કથા-સપ્તાહ - રાજા-રાણી (દરિયાકિનારે એક બંગલો... : 4)

સોલ્ડ આઉટ!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


દમણની ઍમ્બૅસૅડર હોટેલના બૅન્ક્વેટમાં આયોજિત હરાજીનું પરિણામ સૌની ધારણાથી વિપરીત આવ્યું. અલીબક્ષ દાણચોરની મિલકત ખરીદનારું કોઈ નીકળશે એવું તો ઇન્કમ-ટૅક્સવાળાનીયે કલ્પનામાં નહીં. ઑક્શનમાં રસ દાખવનારી માત્ર એક પાર્ટી હતી ને તેણે મિનિમમ કિંમતની બોલી લગાવીને પ્રૉપર્ટી કબજે કરી એ અચરજરૂપ જ કહેવાય!

જરૂરી વિધિ પતાવી, બંગલાનાં કાગળિયાં અને ચાવી લઈને હૉલમાંથી નીકળતા નવા માલિકે પત્નીને મોબાઇલ જોડ્યો : ડાર્લિંગ, ઇટ્સ ડન. યુ આર નાઓ ઓનિંગ યોર ડ્રીમ ડેસ્ટિનેશન!

સાચે જ! સામા છેડે સિમરનનું હૈયું ધડકી ગયું.

€ € €

‘કુખ્યાત સ્મગલરની એક મિલકત આખરે વેચાઈ!’

બુધની સવારે લોકલ અખબારો ગાજી ઊઠ્યાં. દાણચોરીના ભવ્ય ભૂતકાળની રોચક કથા આલેખીને પત્રકારોએ એવું પણ લખ્યું કે અલીબક્ષની ધાકને કારણે વરસોથી અવાવરું પડેલો બંગલો ખરીદનારો મરદનો બચ્ચો હોવો જોઈએ... સુરક્ષાનાં કારણોસર તેનું નામ જાહેર નથી થયું, પણ એવી આશા રાખીએ કે તે અલીબક્ષનો મળતિયો ન હોય, દાયકાથી ગુમનામ બનેલા દાણચોરનો દોરીસંચાર ન હોય...

€ € €

હેવાલનું અંતિમ વાક્ય વાંચીને અલીબક્ષના હોઠ મરકી ગયા.

વરસો પછી પોતે દમણ તો નહીં પણ વાપીમાં રોકાયા છે. મિલકતનું વેચાવું તેમને માટે તો હરખની બીના છે. બંગલો ખરીદવા પોતે કોઈ મહોરું નથી મૂક્યું એટલે આ સોદો જેન્યુઇન હોવાની તેમને તો જાણ હોય જને.

જોકે પત્રકારને ભલે ખરીદદારની ઓળખ ન મળી, અલીબક્ષ માટે જાણવું ક્યાં અશક્ય હતું? તેમના વિશ્વાસુ સાથીઓનું નેટવર્ક હજી સાબૂત હતું ને બુધની સાંજ સુધીમાં તો બાતમી પહોંચી ગઈ:

મુંબઈના વેપારીએ બંગલો ખરીદ્યો છે. કહે છે કે તેની વાઇફને બંગલો ખૂબ ગમી જતાં પતિદેવે બંગલા સાથે સંકળાયેલી ઘટનાની શેહ રાખ્યા વિના ખરીદી કરી છે... નામ છે આશ્રય શાહ.

આ...શ્ર...ય! અલીબક્ષ ચમક્યા :

તો શું આ હમણાં માથેરાનમાં રહી ગયો તે જ જુવાન હશે? તેની પત્ની એટલે તો સિમરન.

‘હમણાં તો બંગલાની, લૉનની સાફસફાઈનું કામ ચાલુ છે. શનિ-રવિ પતિ-પત્ની અહીં ગાળશે એવું લાગે છે.’

અહા, ત્યારે તો રવિની સવારની ચા ત્યાં જ પીવી જોઈએ. જાણું તો ખરો આ આશ્રયબાબુ માથેરાનવાળા જ છે કે પછી કોઈ બીજા!

શું જોવા-મળવાનું હતું એની અલીબક્ષને ક્યાં ખબર હતી?

€ € €

‘એવરીથિંગ ઇઝ સેટ...’

ગુરુની સવારે આશ્રય મુંબઈથી સિલ્વાસા જવા નીકળ્યો એટલે આલોકને બેડરૂમમાં તાણીને સિમરને મુદ્દાની

વાત માંડી,

‘આશ્રયે દાણચોરનો બંગલો

ખરીદ્યો. હવે શનિની સાંજે તું મને દમણ લઈ જઈશ, આશ્રય સિલ્વાસાથી આવી પહોંચશે.’

‘હં...’ આલોક એકાગ્રતાથી સાંભળી રહ્યો.

‘સન્ડે ઈવ સુધી આપણે ત્યાં રોકાઈશું. કોઈ પણ સંજોગોમાં રવિની રાત આપણે ત્યાં વિતાવવાની નથી, કેમ કે સોમની વહેલી સવારે આશ્રયનું મર્ડર થવાનું છે.’

મર્ડરની ધ્રુજારી પણ આલોકે અનુભવી નહીં.

‘ફૅક્ટરીના કામે આશ્રયનું દમણ રોકાવું નિશ્ચિત છે. એનું પ્લાનિંગ બુધવારે મુંબઈ પરત થવાનું છે, પણ ત્યાં સુધી તે આ દુનિયામાં નહીં હોય... રવિની રાત્રે આપણે મુંબઈ પહોંચીશું. સોસાયટીમાં બે-ચાર જણની નજરે ચડે એમ તારે મને ડ્રૉપ કરીને અદબભેર વિદાય લેવાની... જોકે ઘરે જવાને બદલે તું ફરી દમણ પહોંચીશ. બંગલાની બીજી ચાવી તો તારી પાસે છે જ. વહેલી પરોઢિયે ઉપલા માળે આશ્રય મજાની નીંદરમાં પોઢ્યો હશે. તેને ગળે ટૂંપો દેવામાં તને નડતર નહીં આવે... પછી...’

સિમરન કહેતી રહી, આલોક એકચિત્તે પાઠ ઘૂંટતો રહ્યો.

‘... અને તું ચૂપચાપ સરકી આવજે. બપોર સુધીમાં ડ્રાઇવરની ડ્યુટી પર હાજર થઈ જઈશ તો કોઈને તારા પર વહેમ આવવાનું કા૨ણ નહીં રહે.’ શ્વાસ લેવા પૂરતું રોકાઈને સિમરને ઉમેર્યું, ‘પોલીસ ક્યારેય કશું સાબિત નહીં કરી શકે એટલે ધારી લેવાશે કે અલીબક્ષની મિલકત ખરીદવાની વસમી સજા આશ્રયને ફટકારાઈ! ’

સિમરનની યોજના પર્ફેક્ટ છે. એમાં સંશય નથી. કાવતરું ભલે પોતે પાર પાડવાનો, મને ફસાવીને સિમરન ફરી ન જાય એ માટે માથેરાનના સહશયનનો વિડિયો સાચવીને રાખ્યો છે મેં!

તેના હોઠ પર ખંધુ સ્મિત ફરકીને અદૃશ્ય થઈ ગયું.

€ € €

હાઉ બ્યુટિફુલ સનસેટ!

શનિની સાંજે, કલાક પહેલાં દમણના બંગલે પહોંચેલી સિમરન ફ્રેશ થઈને પહેલા માળની બાલ્કનીમાં ઊભી સૂર્યાસ્ત નિહાળી રહી.

ટ%લી માય ડ્રીમ ડેસ્ટિનેશન. ચાંદની રાતમાં પ્રીતમની હૂંફમાં નશાનો ઘૂંટ ભરતા રહીએ ને પછી ઘેલા થતા સમંદરની જેમ એકબીજામાં ડૂબકી મારી જઈએ...

પરંતુ પ્રીતમ એટલે કોણ? આશ્રય? આલોક?

નો વે. આશ્રય ઘરડો લાગે, આલોક વાસનાપૂર્તિ પૂરતો ઠીક છે, તેની સાથે મારો શું મેળ? આલોકનો વિકલ્પ ખોળી રાખવો ઘટે...

એ હિસાબે આવનારા દિવસો ઇવેન્ટફુલ રહેવાના! સિમરને ઊંડો શ્વાસ લીધો.

€ € €

રવિની સવાર.

ડોરબેલના રણકારે આશ્રયને જાગ્રત કરી દીધો. ગઈ સાંજે પોતે સિલ્વાસાથી દમણના આ બંગલે આવ્યો ત્યારે સિમરન મુંબઈથી આવી ચૂકેલી. ડ્રાઇવર આલોક આઉટહાઉસમાં રોકાયો હતો.

પતિ-પત્નીના એકાંતમાં ત્રીજા કોઈનો અવકાશ નહોતો. સિમરને જે રીતે પ્યાર વરસાવ્યો એ જોતાં દાણચોરનું ઘર ખરીદવામાં રહેલું જોખમ પણ પૈસા વસૂલ લાગતું હતું. મળસકે અમે સૂતાં. સિમરન બપોર સુધી ઊઠે એમ નથી, પણ મહેમાને મારી નીંદ તો ઉડાવી દીધી...

કોણ હશે?

સીડીનાં પગથિયાં ઊતરીને બગાસું ખાળતા આશ્રયે હૉલનો મુખ્ય દરવાજો ખોલ્યો. અજાણ્યા આગંતુકને ભાળીને અચરજ જતાવ્યું, ‘આપ?’

સામે તદ્દન અજાણ્યા આદમીને નિહાળીને અલીબક્ષ પણ મૂંઝાણો, પણ જમાનાના ખાધેલ આદમીએ દેખાવા ન દીધું.

‘જી, મારે આશ્રયનું કામ હતું...’

‘અચ્છા!’ આશ્રયને ગમ્મત થઈ, ‘હું જ આશ્રય.’

અલીબક્ષ આંચકો પચાવી ગયા,

‘જી, આ બંગલો ખરીદવાની મને પણ ઇચ્છા હતી, પરંતુ ઑક્શનમાં પહોંચી ન શક્યો.’

તેમની નજર હૉલમાં ફરતી રહી. જમણી દીવાલે લટકતી આશ્રય-સિમરનની રોમૅન્ટિક મુદ્રાવાળી વિશાળ છબિ જોઈ એટલું તો પાકું થયું કે મૅડમનો પતિ આશ્રય તો આ જ.

તો પછી મૅડમ સાથે આશ્રય બનીને જે માથેરાન રહ્યો તે કોણ?

આનો જવાબ અલીબક્ષને બહાર નીકળતાં મળી ગયો. આશ્રય સાથે બેઠક લંબાવવાનો અર્થ નહોતો. બિચારાને પત્નીની રંગરેલીની જાણ પણ નહીં હોય... બંગલો ખરીદવાનાં અભિનંદન પાઠવીને અલીબક્ષે રુખસદ લીધી અને આઉટહાઉસ પડખેના ગૅરેજમાં ડ્રાઇવરના યુનિફૉર્મમાં કાર સાફ કરતો આલોક તેમની નજરે ચડ્યો.

તેની નજર પડે અને તે પોતાને ઓળખી જાય એ પહેલાં અલીબક્ષ સડસડાટ ઝાંપાની બહાર નીકળી પોતાની ટૅક્સીમાં ગોઠવાઈ ગયા...

ચિત્ર સ્પષ્ટ છે. બાઈ પતિથી છાનો ડ્રાઇવર જોડે આડો સંબંધ બાંધી બેઠી છે! પતિ બિચારો પત્ની પર ઓળઘોળ લાગ્યો. આશ્રય એવું કહી ગયો કે સિમરનની અતિ ઇચ્છાને માન આપી પોતે આ બંગલો ખરીદ્યો...

દરિયાકિનારે બીજી ઘણી પ્રૉપર્ટી મળી શકે. સિમરનને આ જ બંગલો ખરીદવાની ઇચ્છા કેમ જાગી, જે કુખ્યાત દાણચોરનો હોય?

અલીબક્ષ ટટ્ટાર થયા. હવે સાંભર્યું કે છાપામાં ઑક્શનના ખબર વાંચી માથેરાન ફરવાનો પ્રોગ્રામ પડતો મૂકીને સિમરન ડ્રાઇવર જોડે રૂમમાં ભરાઈ ગઈ હતી...

શું કામ? પ્રશ્ન પજવવા લાગ્યો. અલીબક્ષની સિક્સ્થ સેન્સ કહેતી હતી કે મામલો ધારવા કરતાં ઊંડો છે... ઘણો ઊંડો! કશુંક વિચારીને તેમણે પોતાના વિશ્વાસુ સાથીને ફોન જોડ્યો, ‘યાકુબ, ધ્યાન સે સુન...’

€ € €

‘આજની રાત રોકાઈ જાને...’

રવિની મોડી બપોરે સિમરને મુંબઈ જવાની તૈયારી આરંભતાં આશ્રયે ચુંબનોથી તેને પિગાળવાની કોશિશ આદરી.

‘આઇ વિશ આઇ કૂડ... બટ યુ નો, અર્લી મૉર્નિંગ મારી સ્પામાં અપૉઇન્ટમેન્ટ છે. અહીં રોકાઈ તો બપોર પહેલાં ઊઠી રહી.’ તેણે આશ્રયના ગળે હાથ નાખ્યા, ‘આઇ પ્રૉમિસ, મંગળની રાત્રે તું મુંબઈ આવશે ત્યારે મારી કાયાનાં કામણ તને આ એક રાત્રિનો વિરહ ભુલાવી દે એવાં કાતિલ થઈ ચૂક્યાં હશે.’

આશ્રયના મોંમાંથી સિટી સરી ગઈ.

છેવટે તેને ફ્લાઇંગ કિસ આપીને નીકળતી સિમરનના મનમાં પડઘો પડ્યો : અલવિદા મિસ્ટર હસબન્ડ!

€ € €

સિમરનને લઈને આલોકની કાર દમણથી નીકળી એના કલાક પછી બંગલાની ડોરબેલ રણકી. દરવાજો ખોલતો આશ્રય ચમ્ક્કયો. આ તો સવારવાળા જ ભાઈ!

‘મારું નામ અલીબક્ષ...’ ચાચાએ હાથ જોડ્યા. ‘આ બંગલાનો હું મૂળ માલિક.’

હેં. આશ્રયનું કાળજી ધડકી ગયું. કુખ્યાત દાણચોર અહીં! હવે?

‘ખરેખર તો તમને અભિનંદન આપીને સવારે જ બેઠક જમાવવી હતી આશ્રય, પણ તમે એ આશ્રય ન નીકળ્યા જેને હું માથેરાનમાં મળ્યો હતો.’

અલીબક્ષ સોફા પર ગોઠવાયા. આશ્રયને તેમનું બોલવું અસંબદ્ધ લાગ્યું.

‘તમે જાણો છો આશ્રય, તમારો જીવ જોખમમાં છે?’

આશ્રય તેમને તાકી રહ્યો.

€ € €

હળવેથી તેણે બંગલાનો દરવાજો ખોલ્યો.

સવર્ત્રત સૂનકાર વર્તાયો. આભમાં હજી સોમનું પરોઢ ખૂલ્યું નહોતું. મોબાઇલની બૅટરીનો અજવાશ પાથરીને તેણે સીડીનાં પગથિયાંની દિશા પકડી. દબાતા પગલે ઉપર જઈ માસ્ટર બેડરૂમનો નૉબ ફેરવતાં હાંફી જવાયું.

આહા. શ્વાસ નિયંત્રિત કરીને તેણે રૂમમાં ડોકિયું કરતાં શિકારને પલંગ પર પોઢેલો નિહાળી કીકી ચમકી ઊઠી.

આલોક ભીતર પ્રવેશ્યો.

€ € €

આલોકનો ફોન!

મુંબઈમાં સિમરન સૂતી નહોતી. ખતરનાક ખેલ પાર પાડવાનો હોય ત્યારે ઊંઘ આવે પણ ક્યાંથી? આલોકને કહીને મોકલેલો કે કામ પતે કે મને ફોન કરજે... એટલે પહેલી રિંગે તેણે કૉલ રિસીવ કર્યો‍ - યસ ડાર્લિંગ!

‘ઇટ્સ ડન. આશ્રયને મેં મારી નાંખ્યો.’ સામેથી સંભળાયું. અવાજ આલોકનો જ હતો, પણ એમાં ધ્રુજારી વર્તાઈ. ના, એ ધ્રુજારી નહીં, હાંફ હોવી જોઈએ. આશ્રયનું ગળું દબાવવામાં જોર પડ્યું એની હાંફ!

‘ઓ, યુ આર માય ડાર્લિંગ. હવે ઝટ ગૅસની પાઇપલાઇનનો વાલ્વ ખોલી નાખ.’

બંગલામાં રાંધણગૅસ પાઇપલાઇન થ્રૂ આવતો.

‘કિચનમાં ચાર બર્નરનો ચૂલો છે એનાં પણ બટન ચાલુ કરી દે. થોડી વારમાં ગૅસનો ભરાવો થાય કે દૂર થઈ સળગતું લાઇટર ફેંક એટલે ધૂમધડાકા સાથે બંગલો ફાટી પડવાનો, આશ્રયની બોડી છિન્નભિન્ન થઈ જવાની. તેની હત્યા ગંધાશે નહીં. ક્યાં તો ઘટના અકસ્માતમાં ખપવાની અથવા એવું માની લેવાવાનું કે આમાં અલીબક્ષ દાણચોરનો હાથ છે!’

ઉત્તેજનાસભર સ્વરે બોલીને તે અટકી, ‘હેય, તને શું થયું. કેમ બોલતો નથી?’

‘ગૅસનો વાલ્વ ખોલું છું ડાર્લિંગ...’

‘ફાઇન. લાઇટર ફેંકતાં પહેલાં મને ફોન કર, મારે ધડાકો કાનોકાન સાંભળવો છે.’

€ € €

સાત મિનિટ પછી આલોકે ૨ણકાવેલા ફોન ૫૨ ત્રીજી પળે કાનના પડદા ફાડી નાખતો બ્લાસ્ટ સંભળાયો. બંગલો ઊડવાની કલ્પના રમાડતી સિમરન ઝૂમી ઊઠી : ફાઇનલી ઇટ્સ ઑલ ઓવર!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK