કથા-સપ્તાહ - શિકાર (ખેલ-ખેલાડી - 3)

અ મેમરેબલ ઇવ!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


જહાજ પરની પ્રથમ પાર્ટીએ તાનિયાને ખીલવી દીધી.

સમંદરની શીત લહેરને કારણે ગજબની ઠંડક વર્તાતી હતી. તાનિયાએ

સલવાર-કમીઝ પર ક્રીમ પુલઓવર ચડાવ્યું હતું. ઉજવણીનો અવસર હોય એમ અપર ડેક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. બાળકો માટે અલગ કિડ્સ ઝોન હતો, સિનિયર સિટિઝન્સ માટે આરામદાયક ખુરસીની બેઠક હતી અને કપલ્સ મદભર્યા સંગીતના તાલે ઝૂમી શકે એ હેતુથી ડાન્સ-ફ્લોર પણ તૈયાર હતા. શૉર્ટ ઍન્ડ સ્વીટ વેલકમ સ્પીચમાં પ્રવાસીઓને આવકારીને કેપ્ટન સુરેન્દ્ર સિંહાએ ડાન્સની જાહેરાત કરતાં સામેથી મને ડાન્સ માટે પ્રપોઝ કરનાર હતો ઓમ મહેતા.

કંઈક અજબ ચાર્મ હતો તેનામાં. જીન્સ અને ટી-શર્ટ પર બ્લૅક બ્લેઝરનું કાતિલ કૉમ્બિનેશન ધરાવતો ઓમ કેટલો સોહામણો લાગ્યો! ના, તાનિયા એમ કોઈથી અંજાય એમ નહોતી. આવું જ ખેંચાણ ધેટ કસ્ટમ્સ ઇન્સ્પેક્ટર અનાહતમાં પણ ક્યાં નહોતું? તોય પોતે સંયત રહેલી. ઓમને પણ તે મલકીને ઇનકાર જ કરત, પણ છેલ્લી ઘડીએ થયું કે પ્રવાસની મજા માણવી હોય તો મનને પીંજરામાં બંધ રાખ્યે પણ નહીં ચાલે! અને તેણે ઓમના હાથમાં હથેળી પરોવી દીધી હતી. નામઠામની પરિચયવિધિ તો પછી થઈ હતી!

હળવા સ્મિતભેર, બહુ નજાકતથી ઓમ પોતાને ડાન્સ-ફ્લોર તરફ દોરી ગયો હતો... મારા માટે ભલે કપલ ડાન્સનો પહેલો અવસર હોય, ઓમ કેળવાયેલો લાગ્યો.

‘થર્ટી પ્લસ છું, સિંગલ છું.’ સંગીતના તાલ પર ઝૂમતાં તે કહેતો રહ્યો, ‘અમારી ફૅમિલી વર્ષોથી દિલ્હીમાં સેટલ્ડ છે. નોકરી અર્થે હું જોકે મુંબઈ વસ્યો છું. મલ્ટિનૅશનલમાં મારી જૉબ છે.’

તેણે તાનિયાની કમરે ટેકવેલા હાથમાં ગરમાટો લાગતો હતો. તેની પકડમાં મર્દાનગી નીતરતી હતી.

‘મા મારાં લગ્ન માટે અધીરી થઈ છે, પણ મને કોઈ પાત્ર નથી જચતું. કદાચ આઝાદી સદી ગઈ છે. પ્રવાસમાં પણ એકલો જ નીકળ્યો છું.’

તાનિયાની ઇકૉનૉમી રૂમ સામે તે જોકે સ્વીટમાં ઊતરેલો. છતાં એકલા પ્રવાસીની આઝાદીનો અવળો અર્થ કાઢવા પ્રેરે એવું વર્તન નહોતું. ક્યાંય અણછાજતી છૂટ લેવાની દાનત નહીં. તાનિયાને તેની કંપનીની દ્વિધા ન ૨હી. પોતાના વિશે પણ તેણે કહ્યું : મુંબઈમાં વસવાટ, દાર્જીલિંગની કૉલેજ...

રિધમ તેજ થતી ગઈ એમ શબ્દોને અવકાશ રહ્યો નહીં. બેઉ નાચમાં મગ્ન બનતાં ગયાં. રાઉન્ડના અંતે શ્રોતાસમૂહે ક્લૅપ કરી ત્યારે ઝબકવા જેવું થયું : ઓહ, એક રાઉન્ડ ૫તી પણ ગયો!

‘તને ગમ્યું?’ ઓમે પૂછ્યું. જવાબ તાનિયાની આંખોમાં હતો : અફકોર્સ!

‘તમારી જોડી સરસ છે.’

ડાન્સ પછીના ડિનરમાં પણ બેઉ સ્વાભાવિકપણે સાથે રહ્યાં એ જોઈને મિસિસ ખુરાનાએ કેવી ગેરસમજ કરી દીધી!

‘વી આર નૉટ કપલ...’ ઓમે ન સાંભળ્યું કર્યું, પણ પોતે ઉતાવળે ખુલાસો કર્યો હતો. ઓમ મારાથી દાયકો મોટા છે અને આમ પણ પોતાના માટે કોઈ ગલત ધારણા બાંધે એ તાનિયાને મંજૂર નહોતું. તોય ઓમ આઘોપાછો થતાં તે કહ્યા વિના ન રહ્યાં, ‘તમે અત્યારે ભલે કપલ ન હો, બાર દિવસના પ્રવાસના અંતે પણ કપલ ન જ બનો એની ખાતરી ખરી?’

આધેડ વયનાં મિસિસ ખુરાનાની ટિપ્પણીએ તાનિયાને સહેજ લજવી દીધેલી, તો ૫તિ સાથે પ્રવાસે નીકળેલાં ગરવાઈપૂર્ણ સન્નારી રમાબહેનની સામાજિક ચર્ચા પણ મનનીય લાગી હતી તાનિયાને.

ખરેખર તો આવાં કંઈકેટલાંય પાત્રોનો શંભુમેળો બની ગઈ છે શિપ. કોઈ વેપારી છે, કોઈ સરકારી કર્મચારી, કોઈ હનીમૂન પર આવ્યું છે, કોઈ ડિવૉર્સી પણ છે. વય જુદી, મજહબ પણ જુદા; પરંતુ છેવટનો મહિમા તો એક જ - પ્રવાસની મોજ!

‘સફરની શરૂઆત તો સારી રહી.’ છેવટે ડેક પરથી નીકળીને રૂમ તરફ જતી તાનિયાએ જોડે ચાલતા ઓમને કહ્યું. પછી સાંભર્યું, ‘અરે, વાતોમાં તમે આગળ નીકળી આવ્યા. ઓમ, તમારો અપાર્ટમેન્ટ પાછળ રહી ગયો.’

‘હું ભૂલ્યો નથી તાનિયા. તને રૂમ પર મૂકીને જઈશ.’ કહીને તાનિયા હા-ના કરે એ પહેલાં સઢ બદલ્યો, ‘હોપ યુ વુડન્ટ માઇન્ડ.’

તેણે બ્લેઝરના પૉકેટમાંથી ચિરૂટ કાઢીને સળગાવી.

અને તાનિયાના ચિત્તમાં અનાહત ઝળક્યો. તેને પણ ચિરૂટની ટેવ હતીને! બરખાના કેસમાં બે-ચાર વાર મળવાનું બન્યું એટલે તેની આદતથી પોતે સ્વાભાવિકપણે વાકેફ થઈ. જોકે પછી તેનો કોઈ સંપર્ક રહ્યો નહીં. બરખાના અંજામનું સત્ય પણ ક્યાં બહાર આવ્યું?

પ્રિય સખીના સ્મરણે હળવો નિ:શ્વાસ સરી ગયો.

‘કોઈની યાદ આવી ગઈ તાનિયા?’ ઓમે આત્મીયતાના રણકાભેર પૂછ્યું.

તાનિયા કહી બેઠી, ‘તમને કદાચ છ માસ અગાઉનો ઍર-હૉસ્ટેસ બરખાનો કિસ્સો યાદ હશે.’

‘પેલો હવાલા અને આત્મહત્યાનો?’ ઓમે ચમક જતાવી.

‘એ જ...’ તાનિયાની ઉદાસી ઘૂંટાઈ, ‘એ બરખા મારી અંગત સખી હતી... તેનો અંજામ આજે પણ રહસ્યમય છે. ખરેખર તો એ ઘટમાળમાંથી બહાર નીકળવા પપ્પાએ મને ટૂરમાં મોકલી છે.’

‘આઇ ઍમ સૉરી. અજાણતાં જ તારો ઘા કુરેદી દીધો...’ ઓમના શબ્દો સાથે બેઉ લિફ્ટ સમક્ષ આવી પહોંચ્યાં.

‘તમે હવે નીકળો ઓમ...’

ચિરૂટનો કશ લેતાં ઓમે ડોક ધુણાવી એમાં હા હતી કે ના એ તાનિયાને પછી સમજાયું. લિફ્ટ અટકી, દરવાજો સરક્યો ને તાનિયાની પાછળ ઓમ પણ દાખલ થઈ ગયો. ત્રીજું કોઈ નહોતું.

દરવાજો બંધ થયો. છ માળ સુધીની સફરમાં બે જણ વચ્ચે શું-શું થઈ શકે એ કલ્પનાનો વિષય છે, પરંતુ છઠ્ઠા માળે લિફ્ટનો દરવાજો ખૂલ્યો ત્યારે તાનિયા સ્તબ્ધ જણાઈ અને ઓમના ચહેરા પર આછી મુસ્કાન હતી, ‘ગુડનાઇટ તાનિયા!’

તાનિયા જવાબ દેવાની સ્થિતિમાં નહોતી. ચાવી દીધેલા પૂતળાની જેમ પોતાની રૂમમાં પ્રવેશીને બેડ પર બેસી પડી.

કેટલીયે પળોના સૂનકારને ભંગ કરતો અવાજ તેના કાને અફળાયો. સરરરર...

તાનિયાની પાંપણ ફરકી. રૂમની લાઇટના અજવાશમાં જોયું તો દરવાજા નીચેથી કોઈ કવર સરકાવી રહ્યું હતું.

તાનિયા સહેજ હાંફી ગઈ. જાસૂસી જેવી ઘટનાનો અર્થ શું?

જાસૂસી. તાનિયાએ હોઠ કરડ્યો. દોડીને કવર લઈને દરવાજો ખોલ્યો.

પણ આ શું? આખી લૉબી સૂમસામ જણાઈ. મને આમ સંદેશ પહોંચાડનારો ક્યાં સરકી ગયો?

તાનિયા થયું કે પહેલાં તો કવરમાં શું છે એ જોવું પડે.

વળી રૂમમાં આવીને તેણે ખાખી કવરની કિનાર તોડી. અંદર ધાર્યા પ્રમાણે પત્ર જ હતો, પણ એમાં લખાયેલાં વાક્યોએ તાનિયાને તંગ કરી મૂકી...

સાવધાન તાનિયા, તમે જેની સાથે ફરો છો એ જુવાન એક નંબરનો ફ્રૉડ છે! તેનાથી દૂર જ રહેજો, એમાં તમારી ભલાઈ છે!

- તમારો શુભચિંતક.

તાનિયાની બુદ્ધિ બહેર મારી ગઈ.

મારો આ કહેવાતો શુભચિંતક જેને ફ્રૉડ કહે છે તે ઓમે લિફ્ટમાં કહેલા શબ્દો તાજા થયા...

‘સારું થયું તેં બરખાના કેસની ચર્ચા ઉખેળી તાનિયા. મારી આ સફર એની જ છાનબીન માટે છે અને મારો બધો દારોમદાર તારા પર છે!’ કહીને વૉલેટમાંથી પોતાનું કાર્ડ ધર્યું હતું : ઓમ મહેતા, CBI ઑફિસરનું પ્રમાણપત્ર નિહાળીને સ્તબ્ધ થઈ જવાયેલું.

‘અત્યારે તું થાકી છે, સરખી ઊંઘ લઈ લે. કાલે સવારે સ્વિમિંગ-પૂલ નજીકની રેસ્ટોરાંમાં આપણે મળીએ. પણ હા, આ વિશે કોઈને કશું કહેતી નહીં.’

તે કહેતો રહ્યો ને પોતે અવાચક બનીને સાંભળી રહેલી. ઓમ CBIનો જાસૂસ છે. મતલબ કે બરખાના કેસની તપાસ હવે CBI કરે છે?

ક્ષુબ્ધ મન ખબરનો આંચકો પચાવે એ પહેલાં કોઈ વ્યક્તિ શુભચિંતકના નામે અજાણ રહીને એવું જતાવે છે કે ઓમ બનાવટી છે!

ઓમ જૂઠું બોલ્યો? તે દિલ્હીનો રહેવાસી છે, તેની ફૅમિલી છે, મલ્ટિનૅશનલમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું એ ખોટું? CBIનું આઇ-કાર્ડ ઊભું કરવું બહુ મોટી વાત ન ગણાય. મેં બરખાની વાત ઉખેળી પછી જ કેમ ઓમ જાસૂસ હોવાનું બોલ્યો? બાકી બરખાના કેસને સાગર-સફર સાથે શું સંબંધ હોય! શક્ય છે કે મને ઇમ્પþેસ કરીને ઓમ અણછાજતી છૂટ ભોગવવા માગતો હોય... એ સિવાય કોઈને ન કહેવાની તાકીદ શું કામ કરે?

થથરી ગઈ તાનિયા.

બની શકે કે ઓમની યાત્રાનો ઉદ્દેશ જ આવી મોજમજા માણવાનો હોય. બીજાં ચાર-છ પ્રકારનાં ડુપ્લિકેટ કાર્ડ તેણે વૉલેટમાં રાખ્યાં હશે. મને ભોળવવા CBIનું કાર્ડ કાઢીને જાસૂસ બની ગયો!

આ તર્ક ફિટ થતો લાગ્યો. ઓમથી દૂરી રાખવાનું નક્કી કર્યું ન કર્યું કે વિચારધારા શુભચિંતક તરફ ફંટાઈ...

જો તે વ્યક્તિ ખરેખર મારી હિતેચ્છુ હોય તો છુપાઈને સંદેશ શું કામ મોકલે છે? મારી સામે કેમ નથી આવતી?

પ્રશ્નો જ પ્રશ્નો. તર્કો જ તર્કો. તાનિયાનું મન ઝોલા ખાવા લાગ્યું. એમ જ નીંદર આવી ગઈ. અને સફરની આ તો હજી શરૂઆત હતી!

€ € €

ઓમને મળવા જવું કે નહીં? વહેલી સવારે તાનિયાની આંખો ઊઘડી કે વળી એ જ વિચારચક્ર ફરતું થઈ ગયું.

શાણપણ કહેતું હતું કે ઓમ પર આંધળો વિશ્વાસ મૂકવામાં જોખમ છે. એટલું જ એ પણ સાચું કે અજાણ્યો શુભચિંતક પણ સાચો જ હોય એવું કેમ માનવું? બે અંતિમ વચ્ચેની અસલિયત મારે જાણવી હોય તો એ ઓમથી દૂર રહીને નહીં, નિકટ રહીને જ શક્ય બને. તેની બનાવટ પરખાય પછી તે છે અને હું છું!

છાતીમાં જુસ્સો ભરીને તાનિયા નીકળી.

‘ગુડ મૉર્નિંગ તાનિયા.’ અપાર્ટમેન્ટમાંથી નીકળીને તાનિયા થોડું ચાલી કે જૉગિંગથી પરત થતાં રમાબહેન મળી ગયાં, ‘આજે સાંજે ઑડિટોરિયમમાં જૂનાં ગીતોની કૉન્સર્ટ છે. રસ હોય તો આવજે. મળીશું’

‘જી...’ મુખ મલકાવીને તાનિયા આગળ વધી. કેમ કહેવું કે હમણાં મને બીજા કશામાં રસ પડે એમ નથી!

પોતાની ધૂનમાં ચાલતી તાનિયા પૂલ નજીક પહોંચી કે કોઈ સાથે અથડાઈ પડી.

‘સૉરી...’ કહેતાં નજર મેળવી એવી જ અચરજ પામી : અ...ના...હત, તમે!

‘તા...નિયા, તું!’ અનાહતે પણ એટલું જ આર્ય દાખવ્યું.

સ્વિમિંગ-પૂલમાંથી નીકળેલા અનાહતનો પાણીનીતરતો દેહ મર્દાનગીથી ફાટ-ફાટ થતો લાગ્યો. તાનિયાને એ પણ અહેસાસ થયો કે આસપાસના માનવમહેરામણમાંથી કંઈકેટલી નજર અનાહતને નિહાળી લે છે : પુરુષો ઈર્ષાથી, સ્ત્રીઓ અહોભાવથી, કદાચ ઝંખનાથી!

- જોકે કોઈના માત્ર શરીરસૌષ્ઠવથી મારે ભાન ભૂલવાનું ન હોય... તાનિયાનો સ્વભાવગત આત્મવિશ્વાસ દૃઢ થયો.

‘તમને ભાળીને આનંદ થયો અનાહત. સફરમાં સાથે જ છીએ તો ફરી ક્યારેક નિરાંતે મળીએ.’

‘શ્યૉર...’ અનાહત સહેજ ગંભીર બન્યો, ‘બરખાના કેસનું લેટેસ્ટ અપડેટ પણ તારી સાથે વહેંચવું છે. ’

સાંભળીને તાનિયા રોકાઈ જવી જોઈતી હતી, પણ...

‘હેય તાનિ...’ પૂલની સામી બાજુથી ઓમને હાથ હલાવીને સાદ પાડતો ભાળીને તાનિયાએ કદમ ઉપાડ્યાં, ‘ઓકે, સી યુ ધેન...’

અનાહત તાનિયાની દિશામાં જોઈ રહ્યો. તેની નજરમાં અકથ્ય ભાવ ઊપસીને અદૃશ્ય થઈ ગયો.

€ € €

‘શું વાત છે તાનિયા, મૂડમાં નથી?’

કૉફી લઈને ખૂણાના ટેબલ પર ગોઠવાતાં ઓમે પૂછ્યું. અહીં મોકળાશભર્યું એકાંત હતું. રેસ્ટોરાંની ગ્લાસવૉલમાંથી ડેક અને દરિયો ઉજાગર થતાં હતાં. પૂલ-જિમ, જૉગિંગ - સહેલાણીઓ મનગમતી ઍક્ટિવિટીમાં મશગૂલ બન્યા છે ત્યારે હું ઓમ સાથે શું કરી રહી છું - જે એક ફ્રૉડ હોઈ શકે એમ છે! આજે જાણે જેમ્સ બૉન્ડનો આત્મા પ્રવેશ્યો હોય એમ મારા હાથે-ખભે સ્પર્શી લે છે, ફ્લર્ટિંગ કરતો હોય એમ વર્તે છે! ખરેખર તો મારે તેની અસલિયતનો તાગ લેવાનો છે... સો કમ ટુ બરખા કેસ. તાનિયાએ દમ ભીડ્યો કે...

‘તાનિ, હમણાં કંઈ ન કહેતી...’ ઓમ બબડવાની જેમ બોલ્યો ને બીજી પળે તાનિયાએ જોયું તો અનાહતે બાજુના ટેબલ પર બેઠક લીધી.

તેની સાથે નજર ટકરાઈ. તાનિયા મલકી, અનાહતે પણ સ્મિત વેર્યું, ‘વી મીટ અગેઇન!’ પછી ઓમને નિહાળ્યો, ‘હાય...’

‘આ ઓમ છે...’ અનાહત કોઈ ગેરસમજ કરી લે એ પહેલાં તાનિયાએ ઉતાવળે ચોખવટ કરી, ‘સફરનો સહપ્રવાસી. ઓમ, આ છે અનાહત. કસ્ટમ્સમાં છે.’ કહીને ઉમેર્યું, ‘તમારામાં એક ચીજ કૉમન છે - ચિરૂટની ટેવ.’

સાંભળીને બેઉના ચિત્તમાં એકસરખો પડઘો પડ્યો : અમારામાં બીજી એક ચીજ પણ કૉમન છે તાનિયા, પણ તને એ અત્યારે નહીં સમજાય!

‘ત્યારે તો આપણી દોસ્તી પાકી...’ અનાહતે હાથ લંબાવ્યો. ઓમે હથેળી આપી. તાનિયા તેમના હસ્તધૂનનને નિહાળી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK