કથા-સપ્તાહ - સંસારી સંત (એક નદી, બે કિનારા - 3)

હોમ ઍટલાસ્ટ!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


મધરાતની વેળા છે. ઊંઘ ન આવતી હોય એમ પરસાળની લાઇટ પાડી વિલાના પગથિયે ગોઠવાઈને અવનિએ ઊંડો શ્વાસ લીધો.

ઘ૨ ખરું, પણ બદલાયેલું! ચુભન જેવી થઈ.

‘અવનિ, ત્રણેક દિવસની રજા લઈને ઘરે આવીશ? બહુ અગત્યનું કામ છે.’

ગયા વરસે ડૅડીએ તાકીદના

કામે આવી જવા કહ્યું ત્યારે તેમનાં બીજાં લગ્નનો ધડાકો થવાનો હશે એવી તો કલ્પના સુધ્ધાં નહોતી. હા, ડૅડી ધીરે-ધીરે પૂર્વવત્ થઈને

સાધના-પ્રવચનમાં નિયમિત થયા છે એનો આનંદ રહેતો. માતાની વિદાય બાદ થાળે પડતી લાઇફમાં ખળભળાટ મચવાની અપેક્ષા નહોતી.

‘પરમ દિવસે મારાં લગ્ન છે - રાગિણી સાથે.’

હોશ-ઉત્કંઠાભેર ઘરે પહોંચેલી દીકરી પર પિતાએ જાણે બૉમ્બ ફોડ્યો હતો. લ... ગ્ન! ડૅડીનાં? છે કોણ આ રાગિણી?

‘NRI છે...’

ડૅડીની ડિવૉર્સી ભક્તાણીએ બારડોલીના આશ્રમમાં અનુયાયી બનીને રહેવા આવ્યાના બે-ત્રણ મહિનામાં ડૅડી પર એવી તે કેવી ભૂરકી છાંટી કે ડૅડી તેને પરણવા તૈયાર થયા? મારી માની જગ્યા દેવા રાજી થયા?

તમારા માટે મને આવી આશા નહોતી ડૅડી... સંતપુરુષ થઈ તમે માની યાદમાં ઝૂરતા એ મને પ્રણયની ઉત્કટતા લાગતી. રાગિણીએ તમને ચલિત કરી દીધા, ત્રણ મહિનાના સહવાસમાં તે ત્યક્તા બાઈએ પોતાના બીજા સંસારની વ્યવસ્થા પાર પાડી દીધી!

‘તારી દૃષ્ટિ ચોખ્ખી કર અવનિ. રાગિણી વિશે મનફાવતું ધારીને તેના પ્રત્યે પૂર્વગ્રહ સેવતી થઈ જઈશ એ મને નહીં પરવડે. હું નથી ઇચ્છતો કે મા-દીકરી વચ્ચે સાવકા૫ણાની ગાંઠ રહે. તું મારો શ્વાસ છે અવનિ, મારી નીરજાની નિશાની.’

નીરજા... નીરજા! ડૅડી, તમારી રગોમાં હજીયે આ નામ દોડતું દેખાય છે મને. તો પછી રાગિણી સાથે - વાય ડૅડી! ટેલ મી વાય!

પરંતુ ડૅડી પાસે કોઈ સબળ કારણ નહોતું, ખુલાસો નહોતો. બસ, પોતે પરણવાના એ સત્ય છે અને એના સ્વીકારની વિનંતી છે. આવું સાંભળ્યા પછી જીદ મૂકવી પડી. પિતા રાગિણીને મળવા લઈ ગયા ત્યારે ઉત્સાહભેર ખીલી ન શકી એમ કડવાશ દાખવવાથી દૂર રહી.

પાંત્રીસેક વરસની ભર્યા-ભર્યા બદનવાળી ગોરીચિટ્ટી સ્ત્રી જોકે પોતાને બહુ પ્રેમથી મળી : આઇ નો, તને ઑડ લાગતું હશે, તારા પરણવાની ઉંમરમાં તારા પિતા તેમનાથી નાની વયની ઔરતને પરણે એથી; પણ એટલી ખાતરી રાખજે કે મારે તારા ડૅડીને તારી પાસેથી છીનવવા નથી, પણ તારી સાથે મારે તેમને અપનાવવાના છે...

બાઈએ આવું મીઠું-મીઠું બોલીને ડૅડીને ફોસલાવ્યા હશે?

‘તમે પણ ડૅડીનું ધ્યાન ન રાખ્યું વિશ્વાનંદ અંકલ?’ મોકો જોઈને અવનિ વિશ્વાનંદને પણ મળી હતી, પરંતુ તેય અવઢવમાં લાગ્યા. મહારાજના ફેંસલાથી અમે બધા જ પરેશાન છીએ, પણ તેમની ખુશીમાં આ૫ણે રાજી રહેવું... એ સૂત્ર યાદ રાખીને પોતે પરાણે આશ્રમના મંદિરમાં સાદાઈથી થયેલાં 

ડૅડી-રાગિણીનાં લગ્નમાં હાજર રહી. એ ૫તતાં જ મુંબઈ આવવા નીકળી આવેલી. સંસારી સંતે કરેલાં બીજાં લગ્નની વાત ખાસ તો ગુજરાતી મીડિયામાં ચગી હતી. મુંબઈની કૉલેજના ફ્રેન્ડ્સ, મૅટ્રન સહિત સૌને ખબરથી આઘાત લાગેલો : તારા ડૅડીને આ શું સૂઝ્યું અવનિ?

આનો જવાબ મારે હવે મેળવવાનો છે! ડૅડીના સંયમ, ચારિત્ર્યની ઉચ્ચતાને હું જાણું છું. પરસ્ત્રી તરફ નજર ઊંચી કરીને ન જોનારા ડૅડીની વાસના વળ ખાતી હોય એ તર્ક જ વાહિયાત છે અને તેમના હૃદયમાં પ્રણયકૂવો મા માટે હજીયે તરબોળ છે તો પછી રાગિણી સાથે લગ્નથી જોડાવામાં કયું કા૨ણ ૨હે છે? રાગિણીની કોઈ મજબૂરીમાં આ કદમ લીધું હોત તો એનો ખુલાસો મને તો કરી જ શકાય. કે પછી ડૅડીને મજબૂર કરવામાં આવ્યા હશે? વીતેલા સમયગાળામાં આ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે. આની ચર્ચા થઈ શકે એટલી અંતરંગ મૈત્રી કોઈ જોડે નથી. મારા બેસ્ટ ફ્રેન્ડ જેવા ડૅડી ખુલાસીને આ વિશે કશું કહેતા નથી...

- પણ હવે હું કાયમ માટે અહીં મૂવ થઈ ગઈ છું ત્યારે મારી પ્રાથમિકતા તો ડૅડીનાં બીજાં લગ્નનો તાગ મેળવવામાં જ રહેશે... અવનિએ હોઠ ભીડ્યા.

‘તમે હજી સૂતાં નથી! ’

કોઈના સાદે અવનિ ઝબકી. જોયું તો જુવાન સાધુ અમૃતાનંદ!

ભગવાં વસ્ત્રોમાં શોભતા સોહામણા યુવાનને તે પળભર નિહાળી રહી.

બે-એક વરસથી અનુયાયી તરીકે નિવાસી બનેલા જુવાનને ડૅડીએ જ અમૃતાનંદ નામ આપ્યું હોય એની ગાથા પણ ડૅડીને જ માલૂમ. અવનિને ક્યારેક થતું પણ કે સંસારમાં એવાં તે શા દુખ આવી પડતાં હશે કે વ્યક્તિ એને ત્યાગીને સંન્યાસી બની જાય?

ખે૨, ડૅડીનાં લગ્નનું આ વરસ પોતે રીસમાં રહી, અતડી રહી. ડૅડી સંકોચમાં રહ્યા. ડૅડીનાં બીજાં લગ્ન પછીનો અંતરાય ભૂંસવો પડશે... એ માટે વિશ્વાનંદ અંકલની મદદ લઈ શકાય? અહં, વિશ્વાનંદ અંકલ ડૅડીના રહસ્યમંત્રી જેવા ખરા, પણ ડૅડીની સૂચનાને કારણે તેઓ બધું જાણીને પણ મને ન કહેતા હોય એવું બને... જ્યારે આ અમૃતાનંદમાં એવું બનવાનો સંભવ ઓછો. જુવાન કર્મશીલ છે; સાધનાને વરેલો, હસમુખો છે. શાસ્ત્રો બાબતના તેના ઊંડાણની તારીફ ડૅડીના મોંએ સાંભળી પણ છે. તેના પર વિશ્વાસ મૂકી શકાય?

અહં. ગો સ્લો અવનિ. તેણે જાતને સમજાવી. નવી માને પૂરેપૂરી જાણ્યા વિના, ડૅડીનાં લગ્ન પાછળનું કારણ પામ્યા વિના તેનો સ્વીકાર મારા માટે શક્ય નથી... ડૅડીનું ચારિત્ર્ય હું જાણું છું. મતલબ મારે રાગિણીનું ચારિત્ર્ય ચકાસવાનું રહે!

- પણ દીકરીને પિતાના નિણર્યમાં શ્રદ્ધા નથી યા તો સાવકી માના કૅરૅક્ટરમાં વિશ્વાસ નથી એની ગંધ પણ ત્રીજા કોઈને આવવી ન જોઈએ, નહીંત૨ મારા ડૅડી જ વગોવાઈ જવાના. આમેય બીજાં લગ્નને કારણે તેમની પ્રતિષ્ઠાને ધબ્બો તો લાગ્યો જ છે. મારે વળી એનો ઘાટ નથી ઘડવો... બટ યસ, અમૃતાનંદ સાથે વિશ્વાસ મૂકવા માટેની ધરી તો રચી જ શકાય. એ જ રીતે કોઈ સાધ્વી જોડે પણ મારે સખીપણું સાધવું રહ્યું.

‘બહુ ઊંડા વિચારમાં લાગો છો?’

અવનિ ઝબકી. અમૃતાનંદ મધુરું મલક્યો, ‘અમે સંન્યાસીઓ ઈશ્વરભક્તિમાં ક્યારેક આમ ઊંડા ઊતરી જઈએ ખરા. સંસારીને સંસારની કોઈ ઉપાધિ જ હોવી જોઈએ.’

કેવી કુશળતાથી અમૃતાનંદ મારા મનનો તાગ પામી ગયો! અવનિ પ્રભાવિત થઈ, પછી ખ્યાલ આવ્યો : આશ્રમ કૅમ્પસમાં જ, પરંતુ છેવાડાની અલાયદી આવેલી વિલા તરફ અનુયાયી સમુદાયે ભાગ્યે જ આવવાનું થાય. અમૃતાનંદ આટલી મોડી રાતે અહીં શું કરે છે?

‘ઔષધિ લેવા આવ્યો હતો.’ અમૃતાનંદે ઔષધિનાં મૂળિયાં બતાવ્યાં, ‘અનુયાયી સેવાનંદને તો તમે ઓળખતાં જ હશો... ઘણા જૂના સદસ્ય છે. તેમને અતિશય ઉધરસ નીકળી છે. મને યાદ આવ્યું કે આ વનસ્પતિ અહીં થાય છે. એનાં પત્તાં ઉકાળીને કાઢો પીવડાવીશ એટલે જુઓ ઉધરસ કેવી ભાગે છે!’

બીમાર વ્યક્તિ માટે આટલી જહેમત લેનાર સહૃદયી ગણાય, એમ અમૃતાનંદને ઔષધિની જાણકારી હોય તો મતલબ...

‘તમે મેડિસિન ભણ્યા છો?’ સાધુને પૂર્વાશ્રમ ન પુછાય એવી ડૅડીની ટકોર છતાં અવનિ પૂછી બેઠી.

‘જી...’ અમૃતાનંદ પળભર ખચકાયો, પછી ડોક ધુણાવી, ‘હું આયુર્વેદનો ડૉક્ટર છું.’

ઓહ, આટલું ભણેલાગણેલા જુવાને ભગવાં કેમ પહેરવાં પડ્યાં હશે? કોઈનો અંગત ઘા કુરેદવાની ચેષ્ટાથી નહીં પણ સહાનુભૂતિના બોલથી વિશ્વાસની ધરી રચવાના આશયે અવનિ બોલી ગઈ,

‘તમે સંસાર ત્યજ્યો એના કરતાં દીનદુખિયાઓની સેવાનો યજ્ઞ માંડ્યો હોત તો પણ આત્માને આવી જ શાંતિ સાંપડી ન હોત?’

‘નહીં.’ અમૃતાનંદનો અવાજ સહેજ ધ્રૂજ્યો, ‘એ શક્ય નથી અવનિ, કેમ કે મારી ડિગ્રી છીનવાઈ ચૂકી છે.’

તે હાંફી ગયો. તેના વદન પર પાપની કાળાશ નહીં, પસ્તાવાની પીડા હતી. અવનિ પોતાનો સ્વાર્થ વીસરી. અમૃતાનંદનો હાથ પકડીને ઓટલે બેસાડ્યા, ‘માણસ માત્ર ભૂલને પાત્ર. તમારી ભૂલ મને કહીને હળવા થવું હોય તો જરૂર કહો.’

બે પળ અમૃતાનંદ આંખો મીંચી ગયો.

‘મહારાજ તો બધું જાણે જ છે અવનિ... આજે વાત નીકળી છે તો તમને પણ કહી દઉં...’ તેણે ઊંડો શ્વાસ લીધો, ‘નામ મારું અવસર. હું મૂળ વડોદરાનો વતની. ઘરનો ગરીબ, પણ ભણવામાં હોશિયાર. અભણ માબાપને એવી આશા કે અમારો એકનો એક દીકરો ભણીગણીને અમારા દી ઉજાળશે!’

અવનિ કથામાં જકડાતી ગઈ.

‘જોકે નસીબ આડે પાંદડું પૂરું હટવાનું નહીં હોય એટલે ટ્વેલ્થમાં થોડા ટકા ઓછા પડ્યા. MBBSને બદલે આયુર્વેદમાં પ્રવેશ મળ્યો. થોડી નિરાશા છવાઈ છતાં જાતને સંભાળીને હું ખંતપૂર્વક અભ્યાસમાં રમમાણ બન્યો. ફાઇનલમાં મને ગોલ્ડ મેડલ મળ્યો.’

‘શાબાશ.’

‘પણ એ સિદ્ધિ દવાખાનું ખોલ્યા પછી ફિક્કી લાગવા માંડી અવનિ, કેમ કે ઍલોપથીની સરખામણીએ આયુર્વેદના ડૉક્ટર પાસે જનારા પેશન્ટ્સ જ બહુ ઓછા. દેવું કરીને લીધેલી જગ્યા માથે પડે એમ થઈ ગયું ત્યારે બીજા ઘણા આયુર્વેદના ડૉક્ટર્સ કરે છે એમ મેં પણ ખાનગીમાં ઍલોપથીની દવા દેવાનું શરૂ કર્યું. સ્કિલ તો મારામાં હતી જ, નામ જામવા માંડ્યું. સત્ય ન જાણતાં મારાં માવતરને મારી સિદ્ધિનો ગર્વ હતો. હુંય સમાજમાં વટથી ફરતો થયો... પણ તકદીરે વળી પલટી મારી.’

શ્વાસ લેવા રોકાઈને તેણે કડી સાંધી, ‘એક દરદીને મારાથી ભૂલમાં ખોટી દવા દેવાઈ ગઈ એના રીઍક્શને વૃદ્ધ માબાપના એકના એક આધા૨ જેવો દીકરો મરણને શરણ થયો.’

અરેરેરે.

‘તેમના સગાએ કેસ માંડ્યો. જે બન્યું એનાથી હું એટલો વિચલિત હતો અવનિ કે નતમસ્તક થઈને કોર્ટમાં ગુનો કબૂલી લીધો. મારી ડિગ્રી છીનવાઈ. ચાર વરસની સજાના ફેંસલાએ મારી માતાનું હાર્ટફેલ થયું અને છૂટ્યા પહેલાં પિતાએ ઝુરાપામાં પ્રાણ ત્યાગ્યા.’ અમૃતાનંદે ભીની પાંપણ લૂછી, ‘તું જ કહે, પછી સંસારમાં મને રોકનાર કયું તત્વ રહ્યું? આપોઆપ પગ આશ્રમ તરફ વળ્યા. કાયદાએ તો મને સજા આપી દીધી અવનિ, દરદીનાં વૃદ્ધ માબા૫ની કકળતી આંતરડીનો શ્રાપ પણ ઓઢી લઉ; છતાંય તડપતા આત્માની શાંતિ મને મહારાજના સાંનિધ્યમાં સાંપડી.’

‘મારા ડૅડી છે જ અનુપમ...’

‘હા...’ અમૃતાનંદથી બોલી જવાયું, ‘જોકે તેમણે તેમનાથી દોઢ દાયકો નાની સ્ત્રી જોડે બીજાં લગ્ન કર્યાં એ બહુ મારા ગળે નથી ઊતરતું. તેમણે આવું કેમ કર્યું?’

‘મને પણ એના જવાબની તલાશ છે અમૃતાનંદ...’ અવનિને દ્વિધા ન રહી. હાથ લંબાવ્યો, ‘એ સફરમાં તમે મારા સાથી બનશો?’

‘જરૂર...’ અમૃતાનંદે હથેળી પરોવી.

- પહેલા માળની બારીમાંથી તેમનું હસ્તધનૂન નિહાળતી રાગિણીએ હોઠ મરડ્યા.

€ € €

અઠવાડિયામાં અવનિ આશ્રમના કૅમ્પસમાં ગોઠવાઈ ગઈ. વિલાથી વધુ સમય તે આશ્રમમાં વિતાવતી. પિતા સાથે તેણે ધ્યાનખંડમાં ધ્યાનમાં બેસવા માંડ્યું. આશ્રમની ગતિવિધિઓમાં રસ લેતી થઈ. વિશ્વાનંદ પાસે આવકજાવકના હિસાબ પણ સમજ્યા. અમૃતાનંદ સાથે મળીને મેડિકલ કૅમ્પનું આયોજન કરીને આસપાસના પંથકમાં પોતાની હાજરી પણ વર્તાવી દીધી. ઓમકારનાથને એની ખુશી હતી એમ એ બહાને દીકરી ઘરે ઓછું રહીને સાવકી મા સાથે અંતરંગ થવાનું ટાળે છે એથી ચિંતિત હતા ખરા. લગ્ન કર્યા પછી પોતે રાગિણીને પત્ïનીના તમામ હક આપી ચૂક્યા એ સત્ય દીકરી બને એટલું જલદી સ્વીકારી લે તો સારું!

દીકરીના મનમાં શું ચાલી રહ્યું છે એની તેમને ક્યાં જાણ હતી?

€ € €

‘હવે મારાથી નથી રહેવાતું.’

બીજા ત્રણેક દિવસ પછીની બપોરે જમી-પરવારીને પહેલા માળના રૂમમાં સૂવા જતી અવનિના પગ સીડીના છેલ્લા પગથિયે અટકી ગયા. આ તો રાગિણીનો અવાજ! તે કોની સાથે વાત કરી રહી છે? ડૅડી તો સવારના પ્રવચન અર્થે નર્મદા તટે ગયા છે, મોડી રાત્રે આવશે... કુતૂહલભેર તે દબાતે પગલે ચાલી ડૅડીના માસ્ટર બેડરૂમના દરવાજે ઊભી રહી. અહા, દરવાજો પૂરો બંધ નથી એટલે રાગિણીનો અવાજ ફાટમાંથી સરકી આવે છે... ના, રૂમમાં કોઈ નથી. રાગિણી મોબાઇલ પર વાતો કરી રહી છે...

‘ઓમ સાથે મેં લગ્ન કર્યાં, પણ આપણી ધારણા મુજબની યોજના પાર પડી નથી. એમાં હવે અવનિનું આગમન. તે છોકરીની ક્યારેક મને બીક લાગે છે. આપણો ખેલ તે ઊંધો ન પાડી દે!’

અવનિ સમસમી ગઈ : ત્યારે તો ડૅડીનાં બીજાં લગ્ન પાછળ સાવકીમાનો જ કોઈ ખેલ છે એવો મારો તર્ક સાચો! હવે તો રાગિણી પર જ નજર રાખીને મારે મૂળ સુધી પહોંચવું રહ્યું. તે સચેત બની.

‘ઠીક છે, કાલે આપણે રૂબરૂ મળીએ: આ જ સમયે, ક્વાર્ટર્સ પર’.

ફોન કટ થયો. અવનિ સરકી ગઈ.

એવી જ ઊલટી ફરીને રાગિણી દરવાજાની અધખૂલી ફાટને નિહાળી રહી. ન સમજાય એવું સ્મિત ફરકી

ગયું : મેં કહ્યું’તુંને ઓમ તમને કે તમારી દીકરીના આગમનને વધાવવાની મેં પૂરી તૈયારી કરી રાખી છે!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK