કથા-સપ્તાહ : સ્ત્રી - (નારીની ગત ન્યારી - 4)

લજ્જાને થયું છે શું? આરવ ગૂંચવાય છે, ગૂંગળાય છે.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


‘...કહી દેજો નિયતિબહેનને કે આવતા રવિવારે આવે!’

આવું લજ્જા બોલી? એ પણ દીદી માટે? અરે, તેને તો દી સાથે કેટલું ભળતું. જીજુ આવવાના હોય ત્યારે તો અડધી-અડધી થઈ જાય.

- એ લજ્જાને દીદીનો વાંધો પડે? માએ આપેલા સેટની ગણતરી રાખે?

પહેલાં તો તેની જીદ, નાદાની સમજી. લગ્ન પહેલાનું વચન પાળતો હોય એમ પોતે જ નહીં, માએ પણ તેને જાળવી જાણી.

પણ બદલાવ માત્ર દીદી પૂરતો નહોતો...

‘મા, શાક હું સુધારીશ તો મસાલો પણ હું જ કરીશ. અડધું કામ હું કરું ને સ્વાદિષ્ટ રસોઈ બન્યાનો યશ તમને મળે એવું હવે થવા દઈશ નહીં. ’

બાપ રે. લજ્જાને માને આમ ડારો આપતી જોવી અસહ્ય હતી.

‘લજ્જા...’ પોતે પહેલી વાર અવાજ ઊંચો કર્યો તોય તે ડગી નહીં, ‘ધીરેથી આરવ. દીકરો પોતે માને ગણકારતો નહીં હોય, પણ વહુ જેવી બોલે કે તેને દૂધનું કરજ યાદ આવી જાય છે.’

સાંભળીને હતપ્રભ બની જવાતું. તેના બદલાતા રૂપની જ્વાળા દઝાડતી, કામવાસનાને બાળી નાખતી એમાંય તેને વાંધો.

‘ક્યારેક તમારી મરજીએ હું મારો થાક ભુલાવી દેતી, તમારાથી એવું નથી થતુંને? પુરુષ પોતાના માટે જ જીવતો હોય છે!’

વોટ ધ હેલ. ક્યાંથી ભર્યો છે આ બધો કચરો તેં? ઝંઝોડીને પૂછવું હતું, પણ આરવ જાતને રોકી રાખતો. નહીં, આમાં વાત વધી શકે. લજ્જા ગમે એવું બોલવાની થઈ તો મારો આવેશ કાબૂમાં નહીં રહે ને ન થવાનું કદાચ થઈ જાય...

તો કરવું શું? આરવે પોતાની બહેન સમક્ષ ઘૂટન કાઢી.

રવિવારના એક બનાવથી નિયતિને અંદાજ તો હતો જ...‘દીકરી, આજે તો અમે નથી, ફરી કોઈ વાર લજ્જાને જાણ કરીને આવજે.’ માએ બહુ સ્વાભાવિક રણકામાં ધૅટ સન્ડે ઘરે આવવાની ના પાડી હતી, ધૅટ વૉઝ ક્વાઇટ અનયુઝઅલ. માએ લજ્જાને જાણ કરવા કેમ કહ્યું? શું લજ્જાને મારી કોઈ હરકતનું માઠું લાગ્યું હશે?

જાણવું હતું, પૂછવું હતું; પણ મારી પૂછપરછથી મામલો વણસવો ન જોઈએ. કંઈક હશે તો આરવ તો મને જરૂર કહેવાનો...

આરવ પાસેથી જાણવા મળેલી વિગતો ચિંતાપ્રેરક જ હતી, પરંતુ ત્વરિત વળતો પ્રત્યાઘાત આપવાથી બાજી બગડે.

‘એના કરતાં લજ્જાને થોડો સમય આપીએ, પોતાની મેળે તેને સત્ય સમજાવાનું! ’ નિયતિએ સલાહ દીધી.

‘મા, તું કેમ કંઈ કહેતી નથી?’ લજ્જાની ગેરહાજરીમાં આરવે

માને પૂછ્યું.

દીકરાની વ્યથા ઉષામાને પરખાતી, કાળજું ચીંધતી. લજ્જા સાથે તેમનો જીવ ભળી ગયેલો. ના, એવું તો સહેજે નથી કે લગ્ન પછી જુદા રહેવાનો તો કોઈ હિડન એજન્ડા રહ્યો હોય... લજ્જા છે જ નહીં.

નિયતિને અહીં આવવાનો ઇનકાર કર્યાના આ પખવાડિયામાં આવું અણચિંતવ્યુ, અણધાર્યું તો પછી બનતું જ રહ્યું છે. આરવના આગમન સમયે સાજ-શણગાર પણ ક્યાં કરે છે હવે! એકાદ વાર આ વિશે કહ્યું તો કહે કે આવી તમન્ના બન્ને પક્ષે હોવી જોઈએ, પત્ની માટે પહેલાં તમારા દીકરાને સુધરવાનું શીખવો.’

ઓ મા. જાણે આ કોની ભાષા બોલતી થઈ છે મારી વહુ?

‘યા રિયા દી, મને થાય છે કે હું પણ સંસ્થાની સભ્ય બની જાઉં... સ્ત્રીઓ માટે સાચે જ ઘણું કરવાનું છે! ’

હજી આજની જ સવારે વહુને રિયા જોડે ફોન પર વાત ક૨તી જોઈ-સંભળીને સમજનો પડદો ખૂલી ગયો હતો - રિ...યા!

પોતાને જડેલું આશ્વાસન ઉષામાએ દીકરાને પાઠવ્યું...

‘આપણી લજ્જા આવી નહોતી. તે બદલાઈ સ્ત્રીઓ માટેની સંસ્થામાં જઈને, વુમન ઍક્ટિવિસ્ટ રિયાની સોબતમાં.’

માની તારવણી ચમકાવી ગઈ.

‘ભૂલ મારી છે આરવ. જેને પતિના નામથી ઓળખાવાની ઍલર્જી હોય, જે એકના એક દીકરાને માવતરથી જુદો કરી શકતી હોય એવી યુવતી જોડે મેં લજ્જાને ભેળવી જ કેમ! ચોક્કસ આ તેનું બ્રેઇનવૉશિંગ છે.’

પણ એનો ઉપાય શું?

‘સ્ત્રીસ્વાતંhયનો, સમાનતાનો સવળો અર્થ લજ્જાને સમજાશે ત્યારે આપોઆપ પરબુદ્ધિનું આવરણ સરકી જશે. એ અર્થને સમજાવવાનું કામ કુદરત પર છોડીએ. સમય બધું પાર પાડશે. ’

જોકે લજ્જાએ નારીસંસ્થા જૉઇન કરી ત્યારે આરવને સમજાયું નહીં કે સમય સરી રહ્યો છે કે સચવાઈ રહ્યો છે?

€ € €

‘લો, તમારી લજ્જા પણ હવે સંસ્થાની સભ્ય બની ગઈ.’ છેવટે લજ્જા વિધિવત સભ્ય બનતાં રિયાએ પોરસથી પતિને કહ્યું.

આકાશે ત્યાર પછીના એક માસમાં કદી મા-દીકરો-વહુને સાથે નાટક જોવા જતાં નથી ભાળ્યાં! ફરી એક રિયા સર્જા‍ઈ રહી છે? તે ઉદાસ બનતો. લિફ્ટમાં આવતાં-જતાં આરવ કે ઉષાબહેન ભટકાઈ જાય તો નજર મેળવવું ભારે પડતું. લજ્જાની છટામાં આકાશને રિયા ગંધાતી. હૈયે બોજ જેવો છવાતો. અરુણાબહેનને તેણે ચેતવી રાખેલાં. એ સિવાય તો બીજું શું થઈ શકે?

€ € €

બીજા મહિને ખુશખબરી આવી. રિયા પ્રેગ્નન્ટ હતી!

‘આઇ ઍમ ઇન હેવન...’ રિયા ખુશીમાં ઝૂમી રહી હતી.

‘કૉન્ગ્રેચ્યુલેશન્સ... તમે પિતા બનવાના!’

ડૉક્ટર વિદ્યાબહેને રિયાની પ્રેગ્નન્સી કન્ફર્મ કરીને વધામણાં દીધાં ત્યારે પળ પૂરતી તો આકાશના રૂંવે-રૂંવે ઠંડક પ્રસરી ગઈ હતી. પછી શૂન્યાવકાશમાં જાણે ચૈતન્ય છલકાયું હતું. ભીની આંખે પોતે રિયાને ચૂમી લીધી. એવું નિતાંત સ્નેહભીનું ચુંબન કેટલા સમયે અમારી વચ્ચે સાકાર થયું હશે! બાકી તો શારીરિક ક્રિયાઓ પણ રૂટીન બની ગઈ હતી...

અમારું બાળક અમારા જીવનમાં, સંબંધમાં ઉષ્માનો ધબકારો પૂરશે... વડીલોને રિયામાં જે પલટાની આશા છે એ હવે જરૂર આવવાનો. પોતે મા બન્યા પછી રિયાની સમજનો વ્યાપ વિસ્તરશે...

‘ખબર ખુશી થવાના છે એમ સાવધ રહેવાના પણ છે.’

બીજા મહિનાના ચેકિંગ પછી રિયાથી અજાણપણે આકાશને બીજે દહાડે મળવા બોલાવીને ડૉક્ટર વિદ્યાબહેને ચેતવણીની ઢબે મેડિકલ ટર્મ્સ સમજાવીને સાદી ભાષામાં ખુલાસો કર્યો હતો, ‘મતલબ એ કે શરૂના ચાર-પાંચ મહિના બહુ ક્રુશિયલ છે. અલબત્ત રિયાને બેડરેસ્ટની જરૂર નથી, પરંતુ શિશુનો વિકાસ બરાબર નથી થતો તો...’

‘રિયાના જીવનું તો જોખમ નથીને?’ આકાશનો થડકો ઊપસ્યો, ‘એવું હોય તો આપણે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરવી જ નથી.’

‘નૉટ ઍટ ઑલ. ડોન્ટ વરી, આના કરતાં કૉãમ્પ્લકેટેડ કેસોમાં પ્રસૂતિ હેમખેમ પતતી હોય છે.’

પહેલાં તો થયું કે રિયાને આ વિશે કહેવું જ નથી... પણ તેની પ્રવૃત્તિઓ પાછી ચાલુ. ક્યાંક એ દરમ્યાન કશી ગરબડ થઈ તો? નાછૂટકે તેને માહિતગાર કરવી પડી. એટલું તો કહેવું પડે કે સચથી તે ડરી યા ડગી નહીં. પડકારને તેણે બહુ પૉઝિટિવલી લીધો.

‘રિયા, તારાં મધરને તેડાવીએ? ઘરમાં કોઈ વડીલ હોય તો ફેર પડે, ડૉક્ટરે કહ્યું પણ છે.’

‘વાહ, એટલે કાલે સમાનતાનો દાખલો આપીને તું તારી માને ઘરમાં ઘાલે! મને જરૂર જ નથી. મા બનનારી હું કંઈ સંસારની પ્રથમ સ્ત્રી નથી! અને ડૉક્ટર તો પોતાના ગજવાના વાંકે પેશન્ટને ગભરાવતા રહે...’

આ વાત પર આ હાલતમાં કેટલું ઝઘડવું! છોડો. રિયા નથી બદલાઈ. નહીં જ બદલાશે?

નિરાશા વ્યાપતી. હા, દવા-ચેકઅપમાં રિયા ક્યાંય ચૂકતી નહીં. ડૉક્ટરે કહેલી પરેજીઓ ચુસ્તતાથી પાળતી.

€ € €

‘કૉન્ગ્રેટ્સ દી!’

ધીરે-ધીરે સૌને જાણ કરાઈ હતી. લજ્જા સૌથી વધુ ખુશ હતી. મા બનવાના ઓરતા તેના વદન પર પણ અંકાઈ જતા.

સમાંતરે લજ્જાના રિયારૂપને ધાર મળતી જતી હતી. નારી જાગૃતિ સંસ્થામાં જોડાયા પછી તેની દિનચર્યા પણ બદલાઈ હતી. સવારે દસથી બપોરના ત્રણ સુધી તે સંસ્થામાં કામ કરતી, દુખિયારી બાઈઓની ફરિયાદો સાંભળીને હૃદય દ્રવી ઊઠતું. પુરુષપ્રધાન સમાજ પ્રત્યે આક્રોશ ઘૂમરાતો.

‘હું ફરી કહીશ કે એક સીતાને કારણે સમગ્ર નારીજાતિ પૂજનીય નથી બનતી એમ એક રાવણને કારણે દુનિયાના તમામ પુરુષો અભિમાની, ચારિhયહીન નથી ઠરતા...’ અરુણાબહેન ટકોરતાં. રિયાના પગલે ચાલીને લજ્જા તેના જેવી જ ભૂલો ન કરે એ માટે સાવધ રહેતાં. કદાચ તેમની ટકોર જ લજ્જાને થોડીઘણી સંતુલિત રાખતી. સમાનતાના આગ્રહ વચ્ચે ઘર-પતિ-સાસુ સચવાઈ જતાં. ઈવન લજ્જાના પેરન્ટ્સને હજી ગંધ નહોતી પહોંચી.

€ € €

એક રાત્રે રિયાને પેટમાં અતિશય દુખાવો ઊપડ્યો. આકાશે સાદ પાડતાં લજ્જા-આરવ-ઉષાબહેન સહિત પાડોશીઓ દોડી ગયા. રિયાને વિદ્યાબહેનના ક્લિનિકમાં લઈ જવાઈ. ડૉક્ટર દોડી આવ્યા. સોનોગ્રાફી સહિતની ટેસ્ટ્સ થઈ.

‘ડૉક્ટર...’ રિયાને આકાશનો ધ્રૂજતો સ્વર પડઘાયો, ‘શું લાગે છે?’

ડૉક્ટરનો જવાબ તો સંભળાયો નહીં, પણ બેડના પડદાની ફાટમાંથી આકાશને કશુંક ગંભીરપણે કહેતાં રિયા જોઈ રહી. ધીરે-ધીરે તેણે હોશ ગુમાવ્યા.

€ € €

‘અબૉર્શન!’

ત્રીજા કલાકે હોશમાં આવેલી રિયાને હળવેથી આકાશે જાણ કરતાં તેણે આઘાત અનુભવ્યો.

આકાશના શબ્દો પડઘાયા : શું લાગે છે? સોનોગ્રાફીના રિપોર્ટ પછી પુરુષ આટલો ગંભીર ક્યારે થાય?

-અને તે ચીખી, ‘હેલ્પ...’

બહારથી વંદનાબહેન, લજ્જા દોડી આવ્યાં.

‘લજ્જા, મારી ફરિયાદ નોંધાવ. ખરેખર તો મારા ગર્ભમાં સ્ત્રીબીજ હોવાથી આકાશે ડૉક્ટર સાથે મળીને મારો ગર્ભપાત કરાવ્યો છે. આકાશે મારા બાળની હત્યા કરી છે! ’

લજ્જા ફાટી આંખે રિયાને નિહાળી રહી.

€ € €

આકાશના અંતરમનમાં સૂનકારો છવાઈ ગયો છે.

અમે જમ્યા ત્યાં સુધી તો બધું બરાબર હતું. પછી અચાનક રિયાને દુખાવો ઊપડ્યો. આરવ વગેરેની સહાયથી ફટાફટ હૉસ્પિટલ પહોંચ્યા. સોનોગ્રાફીનો રિપોર્ટ નિરાશાજનક હતો.

‘વી હૅવ ટુ અબૉર્ટ...’ ડૉક્ટરના છેવટના નિદાને આકાશે ખુશીઓને આંગણેથી વળતી જોઈ જાણે.

ત્યાં સુધીમાં રિયાના-આકાશના પેરન્ટ્સ અને અરુણાબહેન પણ આવી ગયેલાં. નિર્ણય લેવામાં આકાશે વિલંબ નહોતો કર્યો.

‘ડૂ યૉર બેસ્ટ ડૉક્ટર, રિયાને બચાવી લો.’

છેવટે ઉમ્મીદ અધૂરા રસ્તે તૂટી. રિયા પર જોખમ નહોતું એટલી શાતા હતી.

‘હવે તારે જ વહુને સંભાળવી પડશે.’ સાવિત્રીમાએ દીકરાની પીઠ પસવારેલી.

‘મને કોણ સંભાળશે મા?’ આકાશથી રડી પડાયેલું. કૉરિડોરમાં ત્યારે ઘરના સ્વજનો ઉપરાંત અરુણાબહેન, આરવ-લજ્જા-ઉષાબહેન પણ હાજર હતાં. ઘટના જ એવી ઘટી કે લજ્જાને રિયાને છોડી ઘરે જવાનું મન ન થાય. આરવ હોય તો આકાશને પણ હામ રહે. એટલે પછી ઉષામા પણ રોકાણાં.

‘તને-મને સૌને સંભાળનારો છેને... હજાર હાથવાળો!’

જોકે સૌને જેની દરકાર હતી તે લજ્જાએ ગર્ભપાતનું જાણીને દેકારો મચાવ્યો : મારી કૂખમાં છોકરી હતી એટલે આકાશે તેને મરાવી નાખી! સોનોગ્રાફી પછી ડૉક્ટર સાથે તેને મસલત કરતાં મેં જોયો છે! હી ઇઝ

અ મર્ડરર!

બસ, ત્યારનો આકાશ રૂમની બહાર બાંકડે સૂનમૂન થઈને બેઠો છે.

ના, અશ્રુ નથી વહેતાં, હસવું પણ નથી આવતું. જે પત્નીને જાળવવા ખાતર પોતે અજન્મીત સંતાન ગુમાવીનેય વજ્રના રહેવા મન મનાવતો હતો તેણે આવો લવારો કરતાં પહેલાં વિચારે ન કર્યો? રિયાને મારામાં આટલી જ શ્રદ્ધા? આ જ તેનો પ્રેમ? હું કન્યાભ્રૂણની વિરુદ્ધ છું એવું તેણે શા પરથી માન્યું?

સામાન્યપણે ગર્ભાવસ્થા દરમ્યાન પતિ-પત્ની વચ્ચે દીકરી કે દીકરો આવશે એ બાબતની મીઠી નોકઝોંક થતી હોય છે, પણ અમારું દામ્પત્ય ક્યાં સામાન્ય હતું?

- અને એ અસામાન્યતા નિભાવવાનો આ જ શિરપાવ હોય તો... આકાશનાં જડબાં તંગ બન્યાં.

તેને નિહાળતા આરવે કટોકટી તોળાતી અનુભવી.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK