કથા-સપ્તાહ : સ્ત્રી - (નારીની ગત ન્યારી - ૧)

કોયલ બોલી...

nari

અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

દૂર ક્યાંક લતાનો કંઠ રણકી ઊઠ્યો ને પોતાને ગમતું ગીત તે પણ ગણગણવા લાગી. જૂનાં ગીતો તેને ગમતાં.

‘હું પણ થોડો ઓલ્ડ-ફૅશન્ડ છું.’ આરવના શબ્દો પડઘાતાં લજ્જાના હોઠ મલકી પડ્યા.

પહેલી મુલાકાતમાં જ જચી ગયા હતા આરવ...

‘છોકરો કમ્પ્યુટરનું ભણ્યો છે, મલ્ટિનૅશનલમાં ઊંચા હોદ્દે બિરાજે છે... ૫રિવા૨માં મા-દીકરો બે જ. આરવની મોટી બહેન વરલી પરણી છે. ખારનું તેમનું ઘર આપણા અંધેરીના ઘરથી નજીક પણ કહેવાય.....’ 

વિજયામાએ સઘળા મુદ્દા મૂકીને સાર તારવ્યો હતો - આવો રૂપાળો છોકરો જવા ન દેવાય!

એકની એક દીકરી લજ્જા ગ્રૅજ્યુએટ થતાં મા-બાપે મુરતિયા તરાશવા માંડ્યા એમાં આરવ પર તેમનું મન બેઠું હતું. છવ્વીસનો જુવાન પાણીદાર છે, તેનાં માતુશ્રી ઉષાબહેન સૂઝવાળાં છે. તેમનાં સાસુ-સસરાની તેમણે કરેલી સેવાનો દાખલો આજે પણ ન્યાતમાં દેવાય છે... પતિ નીરવભાઈના અકાળ અવસાન બાદ દીકરી-દીકરાના ઉછેરમાં ક્યાંય ચૂક્યાં નથી. આર્થિક સ્થિતિ જોકે શરૂથી સધ્ધર ખરી. એથી તેમના સમર્પણનું મૂલ્ય ઘટતું નથી. તેમની દીકરી નિયતિ ઘ્ખ્ને પરણી છે. નિર્વાણકુમાર પોતાની ફર્મ ચલાવે છે. હવે ઉષાબહેનને વહુની તલાશ છે. ન્યાતના મેળાવડામાં આપણી લજ્જાને જોઈ હશે એટલે ઓળખીતાની

મદદથી કહેણ મોકલ્યું છે. એને વધાવવાનું જ હોય!

બે-ચાર દિવસથી મમ્મી-પપ્પા વચ્ચે એકની એક ચર્ચા સાંભળીને લજ્જા અકળાઈ, ‘માન્યું કે ફોટોમાં આરવ સુંદર દેખાય છે, તેનાં મધર ગુણમૂર્તિ છે; પણ એ કંઈ છોકરો ગમવાનાં કારણો ન થયાં. રૂબરૂ મુલાકાતમાં વાત જામશે તો જ હું હા કહીશ.’

આમાં લજ્જાનું મનસ્વીપણું વધારે હતું. દીકરી એકની એક હોય ત્યારે લાડકોડમાં થોડી જિદ્દી બની જતી હોય છે, મોટા ભાગે. અલબત્ત, વિજયાબહેને દીકરીને બરાબર કેળવી હતી. ઘરનાં કામ હોય કે બૅન્ક-શૅરના કાજ, લજ્જામાં એની આવડત હતી. તેના સંસ્કારમાં કહેવાપણું ન જ હોય. છતાં લાડવશ તે જીદ કરી પાડે ત્યારે એને પોષવામાં મા-બાપ ઝાઝું વિચારતા નહીં કેમ કે તેની જીદ પણ બહુધા નિર્દો‍ષ રહેતી. જોકે આરવ બાબત વિજયાબહેન દીકરીને ગાંઠ્યાં નહોતાં : ખોટી એંટમાં ન રહેશો બહેનબા, લાયક પાત્ર હોય ત્યાં બે વસ્તુ જતી કરીને પણ બેસી જવાનું હોય!

જોકે ફરી એ ચીમકી દોહરાવવાની જરૂર પણ ન રહી... આરવ તેનાં મમ્મી અને બહેન-બનેવી સાથે ‘છોકરી જોવા’ આવ્યો ને તેને જોતાં જ લજ્જાનું હૈયું ધડકી ગયું.

અલબત્ત, તે પોતે કમ ખૂબસૂરત નહોતી. સખીઓ તો તેને મિસ અંધેરી જ કહેતી, પણ કોઈ જુવાન આટલો સોહામણો હોઈ શકે!

પાછો એટલો જ સૌજન્યશીલ. પપ્પા-મમ્મીને પગે લાગ્યો, બેઠો પણ અદબભેર. આરવથી બે વર્ષ મોટાં નિયતિબહેન. નિર્વાણકુમાર પણ કેવા મળતાવડા લાગ્યા અને ઉષામાને જોતાં જ આદર જાગ્યા વિના ન રહે.

‘તમને સાડી પહેરવી ગમે છે?’

એકાંત મુલાકાતમાં આરવે પહેલો જ પ્રશ્ન પોશાક વિશે કર્યો‍ હતો.

પાત્ર જોવાનો બેઉ માટે પ્રથમ પ્રસંગ નહોતો. છતાં લજ્જાએ આજના જેટલાં સંકોચ, શરમ અગાઉ કદી અનુભવ્યાં નહોતાં. આરવની હાજરીથી હૈયું ધડક-ધડક થતું હતું. તેની નજરમાં પોતાના માટેની મુગધતા પારખીને કંઈનું કંઈ થઈ જતું. આરવના સવાલે થોડી મૂંઝવણ પણ થઈ. સામાન્યપણે પોતે ડ્રેસ કે વેસ્ટર્ન પહેરતી હોય, પણ મુરતિયો આવે ત્યારે મા સાડી પહેરવાનો આગ્રહ રાખતી એવું કહેવું? સાડીને કારણે આરવને હું યંગ જનરેશનની નહીં લાગતી હોઉં? કે પછી તેમને સાડી ગમતી હશે એટલે આમ પૂછે છે?

શું કહેવું? તેણે આરવ તરફ જોયું ને સ્ફુરણા થઈ - તેમનાથી સત્ય છુપાવાય નહીં!

‘રૂટીનમાં હું સાડી નથી પહેરતી. આજે મમ્મીના કહેવાથી પહેરી છે.’ લજ્જાએ નજરો મેળવી, ‘માની ખુશી માટે આપણે આટલું તો કરી શકીએને?’

આરવને તેની નિખાલસતા સ્પર્શી ગઈ, ‘કેમ નહીં! જેને ચાહતા હોઈએ તેને ગમતું આપણું ગમતું થઈ જાય એ જ તો પ્રેમ.’

પ્રણયની આટલી સરળ વ્યાખ્યા કોઈએ નહીં કરી હોય.

‘અચ્છા, તો તમે કવિહૃદય પણ છો.’

‘હું ભાવનાશીલ છું, હા.’ આરવનો સ્વભાવગત આત્મવિશ્વાસ ઝળહળી ઊઠ્યો. ‘જીવનસાથી માટેની મારી અપેક્ષા કહું કે કલ્પના બહુ સ્પષ્ટ છે લજ્જા. જે મારા સંસારને પોતાનો ગણીને અપનાવી શકે હું તેનો જ થઈ શકું અને જેનો થાઉં તેના પર દુ:ખનો ઓછાયો ન પડવા દઉં એ મારું વચન.’

આમ કહેતો આરવ પૌરુષત્વના પ્રતીક જેવો લાગ્યો હતો. બેઉની પસંદ-નાપસંદ મેળ ખાતી લાગી અને એક તબક્કે લજ્જાએ કહી દીધું, ‘તમારા સંસારને હું મારો માનવા તૈયાર છું આરવ, જો તમને કબૂલ હોય... અહં, હકાર ભણતાં પહેલાં જાણી લો કે હું મારા પેરન્ટ્સની એકની એક છું. થોડી જિદ્દી છું. નાદાની આચરી બેસું તો મને સંભાળજો, સાચવી લેજો.’

‘એમાં કહેવું નહીં પડે, મારાથી વધુ મા તને સંભાળી-સાચવી જાણશે - વિજયામાની જેમ જ!’

કેટલા વિશ્વાસથી આરવ બોલી ગયા... તેમનું મા-બહેન-બનેવી સાથેનું અટૅચમેન્ટ દેખીતું હતું. લજ્જાને એ ફૅમિલી-વૅલ્યુ પણ ગમી. પોતે દૂધમાં સાકરની જેમ ભળી જશે એવી ખાતરી હતી, વિશ્વાસ હતો.

બેઉના હકારે પરિવારજનોમાં ખુશીની લહેર ફરી વળી... સગપણના બે મહિનામાં લગ્ન લેવાયાં. એનેય આજે આઠ મહિના થવાના. તોય એવું લાગે છે જાણે જન્મોજન્મથી આરવને જાણતી હોઉં! ઉષામાએ મને એટલાં લાડથી રાખી છે, નિયતિબહેન સખી જેવાં બની રહ્યાં છે મારા માટે...

‘તમારી નિશ્રામાં મારી દીકરી સુખી રહેવાની એમાં અમને સંતોષ છે.’ વિજયામા વેવાણને કહેતાં.

સુખની એ અનુભૂતિ અત્યારે પણ લજ્જાના વદન પર છવાઈ અને એની મધુરતા તેના રણકામાં ભળતી રહી.

€ € €

‘વહુ, હું દેવદર્શને જાઉં છું... હવે તારા વરજીને પણ ઉઠાડ. રવિવારે રજા હોય એટલે આટલું બધું ઊંઘવાનું!’

મેંશના ટપકા જેવું બબડીને ઉષામા નજીકની હવેલીએ જવા નીકળી ગયાં. ખરેખર તો રજાના દહાડે અમને થોડું એકાંત મળી રહે એ માટે મા બે-અઢી કલાકની સેવામાં નીકળી જતાં હોય છે એ હવે તો લજ્જાને વિના કહ્યે સમજાતું. મારાં મા તો મા જ!

હોઠ કરડીને લજ્જાએ સાડીનો છેડો કમરે ખોંસ્યો. રૂમમાં જઈને આરવને ઢંઢોળ્યો, ‘ઊઠો પતિદેવ, ઘડિયાળમાં દસના ટકોરા પડ્યા. ખરા ઊંઘણશી. તમે વેળાસર ઊઠતા નથી એમાં મા મને સંભળાવી ગયાં.’

‘ઠીક છે, હું માને કહી દઈશ કે તારી વહુ રાત્રે ઓવરટાઇમ કરાવે છે એટલે...‘

લજ્જા એવી તો લજાઈ, ‘હાય-હાય. સાવ બેશરમ છો, ધરવ તો તમને નથી હોતો.’

‘એમ! ભૂખ તો મને અત્યારે પણ લાગી છે...’ આરવે લજ્જાને ખેંચી ને ઉપરછલ્લી આનાકાની જતાવતી તે છેવટે પતિને વશ થઈને રહી!

€ € €

‘સાંજે ક્યાં જવું છે?’ છેવટે નાહીધોઈને ખંડમાં ગોઠવાતા આરવે પત્નીને પૂછ્યું.

વીક-ડેઝમાં આરવ વ્યસ્ત રહેતો. ૨ાતે કલાકેકના લૉન્ગ ડ્રાઇવ માટે નીકળતા એમાં કદી પિયર કે પછી નિયતિબહેનને ત્યાં જવાનું થાય ત્યારે લજ્જા ઉષામાનેય આગ્રહ કરીને લઈ જતી. બાકી સાસુ-વહુ તો શાકપાંદડુ લેવા કે પછી શૉપિંગમાં જતાં જ હોય.

‘મારી વહુ બહુ ગુણવંતી. વેવાણે બધી વાતે કેળવી છે...’ સગાંસ્નેહી કે આડોશીપાડોશીને તક મYયે ઉષામા કહેવાનું ન ચૂકતાં.

એવું નહીં કે લજ્જાથી નવા ઘરે ભૂલો ન થતી. ક્યારેક દૂધ ઊભરાઈ જાય કે પછી ધોબી પાસેથી કપડાં લેવામાં ચૂક થાય, કદી દાળશાકના મસાલામાં ૧૯-૨૦ થઈ જાય તો ટકોરવાને બદલે ઉષામા વાળી લેતાં : તું તો ઘણી ચોક્કસ છે લજ્જા. હું તો રોજ કંઈ ને કંઈ ભાંગરો વાટતી, પણ ધરાર જો મારાં સાસુએ મને એક શબ્દ પણ કહ્યો હોય!

જોકે લકવાની બીમારીવશ સાસુ વરસ દહાડો પથારીમાં રહ્યાં ત્યારે પોતે કરેલી ચાકરીનો ગુણ કદી ગાતાં નહીં. લજ્જા યાદ કરે તો કહી દે : મેં જે કર્યું મારાં માબાપ ખાતર કર્યું, એનો ઢંઢરો ન હોય વહુ.

લજ્જા અભિભૂત થતી.

નિયતિબહેન કહેતાં : તેં મારી મા-મારાં ભાઈને જાળવી જાણ્યાં, અમારા ઘરમાં સમાઈ ગઈ એનો મને આનંદ.

હા, સવારે ઑફિસ જતી વેળા ક્યારેક રૂમાલ ન મુકાયો હોય કે કપડાંને અસ્ત્રી ન હોય તો આરવ રૂમમાંથી બરાડે : મારી ચીજો કેમ તૈયાર નથી!

શરૂ-શરૂમાં લજ્જાની આંખોમાં પાણી ધસી આવતું : પ્રેમાળ-સ્નેહાળ આરવ મને આમ બોલે!

‘એ તો આજે પાપડ કરવા છે તે મેં વહુને વહેલી રસોડે તેડાવી લીધી. એમાં આમ ખીજાય છે શાનો?’ મા બહાનું ઊપજાવી વહુનો ઢાંકપિછોડો કરતાં, દીકરાનો કાન આમળતાં.

પછીથી વહુને સમજાવતાં પણ, આરવ ક્યારેક મનેય બોલી જાય. ઘરના મોભીને હજાર જાતની ચિંતા હોય, હું એનો બચાવ નથી કરતી; પરંતુ પુરુષ જેને ચાહતો હોય તેના પર ઊકળીયે ઊઠે, એને આપણું અપમાન સમજવામાં તેની લાગણીનું અવમૂલ્યાંકન છે એટલું તો હું ચોક્કસ માનું છું.’

આ નજરિયાથી જોતી તો આરવનો ગુસ્સો પણ વહાલો લાગતો. રાત્રે બેડરૂમમાં એનો કર પણ પોતે બરાબર વસૂલતી!

આરવનું ગમતું કરવામાં અપાર સંતોષ મળતો. સાસરામાં પહેરવા-ઓઢવાની છૂટ હતી. છતાં આરવ ઑફિસથી સાંજે ઘરે આવે ત્યારે તેને ગમતાં સાડી-શણગાર કરીને તૈયાર રહેવું લજ્જાને ગમતું.

‘પુરુષ કામ પરથી ઘરે આવે ત્યારે આપણને જોતાં જ તેનો થાક ઊતરી જવો જોઈએ. સાસુ-વહુ વચ્ચે બે વાસણ ખખડ્યાં પણ હોય તો વરને એની ગંધ ન આવવા દઈએ. ઘરમાં પ્રસન્નતા જાળવવાની જવાબદારી ગૃહિણીની છે.’ ઉષામા કહેતાં અને એમાં પાર ઊતરવા લજ્જા કટિબદ્ધ હતી.

‘તમે સાંજના પ્રોગ્રામ પૂછતા હતાને આરવ, કોઈ સારું નાટક જોવા જઈએ?’

લજ્જાને પોતાને મૂવીઝ વધુ અપીલ કરતી, પણ આરવને ડ્રામા પણ એટલા જ ગમતા ને તેને ગમતું કરવામાં લજ્જાને ગજબનો ખુમાર મળતો. વળી સારું ગુજરાતી નાટક હોય તો મા પણ જોડે આવે...

‘ભાઈદાસમાં નવું નાટક ઓપન થાય છે. હું ત્રણ ટિકિટ કઢાવી લઉં.’

આરવે પ્રોગ્રામ પાકો કર્યો, પણ એમાંથી કયો વળાંક સર્જાવાનો હતો એની ક્યાં ખબર હતી?

€ € €

‘હેય...’

રવિની સાંજે સજીધજીને મા-દીકરો-વહુ નીકળ્યાં કે લિફ્ટમાં ટૉપ ફ્લોર પરથી આવતાં રિયા-આકાશ ભટકાણાં.

આરવનો ફ્લૅટ છઠ્ઠા માળે હતો. ખરેખર તો દસ માળની આઠ વિન્ગ ધરાવતી નવજીવન સોસાયટી ઇન્ટરસિટી જેવી હતી. ઉચ્ચ મધ્યમ વર્ગથી માંડીને પામતા પહોંચેલા લોકો અહીં રહેતા. ગુજરાતીઓ પ્રમાણમાં વધુ. સંપ સારો અને વાર-તહેવાર સૌ ભેગા મળીને મનાવે એવી પ્રથા પણ ખરી.

છઠ્ઠે માળના અન્ય ત્રણ પાડોશીઓ સાથે ઉષાબહેનને વાટકીવહેવાર પણ ખરો. લજ્જા પણ એ તમામ સાથે ભળી ગયેલી. જોકે તેમને ત્યાં પોતાની સમકક્ષ કોઈ વહુ-દીકરી ન મળે. બીજાઓ જોડે હાય-હલો થાય, સોસાયટીના ગૅધરિંગમાં ગપાટા મારીને છૂટા પડવા જેટલો સંબંધ. એક વિન્ગને કારણે રિયાને પણ

આવતાં-જતાં મળવાનું થયું છે. પોતાનાથી બે-એક વરસ મોટી રિયા એકાદ માર્કેટિંગ કંપનીમાં એક્ઝિક્યુટિવ છે ને તેનો વર આકાશ બૅન્કર છે એટલી જાણ.

‘તું ઘરની બહાર નીકળે તો જાણેને દુનિયામાં સ્ત્રી આજે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે!’ એકાદ વાર રિયાએ કહેલું વાક્ય પડઘાઈ ઊઠ્યું. એ વાત જુદી કે પોતાને એવી જરૂર નહોતી વર્તાઈ!

‘મંદિરે જાઓ છો?’ અત્યારે રિયાએ પૂછતાં લજ્જાએ ડોક ધુણાવી, ‘નહીં, નાટકમાં જઈએ છીએ, ભાઈદાસ.’

‘રિયલી!’ રિયાએ પાંપણ પટપટાવી. ‘આન્ટીજી પણ તમારી જોડે આવે છે? લવલી. અમે પણ ત્યાં જ જઈએ છીએ. મળીએ.’

પાર્કિંગમાં મુખ મલકાવીને બે પરિવાર છૂટા પડ્યા.

‘હૉરિબલ!’ કારમાં ગોઠવાઈ રિયાએ બળાપો ઠાલવ્યો. ‘હસબન્ડ-વાઇફ માને લઈને જાય છે! એ પણ સન્ડે ઈવનિંગ?‘

‘એને સંસ્કાર કહેવાય. રિયા બધી વહુઓને સાસુ અછૂત જેવી નથી લાગતી હોતી.’

‘હં! તમે દાઢમાં બોલો છો એ મને સમજાય છે આકાશ, પણ સવાલ કેવળ સાસુને લઈ જવાનો નથી... વરની માને જેટલા ભાવથી લજ્જા લઈ જાય છે એ ભાવ તેની માને દોરતી વેળા આરવમાં પ્રગટવો સંભવ છે ખરો? સંસારની આ જ વિસંગતિ છે, સમાનતામાં માને તો એ પુરુષ શાનો!’

આકાશના હોઠ ફફડીને રહી ગયા.

ના, વુમન ઍક્ટિવિસ્ટ પત્ની સમક્ષ દલીલ કરવાનો અર્થ નથી એ તો લગ્નના બીજા વરસે હવે સમજાતું હતું.

પત્નીના શબ્દોએ હળવો નિ:શ્વાસ જ નાખી શક્યો આકાશ!

 (ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK