કથા-સપ્તાહ - સંસારી સંત (એક નદી, બે કિનારા - ૧)

એબીસીડી છોડો...


kathga

અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

દૂર ક્યાંક ગૂંજતા લતાના ગીતે અવનિના હોઠ મરકી ગયા. પિતાની યાદ આવી ગઈ : ડૅડીનું આ ફેવરિટ ગીત!

પિતાની યાદે મુંબઈની કૉલેજમાં

ફૅશન-ડિઝાઇનિંગનું ભણીને હવે ઘરે પરત થવા હૉસ્ટેલની રૂમમાં લગેજ તૈયાર કરીને બેઠેલી અવનિનું મુખ ઝળહળી ઊઠ્યું. સંસારી સંત ગણાતા ઓમકારનાથની યાદે દીકરીનો ગર્વ રણઝણવો સ્વાભાવિક હતો.

ગુજરાતના બારડોલીમાં મુખ્ય આશ્રમ ધરાવતા ઓમકારનાથની ગણના પ્રખર આધ્યાત્મિક ગુરુ તરીકે થતી. તેમની વિદ્વત્તા તો વંદનીય હતી જ, એટલી જ અનોખી તેમની રહેણીકરણી ગણાય. લોકો તેમને સંત ગણે, સાધુમહારાજ યા ગુરુ માને; તે પોતે રહેતા સંસારીની જેમ જ. બારડોલીના મુખ્ય આશ્રમ કૅમ્પસની અંદર જ થોડી અલાયદી પડે એવી તેમની વિલા હતી. કારોનો કાફલો અને નોકરોની ભીડ જુઓ તો લાગે કે આ તે રાજવીનો મહેલ કે સાધુનો આશ્રમ!

‘સાધુત્વને હું હજી સમજી રહ્યો છું... સંસારની મોહમાયા નિરર્થક લાગવા માંડે એવું કંઈ જ મારી સાથે નથી બન્યું, એમ પ્રમાદના આડલાભ માટે મેં આશ્રમ નથી માંડ્યો...’

આજે તો દેશવિદેશમાં લાખો અનુયાયીઓ ધરાવતા ઓમકારનાથે બહુ શરૂના ઇન્ટરવ્યુમાં કહેલું...

‘મને સ્વની તલાશ છે. આપણે સૌ ઈશ્વરના અંશ છીએ. એ અંશને શોધવાની, પામવાની સફરમાં નીકળી પડ્યો છું. એ માટે સંસાર ત્યાગવાની જરૂર મને હજી સુધી તો નથી લાગી. ઈશ્વર સંસારમાં કેમ ન મળે? બધું ત્યાગીને ભગવાં પહેરવામાં વાસનામોક્ષ હોય જ એવું હું માનતો નથી. સંસારમાં રહીને પણ ઉચ્ચ ચારિત્ર્યબળથી તમે ઈશ્વરને આરાધી શકો, પામી શકો એવી મારી થિયરી છે... અને એ ક્ષણ સાંપડે પછી સંસાર શું ને સંન્યાસ શું?’

આજથી પચીસ-ત્રીસ વર્ષ અગાઉ માંડ વીસની વયે ઓમે સ્વની ખોજનો આ અનોખો યજ્ઞ માંડ્યો ત્યારે ગર્ભશ્રીમંત પરિવારનો દીકરો ભટકી રહ્યો છે એમ માનીને સમાજમાં ઘણી ટીકા થયેલી : તમારો દીકરો ઘેલો થયો છે શ્રવણભાઈ. આંબાવાડીનું નિકંદન કાઢી આશ્રમ સ્થાપીને તે સંન્યાસી થઈ જશે તો તમારા ઘડપણનો સહારો નહીં રહે, પેઢીનો વારસ નહીં જન્મે...

આવું કહેનારા તેમની રીતે સાચા હશે, પણ શ્રવણભાઈ-ભૂમિકાબહેનને એકના એક દીકરાની સમજ-શાણપણ પર વિશ્વાસ હતો : ઓમ અમારો અંશ ખરો, પણ તેનામાં દૈવી અંશ વધુ લાગ્યો છે. ઓમને સંસ્કારથી અમે સીંચ્યો, ચારિત્ર્યની સમજ અમે કેળવી; પણ શાસ્ત્રો પ્રત્યેનો તેનો અનુરાગ નૈસર્ગિક છે. પુરાણના જ્ઞાનથી આધુનિક વિજ્ઞાન સુધીની તેની સમજક્ષિતિજ અલૌકિક છે. જાણે પૂર્વજન્મનો કોઈ તપસ્વી જીવ સતનો પ્રકાશ ફેલાવવા આવ્યો હોય એવું અમે તો ઘણી વાર અનુભવ્યું છે... હવે જ્યારે તેને આશ્રમની સ્ફુરણા થઈ છે ત્યારે કેવળ પેઢી કે વારસનો વિચાર કરીને વાળવો સંકુચિતતા છે... અમે તો પૂવર્જો નું ઘર છોડીને ક્યાંય ન જઈએ, પણ અમારી આંબાવાડીમાં તેણે તેની કલ્પનાનો આશ્રમ સ્થાપવો હોય તો પહેલું દાન અમારું હશે...

માતા-પિતાના અભિગમે ઓમનો માર્ગ સરળ કરી આપ્યો.

‘અને પછી પેલું કહે છેને - લોગ સાથ આતે ગએ, કારવાં બનતા ગયા.’

પિતાના મુખે આરંભની કથા સાંભળીને અવનિ અભિભૂત થતી.

દાદા-દાદીનું વહાલ પોતે ન પામી, પણ તેમની છબિને નતમસ્તક થઈ જવાતું: ડૅડીમાં તમે શું જોયું હશે એ હું તેમની પુત્રી તરીકે અનુભવી શકું છું!

ઓમકારનાથનું વ્યક્તિત્વ જ એવું હતું કે પ્રભાવિત થયા વિના રહેવાય નહીં... મોટા ભાગે કેસરિયા ઝભ્ભો-લેંઘો પરિધાન કરતા ઓમકારનાથના વદનની કાંતિ ઝગારા મારતી. સોહામણી મુખાકૃતિ, કસરતથી કસાયેલા બદન સાથે ભળી જતો ઘેઘૂર કંઠ અનેરું આકર્ષણ જન્માવતાં. આડંબર, દંભનો સદંતર અભાવ. અદના આદમી જોડે એકરૂપ થઈ જવાની સરળતા, સહજતા. ઈશ્વરને પમવાની તેમની થિયરી જ નોખી હતી.

‘કોઈને એવો પ્રશ્ન પણ થાય કે મારે સંસાર ત્યજવો નહોતો તો આશ્રમ સ્થાપવાની શું જરૂર? ઘરે રહીને ભક્તિ ક્યાં નથી થતી?’ ક્યારેક પ્રવચનમાં ઓમકારનાથ કહી જતા, ‘જવાબમાં એટલું જ કહી શકું કે આશ્રમમાં સાધનાની નિયમિતતા જળવાઈ એ કદાચ ઘરે રહીને જળવાવાનું મને બહુ શક્ય ન લાગ્યું... બાકી અમીરીની મને નવાઈ નહોતી. વૈભવને માણીને પણ તમે એનાથી અલિપ્ત રહો એ સાચો વૈરાગ હોવાનું હું માનું છું. કાલે આમાંનું કંઈ જ ન હોય તોય મને એનું દુ:ખ ન હોય, અરેરાટી ન હોય એટલી નિમોર્હિતા તો હું પામી શક્યો છું.’

આમાં સિદ્ધિનો ગર્વ નહીં, કેવળ અવસ્થાની કબૂલાત હતી.

શરૂ-શરૂમાં ઓમકારનાથ ટીકાપાત્ર પણ બન્યા; પરંતુ વખત જતાં તેમની આભા, પ્રતિભા સવર્સ્વી કૃત બની. ખુદ શંકરાચાર્યે તેમને સંસારી સંતની ઉપાધિ આપી. અવનિને થતું, એ કેટલી યથાયોગ્ય હતી!

ઓમકારનાથના આચાર-વિચારમાં ભેદ નથી. સંસાર મિથ્યા છે એવો ઉપદેશ તેમણે કદી ન આપ્યો, ચારિત્ર્યને પ્રબળ બનાવવાની જ હંમેશા હિમાયત કરી. અનુયાયી-ભક્તજનોનો સત્સંગ કરતા ઓમકારનાથ એટલી જ સહજતાથી લતાજીનાં ગીતો માણે, ક્રિકેટ-મૅચ પણ રમે ને ગાય દોહવા જેવાં આશ્રમનાં કામો કરીને સ્વાશ્રયનું ઉદારહણ પણ પૂરું પાડે! ત્યાં સુધી કે તેમણે લગ્ન કરીને સંસાર પણ માંડ્યો... આશ્રમ સ્થાપ્યાનાં પાંચ વરસે, આશરે પચીસની વયે સુરતની હવેલીના પૂજારીની દીકરી જોેડે ઓમકારનાથનાં લગ્ન નર્ધિાયાં.

‘અમારાં અરેન્જડ મૅરેજ હતાં. તારાં

દાદા-દાદી અને મારા પેરન્ટ્સે મળીને ચોકઠું ગોઠવ્યું હતું. ત્યાં સુધીમાં ઓમની પ્રતિષ્ઠા ઠીક-ઠીક જામી ચૂકેલી. હું કદી તેમને મળી નહોતી. સખીઓએ મને ચેતવેલી : અડધા સંસારી-અડધા સંન્યાસી જેવા પુરુષને પરણી શો ફાયદો? ગૌતમની જેમ તે ક્યારેક તને છોડીને બુદ્ધ બની જશે ને તું યશોધરા અશ્રુ સારતી રહી જઈશ!’

મા કહેતી એ પણ અત્યારે અવનિને સાંભરી ગયું. હૈયે હળવી ઉદાસી ઘૂંટાઈ. મા હવે ક્યાં? બે વરસ અગાઉ હૃદયરોગ તેને ભરખી ગયો, પછી...

ના, પછીની વિગત અત્યારે શું કામ સાંભરવી? પિતાને ગમતા ગીતના સાંનિધ્યમાં મારી નીરજામા તેમના વિશે કહેતી એની સ્મૃતિ કન્ટિન્યુ કરવા દે - અવનિએ કડી સાંધી:

‘સખીઓના પ્રતાપે મનેય અવઢવ હતી, પણ અમારી પ્રથમ મુલાકાત ગોઠવાઈ. મેં તેમને જોયા માત્ર ને હું હૈયું હારી. ઓમે નિખાલસપણે તેમની સાધના, તેમના વિચારો સમજાવ્યા. ‘આપણું લગ્નજીવન તને બંધનરૂપ ન લાગવું જોઈએ, મારા માટે બેડીરૂપ ન બનવું જોઈએ.’ તેમનું આ વાક્ય હૈયે કોતરાઈ ગયું. ઇનકારનો સવાલ નહોતો. ઊલટું એ ક્ષણે મને સમજાયું અવનિ કે ગૌતમના ત્યાગે યશોધરા રડી નહીં હોય. બુદ્ધ થનારા પુરુષનું પડખું સેવનારી એવી પોચટ ઓછી હોય? સપ્તપદીના ફેરામાં મેં ઓમને આઠમું વચન આપ્યું હતું : તમે બુદ્ધ થવા નીકળશો તો હું તમને સહર્ષ વિદાય આપીશ!’

અદ્્ભુત. અનન્ય. માતા-પિતાનો સ્નેહ ઘરના કણ-કણમાંથી નીતરતો. આશ્રમની દુનિયામાં નીરજા બહુ માથું ન મારતી. ઓમની પત્ની તરીકે જાહેરમાં ભાગ્યે જ જોવા મળતી. એમ વિલામાં પ્રવેશ્યા પછી ઓમ કેવળ તેનો પતિ જ બની રહે એવી કોઈ અપેક્ષા નહીં.

‘બીજા શબ્દોમાં નીરજા મારી અપેક્ષામાં ખરી ઊતરી... આદર્શ વહુની જેમ નીરજાએ જૂના ઘરે રહેતા મારા માવતરની સેવા કરી છે અને તો જ હું સ્વની મારી ખોજ નિરંતર રાખી શક્યો...’ ઓમકારનાથ કબૂલતા, હળવું મલકીને ઉમેરતા, ‘છતાં બાળક માટે હું તૈયાર નહોતો... સંતાનની માયા મને જકડી રાખશેની ભીતિ રહેતી. ન મારાં માબાપે મૂડીના વ્યાજની કદી ઉઘરાણી કરી કે ન તો નીરજાએ કદી તેની સૂની ગોદની ફરિયાદ કરી. છેવટે મને સમજાયું કે સંસારમાં રહીને સ્વને પામવાની મારી સફર સંતતિ વિના અધૂરી છે. તેના આગમને હું મને વધુ પામી શકીશ... અને બસ, તું અમારા જીવનમાં આવી.’

- એ ખરેખર તો મારું સદ્ભાગ્ય! અવનિ ગદ્્ગદ થઈ. આશ્રમની વિલામાં અવનિને કદી હેતની કમી નહોતી વર્તાઈ. દાદા-દાદી રહ્યાં નહોતાં. એ ઘર બંધ થયું એટલે પણ આ ઘર બીજાં ઘરોથી જુદું છે એવી સભાનતા થોડી મોડી કેળવાઈ.

એક માળની વિલામાં તે ઊછળકૂદ મચાવતી. ભોંયતળિયે વિશાળ હૉલ, મંદિર, ધ્યાનખંડ, લાઇબ્રેરી ઉપરાંત કિચન અને ડાઇનિંગ હૉલ હતાં. ઉપલા માળે ત્રણ બેડરૂમ. ધ્યાનખંડના પ્રવેશદ્વારના મથાળે લાલ બત્તી ચાલુ હોય ત્યારે ભીતર ન જવાનું, ડૅડી ડિસ્ટર્બ થાય એવી માની સૂચના બાળકીનું કુતૂહલ ઊલટું ભડકાવે. તે તો ધડામથી દરવાજો ખોલીને ઘૂસી જ જાય! પદ્માસનમાં બેસીને ઓમકારનો નાદ ઘૂંટતા ડૅડીને નિહાળતી રહે. વાર થાય એટલે પછી અકળાય : ‘ડૅડી...’ પિતાનો ઘૂંટણ હલાવીને તે કહે, ‘ચાલો હવે ઘોડો બનોને!’

ઓમકારનાથ ઊંડી સમાધિમાં ડૂબી ચૂક્યા હોય તો આમાંનું કંઈ જ સ્પર્શે નહીં. આવા સમયે ધમાલ મચાવવાને બદલે અવનિ કેવળ ચૂપચાપ જઈને તેમના ખોળામાં બેસી જાય, કદી બેઠા-બેઠા ઊંઘી જાય. બાકી તો ઓમ તેના માટે ઘોડો બને, સિંહ બને - જલસો કરાવી દે.

અવનિ મોટી થઈને સ્કૂલે જતી થઈ એમ વાસ્તવિક ચિત્ર સાંપડવા માંડ્યું. સમાંતરે ઓમકારનાથના અનુયાયીઓનો વ્યાપ વધ્યો હતો.

દેશ-વિદેશમાં અન્યત્ર પણ આશ્રમો થયા છે. ઓમકારનાથ પ્રવચનો માટે ઘૂમતા રહે. અધધધ ડોનેશનનો નિરંતર પ્રવાહ રહેતો. મૅનેજમેન્ટ-ટીમને તેમની સ્પષ્ટ સૂચના રહેતી: આશ્રમના નિભાવ સિવાયની રકમ લોકકલ્યાણનાં કામોમાં જ વપરાવી જોઈએ...

ડૅડીને પથના પ્રચાર-પ્રસારમાં રસ નથી; પણ એ બહાને સમાજનાં, જનજાગૃતિનાં કામો થતાં હોય તો

શું ખોટું?

‘વિલાનો અમારો વૈભવ મારા પિતા-દાદાની આપકમાઈનો વારસો છે.’ ઓમકારનાથ પોતે અંગતપણે આશ્રમનો રૂપિયો વાપરતા નહીં. પિતાની સિદ્ધાંતનિષ્ઠા અવનિમાં સંસ્કારરૂપે ઊતરી હતી. માની સરખામણીએ અવનિ ઘણી વાર આશ્રમના મુખ્ય મકાનમાં જતી. મોટા ભાગના અનુયાયીઓને નામથી ઓળખતી. અત્યંત રૂપાળી દેખાતી અવનિમાં માનું ઠરેલપણું, પિતાની બુદ્ધિમત્તા હતાં.

ડૅડી લક્ઝરી માણતા, પણ એને જરૂરિયાત બનવા નહોતી દીધી. જોકે મિત્રો ‘તારા ડૅડી ગૉડમૅન છે’ એવું કંઈક પૂછે-કહે એ બહુ અજીબ લાગતું. ‘મારા ડૅડી કેવળ ડૅડી છે’ તે ગર્વથી કહેતી. મારી સાથે ચોરપોલીસ રમતા, મને લોરી ગાઈને સુવાડતા, પરીક્ષાટાણે મારી સાથે રાત્રે જાગતા, દેશ-દુનિયાનાં સ્થળોએ વેકેશનમાં ફરવા લઈ

જતા - પિતા જેવા હોય એવા જ પિતા!

બાપ-દીકરી વચ્ચે સંસાર-સંન્યાસનો ભેદ ક્યાંય નહોતો. આશ્રમની લક્ષ્મી હોવાનો તો સંભવ પણ નહોતો...

બાકી અબજોમાં અંકાય એવી આશ્રમની ઍસેટ હતી. એનો કાર્યભાર વિશ્વાનંદ અંકલ સંભાળતા - ડૅડીના અત્યંત વિશ્વાસુ. વયમાં ડૅડીથી

સાત-આઠ વ૨સ નાના વિશ્વાનંદ અંકલ મારા જન્મના વ૨સ અગાઉ આશ્રમમાં પ્રવેશેલા અને જોતજોતામાં ડૅડીના વિશ્વાસુ બની ગયેલા. આશ્રમના બીજા થોડા અનુયાયીઓ ભેગા મુખ્ય બિલ્ડિંગની પછવાડેના ક્વૉર્ટર્સમાં રહેતા. સ્ત્રી-પુરુષ માટેની અલગ રોકાણવ્યવસ્થા હતી. ધીરગંભીર સ્વભાવના અંકલ એકલા-અતડા વધુ રહેતા.

‘કામ સિવાય તે મારી સાથે પણ નથી બોલતો.’ ટ્્વેલ્થમાં આવેલી અવનિ કદી ડૅડીને આ બાબત રાવ કરે તો ગાલે ટપલી મારીને ઓમકારનાથ કહી દે. આશ્રમ પાછળનું ડૅડીનું રીઝન-વિઝન મને હવે સુપેરે સમજાય છે, પણ વિશ્વાનંદ કે બીજા અનુયાયીઓના જીવનમાં એવું તો શું બન્યું કે તેઓ સંસાર ત્યજીને અહીં વસ્યા છે?

‘આવું કોઈને પુછાય નહીં બેટા. હું દરેકને આવકારતાં પહેલાં તેમની કથા જાણી લઉં એ કેવળ સંસાર ન ત્યાગવા મારે તેમને સમજાવવા હોય છે માટે... છતાં જેણે ત્યાગ કરવો જ છે તેમના માટે આપણે ઉતારાની વ્યવસ્થા રાખી છે. તેમની ઓળખ સંન્યાસીની નહીં, અનુયાયીની છે એ સ્પષ્ટતા સાથે.’

આવી જ સ્પષ્ટ ચર્ચા ડૅડી મારી કારર્કિદી બાબત કરતા... આશ્રમના પરિસરમાં ઊછરી હોવા છતાં મને ફૅશન-ડિઝાઇનર થવાનાં અરમાન હતાં તો ડૅડીએ મુંબઈની બેસ્ટ કૉલેજમાં ઍડ્મિશન કરાવી દીધું...

‘તું ભણી રહે કે મારે પરણાવી દેવી છે...’ મા કહેતી.

- એને બદલે મારા કૉલેજના પહેલા જ વરસમાં માનો દેહાંત થયો ને બીજા વરસે ડૅડી પરણી બેઠા!

માના અણધાર્યા દેહાંતે અવનિ ભાંગી પડેલી. બે-અઢી મહિનાની રજા પાડીને પિતા પાસે રહી. ઓમકારનાથ તેને સમજાવીને જાતે અહીં મૂકી ગયા હતા. અવનિએ પણ જાતને અભ્યાસમાં ખૂંપાવી દીધી. પિતા સાથે નિયમિત સંપર્કમાં રહેતી. બાપની ચિંતા દીકરીને તો હોય જને.

‘ડૅડી દેખાડે નહીં, પણ માના નિધને બહુ ગુમસૂમ બની ગયા છે... પોતાના કોઈ જ કમિટમેન્ટમાં મુદત ન પાડતા ડૅડીએ પહેલી વાર ચાર મહિનાની તેમની વિદેશયાત્રા કૅન્સલ કરીને વિશ્વાનંદ અંકલને તેમના સ્થાને મોકલ્યા છે.’ ક્યારેક અવનિ મૅટ્રન વિદ્યાતાઈ આગળ દુખડું રડી જતી. વિદ્યાતાઈ તેને આશ્વસ્ત કરતાં. આના આઠેક માસ પછી ડૅડીનાં બીજાં લગ્ન...

જીવનસાથીના જતાં કોઈ અદનો સંસારી ફરી પરણે તો ગળે ઊતરે, પણ અધ્યાત્મની ઊંચાઈને પામનારા પુરુષને પણ પુન:લગ્નની જરૂર વર્તાય એ કેવું!

પિતાનાં બીજાં લગ્ન બાદ અવનિએ બારડોલી જવાનું ઓછું કરી દીધું. તેની ફૉરેન રિટર્ન સાવકીમા જોકે કદી અહીં આવી નથી...

- હવે હું હંમેશ માટે પરત થાઉં છું ત્યારે પિતાના નવા સંસારમાં ભળી શકીશ ખ૨ી!

અત્યારે પણ નિ:શ્વાસ જ નાખી શકી અવનિ!

(ક્રમશ:)

(આ વાર્તા સાથે મૂકવામાં આવેલી તસવીર માત્ર પ્રતીકાત્મક છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK