચેલી માયાજાળે સાસુ-વહુમાં પડેલી અંટસ હવે તો ગામમાં દેખીતી હતી. બેઉ દર્શને પણ સાથે નથી આવતી. ખરેખર નિરાલી તો એ દહાડાની આજે જ મંદિરે દેખાઈ. છઠ-સાતમની પૂજામાં એકલી આવેલી માયાને પોતે કહેવાનું નહોતાં ચૂક્યાં : કેમ, વહુને રીત-રિવાજ શીખવવાના અભરખાનું શું થયું?

માયા જોકે આ વિષયમાં બોલવાનું ટાળતી, પણ વહુનો બચાવ નથી કરતી એ ઇશારો કાફી હતો ઘરની પરિસ્થિતિ સમજવા માટે. એમાં નિરાલીએ ઘણા વખતે ઘરની બહાર નીકળવાની હામ કરી છે તો તક શા માટે ચૂકવી? જેવી તે દર્શન કરીને મંદિરની બહાર નીકળી કે ઓટલે બેઠેલાં શકુ શેઠાણી શરૂ થઈ ગયાં, ‘સાસુને ગાંઠે નહીં, મદારીને મળીને સાસુ પર જ સાપ છોડાવે. ગામમાં આવી નપાવટ વહુ તો પહેલી જોઈ!’

નિરાલી સહેમી ઊઠી. શકુ શેઠાણી માનેય આવું સંભળાવતાં હશે એનો ખ્યાલ હવે આવ્યો. પછી માનો ઘા કેમ રૂઝે! તેમને મારા પ્રત્યે શાનું વેર છે સમજાતું નથી, પણ હવે બહુ થયું.

‘મારી નફટાઈ તમે હજી પૂરી જોઈ ક્યાં છે શેઠાણી? સાસુ પર તો મેં સાપ છોડાવ્યો નથી, પણ તમારા પર છોડાવવાની ઇચ્છા થાય છે ખરી.’

બધાની વચ્ચે આવું કહીને તેણે સૌને ડઘાવી દીધા. બે ઘડી તો શકુ શેઠાણીયે ઘીસ ખાઈ ગયાં.

‘જોકે ડરું છું કે તમારામાં એટલું ઝેર ભર્યું છે કે બિચારો સાપ જ ક્યાંક મરી ન જાય.’

હેં. શકુ શેઠાણી ખળભળી ઊઠયા. ગામલોકો વચ્ચે મને આમ કહેવાની નિરાલીની મજાલ!

વળતામાં પોતે કંઈ કહે એ પહેલાં તો નિરાલી મંદિરનું પ્રાંગણ વટાવીને બહાર નીકળી ગયેલી. છટપટતાં શકુબહેને ગાંઠ વાળી : આટઆટલું કરવા છતાંય નિરાલીની હિંમત તો જુઓ. અહં, માયાની વહુનું હવે તો ખરેખર કંઈ કરવું પડશે!

€ € €

શકુ શેઠાણીને આકરાં વેણ કહ્યા પછી નિરાલીને સુકૂન અનુભવાતું હતું. વીત્યા દિવસોની ગૂંગળામણને જાણે સ્પેસ મળી ગઈ. હવેલીએથી તેના પગ આપોઆપ શિવમંદિર તરફ વળ્યા.

‘બચાવો...’ એકાએક કોઈની ચીસે નિરાલીને ઝબકાવી. રઘવાટભરી ફુલવા આમતેમ ભાગતી દેખાઈ.

‘મારો બંસી... મારો લાલ તળાવમાં પડી ગયો. કોઈ તો તેને બચાવો!’

હાય રામ. બીજા તેને આશ્વસ્ત કરવા રોકાયા, જ્યારે નિરાલીએ દોટ મૂકીને તળાવમાં ઝંપલાવ્યું!

€ € €

‘કંઈ જાણ્યું? માયાની વહુએ ફુલવા ધોબણના બંસીને ડૂબતો ઉગાર્યો‍!’

કલાક પછી ગામમાં આની જ ચર્ચા ચાલી. અચ્છી સ્વિમર એવી નિરાલીએ અજાણ્યા પાણીમાં ઝંપલાવતાં ડર ન અનુભવ્યો. પરરક્ષા કાજે કૂદી એ ગુણે વીત્યા દિવસોની વાર્તા પર જાણે પોતું ફેરવી દીધું. ગમે એ કહો, છોકરી હિંમતવાન તો ખરી. નહીંતર પારકાને ખાતર કોણ પોતાનો જીવ જોખમમાં નાખે? ગામના જુવાનિયા કોરાણે ઊભા રહ્યા ને વહુએ પડકાર ઝીલી બતાવ્યો. આટલી દિલેરી ધરાવતી વહુ પોતાની સાસુ પર સાપ છોડાવે એ હવે મનાતું નથી. એ કેવળ જોગાનુજોગ જ હતો. બાકી નિરાલી નિર્દોષ છે!

ખરેખર તો નિરાલી ઘરે પહોંચે એ પહેલાં બનાવની વિગત પહોંચી ચૂકેલી.

‘કહેવું પડે વહુનું...’ નવનીતભાઈ.

‘નિરાલી છે જ બહાદુર...’ આશ્રય.

વહુની કરણીએ માયાબહેનમાં હરખ તો પુરાવ્યો, પણ પોતે રીસે બેઠાં છે એ વિસરાયું નહીં.

‘બહાદુર તો ખરી જ.’ તેમનાથી બોલી જવાયું. ‘અને બાહોશ પણ...’

તેમના શબ્દોમાં ડોકાતો વ્યંગ પિતા-પુત્રને પજવી ગયો, આંગણામાં પગ મૂકતી નિરાલીનો ઉમંગ શોષાઈ ગયો.

‘તમે જાણ્યુંને! બંસી બચી ગયો. આમ તો ભાનમાં પણ આવી ગયેલો, પરંતુ મેં ફુલવાને કહ્યું કે શહેરના ડૉક્ટરને એક વાર બતાવી દે... અંશ નડિયાદ જતો હતો તેની ગાડીમાં તેમનું જવાનું ગોઠવી આપ્યું.’

(માને મા૨વાનું નક્કી કર્યા ૫છી અંશ ગામમાં બહુ રહેતો નહીં. માશૂકાની એ ખબ૨દારી હતી - માની કં૫નીમાં છેલ્લી ઘડીએ અંશની મમતા જાગવી ન જોઈએ! માની મહિલામંડળ સાથેની વાતચીત પરથી અંશને ગામના અપડેટ્સ મળતા રહેતા. માને નિરાલી-માયાઆન્ટીમાં અંટસ ઊભી કરવા શું મજા આવતી હશે રામ જાણે! પણ એમાંથી નિરાલીના ગુણોનો અંદાજ પામી જવાતો. અંશ આશ્રયથી દૂર રહેતો એમ નિરાલીથી પણ અંતર રાખતો. આદર્શવાદીઓથી દૂર સારા.

એ તો આજે નડિયાદ જવાના ટાણે પાદર આગળ ટોળું જોયું. એમાં નિરાલીએ જ ઇશારાથી ગાડી થંભાવી, બનાવ કહીને લિફ્ટ માગી. નિરાલી સમક્ષ ઇનકારની જીભ પણ કેમ ઊપડે? સવાર-સવારમાં પીધેલો દારૂ ગંધાઈ ન ઊઠે! તેણે હકારમાં ડોક ધુણાવતાં ફુલવા ને તેનો વર

બંસીને લઈને પાછલી સીટ પર ગોઠવાઈ ગયેલાં - ઈશ્વર તમારું ભલું કરે બહેન!)

નિરાલીનો વૃત્તાંત્ત સાંભળીને માયાબહેનની જીભ સળવળી, ‘મદદ માગવા તને વંઠેલ જ મળ્યો? હવે તારું કારવ્યું ધોવાઈ જવાનું ને શકુ દીકરાની પહેલની વાહ-વાહ મચાવી દેવાની.’

નિરાલી દોડી ગઈ, ‘મતલબ... તમને મારું દાઝ્યું મા! તમે મને માફ કરી?’

એવાં જ માયાબહેન સંકોરાઈ ગયાં, ‘મને ભરમાવ નહીં નિરાલી. વર તારો, શ્વશુર તારા; તને માફ કરનારી હું વળી કોણ?’

કહીને તે અંદર જતાં રહ્યાં. નિરાલી હળવેથી બેસી પડી. માનો ખટકો આજે કંઈક પરખાયો!

€ € €

‘વેવાણને સાપ ડંખ્યાનું સાંભળ્યુ ત્યારથી જીવ ઊંચકાયો હતો. આજે ડ્રાઇવર લઈને નીકળી જ આવ્યા.’

બપોરે ત્રણેક વાગ્યે મુંબઈથી નિરાલીનાં મા-બાપ આવી ચડ્યાં. બહુ ઉત્સાહભેર માયાબહેને વેવાઈ-વેવાણને આવકાર્યા, રોકાઈ જવાનો આગ્રહ કર્યો‍. સાસુ-વહુ વચ્ચે જરાય અંતરાય વર્તાવા ન દીધો.

‘આ મારાં સાચાં મા...’ નિરાલી આશ્રયના કાનમાં ગણગણેલી.

સૂર્યકાંતાબહેને રાત્રે દીકરી સાથે એકાંત મેળવીને રાજીપો દાખવ્યો, ‘માયાબહેનની ઓથમાં તું સુખી છે નિરાલી, બીજું શું જોઈએ?’ કહીને હળવું મલક્યાં, ‘બાકી તારાં અંજળ આ જ ગામમાં લખાયાં હશે. આશ્રય અગાઉ અહીંના જ એક છોકરાનું માગું આવેલું - હા, અંશ તેનું નામ.’

હેં! નિરાલી ચમકી.

‘તને એની જાણ નથી. મને યોગ્ય લાગે પછી જ હું તને પાત્ર દેખાડતી. અંશનો રિપોર્ટ બહુ સારો નહોતો એટલે મેં જ ઇનકાર ફરમાવી દીધેલો.’ સૂર્યાકાંતાબહેન સાંભરી રહ્યાં. ‘તેની મા ગામની શેઠાણી જેવી છે શું? તેમની બહુ ઇચ્છા તને વહુ બનાવવાની - તમારી દીકરી વિશે ઘણું સાંભળ્યુ છે, તે મારા અંશને જાળવી જાણશે...મેંય કહી દીધું કે મારી દીકરીને મેં વંઠેલ જુવાનને સુધારવા નથી કેળવી. તમારા છોકરાએ શહેરમાં બાઈ રાખ્યાનુંય મને કો’કે કહ્યું. તેની જોડે જ કેમ નથી પરણાવી દેતા તમારા નાલાયક પ્રિન્સને?’

અહા.

નિરાલીને ગડ બેઠી. મા પાસેથી આવું સાંભળીને શકુ શેઠાણી કેવાં સમસમી ગયાં હશે! પાછી હું આ જ ગામની વહુ બનતાં તેમનો ઇરાદો મને નાગણ, નગુણી ઠેરવવાનો કેમ હોય છે એ હવે પરખાયું! શકુ શેઠાણી તેમની દાઝ ઠાલવી રહ્યાં છે, વેર વાળી રહ્યાં છે.

તો-તો પછી નાગપંચમીની પૂજામાં જે બન્યું એમાં પણ તેમનો હાથ કેમ ન હોય! બાદમાં સર્પનું ડંખવું પણ જોગાનુજોગ હોવાને બદલે તેમની જ રમત હોય એ સાવ સંભવ છે! નિરાલી હાંફી ગઈ. આની ખરાઈ એક વ્યક્તિ અવશ્ય કરી શકે!

€ € €

‘આશ્રય, જરા ચાલો તો...’

ઉપરની રૂમમાં મા-બાપને મૂકી, વહુ રાત્રે સાડાનવના સુમારે દીકરાને લઈને ક્યાં ચાલી?

કંઈક વિચારીને માયાબહેન પણ તેમનું પગેરું દબાવતાં ચાલ્યાં. આ વેરણ રાતમાં આગળ શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK