કથા-સપ્તાહ - રેવા - (દિન-રાત - 5)

હેં! અક્ષ સમસમી ગયો.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


ખાનસામા આ શું કહી રહ્યો છે? માલકિન (રેવા)ની મિત્ર તેમની કઈ પાડોશણને બેસૂરી કરવા માગે છે? અને એવું હોય તો અત્યારે તે કાઢો લઈને માલકિન પાસે કેમ ગયાં?

ખરેખર તો માલકિનની સખી મને ચેતવાયોગ્ય જ લાગી છે... બધાની આગળ અડધા ભાણે ઊઠીને દુ:ખી હોવાનું નાટક કરનારીને એકાંતમાં ભરપેટ મીઠાઈ ખાતી નિહાળ્યા પછી મને તેના પર ભરોસો નથી રહ્યો. માલિક- માલકિન તેમનાં કારણોમાંથી ઊંચાં નથી આવતાં, તેમને આ વિશે કહેવું પણ શું! આજે

મારી ગેરહાજરીનો તેમણે કેવો ગેરલાભ ઉઠાવ્યો!

એ તો સારું થયું કે એ સમયે કશા કામે કિચન તરફ જતો ખાનસામા તેમની વાત સાંભળીને બારણે અટકી ગયો... પાડોશણનું સાંભળીને તેણે બહુ મન પર ન લીધું, પણ અત્યારે લાવણ્યાને એ કાઢો લઈને મ્યુઝિકરૂમમાં જતી જોઈને તેને ફાળ પડી, મને ફોન કર્યો... તે જાણે છે કે માલકિનની મિત્ર સામે માલિક મારું જ સાંભળવાના!

વિડિયોકૉલમાં ખાનસામાને ધરપત રાખવાનું સૂચવીને અક્ષે ડ્રાઇવરનો ખભો થપથપાવ્યો : જલદી હાંક, ઘરે કટોકટી સર્જાણી છે!

€ € €

વૉટ! આર્જવ ચોંક્યો. વિડિયોચૅટમાં અક્ષ કહેવા માગે છે કે... લાવણ્યા જડીબુટ્ટીવાળું પાણી પીવડાવીને રેવાને બેસૂરી કરવા... - ઓહ નો!

આર્જવે દોટ મૂકી!

€ € €

‘જલદી પી લે. આ સ્પેશ્યલ આયુર્વેદ ઔષધિ ગળા માટે બહુ ગુણકારી છે.’

લાવણ્યા આવી ત્યારે રેવાનું ગીત ચાલુ હતું એટલે થોડી રાહ જોવી

પડી. જેવું સૉન્ગ પત્યું કે લાડથી તેણે પ્યાલો થમાવ્યો.

‘થૅન્ક્સ...’ ગ્લાસ લઈને રેવા આટલું કહે છે કે મોબાઇલ રણઝણ્યો. અક્ષનો વિડિયોકૉલ!

ચોરનજરે જોતી લાવણ્યાએ મોં મચકોડ્યું : અત્યારે તું ક્યાં ટપક્યો!

‘એક્સક્યુઝ મી...’ ડાબા હાથમાં ગ્લાસ લઈને રેવાએ જમણા હાથે કૉલ રિસીવ કર્યો : ‘બોલ અક્ષ...’

સામેથી અક્ષ સાઇન-લૅન્ગ્વેજમાં શું કહેવા માગે છે એ પહેલાં તો સમજાયું નહીં, ‘ધીરે અક્ષ, શાંતિથી મને કહે.’

અક્ષે ધીરજથી ઇશારો કર્યો. રેવા ઉકેલતી ગઈ, ‘મારી સહેલી? લાવણ્યા?’ તે હસી, ‘અત્યારે મારી સામે જ છે.’

સાંભળીને લાવણ્યાના કપાળે સળ ઊપસ્યા.

‘શું? પાણી? ના દવા! લાવણ્યા મને દવા પીવડાવશે. ઓહ યા, આ રહ્યો કાઢો.’

રેવાના શબ્દો લાવણ્યાના પેટમાં વળ જન્માવતા હતા.

‘નહીં પીવો? કેમ?’ રેવા અક્ષના ઇશારે ચમકી, ‘પીવાથી હું ગાઈ નહીં શકું?’

એવો જ લાવણ્યાએ ફોન ખૂંચવીને દીવાલમાં ઘા કરતાં ઇન્સ્ટ્રુમેન્ટના ટુકડા થઈ ગયા.

‘બે બદામના નોકરની હિંમત તો જો! તું શું વિચારે છે, પી લે આ કાઢો.’

રેવા સહેજ અચરજ અને વધુ આઘાતથી લાવણ્યાને તાકી રહી : આટલી તોછડાઈ, ઉદ્ધતાઈ!

એ જ વખતે કાચનો દરવાજો હડસેલીને હાંફતા શ્વાસે આર્જવ પ્રવેશ્યો, ‘રેવા, આ પ્રવાહી ન પી....તી...’

લાવણ્યા ખળભળી ઊઠી. આ થવા શું બેઠું છે!

આર્જવની આજ્ઞા મને શિરોમાન્વ! આર્જવના દોડી આવવામાં તેમનો પ્રણય છતો થાય છે... ગ્લાસ ફંગોળવા જતી રેવા છેલ્લી ઘડીએ અટકી, સૂઝી આવ્યું, ‘આર્જવ, મારા હાથમાં એવું ઝેર છે જે મારો અવાજ છીનવી લે... હવે નક્કી તમારે કરવાનું છે ક્યાં મારો અવાજ, ક્યાં તમારું રહસ્ય!’

હેં! આર્જવની કમરમાં સટાકો બોલ્યો. લાવણ્યા પોતાના હથિયારને રેવાનું હથિયાર બનતાં લાચારીથી નિહાળી રહી, પછી બોલવાનું સૂઝ્યું, ‘આમાં ઝેર નથી, મૂંગા નોકરે જાણે શું ઍક્ટિંગ કરી...’

સટાક. રેવાએ આગળ વધી કસીને ફટકારેલા તમાચાએ લાવણ્યાને ડગમગાવી દીધી,

‘તારો હિસાબ હું પછી સેટલ કરું છું. ત્યાં સુધી કીપ મમ.’

તેની લઢણે લાવણ્યા ફિકી પડી. આર્જવ અસમંજસમાં રહ્યો અને એ સાથે જ અક્ષે દેખા દીધી. દૃશ્યનો ચિતાર જાણીને અક્ષ પણ હેબતાયો. ‘તમને એક મિનિટ આપું છું.’

રેવા ચાર ડગલાં પાછળ થઈ. સામે ધનુષની કમાન જેવા અર્ધવતુર્ળમાં ઊભાં લાવણ્યા, આર્જવ, અક્ષથી સલામત અંતર રાખી માગણી દોહરાવી : ક્યાં સચ, ક્યાં વિષ!

રેવા કયું સચ જાણવા માગે છે એ લાવણ્યાને ન સમજાયું. તે તો ઇચ્છી રહી કે આર્જવ મૂંગા રહે અને બાઈજી પ્યાલો ગટગટાવી જાય!

પણ છેવટે તો જે નિર્મિત હોય એ જ થાય છે.

‘કોઈ સત્ય તારા સૂરથી વધુ મહત્વનું નથી રેવા... સચ્ચાઈ જાણીને તું જ મને તિરસ્કારીશ. છતાં આજે એ કહી દેવું છે.’ રેવાની દૃઢતા પારખીને આર્જવે શરણાગતિ સ્વીકારવી પડી. રેવા એકકાન થઈ.

‘મેં કહેલુંને કે મને મહોબતની ઇજાઝત નથી... તારી સાથે તો નહીં જ...’ આર્જવે ગળું ખંખેર્યું, ‘કેમ કે કાયદાની નજરમાં હું ગુનેગાર છું.’

રેવાએ ધરતીકંપ તોળાતો અનુભવ્યો.

‘રેવા, હું શો ઑર્ગેનાઇઝર છું, દેશવિદેશમાં જાણીતા સિંગર્સના શોઝ અરેન્જ કરું છું, સાચું; પણ એની આડમાં ગેરકાયદે વિદેશ વસવા માગતા જુવાનોને મ્યુઝિશ્યન કે કોરસ સિંગર તરીકે ગ્રુપમાં ભેળવી ફૉરેન રવાના કરવાનો ગુનો આચરું છું. એમાંથી જ આ જાહોજલાલી સર્જાઈ છે.’

બીજા શબ્દોમાં આને કબૂતરબાજી કહેવાય! સંગીતનો સ નહીં જાણનારાં છોકરાઓ-છોકરીઓ મ્યુઝિક-ગ્રુપનો હિસ્સો બની વિદેશની ધરતી પર ઊતરી વંજો માપી જાય એ કરતૂત નવાં નથી. ખાસ કરીને અમેરિકા, યુરોપ જવા લોકો ગમે તે કરવા તૈયાર થતા હોય છે. આ પ્રકારની સવલત આપનારને મોંમાગી કિંમત ચૂકવાતી હોય છે... આર્જવ

એના વમળમાં ફસાયા છે? રેવાએ અરેરાટી અનુભવી.

‘આની શરૂઆત મારી પ્રતિજ્ઞાથી થાય છે. બે વરસમાં મુંબઈમાં મારું ઘર કરવાની મેં લીધેલી ટેકે મને હંફાવ્યો. અનેક રસ્તે કામ કર્યું, પણ ટૂંકા ગાળામાં મુંબઈમાં ઘર લેવાનો જોગ પાર પડે એવી ચાવી ગેરકાનૂની રસ્તે જ જડી... નાની-મોટી કૉન્સર્ટ હું યોજતો થયેલો. એમાં એ સમયના જાણીતા ગાયક કુમાર નારાયણે આ રસ્તો ચીંધ્યો. કુમાર નારાયણની વિદેશ-ટૂર્સથી આરંભાયેલી એ સફરનાં સાત-આઠ વ૨સોમાં કંઈકેટલા જુવાનિયાઓને મેં ફૉરેન મોકલ્યા હશે.’

આર્જવના સંદર્ભ હવે સમજાતા હતા.

‘અલબત્ત, અતિ ગુપ્તપણે પાર પડતું હોય છે આખું ઑપરેશન. મેં કહ્યું એમ આમાં ક્યારેક લીડ સિંગરની પણ ભાગીદારી હોય છે. તેમની પ્રતિષ્ઠા, લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ગ્રુપના વીઝા અલૉટ થતા હોય છે એટલે સિંગર પણ એના મોંમાગ્યા પૈસા વસૂલતા હોય છે... મારે કહેવું ન જોઈએ પણ અતાઉલ્લા ખાન આમાં માસ્ટરમાઇન્ડ જેવો છે. તેની ટૂરમાં મેં મૅક્સિમમ કબૂતર મોકલ્યાં છે. આગામી ટૂરમાં પણ ચાર નમૂના જવાના છે.’ આર્જવે ઉમેર્યું, ‘તને એ ટૂર માટે સાઇન કરી ત્યારે જાણ નહોતી કે તું મારા જિગરનો ટુકડો બની જઈશ... પ્રેમ થયા પછી તને જોખમની જરા પણ આશંકા હોય એવી ટૂરમાં કેમ મોકલું! એટલે વીઝા અરજી રદ થયાનું બાલિશ બહાનું કાઢ્યું. ખરેખર તો તારો વીઝાકૉલ અત્યારે પણ મારી ઑફિસમાં પડ્યો છે...’

આર્જવ આટલું બોલે છે કે ગ્લાસ ફગાવીને રેવા દોડી, તેને વળગી, ચૂમી રહી, ‘તમે ખોટું કર્યું આર્જવ, પણ તમને ચાહીને મેં ગલતી નથી કરી એ હવે સમજાઈ ગયું...’

અક્ષ તાળી પાડી ઊઠ્યો. સભાન થતી રેવા અળગી થઈ.

‘વૉટ ધ હેલ...’ લાવણ્યાને રાહત એટલી થઈ કે રેવાએ ગ્લાસ ફગાવતાં કાઢો રેલાઈ ગયો. એ ગળા માટે હાનિકારક હોવાનું હવે કોઈ પુરવાર કરી શકવાનું નહીં! ભલે મારો દાવ ખાલી ગયો, આર્જવની સચ્ચાઈ જાણીને હું રેવાને તેની થવા દઈશ નહીં. પાછળથી ભલે હું જ આર્જવની થાઉં, મને તેના ગુનાનો ક્યાં છોછ છે! જેણે ખુદ ગુનો આચર્યો છે તેને બીજાના ગુના કેમ કનડે? એ વિચારે લાવણ્યા વળી ફૉર્મમાં આવી, ‘આર્જવ ઇઝ ક્રિમિનલ રેવા, યુ કાન્ટ ગો વિથ હિમ. તારા ઘરનાને જાણ થઈ તો...’

‘ગુનેગાર ગુનાની સજા ઓઢીને શુદ્ધ થઈ શકે છે લાવણ્યા...’ રેવાએ આર્જવ સાથે નૈન મિલાવ્યાં, ‘આટલં, કરશોને આર્જવ?’

અક્ષે પણ હાથ જોડ્યા.

‘મારી જિંદગીના આધાર સમી બે વ્યક્તિઓની માગણી હું કેમ ટાળી શકું?’ ભીની આંખે આર્જવે રેવા-અક્ષને બાથમાં લીધાં.

ઇમોશનલ ફૂલ્સ! લાવણ્યાએ મોં મચકોડ્યું. આર્જવ જેલમાં જ જવાનો હોય તો તેની પાછળ જવાની વેડફાય નહીં. કોઈ નવું પાત્ર હું ખોળી કાઢીશ. આર્જવ જેલમાં જતાં એકલી પડનારી રેવા સાથે કોઈ પણ રીતે વેર વસૂલી શકાશે - અત્યારે તો અહીંથી સરકો!

પણ ના, અક્ષ ગાફેલ નહોતો. દબાતે પગલે સરકતી લાવણ્યાને તેણે ઝડપી, કાંડું મચકોડ્યું કે તે દર્દથી ચીખી ઊઠી.

આર્જવ-રેવા પ્રેમસમાધિમાંથી જાગ્યાં.

‘હવે તારો હિસાબ લાવણ્યા. મેં તારું શું બગાડ્યું કે તું મને બેસૂરી બનાવવાની હદે ગ્ાઈ...’ રેવાએ ઝંઝોડતાં લાવણ્યાએ આપો ગુમાવ્યો.

‘તેં મારું શું બગાડ્યું! અરે, તેં મારું સમણું તોડ્યું રેવા. હું આદિલના જૂઠમાં ખુશ હતી. તારે મને જગાડવાની જરૂર શું હતી?’

તેનો દૃષ્ટિકોણ સમજાતાં રેવા સ્તબ્ધ બની, આર્જવ-અક્ષ પણ ડઘાયા.

‘અફસોસ! છ મહિનાના સંગાથ છતાં તું મને, મારી મિત્રતાને, મારી કાળજીને સમજી ન શકી... લાવણ્યા, તારું સમણું તારી ખોટી અપેક્ષાઓના બોજે તૂટuું છે એ પણ તને ન કળાતું હોય તો ઈશ્વર જ તને સદ્બુદ્ધિ આપે.’ રેવાને દુ:ખ પહોંચ્યું હતું, પણ મિત્રતામાં મૂરખ ઠરવાની એની તૈયારી નહોતી, ‘બાકી મારા ઘરમાં તારી જગ્યા નથી - ગેટઆઉટ.’

‘અત્યારે તો જાઉં છું રેવા, પણ તને બક્ષિસ નહીં. ફરી મળીશું, બહુ જલદી.’

આવું કહી પોતાનો સામાન સમેટીને બંગલાની બહાર નીકળી લાવણ્યા રિક્ષાની રાહ જુએ છે કે...

‘કેમ છે લાવણ્યા?’ અચાનક ભૂતની જેમ તે પ્રગટ્યો - આદિલ!

પળ પૂરતી ગભરાઈ ઊઠેલી લાવણ્યા વળતી પળે સ્વસ્થ થઈ : ભરરસ્તા વચ્ચે બદમાશ શું કરી લેવાનો?

‘આ...’ આદિલે કશુંક ફેંક્યું ને લાવણ્યાના ચહેરાની ચામડી તતડી ઊઠી. ઍસિડ!

તેની કાળઝાળ ચીસો સામે આદિલ ખડખડાટ હસતો રહ્યો. તેણે ભાગવું નહોતું. છેવટે પોલીસ પકડી ગઈ ત્યારે એકનું એક વાક્ય બોલતો સંભળાયો : તેં મારું પુરુષાતન છીનવ્યું, મેં તારું રૂપ. હિસાબ ચૂકતે!

€ € €

અરેરેરે. લાવણ્યા સાથેનો ઘટનાક્રમ જાણીને રેવાએ અરેરાટી અનુભવી. પુરુષત્વ ગુમાવીને હતાશ બનેલો આદિલ વેર ઝંખતો હતો. લાવણ્યાની ભાળ કાઢી તેના એકલા બંગલામાંથી બહાર નીકળવાની રાહ જોતો હતો એ મોકો મેં તેને આપ્યો?

‘તેં નહીં લાવણ્યાની જીદે. ટૂંકી સોચે બે વ્યક્તિ એવા સંબંધોમાં બંધાઈ જેમાં બેઉએ ગુમાવવાનું આવ્યું...’ આર્જવ.

ન રહેવાતાં રેવા આર્જવ સાથે તેની ખબર કાઢવા ગઈ ત્યારે ચહેરાનું રૂપ ગુમાવી બેઠેલી લાવણ્યા ધ્રુસકાભેર રડી હતી : હું ક્યાંયની ન રહી!

‘એવું ન વિચાર. ચહેરાના ઘા તો પ્લાસ્ટિક સર્જરીથી ભૂંસાઈ જશે. તારું મન ચોખ્ખું કરી દે લાવણ્યા. તો કદાચ આદિલે પણ શું ગુમાવ્યું એ સમજી શકીશ...’

બીજું કહી પણ શું શકાય, થઈ પણ શું શકે? આદિલ હવાલાતમાં છે. લાવણ્યા હાલ તો પેરન્ટ્સ સાથે લખનઉ મૂવ થઈ છે. કુટુંબ ગમે એવું હોય છેવટે તો એનો જ સહારો હોય છે! આગળ જે થાય એ તેમનું નસીબ! જીવનમાં આવેલી કેટલીક વ્યક્તિઓને એમના નસીબ પર છોડીને આપણે આગળ વધવાનું હોય છે.

‘બાકી તમારું નસીબ એક હોવામાં અમને સંશય નથી.’ બધું જાણીને રેવાના ઘરવાળા આર્જવને જમાઈ તરીકે સ્વીકારવા રાજી થયા. એ ખુદ રેવાને ચમત્કાર જેવું લાગ્યું, પણ એની ખુશી જ હોયને!

€ € €

સાદાઈથી લગ્ન લેવાયાં. માલકિન તરીકે બાકાયદા રેવાનો ગૃહપ્રવેશ થયો, ઉમંગભેર સુહાગરાત ઊજવાઈ...

અને બીજી બપોરે હનીમૂન પર જવાને બદલે આર્જવ થાણામાં હાજર થયો. આઇ વૉન્ટ ટુ કન્ફેસ...

આર્જવની ગુપ્ત કબૂલાતના આધારે અઠવાડિયા પછી ટૂર લઈને નીકળતા અતાઉલ્લા ખાનની ઍરપોર્ટ પર ધરપકડ થઈ, કબૂતરોને ઝડપી લેવાયાં.

€ € €

સંગીતના ચાહકોમાં ખળભળાટ મચી ગયો. સૂફી ગાયકને એવો મેલો નહોતો ધાર્યો! હાઈ-પ્રોફાઇલ કેસમાં ઝડપથી કાર્યવાહી થઈ. છેવટે લાગતા-વળગતા તમામને ઘટતી સજા થઈ. આ બધાં આર્જવનાં કરતૂત છે જાણીને અતાઉલ્લા અકળાયેલો, પણ શું થઈ શકે! કરીઅર ચૌપટ, નામ ધૂળધાણી. અરેરેરે.

‘તમે તાજના સાક્ષી બનતાં કોર્ટે વરસની સજા ભલે ફટકારી, બહાર આવો ત્યારે ઈશ્વરનું વરદાન તમને આવકારવા આતુર હશે.’

રેવા લજાઈ. પિતા બનવાના ખુશખબરે આર્જવ મહોરી ઊઠ્યો.

‘અક્ષ, એ તારી માલકિનની ભલામણ કરવાની ન હોય...’

કોર્ટના પરિસરમાં આર્જવ

પત્ની-સેવકથી છૂટો પડ્યો... પણ એ તો ફરી મળવા માટે!

ત્યાર પછી તેમના સંસારમાં સુખની કદી અછત નહીં રહે એટલું વિશેષ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK