કથા-સપ્તાહ - રેવા - (દિન-રાત -૧)

આ હુસ્ન!

reva


અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

આયનામાં દેખાતા પોતાના ર્નિવસ્ત્ર પ્રતિબિંબને સહેજ ગુરૂરથી નિહાળતી લાવણ્યાના હોઠ વંકાયા.

‘જાતને અરીસામાં ઘૂરવી ઠીક નથી. ક્યારેક આપણને આપણી જ નજર લાગી જાય.’

રેવાના શબ્દો પડઘાયા. લાવણ્યાનું સ્મિત પહોળું થયું.

ગોરેગામના અમારા રેન્ટલ ફ્લૅટની પાર્ટનર રેવા કંઠે સુરીલી ખરી, પણ વિચારસરણીમાં સાવ જુનવાણી. સિંગર તરીકે બ્રેક મેળવવા વલસાડથી મુંબઈ આવી છે. કામચલાઉ જાણીતી મ્યુઝિક-કંપની આલ્ફા બીટ્સની કૉપોર્રેટ ઑફિસમાં જૉબ મેળવીને સમાંતરે ઑડિશન્સ આપતી રહે છે. જોકે ગ્લૅમરવર્લ્ડમાં તેના જેવી સીધીસાદી-સરળ છોકરીનો ગજ વાગવો મુશ્કેલ છે.

‘બી મૉડર્ન. સુતરાઉ કુર્તી યા ચૂડીદારને બદલે અહીંતહીં કટવાળા વેસ્ટર્ન ડ્રેસિસ પહેરતી થા, તો કોઈને તારામાં રસ જાગે.’

શરૂમાં તેને આવી સલાહ દઉં તો તે મલકી લેતી, ‘હું ગાયિકા બનવા આવી છું, અભિનેત્રી નહીં. લોકોને મારા કંઠમાં રસ પડે એ પૂરતું છે. મારું શરીર મારે શું કામ દેખાડવું?’ કહીને ઉમેરે પણ ખરી, ‘મારી ફૅમિલીએ બહુ વિશ્વાસભેર મને મારાં સમણાં સાકાર કરવા મુંબઈ મોકલી છે. તેમનો ભરોસો હું કેમ તોડી શકું? વલસાડમાં મારા શિક્ષકપિતાનું કેટલું નામ છે. પરિવારની આબરૂને બટ્ટો લાગે, મારાથી નાના ભાઈને ખોટું ઉદાહરણ મળે એવું તો મારાથી થાય જ કેમ? મારે સફળ થવું છે લાવણ્યા, પણ સિદ્ધાંતના ભોગે નહીં.’

તેના રણકામાં ડોકાતી કટિબદ્ધતા ગૌરવવંતી લાગતી. બાકી તેના જેવું મારાથી ન બનાય તો એનું એક કારણ છે અમારો ઉછેરભેદ!

લખનઉના ન ગરીબ, ન મધ્યમવર્ગીય ગણાય એવા કુટુંબમાં ત્રીજી દીકરી તરીકે મારો જન્મ. માબાપ હંમેશાં ત્રણ-ત્રણ દીકરીઓના દહેજની ચિંતામાં જ રહ્યાં અને તોય ખાસ કંઈ ભેગું ન કરી શક્યાં. પોતાની બન્ને મોટી બહેનોને દહેજના અભાવે આધેડ વયના બીજવર જોડે પરણતી જોઈને લાવણ્યાએ નક્કી કરી લીધું : હું આમ નહીં દોરાઉં. જાતે કમાઈશ, મારા માટે દુલ્હો પણ ખુદ શોધી લઈશ! એ પણ એવો જે અમીર હોય, મારા જેવો સુંદર હોય. બસ, પછી જિંદગીમાં કોઈ સમાધાન, ઢસરડા કરવાના ન રહે...

લાવણ્યા હોશિયાર હતી, રૂપાળી હતી. કૉલેજ પતતાં સુધીમાં તેણે આવું પાત્ર ખોળવાના પ્રયત્નો કર્યા પણ ખરા, પરંતુ મેળ ન પડતાં મુંબઈની વાટ પકડી. આખરે સમણાંને સાકાર કરવાનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન એટલે મુંબઈ!

લાવણ્યાના નિર્ણયનો ઘરે ખાસ વિરોધ ન થયો. માબાપે પણ માની લીધેલું કે આ છોકરી પોતાનું ધાર્યું જ કરવાની છે તો ભોગવવા દો!

વરસ અગાઉ મુંબઈ આવેલી લાવણ્યાને શહેર એ અર્થમાં ફળ્યું ગણાય કે તેને કૉલ-સેન્ટરમાં જૉબ મળી ગઈ અને થોડો સમય વુમન હૉસ્ટેલમાં વિતાવીને મૂડી જમા થતાં કૉલ-સેન્ટર નજીકના બિલ્ડિંગમાં પેઇંગ-ગેસ્ટ તરીકે રહેવાનો બંદોબસ્ત પણ પાર પાડ્યો.

વાલકેશ્વર રહેતાં ફ્લૅટનાં ઓનર ભામિનીબહેન શિસ્તના આગ્રહી હતાં. માત્ર છોકરીઓને જ ૧૧ માસના ભાડાપેટે ઘર રહેવા આપતાં - છોકરીઓ હોય તો ન્યુસન્સ ઓછું!

બેશક, હૉસ્ટેલની સરખામણીએ રેન્ટ પર ફ્લૅટ રાખવો મોંઘો પડે, પણ અહીં નિયમની પાબંદી તો નહીં! લાવણ્યાને એ વધુ અનુકૂળ લાગ્યું. વળી વન બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ ટ્વિન શૅરિંગમાં મળતો હતો એટલે ભાડું પણ અડધું!

અને લાવણ્યાની પાટર્નર નીકળી રેવા! અત્યંત રૂપાળી છતાં સાદગીસભર અને એટલી જ સુરીલી!

તેની આખી ફૅમિલી તેને મૂકવા આવી હતી. દાદા-દાદી, મમ્મી-પપ્પા, નાનો ભાઈ... રેવા સૌની લાડલી. મીઠો સ્વર ધરાવતી રેવાને સંગીતની લગની. તેની રુચિને વડીલોએ પોષી. હવે તે આ ક્ષેત્રમાં કશુંક કરી દેખાડવા માગે છે તો એમાંય તેમના આર્શીવાદ.

‘યુ આર લકી.’ ફૅમિલીના ગયા બાદ લાવણ્યાએ રેવાને કહ્યું એમાં ઈર્ષા નહોતી, ‘બટ આટલું શુગરકોટેડ ફૅમિલી મને ન ફાવે!’ લાવણ્યાના હાસ્યમાં બેપરવાઈ હતી. એ દૃષ્ટિએ જુઓ તો દિવસ અને રાત જેવો ભેદ છે અમારામાં... અમારા કામના કલાકો જેવો જ!

રેવા તેની નોકરી માટે સવારથી નીકળે મોડી સાંજે પરત થાય ત્યારે મારા જવાનો સમય થયો હોય... સવારે હું આવું ત્યારે તે નીકળવાની દોડધામમાં હોય! ભાગ્યે જ સરખું મળી શકીએ. રવિની રજાના દહાડે મને ફરવા જવાનું ગમે અને તે તેના રિયાઝમાં વ્યસ્ત હોય! અને છતાં અમારું ટ્યુનિંગ જામી ગયું છે. ખરું તો એ છે કે રેવામાં ચૂંધી નથી. મારી અસ્તવ્યસ્તતાને કારણે બેડરૂમ ગમે એવો હોય કે કિચનની સિંકમાં વાસણ ગમે એમ પડ્યાં હોય, તે મોં મચકોડ્યા વિના બધું ઠીકઠાક કરી દે. ગ્રોસરી અમે શૅરિંગમાં લાવીએ, પણ જમવાનું મોટા ભાગે રેવા જ બનાવે. સવારે તેના જવા ટાણે હું સૂતી હોઉં કે ન આવી હોઉં તો ડ્રેસિંગ-મિરર પર લેબલ ચોંટાડી જાય : આજે હાંડવો બનાવ્યો છે, અવનમાં ગરમ કરીને ખાઈ લેજે!

વયમાં મારા જેટલી જ રેવામાં કેટલી ઠાવકાઈ છે! મારું બૅકગ્રાઉન્ડ તેનાથી અજાણ્યું નથી. છ મહિનાના સહેવાસમાં અમે બહુ ઓછું સાથે રહ્યાં હોઈશું, છતાં કેવાં ટેવાઈ ગયાં છીએ એકબીજાથી! શરૂમાં હું તેને મૉર્ડન થવાની સલાહ આપતી, પણ પછીથી કહેતી થઈ : તું આવી જ રહેજે રેવા!

‘અને હું કહીશ કે તને તારી પસંદનું જ પાત્ર મળી જાય!’

પસંદનું પાત્ર. રેવાના શબ્દો અત્યારે પણ લાવણ્યામાં ખુમાર જમાવી ગયા. આવો એક પુરુષ મારી જિંદગીમાં ગયા મહિને આવી ચૂક્યો છે એની રેવાને હજી ક્યાં જાણ છે?

આદિલ શર્મા! અઠ્ઠાવીસ વરસનો હટ્ટોકટ્ટો જુવાન આમ તો કૉલ-સેન્ટરનો ઇન્ચાર્જ હતો... અંગડાઈ લેતી લાવણ્યાએ વાગોળ્યું...

લાવણ્યાને કૉલ-સેન્ટરની જૉબ ફાવી ગઈ હતી અને છતાં તે બરાબર જાણતી કે આ મારું ડેસ્ટિનેશન નથી. મારે કંઈ જિંદગીભર ઢસરડા નથી કરવા બલ્કે હૅન્ડસમ, રિચને પરણીને રાજ કરવું છે! તેણે મૅરેજબ્યુરોમાં નામ લખાવ્યું હતું, સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ રહેતી; પણ આંખ ઠારે એવું પાત્ર મળતું નહોતું.

‘મને તો તારી મનસા જ નથી સમજાતી. પતિમાં પ્યાર જોવાનો હોય યા પૈસો?’ રેવા ટકોરતી.

ના, રેવા પણ કઈ માલેતુજારની દીકરી નથી, પરંતુ તેનાં મૂલ્યો અસાધારણ છે.

‘તારા જેવા મારાથી નહીં થવાય રેવા. મારે થવું પણ નથી.’ લાવણ્યા સ્પષ્ટ હતી, ‘પૈસાના અભાવે મારી બહેનો આધેડ વયના વિધુરોને પરણી એ તો તું જાણે છે. આ સમાધાન હતું, પ્યાર નહીં. પૈસા વિના પણ પ્યાર ન હોય તો પૈસો રાખીને પ્યાર વિના રહેવું શું ખોટું! રાધર, હું મારા પૈસાદાર પતિને મારામાં બાંધી રાખું એ જ પ્યાર નથી?’

ત્યારે રેવાએ દલીલ પડતી મૂકેલી. રેવાની એ પણ એક લાક્ષણિકતા હતી. તે પોતાનો દૃષ્ટિકોણ દાખવે ખરી, પણ ૫છી એને બીજા પર થોપવાથી દૂર રહે. ઊલટું કહેતી થઈ : તને તારું ગમતું પાત્ર મળે એવી દુઆ કરીશ!

અને એ પાત્ર બીજું કોઈ નહીં, આદિલ જ નીકYયો. કૉલ-સેન્ટરનો ઇન્ચાર્જ!

ના, આદિલ દેખાવડો હોવાની ના નહીં, પણ અમીર ક્યાં હતો? કૉલ-સેન્ટરમાં લાવણ્યા તેની જોડે હસતી-બોલતી એ કેવળ મતલબ ખાતર. તેની મહેરબાનીથી કામના કલાકોમાં આરામ મળી જતો હોય તો મીઠા થવામાં ખોટું શું! એટલી જ ગણતરી.

‘શાદી કબ કર રહી હો?’

એકાદ વાર આદિલે લાવણ્યાને મોબાઇલ પર મૅટ્રોમોનિયલ સાઇટ સર્ફ કરતાં જોઈ હશે એટલે આ વિષયમાં પૂછતો રહેતો.

‘મેરી મા ભી દુલ્હન ઢૂંઢ રહી હૈ.’ આવું પણ બોલી જતો એમાં તેનો ઇરાદો પડઘાતો. આડકતરી રીતે આદિલ મને પરણવાની ઇચ્છા જતાવે છે! ચોખ્ખી ના પાડીને અળખામણા થવું નહોતું એટલે લાવણ્યાએ સિફતથી કહેવા માંડ્યું, ‘મારે માટે તો જોષીએ ભવિષ્ય ભાખ્યું છે કે મારાં લગ્ન તો બહુ અમીર આદમી જોડે થશે!’

ત્યારે તો આદિલ કંઈ ન બોલ્યો, પણ ગયા મહિને તેણે એકદમ જ કૉલ-સેન્ટરમાં સૌને આઇસક્રીમ ખવડાવ્યો. કારણ પૂછ્યું તો સ્મિત ફરકાવતાં બોલી ગયો કે...

‘મારું તો ભાગ્ય ખૂલી ગયું. મારા દૂરના રિશ્તેદાર હતા મનોહરચાચા. લાસ્ટ મન્થ તેમનું ડેથ થયું. તેઓ તેમની વસિયતમાં ચાર કરોડની મિલકત મારા નામે કરી ગયા છે એની આજે જાણ થઈ...’

ચા...ર કરોડ! લાવણ્ય જેવી માટે તો એ અધધધ જ રકમ હતી.

‘ધીસ ઇઝ ડેસ્ટિની. ચાચાની ઉત્તરક્રિયામાં પણ હું ગયો નહોતો. તેઓ બધું મને આપી જશે એવી ક્યાં ખબર કે ધારણા હતી? આજે તેમના વકીલનો ફોન આવ્યો ત્યારે જાણ્યું : ઓહ, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે એ આનું નામ.’

બે-ચાર દિવસ આદિલની જ ચર્ચા રહી. કૉલ-સેન્ટરમાં તેણે એક દિવસની રજા પાડી એમાં સૌએ સરખું અનુમાન ઉચ્ચાર્યું : જરૂર મિલકતનો કબજો લેવા ગયો હોવો જોઈએ! હવે તેણે કૉલ-સેન્ટરની મામૂલી નોકરી કરવાનું શું કામ?

સાંભળીને લાવણ્યના ચિત્તમાં પડઘો પડ્યો : હું જો તેની રાણી બનું તો મારેય મામૂલી નોકરીનું શું કામ!

બીજી રાતથી આદિલ તરફનો તેનો રવૈયો બદલાઈ ગયો.

‘આદિલ, હવે તો તમે નોકરી છોડી દેશો, અમને ભૂલી જશો.’ જાણે એથી ભૂચાલ આવવાનો હોય એમ તેણે નિ:શ્વાસ નાખ્યો હતો.

‘નોકરી શું કામ છોડું? પૈસો તો જેટલો આવે એટલો ઓછો. બેકાર બનીને મારે મળેલી દૌલત ઉડાવી નથી દેવી.’

તેની સોચ પર સાચે જ વારી ગઈ લાવણ્યા. એક કદમ આગળ વધી, ‘પરણ્યા પછી પણ તમે નાઇટ-ડ્યુટી ચાલુ રાખશો તો ઘરે પત્ની બિચારી તડપતી રહેશે એનું શું?’

‘તેની તડપ ઠારવાનું તો દિવસે પણ થઈ શકેને.’ આદિલે નૈન મિલાવતાં લાવણ્યાની પાંપણ ઝૂકી ગયેલી. સવારે આદિલ પોતાને ઘરે ડ્રૉપ કરવા આવ્યો ત્યારે રેવા તેના કામે નીકળી ગયેલી. આદિલ માટે ચા બનાવવા ગયેલી લાવણ્યાને આદિલ એકદમ જ પાછળથી વળગ્યો હતો : તું બહુ સુંદર છે લાવણ્યા!

ચા એના ઠેકાણે રહી. લાવણ્યાને ઊંચકીને આદિલ બેડરૂમમાં લઈ ગયો. જે બનતું ગયું એમાં લાવણ્યાનો ઇનકાર નહોતો. મને ભોગવીને આ અમીર પુરુષ હંમેશ માટે મારો થઈ જવાનો! સાથે એ પણ હકીકત હતી કે પુરુષના મર્દાનગીભર્યા સ્પર્શે તેની ભીતર આગ પ્રગટાવી હતી જાણે. આદિલે ધાર્યું ન હોય એવું સુખ વરસાવ્યું હતું લાવણ્યાએ. કસર તો આદિલે પણ ક્યાં છોડી હતી રીઝવવામાં!

‘આદિલ...’ કામક્રીડા પછી લાવણ્યાએ લાડ જતાવ્યાં હતાં, ‘મને તારા ઘરે લઈ જા. કહી દે માને કે મને દુલ્હન મળી ગઈ.’

‘ઘરે હજી શોક છે રાણી. ચાચા દૌલત દઈને ગયા છે એટલે વરસી સુધી તો શોકનો દેખાડો કરવો પડશેને! હજી મહિનો થોભી જા.’

ત્યારે લાવણ્યાએ આનાકાની નહોતી કરી, બલ્કે યૌવનનું અઘ્ર્ય અર્પીને આદિલને રીઝવતી રહી છે અને હવે થોડા જ દહાડા રહ્યાને. શોક ઊતરતાં જ આદિલ મને તેમનાં મધરને મળવા લઈ જવાના. પછી તો ડંકે કી ચોટ પે જાહેર કરીશ કે હું મારી પસંદના પ્યાર સાથે પરણી રહી છું. ઘરે પણ ત્યારે જ જાણ કરવાની હોય.

ત્યાં સુધીમાં પોતે રેવાને પણ ગંધ આવવા નથી દેવી! હા, પ્રણય-તોફાન પછી મારે બેડરૂમ વ્યવસ્થિત કરી દેવો પડે. એ વ્યવસ્થા રેવાને અચંબિત કરે ખરી, પણ એથી કોઈ તારવણી પર કેમ અવાય? આમ પણ અમારી વચ્ચે વાતોનો એટલો સમયાવકાશ પણ ક્યાં રહે છે?

- એ જ ક્ષણે ડોરબેલ રણકી ને માનીતા પુરુષના આગમને લાવણ્યા ખીલી ઊઠી!

€ € €

‘વાઉ, ઇઅર-રિંગ્સ!’ આદિલના ખભે માથું ટેકવીને લાવણ્યાએ પુરુષને પ્રેમાવેશમાં ભીંસી દીધો. આદિલે ગિફ્ટ કરેલાં ગોલ્ડન ટૉપ્સ આઠ-દસ હજારથી વધુનાં નહીં હોય. કરોડપતિ માટે તો એ મામૂલી જ ગણાય. તોય લાવણ્યા હરખાઈ ઊઠી.

‘મેં કાર નોંધાવી છે લાવણ્યા. તારા માટે ડાયમન્ડનો સેટ લેવો છે. બસ, એક વાર ચાચાનો વારસો બૅન્ક-અકાઉન્ટમાં આવી જાય એટલી વાર!’ આદિલે તેના ગાલ પર આંગળી ફેરવી, ‘ત્યાં સુધી લો-લેવલની ગિફ્ટનું માન રાખજે.’

લાવણ્યા ગદ્ગદ થઈ, ‘અરે! તમે આટલું વિચારો છો આદિલ એ ઘણું.’

આદિલના ચહેરા પર ન પરખાય એવી રેખા ફરકીને અદૃશ્ય થઈ ગઈ.

€ € €

‘રેવા, યુ સિંગ અમેઝિંગ’

ગોરેગામના ફ્લૅટમાં લાવણ્યા આદિલ સાથે અંગત પળો માણી રહી હતી ત્યારે રેવા શો-ઑર્ગેનાઇઝર આર્જવ મહેતાની જુહુ ખાતેની ઑફિસમાં ઑડિશન પછીની પ્રતિક્રિયાથી સહેજ સંકોચ પામે છે.

‘તું બહુ મીઠડી છે રેવા.’ નાનપણમાં મોટેરા આવું કહેતા એમાં ખરેખર તો પોતાના મીઠા સ્વરનો લગાવ કારણભૂત છે એ પરખાયા પછી એને કેળવવાની ઇચ્છા જાગી ને ઘરના વડીલોનું એમાં પીઠબળ મળ્યું. રેવા શાસ્ત્રીય સંગીત શીખતી, પણ તેની ખ્વાહિશ ફિલ્મોમાં ગાવાની હતી : લતાજી મારાં આરાધ્ય છે એટલે પણ મારે તેમની જેમ પ્લેબૅક કરવું છે!

એ માટે ચણા-મમરાની જેમ ઊભરાતા ટૅલન્ટ-શોમાં TRP માટે થતાં ગતકડાં રેવાને કદી ગમ્યાં નહીં એટલે પણ ગ્રૅજ્યુએટ થઈને મ્યુઝિક-કંપનીની કૉપોર્રેટ ઑફિસમાં ક્લેરિકલ જૉબ મેળવીને ઑડિશનના રસ્તે સંઘર્ષ ખેડવાનો લાંબો માર્ગ લીધો.

વીત્યા છ માસના મુંબઈ-વસવાટથી રેવાનો આત્મવિશ્વાસ નિખર્યો, નોકરીમાં ફાવી ગયું. રૂમ-પાર્ટનર લાવણ્યાની રાતની જૉબ હોવાથી ઘરે એકલા રહેવામાં ડર ન લાગતો. ઊલટું મા-દાદીને નચિંત રહેવા જણાવતી : મુંબઈ એટલું પણ અનસેફ નથી!

એ વાત જુદી કે કારર્કિદીની દિશામાં ઝાઝો પ્રોગ્રેસ નથી. હા, વાયદા બહુ થતા, પણ પછી એ તકમાં ફેરવાતા નહીં. વળી ફિલ્મોમાં ગીતોનો સ્કોપ જ ક્યાં રહ્યો છે? આઇટમ-સૉન્ગ્સ કે રીમિક્સ જ ચાલતાં હોય છે... હા, લાઇવ શોમાં આયોજકોને હંમેશાં સારા સિંગર્સની જરૂર રહેવાની.

આ નિરીક્ષણે રેવાને નવી દિશા મળી. મારાં ગીતો મળે ત્યાં સુધી લતાજીનાં ગીતો ગાઈને ઑડિયન્સ સુધી પહોંચવાનો રસ્તો જચ્યો. તેણે પોતાની સૂઝ પ્રમાણે કૉન્સર્ટના ઑર્ગેનાઇઝર્સના સંપર્ક કેળવવા માંડ્યા. એમાં આર્જવ મહેતાનું નામ જામી ગયેલું લાગ્યું. પંદર-વીસ દિવસના સતત ફૉલોઅપ પછી આજે બપોરે તેમણે મને મળવા બોલાવી, મારું ગીત સાભંળીને તેમને મને વખાણી!

કોઈની પણ પ્રશસ્તિ રેવાને સંકોચાવી જતી. અત્યારે પણ તેણે પરાણે સ્મિત ઊપજાવ્યું, ‘થૅન્ક્સ.’

આર્જïવ મલક્યો. રેવાને એમાં ગજબની મોહિની વર્તાઈ.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK