કથા-સપ્તાહ - રાતરાણી (મૈં કૌન હૂં... : 4)

‘બિલીવ ઇટ ઑર નૉટ, મારા હસબન્ડના કરતૂતની જાણ ખુદ મને તેમની એ રાતની કમ્પૅન્યને કરી...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


બીજી સાંજે ન્યુઝ-ચૅનલના પત્રકારો સમક્ષ સુજાતા કહી રહી છે. રંગરેલી મનાવતાં રંગેહાથ ઝડપાયેલા પતિદેવની ગધેડાયાત્રા કાઢવાની ઘટના યુનિક હતી અને ન્યુઝ-ચૅનલ્સને તો કોઈ પણ મૅટર ન્યુઝ તરીકે ચાલી જાય!

ખાંખાંખોળા કરીને તેમણે છેડો પકડ્યો ને સુજાતાને કૅમેરા સામે આવવાની શરમ નહોતી : મેં ક્યાં મોં કાળું કર્યું છે? બલ્કે ચારિત્ર્યહીન પુરવાર થયેલા પતિનો ધજાગરો કરવાની જાણે ચળ ઊપડી હતી.

પોતે જેને સુખ માનતી હતી એ લગ્નજીવનમાં એક સ્ત્રીના ફોને ધરતીકંપ મચ્યો હતો. પહેલાં તો એવું માન્યું કે કોઈ અમારાં પતિ-પત્ની વચ્ચે ફાટ પડાવવા માગે છે, મને ભડકાવાની સાઝિશ છે... પછી થયું કે લગ્નનાં આટલાં વરસે કોઈ આવી હરકત શું કામ કરે? અને કોઈ હોય તો તેનો પર્દાફાશ થવો જોઈએ... મિશ્ર પ્રત્યાઘાતમાં અટવાઈને કલકત્તાથી ફ્લાઇટ પકડી. છેવટે એક યુવતીની કારને બંગલાના ગેટમાં દાખલ થતી જોયા બાદ ભરમ ભાંગી ગયો. આમાં ક્યાંક કોઈનો દાવ નહોતો, પતિની ગંધાતી વાસના હતી માત્ર.

આનું પરિણામ આવવું ઘટે એ જ આવ્યું. ભડકે બળતા અંતરે સુજાતાએ મંડળની બહેનોને ભેગી કરી, દરોડો પાડ્યો અને વરને ગધેડે ફેરવ્યો!

‘મને એનો ગમ નથી. મારો દીકરો શોકમાં છે, પણ તેને હું જાળવી જાણીશ. અમારે હવે વકીલસાહેબની જરૂર નથી. હું તો ત્યાં સુધી કહીશ કે અસીલો પણ આવા વકીલનો બાયકૉટ કરે.’

આનંદમૂર્તિ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નહોતો. જે બન્યું એ તેના માટે એટલું અણધાર્યું, આઘાતજનક હતું કે સિવિયર ડિપ્રેશનની સારવાર માટે હૉસ્પિટલ ભેગા થવું પડ્યું હતું તેણે.

‘વૉટ અબાઉટ ધૅટ ગર્લ?’ એકાદે પૂછ્યું, ‘તેનું નામ-ફોટો તો આપતા જાઓ...’

આ સવાલ પુછાવાનો જ હતો, પણ સુજાતાને દ્વિધા નહોતી, ‘સૉરી. ધંધે બેઠી હોવા છતાં જે પત્નીને ચેતવી જાણે એવી યુવતીની ઓળખ જાહેર કરીને મારે આગામી ગધેડાયાત્રા પર પૂર્ણવિરામ નથી મૂકવા દેવું.’

સાંભળીને પત્રકારોના હોઠ મરકી ગયા.

સુજાતાએ ધરપત અનુભવી : ગઈ રાત્રે બંગલેથી છૂપા પડ્યા પછી ફરી અનામિકાને મળવાનું બન્યું નહોતું. તેની કથા તો હું જાણી ન શકી, પરંતુ તેની હિન્ટ આપી તેના મિશનમાં રુકાવટ નાખવા જેવું શું કામ કરવું? એટલે તો ગઈ રાત્રે રૂમમાં થયેલા શૂટિંગની ક્લિપ્સ માત્ર મારા કબજામાં લઈ રાખી છે મેં, અન્ય કોઈ પાસેથી એ ફિલ્મ ફરવાની સંભાવના ન રહી.

સુજાતાએ ભલે પડદો યથાવત રાખ્યો, અનામિકાનું નામ સાવ છૂપું ન રહ્યું. સુજાતાની મહિલાટીમ પાસે વિડિયો ન રહ્યો, પણ વેશ્યાનું નામ તેમને યાદ હતું. ફરતુંફરતું એ મીડિયામાં પહોંચ્યું. પછી...

€ € €

‘અનામિકા - એક પહેલી.’

ગુજરાતી દૈનિકમાં છપાયેલો અહેવાલ વાંચીને અનામિકાના કપાળે કરચલી ઊપસી અને અદૃશ્ય થઈ.

અઠવાડિયા અગાઉના આનંદમૂર્તિનો કિસ્સો હજી ટાઢો પડ્યો નથી. ઘટનાનાં મુખ્ય પાત્રો એવાં પતિ-પત્ની નેપથ્યમાં ધકેલાઈ ગયાં છે, હિરોઇન બની ગઈ છે રાતની રાણી. અદૃશ્ય રહેલી એ રૂપજીવિની છે કોણ?

ચિત્ર ધૂંધળું છે. નામ છે, ચહેરો નથી. વૉટ્સઍપ પર આ વિશે રમૂજો પણ ફરતી હોય છે.

એમાં આજના અહેવાલ સાથે પત્રકાર બૉક્સમાં લખે છે : અનામિકાનો આપને પણ કોઈ અનુભવ થયો હોય તો ફલાણી ઈ-મેઇલ પર વિગતો મોકલો, આપની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. સુજાતાબહેનને અનુસરીને પત્નીઓ પણ તેમના ૫તિની વિકૃતિ ઉજાગર કરવામાં આગળ આવે તો સમાજમાં પ્રવર્તતી બદીનો સાચો ચિતાર મળી શકે... અમે તો અનામિકાને પણ આહ્વાન દઈએ છે કે તેની જીવનગાથા અમને મોકલે - કયા વળાંકે તેને આવું કરવા પ્રેરી એટલું કહેવા પણ તે છતી થશે તો અન્યો માટે પ્રેરણારૂપ જ બનશે...’

હં! અખબાર બાજુએ મૂકીને અનામિકા બાલ્કનીમાં ઊભી રહી.

અભિજિતથી શરૂ કરીને આનંદમૂર્તિ સુધીના કિસ્સાઓમાં સૌથી હિંમતભર્યું રીઍક્શન સુજાતાએ આપ્યું, પણ એથી હવે કદાચ જ મારી ઓળખ વધુ છૂપી રહે... મારાથી દાઝ્યો કોઈ પત્રકારને આંગળી ચીંધે કે પત્યું અને એવું ન બને તો પણ, મારું અનામિકા નામ પણ આજે ગ્રાહકોને ભડકાવનારું બની ગયું છે : આ વીકમાં મારી અગાઉથી બુક્ડ બે રાત્રિ કૅન્સલ કરવામાં આવી એથી વધુ આનું બીજું સબૂત શું હોય?

પ્રશ્ન એ છે કે મારે અનામિકાને છતી કરી દેવી કે નામ બદલીને યાત્રા આગળ ધપાવવી?

વિચારવું પડશે... તેણે જાતને કહ્યું ને સામે સમુદ્રમાં ઊઠતી-શમતી લહેરોને જોવા લાગી.

€ € €

અનામિકા...

અભિજિત થથરી ઊઠ્યો. આનંદમૂર્તિવાળી ઘટનાના

આઘાત-પ્રત્યાઘાતે પોતાનો ઘા તાજો કરી દીધો હતો... આ અનામિકા એ જ હોય એમાં શંકા નહોતી. અમારી કામક્રીડા તેણે વિડિયો-કૉલ દ્વારા સુગંધાને દેખાડી હતી. પછી તે તો નીકળી ગયેલી, પણ...

- પણ મસૂરીથી પરત થયેલી સુગંધાએ મને માફી આપ્યાના ભુલાવામાં નાખીને મારું પુરુષાતન વાઢી લીધું એની આજે અમારી દીકરીને પણ જાણ નથી. દુનિયામાં નજરમાં જાહેરમાં અમારું સહજીવન પૂર્વવત છે.

આ બધું પેલી અનામિકાને કારણે!

€ € €

અનામિકા...

વિશ્વાસને થૂંકવાનું મન થયું.

કૉલેજમાં વેશ્યાગમનની આદત પડી ગયેલી. મારા અદ્ભુત શરીરનો બહુ ગર્વ હતો મને. મારા બહુ વખણાતા બળકટ જોશથી ધૅટ અનામિકાને પણ પરાસ્ત કરવી હતી મારે, પણ તેણે કૉલેજના પ્રિન્સિપાલને લાઇવ દેખાડતાં આવેગ ઓસરી ગયો... શિસ્તના આગ્રહી પ્રિન્સિપાલ જાહેરમાં ધડો વેશે, રસ્ટિગેટ કરશે એવી ધાસ્તી હતી - અનામિકાએ પણ એવું જ ધાર્યું હશે; પણ...

પણ સાહેબશ્રીએ વસૂલાત ખાનગીમાં કરી : તારા લાઇવ પર્ફોર્મન્સનું રેકૉર્ડિંગ મેં કરી રાખ્યું છે, એ નેટ પર ફરતું ન થવા દેવું હોય તો - તેમની કીકી ચમકી હતી, સ્વર વાસનાથી ધ્રૂજ્યો હતો - તારા આ રૂપાળા શરીરનો લાભ મને આપતો રહેજે!

શાલીન, સભ્ય મનાતા આધેડ વયના પ્રિન્સિપાલની અભદ્ર હરકતોની યાદ અત્યારે પણ કંપાવી ગઈ. કૉલેજ પત્યા છતાં તેમનો જુલમ ચાલુ છે...

આ બધું પેલી અનામિકાના કારણે!

€ € €

અનામિકા...

માળા ફેરવતા હરજીવનભાઈનો હાથ થંભી ગયો. સાઠ વરસે વિધુર થયા પછી શરીરની ભૂખ ભાંગવા ક્યારેક રૂપકડી બાઈને હોટેલમાં બોલાવી ભોગવતા, પણ અનામિકાએ ફિલ્મ ઉતારીને એવો ડામ આપ્યો કે આજે પણ ઉત્તેજનાના નામે ટાઢું લખલખું જ પસાર થાય છે! મારી મર્દાનગીને કાયમનો લૂણો લાગ્યો... આ બધું પેલી અનામિકાના કારણે!

€ € €

અનામિકા...

ફાતિમાબાનુએ મરહૂમ શૌહરની તસવીર પર નજર ફેરવી. તેમનો ઐયાશીનો અવગુણ છૂપો નહોતો, પણ આ અનામિકા એવી ભટકાણી કે

તેણે રાતનું એકાંત માણતી વેળા બિઝનેસ-ગ્રુપમાં કૉન્ફરન્સ-કૉલ જોડીને આબરૂ ધૂળધાણી કરી ને એના આઘાતમાં અસલમમિયાંએ પંખે લટકીને આત્મહત્યા કરી! પણ છેવટે તો એ તેમનાં કર્મોનું ફળ હતું. જે કામ પત્ની ન કરી શકી એ એક વેશ્યાએ કરી દેખાડ્યું. હું કહીશ, મુક્તિ મને પણ મળી... આ બધું પેલી અનામિકાના કારણે! 

€ € €

‘અનામિકા - એક પહેલી’ શ્રેણી અંતર્ગત આવા તો કંઈકેટલા કિસ્સા નામફેર સાથે છપાતા રહ્યા. પોતે મચાવેલા હાહાકારનું અનામિકાને અનુસંધાન મળતું હતું એમ કોઈ બીજું પણ ભૂતકાળ સાંધી રહ્યું હતું...

અને તે હતો આસ્તિક!

€ € €

આસ્તિકે ફ્રિજ ખોલ્યું. અંદર મૂકેલી કેક નિહાળીને ચહેરા પર વિચિત્રસા હાવભાવ છવાયા. પછી ડોર બંધ કરી ઊંડો શ્વાસ લઈને એક નંબર જોડ્યો : કોણ અનામિકા? આજની રાત મારે તારી સાથે વિતાવવી છે, મારા ઘરે. ઍડ્રેસ લખી લે : શ્રીજી બંગલોઝ, શિવાજી પાર્ક, દાદર... મારું નામ? હું આસ્તિક મહેતા!

આસ્તિકને ખાતરી હતી કે આટલું સાંભળતાં અનામિકા પૂતળા જેવી થવાની.

‘પણ તારી ટેવ પ્રમાણે મારી વાઇફને ચાડી ન ખાતી.’

અનામિકા સમસમી ગઈ. જે પુરુષના ફટકાએ પોતે આટઆટલો ઝંઝાવાત જગાવ્યો તે તો હજીયે એવો ને એવો જ રહ્યો! તેની હિંમત તો જુઓ, પાછો મને જ એસ્ર્કોટ તરીકે તેડાવે છે!

અનામિકાની ભીતર ઝંઝાવાત ફૂંકાય છે. આનંદમૂર્તિના કિસ્સાએ મને પ્રસિદ્ધિ શું અપાવી, આસ્તિકની એ હિંમત કે મને એક રાત માટે ઘરે તેડાવે! વેશ્યાગમનથી મારા જીવનમાં તબાહી મચાવનાર પુરુષજાતિને વેશ્યાના નામે ધ્રુજારી આવે એવો કિસ્સાઓની હારમાળા સર્જી‍ મને હતું કે હું વેર વસૂલી રહી છું, પણ આસ્તિકના ફોને ભરમ ભાંગી ગયો. એવું લાગ્યું જાણે શૂન્યથી શરૂ કરી ફરી ત્યાં જ પહોંચી છું! કદાચ આસ્તિકને દેખીતો દંડ ન દેવાની મારી વિચારસરણી જ ખોટી હતી. કદાચ મારી યાત્રાની શરૂઆત અભિજિતને બદલે આસ્તિકથી શરૂ થવી જોઈતી હતી...

જોકે તેને સજા દેવી જ હોય તો હજી મોડું ક્યાં થયું છે? પણ એ સજા બીજાઓ જેવી નહીં હોય. આમ પણ ગમે એ ઘડીએ મારી ઓળખ જાહેર થઈ જવાની, પછી અનામિકા નામની વેશ્યાનું અસ્તિત્વ નહીં રહે. નામ બદલીને સફર આગળ ધપાવવાને બદલે આસ્તિકના અંત સાથે એ સફરનો જ અંત કેમ ન આણી દેવો?

બસ, વીજળીના ઝબકારાની જેમ સ્ફુરેલો વિચાર ચિત્તમાં એવો જડાઈ ગયો કે અત્યારે, આસ્તિકના ઘરે જતી વેળા પર્સમાં પૉઇઝનની શીશી ખાસ લઈ રાખી છે! ડ્રિન્કમાં વિષ ભેળવી દઈશ, એની આસ્તિકને પીધા પછી પણ ગંધ નહીં આવે... મારી સામે તે તડપી-તડપીને મોતને ભેટશે. એની પરિતૃપ્તિમાં હું જાતને પોલીસને હવાલે કરી દઈશ - પછી ભલે મળતી ફાંસી! આ જિંદગીનો બીજો અંત પણ શું હોય?

હું આવી ૨હી છું આસ્તિક; પણ માત્ર હૈયામાં જ નહીં, પર્સમાં પણ ઝેર લઈને! યુ ડિઝર્વ ઓન્લી ડેથ.

€ € €

ત્યારે...

‘ઑલ સેટ. મારણ મુકાઈ ગયું છે...’ સિયાનીએ નીરવના ખોળામાં પડતું મૂક્યું, ‘મારું ચાલત તો હું તને જ પરણત... પણ ડૅડી આડા ફાટ્યા, તેમની જોહુકમીને તાબે થવું પડ્યું; નહીંતર ડૅડી મિલકતમાંથી રદબાતલ કરત.’

અને એ કામ પરવડે? નીરવ જ નહીં, સિયાની ખુદ વારસા પરનો હક જતો કરવામાં માનતી નહોતી...

ઠીક-ઠીક ધનાઢ્ય કહેવાય એવા વ્યાપારી પિતા માણેકચંદની તે એકની એક પુત્રી. નમાયી દીકરીને શેઠજીએ કશી ખોટ વર્તાવા નહોતી દીધી. જોકે એથી ધાર્યું કરવાની ટેવ ધરાવતી થયેલી સિયાની કૉલેજકાળમાં નીરવના પ્રેમમાં પડી ને શેઠજી ખળભળી ઊઠ્યા. મધ્યમવર્ગીય નીરવ તેમની દૃષ્ટિએ રખડેલ હતો. ભણીને એકાદ બેકરીમાં મામૂલી નોકરી કરનારો મારી લાડલીને શું ખુશ રાખવાનો! ના, શેઠજીને તેની ગરીબીનો વાંધો નહોતો, પણ છોકરામાં કશી આવડત-હોશિયારી તો જોઈએને. હા, રૂપાળો ખરો; ફિલ્મી, પણ જીવનસાથી પસંદ કરવાનો એ જ ઓછો માપદંડ છે? દીકરીને તેની સંગત છોડવાની અનેક વૉર્નિંગ પછી શેઠજીએ બ્રહ્માસ્ત્ર અપનાવવું પડ્યું : નીરવને ભૂલી હું કહું છું ત્યાં પરણી જા, નહીંતર ફૂટી કોડી નહીં આપું.

પિતાનો દુર્વાસા જેવો દેખાવ કંપાવી ગયો. તેમણે વકીલને તેડાવીને દસ્તાવેજ તૈયાર કરાવવા માંડ્યા ત્યારે પ્રણયબદ્ધ બેલડીને તેમની ધમકીમાં શક ન રહ્યો, બીજો ઉપાય પણ શું રહ્યો? નાછૂટકે પિતાએ ચીંધેલા જુવાનને સિયાની પરણી ગઈ.

એથી જોકે લવલાઇફમાં રુકાવટ નહોતી આવી... પિતાની હાજરીમાં આજ્ઞાંકિત પત્ની જેવી રહીને સિયાનીએ તેમનો વહેમ ભૂંસી નાખ્યો, પણ તેમની ગેરહાજરીમાં તે મૂળ રૂપમાં ઘડતી - ધણી પર ધાક જમાવી દીધેલો; તમે જે કંઈ છો એ મારા પપ્પાની મહેરબાનીને કારણે છે અને આપણું લગ્નજીવન મારી મહેરબાની છે!

‘બિચારાથી કશું બોલાય એવું પણ ક્યાં હતું?’ સિયાની મસ્તીથી બોલી, ‘એટલે તો ડૅડીથી છૂપો આપણો પ્રેમ બેરોકટોક ચાલુ રહ્યો, મારા વરને એની જાણ હોવા છતાં...’

નીરવે અડપલું કર્યું. ના, સિયાનીને સાચે જ ચાહતો, માત્ર તેની અમીરી તેના ઇશ્કમાં કારણભૂત નહોતી; પણ છોગામાં એ મળતી હોય તો એને માટે જે કરવું પડે એ કરવાનું.

ઈવન મર્ડર!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK