કથા-સપ્તાહ : સ્ત્રી - (નારીની ગત ન્યારી - 5)

આકાશનાં જડબાં તંગ બન્યાં. તેને નિહાળતા આરવે કટોકટી તોળાતી અનુભવી.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


‘ગુસ્સાથી ફાટી પડવાનું મન થાય છે આકાશ?’

આકાશ ચમક્યો, ઝબક્યો. ઓહ, લજ્જાનાં સાસુ પૂછી રહ્યાં છે!

રિયાના પગલાએ ભોંઠાં પડેલાં તેનાં માબાપ અને ભાંગી પડેલાં મારાં માવતર થોડે દૂર શોક વહાવી રહ્યાં છે, લજ્જા-અરુણાબહેન ભીતર છે અને આરવ સાથે સામા બાંકડે બેઠેલાં ઉષાબહેન મારા પડખે આવીને કાળજી દાખવી રહ્યાં છે. જાણે તેમને મારું અંતરમન વંચાતું હોય!

‘તો ફાટી પડ.’ અત્યંત ઊંડાણથી બોલાયેલા તેમના વાક્યે આકાશ હેબતાયાની જેમ તેમને તાકી રહ્યો.

‘ધરબાયેલા ગુસ્સાને વેન્ટિલેશન નહીં આપે આકાશ તો એ તને ગૂંગળાવી મારશે.’ ઉષાબહેને તેની પીઠે હાથ ફેરવ્યો, ‘સાથે એ પણ યાદ રાખજે કે તું જો ગુસ્સાની આગ ઓકીશ તો એમાં તારું જ સુખ સ્વાહા થશે.’

‘સુખ જેવું રહ્યું છે શું મા?’ આકાશ અનાયાસ તેમને મા સંબોધી ગયો, ‘ઊલટું મને તો ક્યારેક ફડક રહે છે

કે રિયાના પગલે ચાલીને નારીસંસ્થામાં જોડાયેલી લજ્જાને એનો વાયરો

ન સ્પર્શે.’

સાંભળીને આરવ-ઉષામાની નજરો મળી, છૂટી પડી.

‘એક બાજુ તમે ગુસ્સો કાઢવાનું કહો છો મા, બીજી તરફ સુખ બળવાની ચેતવણી આપો છો. મારે કરવું શું?’

‘કરવામાં એટલું જ કે...’ ઉષાબહેનના સ્વરમાં મક્કમતા રણકી, આકાશનો હાથ પકડીને ઊભાં થયાં. ‘ચાલ મારી સાથે.’

આકાશને દોરીને રિયાની રૂમમાં જતી માતામાં આરવને અનેરો જુસ્સો દેખાયો. તેને અનુસરવાનું જ હોય!

આરવે પણ પાછળ ડગ ઉપાડ્યાં.

€ € €

‘તેં મોટી ભૂલ કરી રિયા...’ અરુણાબહેને ખેદ જતાવ્યો, ‘જે બન્યું એ જાણ્યા-મૂક્યા વિના આકાશ પર આવો આરોપ!’

લજ્જાને પણ એની અણખટ હતી. રિયાની તબિયત બગડી, તેને અહીં લાવ્યા ત્યારથી આકાશમાં ચેન ભાળ્યું નથી. પોતે આરવને કહ્યું પણ - દી કેટલી લકી છે કે તેમને

આકાશભાઈ મળ્યા!

‘જોયા આરવ, આકાશનાં મમ્મીને? ધરાર જો વહુ વિશે એક બૂરો શબ્દ કાઢતાં હોય. જાણે આવી ખાનદાની સ્ત્રીથી શું વાંકું પડ્યું હશે રિયાને કે દીકરાને માથી જુદો કર્યો?’

માએ દેખીતી રીતે આરવને કહ્યું હતું, પણ મને સંભળાવતાં હોય એવું કેમ લાગ્યું? બીજા સંજોગોમાં પોતે રિયા દીના બચાવમાં કૂદી પડી હોત, પણ આ એવો અવસર નહોતો અને રિયા હોશમાં આવ્યા પછી બોલવા જેવું રહ્યું પણ શું? સંતાન ïïગુમાવવાના આઘાતનો પ્રત્યાઘાત પણ આવો ઓછો હોય!

આકાશભાઈની કાળજીના અમે સાક્ષી રહ્યા છીએ, ક્રિટિકલ હાલતમાં તેમણે કેવળ રિયા પર ફોકસ રાખ્યું ને એ જ વ્યક્તિ તેમને ખૂની તરીકે વર્ણવે એમાં દીનો પુરુષજાતિ માટેનો પૂર્વïગ્રહ છતો થાય છે કે બીજું કંઈ?

જુઓને, અરુણાબહેન બિચારાં ક્યારનાં સમજાવે છે, ડૉક્ટર ખુદ આવીને કહી ગયા; પણ હજીયે દીના મનમાં ક્યાં બેઠું છે?

‘તમે ગમે એ કહો, હું નથી માનતી. ચોક્કસ આકાશે તમને ભરમાવ્યા. પુરુષોને પણ મુખવટાની ફાવટ

હોય છે.’

‘બસ દી, બસ...’ છેવટે લજ્જાનો આપો તૂટટ્યા, ‘તમને અત્યારે આકાશભાઈ પર શું વીતી રહી હશે એનો વિચાર નથી આવતો?’

‘તને આ વિચાર આવ્યો એ મને ગમ્યું વહુ...’ એ જ ક્ષણે આકાશનો હાથ પકડીને પ્રવેશતાં ઉષામામાં અસલનો રણકો ભાળ્યો લજ્જાએ. પાછળ પ્રવેશતા આરવમાં પણ ખુમારી વર્તાણી, ‘બાકી રિયા પાસેથી એવી હવે અપેક્ષા નથી રહી.’

રિયાની ભ્રમર તંગ થઈ, ઉષાબહેને હજીયે આકાશનો હાથ પકડ્યો હતો એ જોઈને વ્યંગ કર્યો, ‘મારા પતિનાં વકીલ થઈને આવ્યાં છો?’

‘ના...’ ઉષાબહેને આકાશનો હાથ છોડ્યો, ‘એક સ્ત્રી થઈને સ્ત્રીની આંખ ખોલવા આવી છું.’

‘મારી આંખે કોઈ પ્રૉબ્લેમ નથી...’ રિયાના સ્વરમાં એ જ તોછડાઈ ટપકી.

‘તારી સમજને અંધાપો છે રિયા, એ સમસ્યા છે.’ ઉષાબહેનનું તેજ ઝળહળી ઊઠ્યું. અહીં આવ્યાં ત્યારનો પોતે તાલ જોઈ રહ્યાં છે. રિયા સાથે જરૂર ખોટું થયું, પણ પછી તેના પગલાએ તેમનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો હતો.

‘ના, હું તારી સંસ્થા યા એનાં કાયોર્ની વિરુદ્ધ નથી. સ્ત્રીઉત્થાન વિશે જેટલું કરીએ એ ઓછું એમ વિચારી મેં વહુને તારા ભેગી મોકલવામાં હામી ભરી હતી... પણ સ્ત્રીસમાનતામાં રાચી-રાચીને તું ખુદ મનોરોગી બની ગઈ છે એ આજે સમજાયું.’

મનોરોગી! રિયા ખળભળી ગઈ.

‘મનોરોગી શબ્દ એટલા માટે વાપર્યો રિયા કે તારા પતિને તું પ્રથમ પુરુષ તરીકે નિહાળે છે. તને તેનામાં પ્રેમી, મિત્ર દેખાતો નથી; કેમ કે તું ખુદ એક સ્ત્રીથી વિશેષ પત્ની યા પ્રેમિકા બની શકતી નથી.’

રિયા સમસમી ગઈ.

‘હું કબૂલ કરું છું કે સ્ત્રીઓને તેમના હક, તેમનું સ્થાન મળવા જાઈએ;

પરંતુ જેમને પોતાનાં હક-સ્થાન મYયાં છે તેમણે પોતાના હિસ્સાની ફરજ પણ નિભાવવાની હોય. તું એમાં ચૂકી રિયા.’

રિયાએ હોઠ કરડ્યો.

‘આ એક રાત બધા ભેળા રહ્યા એમાં તારા સંસારની અથથી ઇતિ જાણી-પામી લીધી... તેં લગ્નજીવનને સમાનતાના પલડામાં બાંધી રાખ્યું રિયા. બાઈ ન આવે ત્યારે કચરો તું કાઢે તો પોતું આકાશ મારે, તું તારી માને મળવા જાય ત્યારે જ આકાશ તેની માને મળી શકે. સવારે તું રાંધે તો સાંજે આકાશ... હું તો કહીશ રિયા કે તેં માતૃત્વ તારા સ્વભાવને કારણે ગુમાવ્યું.’ ઉષાબહેન સહેજ હાંફી ગયાં, ‘સમાનતાની તારી ઘેલછાથી તારું આવનારું બાળક પણ ડરી ગયું. મમ્મી એવો નિયમ પણ બનાવે કે બાળકને એક વાર સ્તનપાન હું કરાવું તો પછી બીજી વાર પિતાએ કરાવવાનું તો? તારો સમાનતાનો નિયમ તો આવું જ કહે છેને? ’

ચાબુક જેવો લાગ્યો.

‘સ્તનપાનમાં પણ તું આવી વહેંચણી કરે તો-તો બાળકે બિચારાએ અડધા ભૂખે મરવું પડે. એના કરતાં જન્મતાં પહેલાં જ શા માટે પાંખો સંકેલી ન લેવી?’

સૌ સ્તબ્ધ. રિયાની આંખે ઝળઝળિયા બાઝ્યાં.

‘આમ જુઓ તો પુરુષો ગાભણો ન થાય ત્યાં સુધી સ્ત્રીઓએ પણ ગર્ભાધાન કરવું જ ન જોઈએ. નવ-નવ મહિના સુધી જીવને કોખમાં પોષવાની જવાબદારી માત્ર સ્ત્રીની શું કામ?’

ઉષામાનો વ્યંગ રિયાનો મર્મ ભેદી ગયો.

‘લગ્ન તો બે વ્યક્તિના એક થવાની ઘટના છે રિયા. પાણીમાં શરબત ભળી ગયું પછી પાણી શરબત કહેવાવાનું, શરબતના ગુણ પાણીના જ ગુણ કહેવાવાના. આમાં અલગતા હોય તો સમાનતાનો મુદ્દો આવેને?’

કહેવાતું હતું રિયાને, એનાં અજવાળાં ક્યાંક બીજે પણ પથરાઈ રહ્યાં હતાં - લજ્જામાં!

‘બેશક, જ્યાં જુલમ હોય ત્યાં તમે રણચંડી બનો, પણ જ્યાં તમને હૃદયરૂપી સિંહાસન મળે જ છે ત્યાં લડાઈનું રણશિંગું ફૂંકવાનો કોઈ અર્થ?’

રિયા શું બોલે?

‘તું ત્યાં લડતી રહી રિયા જે પ્રદેશ તું જીતી જ ચૂકી હતી! તું આકાશનાં મધરને ન બોલવાનું બોલી, આપો ગુમાવીને આકાશે તને તમાચો માર્યો... હવે જો આકાશ તારી મમ્મીને ન બોલવાનું બોલ્યો હોત તો શું તારો હાથ ન ઊપડ્યો હોત?’

રિયાના બંધિયાર મનમાં પ્રકાશનું કિરણ ફલાયું.

‘થોડી આકરી છતાં સાવ સ્વાભાવિક પ્રતિક્રિયાને કારણે તેં દીકરાને માથી જુદો કર્યો. આજે તેં પોતે બચ્ચું ગુમાવ્યું એમાં પણ આકાશનો જ વાંક નિહાળ્યો? રામને તેં રાવણ માન્યો, પણ તું સીતા છે ખરી એ

કદી ચકાસ્યું?’

રિયા ઓશીકા પર માથું ટેકવી ગઈ. આવો આયનો કોઈએ કદી દેખાડ્યો નહોતો કે પછી પોતે જ એવા પ્રયત્નો થવા ન દીધા?

‘દામ્પત્યમાં સ્નેહ હોવો જોઈએ રિયા, પછી બીજું બધું ગૌણ બની રહેતું હોય છે. એકબીજાનું ગમતું કરવામાં આનંદ મળતો હોય ત્યારે એવી ગણતરી સ્ફુરતી પણ નહીં હોય કે મેં મારા પતિનું આટલું ગમતું કર્યું તો તેણે પણ મને ગમતું આટલું કરવાનું. સહજીવનને હિસાબનો ચોપડો નહીં, લાગણીની કિતાબ બનાવો.’

આરવ-આકાશ પણ અભિભૂત બનીને સાંભળી રહ્યા.

‘બીજાના દુ:ખમાં જરૂર મદદરૂપ થઈએ, પણ તેના કડવા અનુભવોની બંધબેસતી પાઘડી પહેરીને સુખનો જીવ દુ:ખમાં ન નાખવાનું દરેક સોશ્યલ વર્કરે શીખવું રહ્યું.’

શ્વાસ લેવા પૂરતું રોકાઈને ઉષાબહેને નિકટ જઈ રિયાના માથે હાથ મૂક્યો.

‘નક્કી તારે કરવાનું છે રિયા. તારી એક તરફ તારો સેલફોન છે, બીજી બાજુ આકાશ ઊભો છે. ઇચ્છા થતી હોય તો આકાશનો હાથ પકડી લે અને મન હજીયે ન માનતું હોય તો ઉપાડ ફોન ને નોંધાવી દે ફરિયાદ. બચ્ચું પાડવાના આકાશના કાવતરામાં અમેય સામેલ હોવાનું લખાવવાનું ભૂલતી નહીં.’

દરેક નજર રિયાને ટાંપી રહી. તેનો હાથ કોના પર અટકે છે?

પણ રિયા તો હાથને બદલે નજર ઉઠાવીને આકાશને ટાંપી રહી. ક્ષણો વીતતી ગઈ. એ નજરબંધીથી આકાશના હૈયે કંઈક સંધાતું રહ્યું.

ત્યાં રિયાએ ડોક ધુણાવી, ‘નહીં, હું આકાશનો હાથ નહીં પકડું.’

સાંભળીને કોઈ કશી પ્રતિક્રિયા પાઠવે એ પહેલાં સરખી બેઠી થઈને રિયાએ આકાશનો હાથ પકડીને ખેંચ્યો, ‘મારે તો તેમને વળગવું છે!’

ત્યારે દરેક જણ ઝળઝળી ઊઠ્યું.

‘આપણે સૌ બહાર ચાલો.’ આરવે ટહુકો કર્યો એની મધુરતા પ્રસરી રહી.

€ € €

‘મને મારો, ધુતકારો આકાશ. હું બહુ ખરાબ છું.’ આકાશને વળગીને ધ્રુસકાભેર રડતી રિયાની કડવાશ અશ્રુમાં ધોવાતી ગઈ, ‘મેં તમને, માને, પપ્પાને દર્દ જ દીધું... મારી સમજ ખૂલવાની કિંમત આપણા બચ્ચાએ ચૂકવવી પડી. ’

‘શીU તેનો તો પુન: પ્રવેશ થવાનો છે રિયા, બહુ જલદી.’

આકાશ આટલું જ બોલ્યો ને રિયા પારાવાર સાંત્વન અનુભવી રહી. પછી ધ્યાન આવ્યું, ‘આકાશ, સાવિત્રીમાને તેડાવો. તેમની માફી વિના બધું અધૂÊરું.’

‘માબાપની માફી નહીં આર્શીવાદ હોય.’ સાવિત્રીબહેન પ્રવેશ્યાં. પપ્પા, રિયાના પેરન્ટ્સ ઉપરાંત અરુણાબહેનને ભાળીને યુગલ પ્રણયસમાધિમાંથી જાણે જાગ્યું.

‘અમે તને જે સમજાવવા મથતાં હતાં રિયા એ પ્રસંગની આડમાં બહુ સૂઝપૂર્વક સમજાવી ગયાં ઉષાબહેન... મનના બંધ ચોકઠાની ખૂલેલી હવાબારી બંધ ન થવા દઈશ રિયા...’ અરુણાબહેને આનંદ જતાવ્યો, ‘બાકી તો સૌ સારું જેનું છેવટ સારું!’

રિયા-આકાશ મલકી ઊઠટ્યાં અને એ ભીનું સ્મિત અરુણાબહેને મોબાઇલમાં જકડી લીધું.

€ € €

બહાર આવીને થાક્યાં હોય એમ ઉષાબહેન બાંકડે બેસી પડ્યાં. બીજી પળે લજ્જા તેમનાં ચરણોમાં.

‘અરે વહુ, આ શું?’

‘મને ક્ષમા કરો મા’

‘શેની ક્ષમા?’ ઉષામા અજાણ્યાં રહ્યાં.

‘જે હૃદયસિંહાસન મારું જ હતું ત્યાં રણશિંગું ફૂંકવાની ક્ષમા! મા તમે તો જાણતાં હતાં તોય...’ લજ્જાનું ધ્રુસકું વહ્યું, ‘મા તમે મને પહેલા કેમ ન વારી, સમજાવી!’

‘એ સમય-સંજોગ અત્યારના હતા લજ્જા એટલે.’

રિયાએ લજ્જાને ભડકાવી નહોતી, પણ જે માન્યતાઓ પર તેણે મિનાર ચણ્યો હતો એ જ ધ્વસ્ત થતાં લજ્જાનું ચિત્તતંત્ર પણ સમથળ બન્યું હતું. નજર ચોખ્ખી થઈ અને નજરિયો સાફ. એનો પસ્તાવો આરવનું અંતર પણ સાફ કરતો ગયો.

‘લજ્જા...’ તેના ખભે આરવનો હાથ પડ્યો ને ઊભી થતી લજ્જા નિ:સંકોચપણે તેને વળગી, છાતીમાં મુક્કા વીંઝ્યા, ‘તમે પણ મને કંઈ ન કહ્યું! અને નિયતિબહેન - ઓ મા. આરવ, મને નિયતિબહેન પાસે લઈ જાઓ, અબીહાલ...’

આ જ મારી લજ્જા! આરવે તેનો હાથ થામ્યો, ‘ચાલ...’

ઊગતા સૂરજની પહેલી કિરણે સ્ત્રી-પુરુષને ખભેખભા મિલાવીને જતાં જોઈ રહ્યાં ઉષાબહેન. આ જ સાચી સમાનતાને!

€ € €

કથાના ઉપસંહારમાં એટલું કે બેઉ જોડી ખુશહાલ છે. આકાશ-રિયાને ત્યાં બાળકની કિલકારી પણ ગુંજી, લજ્જા હાલ ગર્ભવતી છે. હવે આકાશ-રિયા ઘાટકોપરના ઘરે ભેગાં રહે છે. અરુણાબહેનની સંસ્થામાં રિયા-લજ્જા આજેય સક્રિય છે; પણ એમાં જડતા નથી, ઉષાબહેન સમી સૂઝ છે. એનો આનંદ જ હોયને!

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK