કથા-સપ્તાહ - સુખ-દુ:ખ (ઝિંદગી કી ના ટૂટે લડી - 5)

નહીં! ઝાટકાભેર સોનલ બેઠી થઈ ગઈ. તેનો શ્વાસ હાંફતો હતો, શરીર પસીને રેબઝેબ હતું.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


લાઇટ પાડીને આકાર પણ બેઠો થયો. ચિંતા જાગી - પાછું આજે કોઈ બિહામણું શમણું જોયું, સોનલ?

આકારની ચિંતા સ્વાભાવિક હતી. આજકાલ ક૨તાં પખવાડિયાથી સોનલ આમ ઊંઘમાંથી ઝબકી જાય છે, દિવસેય ક્યારેક એવી ગુપચુપ ગુમસુમ બની જાય છે. 

શનિ-રવિ તેણે ગામ આવવાનું પણ ટાળેલું - પપ્પાને મળવાની ખૂબ ઇચ્છા છે, પણ મારી તબિયત બરાબર નથી એટલે તો પોતે પણ બે દહાડા વહેલો મુંબઈ આવી ગયો. આમ તો બધું નૉર્મલ જણાયું, પણ રાતે તે ઝબકીને જાગી ગઈ ત્યારે થયું કંઈક તો બન્યું છે મારી ગેરહાજરીમાં. નિકામને પૂછી જોયું, પણ કોઈ ક્લુ ન મળી. અરે, સોનલને પૂછું છું પણ તે કશું કહેતી નથી. માત્ર મને વળગી રહે, જાણે મને ક્યાંક જવા દેવો ન હોય!

અત્યારે પણ સોનલ કંઈ બોલી નહીં, કેવળ આકુનો હાથ થાને ચાંપીને બેસી રહી!

€ € €

‘આતિથ્ય મર્ડરકેસ અપડેટ - પોલીસને ઘટનાસ્થળેથી ચાંદીની પાયલ મળ્યાનો ઘટસ્ફોટ!’

એ જ સાંજે, ટીવી પર ઝબકેલા ન્યુઝે સોનલને પૂતળા જેવી કરી દીધી.

‘અરે સોનલ, તારા જમણા પગની પાયલ ક્યાં?’ ગામથી આવ્યાની પહેલી જ રાતે આકુનું ધ્યાન ગયેલું, મને તો ત્યારે ભનક થઈ કે તો તો જરૂર પાયલ, આતિથ્યની વિલામાં પગની પાનીએ ઊંચી થઈ બારીમાંથી અંદરનું દૃશ્ય જોતી હતી એ દરમ્યાન નીકળી ગઈ હોવી જોઈએ. તેનો પૅચ જરા ઢીલો જ હતો.

‘હાય રામ, બજારમાં ક્યાંક પડી ગઈ કે શું!’ અચરજ જતાવી આકુને ત્યારે તો પોતે ભોળવી લીધો, એમાં હવે આ ખબર.

ના, પાયલ બહુ સામાન્ય છે, બજારમાં ઢગલાબંધ વેચાય એટલી કૉમન છે. એને મારી સાથે સાંકળવાનું તો પોલીસને નહીં જ બને, પણ પોલીસ હજી અશ્વમેધ સુધી કેમ નથી પહોંચી?

વાઝનો ફટકો ખાધા પછી ફસડાઈ પડેલા આતિથ્યની કીકી મને જકડીને સ્થિર થઈ કે દિમાગને ઝાટકો લાગ્યો. આતિથ્યનું ખૂન થયું અને કાતિલ હજી અંદર છે એ અણસારે ત્યાંથી ભાગ્યા સિવાય કંઈ ન સૂઝ્યું. મુંબઈ આવી, નિકામને સ્કૂલથી પિકઅપ કરીને પોતે નૉર્મલ લાઇફમાં પરોવાઈ ગઈ; દિવસ તો નીકળી ગયો પણ રાતે માંડ ઊંઘ આવી અને ભૂતાવળની જેમ એ બે આંખો ધસી આવી.

અંતિમ ઘડીએ મારી સાથે ટકરાયેલી આતિથ્યની આંખો. એમાં મને ભાળ્યાનું અચરજ હતું, એમાં મારી ઓળખ હતી, મને થતી આજીજી હતી, મારા હત્યારાને છોડીશ નહીં, સોનલ!

હંઅઅઅ. આવું જતાવનાર આતિથ્યએ મને છોડી હોત? ખરેખર તો શૈયાસાથીની ખાનગી વાતો જાહેર કરવાની આતિથ્યની નિયત જ ખોટી, આખરે આવું કરી શું પુરવાર કરવા માગતો હતો તે? શું જોઈતું હતું તેને? પૈસા? પ્રસિદ્ધિ? બદનિયતનો અંજામ બૂરો જ હોય. આવી વ્યક્તિ ન્યાયની અપેક્ષા કેમ રાખી શકે, આજીજી કેમ કરી શકે?

બુદ્ધિની તર્કશુદ્ધ દલીલો સામે હૃદયનું એક જ રટણ રહેતું - મરેલા માણસની આખરી વિનંતી ટાળવી ન જોઈએ.

જાતને નિચોવી નાખતો દ્વંદ્વ હતો. આનો ઉપાય શું?

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ટોચના બે કલાકારો વિના સ્ટાફ કે સિક્યૉરિટી વિના આમ મળે, તેમની ચર્ચા બારીમાંથી જોઈ-સાંભળી પણ શકાય એ મનાય નહીં છતાં હકીકત હતી. આતિથ્યને ન્યાય અપાવવો હોય તો ચશ્મદીદ ગવાહ તરીકે પોલીસમાં હાજર થઈ મારે ઘટનાનું બયાન આપી દેવું જોઈએ. બાકીનું પછી પોલીસ જાણે.

€ € €

-આટલું થતાં આતિથ્યનો આત્મા ટાઢો થાય, પણ પછી મારો સંસાર સળગી ઊઠે કે બીજું કંઈ! અરે, પોલીસમાં જતાં પહેલાં મારે આકુને કન્વીન્સ કરવા પડે, સત્ય તેમની સમક્ષ ઉઘાડવું પડે અને એનો અર્થ...

અધૂરી કલ્પનાએ જ થથરી જવાતું. તે આકુને જકડી રાખતી. આજકાલ કરતાં પંદર દિવસથી આવી હાલત છે એમાં હવે આજનો ફણગો.

‘આતિથ્યનું મર્ડર ગજબનું થઈ ગયું.’ આકારના વાક્યે સોનલ ઝબકી, વર્તમાનમાં આવી.

‘માથામાં વાઝ વીંઝી કોઈએ ભરદહાડે બિચારાનું ઢીમ ઢાળી દીધું. રાબેતા મુજબ ડિલિવરી-બૉય ફૂડ-પાર્સલ લઈને બપોરે પહોંચ્યો, મુખ્ય દરવાજો અટકાવેલો હતો. અંદર જઈને જોય છે તો સિનેસ્ટારનું ખૂન થઈ ચૂક્યું છે! તેના કૉલે પોલીસ આવી, એટલું જણાયું કે આતિથ્યનું લૅપટૉપ ગાયબ છે અને હવે ઘટનાસ્થળથી પાયલ મળ્યાનો ફણગો.’ આકારે ખભા ઉલાળ્યા, ‘મને તો લાગે છે તેને બેડટાઇમ સ્ટોરી લખવાનું ભારે પડ્યું. જરૂર કોઈ સ્ત્રીએ પોતાનો ભાંડો ફોડતો રોકવા આતિથ્યને પતાવી દીધો.’

તેના શબ્દે-શબ્દે સોનલની ભીતર ઝંઝાવાત ફૂંકાતો હતો. આકુ સત્યની કેટલા નજીક? અને છતાં કેટલા દૂર!

‘બિચારો આતિથ્ય. ઉમદા કલાકારનું કેવું મોત.’

સોનલનાં જડબાં તંગ થયાં. આતિથ્ય બિ..ચા..રો?

‘જોકે મુંબઈની પોલીસ બાહોશ છે. ગુનેગારને પાતાળમાંથી શોધી કાઢશે.’

અને સોનલના હોઠ વંકાયા, ભીતર ઉલેચાતું રોકવા તે અસમર્થ હતી, ‘પોલીસ એટલી જ બાહોશ હોત આકુ તો અશ્વમેધ અત્યારે હિરાસતમાં હોત અને એ પાયલ મારી છે એ જાણી ગઈ હોત.’

હેં! ટીવી બંધ કરી આકુ પત્નીને તાકી રહ્યો.

‘મારી પાસે બેસો, આકુ, સત્ય કહેવાની મને હિંમત આપો.’ પતિને વળગી સોનલ આંખો મીંચી ગઈ, ‘અને સત્ય સાંભળવાની છાતી તમે રાખજો.’ તે કહેતી ગઈ. આકાર અવાક્પણે સાંભળી રહ્યો.

€ € €

‘...અને હું લોનાવલાથી પાછી ફરી’ એકશ્વાસે સોનલે કથા પતાવી.

આકાર સ્તબ્ધ હતો. અત્યારે આતિથ્યની હત્યા, અશ્વમેધની એબ ગૌણ હતું. મહત્વની બીના હતી આતિથ્યનો સોનલ સાથેનો શરીરસંબંધ! જે કોરાં તન-મન મારાં થયાંનો મને ઘમંડ હતો એ ખરેખર તો ક્ષયયુક્ત હતાં. તન કોઈ પારકા દ્વારા બોટાયું હતું અને મનમાં છાનું રાખવાનું પાપ બેઠું હતું!

તેની પકડ છૂટી. નિ:શ્વાસ નાખતી સોનલ અળગી થઈ.

‘મને આની જ ભીતિ હતી,

આકુ-આકાર. જાણું છું, મારા બયાનનું કોઈ સબૂત નથી, સાક્ષી દઈ શકનારો મરી ચૂક્યો છે એટલે જે બન્યું એ મારા કહ્યા મુજબ જ બન્યું એ પુરવાર કરવું અશક્ય છે - પણ એક વસ્તુ હું પુરવાર કરી શકું એમ છું.’

એનો રણકો ઊપસ્યો. આકારે ભાવહીન નજર ટેકવી - શું?

‘તમને સત્ય નહીં કહેવાનું કારણ!’ સોનલ કહેતી રહી, ‘આપણો પ્રથમ મેળાપ યાદ છે આકાર? પપ્પા-મમ્મીજી સાથે તમે મારા ઘરે આવેલા. તમને જોતાં જ હું હૈયું હારી હતી, આકાર. વાતોમાં તમારું જે રૂપ ઊઘડ્યું એને હું પળપળ ઝંખી રહી. આ જ એ મુરત જેનો મને ઇંતજાર હતો. તમારો ઇનકાર થયો હોત તો મેં પાગલની જેમ પાછળ પડી તમને મનાવ્યા હોત. મેળવ્યા પછી તમને ખોવાની મારી તૈયારી નહોતી, ભલે એ માટે સત્ય છુપાવવાનું પાપ વહોરવું પડે. આ પ્રણય નથી? આનો જવાબ તમારા અંતરને પૂછો, આકુ એ જ મારો પુરાવો છે.’

મારા જ અંતરને પોતાના પુરાવા તરીકે રજૂ કરતી પત્ની માટે કયો ભાવ જાગે? આકાર આંખો મીંચી ગયો. ખૂલી ત્યારે દ્વિધા નહોતી,

‘હું હૈયું તમને હારી, આકાર, મારી મરજીથી મારું તન મેં પ્રથમ વાર તમને સોંપ્યું. મારા મનમાં કોઈ અપરાધભાવ નહોતો.’ સોનલનું તેજ ઝળક્યું, ‘એક પલડામાં મારી એક રાત્રિનું બયાન છે, બીજામાં મેં વિતાવેલાં ૧૦ વર્ષ છે. મારા ચારિhયનો તોલ તમારે કરવાનો છે.’

આકાર હજીય અવાક્ હતો. સોનલનો આતિથ્ય માટેનો અણગમો હવે સમજાય છે. તેના જ ન્યાય માટે તે ભળતી દ્વિધા અનુભવે એ પણ કેવી વિડંબના. સોનલ ચૂપ ૨હીં હોય તો તેના સુખની સલામતી ખાતર.

‘મારું સુખ તમે’ સોનલની આંખના ખૂણા ભીંજાયા, ‘મારી લોરી તમને જ હોય, આકુ એ હજી પણ કહેવું પડશે?’

તેણે આકુની છાતી પર મુક્કા વીંઝ્યા પછી દૂર થવા ગઈ એટલે આકારે હાથ પકડ્યો, ‘મને એક જ વાતનો જવાબ જોઈએ સોનલ.’

આકારના રણકાએ સોનલનું હૃદય કબૂતરની જેમ ફફડવા લાગ્યું. હામ એકઠી કરી.

‘આટલી એક વાત કહેતાં તને ૧૦ વર્ષ કેમ લાગ્યાં?’

મતલબ.. આકારની નજરો મેળવતી સોનલ ખુશીની ચિચિયારી મારીને તેને વળગી, ચૂમીઓથી ભીંજવતી રહી.

‘અરે અરે, હમણાં બાજુમાં રમવા ગયેલો નિકામ આવી ચડશે.’

પણ સાંભળે એ બીજા! આજે સુખના ચંદ્રને ઢાંકવા કોઈ વાદળની જરૂર નહોતી, તેની પૂર્ણકલાને મન ભરીને માણવાની જ હોયને!

€ € €

‘જી સર-’ આકુને નિહાળી લઈ સોનલે ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘ટીવી-ચૅનલ દ્વારા મેં જાણ્યું કે આતિથ્યજી લોનાવલા રોકાયા છે. મારા પતિ તેમના ભારે પ્રશંસક. સો આઇ થોટ કે શા માટે સરને રૂબરૂ મળી, ઑટોગ્રાફ-ફોટોગ્રાફ ન લેવા. અમારી મૅરેજ-ઍનિવર્સરી ઢૂંકડી છે એની સરપ્રાઇઝ ગિફ્્ટ તરીકે આટલું કરવા હું લોનાવલા પહોંચી હતી.’

કેસના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરને કન્વીન્સ થતા ભાળી સોનલની હામ વધી, બે કાર જોયાનું કહી તેણે કડી સાંધી, ‘અંદરથી ઊંચા અવાજ આવતા ભાળી દરવાજો ઠોકવાને બદલે હું બારી તરફ વળી. ત્યાં કદાચ મારી પાયલ પડી ગઈ.’

પા...ય...લ... ઇન્સ્પેક્ટરે ડ્રૉઅર ખોલી પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલો પુરાવો દેખાડ્યો, ‘આ પાયલ તમારી છે?’

આકાર-સોનલ સહેજ ઝંખવાયાં, ‘નહીં. આ તો સાદી પાયલ છે. મારી તો ઘૂંઘરુવાળી હતી. ત્યા૨ે તો મારી પાયલ બીજે ક્યાંક પડી ગઈ...’

જુવાન ઇન્સ્પેક્ટરે ડોક ધુણાવી,

‘ધેર યુ આર. આ પાયલ અમને ઘટનાસ્થળેથી - મતલબ હૉલમાંથી મળી, જ્યારે તમે તો બહાર હોવાનું કહ્યું.’

‘હેં. તો તો એ અશ્વમેધની જ હોય સાહેબ!’

સોનલના ધડાકા પછીના ખુલાસાએ ઇન્સ્પેક્ટર જાધવને ટટ્ટાર કરી મૂક્યા. અટપટો ગણાતો ખૂનકેસ ઉકેલવાના અણસાર ઢૂંકડા જણાયા.

‘અલબત્ત, અશ્વમેધ જેવી સેલિબ્રિટીને ટેકલ કરવી સરળ નથી, પણ તપાસમાં બીજી એક કડી મળી છે, તમને કદાચ રસ પડે. આતિથ્યના ડૉક્ટરે જણાવ્યા અનુસાર તેને એઇડ્સ હતો.’

ઓ...હ. હવે આતિથ્યના સંદર્ભ સ્વયંસ્પષ્ટ બન્યા. પોતાના પર મોત આવ્યું તો આતિથ્યએ બાકીના શૈયાસાથીઓને બદનામ કરી જવાનું કાવતરું ઘડ્યું, જેમાં છેવટે તો તેણે જે પ્રાણ ગુમાવ્યા!

€ € €

પાયલ. અશ્વમેધના કપાળે કરચલી ઊપસી. આતિથ્યના મર્ડરને પખવાડિયું થતા સુધીમાં પોલીસ કાતિલ સુધી પહોંચી ન શકી એની રાહત હતી - ભલે આતિથ્યની કતલ અનપ્લાનડ હતી, પોતે નિશાન તો બરાબર મિટાવ્યાં.

પણ કમ્બખ્ત પાયલ. જરૂર રાતના તોફાન-મસ્તીમાં પગમાંથી નીકળી ગઈ હશે. પોતાનેય છોકરીના વેશ કાઢવાના ઓછા શોખ છે. સ્ટાર તરીકે સ્ત્રીઓની પ્રાપ્તિની છૂટ હતી, પુરુષ મેળવવો અઘરો થતો. આતિથ્યને પણ કેટલી વાર નાણ્યા પછી પલોટેલો.

મારી એ એબ જાહેર થઈ તો તો હું ક્યાંયનો ન રહું, એટલે તો આત્મકથા આલેખવાની રઢે ચડેલા આતિથ્યને પતાવવો પડ્યો... ખેર હવે પાયલ ઝડપનારી પોલીસ કાલે કોઈ બીજી ધાડ ન પાડે એ માટે શું થઈ શકે?

જવાબનો ઝબકારો થયો.

€ € €

‘થૅન્ક્સ’ દાઢીધારી શખ્સે વૉલેટમાંથી રૂપિયા કાઢી જ્વેલ શોરૂમના દુકાનદારને જેવી ધરી કે તેમણે આપેલી પાયલ લીધી ત્યારે એ હાથ જાણે ક્યાંકથી પ્રગટેલા ઇન્સ્પેક્ટરે પકડી લીધેા, બીજા હાથે તેનાં બનાવટી દાઢી-મૂછ ઊતર્યા. છતા થતા અશ્વમેધને ભાળીને દુકાનદાર ડઘાયો, શોરૂમમાં જાણે કરન્ટ ફરી વળ્યો. એની પરવાહ વિના ફરજનિષ્ઠ ઇન્સ્પેક્ટર જાધવે હાથકડી પહેરાવી, ‘યુ આર અન્ડર અરેસ્ટ.’

અશ્વમેધને કાપો તો લોહી ન નીકળે. પોતે આમ જ, આ જ દુકાનેથી પાયલ ખરીદેલી. વિખૂટી પડેલી જોડીનું એવું જ નંગ લઈ રાખ્યું હોય તો પોલીસ ક્યારેય પાયલ મારી હોવાનું પુરવાર ન કરી શકે. પણ હાય રે, અહીં તો ઑલરેડી પોલીસ ચાંપતી નજર રાખી બેઠી હતી! હાઉ?

‘તમારી પાયલ પર શોરૂમનો માર્કો‍ છે, તમે એવી જ બીજી પાયલ લેવા શોરૂમમાં આવ્યા એટલે અમે ચેતવેલા દુકાનદારે થાણામાં રિંગ કરી દીધી.’

અશ્વમેધને તમ્મર આવી ગયાં, પણ હવે કંઈ જ થઈ શકવાનું નહીં! ઇટ્્સ ઑલ ઓવર!

€ € €

‘ધ અધરસાઇડ ઑફ ગ્લૅમર વર્લ્ડ’

છેવટે અશ્વમેધને ઘટતી સજા થતાં મીડિયા પોકારી ઊઠ્યું. આતિથ્યને એઇડ્સ, એશ્વમેધની એબ - કશું જ હવે ગોપનીય નહોતું. થૂ-થૂ થઈ રહ્યું. હા, સૌદામિની, નવનીત જેવાને ફરી કોઈ આતિથ્ય ન પાકે ત્યાં સુધીનું રાહતનું એક્સટેન્શન મળી ગયું... ‘પતિ માટે તેના ગમતા કલાકારનો ઑટોગ્રાફ લેવા ગયેલી’ પત્નીની ગવાહી ટર્નિંગ પૉઇન્ટ જેવી રહી. અશ્વમેધને આનો બિલકુલ અંદાજ નહોતો. ગવાહની ઓળખ જોકે નિયમ મુજબ ગુપ્ત રખાઈ છે...

‘આ બધાને તમારો પ્રતાપ આકુ, ઑટોગ્રાફનું સુઝાડી મને કલંકથી ઉગારી, સાક્ષી બનવાની હામ દઈ આતિથ્યની વિનવણીને હું ન્યાય દઈ શકી...’ સોનલ આકાર પર ઓળઘોળ થઈ.

દુ:ખનો તાપ ગમે એટલો આકરો બને, તેમની સુખછાયાને સ્પર્શી નથી શકવાનો એટલું વિશેષ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK