કથા-સપ્તાહ - સાસ-બહૂ (સૂરજ ચંદ્રની સાખે - 2)

અમૂલખ, તમે દાદા બનવાના!


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


સત્યવતીના હરખને થોભ નથી.

‘હજી તો વહુને દહાડા રહ્યાને બે મહિના થયા અમૂલખ, બાકીનો સમયગાળો કેમ જશે. મૂડી વ્યાજને પામવા હું કેટલી અધીરી થઈ છું, તમને કેમ સમજાઉં!’ રૂમના એકાંતમાં પલંગ પડખેના ટેબલ પર રહેતી પતિની તસવીર સાથે ગોષ્ઠિ માંડતાં તેઓ કહેતાં, ‘જાણું છું કે તમે મારી અધીરાઈ સામે શિખામણ જ દીધી હોત કે ઉતાવળે આંબા ન પાકે! પણ સાચું કહું તો દીકરાના અંશને રમાડવાની એક જ અબળખા બાકી રહી છે... પછી બસ, તમારી પાસે આવી જવું છે મારે. બહુ જુદાં રહ્યાં.’

ભીની થતી આંખો લૂછી સત્યવતી રણકો ઊપસાવતાં, ‘જુઓને, સુખના અવસરે હું શું વાત લઈ બેઠી! બાકી કહી દઉં છું, મારા પોતરા કે પોતરીને હીરલામઢી ચેઇન દેવાની છું. હા, હા, તમારા હિસ્સાનું વહાલ પણ તેને

દઈશ, રાજી?’

અમૂલખ જાણે છબિમાં હસતા હોવાનો ભાસ થતો. એ સુખ સત્યવતી માટે જેવુંતેવું નહોતું.

‘ખરુંં કહું તો નવી પેઢીનાં પડઘમે મને મારી ગર્ભાવસ્થાના દિવસો સાંભરી જાય છે. અમૂલખ, તમને યાદ છે?’

€ € €

‘વહુ, આ શું કરે છે?’

પાણીનું માટલું લઈને મેડીનાં પગથિયાં ચડતી સત્યવતીને જીવીમાએ ખખડાવી,

‘પાંચમો (મહિનો) બેસી ગયો તને. પેટનો ભાર ઓછો છે કે માટલું ઊંચકી હાલી નીકળ્યાં છો વહુરાણી!’

માના ઠપકામાં લાગણી નીતરતી.

દીકરા અમૂલખનું સુધારાવાદીપણું જીવીમાને બહુ જચતું નહીં. તેને સાથ દેતી વહુને શબ્દબાણથી વીંધીયે નાખતાં, પરંતુ તેની કાળજી-દરકાર પણ એટલી જ. લગ્નના ત્રીજા વર્ષે સત્યવતીનો ખોળો ભરાતાં જીવીમાએ ઓવારણાં લઈ નીતિનિયમોનો ચોપડો ખોલી દીધો હતો - આ જ ખાવું, આ ન ખાવું, ફલાણાં કામ કરવાં, ઢીંકણાં ન કરવાં... 

‘મા, તમે તો એટલું ધ્યાન રાખો છો જાણે હું મા થનારી દુનિયાની પ્રથમ સ્ત્રી હોઉં!’ સત્યવતી લાડ જતાવતી. જીવીમા બોખા મોઢે લુચ્ચું હસતાં, ‘એમ તારાં વખાણથી પીગળીને હું તને મેડીની રૂમે સૂવાની છૂટ નથી આપવાની, સમજીને!’

સાસુએ કાન પકડવા જેવું મહેસૂસ કર્યું સત્યવતીએ.

વહુની ગર્ભાવસ્થા પાકી થયાની ઘડીથી ખબરદાર જીવીમાએ તેનો પલંગ નીચેની પોતાની રૂમમાં ગોઠવાવડાવી દીધેલો. સત્યવતીથી તો ન બોલાયું, અમૂલખ દલીલ કરવાનો થયો તો કહી દીધું - તું તારી માને ન શીખવ, વહુઘેલો ક્યાંનો! આ હાલતમાં મેડીનાં પગથિયાં ચડવા-ઊતરવા ઠીક નહીં.’

સાડીનો છેડો દાંત વચ્ચે દબાવી સત્યવતી ધણીને ડિંગો દેખાડતી - લો, લેતા જાઓ, મા કંઈ એમ ભોળવાય એમ નથી!

તેમના ઇશારા વણજોયા કરનારાં જીવીમા જોકે દીકરાની ગેરહાજરીમાં પછી વહુને થોડા ખુલ્લા શબ્દોમાં

કહે - પંદર દહાડાનું કહી ચોથે દહાડે જ પિયરથી આવી જવાની ટેવવાળાં વહુરાણી, છોકરું આવી જાય ત્યાં સુધી જરા ધણીના મોહમાં ખમ્મા કરજો.

સત્યવતી લજાઈ મરતી.

જીવીમા રાત્રે બેચાર વાર જાગીને પોતાનું ઓઢવાનું સરખું કરવા સુધીની કાળજી રાખે એ ગમતું, એમ પતિના સહેવાસ માટે પણ માંહ્યલો મચલતો. જીવીમા મંદિરે જવા આઘાંપાછાં થાય ત્યારે ચોરીછૂપે મળી લેવાનો આનંદ પણ કેટલો અનેરો હતો. અમૂલખને દીકરી જોઈતી’તી, પોતાને દીકરો. આ મુદ્દે મીઠો ઝઘડોય થતો પછી અમે એક થઈ જતાં - દીકરો હોય કે દીકરી, એ સુખરૂપ આવે અને સુખી રહે એટલું જ ઇચ્છીએ આપણે! કેવી મધુરી એ પળો.  

જોકે પાંચમો મહિનો બેઠા પછી જીવીબા જરાજેટલાંય આઘાંપાછાં થતાં નહીં એટલે પછી રાત માટે મેડીની રૂમમાં પાણીનું માટલું મૂકવા કે એવા કોઈક બહાને સત્યવતી અમૂલખનો સહવાસનો જોગ ગોઠવવા મથતી, પણ જમાનાનાં ખાધેલ ડોશી ફાવવા દે તોને!

‘હશે, માની પાબંદી આપણા સુખ માટે જને.’

પતિ-પત્ની મન મનાવતાં. બાકીના મહિના પણ ફટાફટ વીતે એ આશામાં દિવસો ગુજારતાં હતાં ત્યાં...

ગ્રહણનો યોગ આવી ઊભો.

‘ચાર દહાડા પછી, ફાગણની પૂનમે ચંદ્રગ્રહણ છે. આપણે ત્યાં ગ્રહણ પાળવામાં આવે છે, એનો તો વહુ તને ખ્યાલ હશે.’

સત્યવતીએ ડોક ધુણાવી. સામાન્યપણે ગ્રહણ અશુભ મનાય છે. એ સમયમાં ઘરનું દેવમંદિર ઢાંકી દેવું, બારીના પડદા ઢાળી દેવા, બહાર નીકળવું નહીં, શાક સુધ્ધાં સુધારવાનું નહીં! અને ગ્રહણ ઊતર્યા પછી ગંગાજળના છંટકાવથી ઘરનું શુદ્ધીકરણ કરવું.  

‘ગ્રહણ કેવળ એક ખગોળશાસ્ત્રીય ઘટના છે, મા’ અમૂલખ સમજાવતા, ‘એમાં શુભ-અશુભ જેવું કંઈ હોતું નથી. ઠીક છે, બહુ જૂના જમાનામાં ગામમાં વીજળી નહીં હોય એટલે ચંદ્રનો ક્ષય થતાં અજવાસના અભાવમાં નાહક અથડાવાનું ન થાય એમ વિચારીને બહાર ન નીકળવાની પ્રથા ઘડાઈ હશે. એને હજીય અનુસરવું બેમતલબ છે.’

અત્યાર સુધી તો જીવીમા સાંભળી લેતાં, દીકરાવહુ જરાતરા આમતેમ ક૨ે એ ચલાવી લેતાં પણ વહુની ગર્ભાવસ્થામાં જોખમ ન લેવાય.

‘તારું જ્ઞાન તારી પાસે રાખ, વહુ. તું કાન ખોલીને સાંભળી લે. ગ્રહણના મુરતમાં તારે કશું કાપવું નહીં, ઘરની બહાર પગ નથી મૂકવાનો.’

ત્યારે દલીલને અવકાશ ન રહ્યો. જીવીમાની ચોકી વળોટવી પણ શું કામ? અમૂલખનો એવો આગ્રહ નહોતો, સત્યવતીનો ઇરાદો નહોતો.

છતાં એક ચૂક અજાણતાં જ થઈ.

સંધ્યાકાળે ગ્રહણ યોગ શરૂ થવાની પળે સત્યવતીને ઝબકારો થયો - કપડાં!

વરંડામાં સૂકાવા મૂકેલાં કપડાં તો લેવાનાં રહી જ ગયાં! મારાં રોજનાં કામકાજ હું કેમ ચૂકી? કપડાં રાતભર બહાર રહ્યાં તો ઠરી જશે.. ઘડીભર સત્યવતી ગ્રહણની પાબંદી ભૂલી ગઈ એ કુદરતની જ અવળચંડાઈ ગણાય.

જીવીમા આંખો મીંચીને ધ્યાનમગ્ન હતાં. અમૂલખ ટીવી પર ન્યુઝ જોવામાં વ્યસ્ત હતો. એ ચકાસી હળવેકથી સત્યવતી વરંડામાં ખૂલતા દરવાજેથી બહાર નીકળી...

...ધપ્.

દોરી પર સૂકાતાં કપડાં વીણાતાં અનાયાસ આભમાં નજર ગઈ. ચંદ્ર અડધો ઢંકાઈ ચૂક્યો હતો. એ જ વખતે ગર્ભમાં સળવળાટ થયો અને પોતે કંઈ ખોટું જોઈ લીધાના ધ્રાસ્કાભેર ઘરમાં આવી સત્યવતીએ સમેટલાં વસ્ત્રોનો ઢગલો હૉલમાં પાડતાં જીવીમાની આંખો ખૂલી. દૃશ્યનો અર્થ સમજાતાં ખળભળી જવાયું - આ શું વહુ? ગ્રહણના સમયમાં તું બહાર ગઈ?

તેમના ઠપકાએ સત્યવતી રોવા જેવી થઈ. અમૂલખ તેના બચાવમાં ઊતયોર્ તો જીવીમા તાડૂકી ઊઠuંા - તમને ભાન પણ છે ગર્ભસ્થ શિશુ માટે ગ્રહણ કેવું ભારે ગણાય? દૂર શું કામ જવું, મારી માસિયાઈ બહેને નિયમ તોડ્યો તો તેનો દીકરો મંદબુદ્ધિ નીવડ્યો. અરેરે, હવે તો બધું સમુંસૂતરું પાર ઊતરે તો સારું.

અમૂલખ આમાં માનતો નહોતો. સત્યવતીની હાલત કફોડી બની. માએ આપેલાં અન્ય ઉદાહરણો પણ તેના જીવને કુરેદતાં રહ્યાં.

મારું સંતાન પણ ખોડવાળું જન્મશે? હાય-હાય.

પ્રસૂતિની ઘડી સુધી જીવ વલોવાતો રહ્યો. છેવટે નર્સે દીકરાનો કુમળો દેહ હાથમાં મૂક્યો ત્યારે થથરી જવાયું.

બાળકનો ઉપલો હોઠ સિવાયો જ નહોતો. એકાદ ઇંચ જેટલા ખાંચાને કારણે તાળવું જ દેખાતું.

ગ્રહણનો પ્રતાપ. સત્યવતીએ સ્વીકારી લીધું. અમૂલખ માટે પણ એ એટલું જ કષ્ટદાયી હતું.

‘મારી ડૉક્ટર સાથે વાત થઈ. અક્ષુની ખોડને ગ્રહણ સાથે કંઈ લાગતુંવળગતું નથી. એ માટે એમ્બþોલૉજી સાયન્સ સમજવું પડે... ’

ખાસ તો પત્નીની ગિલ્ટ નાબૂદ કરવા અમૂલખ ઝઝૂમતા, આની રાહત પણ જોકે ક્ષણજીવી જ નીવડતી.

‘ઠોકર ખાઈને પણ તમે ન સુધર્યાં!’ જીવીમા આકરાં થઈ સંભળાવતાં, પોતરા માટે તેમનોય જીવ બળતો, ‘હવે દીકરાનું તાળવું જોઈ સુધારાવાદી ઠરવાની વાહવાહી માણતાં રહેજો.’ 

કમકમી જવાયેલું. પોતે સાવ અજાણતાં રિવાજની લક્ષ્મણરેખા ઓળંગી બેઠી એ કેમેય કરી માના ગળે ઊતર્યું નહોતું. 

મહત્વ એનુંય નહોતુ. ચિંતા, ફડક નવજાત શીશુ વિશેની હતી. જે મુખ જોવા આંખો તલસતી હતી એમાં રહેલો ખાડો હરખને બદલે કંપ પ્રેરતો. અરેરે. મા થઈને મેં આ શું કર્યું? સત્યવતી વલોવાતી. ડૉક્ટર, નર્સ જે દેખાય તેને પૂછતી - મારો લાલ ઊગરી તો જશેને? તેના જાનનું જોખમ તો નથીને?

‘ના, ના, તમારો દીકરો સુરક્ષિત છે. દસેક વરસનો થયા બાદ મામૂલી ઑપરેશનથી તેની ખોડ સંધાઈ શકશે, કોઈને ખબરેય નહીં પડે.’

€ € €

‘સાંભળીને કેવો હાશકારો છવાતો અમૂલખ. પણ એ તો ક્ષણજીવી.’ પતિના ફોટો સાથે સંવાદ રચતાં સત્યવતી નિ:શ્વાસ નાખે છે, ‘અક્ષુનો હોઠ સાચે સંધાયો એ ૧૦ વરસ કેમ કાઢ્યાં એ આપણું મન જાણે છે.’

સત્યવતીના વેણમાં અતિશયોક્તિ નહોતી. પિયરમાં પણ ગ્રહણવાળો પ્રસંગ જાણી માતાપિતા બગડ્યાં, સગાંસંબંધી અક્ષુને રમાડવાને બદલે ખરખરે આવ્યાં હોય એવો વસવસો દાખવતાં. નવી પેઢી બગડી રહ્યાનો ટોણો મારવાનો વડીલોને જાણે મોકો મળતો.

અરે, થોડો મોટો થયા પછી અક્ષુ ખુદ સવાલ કરતો - મારો હોઠ કેમ આવો છે?

‘કેમ કે તારી માથી ગ્રહણ નહોતું પળાયું. ’ જીવીમા આવું કહેતાં એ કદાચ અક્ષુની સ્મૃતિમાં પણ નહીં હોય. સદ્ભાગ્યે અક્ષુનું ઑપરેશન સુખરૂપ થયું, મા પાછાં થયાં; કેટલાંય ગ્રહણ આવ્યાં-ગયાં પણ એની કડવી સ્મૃતિને પછી ક્યારેય ભરવા નહોતી દીધી...

-પણ હવે વહુની પ્રેગ્નન્સી જાણ્યા પછી એ વેદના, આજેય ધ્રુજાવી નાખતી એ પળો કાળજાને ચુભતી રહી છે.

‘હું ઇતિહાસ દહોરાવા નહીં દઉં, અમૂલખ.’ સત્યવતીની મક્કમતા રણકી, ‘વહુના ખુશખબર મળતાં જ મેં ગ્રહણના તારીખવાર ટપકાવી દીધાં છે. આ વખતે એક પણ ગ્રહણ પાળવામાં હું વહુને ચૂકવા નહીં દઉં. પછી જોઉં છું કુદરત શાની રૂઠે છે? આજ સુધી તમે સૂચવેલા દરેક સુધારા મેં પાળ્યા છે, ગ્રહણનીય એટલી દરકાર નથી કરી, પણ હવે હું જીવીમા બની જાઉં છું. મને રોકશો નહીં, વારશો નહીં. ’

તેમના હૈયે તો દીકરા-વહુનું હિત જ હતું, પણ પોતાનો સંકલ્પ કેવો ઝંઝાવાત આણશે એની ક્યાં ખબર હતી?

€ € €

‘વહુ સિ૫દાળ ન ખાશો વાયડી પડે.’ સત્યવતીની ટકોરે તન્વી મલકી પડી. મા મારું કેટલું ધ્યાન રાખે છે! સહેજ લજાઈ - ત્યાં સુધી કે

મને - અક્ષુને ખાસ એકલાં પણ નથી પડવા દેતાં!

‘મમ્મી, તું તો જીવીદાદી બની ગઈ.’ એથી અકળાતો અક્ષુ બોલી ગયો તો

મા હસ્યાં હતાં - જીવીદાદી તો હું હજી હવે બનવાની!

તેમના એ મોઘમનો અર્થ અત્યારે છતો કરતાં હોય એમ વહુની થાળી પીરસી એની પડખે પોતાની થાળી લઈ ગોઠવાતાં સત્યવતીબહેને કહ્યું, ‘વહુ બે દિવસ પછી, ૩૧ જાન્યુઆરીની રાત્રે મોટું ચંદ્રગ્રહણ છે.’

તો?

‘આપણે એ ગ્રહણ પાળવાનું છે, તારે તો ખાસ.’ પાબંદીની યાદી વર્ણવી સત્યવતીએ ભાર મૂક્યો, ‘હું તો કહીશ કર્ટન ઢાળી રૂમમાં પુરાઈ રહેજે. તારે બેડરૂમની બહાર નીકળવું નહીં!’

તન્વી અચરજથી સાસુને નિહાળી રહી. જાણે તેમનું નવું જ રૂપ ઊઘડ્યું,

‘મા, તમે આવામાં માનો છો?’

‘કોઈ સવાલ નહીં, કોઈ જ દલીલ નહીં તન્વી. મેં કહ્યું એમાં મીનમેખ નહીં થાય.’ સત્યવતીના તેવ૨ે તન્વી ડઘાઈ.

આ જીદ, આ રઢ કેવો રંગ દેખાડવાની હતી એની જાણ હોત તો?

€ € €

‘મા મને થોડાં અજીબ લાગ્યાં.’

રાત્રે તન્વીએ સાસુભેગાં સૂવું પડતું. પણ જમ્યા પછી સોસાયટીમાં આંટા મારવાની કસરત અક્ષુ સાથે કરવાની થતી એમાં તેણે ભીતરને વાચા આપી. ગ્રહણ પાળવાનો સાસુની તકેદારી નિભાવવાનો વાંધો નહોતો, પણ એકાએક આટલાં રિજીડ થવાનું કારણ શું? પૂછો તો કહી દે - કોઈ સવાલ નહીં!

‘હશે કોઈ કારણ. આપણા હિતનું જ હશે.’ અક્ષયને ઝાઝું વિચારવા જેવું ન લાગ્યું.

€ € €

‘વેવાણ બિલકુલ સાચાં છે. મુંબઈમાં ભલે કોઈ ગ્રહણ પાળતું ન હોય, તારી અવસ્થા જોતાં ગ્રહણ પાળેલું સારું.’ બીજી બપોરે તન્વીની વિજયામા સાથે વાત થઈ તો તેમણે પણ સત્યવતીમાના નિર્ણયને બહાલી આપી, ‘વિજ્ઞાન એની રીતે સાચું, પરંતુ આપણી સુખાકારી માટે થોડાઘણા રીતરિવાજ પાળવા પડે તો શ્રદ્ધાથી નિભાવી લેવાના.’

આમાં સાસુનું મન જાળવવાની ર્દીઘદૃષ્ટિ વધુ હતી. એ નિભાવમાં શું થવાનું હતું એની તો બોલનારને પણ ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK