કથા-સપ્તાહ : સ્ત્રી - (નારીની ગત ન્યારી - 2)

બધી વહુઓને સાસુ અછૂત જેવી નથી લાગતી! આકાશનું વાક્ય રિયાને ચુભતું રહ્યું.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


લગ્નના છ જ મહિનામાં પોતે આકાશના પેરન્ટ્સથી અલગ થઈ નવું ઘર માંડ્યું એનો ડંખ આકાશ વરસેય ભૂલ્યો નથી!

‘મેં તો જોયું છે કે આરવ-લજ્જા ઉષાઆન્ટીને કેટલું સાચવે છે.’ કાર હંકારતા આકાશે ઉમેર્યું, ‘આરવ તો ઠીક દીકરો છે, ખરા ધન્યવાદ લજ્જાને આપવા જોઈએ. આજના જમાનામાં, આપણી પેઢીમાં એવીયે વહુ છે જે સાસુને નાટક-સિનેમા જોવા પણ લઈ જાય છે. બાકી તો વડીલોએ મંદિરે જ જવાનો ધારો પાડનારા ઓછા નથી અને કેટલાકને તો એનીયે તમા નહીં.’

‘હં! તમે દાઢમાં બોલો છો એ મને સમજાય છે આકાશ, પણ સવાલ કેવળ સાસુને લઈ જવાનો નથી... વરની માને જેટલા ભાવથી લજ્જા લઈ જાય છે એ ભાવ તેની માને દોરતી વેળા આરવમાં પ્રગટવો સંભવ છે ખરો? સંસારની આ જ વિસંગતિ છે, સમાનતામાં માને તો તે પુરુષ શાનો!’

સમાનતા... ઇક્વલિટી!

‘આઇ બિલીવ ઇન ઇક્વલિટી.’

રિયા કહેતી.

ખારના શૅરબ્રોકર પિતાની એકની એક દીકરી તરીકે રિયા લાડકોડ, વૈભવમાં ઊછરી હતી.

‘તારાં દાદીને દીકરાની બહુ હોંશ હતી. મેં જણી દીકરી. મર્યા ત્યાં લગી મારું માથું ખાતાં રહ્યાં - તમારે બીજું સંતાન કરવું જ જોઈએ, દીકરા વિના વંશ આગળ વધતો હશે! પણ માત્ર એ કારણથી દીકરો જણવાના મતની હું નહોતી. તારા પપ્પાનો મને સપોર્ટ હતો. અમારે મન તો દીકરા-દીકરી બેઉ સરખાં.’

વંદનાબહેન સંભારતાં. મોટી થતી રિયાને નિદોર્ષભાવથી કહેતાં, ગામ રહેતાં અભણ સાસુની દીકરા માટેની ઘેલછા વિશે જણાવતાં એમાં ક્યાંય મારપીટ, મહેણાંટોણાંનો ત્રાસ નહોતો તોય રિયાને લાગતું કે જાણે મારી માએ કેટલું સહન કર્યું! અજાણપણે જ સ્ત્રી-પુરુષની સમાનતાનો મુદ્દો દિલદિમાગમાં ઘર કરતો રહ્યો. ભારતીય સમાજમાં સ્ત્રીઓ પર થતા અન્યાય, જુલમ વિશે જાણવું-વાંચવું તેને ગમતું.

નોકરાણીની પીઠ પર સળ દેખાય તો ચોક્કસ ધણીએ તેને ફટકારી હશે એવી જ આશંકા થાય! અતિ ગંભીરપણે બાઈને પૂછી પણ લે. ‘નહીં રે.’ ઊલટું બાઈ હસીને જવાબ વાળે, ‘ગાદી તડકે મૂકી હતી એટલે પલંગના પતરાના સળ ઊભરાયા હશે...’

તેનો જવાબ સાચો જ હોય છતાં રિયાના મનમાં પડઘો ઊઠે : બિચારી સ્ત્રી. પતિની ઇજ્જત સાચવવા કેટલું જૂઠું પણ બોલતી હોય છે! સ્ત્રીને દયાની દેવી, કરુણાની મૂર્તિ ગણી ખરેખર તો પુરુષજાતે જુલમ કરવાની છૂટ લઈ લીધી છે!

હું આવું નહીં કરું - તે નિર્ણય ઘૂંટતી. કૉલેજમાં આવ્યા પછી સ્ત્રીઓના હક માટે લડતી સંસ્થા નારી જાગૃતિની સભ્ય પણ બની.

અહીં આવતા મોટા ભાગના કેસ સાચે જ અરેરાટી ઉપજાવનારા રહેતા. દહેજના નામે, દેહના નામે, દીકરાના નામે આજે પણ સ્ત્રીઓ પર જુલમ થાય એ ખરેખર તો ડૂબી મરવા જેવી ઘટના છે. આમાં કેવળ પુરુષ દોષી નથી હોતો, સાસુ-નણંદ જેવી સ્ત્રીઓ જ સ્ત્રીની દુશ્મન બને એ કેવું!

અલબત્ત, રિયાને તો આમાંય પુરુષોનો વાંક જ વધુ દેખાતો - પોતાની મા-બહેનને તેણે છૂટ આપી તો જ તેઓ તેની બૈરીને મારેઝૂડેને!

ક્યારેક એવુંય બને કે સંસ્થના જુહુ ખાતેના કાર્યાલય પર રોદણાં લઈને આવતી વહુ પોતાના સ્વાર્થ ખાતર તદ્દન જૂઠા આરોપ સાસરિયાં પર મૂકતી હોય. આવા બે-ચાર અનુભવ પછી પ્રૌઢ વયનાં સંચાલિકા અરુણબહેનની કાર્યકર્તાઓને સ્ટ્રિક્ટ સૂચના હતી કે સહેજમાં કોઈની વાતમાં આવી જવું નહીં, ફરિયાદીના બયાનને ચકાસવું અને પછી જ આગળ વધવું!

રિયા આને જુદી રીતે જોતી : પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીએ શું નથી કરવું પડતું!

સંસ્થા સ્ત્રીઓને કાનૂની સહાય આપે, ધરણાં જેવા કાર્યક્રમો રાખે એમાં રિયા અગ્રેસર રહેતી. અત્યંત રૂપાળી, મૉડર્ન, સમાનતાની વિચારસરણી ધરાવતી રિયાનો આત્મવિશ્વાસ પ્રભાવિત કરનારો હતો. તેની વાક્ચાતુરી વખાણવાયોગ્ય હતી.

‘સ્ત્રીઓના હક માટે લડવાનું તારું જોશ મને ગમે છે રિયા...’ અરુણાબહેને તેને કહેલું, ‘પણ એથી દુનિયાના તમામ પુરુષોને બૂરા આંકવાની ભૂલ ન કરતી. અહીં રાવણ છે તો રામ પણ છે અને સીતા છે તો શૂર્પણખા પણ છે જ.’

તેમની ટકોરે એટલું કામ કર્યું કે કૉલેજ પછી જૉબ કરતી થઈને પગભર બનેલી રિયાની લગ્ન માટેની સમજબારી ખૂલી.

ના, વયસહજ સ્પંદનો તો તેનેય થતાં અને પુરુષો માટે જ થતાં, પણ સ્વયંને એનાથી અલગ રાખવા મથતી. પુરુષને વશ થવાની અમારી નબળાઈ જ સ્ત્રીમાત્રને નબળી પાડે છે!

બીજું કોઈ હોત તો અકળાઈ જવાય, કંટાળી જવાય; પણ રિયાનું વ્યક્તિત્વ જ એવું રૂપકડું હતું કે મુગ્ધ થઈને સાંભળ્યા કરીએ.

ખેર, રાવણ સાથે રામ હોવાની દલીલ કંઈક ગળે ઊતરી અને તે લગ્ન માટે તૈયાર થઈ. મા-બાપ માટે એ હાશકારો વધુ હતો. નારી સંસ્થાનો ઝંડો લઈને ફરતી દીકરી લગ્ન કરવા રાજી થશે પણ ખરી કે કેમ એ પ્રશ્નનો અંત આકાશના મિલન સાથે આવ્યો!

ઇન્ડસ્ટ્રીમાં મૅનેજરની જૉબ કરતા નીલેશભાઈ અને ગૃહિણી માતા સાવિત્રીબહેનનો તે એકનો એક દીકરો. આર્થિક સ્થિતિ સધ્ધર. ઘાટકોપર ખાતે તેમના ત્રણ બેડરૂમના ફ્લૅટમાં સુખ-સંપન્નતા વર્તાતી. આકાશ દેખાવમાંય પાછો રૂપાળો.

રિયાનુંય મન બેઠું. છતાં પોતાના પક્ષે કરવા ઘટતી ચોખવટ પણ તેણે કરી દીધી, ‘હું સ્ત્રી-પુરુષ સમાનતામાં માનું છું. ઑફિસે જતા પતિને રૂમાલ આપે કે પાછા આવતા વરનાં શૂઝ ઉતારે એવી પત્ની હું ન બનું. પત્ની કંઈ પતિની ગુલામ નથી.’

‘બિલકુલ નહીં.’ આકાશ મલકેલો, ‘હું તો તેમને એકબીજાના પૂરક માનું છું.’

છટાભેર બોલતી રિયા તેને ગમી ગઈ હતી. માંડ બાવીસની વયે આટલી વૈચારિક સ્પષ્ટતા પ્રભાવિત કરનારી જ ગણાય!

બેઉ પક્ષની હા થઈ. લગ્ન સુધી તો બધું પરીકથા જેવું સુંદર-સુંદર રહ્યું. મુગ્ધ લાગણીને વશ થતી રિયા પણ સ્ત્રીસંસ્થા, હક, સમાનતા જેવા શબ્દો ભૂલી ગઈ. આકાશને તે ચાહતી, એનો ગર્વ પણ અનુભવતી.

સાસરામાં તેને બધી છૂટ હતી.

પહેરવા-ઓઢવાની, હરવા-ફરવાની. ત્યાં સુધી કે ‘વહુએ નોકરી ચાલુ રાખવી હશે તો પણ અમને વાંધો નથી.’ એવુંય સાવિત્રીબહેને કહ્યું હતું, ‘તેની ખુશીમાં અમારી ખુશી.’

હનીમૂન પિરિયડ સુધી રિયા પણ ભાવવિશ્વમાં તણાતી રહી. પછી તેનામાં ધરબાયેલી વિચારસરણી હળવે-હળવે જાગી.

‘વહુ, આજે મને તાવ જેવું લાગે છે. તમારું ટિફિન બનાવી લેજે.’

દીકરો-વહુ બેઉ સવારના નોકરીએ નીકળી જાય. વળી નવા-નવા પરણેલાને ઊઠવામાં વહેલું-મોડું થાય એટલે વિના કહ્યે-જતાવ્યે સાવિત્રીબહેન પોતે વહેલાં ઊઠીને તેમનું ટિફિન રાંધી દે - હું આકાશ માટે કરતી જ હતી, ભેગું વહુનું કરવામાં મને શું ઘસરકો પડવાનો!

પણ એમાં બ્રેક પડ્યો ને રિયાની ભીતર સમાનતાનો સળવાટ થયો : નોકરીએ તો મારે પણ જવાનું છે, તો પછી માએ મને જ કેમ રાંધવાનું કહ્યું? આકાશ પુરુષ છે એટલે રાંધી ન શકે એવું કયા પીનલ કોડમાં લખ્યું છે?

‘હું એક શરતે રાંધીશ. બીજી વાર તમને ન ફાવે એવું હોય ત્યારે આકાશે ટિફિન તૈયાર કરવાનું.’

વહુની લઢણે સાસુ-સસરા ડઘાયાં. આકાશે કહેવું પડ્યું, ‘ટેક ઇટ ઈઝી. અમે બહાર ખાઈ લઈશું.’

આવો મધ્યમ માર્ગ જોકે દર વખતે ઓછો નીકળે!

‘દર રવિવારે તમે તમારા ફ્રેન્ડ્સ જોડે પ્રોગ્રામ ગોઠવી દો આકાશ એ ન ચાલે. મહિનાના બે રવિવાર હું કહીશ એ જ પ્રોગ્રામ થવો જોઈએ.’

આકાશ રિયાને ચાહતો, પણ રિયાના આગ્રહ અણગમો પ્રેરવા લાગ્યા. બે વિરુદ્ધ છેડાની લાગણીમાં બિચારો પીસાતો. સાસરે આવેલી પત્ની પતિના ઢાંચામાં ઢળે, તેના ઘર-મિત્રો-સગાંમાં ભળે એ સ્વાભાવિક અપેક્ષાનો એમાં પણ રિયાને વાંધો? એમાંય સમાનતાની સ૨ખામણી! આકાશ ગુસ્સે થતો તો રિયા પણ તાડૂકતી - હું કંઈ એમ ડરું એમ નથી! 

બેઉની દલીલો ઘરની દીવાલો ધþૂજવી દેતી. સાવિત્રીબહેન વચ્ચે પડવા જતાં તો રિયા મોં તોડી લેતી : અમારી વચ્ચે બોલવાની તમારે જરૂર નથી! આ તમારા જ સંસ્કારે આકાશને જડ, અભિમાની પુરુષ બનાવી દીધા છે...

પત્ની વિના વાંકે માને સંભળાવે એ કયા પતિથી ખમાય?

‘ઇનફ રિયા...’ આકાશે પણ આપો ગુમાવ્યો, હાથ ઊપડ્યો. સટાક.

‘તમે મને માર્યું - તમારી માને ખાતર!’ રિયા ખળભળી ઊઠી. સાસુઓની હેરાનગતિવાળા કિસ્સા સ્મરી ઊઠ્યા ને બળતામાં જાણે ઘી હોમાયું, ‘હવે જુઓ ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ હેઠળ તમને, તમારાં માબાપને જેલના સળિયા પાછળ કેવાં ધકેલું છું!’

ના, આકાશને પોતાની પરવા નહોતી; પણ માબાપનું જોણું થશે એ બીકે તેણે પીછેહઠ સ્વીકારી, પત્નીની માફી માગી. ખાર ફોન કરીને સાસુ-સસરાને વિનવ્યાં, નારી જાગૃતિનાં અરુણાબહેનને પણ તેડાવ્યાં. તેમની મધ્યસ્થીએ રિયા કૂણી પડી. ના, એક શરતે માની, ‘જેના ખાતર આકાશે મારા પર હાથ ઉપાડ્યો એ વ્યક્તિ સાથે રહેતાં મારું સ્વમાન મને રોકે છે અને મારું સન્માન જેનાથી જોખમાતું હોય એનાથી અળગા રહેવાનો મને હક છે!’

‘તાર્કિક દૃષ્ટિએ તું સાચી હોઈ શકે રિયા, પણ આ કંઈ એવો ઇશ્યુ ચોક્કસ નથી કે તારે આમાં ઘર છેાડવું પડે.’ અરુણાબહેન.

‘નહીં અરુણાબહેન, હવે તો મારી પણ જીદ છે. સ્ત્રી જેમ પતિ માટે તેનાં માબાપને છોડીને આવે એમ પુરુષથી પત્ની માટે પોતાનાં માબાપને છોડાય છે કે નહીં એ મારે જોવું છે.’

રિયાની રઢ આગળ સૌ લાચાર બન્યા. સાસુ-સસરાથી જુદા થવાનું રિયાએ વિચારી રાખેલું એવું નહોતું, પણ જે બન્યું એ પછી તો સાથે રહેવાય જ કેમ!

મા-બાપે દીકરાનું ઘર ભાંગવું નહોતું એટલે સમજાવીને માગણી સ્વીકારવા મનાવ્યો : તું રિયાને ચાહે છે, રિયા તને. એ હકીકત ગમે એટલા ઝઘડાથી બદલાવાની નથી. તેનાથી જુદા થવાને બદલે તું જુદું ઘર માંડ, અમે એમાં વધુ રાજી. કાલે સમય બદલાય, રિયાની મતિ બદલાય તો ભેળા રહેવાનો અવસર તો મળે!

માતા-પિતાના આશાવાદમાં રિયાના પેરન્ટ્સ ઉપરાંત અરુણાબહેનની પણ સાહેદી હતી.

‘આકાશ...’ અરુણાબહેન પોતે ડિવૉર્સી, પરંતુ કડવા અનુભવ છતાં તેઓ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી પરેહ છે, ‘લગ્ન માટે રિયાની સમજબારી ખોલતી વેળા ખ્યાલ નહોતો કે તમારે આવું પણ ઝેલવાનું થશે...’ તેમણે દિલગીરી ભેગી કન્સર્ન પણ જતાવેલી, ‘રિયાને થોડો સમય આપીએ. ક્યારેક તો તેને આગ્રહ-દુરાગ્રહનો ફેર સમજાવાનો...’

પરંતુ એ અપેક્ષા ફળે એમ લાગતું નથી. રિયાએ જુદા થયા પછી માબાપને રાત રહેવા નથી તેડાવ્યાં વરલીના ઘરે. અઠવાડિયે એક વાર તે પોતે તેના પેરન્ટ્સને ત્યાં જાય ને આકાશ પોતાનાં માબાપને મળે એવી સમાનતા ક્યારેક હાસ્યાસ્પદ લાગતી. હા, માંદેસાંજે આકાશ માબાપની ખેરખબર રાખી શકે ખરો, પૈસાની મદદ કરે એનોય વાંધો નહીં; પણ તેમને ઘરમાં પ્રવેશ

નહીં - તમારા તમાચાએ તેમને મારા માટે અછૂત કરી મૂક્યાં છે!

રિયાને આમાં ક્યાંય ગિલ્ટી ન વર્તાતી. માબાપથી છૂટા પડ્યા પછી રિયાનો સ્વભાવ જાણીને આકાશે મિત્રોની સંગત પણ નહીંવત્ કરી દીધી. ક્યારેક લાગણીવશ તે માબાપને સાંભરીને મૂંગાં અશ્રુ સારી લેતો.

ના, તેનાં અશ્રુએ રિયાનું ભીતર તો વલોવાતું, આકાશને તે ચાહતી; પણ પોતાને ખોટી નહીં સ્વીકારવા મથતું મન સાસુનો વાંક ખોળી કાઢતું : આ તેમની પરવરિશનો જ પ્રતાપ! શા માટે તે પતિ-પત્નીની વચ્ચે પડ્યાં? આકાશને એ જ સ્ત્રિયાચરિત્ર અજમાવવા નહીં કહેતાં હોય એની ખાતરી ખરી? અને તે અક્કડ બની જતી : માબાપની માયા મૂકીને હું પણ રહું જ છુંને, એમાં રડવાનું શું?

તેની સમાનતાની વિચારધારાના નહોર તીક્ષ્ણ બનતા જતા, આકાશ ખમી ખાતો. બાઈ રજા પાડે ત્યારે કામ વહેંચી લેવાનાં. ઝાડુ રિયા કાઢે તો પોતું આકાશે મારવાનું!

આકાશને લાગતું કે અમે સાથે રહીએ છીએ, જીવીએ છીએ; પણ આ સહજીવન છે ખરું? પ્રણયની મધુરતા સમાનતાની સરખામણીમાં લુપ્ત થતી જાય છે... રિયાને એ નહીં પરખાતું હોય? મારી તડપનું તેના માટે કોઈ મૂલ્ય નહીં? પ્રશ્ન ચુભતા.

આમાં ક્યારેક આસપાસ નજર ફેરવતો તો લાગતું કે આજકાલ નાની વાતે છૂટા પડવું, માબાપથી જુદા રહેવું સામાન્ય થતું જાય છે. છોકરીઓને હવે સ્વતંત્રતા જોઈએ છે, એનો રિસ્પેક્ટ કરવાનો જ હોય; પરંતુ એમાં પણ વિવેકભાન હોવું ઘટે.

લજ્જા જેવા અપવાદ નજરે ચડતા ત્યારે ધરપત છવાતી કે ના, આજે પણ એવી સ્ત્રીઓ છે જે ઘરને એકસૂત્રમાં બાંધી રાખી જાણે છે, ઘરના વડીલને તેમના પ્યારનો હક આપી જાણે છે!

રિયા સાથે આ બધું ચર્ચવાનો અર્થ નહોતો છતાં આજે બોલાઈ ગયું તો તેણે કેવી કાતર ચલાવી! મા, પપ્પા ભલે આશા સેવે; રિયામાં બદલાવની મને અપેક્ષા નથી...

પોતાના વિચાર પર નિ:શ્વાસ જ નાખી શક્યો આકાશ!

€ € €

‘આરવ, તમે બટાટાવડાં પૅક કરાવો. મા, આપણે વૉશરૂમ જઈ આવીએ.’ ભાઈદાસના પ્રાંગણમાં હાથ પકડીને સાસુને દોરતી લજ્જાને દૂરની નિહાળીને આકાશ કંઈ બોલ્યો તો નહીં, પણ તેની આંખોમાં ઊપસતો અહોભાવ રિયાને સમસમાવી ગયો.

ઉષાબહેન સાજાં-નરવાં છે. તેમને હાથ પકડીને વૉશરૂમમાં કે ક્યાંય લઈ જવાની જરૂર જ નથી. લજ્જા જેવી વહુઓ ખોટો દેખાડો કરે છે અને એથી આકાશ જેવા પુરુષો ભ્રમિત થાય છે! અહં, દોષ લજ્જાનો હોય તો ઇલાજ પણ તેનો જ થવો જોઈએ!

અને એ ઇલાજ હું કરીશ! રિયાએ ઇરાદો ઘૂંટ્યો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK