કથા-સપ્તાહ - સુખ-દુ:ખ (ઝિંદગી કી ના ટૂટે લડી - ૧)

તે હાંફી રહ્યો.


katha

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3

- સમીત (પૂર્વેશ) શ્રોફ

કિંગ-સાઇઝ બેડ પર ફૂલોના બગીચાની જેમ તે પથરાઈ હતી. નયનરમ્ય, મઘમઘતી. સમીરના સ્પર્શથી ડોલી પુષ્પ એની સુવાસ ભ્રમર સુધી પહોંચાડે એમ અંગડાઈ લઈ તે મને નિમંત્રી રહી છે!

આતિથ્ય કઢંગું હસ્યો. લાલચ શું નથી કરાવતી! પોતાના શરીરથી મને રીઝવવા મથતી છોકરી જાણે છે કે બદલામાં હું તેને ગ્લૅમર વર્લ્ડમાં નાનુંમોટું કામ અપાવી ઠેકાણે પાડી શકું એમ છું! સપનાને સાચા પાડવાનો આના જેવો શૉર્ટકટ બીજો કોઈ નથી.

‘હું નથી માનતી. સપનાને પામવાનો કોઈ શૉર્ટકટ નથી હોતો. ’

દૂરથી, કદાચ ભૂતકાળમાંથી, પડઘાતા અવાજે પળ પૂરતો આતિથ્યને સ્થિર કરી મૂક્યો.

સુરીલા રણકારવાળી એ છોકરી કોણ હતી? તેનું ઘાટીલું બદન નજર સામે તરવરે છે, પણ તેનું નામ કેમ યાદ નથી? પાંત્રીસની ઉંમર કંઈ એવી નથી કે મેમરી જવા માંડે!

‘બટ યુ રિક્વાયર કમ્પ્લીટ ચેકઅપ.’

હજી અઠવાડિયા અગાઉના ફૅમિલી ફિઝિશ્યન જેવા ડૉ. દેશમુખના શબ્દો સ્મરી ગયા,

‘તારી હેલ્થ-કમ્પ્લેઇન્સ વધી ગઈ છે હમણાંથી, આતિથ્ય. વારંવાર ઍન્ટિબાયોટિક, એનર્જી સપ્લીમેન્ટ્સ સારાં નહીં. ફુલ બૉડી ચેકઅપ હિતાવહ છે’ કહીને ટકોર કરેલી, ‘અનિયમિત અને નિરંકુશ લાઇફ-સ્ટાઇલ એનો કર વસૂલતી જ હોય છે, આતિથ્ય પછી સામે તારા જેવો સિનેસ્ટાર પણ કેમ ન હોય!’

સિનેસ્ટાર. અત્યારે પણ આ શબ્દોનો ખુમાર છવાયો. ઠીક છે. ડૉક્ટર તેના ફીલ્ડમાં એક્સપર્ટ છે, તેના કહ્યા મુજબના ટેસ્ટ્સ કરાવ્યા છે. રિપોર્ટ્સ આજકાલમાં આવી જશે, પણ અત્યારે તેને વાગોળી શરાબ-શબાબનો સ્વાદ શું બગાડવો! એના કરતાં સિનેસ્ટાર હોવાનો ગુરુર ન પંપાળું!

આતિથ્યે રૂમની દીવાલોએ જડેલા અરીસામાં નજર ટેકવી.

ના, છોકરીઓ એક નજરમાં ઘાયલ થઈ જાય એવો ચૉકલેટી તો પોતે કદી નહોતો. હૅન્ડસમ ખરો, વેલ બિલ્ટ પણ ખરો, પરંતુ ધર્મેન્દ્ર-અમિતાભ યા સલમાન-આમિર જેવો કરિશ્માઈ તો ન જ ગણાઉં...

‘મોટો થઈને મારે હીરો બનવું છે’ એમ કહેતો ત્યારે ગુજરાતના ગામડે લોકો હસતા... આતિથ્યને વાગોળવું ગમ્યું.

ફિલ્મોનો તેને શોખ. અશોકકુમારથી માંડીને અક્ષયકુમાર સુધીનાની આબેહૂબ નકલ કરી જાણે. લોકો એથી ચકિત થાય, મિત્રોની મહેફિલમાં તેની બેચાર આઇટમ તો હોય જ હોય, પણ પછી તો એવો જ સૂર નીકળે કે નકલ કરવાથી કલાકાર બનાતું હોત તો ભારતના દરેક ઘરે એક લતા મંગેશકર હોત!

‘અહીં તારો ઉદ્ધાર નહીં થાય.’ છેવટે બાપાએ જ સલાહ આપી, ‘મુંબઈ જા. કોઈ સારા થિયેટર-ગ્રુપમાં જોડાઈ તારી અભિનયશક્તિને નિખાર. પછી જો કેમનું જામે છે.’

પિતાનું માર્ગદર્શન કહો કે નિર્ણય આતિથ્ય માટે ટર્નિંગ-પૉઇન્ટ નીવડ્યાં. ના, મધ્યમવર્ગીય મા-બાપ બહુ ભણ્યાં નહોતાં. એકનો એક દીકરો સુધાકરભાઈ-દમયંતીબહેનનો લાડકો હતો. તેનું સુખ જ તેમની કામના હતી. આતિથ્યમાં તેમણે તણખો જોયો એવુંય નહીં, પણ ગ્રૅજ્યુએટ થઈ ઓટલા તોડતો દીકરો ઠોકર ખાઈને ઠેકાણે આવે કે પછી ખરે જ ઝઝૂમી મંઝિલ પામે એ બેવડા આશયે સુધાકરભાઈએ એકવીસના થયેલા અતિથ્યને મુંબઈની દિશા ચીંધી.

મુંબઈ તદ્દન અજાણ્યું શહેર. અનેક સમણાં સજાવી પોતે સેન્ટ્રલ સ્ટેશને ઊતર્યો. ખરેખર તો નાટકના ગ્રુપ સાથે જોડાવાનું સૂચન સોનેરી નીવડ્યું. ફિલ્મો માટે ટ્રાય કરવાની સાથે તે ડ્રામા-કંપનીનાં પણ ચક્કર કાપતો. ફોકસ મેઇનસ્ટ્રીમ સિનેમા હતું એટલે નાટક પણ હિન્દીનાં જ કરવાં હતાં. મુંબઈ આવ્યાના ત્રીજા મહિને તેને કૉમેડી નાટકમાં નાનકડી ભૂમિકા મળી, પછી તો નાનુંમોટું કામ મળતું રહ્યું. એના અનુભવે તે ઘડાતો ગયો. ધગશ તેને નિતનવું શીખવા પ્રેરતી. સ્ક્રિપ્ટની ડિમાન્ડ, પાત્રને આત્મસાત કરવાની સૂઝ, સંવાદની લઢણ... નાટક આતિથ્યની કલાનો પિંડ ઘડતાં ગયાં, પ્રેક્ષકોનો ત્વરિત રિસ્પૉન્સનો પડઘો તેના રોલ્સની વધતી લેન્ગ્થમાં પણ પડવા માંડ્યો. કોઈ પણ રોલમાં તે કન્વીન્સિંગ લાગતો. નાટકમાં બહુ પૈસા યા પ્રસિદ્ધિ ન મળે, પણ ગુજારો થતો રહેતો. હિન્દી નાટક ગુજરાતમાં ખાસ ભજવાય નહીં એટલે મા-પિતાને તે મુંબઈ તેડાવતો. જોકે આવી શકેલાં

એક-બે વાર જ. દીકરાની પ્રગતિમાં તેઓ રાજી.

આમ તો નાટકનો નેડો લાગે તેને બીજું કોઈ માધ્યમ રુચે નહીં, પણ આતિથ્યનો માંહ્યલો તો ફિલ્મો માટે જ તડપતો, ફાલતુ, એક્સ્ટ્રા ગણાય એવા રોલ્સની બેચાર ઑફર આવી પણ ખરી, પરંતુ ટૅલન્ટ્સ વેડફવામાં આતિથ્યને રસ નહોતો. કશુકં નક્કર જ કરવું છે!

પચીસની ઉંમરે પોતે ફિલ્મોમાં પહેલો બ્રેક મેળવ્યો ત્યારે માબાપ રહ્યાં નહોતાં, નીવડેલો ખેલાડી પ્રથમ બૉલમાં સિક્સર ફટકારે એમ પહેલી જ ફિલ્મની રિલીઝથી પોતે જનતાનું, વિવેચકોનું ધ્યાન આકર્ષિત કરી શક્યો. અનુભવે આતિથ્યને સમજાતું કે ફિલ્મોમાં માત્ર ટૅલન્ટ કામ નથી લાગતી. નસીબનો સાથ તો જોઈએ જ, સાથે સંબંધ જાળવતાં, પોતાની ઇમેજ રચતાં, અહીંના હુઝહૂની ગુડબુકમાં રહેતાં પણ આવડવું જોઈએ. આતિથ્યમાં આ ગુણો કેળવાતા ગયા અને પછી તો સડસડાટ તે પ્રગતિનો પંથ કાપતો ગયો.

-આજે મારી ગણના ઇન્ડસ્ટ્રીના ઉમદા અભિનેતાઓમાં થાય છે. ખાન્સ કે રોશનની જેમ મેઇનસ્ટ્રીમ હીરો ભલે ન હોઉં, તેમની ફિલ્મોમાં મારી ભૂમિકાનાં વખાણ વધુ થાય છે. કૅરૅક્ટર આર્ટિસ્ટથી એક કદમ આગેની જેમ લીડ ઍક્ટર તરીકે મારી મુખ્ય પ્રવાહની બે-ત્રણ ફિલ્મો પણ આવી, વખણાઈ પણ ખરી. ટોચના આર્ટિસ્ટ તરીકે મારો રુત્બો છે, યંગ જનરેશનમાં મારું ફૅન ફૉલોઇંગ મોટું છે. પોતે સેન્ટ્રલ સ્ટેશને ઊતર્યો ત્યારે ગજવામાં પૂરા ૫૦૦૦ રૂપિયા પણ નહોતા. આજે પાંચ કરોડનો તો મારો આ એક ફ્લૅટ માત્ર છે!

‘આહ...’ માદક સિસકારાએ આતિથ્યનું ધ્યાન ફંટાયું. પોતાનાં જ અંગો પસવારી આહ ભરતી માનુની અધીરી બની છે... અત્યારે તો તેના હુશ્નનો કૂવો ઉલેચવા દે!

અને આતિથ્ય પલંગમાં ખાબક્યો. કળીના ફૂલ બનવાની મહેક માસ્ટર બેડરૂમના કણકણમાં ફરી વળી.

€ € €

હાશ! સાડલાના છેડાથી ચહેરાનો પસીનો લૂછતી સોનલે પથારીમાં પડતાં હાશકારો જતાવ્યો - આખરે દહાડો પૂરો થયો!

આ હાશકારા સરખું કોઈ સુખ નથી હોતું ગૃહિણીઓના જીવનમાં; ખાસ કરીને મધ્યમવર્ગીય ગૃહિણીઓમાં. વહેલી સવારની ઊઠે ત્યારથી કામકાજની ચક્કીમાં પિસાતી સ્ત્રી રાત થતાં સુધીમાં એવી નિચોવાઈ ગઈ હોય કે સૂવાની સેજ તેને સુખના વરદાન જેવી લાગવા માંડે!

જોકે મારા માટે તો મારો સંસાર જ સુખના વરદાન જેવો છે! સૂતાં પહેલાં સોનલે પડખે સૂતેલા ૧૦ વરસના દીકરા નિકામના કપાળે ચૂમી ભરી, ઓઢવાનું સરખું કર્યું.

‘શીશ’ દીકરાની બીજી બાજુ સૂતા પતિદેવે ટહુકો કર્યો, ‘મને કંઈ નહીં?’

આકારની નટખટ અદાએ સોનલ મલકી પડી, ‘તમે જાગો છો?’

‘આજે ઊંઘ આવે એમ નથી.’ આકાર બેઠો થયો. આળસ મરડી, ‘તારે લોરી સંભળાવવી પડશે.’

સોનલથી હસી જવાયું.

નિકામ ઘણો નાનો હતો ત્યારે આમ જ તેને ઊંઘતો મૂકીને અમે બહારની રૂમમાં રોમૅન્ટિક થતાં હતાં, એમાં

તેની ઊંઘ ઊડી જતાં અમને ન ભાળી તેણે ભેંકડો તાણ્યો. ફટાફટ અમે અંદર પહોંચ્યાં.

‘તમે ક્યાં ગયેલાં?’ હીબકારભેર તેણે પૂછ્યું. તેને કોટે વળગાવતાં આકુએ ઠાવકાઈથી કહી દીધું - એ તો પપ્પાને ઊંઘ નહોતી આવતી એટલે મમ્મી લોરી સંભળાવવા બહાર આવી’તી, અહીં ગાય તો તું જાગી ન જાય?

ત્યારથી લોરી રોમૅન્સનો કોડવર્ડ બની ગયો હતો.

‘આ વખતે ઇન્ક્રીમેન્ટ આવે એટલે આ ફ્લૅટ કાઢીને બે બેડરૂમનો નવો ફ્લૅટ લઈ લઈએ.’

દરવાજે બહારથી આગળો ચડાવી ડ્રૉઇંગરૂમના સોફા-કમ-બેડને પલંગમાં કન્વર્ટ કરી પડતું મૂકતાં આકારે કહ્યું.

આમ તો રિટાયરમેન્ટ પછી માબાપ ગામ જતાં રહેલાં એટલે ધણી-ધણિયાણીને નાનકડા ફ્લૅટમાંય મોકળાશ તો હતી, પણ દીકરો મોટો થઈ રહ્યો છે એ જોતાં ભવિષ્યનું પ્લાનિંગ અત્યારથી જ કરી દેવું જોઈએ.

કૉમર્સનું ભણી પ્રાઇવેટ બૅન્કમાં ક્લેરિકલ જૉબ કરતા આકારે નોકરીમાં બેએક જમ્પ મારી સૅલેરી રાઇઝ મેળવી લીધેલો. સોનલમાં કરકસરનો ગુણ એટલે બચત પણ સારી એવી થતી. વળી આકારની ૩૪ની ઉંમર પણ નાની ગણાય. હોમલોન થકી નવું ઘર વધુ સારા લતામાં લઈ જ શકાય.

‘ફ્લૅટ ભલે લો. મલાડનું આ ઘર હું કાઢવાની નથી.’ ગૃહિણીની સત્તાથી સોનલ બોલી, ‘હજી બાર વરસ પહેલાં, આપણાં લગ્ન સમયે આ ઘર રિનોવેટ કરાવ્યું, બે વરસ અગાઉ પાછું રંગરોગાન કરાવ્યું - પાછી અહીંથી તમારી બૅન્ક, નિકુની સ્કૂલ નજીક. પાડોશ પણ સારો. ના, હું હું મારુંં ઘર છોડવાની નથી!’

‘હં!’ આકારે પત્નીના ખુલ્લા કેશમાં હાથ ફેરવ્યો. ‘મતલબ આપણે લોરીની જ પ્રૅક્ટિસ ચાલુ રાખવાની છે!’

‘હા’ સોનલ તેની નિકટ સરકી. તેને બાથમાં લેતાં આકારે બત્તી બંધ કરી. પ્રણયની રસિક ધૂન ધીમા આલાપથી શરૂ થઈને લાંબી તાનમાં ફેરવાઈ છેવટે વિરમી ત્યારે ધરતી-આભ ડોલતાં બંધ થયાં અને નિ:શબ્દ નીરવતામાં મધુરતા પ્રસરી રહી.

€ € €

તમને પામીને હું ધન્ય થઈ, આકાર! ઈશ્વરે સૌભાગ્યમાં તમને દઈ મને જીવતેજીવ સ્વર્ગ આપી દીધું.

હૉલમાં જ પોઢી ગયેલા આકારને ચારસો ઓઢાડી સંતોેષનો શ્વાસ લઈ સોનલ હૉલની બારી તરફ વળી. સામે ખાલી પ્લૉટ હતો એટલે છઠ્ઠા માળની રૂમમાંથી ખુલ્લા આકાશને તાકી રહેવાનો લહાવો મળતો.

સોનલની એ ગમતી ક્રિયા. એટલે તો રિનોવેશન વખતે આકારે બારી આગળ પાળીની બેઠક બનાવડાવી હતી. પલાંઠી વાળીને ત્યાં બેસી શકાતું. દિવસે પણ ભાજીતરકારી ચૂંટવા-સુધારવા જેવાં કામ લઈ સોનલ પાળીએ જ ગોઠવાતી.

અત્યારે પણ ત્યાં ગોઠવાઈ સોનલે ટમટમતા તારલા પર દૃષ્ટિ માંડી. ચંદ્ર વાદળ સાથે મસ્તી કરતો દેખાયો.

‘તમારી દીકરી ચોખ્ખા મુરતમાં અવતરી છે, પણ અતનું સ્વાસ્થ્ય ચિંતાજનક રહેશે. સંભાળજો.’

મારી કુંડળી બનાવનાર જોશીએ માને કહ્યું હતું... સોનલે વાગોળ્યું :

‘મને એવો તો ધ્રાસ્કો રહેતો’ મા કહેતી, ‘તું મારે પહેલી ને એકની એક. હૈયાના હારથી વધુ કાચના વાસણની જેમ મેં તને જાળવી છે. તારા પપ્પા તો ખીજવાતા પણ - જોશીના જોેશની ઉપર આપણા સૌનો ઉપરવાળો છે, તેનામાં શ્રદ્ધા રાખ... આજે વિચારું છું તો થાય છે, બધું એક કૃપાએ જ પાર પડ્યું.

સાવિત્રીમાની આસ્થામાં વજૂદ હતું. જોશીના કથન છતાં ન તો દીકરી એવી માંદી રહી, અને પતિએ નાની ઉંમરમાં પિછોડી તાણતાં નિરાધાર જેવાં બનેલાં મા-દીકરીના નર્વિાહનો જોગ પણ ભુલેશ્વરની ચાલીમાં રહેતાં ત્યાં જ ગોઠવાઈ ગયો.

ગુજરાતથી કંઈક સપનાં લઈ મુંબઈ ઊતરનારા અનેક એકલપંડા જુવાનિયા દામોદરની ચાલ તરીકે ઓળખાતી જૂની છતાં વિશાળકાય ચાલીમાં ઊતરતા. મોટા ભાગના એક રૂમમાં આઠ-દસ જવાનો સંઘ કરીને રહેતા એમ પોતાની અલાયદી રૂમ રાખનારા પણ ખરા. ચાલીની વસતી ગુજરાતીઓની એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ઓળખાણનો તંતુ મળી રહેતો, પરિણામે છુટ્ટા ઘોડા જેવા નવજુવાનિયાઓ વશમાં રહેતા. કાયમી ઘર ધરાવતાં સાવિત્રીમા જેવાને તેમનું ન્યુસન્સ નહોતું. બલકે તેમને માટે ટિફિન-સર્વિસ ચાલુ કરી સાવિત્રીમાએ સ્વમાનભેર જીવવાનું ટેકણ મેળવી લીધું હતું. મોટી થતી સોનલ પણ ધીરે-ધીરે કામકાજમાં ઘડાતી ગઈ.

‘કહેવું પડે સોનલનું. ઈશ્વરદત્ત રૂપરંગ અને તમારા સંસ્કારસિંચને તેનામાં એવું તેજ પૂર્યું છે કે જે ઘરમાં જશે અજવાળું પાથરી દેશે...’ પાડોશીઓ સાવિત્રીબહેનને કહેતા એમાં અતિશયોક્તિ નહોતી.

કૉલેજમાં ભણતી દીકરીને લાયક જીવનસાથી મળી જાય એટલી જ અબળખા માને હતી. લગ્નની વાતે સોનલ શરમાતી. અંગે યૌવન પુરબહાર હતું, અંતરમાં મીઠા ઉજાગરનાં શમણાં ગૂંથાતાં, પણ પછી...

સોનલ સહેમી. લગામ કસી - નહીં, મનનો ઘોડો જે ગલીમાં ચરવા માગે છે ત્યાં હું વરસો અગાઉ ‘નો એન્ટ્રી’નું બોર્ડ મારી ચૂકી છું.

વિચારધારાને અતણે કુદાવી - સૌ સારું જેનું છેવટ સારું. કૉલેજ પછી માએ મુરતિયા તરાસવા માંડ્યા, એમાં આકાર સાથે મેળ જામી ગયો. અત્યંત સોહામણા આકાર સાથેનું દાંપત્ય ફૂલોની સેજ સમું સુંવાળું રહ્યું, સુખમય રહ્યું.

આની કૃતાર્થતા અનુભવતી સોનલે જોયું તો ચંદ્ર વાદળોમાં છુપાઈ ગયો હતો. કેટલાક ભેદ ઢંકાયેલા રહે એમાં જ સુખ છે!

જાતને સમજાવી તેણે હળવેકથી પતિની પડખે લંબાવ્યું. આકારનો હાથ હાથમાં પકડી રાખ્યો. સુખને ઝાલી રાખવાની કેવી એ ચેષ્ટા!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK