કથા-સપ્તાહ - રેવા - (દિન-રાત -4)

‘કહેને અક્ષ, આર્જવે એવું કેમ કહ્યું કે મને મહોબતની ઇજાઝત નથી?’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


બપોરે આદિલનો ભાંડો ફોડીને આવ્યા પછી રેવાનું રિહર્સલમાં ચિત્ત નથી. રિટર્ન જર્નીમાં બન્યું જ એવું કે લાવણ્યાને ફોન કરીને તેણે આદિલને ધકેલ્યો કે નહીં એ પૂછવાનુંય સૂઝતું નથી.

પહેલી વાર પોતે પ્રીત તરફ ડગલું વધી, આર્જવને એ ગમ્યું, ચોક્કસ. કેવા ખીલી ઊઠેલા તે! પણ પછી અચાનક એવું કહી બેઠા જેનું ધડ-માથું ન મળે! આર્જવને મતલબ પૂછેલો ખરો, પણ ધરાર જો તે મગનું નામ મરી પાડતા હોય!

‘દરેક બાબતનો ખુલાસો નથી હોતો.’ શુષ્ક જેવા સ્વરે તેમણે કહીને ઉમેર્યું હતું, ‘આ તબક્કે તું રિહર્સલ પર ધ્યાન આપે એ ઘણું.’

ના, મારું ફોકસ હટે માત્ર એ કારણથી આર્જવે વાત નથી વાળી. તેમના ઇજાઝતવાળા વાક્યમાં ભેદ છે. એનો તાગ પામ્યા વિના બીજે ક્યાંય ચિત્ત પણ કેમ ચોંટે! આર્જવનો ભેદ એક વ્યક્તિને તો ખબર જ હોય... અક્ષ!

ખુલાસો જાણવા અક્ષને તેડાવ્યો તો જુઓ તો, મારી વાતો સાંભળીને તેય કેવો બઘવાઈ ગયો છે!

‘અક્ષ...’ રેવાએ હચમચાવતાં અક્ષુ ઝબક્યો. ઇશારાથી સમજાયું : થોભો, હું હમણાં જઈને માલિકની ખબર લઉં છું...

રેવા તેને જુસ્સામાં જતો જોઈ રહી. હૈયું ધડક-ધડક થતું હતું, ફિંગર ક્રૉસ્ડ હતી. પછી ન રહેવાતાં નીચે ઊતરી.

‘ઇનફ અક્ષ. આ વિષયમાં મારે કંઈ જ કહેવું નથી અને તું પણ દોઢડાહ્યો ન થતો, કહીં દઉં છું...’

આર્જવનો અવાજ પડઘાતાં ખ્યાલ આવ્યો કે પોતે માનેલું એમ તે આઉટહાઉસની ઑફિસમાં નથી બલ્કે બેડરૂમમાં છે... ત્યારે તો તેમનુંય મન કામમાં નહીં લાગતું હોય! દબાતે પગલે તે રૂમ તરફ આગળ વધી. આમ તો કોઈની રૂમના દરવાજે કાન માંડવા અશિસ્ત ગણાય, પણ હૈયાની બાજીમાં બધી છૂટ માન્ય!

દરવાજો અધખૂલો હોવાને કારણે અંદરથી અવાજ સરકી આવતો હતો. એ ફાટમાંથી આર્જવ દેખાતો હતો. પરંતુ તેની સામે ઊભો અક્ષ નજરે ચડતો નથી એટલે ઇશારાથી તે શું સમજાવે છે એ પરખાય એમ નથી...હું તેને જોઈ શકત તો તેની સાઇન-લૅન્ગ્વેજ પરથી જાણી જાત! પણ એ શક્ય ક્યાં છે? બારણું ખોલવાની જરાજેટલી ચેષ્ટા બેઉને ચેતવી મૂકશે... ત્યાં અંદરથી સંભળાયું, ‘હા, હું રેવાને ચાહું છું...’

આર્જવના સ્વરના ઊંડાણે રેવા આંખો મીંચી ગઈ. આર્જવના શબ્દે-શબ્દે રેવાનું હૈયું પ્રીતના હિંચકૌલા ખાતું હતું.

‘ઑફિસમાં તેને પ્રથમ વાર જોઈ ત્યારે જ અગમ્ય ખેંચાણ અનુભવ્યું હતું. તેના અવાજે હું ખોવાણો. આવું મારી સાથે તો પહેલી જ વાર થયું. તેનો કૉન્ટ્રૅક્ટ સાઇન કરતી વેળા જોકે અણસાર નહોતો કે મને તેની આવી લગની લાગશે! તેને જાણતો ગયો એમ રેવા મારા હૃદિયે ઘર કરતી ગઈ. જાણું છું, તેનો સાથ

મારું-આપણા આ ઘરનું સદ્ભાગ્ય ગણાય. છતાં આ કેમ શક્ય નથી એ તું બરાબર જાણે છે. નો - નો ફરધર ડિસ્કશન.’

ખલાસ, હવે આ વિશે કંઈ જાણી નહીં શકાય! માલિકના ઇનકાર પછી સ્વામીભક્ત અક્ષ મોં નહીં ખોલે.

નિસાસો ખાળીને રેવા દબાતે પગલે પાછી વળી કે તેનો સેલફોન રણક્યો.

સામા છેડે લાવણ્યા હતી. તેનું બયાન સાંભળીને ચમકતી રેવા ફોન પતાવીને છેવટે આર્જવના રૂમ તરફ દોડી, ‘ગજબ થઈ ગયો આર્જવ...’

તેના આગમને ઊલટા ફરીને આર્જવે ભીની પાંપણ લૂછી, અક્ષ બહાર સરકી ગયો. રેવાની હાજરીમાં તેણે રડવું નહોતું.

‘લાવણ્યાનો ફોન હતો. આપણા ગયા બાદ તેણે આદિલનું પુરુષાતન વાઢતાં પોલીસકેસ બન્યો છે. આદિલની ફરિયાદના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે!’

હેં! આદિલના જીવને જોખમ તો નથીને?

‘અહં, એવું તો નથી; પણ પુરુષત્વ હંમેશ માટે ગુમાવી દીધું તેણે.’

‘તો-તો લાવણ્યાને જમાનત મળી જશે, હું લૉયરને ફોન કરું છું.’

€ € €

‘થૅન્ક્સ...’ થાણામાંથી બહાર નીકળીને લાવણ્યાએ વધુ એક વાર આર્જવ-રેવાનો આભાર માન્યો, ‘તમારા થકી મને બેઇલ મળી.’

આભમાં આથમતી સંધ્યાનાં રહ્યાંસહ્યાં અજવાળાં ઓસરી રહ્યાં હતાં.

‘ચાલો, હું તમને તમારા ઘરે ડ્રૉપ કરી દઉં.’

‘ઘર!’ લાવણ્યા અટકી. ખેદથી ડોક ધુણાવી, ‘આઇ ઍમ સૉરી. હું તમને કહેવાનું રહી ગઈ - મારી અરેસ્ટ માટે પોલીસ આવી એની જાણ બિલ્ડિંગમાંથી કોઈકે આપણાં લૅન્ડલેડીને કરી હશે એટલે તેમનો ફોન આવી ગયો : તમે બેઉ તત્કાળ મારું ઘર ખાલી કરો, મને આવું ન્યુસન્સ ન જોઈએ!’ લાવણ્યાએ હથેળીમાં ચહેરો છુપાવ્યો, ‘મારા પાપે રેવા પણ ઘરબાર વિનાની થઈ.’

હે ભગવાન.

લાવણ્યાની ધરપકડના ખબર નીચેવાળાં સુલભાબહેને આપ્યાં એ જ ઘડીએ સચ-જૂઠની તારવણીમાં પડ્યા વિના ભામિનીબહેને નક્કી કરી લીધું કે હવે કોઈ ભાડૂત રાખવો જ નથી! મને પોલીસ-કોર્ટકચેરીનાં લફરાં જોઈએ જ નહીં. કૉન્ટ્રૅક્ટમાં કલમ હતી એટલે રાતોરાત ઘર ખાલી કરવાના દબાણને પડકારી પણ ન શકાય...

રેવાએ તેમને ફોન જોડ્યો, પણ તે સાચે જ કશું સાંભળવાના મૂડમાં નહોતા : ના રે બાઈ, આ ઉંમરે છાપામાં મારા ઘરનું નામ ઊછળતું જોઈને મારે ક્યાં મોં દેખાડવું? તમે તમારો રસ્તો ગોતી લો - આજે ને આજે!

તેમની દૃષ્ટિએ ભામિનીબહેન સાચાં હતાં. લાવણ્યા માટે એ ફટકારૂપ હતું. ના, પોતાની અરેસ્ટનો તેને ખાસ ગમ નહોતો, પણ એથી રેવા સાથે બદલો વસૂલવામાં મુદત પડે એટલું જ ડંખ્યું હતું. એમાં મકાનમાલકિને બહાર ખદેડી મૂકતાં અમારા માર્ગ ફંટાઈ જવાના, પછી જાણે ક્યારે મોકો મળે! એટલે તો અત્યારે રેવા-આર્જવની સહાનુભૂતિ મેળવીને સાથે રહેવાનો પ્રબંધ પાર પાડવો હતો.

એવું જ થયું.

‘તમારી લૅડીલેન્ડીને તેની જગ્યાએ ખોટી નથી... બટ ઍનીવે, અત્યારે તમે મારે ત્યાં ચાલો, સામાન અલગથી મગાવી લઈશું.’

‘બટ આર્જવ, અમે તમારે ત્યાં...’

‘નો આગ્યુર્મેન્ટ્સ રેવા...’ આર્જવે હકથી કહ્યું. લાવણ્યા બેઉનું તારામૈત્રક જોઈ રહી.

€ € €

‘કહેવાતા પ્રણયનો બૂરો અંજામ - પ્રેમિકાએ કથિત પ્રેમીનું પુરુષાતન વાઢ્યું!’

અખબારોમાં અંદરના પાને ટૂંકાણમાં જેની નોંધ લેવાઈ એ સમાચાર લાવણ્યાના કૉલ-સેન્ટરના વતુર્ળમાં ભ૨પેટ ચર્ચાયા... વલસાડના ઘરે જોકે રેવાએ જાણ કરી દીધેલી. લાવણ્યાને હતું એમ આર્જવના ઘરે રહેવાના જાણીને રેવાની ફૅમિલીને અચૂક વાંધોવચકો પડવાનો... પણ ના, તેમણે તો દીકરીને બિરદાવી - તારી સહેલી માટે તેં ઉઠાવેલું કદમ સરાહનીય છે અને એમાં મદદરૂપ થનાર આર્જવ પર અમને પૂરો ભરોસો છે!

€ € €

વા...ઉ! લાવણ્યાનું દિમાગ ચકળવકળ થાય છે.

કેવો આલીશાન બંગલો છે આર્જવનો. આજુબાજુની ખુલ્લી જગ્યા, ગૅરેજ, આઉટહાઉસ, નોકરચાકર... કહેવું પડે! તેનો કારોબાર જોરમાં ચાલતો લાગે છે. પાછો સંસારમાં એકલો ને અદ્ભુત ગણાય એવો હૅન્ડસમ!

આવો જ પતિ તો હું ઝંખતી હતી! આ ઠેકાણું મને એક ઠોકર ખાયા બાદ જ મળવાનું હતું? ઍનીવે, દેર આએ દુરુસ્ત આએ. હવે તેની પનાહમાં હું આવી જ ગઈ છું ત્યારે તેને મારો થતાં કોઈ રોકી નહીં શકે!

લાવણ્યાએ રૂપજાળ ફેલાવીને આર્જવને ફસાવવાની ચાલ રમી લીધી હોત, પણ અહીંયે એ જ આડખીલી હતી - રેવા!

આર્જવ-રેવા એકમેકને ચાહતાં હોવાનું મને તો સાફ કળાય છે. ઘરના સદસ્ય જેવો પેલો ગૂંગો અક્ષ પણ જાણતો હોય એવું લાગે છે. એ છોકરો ચતુર છે. અહીં આવ્યાના આ અઠવાડિયામાં હું બધા સામે ઉદાસ, દુ:ખી હોવાનો અભિનય દાખવતી રહું છું, પણ ગઈ કાલે બપોરે રસોડામાં ટેસથી આઇસક્રીમ-કેક ઝાપટતી હતી એ ધૅટ અક્ષ જોઈ ગયો. બિચારો બોલી નથી શકતો તોય એવું તો દાખવ્યું કે જમતી વેળા આંસુ સારીને તમે ખાવાનું છોડી ઊભા થઈ ગયાં અને હવે બીજાની ગેરહાજરીમાં આવો ખેલ!

પોતે જોકે તરત ઉદાસીના વાઘા પહેરી લીધેલા, પણ એ છોકરાથી સાવધ રહેવા જેવું છે. આર્જવના રહસ્યમંત્રી જેવો તે પરિસરમાં ગમે ત્યારે, ગમે ત્યાં ભટકાઈ જતો હોય છે.

અને રેવામાં તેને પાછી આસ્થા છે. આમ તો અમે બેઉ ગેસ્ટરૂમમાં રહીએ છીએ, પણ રેવા તો જાણે ઘરની માલકિન હોય એમ ખાનસામો સવાર-સાંજની રસોઈ તેને પૂછીને બનાવે છે, બગીચામાં ફૂલોની રોપણીમાં તેની પસંદનું ધ્યાન રખાય છે... એ બધી અક્ષની જ કારીગ૨ીને!

અલબત્ત, રેવા આખો દિવસ પહેલા માળના મ્યુઝિકરૂમના રિહર્સલમાં વ્યસ્ત હોય છે. આવતા પખવાડિયે અતાઉલ્લા ખાન મુંબઈ આવી પહોંચતાં એકાદ સ્ટુડિયોમાં ગ્રૅન્ડ રિહર્સલ થવાનાં છે. પછી મૅડમ રેવા ઊપડશે અમેરિકા ને અહીં આર્જવ પડશે એકલા...

કૉલ-સેન્ટરની નોકરી તો મેં સ્વાભાવિકપણે છોડી દીધી છે. રેવા ઇન્સિસ્ટ પણ કરે છે કે હમણાં તારે કામે જવાની જરૂર નથી, પહેલાં તું સ્વસ્થ થા! આમ તો તેની લાગણી મને સ્પર્શવી જોઈએ, પણ તેના ધક્કાથી મારું સમણું તૂટ્યું એ કેમ ભુલાય? તે આર્જવને વશમાં કરી બેઠી છે એ કેમ વિસરાય?

નહીં, રેવાને તો મારે દૂર કરવી જ રહી, એ વિના આર્જવ વશ થાય પણ નહીં... કેસમાં આર્જવના વકીલે બે મહિના પછીની તારીખ લીધી છે એટલે ત્યાં સુધીમાં આર્જવને મારો કરી લઉં. પછી તો આદિલ સાથે કોર્ટની બહાર સમાધાન કરીને કેસ ખારીજ કરી દેવાય...

આર્જવને રેવા સાથે બાંધી રાખતું તત્વ છે રેવાની સિન્ગિંગ ટૅલન્ટ! રૂપમાં તો હું આર્જવને રેવાની ખોટ સાલવા નહીં દઉં, પણ તેનો અવાજ... ધારો કે રેવાનો અવાજ ન રહે તો?

લાવણ્યા ટટ્ટાર થઈ. હમણાં જ એકાદ છાપાની હેલ્થ-કૉલમમાં વાંચ્યું કે કેટલીક જડીબુટ્ટી એવી પણ છે જે સ્વરપેટીનું તંત્ર ખોરવી નાખતાં માણસ હંમેશ માટે બેસૂરો થઈ જાય!ï

ધારો કે આ જડીબુટ્ટીનો પ્રયોગ રેવા પર અજમાવ્યો હોય તો તેનું ગળું સુરીલું ન રહે. આર્જવને તેનું આકર્ષણ પણ શું રહે? ભગ્નહૃદયી આર્જïવને સાંત્વન પાઠવવાના બહાને હું મારા કરી શકું અને પછી... હું આર્જવના જીવનમાં, બંગલામાં ને રેવા અમારી હદની બહાર!

એ કાલ્પનિક ચિત્ર પણ કેટલું સુખ આપી ગયું! બસ, હવે એ જડીબુટ્ટીનો ઇન્તેજામ પાર પડે એટલી વાર!

€ € €

‘બૅડ ન્યુઝ’... ચોથી રાતે ડિનર-ટેબલ પર આર્જવે ગંભીરપણે ખબર આપ્યા, ‘તારી વીઝાની ઍપ્લિકેશન રદ થઈ છે રેવા. હવે નવેસરથી અપ્લાય કરીશું તો પણ કૉન્સર્ટ પહેલાં વીસા કૉલ નહીં મળે. આઇ ઍમ સૉરી, પણ તું આ ટૂરમાં નહીં જઈ શકે.’

રેવા સ્થિતપ્રજ્ઞ રહી. ટૂરમાં જવાનો ક્યારેક બહુ ઉમંગ હતો, રિહર્સલ તો હજીયે પોતે ચાલુ રાખ્યાં છે; પણ ચિત્તમાં તો ઉદાસી જ ઘૂમરાય છે.

વાય! આર્જવને મારી સાથે મહોબત છે. અરે, મારી સખીના કેસમાં મદદરૂપ થાય છે, કેટલા હકથી મને અહીં રહેવા કહે છે અને છતાં એકરારથી દૂર રહે છે... શું કામ?

આનો જવાબ ન મળે ત્યાં સુધી ક્યાંય મનડું લાગવાનું નહીં. આવામાં ટૂર પર ન જવાના ખબર તો ખુશખબર જેવા ગણાય.

‘ઇટ્સ ઓકે આર્જવ...’ રેવાએ ખભા ઉલાળ્યા, અણધાર્યું બોલી જવાયું, ‘મારે જવાનું ન હોય તો રિહર્સલના બહાને અહીં રહેવાનો પણ અર્થ નથી.’

સાંભળીને બાજુમાં બેઠેલી લાવણ્યાને ફાળ પડી. થોડે દૂર ઊભો અક્ષ દોડી આવ્યો, આર્જવે હોઠ કરડ્યો.

‘નહીં, તારે રિયાઝ ચાલુ રાખવો. બે મહિના પછીની ઑસ્ટ્રેલિયાની ટૂરમાં તને મોકલવાનું ફાઇનલ છે.’

હા...શ. લાવણ્યાને થયું, અહીં રહેવાનું એક્સ્ટેન્શન પણ કૅન્સલ થાય એ પહેલાં કામ પતાવી દેવું છે મારે.

કૉલ-સેન્ટરમાં કામ કરતો ત્રિપાઠી આયુર્વેદનો જાણકાર છે. તેને પૂછ્યું

હોય તો...

€ € €

અને ત્રીજી બપોરે...

‘ત્રિપાઠીભાઈ, તમે કહેલું એ સ્ટોરમાંથી હું સવારે જડીબુટ્ટી લઈ આવી... યા, એમાં લખ્યા પ્રમાણે મેં કાઢો બનાવી દીધો છે. એને ઠંડો પાડીને પી લેવાથી કલાક-બે કલાકમાં વ્યક્તિનો અવાજ કાયમ માટે ઘોઘરો થઈ જશે, રાઇટ? ના, ના... મેં કહેલુંને કે આદિલવાળી ઘટના પછી મારી પાડોશણોના મેં ઘણા તાના સહ્યા. હવે દરેકને તમારી દવાના ઘૂંટ પીવડાવીને જુઓ કેવી બેસૂરી કરું છું! થૅન્ક્સ અગેઇન હોં.’

કાઢો બનાવવા ખાસ કિચનમાં આવેલી ïલાવણ્યાએ જાતને શાબાશી આપી : ત્રિપાઠીને કેવો ભોળવ્યો!

ફોન મૂક્યો ત્યારે જાણ નહોતી કે કોઈ બીજું પણ મને સાંભળી રહ્યું છે! તે તો મુસ્તાક હતી કે અક્ષ સબ્ઝી લેવા બજાર ગયો છે, આર્જવ ઑફિસે છે ત્યારે મ્યુઝિકરૂમમાં રિયાઝ કરતી રેવાને જડીબુટ્ટી પીવડાવીને હું હંમેશ માટે બેસૂરી કરી દેવાની!

પછી આર્જવ સમક્ષ મારે ‘નેટ પર વાંચીને હું તો સૂર ચોખ્ખો કરવાની જડીબુટ્ટી લાવી’તી, મને શું ખબર કે એવી અવળી અસર થશે!’ કહીને રોદણાં જ રડવાનાં રહેશે. સાફદિલ આર્જવને મારું કાવતરું નહીં ગંધાય. સૂર વિનાની રેવાને તે જીવનમાંથી બહાર ફંગોળશે ને ખાલી જગ હું ભરી દઈશ!

અને કલાક પછી ઠંડો થયેલો કાઢો ગ્લાસમાં ભરી, ગ્લાસ ટ્રેમાં મૂકી લાવણ્યાએ મ્યુઝિકરૂમ તરફ પ્રયાણ આદર્યું.

શું થવાનું હતું એની કોને ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK