કથા-સપ્તાહ - સાસ-બહૂ (સૂરજ ચંદ્રની સાખે - ૧)

‘વો જબ યાદ આયે... બહોત યાદ આયે...’


novel

અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

દૂર ક્યાંક બજતા લતા-રફીના યુગલગીતે સત્યવતીબહેનના હોઠ મલકાવી દીધા, ‘તારા સસરાનું આ પ્રિય ગીત, હોં વહુ.’

ઘૂઘરા માટે તુવેરની સિંગ ફોલતાં તેમણે સાંભર્યું,

‘વેકેશનમાં હું અક્ષુને લઈને પિયર જાઉં કે પાછળ રોજ તેમનો આંતરદેશીય પત્ર આવે; એમાં આ જ કડીઓ લખી હોય! બળ્યો પછી મારોય જીવ ન રહે એટલે પંદર-વીસ દિવસ રોકાવાનું નક્કી કરીને ગઈ હોઉં એ ભૂલીને ચોથે દહાડે તો પાછી!’

સાંભળીને તન્વીએ મર્માળુ મલકી લીધું,

‘એમ કહોને કે તમે મારા શ્વસુરજીને બરાબર પાલવડે બાંધી રાખ્યા હતાત્યારે તો!’

‘એથી હું પણ એટલી જ બંધાયેલીને!’ સત્યવતીબહેને સરળ ભાવે કહ્યું, ‘એકબીજા વિના અમને ગોઠતું નહીં. અક્ષય સહેજ મોટો થયા પછી કહી દેતો - મા, તું ન આવીશ, હું એકલો મામાને ત્યાં જઈશ. આ તો તારે લીધે મનેય રહેવા નથી મળતું!’

મધુરું સંભારણું તાજું કરીને તેમણે હળવો નિ:શ્વાસ નાખ્યો, ‘અક્ષુ બારમામાં હતો ત્યારે નાનીસી માંદગીમાં અમૂલખે પિછોડી તાણી. મને હતું કે હું જીવી નહીં શકું તેમના વગર, પણ જો આજકાલ કરતાં ૮ વરસનાં વહાણાં વાઈ ગયાં તોય જીવું છુંને! હરું છું, ફરું છું, તહેવારો ઊજવું છું.’

ના, આમાં અફસોસ નહોતો, ગિલ્ટ પણ નહોતી. દસમું પાસ સાસુને સમજાવતાં કદાચ ન ફાવે, પણ સાયકોલૉજીમાં ગ્રૅજ્યુએટ થયેલી વહુ તેમનું બિટ્વીન ધ લાઇન્સ સમજી શકતી - મા દીકરાનું મોં જોઈ જીવી ગયાં, અક્ષયને ધબકતો રાખવા ખુદ ધબકતાં રહ્યાં. fવસુરજીના આત્માને એની ટાઢક જ હોય; મા એ માટે કંઈ પણ કરી શકે!

‘વલસાડ નજીકના અમારા ચીખલા ગામમાં એ જમાનામાં એટલી છૂટછાટ ન મળે. આજે કદાચ અચરજ થાય પણ ઘરની વહુ પતિની પાછળ સ્કૂટર પર બેસીને ગામમાંથી નીકળે એ ધારો મારા પપ્પાએ શરૂ કરાવ્યો...’

અક્ષય ઘણી વાર કહેતો એ સાંભરી ગયું તન્વીને,

‘પપ્પા વલસાડ હાઈ સ્કૂલમાં માસ્તર એટલે સુધારાવાદી.’ અક્ષયના રણકામાં ગૌરવ ઊપસતું, ‘જોકે પપ્પાના અભિગમને કારણે માની હાલત ઘરમેળે બહુ કફોડી બનતી... મારી જીવીદાદીના પ્રતાપે!’

જીવીબહેન પાક્કાં મરજાદી, એટલાં જ જુનવાણી. રીતરિવાજની રૂઢિને

વળગી રહેનારાં.

‘અમારું ઘર વાણિયાશેરીમાં. જીવીબાનો ન્યાતમાં પ્રભાવ પણ ઠીક-ઠીક. એકનો એક દીકરો તેમનો લાડલો ખરો, પણ તેના સુધારા દાદીને બહુ રુચતા નહીં. દીકરાને કહેવાતું નહીં, કહે તો તે સાંભળે નહીં એટલે દાદી વહુ પર દબાણ કરતાં - તારે વરની હામાં હા નથી કરવાની, પૂર્વજોએ પ્રથા અમસ્તી પાડી હશે કે તારો વર એને સુધારવા નીકળ્યો!’

પરિણામે સત્યવતીની કસોટી થઈ જતી. પોતે પતિ જેટલું ભણેલાં નહીં. પિયરની રહેણીકહેણીય ખાસ આધુનિક નહીં એટલે સાસુની બંદિશ સ્વાભાવિક લાગતી, પતિનો આગ્રહ દુરાગ્રહ જેવો લાગવા માંડતો.

‘અરે, હું મારા સ્કૂટર પર મારી પત્નીને બેસાડીને ગામમાં ફરી ન શકું એ કેવો રિવાજ. વલસાડ જવું હોય તો તારે ચાલતાં સીમ સુધી જવાનું, પછી તું મારી પાછળ બેસી શકે એવી કેવી મરજાદ! હું કંઈ ન જાણું. મને પ્રેમ કરતી હો તો ઘરેથી જ મારી જોડે સ્કૂટર પર નીકળી બતાવ.’

ઘરની, ગામની રૂઢિઓ સામે ઝઝૂમતા અમૂલખ છેવટે ‘મને પ્રેમ કરતી હો તો’નું બ્રહ્માસ્ત્ર વાપરતા અને સત્યવતી પાસે કોઈ વિકલ્પ રહેતો નહીં!

‘પપ્પા-માનું લગ્નજીવન સ્નેહજીવનના પર્યાય સમું રહ્યું. દાદીને એનો હરખ જ હોય તોય છાશવારે મમ્મીને મેંશના ટપકા જેવું બબડી લેતા - તું તો ખરી વરઘેલી! અમૂલખે કહ્યું અને વહુરાણી સ્કૂટર પર બેસીયે ગયાં! ગામ વચ્ચે આબરૂ કાઢીને શું મેળવ્યું?’

સત્યવતી વેણ ખમી ખાતાં. વિધવા સાસુની સેવામાં પાછું વળીને જોયું નથી.

‘સાચું કહેજે સત્યવતી, મારા કારણે મા તને ઘણી વાર બોલી જાય છે, એનું તને દુ:ખ નથી?’ અમૂલખ મેડીના એકાંતમાં પૂછતા, ને સત્યવતી આભા બનતાં, ‘હાય હાય. માના બોલથી તે દુ:ખી થવાતું હશે?’

આમાં દંભ નહોતો, અણસમજ પણ નહીં, હતી માત્ર શ્રદ્ધા. અમૂલખ તેને નતમસ્તક થતા.

સત્યવતી માટે સંસારના એક પલડામાં પતિની સુધારાવૃત્તિ હતી, બીજામાં પોતાના ઉછેરનું, સાસુનું જુનવાણીપણું.

‘તોય કદી મને અસમતોલન લાગ્યું નથી. કેમ કે મારી ડોર અમૂલખના હાથમાં હતી.’

કેટલાં ગવર્ભેનર મા કહેતાં. જેનો હાથ થામ્યો તેના પર બધું છોડવા જેવું સમર્પણ દાખવવાનું તો દૂર, સમજવાની વૃત્તિ આજે કેટલામાં?

‘સ્કૂટરની સવારી તો પ્રતીકરૂપ હતી. અમૂલખ દહેજપ્રથા, ભ્રૂણહત્યા જેવા વિષયોનો મુદ્દો બનાવી ગામમાં જનજાગૃતિ આણવા મથતા. તેઓ સુધારાવાદી ખરા, પણ એથી પૂર્વજોની દરેક પરંપરાના આંધળા વિરોધમાં પણ તેઓ માનતા નહીં. અમે સાસુ-વહુ શ્રાવણનાં એકટાણાં કરીએ તો એને ભગવાનની ભક્તિ સાથે શું લાગેવળગે એવો તર્ક જતાવવાને બદલે વરસાદી ઋતુમાં ઉપવાસના ફાયદા સમજાવે. અંધશ્રદ્ધાનો નક્કર વિરોધ, શ્રદ્ધાને એટલું જ માન. આ પાતળી ભેદરેખા બહુ ચોકસાઈથી અમૂલખે પાળી.’

આનો પડઘો સ્વાભાવિકપણે ઘરની રસમોમાં પડઘાતો. રીત-વહેવારમાં મા ખાસ્સાં આધુનિક લાગતાં.

‘પતિ શિક્ષક; તોય તમે ગ્રૅજ્યુએશન કેમ ન પતાવ્યું મા?’ તન્વી ક્યારેક બોલી જતી. 

‘એ તો તારા સસરાનો લગ્ન પછીનો પ્રથમ નિર્ધાર હતો - તને પૂરતું શિક્ષણ આપ્યા વિના બહાર હું કન્યા કેળવણીની વાતો કેમ કરી શકું?’ મા ખુલાસો કરતાં, ‘તેમણે ચોપડીઓય લાવી રાખેલી, પણ ખરું કહું તો મને ભણવાની આળસ. વળી માસ્તર રહ્યા કડક શિક્ષક, પાઠ યાદ ન રહે તો ખખડાવી નાખે એ સહ્યું ન જાય. હું રડી પડું ને પછી અભ્યાસ બાજુએ મૂકીને તારા સસરાજી મને મનાવવામાં રાત વિતાવી કાઢે! લગ્નનાં બે વર્ષ પછી મને ગર્ભ રહ્યો, અક્ષયના આગમન પછી તો અવકાશ જ ક્યાં રહ્યો?’ કહી તે મલકતાં,

‘ક્યારેક અમૂલખ હું ન ભણી શકાયાનો અફસોસ જતાવે તો કહી દઉં, માસ્તરની પત્ની અડધી શિક્ષક જ ગણાય!’

અત્યારે પણ એ શબ્દોના પડઘાએ તન્વીને મલકાવી દીધી.

‘દીકરાનો જનમ ખુશીભર્યો એટલો જ કષ્ટદાયક નીવડ્યો હતો અમારા માટે...’ મા ગંભીર બનતાં, ‘આમ તો અક્ષુ મૂછ રાખે છે એટલે ખબર ન પડે, તને કદાચ કહ્યું પણ હોય - અક્ષુ જન્મ્યો ત્યારે તેના ઉપલા હોઠની ફાડ જોડાઈ નહોતી. એક ઇંચ જેટલા ખાંચાને કારણે તાળવું જ દેખાતું. ’

તન્વીને એની જાણ હતી. પોતે ૧૦ વર્ષનો થયો ત્યારે ઑપરેશન થકી એ ખામી સુધારાઈ અને હવે તો મૂછ હોવાથી એના ટાંકાનાં નિશાન પણ નજરે નથી ચડતાં એવું અક્ષુએ કહેલું પણ ખરું...

મહત્વનું એ કે કેટલું અદ્ભુત જોડું રહ્યું મા-પપ્પાજીનું!

‘આનું જ એક્સ્ટેન્શન હું આપણા દામ્પત્યમાં ઝંખું છું. અક્ષયે સગપણની સંધ્યાએ કહેલું.

અત્યંત સોહામણો અક્ષય એક નજરમાં ગમી જાય એવો હતો, પણ તન્વી તો આકર્ષાઈ એના ગુણસૌંદર્યએ. સંસ્કારમઢ્યો જુવાન સ્વપ્નિલ એટલો જ પાણીદાર લાગ્યો. નાની વયે પિતાને ગુમાવ્યા છતાં હામ હારવાને બદલે સેલ્ફ મેડ પર્સનની જેમ મુંબઈ જેવા શહેરમાં થાળે પડવાના પડકાર ઝીલી દેખાડ્યો, માને જાળવી જાણ્યાં તેને આંખ મીંચીને હકાર ભણવાનો હોય...

સામા પક્ષે અક્ષયને પણ તન્વીનાં રૂપ-ગુણ સ્પર્શી ગયાં.

બૅન્કર પિતા દામોદરભાઈ અને ગૃહિણી માતા વિજયાબહેનનાં બે સંતાનોમાં તન્વી નાની. એન્જિનિયર થઈ નાના પાયે પોતાનો કમ્પ્યુટરનો બિઝનેસ કરતો મોટો ભાઈ વિશાલ વર્ષ અગાઉ પરણી ચૂકેલો. તન્વી મા-પિતા-ભાઈની જેટલી લાડલી એટલું જ તેને LICમાં જૉબ કરતાં તેનાં વૃંદાભાભી જોડે ફાવતું. મલાડના પિયરમાં એકંદરે સુખ હતું જે તન્વીના વ્યક્તિત્વમાં પડઘાતું. ઘરના કામકાજમાં ઘડાયેલી તન્વીની બુદ્ધિગમ્યતા પણ અક્ષયને અપીલિંગ લાગી. તેને ઇનકાર હોય જ નહીંને!

દીકરાની પસંદગીમાં માનો રાજીપો હતો - છોકરી ડાહીડમરી, ઘર ઉજાળે એવી છે!

બેઉનાં રસરુચિ સમાન હતાં અને સ્નેહ-સમર્પણથી સંસાર સીંચવાની કટિબદ્ધતા પણ એક સ્તરની હતી.

‘તું માને જાળવશે તન્વી, મને એમાં સંશય નથી-’ અક્ષય કહેતો, ‘પણ ખરેખર તો તેનાં સંસારમૂલ્યોને જીવનમાં ઉતારવા જેવાં છે... માએ પતિનાં સુધારાકાર્યોમાં કહ્યો સાથ આપ્યો એટલી જ સરળતાથી સાસુનો ઠપકો સાંભળી લીધો અને એ જ સહજતાથી મારી સાથે મુંબઈ આવી... તેણે હંમેશાં પોતાના કરતાં પોતાનાઓનું સુખ જ જોયું.’

બીજું કોઈ હોત તો અક્ષયને માવડિયો ગણીને મોં મચકોડત, તન્વીએ એમાં જીવનસાથીની અપેક્ષા જોઈ, પોતાનો ભાવિ પથ નિહાળ્યો. એમાં પાર ઊતરવાની ઝંખના જાગી.

‘જીવીદાદીની વિદાયે પપ્પા કરતાં મા વધુ રડી હતી. પપ્પા ગયા બાદ અમે ગામ રહ્યાં હોત તો મા કદાચ એ આઘાતમાંથી ઊગરત પણ નહીં એટલે તો બારમું પાસ થઈને મેં કૉલેજ મુંબઈ કરવાનું નક્કી ઠેરવ્યું, મારી સાથે તેણે આવવું પડ્યું.’

મા દીકરા માટે ધબકતાં રહ્યાં હોય તો દીકરાએ પણ એટલી જ હૂંફથી તેમને જાળવ્યાં. ભાડાનું ઘર લીધું, આર્થિક સ્થિતિ સારી એટલે બીજી વિપદા નહોતી. ભણી રહ્યા પછી અક્ષયને મલ્ટિનૅશનલ જૉબ સાથે કંપની તરફથી અંધેરીમાં આ ફ્લૅટ રહેવા મળ્યો. એમાં કંકુવરણાં પગલાં પાડ્યા પછી તન્વીને ઊલટું સવાયા પિયરમાં આવી હોય એવું લાગતું. અક્ષુ તેને હથેળીમાં રાખતો, મા દીકરાથી વધુ લાડ વહુને લડાવતાં.

‘દીકરીના માવતર માટે આનાથી વિશેષ ખુશખબરી બીજી શું હોય?’ વિજયાબહેન સંતોષ જતાવી શીખ દેતાં, ‘બસ, આ સુખને જાળવતાં તને આવડવું જોઈએ.’

બેશક, તન્વીમાં એની સૂઝ હોય જ... તેના હૃદય પર અક્ષયનું શાસન હતું, મા સાથે જીવ ભળી ગયો. લગ્નના બે વર્ષની અવધિ સુખમય રહી, એ સુખને હું ક્યારેય ઓસરવા નહીં દઉં!

અત્યારે પણ સંકલ્પ ઘૂંટતી તન્વીને ક્યાં ખબર હતી કે તેની કસોટીનો યોગ ઢૂંકડો છે!

€ € €

આજે રાત્રે ઘૂઘરાનું મેનુ હતું.

અક્ષયના ફેવરિટ. 

સવારે ફોલેલી તુવેરનો સાંજો બનાવતી તન્વીને એકાએક તમ્મર આવ્યાં. પડખે ઊભેલાં સત્યવતીએ તેને જાળવી લીધી.

ના, ચિંતાજનક કંઈ નહોતું બલકે ખુશખબરી હતી - વહુ મા બનવાની!

બીજે દહાડે લૅબ-રિપોર્ટનું કન્ફર્મેશન આવતાં સત્યવતી કૅલેન્ડર લઈ બેસી ગયાં - આ નવેમ્બર તો અડધો પત્યો; એ હિસાબે વહુની ડિલિવરી જુલાઈ પહેલાં નહીં થાય...

જાણું તો ખરી, ત્યાં સુધીમાં કેટલાં ગ્રહણ પાળવાનાં થાય છે!

તન્વીએ આ જોયું હોત તો સાચે અજીબ લાગ્યું હોત!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK