કથા-સપ્તાહ - શિકાર (ખેલ-ખેલાડી - 4)

તાનિયા ઓમ-અનાહતના હસ્તધૂનનને નિહાળી રહી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


પછી તો તેમની ત્રિપુટી જાણે જામી. અનાહત પણ સફરમાં એકલો હતો. તેની રૂમ પોતાના જ ફ્લોર પર હોવાનું જાણીને તાનિયા નવાઈ પામી હતી : આપણે કાલે કેમ ન મળ્યાં? સાંજની પાર્ટીમાં તમે નહોતાં આવ્યાં?

‘આઇ મિસ્ડ ઇટ...’ અનાહતે ખભા ઉલાળેલા, ‘તબિયત થોડી સુસ્ત હતી એટલે આરામ જ કર્યો. જોકે એની કસર આજે પૂરી કરી લેવી છે.

વૉટ્સ સે?’

ત્રણે શિપની સ્પોટ્ર્સ ક્લબમાં પહોંચ્યાં, ટેબલટેનિસ અને બૅડમિન્ટન જેવી રમતો રમ્યા, ત્યાંથી લાઇબ્રેરીનો આંટોફેરો કર્યો, લંચ જોડે લીધું, બપોરે મૂવીમાં ગોઠવાઈ ગયાં...

તાનિયાને હવે મજા આવતી હતી. જાણે સાથેના બેઉ પુરુષો પોતાને પ્રભાવિત કરવાની હોડમાં મચ્યા હોય એવું લાગતું હતું.

‘તાનિયા, મરૂન રંગ તને સૂટ કરે છે.’ અનાહતે ડ્રેસના કલરકોડને વખાણ્યો તો ઓમે તરત ટાપશી પૂરી, ‘તાનિયા પર તો કોઈ પણ રંગ શોભી ઊઠવાનો.’

બુફે લંચમાં અનાહત પોતાના માટે એક્સ્ટ્રા સ્વીટ લઈ આવ્યો તો ઓમે કૅલરીની ચિંતા દર્શાવી : બી હેલ્થ-કૉન્શ્યસ તાનિ, આટલી સ્વીટ સારી નહીં!

‘તોલીને ખાવામાં હું માનતી નથી...’ પોતે સ્વીટ આરોગતાં અનાહત કેવો ઝળહળી ઊઠયો. તો ઓમ પણ ઝંખવાયો નહોતો : હવે જો કાલે તારી પાસે કમ્પલ્સરી જૉગિંગ કરાવું છું!

- અત્યારે મૂવીમાંથી બહાર નીકળતાં અનાહતે રિસ્ટવૉચ જોઈ. ‘લેટ્સ ગો ટુ ઑડિટોરિયમ. ત્યાં જૂનાં ગીતોની કૉન્સર્ટ છે.’

‘એમ તો ડેકના ઓપન-ઍર સ્ટેજ પર કૅપ્ટને મૅજિક શો રાખ્યો છે...’ ઓમે કહ્યું કે અનાહતે વિશ્વાસથી ગરદન ધુણાવી, ‘તાનિયા ત્યાં નહીં આવે. આઇ નો, શી ઇઝ ક્રેઝી ફૉર લતાજીઝ સૉન્ગ્સ.’

‘કરેક્ટ...’ તાનિયાએ ચપટી વગાડી, ‘હું તો કૉન્સર્ટમાં જવાની.’

ઓમે તાનિયાનો હાથ પકડી લીધો, ‘તો હું પણ આવવાનો...’

બીજા સંજોગોમાં બે યુવાનો સાથે ઘૂમવા-ફરવાનું તાનિયાને ખુદને અજીબ લાગ્યું હોત; પણ હવે મામલો જુદો હતો, ઊંડો હતો.

પહેલા ઓમ, પછી અજાણ્યો શુભચિંતક. ‘તમારો શુભચિંતક’ લખનાર કોઈ પુરુષ જ હોય. એમાં હવે અનાહત ત્રીજા પરિમાણરૂપે ઉમેરાયો હતો. તેનું પોતાના પ્રત્યેનું આકર્ષણ હવે અનુભવી શકાતું હતું. અનાહત સરખો જુવાન પોતાના પ્રત્યે આકર્ષાય એ ગમતીલી ઘટના હતી. જોકે તાનિયાએ અત્યારે લાગણીના નાજુક છેડાને છંછેડવો નહોતો. ઉતાવળ શું કામ? અનાહત તપાસ-અધિકારી તરીકે મને નિષ્ઠાવાન લાગ્યા, પરંતુ અનાહતની નિજી જિંદગી વિશે હું ઝાઝું કંઈ જાણતી નથી. વ્યક્તિ તરીકે અનાહત કેવા છે એ સફરમાં પરખાઈ જવાનું... એકબીજાની હાજરીને કારણે અનાહત-ઓમ બરખાકેસ બાબત ચર્ચા કરવાનું ટાળે એ સમજાય એમ છે. હું ચૂપ રહી એ ઓમ માટે રાહતરૂપ પણ છે. અનાહતની સરખામણીએ ઓમનું ફ્લર્ટિંગ આંખે ચડે એવું છે. બેશક, નિર્દોષ છે એટલે ખમી લઉં છું; પણ તેનેય મારે પારખવો બાકી છે!

આમાં આગળ કેવો વળાંક આવે છે એ હવે જોઈએ!

€ € €

રાત્રે પહેલાં ઓમ છૂટો પડ્યો. પછી અનાહતને ગુડનાઇટ કહી તાનિયા રૂમમાં આવીને ફ્રેશ થઈ અને નાઇટસૂટ ચડાવીને પલંગમાં પડી કે મોબાઇલમાં ઓમનો મેસેજ ઝબૂક્યો:

‘એક ક્લુ આજે અનાહતે પૂરી પાડી. બીજી હું મોકલાવું છું.’

વૉટ્સઍપ મેસેજમાં અટૅચ કરેલી તસવીર ખૂલી. તાનિયાએ ધક્કો અનુભવ્યો.

€ € €

‘ચાર-ચાર દિવસ સાગરમાં એકધારું રહીને હું તો કંટાળી ગઈ... સારું છે કે હવે ધરતી પર ઊતરવાના!’

સફરની ચોથી સંધ્યાએ શિપ થોડા સમયમાં મલેશિયાના બારામાં લાંગરવાની હતી. આવતી કાલે સાઇટસીઇંગ પતાવીને સાંજે વળી સિંગાપોર જવા નીકળી જવાનું હતું. ઉત્સાહથી થનગનતા પ્રવાસીઓ નવા સ્થળને વધાવવા ડેક પર ભેગા થવા માંડ્યા હતા. એકાદની આવી ટિપ્પણી સામે તાનિયા મલકી એટલે તેની બાજુમાં ઊભેલાં રમાબહેન બોલી પડ્યાં, ‘ભલે ધરતી પર ઊતરવાનો હરખ થાય, પણ ધરતીનોય છેડો એટલે ઘર. ગમે એટલો યાદગાર પ્રવાસ હોય, છેવટે તો માણસનું મન એનો અંત આણીને ઘરે પહોંચવા જ બહાવરું થતું હોય છે.’

તાનિયા સાંભળી રહી. છેલ્લા ચાર દિવસમાં પોતે મોટા ભાગે ઓમ-અનાહત જોડે હરતી-ફરતી રહી એ મિસિસ ખુરાના જેવાને રુચ્યું નહોતું, પણ રમાબહેને સ્વસ્થ પ્રતિક્રિયા આપેલી : જોતાં જ ગમી જાય એવા બે પુરુષો સાથે તું ફરતી હોવા છતાં ક્યાંય આછકલા નથી થતા એ મેં જોયું છે. નિર્દોષ મૈત્રીમાં પાપ નથી...

અમારી ‘મૈત્રી’માં ગણતરી છે એવું જોકે તેમને પણ કહેવાય એમ ક્યાં હતું? અત્યારે પણ નિ:શ્વાસ ખાળીને તાનિયાએ રમાબહેનને સાંભળ્યાં, ‘જોકે હું ઘર-ઘર કરું એ મારા ૫તિને નથી રુચતું. તે અમારા ફ૨વાના શોખીન.

પછી હું પણ ઘરને યાદ નથી કરતી.

મારા માટે સમય ફાળવીને આમ ફરવા લઈ આવે એમાં તેમને ન ગમતું શું કામ ક૨વું!’

‘તાનિ, બરાબર સાંભળી લેજે...’ અચાનક ઓમ ટપક્યો. ‘મૅરેજ-લાઇફમાં આ મેસેજ બહુ કામનો છે!’

‘હં...’ તાનિયા શરમાઈ અને પછી તિરછી નજરે ઓમના પડખે ચાલતા અનાહતને ભાળીને મલકી લીધું.

€ € €

વળી પાછી સમુદ્રની સફર!

મલેશિયા અને સિંગાપોરના પડાવ વટાવીને જહાજ હૉન્ગકૉન્ગના આખરી મુકામનું અંતર કાપી રહ્યું છે. બે દિવસ પછી હૉન્ગકૉન્ગ આવશે. પછીના બે દિવસમાં હૉન્ગકૉન્ગ ઘૂમી સૌ મુંબઈની ફ્લાઇટ પકડીને છૂટા પડીશું... ના, એ પહેલાં તાનિયાને...

અનાહતે ઊંડો શ્વાસ લીધો. સફરમાં તાનિયા ધૂપછાંવ જેવી રહી. ક્યારેક લાગે કે તે મને પસંદ કરે છે, ક્યારેક થાય કે તે ઓમ પ્રત્યે ઢળી ચૂકી છે!

ઓમ. અનાહતનાં જડબાં સહેજ તંગ થયાં - પહેલી સાંજથી તાનિયાની પાછળ પડ્યો છે જાણે.

જોકે તાનિયા છે જ એવી. અનાહતના ગોરા ગાલ ગુલાબી બન્યા. ભીતર સનસનાટી મચી ગઈ. તાનિયાનું સ્મરણ મને કેવું ખીલવી દે છે! એ ખિલાવટ તાનિયાને દેખાડી હોય તો!

‘હેય, અનાહત...’

 તાનિયાના સાદે ડેક પર ઊભો અનાહત ઝબક્યો. સામે તાનિયા સાથે ઓમને ભાળીને હોઠ કરડ્યો : ઓમની હાજરીને કારણે બરખાકેસ બાબત ચર્ચા ન થયાનું પણ તાનિયાને ખટકતું નથી એ કેવું! જોકે એક રીતે એય સારું છે. બરખાવાળા કેસમાં તાનિયાને કહેવા જેવું છે પણ શું?

‘ક્યાં ખોવાણા!’ તાનિયાના હળવા ચીંટિયાએ અનાહત ઝબક્યો. દૂર ઊભા ઓમને છોડીને તાનિયા પોતાની પાસે આવી એ ગમ્યું, ખૂબ ગમ્યું!

‘ચાલો, ઓમ કહે છે કે યોગ વિશેનું લેક્ચર સાંભળવા જઈએ...’

ઓમ-ઓમ! તાનિયાને જણાવ્યું પણ છે કે...

અનાહતે વિચારબારી બંધ કરી. હસ્યો, ‘યા, લેટ્સ ગો!’ પોતે ના કહે તો તાનિયા ઓમ સાથે હાલતી થાય એવું કેમ થવા દેવાય!

‘હાય અનાહત...’ બેઉની જોડે થતાં ઓમે કહ્યું, ‘જોડે થાય એટલી મજા કરી લઈએ, સફરમાં હવે કેટલા દિવસ?’

તેનું વાક્ય પ્રશ્નાર્થ બનીને અનાહતના જિગરમાં ઘૂમવા લાગ્યું.

€ € €

‘એક્સક્યુઝ મી, હું થોડી વારમાં આવ્યો...’ ટચલી આંગળી દેખાડીને ઓમે પ્રવચન-હૉલમાંથી રુખસદ લીધી.

લેક્ચરમાં માંડ પચાસ-સાઠ જણ હતા. એમાંથી અડધા મોબાઇલમાં વ્યસ્ત. તોય જોકે વક્તા તો શિપિંગ કંપનીએ ચૂકવેલા ચાર્જ પ્રમાણે વફાદારીથી યોગ વિશે કહેતા રહ્યા. તાનિયા પાછલી રોમાં ઓમ-અનાહતની વચ્ચે બેઠી હતી. અનાહતને જરાય રસ નહોતો.

‘ઇઝન્ટ ઇટ બોરિંગ?’ અનાહતની ઇચ્છા પ્રગટ થઈ, ‘ચલ, ક્યાંક બહાર બેસીએ.’

‘ઓમ આવે એટલે જઈએ.’

ઓમ. અનાહત જાણે વીંધાયો, ‘તને ઓમ ગમે છે તાનિયા?’

તાનિયાએ અનાહત સામે જોયું,

‘મને હતું કે તમે મને હું ગમું છું કે નહીં એમ પૂછશો.’

તેના રણકામાં પ્રેયસીની નારાજગી વર્તાણી. અનાહતનું હૈયું ઊછળ્યું.

‘આટલા દિવસના સહેવાસ પછી હું તમને કહી શકું અનાહત.’ તાનિયા ધીમેથી ગણગણતી હતી, ‘ઓમ બાબત કોઈએ મને એવું ચેતવી કે તે ફ્રૉડ છે.’

‘અ...ચ્છા!’ અનાહતના કપાળે કરચલી ઊપસી, ‘તારા પર કોઈનો ફોન આવ્યો?’

‘નહીં, ચિઠ્ઠી...’ તાનિયાએ એ ચિઠ્ઠી કેમ મળ્યાની ગાથા વર્ણવી પોતાની કન્સર્ન જતાવી, ‘નવાઈની વાત એ કે એ રાત્રિ પછીની અત્યાર સુધીની સફરમાં તે શુભચિંતક ક્યાંય ડોકાયો નહીં.’

‘ઓહ.’ અનાહતે ખભા ઉલાળ્યા, ‘બની શકે કે તેણે પોતાની ફરજ પૂરી થયેલી માની હોય... યા તો ઓમ એવો હોય જ નહીં એટલે પણ ખોટા દાવની બાજી રમવાનો જીવ ન ચાલ્યો હોય.’

તાનિયાએ ડોક ધુણાવી, ‘એટલે જ મેં પણ એને બહુ મહત્વ ન આપ્યું, પણ એથી તેને પસંદ ઓછો કરું?’

ત્યાં ઓમ આવી રહેતાં આ વિષયમાં ચર્ચાને અવકાશ રહ્યો નહીં.

‘ડન...’ ઓમ તાનિયાના કાનમાં ગણગણ્યો. અનાહતને સંભળાયું નહીં, પણ તાનિયાનું હૈયું ધડકી ગયું.

€ € €

‘અનાહત, તમે ઓમને જોયો?’

એ જ રાત્રે ડિનર પછી ડેક પર ફરી વળેલી તાનિયા ચિંતાતુરપણે અનાહતને પૂછે છે. તેને પણ નવાઈ લાગી. ડિનર માટે રેસ્ટોરાંમાં ગયા ત્યાં સુધી તો તે અમારી સાથે હતો, એકાએક ક્યાં ગાયબ જેવો થઈ ગયો!

‘હશે, આમતેમ જ ક્યાંક હશે...’ અનાહત હજી તો આટલું કહે છે ત્યાં તાનિયાએ બગાસું ખાધું, ‘ઍનીવે, મને ઊંઘ આવે છે અનાહત. હું રૂમ પર જાઉં છું.’

ઓમ નથી તો તાનિયાનું પણ મન નથી! અહં, ઓમ તેને પસંદ ઓછો છે? તેને સાચે જ ઊંઘ આવતી હશે. હવે તો મને પણ નીંદ આવવા માંડી.

‘ચલ, હું પણ જોડે આવું...’

- અને લૉબીમાં તાનિયાથી છૂટો પડીને અનાહત પોતાની રૂમમાં જઈને નાઇટસૂટ બદલે છે કે બારણું ઠોકાયું : અનાહત...

આ તો તાનિયા! ફટાફટ ઝભ્ભો-લેંઘો ચડાવીને અનાહતે દરવાજો ખોલ્યો

એવી જ રઘવાટભરી તાનિયા અંદર આવી, ‘જુઓ, બરખાના હત્યારાની કડી મળી છે.’

‘કઈ કડી?’ અનાહત સ્થિર થયો.

‘બરખાના પપ્પાનો મેસેજ છે. તેમને બરખાના બૅન્ક-લૉકરમાંથી એક પુરુષ સાથેનો તેનો ફોટોગ્રાફ મળ્યો.’

અનાહતે આંચકો અનુભવ્યો. તાનિયાના હાથમાંથી મોબાઇલ ખૂંચવીને નજર ટેકવી. તાનિયા ઉત્સુકતાથી બાજુમાં ઊભી રહી.

ધીરે-ધીરે ડાઉનલોડ થતી ઇમેજ સુરેખ-સ્પષ્ટ બની અને...

 ‘આ તો... ત...મે અનાહત?’

અનાહત ખડખડાટ હસ્યો. તાનિયા ફિક્કી પડી.

‘બરખા સાથે તમે છો અનાહત! બરખાની જિંદગીનો અજાણ્યો પુરુષ.’

‘સો યુ કૉટ મી.’ અનાહતે તેને બાવડેથી પકડી, ‘યા, બરખા મારા માટે કામ કરતી હતી. એ પહેલાં પણ ઘણા શિકાર કરી ચૂક્યો છું હું. હવે તારેય બરખાના રસ્તે જવું પડશે, પણ એ પહેલાં...’

તાનિયાને કંઈ સમજાય એ પહેલાં ગરદને ચોપ ફટકારી અનાહતે તેને બેહોશ કરીને પલંગ પર લેટાવી.

‘તું મારો પાંચમો શિકાર થવાની તાનિયા ડાર્લિંગ. અફકોર્સ, તું મને સ્મગલિંગમાં કંઈ જ કામ નહીં લાગે. મારી મકસદ પણ એ નથી. મારે તો તારી આ ગોરી-કોરી કાયાનો ભોગવટો કરવો છે. એ માટે જ આ સફર ખેડી છે તાનિ. બહુ તરસ્યો રહ્યો, હવે...’

અનાહત તાનિયાના બદન પર ઝૂક્યો.

ના! વળતી પળે તે ટટ્ટા૨ થયો. બેહોશ બદનને ચૂંથવાની શું મજા આવે! બંધક બનેલી તાનિયા છટકી તો શકવાની નથી. મજા તો એ છે કે તે હોશમાં હોય ને હું તેના પર છવાઈ જાઉં!

હું તારા હોશમાં આવવાનો ઇન્તેજાર કરીશ... ઉતાવળ શું છે? હજી તો માથે આખી રાત પડી છે!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK