કથા-સપ્તાહ : સ્ત્રી - (નારીની ગત ન્યારી - 3)

‘હાય લજ્જા.’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


નાટકના ઇન્ટરવલમાં રિયાએ લાગ ઝડપ્યો.

રિયાએ મૅરેજલાઇફમાં નિયમ રાખ્યો હતો. હું એક વસ્તુ આકાશની પસંદની કરું તો સામે આકાશે પણ મને ગમતી એક ચીજ કરવાની! વીક-ડેઝમાં તો પતિ-પત્નીને નવરાશ મળતી નહીં, પણ સન્ડેની ઈવના પ્લાન્સ એ જ રીતે બનતા : એક રવિવારે આકાશની મરજી હોય એ મૂવી યા હોટેલમાં જવાનું તો બીજા રવિવારે રિયા કહે એ પ્રોગ્રામ બને. આજે આકાશનો ડે છે.

- એમાં લજ્જા ભટકાણી જ છે તો હવે તેને મારી લાઇન પર - સીધી લાઇન પર લાવવા દે! વહુનું કામ ગધ્ધાવૈતરું કરવાનું નથી એટલી સમજ તો મારે તેને આપવી રહી. એકવીસમી સદીમાં પણ ક્યાં સુધી આપણે સ્ત્રીઓ અઢારમી સદીના રિવાજ વધાવતી રહીશું?

મધ્યાંતરમાં તે સામેથી લજ્જા પાસે ગઈ. શિષ્ટાચાર ખાતર આરવ ઊભો થઈને આકાશ પાસે પહોંચ્યો કે પાધરકી રિયા તેની ખાલી સીટ પર ગોઠવાઈ પણ ગઈ, ‘નાટક ગમ્યું?’

‘યા, મજા આવે છે ભાભી.’

રિયા સાથે અગાઉ મળવા-બોલવાનું થતું ત્યારે સીધા સંબોધનની જરૂર નહીં વર્તાઈ હોય, પોતે શું સંબોધતી એનો લજ્જાને ખ્યાલે નહોતો આવતો. છતાં આજે તે વાત કરવા આવી ચડી તો આકાશભાઈના સંદર્ભમાં પોતાનાથી બે વરસ મોટી પરણેતરને ભાભી કહેવું સ્વાભાવિક હતું, પણ...

‘વાય ભાભી? મારી ઓળખ આકાશ થકી જ શું કામ હોવી જોઈએ? તું મને દીદી કહી શકે. રાઇટ આન્ટી?’

રિયાએ લજ્જાની બીજી બાજુ ગોઠવાયેલાં માજીને સાંકળ્યાં એટલે તેમણે હસીને હામી ભરી, ‘ખરું બેટા!’

બાકી ઉષાબહેનના મનમાં તો જુદો જ પડઘો પડ્યો : ધણીના નામથી ઓળખાવામાં તો પરણેતરને ગર્વ હોવો જોઈએ. હું ફલાણાની પત્ની છું એમ કહીએ ત્યારે તો કપાળનો ચાંલ્લો ઝગમગી ઊઠતો હોય છે! રિયાને

એનો વાંધો હોય તો તે વધુ પડતી આધુનિક ગણાય!

‘ઍનીવે લજ્જા, તારી શી પ્રવૃત્તિઓ હોય છે ઘરકામ સિવાય?’

‘મા તો મને ખાસ કામ પણ નથી કરવા દેતાં!’ લજ્જા હસી. ‘બસ, ટીવી જોઉં, બુક્સ વાંચું...’

‘તો તું અમારી સંસ્થા જૉઇન કર. નારીજાગૃતિ પીડિત નારીઓના આશ્રયસ્થાન સમી સંસ્થામાં આવીશ તો જાણીશ કે ભારતમાં સ્ત્રી પ્રત્યે કેટલો અત્યાચાર થઈ રહ્યો છે. દુખિયારી સ્ત્રીઓની અમે કેટલી મદદ કરીએ છીએ એનું ગાણું નહીં ગાઉં, પરંતુ એથી મળતો આત્મસંતોષ અનેરો હોય છે.’ રિયાએ ચપટી બગાડી, ‘ડૂ વન થિંગ. સંસ્થામાં જોડાવાનું પછી વિચારજે, આ આઠમી માર્ચથી ઇન્ટરનૅશનલ વુમન્સ વીક શરૂ થવાનું છે. એ દરમ્યાન અમે ઘણા કાર્યક્રમો કરવાના છીએ. વાય ડોન્ટ યુ જૉઇન ઍઝ વૉલન્ટિયર? માજી, તમે જ તમારી

વહુને કહોને.’

પીડિતાઓને મદદરૂપ થવાના સારા કામમાં ના કેમ પાડવી?

ઉષામાથી ઇનકાર ન થયો ને તેમની સંમતિ મળતાં રિયા ખીલી ઊઠી, ‘ડન. તો આઠમીની સવારે આઠ વાગ્યે તૈયાર રહેજે...’

પાછલી રૉમાં બેઠેલા આકાશના કપાળે કરચલી ઊપસી. રિયા લજ્જાને ક્યાં લઈ જવાની? તેણે ધાર્યું છે શું?

€ € €

‘તમારે લજ્જાની ચિંતા કરવાની જરૂર નથી, એ માટે હું બેઠી છું.’ નાટક પત્યા પછી ઘરે રિટર્ન થતી વેળા આકાશના પ્રશ્ન સામે રિયાએ ફોડ પાડ્યો, ‘વુમન્સ ડે નિમિત્તે થનારા પ્રોગ્રામ્સમાં લજ્જાને લઈ જઈને મારે તેને સમજાવવું છે કે સ્નેહ-સમર્પïણના નામે તને કેવી નોકરાણી જેવી બનાવી દીધી છે મા-દીકરાએ... સાસુને વૉશરૂમ લઈ જવાનું કંઈ આપણું કામ છે? પાછી ભોળી એટલી કે કહે સાસુ મને કામ નથી કરવા દેતી. અરે, મતલબ એ કે ઘરમાં સાસુનું જ રાજ ચાલે છે! આ બધું તેને સમજાવું પડશે...’

આકાશે ઊંડો શ્વાસ લીધો, ‘રિયા, આઇ ઍમ સોરી. મારે લજ્જાને વખાણવાની નહોતી. તું એનો રિવેન્જ

ન લે.’

‘નૉન્સેન્સ...’ રિયાનાં નેણાં ફૂલી ગયાં, ‘એક નાદાન સ્ત્રીને સમાનતાના પાઠ ભણાવવા એ રિવેન્જ ન કહેવાય આકાશ, પુણ્ય ગણાય!’

આકાશ સમજી ગયો. હવે કોઈ વાતે રિયા વળવાની નહોતી. જે થાય એ જોયા-કર્યા સિવાય પોતાની પાસે કોઈ વિકલ્પ પણ નથી. હવે જોઈએ, ડેસ્ટિનીમાં શું લખાયું છે!

€ € €

અને આઠમીની સવાર આવી પહોંચી. લજ્જા રિયા સાથે નીકળી. ઘરનો ઉંબરો ઓળંગતી વહુને ઉષાબહેન તાકી રહ્યાં.

ના, તેમના હૈયે તો વહુ સારા કામે જઈ રહ્યાનો સંતોષ જ હતો. આગળ શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

€ € €

‘અરુણાબહેન, આ લજ્જા.

અમારી નેબર.’

સંસ્થાના મકાને રિયા લજ્જાને લઈને પહોંચી ત્યારે રૅલીની તૈયારી અંતિમ ચરણમાં હતી. ચાલીસેક જેટલી મહિલાઓમાં વીસ-બાવીસથી માંડીને પંચાવન-૬૦ સુધીના વયજૂથનો સમૂહ ભાળીને એટલું તો લાગ્યું લજ્જાને કે સ્ત્રીજાગૃતિની આવશ્યકતા દરેક તબક્કે રહેતી હોવી જોઈએ!

સંસ્થામાં રિયાનો પ્રભાવ પણ વર્તાયો. આજની રૅલી માટે ઑફિસમાં રજા મૂકવાની ક્રિયામાં રિયાની પ્રાયોરિટી પરખાઈ આવે. સંસ્થાનાં સર્વેસર્વા અરુણાબહેનને મેળવવા પણ લઈ ગઈ, ‘આપણા અઠવાડિક કાર્યક્રમોમાં વૉલન્ટિયર તરીકે જોડાઈ છે.’

અરુણાબહેને તેને સ્મિતભેર આવકારી. તેના સંસાર વિશે જાણીને રાજી થયાં, ‘આપણી સંસ્થામાં સ્વસ્થ પરિવારવાળા જોડાય એ બહુ જરૂરી છે.’

સ્વસ્થ કુટુંબનો ઇશારો આપીને તેઓ રિયાને સૂચવવા માગતાં હતાં કે સાસુથી અલગ રહેવું સ્વસ્થતાની નિશાની નથી! પણ રિયાને એની ગણના નહોતી. ફંક્શનની ધમાલમાં બીજું સૂઝે પણ કેમ?

ગરવાઈભર્યાં અરુણાબહેન ડિવૉર્સી છે.

‘દહેજના ત્રાસ સામે મેં બંડ પોકારીને છૂટાછેડા લીધા. અમારા સમાજમાં એ સમયે બહુ અસામાન્ય ઘટના હતી એ. મારા માવતરનો મને સપોર્ટ મળ્યોં. હું ભણેલી હતી એટલે પગભર થઈ શકી. પછી તો મેં લૉ પણ કર્યું. પણ જેને કોઈ જ સહારો ન હોય તેનું શું? મારા કપરા સમયે મને બીજાની દીવાદાંડી બનવા પ્રેરી અને પછી તો એ ઉદ્દેશ જ મારું જીવનલક્ષ્ય બની ગયો...’

લજ્જાને તેમની ગાથા પ્રેરક લાગી. કડવા અનુભવ છતાં તેઓ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી પરેહ છે એ વધુ ગમ્યું.

ચાર કિલોમીટર લાંબી રૅલીમાં જોડાયેલા ઘણા લોકોની કથાવ્યથા લજ્જાએ જાણી. ક્યાંક પતિની બેવફાઈ હતી, ક્યાંક નણંદનો ત્રાસ હતો. ક્યાંક જાતીય શોષણ હતું, ક્યાંક કાર્યક્ષેત્રની કઠણાઈ... પૈતૃક મિલકતમાં હિસ્સા માટે પિયરિયાં સાથે ભીડનારી મહિલાને જોતાં લાગ્યું કે સ્ત્રીઓમાં હક માટેની આટલી સભાનતા અગાઉ ક્યારેય નહોતી. ગૂંગળાઈ મરવાને બદલે અવાજ ઉઠાવનારી આ તમામ સ્ત્રીઓ અભિનંદનને પાત્ર છે. કોઈ પોતાના સુખદ અનુભવને કારણે સંસ્થામાં જોડાયું છે, કોઈને ન્યાયની તલાશ છે તો રિયા જેવા સમાજસેવાના ઉમદા હેતુથી અરુણાબહેને માંડેલા યજ્ઞમાં જોડાયા છે.

‘હું દૃઢતાપૂર્વક માનું છું કે જે બદલાવ તમે સમાજમાં ઇચ્છો એની શરૂઆત તમારા ઘરથી થવી જોઈએ.’

રૅલી વિખરાઈ પછી વળી લજ્જા સાથે સંસ્થા પાછી આવેલી રિયા કહેતી રહી, ‘હું કોઈ બીજા માટે સમાનતા માગતી હોઉં તો હું ખુદ પહેલાં એ સમાન સ્તરે પહોંચી હોવી જોઈએ. તને કદાચ હસવું આવશે, પણ બાઈ ન આવે તો કચરો હું કાઢું તો પોતું આકાશ મારે. ફેર બૅલૅન્સ.’

લજ્જા ડઘાઈ. હાય રામ, આકાશભાઈ પોતું મારે!

‘તારા જેવી સ્ત્રીઓની આ સોચે જ પુરુષોને ફંટવી માર્યા છે. કેમ, જે કામ તું કરી શકે એ આરવથી કેમ ન થાય? હું કેવળ હાઉસવાઇફ હોત તોય આકાશ પાસે મેં આ કામ કરાવ્યું હોત. ઘર સંભાળવું ઇઝન્ટ ઇઝ જૉબ! પુરુષ બહાર કામ કરે એટલે શહેજાદો, પત્ની ઘરનાં કામ કરે એટલે નોકરાણી?’

લજ્જા સાંભળી રહી.

‘સાંજે આરવ ઘરે આવે ત્યારે સજીધજીને તૈયાર રહેતી તને મેં જોઈ છે. તું પિયરથી આવવાની હોય ત્યારે આરવ આમ અપટુડેટ રહે ખરો?’

લજ્જાએ વિચાર્યું, ડોક ધુણાવી : ના...

‘તો પછી કાલથી તારે પણ સજવાનું છોડી દેવું.’

‘અરે, પણ આરવને એ ગમે છે.’

‘આરવ તારા માટે અપટુડેટ થાત તો તને પણ ગમ્યું જ હોત? હવે જો તેને તારું ગમતું કરવામાં રસ નથી તો તારે શા માટે તેના ગમા-અણગમાની પરવા રાખવી?’

લજ્જા બઘવાઈ. પતિ થાકીને કામથી ઘરે આવે ત્યારે સાજશણગાર સજીને તેને આવકારવાની પ્રેમાળ ઘટનાને સમાનતાના ઍન્ગલથી જોવા જાઓ તો કેવી બિહામણી લાગે, નારીત્વના અપમાન સમી જણાય!

‘આપણે શા માટે અપમાન સહેવું?’

પ્રશ્ન લજ્જાના હૈયે ચોંટી ગયો.

બીજા દિવસના કાર્યક્રમની પૂર્વતૈયારી પતાવીને તે લજ્જા સાથે મોડી સાંજે ઘરે પહોંચી ત્યારે આરવ આવી ચૂકેલો, પણ ફ્રેશ થયો નહોતો. ‘થૅન્ક ગૉડ, તું આવી ગઈ!’ પોતાને ભાળીને આરવ ખીલી ઊઠuો એ

ગમ્યું પણ...

‘ચલ, જરા ગરમ પાણી કાઢી દે તો...’

પોતાનું આ રોજનું કામ હતું, આજે થયું કે ગરમ પાણી માટે આરવ મારી રાહ જોતા હતા?

ના, ના, જે કામ હું જ કરતી હોઉં એમાં તેમને ગતાગમ કેમ પડે? માથું ખંખેરીને લજ્જા રૂટીનમાં પરોવાઈ, પણ એ તો તાત્પૂરતું.

વુમન્સ વીકની ઉજવણી દરમ્યાન સતતના મેળાપમાં રિયા પોતાના નજરિયાથી આવી કંઈકેટલીયે ઘટનાને નવીન ભાત દેતી રહી.

‘તું તારી નણંદનાં બહુ વખાણ કરતી હોય છે... સ્ત્રી તરીકે પિયરમાં તેના અડધા હિસ્સાની હું તરફેણ કરું છું, પરંતુ તેને થતા વહેવારમાં વહુ તરીકે તારી કન્સેન્ટ લેવાય છે? કેમ, જાણવાનો તારો હક નથી? વહુ ફક્ત દીકરી-જમાઈને ભાવતાં ભોજન બનાવવા માટે છે?’

લજ્જાને અમસ્તું જ સાંભરી ગયું કે હજી ગયા અઠવાડિયે માએ કોઈ પ્રસંગ માટે નિયતિબહેનને પહેરવા મોતીનો દાગીનો આપ્યો હતો. મા-દીકરી વચ્ચે ક્યારે એ વિશે વાત થઈ હશે, ઘરેણું પાછું આવ્યું કે નહીં કોણે જાણ્યું?

‘અને તું કહે તો સોનાના પતરા પર લખી આપું કે વહુની દુશ્મન નંબર વન એટલે સાસુ. હું તો તેને સ્ત્રીના નામે કલંક જ ગણું છું. વહુને ગણે નહીં, હંમેશાં દીકરાનું ઉપરાણું લેશે. એટલે તો હું મારાં સાસુથી છૂટી થઈ - પત્ની પતિ ખાતર પોતાનું પિયર અને મા-બાપ છોડી શકે તો પતિ કેમ નહીં?’

લજ્જાને થયું કે મુદ્દો તો સાચો! નાહક જ જુદી રહેતી વહુ વગોવાય છે!

‘હું તને ભડકાવતી યા ચડાવતી નથી લજ્જા, જે માનું છું એ કહું છું. જે સત્ય છે એ કહું છું.’

આ તો સાચું. રિયાની રહેણીકહેણીથી આ અઠવાડિયામાં વાકેફ થયા પછી લજ્જા માનતી થઈ હતી. જૉબને કારણે સંસ્થાના દરેક પ્રોગ્રામમાં તો તે ફુલટાઇમ હાજર ન રહી શકતી; પરંતુ થોડી વહેલી આવીને દેખરેખ જરૂર રાખતી, લજ્જાને કંપની આપવાનું ન ચૂકતી.

‘હવે ઘરે જઈને રાંધશો?’ એવું લજ્જા પૂછી પાડે તો કહી દે : કુકના ટાઇમ ફાવે એમ નથી એટલે સવારનું ટિફિન હું બનાવું તો સાંજની રસોઈ આકાશ! ભૂખ સ્ત્રી-પુરુષ બેઉને લાગતી હોય તો રાંધવું પણ બેઉએ જ જોઈએને!’

‘નજરિયો બદલીશ તો તું પણ તારા સંસારની અસામનાતાઓ પારખી શકીશ, સમાનતા માટે ઝઝૂમી શકીશ... એટલો વિશ્વાસ રાખજે કે નારી જાગૃતિ તારી સાથે જ છે! ’

ખુમાર છવાયો.

€ € €

બીજે દહાડે રવિવાર હતો.

‘સાંજે નિયતિ-નિર્વાણકુમાર આવે છે.’ બપોરના રસોડામાંથી પરવાર્યાં કે ઉષાબહેનને સાંભર્યું, ‘સવારે નિયતિનો ફોન હતો, મને હમણાં યાદ આવ્યું.’

નણંદના આગમનના ખબરે લજ્જા હંમેશની જેમ હરખાઈ. પછી થયું કે પોતે નજરિયો બદલીને પણ જોયું હોય તો?

અને તેને ‘દેખાયું’...

‘નિયતિબહેન બધું બારોબાર તમારી સાથે પતાવી દે એ ન ચાલે મા. પંદર દહાડા પહેલાં તમે તેમને મોતીનો સેટ પણ આપ્યો. ઠીક છે, હું કંઈ બોલતી નથી, પણ એથી મારી ગણતરી દીકરી-જમાઈ માટે રાંધનારી તરીકેની જ હોય એ હવે ચાલશે નહીં.’

ઉષાબહેન હેબતાયાં, આરવના કાનમાં ધાક પડી. લજ્જાએ આ શું માંડ્યું છે?

‘આજે મારો વિચાર મારા પિયર જવાનો થાય છે. કહી દેજો નિયતિબહેનને કે આવતા રવિવારે આવે!’

સ્તબ્ધતા વિખેરીને પોતાની રૂમમાં પ્રયાણ કરતી લજ્જાને ઊંડે-ઊંડે હરખ હતો કે હવે મારો નજરિયો પણ બદલાઈ રહ્યો છે! સ્ત્રીસમાનતા ઝિંદાબાદ.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK