કથા-સપ્તાહ - રાજા-રાણી (દરિયાકિનારે એક બંગલો... : ૧)

ઓ બસંતી...

rajarani

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમીત (પૂર્વેશ) શ્રોફ

લતાનાં ગીતો તેને ગમતાં. મુંબઈથી સિલ્વાસાની ફૅક્ટરીએ જવાનું હોય ત્યારે કારમાં જૂનાં ગીતો જ વાગતાં હોય.

‘કોણ કહે કે તું આ જનરેશનનો છે!’ સિમરન કહેતી. પત્નીની યાદે આશ્રયના હોઠ મલકી ગયા.

‘આ જનરેશનનો હોવા માટે શું પ્રૂફ આપવું પડશે?’ પોતે મસ્તીમાં પૂછતો, ‘ગે બની જાઉં?’

‘હાઉ મીન...’ સિમરન છાતીમાં મુક્કો વીંઝતી, ‘આજની જનરેશનને તમે સમજો છો શું!’ કહીને ઉમેરતી, ‘મને પરણનારો ગે બનવાનું પસંદ કરે એ મારી સુંદરતાનું પણ અપમાન છે!’

કેટલું ગુરૂર ટપકતું તેના રણકામાં. પછી જે તોફાન માંડતી... પુરુષત્વને પડકાર સમી હતી સિમરન. એટલે તો તેને જીતવાનો આનંદ અનેરો રહેતો, હરદમ. થાકીને તે ચૂર થઈ જાય ત્યારે પોતે હાંફતા શ્વાસે તેને પૂછતો, ‘બોલ, હવે હું કઈ જનરેશનનો છું?’

કાનની બૂટ કરડતી સિમરન બોલી ઊઠે, ‘તું તો એવરગ્રીન છે, રાજ્જા!’

એ શબ્દો અત્યારે પણ ગલીપચી કરી ગયા.

બાકી મારી-સિમરનની જોડી લગ્નનાં ત્રણ વરસે પણ સગાંસ્નેહીઓને નવાઈરૂપ લાગતી હોવાની મને ક્યાં જાણ નથી!

‘તેં શૂન્યમાંથી સર્જન કર્યું, હું રાજી; પણ પરણીને થાળે પડે તો હું વધુ રાજી...’ મા કહેતી.... પણ તેની હયાતીમાં એ શક્ય ન બન્યું.

શિવાજી પાર્ક ખાતે ચાલીની રૂમમાં બાળપણ વીત્યું. પિતાને ઓવરટાઇમની મજૂરી કરતા અને માને બે છેડા ભેગા કરવાની મથામણમાં ઝઝૂમતી જ નિહાળી હતી આશ્રયે. ત્યારનું નક્કી હતું - હું મોટો થઈને ઘણુંબધું કમાઈશ મા, તને અને પપ્પાને મોટરમાં ફેરવીશ!

આ માત્ર દિવાસ્વપ્ન નહોતું. આશ્રય પોતાના ધ્યેય તરફ એકદમ ફોકસ્ડ હતો. ખંતથી ભણ્યો, એન્જિનિયર થઈને ચાર-છ વરસ મુંબઈ-ગુજરાતમાં નોકરી કરી, અનુભવની એ મૂડીના આધારે ચાલીના ઘર પર લોન લઈને ડ્યુટી-ફ્રી ઝોન જેવા સિલ્વાસામાં નાનકડી ફૅક્ટરી નાખી. પછી પ્રગતિનાં સોપાન સર કરતાં તેને કોઈ રોકી શક્યું નહીં. બીજાં આઠ વરસમાં તો તે ત્રણ ફૅક્ટરી અને બે ઘરનો માલિક હતો. એક વરલી ખાતે આલીશાન ફ્લૅટ, બીજું સિલ્વાસામાં બેઠા ઘાટનું મકાન. મર્સિડીઝમાં મહાલવાનો વારો આવ્યો ત્યારે પિતા હયાત નહોતા અને માને માત્ર એકના એક દીકરાને પરણાવાની હોંશ રહી હતી.

‘તને ૩૨મું બેઠું આશ્રય, એક ઉંમર પછી સારાં પાત્રો મળવાં મુશ્કેલ છે.’

માના આગ્રહ અને દબાણ છતાં આશ્રયને જાણે ઉતાવળ નહોતી. એનું કારણ હતું. વ્યાપારને લગતી અમુક લોન ચાલુ હતી. દોઢ-બે વરસમાં એનો નિવેડો આવી જાય પછી જ પરણવું. બૈરી-છોકરાને માથે મારે દેવાનો ડાઘ નથી થોપવો. તેમની સાથે તો બસ, જલસાથી જિંદગી માણવી છે... આવુંબધું માને કહેવાય નહીં એટલે એક જ જવાબ રાખેલો : મને કામમાંથી ફુરસદ નથી...

મુંબઈ ઊછરેલાને બીજે ક્યાંય વસવાનું ગોઠે નહીં એટલે અઠવાડિયે ચારેક વાર સિલ્વાસા જવાનું થાય એ પરવડે, પણ ત્યાં શિફ્ટ થવાનું ટાળતો. મકાન લઈ રાખેલું એટલે રાતવરત જરૂર પડ્યે રોકાઈ જવાનું.

અને એવું પણ નહીં કે માથી દૂર, સિલ્વાસામાં રોકાવાનું થાય ત્યાં કોઈ પણ પ્રકારની છૂટછાટ માણવી... ખાસ કરીને શબાબની. આશ્રયના એવા સંસ્કાર નહોતા. દેખાવમાં અત્યંત સોહામણા આશ્રયને પરંપરાગત મૂલ્યોમાં શ્રદ્ધા. પોતાની સિદ્ધિનું અભિમાન પણ નહીં. સગાં-બિલ્ડિંગવાળા પણ માને કહેતા - તમારો આશ્રય બહુ સીધો!

માને દીકરાની ધ્યેયપ્રાપ્તિની ખુશી હતી, પણ તેના માથે સહેરો બાંધવાનું સપનું જીવતેજીવ પૂરું ન થયું... આશ્રયને એનું દર્દ અદૃશ્ય થયું, પણ એથી પોતાની માન્યતા પણ ખોટી નહોતી લાગી.

લગ્નનો અવકાશ સાંપડ્યો ત્યારે જીવનની ૩૪ દિવાળી વીતી ચૂકી હતી. જવાબદારીનો દોર વીતી ચૂક્યો, હવે ભરપૂરપણે જીવન માણવું છે... થોડું બિન્દાસ, થોડું બેફામ. અત્યાર સુધી સંયમના નેજા હેઠળ રહેલું મન ઊછળવા આતુર હતું. સૂની પથારી ચટકા ભરતી.

મારા માટે લાયક પાત્ર હોય તો કહેજો - સગાંસંબંધીને એવું કહેવાનું ચલણ હવે રહ્યું નથી, આશ્રયે મૅટ્રોમોનિયલમાં નામ નોંધાવી દીધું...

અહીં મળી સિમરન!

સ્તનયુગ્મોનો ઉભાર સ્પષ્ટ કળાય એ રીતનો તેનો ફોટો નિહાળીને એટલું તો પારખી જવાયું કે છોકરી બ્યુટીફુલ એટલી જ બોલ્ડ હોવી જોઈએ!

સો વૉટ? મદમસ્ત જોબન હોય તો એ થોડુંઘણું દેખાય એમાં કયો સંસ્કારબંધ તૂટી પડ્યો! બલ્કે બોલ્ડનેસ દેખાડવામાં પણ બહાદુરી જોઈએ, નિખાલસતા જોઈએ...

અને પોતાના બાયોડેટામાં સિમરને લખ્યું જ છે - હું વિરારના લોઅર મિડલ ક્લાસને બિલૉન્ગ કરું છું, પણ જિંદગીને સુપરરિચપણે માણવા ઝંખું છું. બંધ દરવાજાવાળા મારો સંપર્ક ન કરે, હું માત્ર ઓપનનેસ માટે છું...

માંડ બાવીસની વયે આટલી વૈચારિક સ્પષ્ટતા ધરાવતી યુવતીને જાણવી તો જોઈએ... આશ્રયે તેની સાથે ચૅટિંગ શરૂ કર્યું. મજા આવવા માંડી.

‘હું તારાથી પૂરાં બાર વરસ મોટો છું, ચાલશે?’

‘માણસ યંગ ઍટ હાર્ટ હોવો જોઈએ જનાબ, બાકી ઉંમર તો એક આંકડો છે.’

હાઉ નાઇસ.

‘તને કેટલો ધનવાન પુરુષ જોઈએ?’

‘પ્યાર ઔર ધન કી કોઈ સીમા નહીં હોતી... મને ધન સાથે ફન પણ જોઈએ. પૈસા કમાતા મશીન સાથે મારે નથી પરણવું.’

લવલી. ચૅટ દરમ્યાન બેઉ પક્ષ ખૂલતા ગયા. પછી રૂબરૂ મુલાકાતોનો દોર ચાલ્યો.

સિમરનનો અંદાજ વાસ્તવમાં પણ બોલ્ડ લાગ્યો. અત્યંત આધુનિક, એક્સ્ટ્રીમલી ફૅશનેબલ. અલબત્ત, તેનાં વસ્ત્રો કે મેકઅપ બ્રૅન્ડેડ તો ન જ હોય, છતાં જોનારાની નજર થંભાવી દે એટલી મારકણી તે લાગતી. આમાં પુરુષોને લલચાવવાની ચીપનેસ નહોતી. તેને એ શોભતું. ગ્રૅજ્યુએટ થયેલી સિમરનમાં સ્માર્ટનેસ, એટીકેટ પણ ભારોભાર.

‘એવું નથી કે હું ગરીબ માણસની વૅલ્યુ નથી કરતી; પણ જીવનનો એક તબક્કો અભાવમાં વિતાવ્યો, બહુ થયું.’

તેના વાક્યમાં આશ્રયને પોતાનું બાળપણ સાંભરતું. ગરીબીએ જ મને અહીં સુધી પહોંચાડ્યો, સિમરનની પણ એ જ ઝંખના હોય તો ખોટું શું છે?

‘સ્વભાવે હું આળસું છું, જિદ્દી પણ ખરી. મહેનતથી બે પાદંડે થવાનું મને ન ફાવે એટલે એવો પૈસાવાળો શોધું છું જેનામાં પૈસો જાળવવાની ત્રેવડ પણ હોય... સાથે હૅન્ડસમ પણ એટલો જ હોય. ન આદર્શનો ડોળ, ન અંતર છુપાવવાની ચેષ્ટા. મંગળસૂત્ર પહેરનારી ટિપિકલ હાઉસવાઇફ હું ન બની શકું. હું, મારો વર ને ઢગલાબંધ નોકરચાકર - આઇડિયલ ફૅમિલીની આ મારી વ્યાખ્યા છે.’

તે હસતી, ‘મા-બાપે તો મને વંઠેલ માનીને ઘરની બહાર કરી દીધી છે... આઇ ડોન્ટ કૅર. મારી ફિલોસૉફી બધાને પચે એવી પણ નથી.’

પોતાની શરતોએ જીવવાની કિંમત તો ચૂકવવી પડે.

‘ડોન્ટ ગેટ મી રૉન્ગ. વર્કિંગ વુમન હૉસ્ટેલમાં રહું છું. હોટેલમાં રિસેપ્સનિસ્ટની જૉબ છે. બટ આઇ ઍમ નૉટ મેડ ફૉર ધેટ. હું તો રાજાની રાણી બનવા સર્જા‍ઈ છું.’ આ શેખચલ્લીનો હવાઈ તુક્કો નહોતો, પોતાની લાયકાતની ખાતરી હતી.

‘તને હું થોડો નીરસ લાગતો હોઈશ.’ આશ્રયને લાગતું કે પોતાના વિશે વધુ કહેવું પણ શું?

‘ઓલ્ડ ફૅશન્ડ તો લાગો છો. બટ ધૅટ્સ ફાઇન. હું તમને બદલવાની કોશિશ નહીં કરું, તમારે મારામાં બદલાવની અપેક્ષા નહીં રાખવાની.’ સિમ૨ન આંખના ખૂણે મલકતી, ‘બાકી આટલી ઉંમર સુધી કોઈ પુરુષ સેક્સ વિના રહે એ જરા વધુપડતું ખરું!’

તેના સ્મિતમાં માદકતા ભળતી, ‘સેક્સને ચારિhય સાથે સાંકળીના પવિત્રતાના ખોટા ખાનામાં મૂકી દીધું છે સમાજે. અરે યાર, એક ફિઝિકલ ઍક્ટિવિટી માટે આટલો છોછ, આટલી પાબંદી શું કામ?’

‘સો... યુ આર નૉટ વર્જિન?’

જવાબમાં સિમરન આશ્રય તરફ ઝૂકી હતી, ‘ખૂબસૂરત કન્યા બાવીસમા વરસે પણ વર્જિન હોય તો મરદજાત માટે એ ડૂબી મરવા જેવી ઘટના ન ગણાય?’

કેટલી સફાઈથી તેણે સ્ખલન કબૂલેલાં કહેવાય. પાછી સહેજે દ્વિધા નહીં, ‘મારા દિલનો કમરો ખાલી છે એટલું પણ કહી દઉં.’

‘એ દિલ મારું થતું હોય સિમરન તો મારી પૂરી દુનિયા તારી.’

છેવટે આશ્રયે કહ્યું એમાં બેમત નહોતો. જેનાથી ખુદના માવતરે છેડો ફાડ્યો હોય એવીને માએ વહુ ન જ બનાવી હોત, પણ આશ્રયને તો એ બોલ્ડ ગણાતા ગુણો જ અપીલ કરી ગયા. આને જ ઑપોઝિટ અટ્રૅક્ટ્્સ કહેતા હશે?

સિમરનને પણ ઇનકાર શું કામ હોય? આશ્રય પાસે તેને જોઈતું બધું હતું - રૂપ, દૌલત અને સૌથી વિશેષ પોતે જેવી છે એના સ્વીકારની વૃત્તિ.

કોર્ટમૅરેજ કરીને બેઉ હનીમૂન માટે ગોવા ગયેલાં. બીચ પર પ્રાઇવેટ હાઉસ આશ્રયે બુક કરાવેલું.

‘ઇટ્સ માય ડ્રીમ ડેસ્ટિનેશન.’ સિમરને હરખ ઉછાળેલો, ‘દરિયાકિનારે આવું એક ઘર. આંગણે હીંચકો ઢાળીને હું સમંદરને નિહાળતી રહું... દરિયાનાં મોજાં મારા ઘરનાં પગથિયાંને ભીંજવી જાય... ચાંદની રાત્રે રેતીમાં તાપણું કરીને મારા પ્રીતમની હૂંફમાં પડી રહું...’

‘હં... તું ટૂ-પીસ બિકિનીમાં જલપરીની જેમ મૌજો પર તરતી આવે ને હું...’

આશ્રય તેને જુદા જ પ્રદેશમાં તાણી ગયો. સિમરન હસતી, સિસકારતી, ચિત્કારતી. તેની દરેક અદામાં પડકાર હતો, આહ્વાન હતું. બેફામ હુશ્નને બેપરદા કરીને તેણે અંગડાઈ લીધી ને આશ્રય ખાબક્યો. અનુભવીની અદાથી સિમરને તેને ઝેલ્યો, માણ્યો...

ગોવાથી મુંબઈ પાછા આવ્યા પણ એથી તેમનો હનીમૂન પિરિયડ ન પત્યો... આશ્રયમાં વરસોથી ધબરાયેલી વૃત્તિ થનગનાટભેર ઊછળતી ને સિમરન ઉત્કટપણે એને માણતી. બેહિસાબ પ્યાસ હતી તેનામાં. અવનવાં કરતબ પ્રેરતી, તેને સંતોષવાનો પડકાર ઝીલવો હંમેશાં ગમતો આશ્રયને.

અધરવાઇઝ પણ સિમરનની લાઇફ ભરચક, કલરફુલ બની ગઈ હતી.

મૂવીઝ, સ્પા, શૉપિંગ, આઉટિંગ...

આશ્રય કોઈ વાતે રોકે નહીં, ટોકે નહીં - તું ખર્ચે એનાથી વધારે કમાઉં છું, સો નૉટ ટુ બૉધર!

હા, દર વખતે તેને કંપની આપવી શક્ય ન બનતી, કેમ કે બિઝનેસ પણ સંભાળવાનોને! ધીરે-ધીરે ઘરેડમાં આવવાની સિમરનને ફરિયાદ પણ નહોતી. ઘણી વાર તે જોડે સિલ્વાસા આવતી. ત્યાંના મકાનમાં બોરિયત લાગતી એટલે આશ્રય દમણની હોટેલમાં સ્વીટ બુક કરાવતો. દિવસભર સિમરન ત્યાં રહે, રાત્રે ફૅક્ટરી પરથી નીકળીને આશ્રય પહોંચે. પછીની રાત કેવી રંગીન બની જાય!

પતિ-પત્ની ખુશ હતાં, પણ આજુબાજુમાંથી નારાજગીના સૂર સંભળાવા માંડેલા:

આશ્રયભાઈ કેવા સીધા સાદા ને બૈરી લાવ્યા એ જુઓ તો! ટૂંકા ચડ્ડામાં બહાર નીકળી પડે, સાડી પહેરી હોય તો બ્લાઉઝ નામ પૂરતું પહેરેલું હોય એવું લાગે... આ મેળ ઝાઝું નહીં ટકે!

ગલત.

અત્યારે સિલ્વાસા જતાં આશ્રયે ગીતનો વૉલ્યુમ ઓછો કરીને સંતોષનો શ્વાસ લીધો : લગ્નનાં ત્રણ વરસે અમારું લગ્નજીવન એવું જ મઘમઘતું છે!

એમાં સૂર પુરાવતો મોબાઇલ રણક્યો. સિમરનનો કૉલ!

‘આશ્રય, તમે ત્રણ દિવસ સિલ્વાસા છોને...’

‘યા...’ સિમરન શું કહેવા માગે છે એ વિના કહ્યે સમજાતું હોય એમ આશ્રય હસ્યો, ‘હું દમણમાં સ્વીટ બુક કરાવી દઉં છું.’

‘નો...’ સિમરને ઉતાવળે ઇનકાર દર્શાવ્યો. ‘હું વિચારું છું કે માથેરાન ફરી આવું. ઊઘડતી ઠંડીમાં મજા આવશે.’

‘ઍઝ યુ વિશ!’ આશ્રયને વાંધો લેવા જેવું શું હોય, ‘કઈ રીતે જઈશ?’

‘અફકોર્સ કાર લઈને.’ રણકાભેર સિમરને સંભળાવ્યું. ‘આલોક મને મૂકી દેશે.’

મુંબઈના ટ્રાફિકમાં સિમરનને કાર હંકારવાનો કંટાળો આવતો એટલે છએક મહિનાથી તેની કાર માટે ડ્રાઇવર રાખ્યો છે. ૨૪-૨૫નો જુવાન વિશ્વાસુ બની ગયો છે.

‘ફાઇન.’ આશ્રયે કહ્યું. ‘એન્જૉય.’

€ € €

સિમરને ફોન મૂક્યો. આલોકના પડખે બેઠી.

‘પતિદેવે કહ્યું છે એન્જૉય.’ તેણે આલોકના ગાલ પર આંગળી ફેરવી, ‘બોલ ક્યાંથી શરૂ કરું?’

- ત્યારે રૂમના ટીવી ૫૨ એકાદ ન્યુઝ-ચૅનલની રિપોટર્ર કહી રહી હતી...

દુબઈથી કરાચી ગયેલા ડૉનની મિલકતની મુંબઈમાં હરાજી, એથી ગિન્નાયેલા ડૉનની સિરિયલ

બ્લાસ્ટની ધમકી!

અત્યારે તો સિમરનને આ ન્યુઝમાં રસ નહોતો, પણ આગળ જતાં આનો જ આધાર લેવાનો થવાનો હતો!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK