કથા-સપ્તાહ - સંસારી સંત (એક નદી, બે કિનારા - 2)

અવનિ આવી રહી છે નીરુ!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


બપોરની વેળા છે. મુંબઈથી ટૅક્સીમાં નીકળેલી દીકરી હવે ગમે ત્યારે અહીં પહોંચવી જોઈએ... ચાતકજીવે તેના આગમનની પ્રતીક્ષા કરતા ઓમકારનાથ સદ્ગત પત્નીની વિશાળ છબિ સમક્ષ ઊભા છે.

ખરેખર તો બેએક વર્ષ અગાઉ નીરજાની વિદાય પછી હૉલમાં સજાવેલી તેની ફોટોેફ્રેમ સામે ઊભા રહી મૌન ભરીને વાતો માંડવાની ટેવ પડી ગયેલી. માની વિદાયે ભાંગી પડેલી અવનિને પરાણે સ્વસ્થ કરીને પોતે મુંબઈ મૂકી હતી. વિલામાં એકલા પડતા ત્યારે નીરજાની છબિ સન્મુખ થઈને સંવાદ સાધતા.

‘તમે તો પરમ જ્ઞાની છો મહારાજ. જનારાના મોહમાં જકડાઈ જનારાની મુક્તિમાં શા માટે અવરોધ સજોર્ છો?’ રાગિણીએ કહેલું.

રાગિણી. બીજી પત્નીના નામસ્મરણે નીરજા પર મંડાયેલી ઓમકારની નજર ઝૂકી ગઈ.

આપણી દીકરીને ભલે ન કહેવાય, તમે શા માટે નજર ઝુકાવો છો ઓમ? તમારાં બીજાં લગ્નનો મને કોઈ જ વાંધો નથી. હું જાણું છું કે એ લગ્ન કયા સંજોગોમાં આકાર પામ્યા...

તસવીરમાંની નીરજા જાણે કહેતી સંભળાઈ. આંચકાભેર ઓમકારની ડોક ઊંચી થઈ. પત્નીની કીકીમાં ડોકાતો સંદેશ ગદ્ગદ કરી ગયો : તું તો તું જ મારી નીરુ!

તેં સાચું કહ્યું. બીજાં લગ્નનો મારો ઇરાદો ક્યાં હતો? અરે, તારું સ્થાન અન્ય કોઈને આપવાનું તો વિચારી પણ ન શકું... પણ સંજોગો જ એવા ઘડાયા કે...

ઓમકારનાથ વાગોળી રહ્યા...

નીરજાના દેહાવસાન બાદ અવનિને મુંબઈ મૂક્યા પછી ઓમકારનાથ આકરી સાધનામાં ડૂબી જતા. જાતને સમજાવતા : શરીર ક્ષણભંગુર છે, આત્મા અમર. ગુરુ તરીકે આ જ તો હું શીખવતો હોઉં છું!

આશ્વાસન સાંપડતું, આશ્રમની ગતિવિધિમાં વાંધો ન આવતો; પણ વિલામાં પ્રવેશે કે એકલતા ઘેરી વળતી.. એ અસરમાં પ્રથમ વાર એવું બન્યું કે પોતે પૂવર્નતર્ધિારિત વિદેશયાત્રા સ્થગિત કરવી પડી, પોતાને બદલે વિશ્વાનંદને મોકલવો પડ્યો.

આશ્રમનો આર્થિક કાર્યભાર સંભાળતો વિશ્વાનંદ અતડો રહેતો. તેની વીતક જ એવી હતી કે માણસ એકલગંધો થઈ જાય... અવનિના જનમના વરસેક પહેલાં આશ્રમે આવેલો સૌરાષ્ટ્રનો મોહનીશ - વિશ્વાનંદનું મૂળ નામ - મારા પગે પડીને ચોધાર અશ્રુ રડેલો... તેની ગાથા અરેરાટી પ્રેરનારી હતી, પણ પોતે તેને સમજાવી શક્યા, આપઘાતના વિચારમાંથી વારી શક્યા અને મોહનીશ વિશ્વાનંદની નવી ઓળખે અહીં રોકાઈ ગયો, સાધનામાં પારંગત બનતો ગયો, શાસ્ત્રોમાં ઊંડો ઊતરતો ગયો. પોતે તેને જવાબદારી પણ એવી સોંપતા જે તેને અતિવ્યસ્ત રાખતી... તેના કામમાં ચોકસાઈ હતી, નિષ્ઠા હતી. સમય સાથે તે વિશ્વાસુ બનતો ગયો. સમાંતરે આશ્રમનો વ્યાપ વધતાં તેને આર્થિક વહેવારની સૌથી મહત્વની જવાબદારી સોંપી. વરસે

બે-ચાર વાર પોતે નજર ફેંકી લે, ઑડિટ થાય એમાં વિશ્વાનંદની ચોકસાઈ વર્તાઈ આવે.

આ બાજુ મોટી થતી અવનિને તે અતડો લાગતો. તેની ફરિયાદ પણ મને કરતી. તેને જોકે વિશ્વાનંદની વીતકનું સત્ય કહી શકાતું નહીં. નીરજાને પણ ક્યાં કહ્યું હતું?

વિશ્વાનંદનું કૌશલ્ય દેખીતું હતું. ક્યારેક પ્રવચનો પણ આપતો. મારી અવેજીમાં એટલે અમેરિકાની યાત્રાએ તેને જ મોકલવાનો હોય..

‘મારું મન નથી મહારાજ.’

અનુયાયીઓ ઓમકારનાથને મહારાજ કહીને સંબોધતા.

‘મૅડમના ગયા બાદ આપ કેટલા એકાકી બની ગયા છો. અવનિ બિટિયા પણ નથી. આવામાં મારા જવાથી...’

‘તારી કાળજી મને અનુભવાય છે વિશ્વાનંદ, બટ શો મસ્ટ ગો ઑન. હું નહીં હોઉં ત્યારે તારે જ આશ્રમ સંભાળવાનો છે એમ માની લે.’

‘આવા દસ આશ્રમ સંભાળીશ, પણ તમે ન હો એવું નહીં બોલો.’

‘ખરો ઘેલો. જા, જવાની તૈયાર કર.’

અમેરિકાથી વિશ્વાનંદ ખબરઅંતર પૂછતો રહેતો. પહેલી વાર વિદેશયાત્રાએ ગયેલા વિશ્વાનંદના સ્વરમાં એની ઉત્તેજના પડઘાતી. પ્રોગ્રામ સારા જાય છે એમ કહેતાં તેનો આત્મવિશ્વાસ જાણે છલકાઈ ઊઠતો.

એ ચારેક મહિના વધુ આકરા રહ્યા. નીરજા વિનાનું જીવન કેટલું મુશ્કેલ હતું! ક્યારેક થતું કે અવનિને તેડાવી લઉં. દીકરી નજર સામે હોય તો મન પરોવાયેલું રહે. આ તો તેના કારણે સંસારથી છુટાતું નથી ને પત્ની વિના સંસારમાં રહેવાય એમ પણ નથી!

‘તમે એવા ને એવા રહ્યા.’

વિદેશથી પરત થયેલો વિશ્વાનંદ જુદા જ ખુમારમાં લાગ્યો. કદાચ પરદેશની ભૂમિ પર આશ્રમનો પ્રભાવ નિહાળીને ચકિત થઈ જવાયું હોય. ‘પ્રવચન પછી દાનપેટી ડૉલર્સથી છલકાઈ જતી હતી, બોલો.’

‘તારી સફળતાનો આનંદ વિશ્વ, પરંતુ છેવટે તો આપણે રળેલી લક્ષ્મી સેવાકાર્યમાં જ વાપરવાની એ યાદ આપવું ઘટે.’

તેજીને ટકોરની જેમ આટલું કહ્યા પછી વિશ્વાનંદને બીજી વાર કહેવું નથી પડ્યું. બીજા ત્રણેક માસમાં તે જાણે પૂર્વવત બનતો ગયો, પણ પોતે નીરજાની વિદાયના આઘાતમાંથી ઊભરી નહોતા શકતા.

‘આ તો તમે મોક્ષપંથીને બદલે મોહપંથી બની ગયા...’

આવું કહેનાર હતી રાગિણી.

પાંત્રીસેક વરસની રાગિણી લગભગ દાયકાનું દામ્પત્ય તરછોડીને અમેરિકાથી સીધી આશ્રમે આવી હતી.

ના, તે મારી ફૉલોઅર તો ઘણા વખતથી હતી. ફ્લૉરિડાના કેન્દ્રમાં નિયમિત જતી. સ્વભાવે ઍક્ટિવ એટલે મારી સાથે સીધો સંપર્ક પણ ખરો. વિડિયોચૅટ પણ થતી. તેના લગ્નજીવનનું દુ:ખ મારાથી છાનું નહોતું... IT ઇજનેર પતિને પોતાના કામથી ફુરસદ નહોતી. કરીઅ૨ના પ્રેશરમાં જીવતા દુષ્યંતે કાર્યસ્થાને તેની લેડી બૉસને ઑબ્લાઇજ કરવા દેહસંબંધ બાંધ્યો હોવાની ભાળ થતાં ભાંગી પડેલી રાગિણીએ પોતે ડિવૉર્સની અરજી મૂક્યાનું કહીને ફ્લૉરિડાથી વિડિયોચૅટમાં પૂછ્યું હતું : મને તરસી રાખીને દુષ્યંત બીજાને લાભ આપે એ કેમ ખમાય!

‘આઇડિયલી દામ્પત્યમાં

લાભ-નુકસાન જોવાનાં ન હોય અને તમે છૂટાછેડાની અરજી મૂકી જ દીધી છે, આગળ શું કરવા ધાર્યું છે?’

‘પતિનું ઘર હું છોડવાની, પિયરમાં કોઈ છે નહીં. હવે તો તમારો જ આશરો છે મહારાજ.’

ત્યારે ઓમકારનાથ તેને ફ્લૉરિડાના કેન્દ્રની કોઈક કામગીરી સોંપીને નિર્વાહનો બંદોબસ્ત કરી આપવાનું વિચારતા હતા, પણ...

‘હું ઇન્ડિયા આવી રહી છું મહારાજ, તમારા શરણ સિવાય ક્યાંય શાતા નહીં સાંપડે.’

હા-નાનો અવકાશ જ ક્યાં રહ્યો? તપ્ત ભક્તની વ્યાકુળતા ઠારવી એ તો મારો ધર્મ કહેવાય...

ઓમકારનાથે વિશ્વાનંદને નવી એન્ટ્રી વિશે માહિતગાર કર્યો.

‘રા-ગિણી મહેરા - ફ્લૉરિડા. ઓહ યા, એ બહેન તો મને મારા પ્રવાસમાં મળ્યાં હતાં. ત્યારે જ બહુ દુ:ખી લાગતાં હતાં.’

‘જીવનસાથીની બેવફાઈનું દુ:ખ જેવુંતેવું નથી હોતું વિશ્વાનંદ. ખેર, તેના રોકાવાનો પ્રબંધ કરજો.’

ત્રીજા દહાડે નાનકડી અટૅચીના સામાનભેર આશ્રમે પહોંચેલી રાગિણી આંગણામાં જ સામા મળેલા ઓમકારનાથનાં ચરણોમાં ઢળી પડેલી : તમે જ મારો ઉદ્ધાર કરો મહારાજ!

અનુયાયીઓને તેમના સ્વામી પાસેથી ચમત્કારની અપેક્ષા રહેતી જ હોય છે. આશ્રમવાસીઓને આવા દૃશ્યની નવાઈ નહોતી.

‘તારા ઉદ્વેગનો એક જ ઇલાજ છે રાગિણી - ધ્યાન. બીજા આપણને ત્યારે જ દુ:ખી કરી શકે જ્યારે આપણે ખુદ દુ:ખી થવાનું નક્કી કરીએ. તું સુખી થવાનો નર્ધિાર કરીશ તો કોઈ તત્વ તને દુ:ખી નહીં કરી શકે. તારા પતિની બેવફાઈ સામે તેં તેને છૂટાછેડા દઈ દીધા, કિસ્સો ખતમ. એક અનુભવથી તું આશ્રમજીવન અપનાવવા માગે છે તો હું રોકીશ નહીં, પણ એટલું જરૂર કરી શકે કે પછી એમાં અધૂરપ પણ

ચાલશે નહીં...’

‘જી મહારાજ.’ અશ્રુ લૂછીને રાગિણી સ્વસ્થ થઈ હતી.

‘શ્યામાબહેન...’ અન્ય એક અનુયાયીને વિશ્વાનંદે વિનંતીભેર કહ્યું, ‘રાગિણીબહેનને તેમનો કમરો બતાવી દો. નમસ્કાર, રાગિણીબહેન. આપણે ફ્લૉરિડામાં મળેલાં, યાદ છે?’

‘એ કેમ ભુલાય વિશ્વાનંદજી?’ રાગિણી તેમને નમસ્કાર કરીને ઓમકારનાથ તરફ ફરી, ‘આજે હું મારા ઘરે આવી હોઉં એવું લાગે છે મહારાજ.’

અને ખરેખર બહુ ઝડપથી રાગિણી આશ્રમના વાતાવરણમાં ગોઠવાઈ ગઈ. પત્નીના દેહાંત બાદ પોતે અસ્વસ્થ રહે છે જાણીને તે ક્યારેક દલીલમાં ઊતરી જતી ખરી... મને મોહપંથી કહી જતી, નીરજાને મુક્ત કરવા સમજાવતી.

તેની સાથે આ વિષયમાં ચર્ચા કરવી ગમતી. એમાંથી કોઈ સમાધાન સાંપડવાની ઝંખના રહેતી.

‘તમારી સ્વની ખોજની યાત્રા થંભી ગઈ છે,મહારાજ. નીરજાના માથે એનો દોષ ચડે એવું ઇચ્છો છો આપ?’

‘નહીં.’

‘પત્નીના ગયા બાદ તમને શારીરિક સુખની અતૃપ્તિ પજવતી હશે એમ કહીને તમારા સંયમનું અપમાન નહીં કરું મહારાજ, પણ દુ:ખમાંથી મુક્ત થવા ક્યારેક એ અસરકારક દવા જેવું બની જતું હોય છે.’

લગભગ દાયકો અમેરિકામાં રહેલી સ્ત્રી નિ:સંકોચપણે આવી દલીલ કરી શકે, ક્યાંક એમાં તથ્ય ખરું; પણ નીરજા સિવાય બીજા કોઈ માટે મારામાં કામ પ્રગટે જ નહીંને! અસંભવ.

ત્યારે તો રાગિણીએ સાંભળી લીધું, પણ પછી અસંભવને સંભવ પણ તેણે જ કરી દેખાડ્યું....

ઓમકારનાથે સુધાર્યું : ના, રાગિણીએ જાણીને કર્યું એમ નહીં, સંજોગ જ એવા ઘડાયા કે વરસાદની એ રાત્રે ન બનવાનું બની ગયું!

ખરેખર તો એ રાતે બિનમોસમનાં વાદળો ઘેરાયાં હતાં. થોડી વારમાં વરસાદ તૂટી પડ્યો. નીરજાની યાદ વધુ તીવþપણે ભોંકાઈ. નોકરવર્ગ પણ જંપી ગયેલો લાગ્યો. ત્યાં વિલાના બારણે ટકોરા પડ્યા. જોયું તો રાગિણી!

‘મહારાજ...’ છત્રી છતાં વરસાદની વાછંટે પૂરી ભીંજાઈ ગયેલી રાગિણી હળવું કાંપતી હતી, ‘આજે ખીર બનાવી હતી. તમને ભાવે છેને...’

તેની કાળજી સ્પર્શી ગઈ. તેણે ધરેલો બોલ હાથમાં લેતાં અનાયાસ નજર પડી. રાગિણીની કેસરિયા રંગની સાડી વરસાદમાં ભીની થઈને અંગ સાથે એવી ચીપકી હતી...

એ જ ઘડીએ વીજ ઝબૂકી ને હળવી ચીસ નાખતી રાગિણી ઓમકારને ડરની મારી વળગી પડી, એ સાથે જ અંધારપટ છવાયો અને પોતે પગથિયું ચૂક્યા!

શું બન્યું એની સાન આવી ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું! હે રામ. મારા હાથે આ કેવું પાપ થયું? ચારિત્ર્યની ઉચ્ચતામાં માનનારો હું આ કેવું અધ:પતન વહોરી બેઠો!

ઓમકારનાથના પસ્તાવાનો પાર નહોતો. પોતાના ચારિત્ર્યનો સિદ્ધાંત જળવાઈ રહે એ માટે તો ઓમકારનાથે સેલિબ્રિટીઝ, પૉલિટિશ્યન્સથી પણ અંતર રાખેલું. બીજા બાવાઓનાં ગમે એટલાં સ્કૅન્ડલ ઊઘડે, મારા આશ્રમમાં એવી બદી ન હોવાનો ગર્વ મેં જ ધૂળધાણી કર્યો! હવે?

‘હવે શું મતલબ? ઓમકારનાથ?’ રાગિણી અકળાયેલી, ‘હવે લગ્ન ઓમ, બીજું શું!’

લ...ગ્ન! ઓમકારનાથ ડઘાયેલા. રાગિણી માટે એક રાતમાં પોતે મહારાજમાંથી ઓમકાર બની ગયા? નહીં, બંધ રૂમમાં બે જણ વચ્ચે વીતેલી રાત્રિનું કોઈ સાક્ષી નથી. રાગિણી ધારે તો વાત અહીં જ ખતમ થઈ જાય. નીરજાનું સ્થાન હું કોઈ અન્યને કેમ આપું? મારી અવનિ જાણે તો તેને કેવું લાગે! 

‘આ એક રાતમાં તમે મને જે આપ્યું ઓમ, સ્ત્રી તરીકે હું ક્યારેય ભૂલી નહીં શકું... એના આધારે તમને મારી સાથે લગ્ન કરવાનું દબાણ પણ ન કરું, પરંતુ તમારો આત્મા તમારું પાપ વિસારી શકશે? પ્રાયર્શ્ચિત્ત વિના તમે સાધનાના પંથે આગળ વધી શકશો?’

રાગિણીના પ્રશ્નો તીર બનીને આત્માને ચુભતા હતા. તેના દરેક તર્કમાં તથ્ય હતું. મારા શરણે, મારામાં શ્રદ્ધા રાખીને રહેતી સ્ત્રીને ભલે સંજોગોને આધીન થઈને ભોગવ્યા પછી હું મારી કરણીમાંથી છટકી ન શકું. મારો આત્મા મને છટકવા ન દે. શરીરસંબંધનો હક પત્નીનો જ હોય, એ આગોતરો ભોગવી લીધા પછી રાગિણીને પત્નીનો દરજ્જો આપવાની મારી ફરજ બને છે. પોતે નીરજાની છબિને પૂછ્યું હતું.

અને બસ, એના સધિયારે અઠવાડિયામાં મન મક્કમ કરીને પોતે લગ્નની જાહેરાત કરતાં અહીં વિશ્વાનંદ સહિત સૌ થોડાઘણા ચોંકી ગયેલા, પરંતુ સાચું કારણ કોઈનેય કહેવાયું નહોતું - અવનિનેય નહીં!

એ જ ક્ષણે બહાર ટૅક્સીનું હૉર્ન સંભળાયું ને વિચારમેળો સમેટતાં ઓમકારનાથે પત્ની તરફ સ્મિત ઊપજાવ્યું : દીકરી આવી ગઈ નીરુ!

ત્યાં તસવીરના કાચમાં રાગિણીની છબિ ઊભરાઈ. ઓમકારનાથ ઊલટા ફર્યા.

‘રાગિણી, મારી અવનિ આવી ગઈ. જાણું છું કે આપણાં લગ્ન પછી તેનું વર્તન તારા પ્રત્યે ઠંડું રહ્યું છે પણ...’

‘તમે આટલા અથરા શું કામ થાઓ છો ઓમ. પહેલાં તો અવનિને મારી નહીં, આપણી દીકરી ગણો. હું જાણું છું કે મારે તેનું હૈયું જીતવાનું છે, તમે નિશ્ચિંત રહેજો.’ રાગિણીએ આરતીની થાળી દર્શાવી, ‘જુઓ, તેના સ્વાગતની મારી પૂરેપૂરી તૈયારી છે!’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK