કથા-સપ્તાહ - સંન્યાસિની (ગંગાને તીરે - ૧)

 આયા મૌસમ દોસ્તી કા...


sanyasini

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમીત (પૂર્વેશ) શ્રોફ

દૂર ક્યાંકથી લતાનો સ્વર પડઘાયો. અનાયાસ તેમના હોઠ આછું મલકી ગયા : આ તો મારું બાળપણનું ગીત! ૧૯૮૯માં ‘મૈંને પ્યાર કિયા’ રિલીઝ થઈ ત્યારે મારી ઉંમર હશે આઠેક વરસની... સ્કૂલથી આવતાં અમારી સખીઓની ટોળી આ જ ગીત ગાતી હોય. સ્કૂલ છૂટ્યા પછીની મોસમ બાળકોને મતવાલી જ લાગેને!

મુસ્કાન થોડી વધુ ખીલી એટલે મા આનંદમયીએ જાતને ઠપકારી: સાધ્વીને પૂર્વાશ્રમની સ્મૃતિ શોભે

ખરી? એ પણ ફિલ્મી ગીતના સંદર્ભે! શિવ... શિવ.

તેમણે દીવા કરવામાં ધ્યાન પરોવ્યું. સંધ્યાઆરતીનો સમય થયો હતો. ગંગાતટે ભીડથી બચવા અમારે સાધુસાધ્વીઓએ પણ વેળાસર પહોંચી જવું પડે એવું સાંભળવામાં કદાચ અડવું લાગે, પણ હકીકત છે.

‘મારી આસ્થા છે જ અનેરી...’

ગંગોત્રીમાંથી વહેતી ગંગાના તેજ ફૂંફાડા જેવા પ્રવાહની જેમ ધસી આવતી યાદોને નાથવા અસમર્થ હોય એમ મા આનંદમયી સ્થિરપણે બેસી રહ્યાં. એક જ ક્ષણમાં સ્મૃતિના જળપ્રપાતે તેમને ગતખંડમાં ખાબક્યાં.

‘મારી આસ્થા છે જ અનેરી...’ નીરુબહેનના શબ્દોમાં એકની એક દીકરીની લાયકાતનો ગર્વ ઝળહળતો.

અને એમાં અતિશયોક્તિ નહોતી. સાહિત્યમાં BA થયેલી આસ્થા ઊર્મિશીલ હતી. સંસ્કારનો વારસો પ્રબળ હતો અને મૂલ્યોમાં નિષ્ઠા અચળ. કદાચ એટલે પણ ઝગારા મારતા તેના સૌંદર્યમાં એક પ્રકારની સાત્વિકતા વર્તાતી. આત્મવિશ્વાસથી ઓપતી આસ્થા કોઈને કદાચ ઓલ્ડ ફૅશન્ડ લાગે તો પણ તેને ખુદને એની પરવા નહોતી. શિક્ષક માતા-પિતાની પુત્રીને આર્થિક સુખ સુલભ હતું,

પણ એથી છકી જવું આસ્થાના સ્વભાવમાં નહોતું.

ધર્મ તરફ તેનો ઝુકાવ હતો, સમજ પણ ખરી. સાથે જડ માન્યતાઓનું વળગણ પોતાનામાં ન પ્રવેશે એ વિશે સભાન રહેતી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની સીમારેખાની જાગરૂકતા દરેકે કેળવવી જોઈએ એવું માનનારી આસ્થા જોકે સતત ધર્મધ્યાનમાં ડૂબેલી રહે એવું પણ નહીં. તે તો મૂવીઝ, મૉલ, મૅચ (ક્રિકેટ) એન્જૉય કરતી; સખીઓ સાથેના આઉટિંગમાં નટખટ બનીને ધમાલ મચાવતી. કોઈનામાં પણ આકર્ષણ પેદા કરવાનો ચાર્મ તેનામાં હતો, પણ તે આકર્ષાઈ અભિનવ પ્રત્યે.

દીકરી ગ્રૅજ્યુએટ થતાં માએ મુરતિયા તરાશવા માંડ્યા એમાં વાલકેfવરના અભિનવ મહેતા જોડે મેળ જામી ગયો. ૨૬ વરસના અભિનવના પિતા હયાત નહોતા. એકાદ સગાની મધ્યસ્થીથી આવેલા પ્રસ્તાવમાં મા મનોરમાબહેનને ફોટો પરથી કન્યા એક નજરમાં પસંદ પડી : છોકરીની આંખોમાં લજ્જા છે, પતિને બાંધી રાખે એવું તેજ છે!

‘તમે દીકરાને બંધનમાં શા માટે રાખવા માગો છો?’

છોકરા-છોકરીની પહેલી મીટિંગમાં મનોરમાબહેનથી વાતો-વાતોમાં પતિને બાંધવાવાળું વાક્ય બોલાઈ ગયું કે તરત આસ્થાએ પૂછી ઉમેર્યું હતું : ‘હું લગ્નને બંધન તરીકે નથી જોતી આન્ટી... લગ્ન એ પોતાના સમર્પણથી સામાને જીતવાનો રિવાજ છે.’

હવે અભિનવ પણ પ્રભાવિત બન્યો. બન્નેની ‘હા’ થતાં

સગપણ લેવાયું.

ચોરીના ચાર ફેરા ફરતા સુધીમાં આસ્થા પતિના ઘરથી જ નહીં, વ્યાપારથી પણ માહિતગાર થઈ ચૂકેલી.

અભિનવે પિતા દ્વારા સ્થાપિત મહેતા ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ આપી હતી. ગોરેગામની ફૅક્ટરીમાં ઉત્પાદિત થતા કેમિકલના ૬૦થી ૭૦ કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવરને ૧૦૦ કરોડ રૂપિયાના લક્ષ્યાંક પર પહોંચાડવાનું શ્રેય તેની ર્દીઘદૃષ્ટિ, સૂઝબૂઝ અને વ્યાપારમાં ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવાની સાહસિક વૃત્તિને મળે. કેમિસ્ટ્રી યા કૉમર્સ આસ્થાના વિષય નહોતા, પણ સામાન્ય બુદ્ધિથી તેણે વ્યાપારની પાયાની શીખ મેળવી લીધેલી. અભિની રૂપકડી પર્સનલ સેક્રેટરી ઝરીનાથી માંડી ફૅક્ટરીના અદના મજદૂર સુધીનાને તે જાણતી થઈ. તેનો પ્રભાવ જ એવો કે તેના આગમને સૌ અદબમાં આવી જાય અને વર્તન એવું કે સૌના ચહેરા પર સ્મિત આણી દે...

આવું જ સ્મિત આસ્થાના ખુદના ચહેરા પર હતું - મધુરજનીના મધુર ઉજાગરા પછી સુખની નીંદરમાં પોઢતી વેળા! અભિનવે વરસાવેલી મહેર અનન્ય હતી એમ શયનેષુ રંભા બનીને તેણે પુરુષને જીતી લીધો હતો.

લગ્નના ત્રીજા વરસે મનોરમામાએ પથારી પકડી. લકવાના વ્યાધિમાં માજી બહુ રિબાયાં. આપણને એમ થાય કે બાઈનો જીવ કેમ જતો નથી! એવી કઈ અબળખા અધૂરી હશે?

સગાંસંબંધી પૂછીને રહી જતાં, જવાબ આસ્થા જાણતી હતી : વારસ!

‘સૂર્યકાન્ત (અભિનવના પિતા)ને બહુ ચાહ હતી પોતરા-પોતરીને રમાડવાની...’ વહુની સેવા માણતાં ભીની થતી આંખોને કોરી કરીને મનોરમાબહેન કહેતાં, ‘તેમના

વતી હું અભિનવના વારસદારોને ડબલ રમાડી દઈશ!’

આસ્થા લજાતી. જોકે આટલું જલદી અભિનવને બાળક જોઈતું નહોતું...

‘તારે મા થવું છે?’ છેવટે આસ્થાએ પ્રોટેક્શનનો વિરોધ જતાવતાં અભિનવ સહેજ ડઘાયો, પણ આસ્થા તેમને કન્વિન્સ કરી શકી.

- અને છતાં મને ગર્ભ રહ્યો નહોતો...

મા આનંદમયી પૂર્વાશ્રમ

સાંભરી ૨હ્યાં...

માએ અધૂરી અબળખાએ પ્રાણ ત્યજ્યા. ત્યારથી નહીં રહેલી પ્રેગ્નન્સી મારા માટે શૂળ જેવી બની ગઈ.

આમ કેમ થયું? હું કન્સિવ કેમ ન કરી શકી? જોષીની સલાહ લીધી, એ અનુસારના હવન-યજ્ઞ કરાવ્યા. પરિણામ શૂન્ય. વીતતા વખતમાં મારા પેરન્ટ્સ પણ ન રહ્યા ને હું બાળક માટે રઘવાઈ બની. બાધા-આખડીની યાદી લાંબી થતી ગઈ.

‘આજે નહીં અભિ...’ ઉત્તેજનાથી ફાટફાટ થતા પતિને મારે વારવો પડતો, ‘માત્ર પૂનમની રાત્રિએ જ સમાગમ કરવાની જ્યોતિષીની આજ્ઞા છે...’

મારા પ્રતિબંધથી અભિ શરૂમાં માની જતો, પછી ગિન્નાતો...

‘હૅવ યુ ગૉન મૅડ? સેક્સ વિના છોકરું આમેય નથી આવવાનું એની તો તને જાણ હોવી જોઈએ... આટઆટલું પાળીનેય મળે છે શું? ’

પરિણામે દૂરી વધતી ગઈ.

‘મૅડમ, સર આજકાલ બહુ અપસેટ રહે છે.’

લગ્નની પાંચમી તિથિના દિવસે પણ મેં સંયમની પરેજીનો આગ્રહ રાખતાં અભિના મન પરથી હું ઊતરી ગઈ હોઉં એવો પડઘો તેમના વર્તનમાં પડ્યો. તેમને મારી કોઈ ગણતરી રહી નહોતી. જોકે કાર્યસ્થળે પણ આની અસર વર્તાતી હશે એની મને ધારણા નહોતી. ઍનિવર્સરીના બીજે દહાડે મને તેની સેક્રેટરી વિનીતાએ જાણ કરી. ઝરીના પરણીને દુબઈ જતાં તેના સ્થાને અપૉઇન્ટ થયેલી વિનીતાને ચાર્જ સંભાળ્યે ત્યારે ત્રણ મહિના થયા હશે.

હું મારા કોશેટામાં પુરાઈ હોવાથી બદલાતા રહેતા સ્ટાફ સાથે તાલમેલ રહ્યો નહોતો. એટલે પણ સેક્રેટરી તરીકે ૨૩ની વિનીતા બૉસનું ધ્યાન રાખે એ રાહતરૂપ લાગ્યું.

જોકે એ પણ કેટલો વખત? વિરારથી આવતી વિનીતાએ જ

કહ્યા મુજબ તેની સગાઈ થઈ ચૂકેલી અને મંગેતર અમર મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો... થોડા વખતમાં તેય પરણી જવાની!

અને કોને ખબર ત્યાં સુધીમાં મને ગર્ભ રહ્યાનું કન્ફર્મેશન આવી પણ જાય! અભિની હાલત વિશે મને જાણ કરતી તેની સેક્રેટરીને હું કહેતી : અભિને થોડો સમય સાચવી લો...

અભિને નારાજ કરીનેય હું મારી વાત પર અડગ રહેતી. જોષી બદલતી પણ ગ્રહદશા ન બદલાણી. પછી તો પાંચમી ઍનિવર્સરીના બીજા અઠવાડિયે અભિએ જ કહ્યું : લેટ્્સ ગો ફૉર મેડિકલ ચેકઅપ...

એના રિપોર્ટે‍ પગ તળેની જમીન સરકી ગઈ.

હું કદી મા નહીં બની શકું...

- એના ધક્કાએ ભૂતકાળમાંથી ખેંચાઈ આવ્યાં હોય એવાં ઝબકી ઊઠ્યાં મા આનંદમયી.

હળવો નિસાસો સરી ગયો.

હૉસ્પિટલના રિપોર્ટે છેલ્લી આશ છીનવી લીધી. માતૃત્વ વિના સ્ત્રીત્વ શું કામનું? મોહમાયા વ્યર્થ લાગવા માંડી. બીજું કંઈ નહીં તો છૂટાછેડા લઈને મારે વારસ માટે અભિનાં બીજાં લગ્નનો રસ્તો ખુલ્લો કરી આપવો જોઈએ... પણ ૫છી મારું શું? આત્મહત્યાનો ઉપાય સ્પશ્ર્યો નહીં એટલે પછી સંસારમાંથી મન વાળીને સંન્યાસનો માર્ગ લઈ લીધો. એનેય આજકાલ કરતાં નવ-નવ વરસનાં વહાણાં

વાઈ ગયાં!

વધુ એક નિસાસો સરે એ

પહેલાં મન પર મક્કમતાની લગામ કસીને મા આનંદમયીએ પૂર્વાશ્રમનાં દ્વાર વાસી દીધાં!

€ € €

‘દેવી, જરા ધ્યાનથી.’

આરતી પછી ઘાટના પગથિયેથી દીવો વહેતો મૂકતી વેળા ખબર નહીં કેમ મા આનંદમયી આજે લપસતાં રહી ગયાં. સાધુએ સમયસૂચકતા વાપરીને પકડી ન લીધાં હોત તો કદાચ...

અનિમેષ નેત્રે આનંદમયી સાધુ ઓમકારનાથને નિહાળી રહ્યાં.

‘દેવી...’

મા આનંદમયી સચેત બન્યાં. સ્વસ્થપણે સાધુની પકડ છોડાવી, ‘ધન્યવાદ મહારાજ.’

‘આપ વિચલિત જણાઓ છો દેવી.’

ઓમકારનાથના સ્વરમાં રહેલી ચિંતા ગમી, પણ દેખાવા ન દીધું.

સાધુ-સાધ્વીને આવી આળપંપાળ

શોભે નહીં!

‘આનું કારણ કોઈ જૂનો જખમ તો નથીને દેવી?’

મા આનંદમયી સમસમી ગયાં.

‘મને દેવી ન કહો, મારું નામ મા આનંદમયી છે.’

તેમણે મા પર ભાર મૂક્યો.

‘જાણું છું...’ ઓમકારનાથના

હોઠ હળવું મલકી પડ્યા, ‘અને

તમે પણ જાણો છો કે હું તમને મા કહેવાનો નથી... મારા માટે તો તમે દેવી જ રહેવાનાં!’

આમ કહેતા ઓમકારનાથ કેવા મોહક લાગ્યા. તેમનો કસાયેલો દેહ ભગવામાં દીપી ઊઠ્યો છે. ઘાટીલા મુખ પર ગજબની કાન્તિ છે. પાંત્રીસીમાં પ્રવેશેલા ઓમકારનાથ પૂર્ણ પુરુષત્વની પ્રતિકૃતિ જેવા લાગે છે. તેમના બોલમાં શરારત હશે, આછકલાઈ કે અશિષ્ટપણું નથી...

શિવ... શિવ... હું આ શું

વિચારું છું; એ પણ પરપુરુષ માટે, એક સાધુ માટે!

‘મન પર કાબૂ નથી રહેતો દેવી?’

ઓમકારનાથની પૃચ્છામાં વ્યંગ નહીં, હમદર્દી હતી, ‘મારુંય મન બહાવરું બન્યું જાય છે.’

તેમનાં વેણમાં હવે વિવશતાભરી ઉદાસી ભળી, ‘સાધનામાં એ ઊંડાણ નથી અનુભવાતું. માયાનો મોરલો કાયામાં એવો થનગનાટ પ્રેરે છે દેવી કે મને મારી સાધુતામાં શંકા જાગે છે! નવ-નવ વરસનું સાધુત્વ એળે જશે?’

‘એવું ન બોલો ઓમકારનાથ...’ થોથવાતાં આનંદમયીએ સંબોધન સુધાર્યું, ‘મહારાજ, મનનાં દ્વારે

સંયમનું તાળું બાંધીને ચાવી હૈયાના પેટાળમાં ખૂંતાડી દો તો ક્યારેય એ ભટકવાનું નહીં!’

આ સલાહ ઓમકારનાથ માટે હતી એટલી જ પોતાના માટે હતી એની મા આનંદમયીને તો બરાબર જાણ હતી!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy