કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 5)

‘તમે સાવ સાચું ધાર્યું બુન...’ ફુલવાએ હળવા નિ:શ્વાસ સાથે કબૂલ્યું, ‘હું તમારી માફી માગવા આવતી જ હતી...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


આજે સવારે પોતે બંસીને લઈને કપડાંની ડિલિવરી માટે નીકળી. રમત-રમતમાં બંસી મારી નજર સામે તળાવની પાળેથી પાણીમાં ખાબક્યો! ખરું પૂછો તો ઈશ્વરે જ એ ઘડીએ નિરાલીને ત્યાં મોકલી ને મારો લાલ બચ્યો! તેણે જ તેમને નડિયાદ મોકલ્યા. ત્યાંના ડૉક્ટરે તપાસીને સાંજે છુટ્ટી આપી. અમે ગામમાં આવ્યા એની દરેક પળ અંતરમાં તો ઘમસાણ મચ્યું હતું. રાત્રિવેળા આશ્રય-નિરાલી સામેથી મારા ખોરડે આવી ચડ્યાં છે અને પૂજાના દહાડે શું બન્યાનું પૂછ્યું ત્યારે મારાં પાપ કબૂલીને હળવી થઈ જવા દે...

‘નાગપાંચમે મારું મંદિરે આવવું સકારણ હતું. શેઠાણીએ મને દોરેલી. તમને સપેરાને ત્યાં જતાં મેં જોયેલાં. એ વિશે શેઠાણીને કહેતાં તેમણે મારા હાથે જ પૈસા મોકલાવી મંગરુને તમારા વાડામાં સાપ છોડવા કહેલું...’ કહેતાં છૂટા મોંએ રડી પડી ફુલવા.

‘ત્યારે તો શેઠાણીની કૃપા મેળવીને હું મુસ્તાક હતી, પણ મારાં પાપ મારા દીકરાને ડસી શકે એ આજે પરખાયું. બુન, મને માફ કરી દો!’

તેનાં અશ્રુમાં બનાવટ નહોતી.

‘માતૃત્વએ તારી આંખો ખોલી છે ફુલવા. હવે બંસીને નજર સામે રાખીને જીવજે એટલી અમારી સલાહ.’

કહીને આશ્રય-નિરાલી ત્યાંથી નીકYયાં. અંધારામાં વિલીન થતી આકૃતિ ફુલવા નિહાળી રહી.

‘આજ સુધી મેં શેઠાણીને બહુ સાથ દીધો, પણ હવે નહીં. હવે શેઠાણી જે કંઈ કરે તેની બલાથી. હું તો આ જોડીની ઓશિંગણ રહેવાની.’

‘આજે તું વધુ રૂપાળી લાગે છે ફુલવા...’ ધણી બોલ્યો. ફુલવાના અંતરમાં સંતોષ પ્રસરી ગયો. હવે તે કદી ભટકવાની નહીં!

€ € €

‘મેં કહ્યુંને આશ્રય - મમ્મીએ અંશનું માગું ઠુકરાવ્યાનું વેર વસૂલી રહી છે શકુ શેઠાણી...’

‘બધું બરાબર; પણ મા તારા વૃત્તાંત્તમાં, ફુલવાની જુબાનીમાં વિશ્વાસ મૂકશે ખરી? તે તો એમ જ કહેવાની કે ફુલવાના દીકરાને બચાવીને તેં તેને ખરીદી લીધી, તારાં મમ્મીએ અંશના કહેણનું ઊપજાવી કાઢ્યું...’

‘તમે પણ મા જેવું જ કર્યુંને આશ્રય. તેમને સાપ કરડ્યો ને મારા બોલ સાંભરી તેમણે શકુ શેઠાણીએ ગામમાં ફેલાયેલી વાત માની લીધી કે વાડામાં સાપની ગોઠવણ મેં જ કરેલી!’ નિરાલીએ નજરો મેળવી, ‘માની અત્યારની સ્થિતિ પરથી તમેય મા અમુક રીતે વર્તે એવું ધારી લીધું. તમારો મામાંનો વિશ્વાસ હાલી શકતો હોય તો માનો મારામાં રહેલો વિશ્વાસ ધરતીકંપ અનુભવે એ સહજ નથી? લાગણી બખ્તર નથી હોતી આશ્રય કે ઘવાઈ ન શકે... મા ઘવાયાં હતાં આશ્રય. એ ઘાને જોવાને બદલે આપણે એક થઈ માને જાણે એકલાં પાડી દીધાં એ મને મોડે-મોડે સમજાયું. ’

‘બધું બરાબર નિરાલી, પણ હવે શું?’

‘હવે એટલું જ કે શકુ શેઠાણીને બીજી થોડી ચાલ ચાલવા દઈએ. ત્યારે મને ઠપકારવામાં તમે અગ્રેસર રહેજો. માની રીસ એથી રૂઝતી જશે અને જોજોને, મા તમને મને ઝાઝું વઢવા નહીં દે, હું જાણુંને. તેમનો હેૈયાઅંશ હું પણ ખરીને.’

‘વાહ, શાબાશ.’

પીઠ પાછળના સાદે આશ્રય-નિરાલી ચમક્યાં. ઊલટા ફર્યાં. જોયું તો મા!

‘તું મૂરખ છે નિરાલી. પતિને તેની માથી જુદો કરવાને બદલે અમારો તાર સંધાયેલો રહે એ માટે ખુદ ભૂંડી થવા માગે છે? આ જ તારી માની કેળવણી હોય નિરાલી...’

કહેતાં તે સ્ટ્રીટલાઇટના અજવાશમાં આવ્યાં. પાંપણ જેટલી જ ભીનાશ સાદમાં વર્તાણી, ‘તો એ માતાને મારા સત્સત્ પ્રણામ!’

‘મા!’ નિરાલી તેમને વળગી પડી. માયાબહેને ધ્રુસકું નાખ્યું.

સારું થયું પોતાને દીકરા-વહુની પાછળ જવાનું સૂઝ્યું. જે જોયું-જાણ્યું એમાં બનાવટ નહોતી. શકુની હરકતો ખુલ્લી હતી, મારી આંખો પણ! નિરાલીને સાંભળ્યા પછી રહ્યોસહ્યો મેલ પણ ધોવાતો ગયો. હજીયે ન માનું તો હું મા શાની!

‘નાઓ ધીસ ઇઝ માય મૉમ...’ આશ્રય માને બાઝી પડ્યો.

‘મેં તને પણ કેટલું દુભાવ્યો મારા લાલ! નવનીતને વાંકું બોલતી રહી, પણ નિરાલીયે મારો અંશ જ ગણાય અને તો જ તમને વહાલી હોય એ હવે સમજાયું...’ તેમણે અશ્રુ લૂછ્યાં, ‘એનું સાટું હવે વાળી દેવું છે. ચાલો...’

ડાબે-જમણે દીકરા-વહુનો હાથ પકડીને તેમણે ચાલવા માંડ્યું - શકુ શેઠાણીની હવેલી તરફ!

€ € €

‘અંશ, આ શું છે?’ શકુ શેઠાણી ગભરાયાં.

બાકી હમણાં સુધી તો ગ્રહોની ચાલ ગમતીલી લાગતી હતી.

‘તમારા દીકરાએ શહેરમાં બાઈ રાખી છે. તેની જોડે જ કેમ નથી વળાવી દેતા નાલાયક નીવડેલા દીકરાને!’

અંશના કુછંદને કારણે મોભાદાર માગું ઠુકરાવાતું રહેલું. એમાં મુંબઈની નિરાલીનાં મમ્મી વીંછીના ડંખ જેવું બોલી ગયેલાં. આમ તો એને ભૂલ્યા વિના છૂટકો ન રહેત, પણ પછી તેની દીકરી આ જ ગામની વહુ બનતાં વળતો ઘા કરવાની ઝંખના પ્રબળ બનતી ગઈ. ઘેલી ડોશીનું મરણ હોય કે શ્રાવણના તહેવારોની પૂજા - દરેક તક પોતે વસૂલતાં રહ્યાં. મારા દ્વેષ પાછળનું કારણ નિરાલી જાણતી પણ નહીં હોય. માયાને પણ એ ભેદ ક્યાંથી કળાય? પોતે ફાવતાં જ રહ્યાં. નાગપાંચમે

સાસુ-વહુ આમનેસામને આવી ગયાં એમાં નિરાલી ‘પૂજા કરનારનેય નાગ ડંખી શકે’ એવું કંઈક બોલી ગઈ. એ સાચું કરી દેખાડ્યું હોય તો? મંદિરમાં પોતાની અવહેલના કરનાર સાસુને પાઠ ભણાવવા, પોતાનું બોલ્યું ખરું પુરવાર કરી ગામમાં પોતાનો વટ જમાવવા નિરાલીએ જ મદારીને રૂપિયા દઈ સર્પ મુકાવડાવ્યોની ગણતરી બધાએ સ્વીકારી લીધી! નિરાલીને નપાવટ, નગુણી, નાગણ કહીને જીવ ટાઢો કરું છું; માયાને સંભળાવતી રહું છું - એ મારું સુખ.

- એ ગ્રહો બદલાતા હોય એમ અત્યારે રાતના સુમારે મારો અંશ આ કરંડિયામાં શું લઈને મારી રૂમમાં આવ્યો! સાપ? તેણે કરવા શું ધાર્યું છે? તેમના કપાળે પ્રસ્વેદ ફૂટ્યો.

€ € €

‘મારી મા સાચે જ નાગણ નીકળી.’

અંશના દિમાગમાં માને મારવાનો મુદ્દો ગોઠવ્યા પછી માશૂકા રોજ તેને પાણી આપવાનું ચૂકતી નહીં.

પણ આજે નડિયાદ જતી વેળા નિરાલીએ ફુલવાની ફૅમિલીને લિફ્ટ આપવા કહ્યું અને રસ્તામાં ફુલવા તેના વરને રડતાં-રડતાં પોતાનાં પાપ કહી રહી હતી. તેનાં અસંબદ્ધ વાક્યોમાં એટલી જાણ થઈ કે નિરાલી-માયાઆન્ટીને ભીડવા માએ સપેરાનો સહારો લઈને સર્પદંશનું હથિયાર અજમાવ્યું!

‘એ જ હથિયાર આપણે વાપરીએ તો!’ માશૂકાને આ વિશે કહેતાં તેને જાણે આગળ ધપવાની ક્લુ મળી ગયેલી, ‘માયાઆન્ટીની જેમ તારાં મધરને પણ સાપ ડંખે, પરંતુ એ ઝેરી હોય... આ ઘટના ઍક્સિડન્ટ જ ગણાય; માના મૃત્યુમાં શક ન રહે, આપણા એક થવામાં અડચણ ન રહે!’

- અને બસ, નડિયાદથી આવતાં પોતે મંગરુ પાસેથી જ ઝેરી સર્પ લઈને આવ્યો છે. કરંડિયાનું ઢાંકણ ખોલીને મા પર ફેંકું એટલી જ વાર!

માને ગભરાતી જોઈને અંશને મજા પડી, ‘આમાં સર્પ છે મા, પણ તેં માયાઆન્ટીને કરડાવ્યો એવો નહીં. આ નાગણ તારા જેવી જ ઝેરી છે!’

માયાને ત્યાં સાપ મેં મોકલાવ્યાનું અંશે કેમનું જાણ્યું? અરે, આજે દીકરો ડૂબતો બચ્યો એથી ફુલવાનો પાત્તાપ તો ઊભરાતો નહીં હોયને! તે અંશની

જ કારમાં નડિયાદ ગઈ હતી... તેણે અંશને જ કહ્યું હશે કે પછી

આશ્રય-નિરાલીને પણ.... ઓહ! ફુલવા, આવી બેવકૂફી નહીં કરતી, નહીંતર પાસા પલટાઈ જવાના!

પણ એ પહેલાં તો મને નાગણ કહેનારા દીકરાને વારવા દે.

‘સાપ સાથે રમત ન હોય અંશ...’

‘બિલકુલ મા. એ તને ડંખશે, મને તમામ મિલકતનો માલિક બનાવી દેશે...’ અંશ હસ્યો, ‘અને માશૂકાનો પતિ.’

માશૂકા. આખરે તે છોકરીએ જ દાટ વાળ્યો. પણ તે તો પારકી. તું તો મારું લોહી. દુનિયા માટે હું ગમે એવી હોઉં, તને તો માના તમામ હેતથી ચાહ્યો છે. મને છેહ દેતાં તને કંપારી ન થઈ? મારા માટે ઝેરી સર્પ લાવતાં તારો જીવ કેમ ચાલ્યો!

ધીરે-ધીરે કરંડિયો ઊઘડતો હતો. ધીરે-ધીરે જડબાં ફેલાવતા મોતને શકુ શેઠાણી ફાટી આંખે નિહાળી રહ્યાં.

ઘડી-બે ઘડીનો ખેલ હતો અને...

‘શકુંતલા!’

હવેલીના આંગણેથી પડેલી ત્રાડે દીવાલો ધ્રુજાવી દીધી. અંશ કાંપ્યો. લાગ જોઈને શકુ શેઠાણીએ કરંડિયા ૫૨ તરા૫ મા૨વાની કોશિશ ક૨તાં કરંડિયો ફર્શ પર પછડાતાં ખૂલ્યો ને ગિન્નાયેલા સર્પે અંશના જ પગે ડંખ માર્યો!

મૃત્યુનો આઘાત અંશના મુખ પર થીજી ગયો. શકુબહેનનું આક્રંદ ફાટ્યું - અં...શ!

રઘવાયા બનીને તે બહાર દોડ્યાં : બચાવો! મારા અંશુને ઝેરી સાપ કરડ્યો, કોઈ તો મદદે આવો!

€ € €

આંગણામાં માયા-આશ્રય-નિરાલીને ભાળીને પળ પૂરતાં શકુ શેઠાણી પૂતળા જેવાં થયાં. સામે એ ત્રણે પણ તેમની ચીસોથી થોડાં હેબતાયાં હતાં.

અહીં આવીને ખરેખર તો માયાબહેને શકુ શેઠાણીનો ઊધડો લેવો હતો, તેમને રસ્તા પર આણીને ફળિયું સાંભળે એમ ઠપકારવાં હતાં, તેમની કરણીનો પર્દાફાશ કરીને અસલિયત જાહેર કરી દેવી હતી; પણ મારી પોકાર સામે તેમણે મદદનો સાદ પાડ્યો!

આશ્રય-નિરાલી ભીતર દોડ્યાં, પણ કાળોતરો એનું કામ કરી ચૂક્યો હતો. માને મારવા આણેલો ઝેરી સર્પ દીકરાના પ્રાણ હરી ચૂક્યો હતો. આશ્રયે પમ્પિંગ પણ કરી જોયું, પણ વ્યર્થ! નડિયાદની હૉસ્પિટલમાં તેને લઈ જવાયો, પણ એ તો કેવળ મૃત જાહેર કરવા!

€ € €

આ શું થઈ ગયું! છેવટે નાગણ મારા દીકરાને ડંખી ગઈ. મારા મનનું ઝેર નીતરી ગયું હોય એમ બધું સ્પક્ટ સમજાય છે.

અંશની ચિતા ઠર્યાને બે દહાડા પણ નથી થયા, પરંતુ શકુ શેઠાણીને તો જાણે યુગો વીત્યા હોય એવું લાગે છે.

‘મારી કરણી મારા લાલને છીનવી ગઈ...’ છાતી કૂટતાં તેમણે કરેલા કાવતરાની કબૂલાત ગ્રામજનોની સમજ ખોલી ગઈ હતી.

‘પણ આ તેને તિરસ્કારવાનો અવસર નથી.’ માયાબહેને સૌને સમજાવેલું, ‘આપણે તેના પડખે ઊભા રહીએ. મા-દીકરાની નિંદા કે મારાં દીકરા-વહુની પ્રશંસાના સ્થાને આપણે કેવળ માનવતાની મહેક પ્રસરાવીએ.’

આવું કહેનારી માયા મુઠ્ઠીઊંચેરી લાગી. અંશ સાચું કહેતો હતો : આશ્રય જેવા બનવા માયાના પેટે જન્મ લેવો પડે. આજે એમાં તથ્ય લાગે છે.

શા માટે મેં અંશને બગાડવા દીધો? માશૂકાને અંશની દોલત સાથે મહોબ્બત હતી. એ દોલતનો ધર્માદો કરી દીધો હોત તો અંશને તેણે આપોઆપ છોડ્યો હોત ને એ ચોટે મારા લાલની શાન ઠેકાણે આવી હોત. મા તરીકે હું કંઈ કરી ન શકી. પછી નિરાલી જેવી વહુ આવીને દીકરાને સુધારે એવી અપેક્ષા રાખવાનો પણ મને શું હક હતો?

નિરાલી. ઊનો નિ:શ્વાસ સરી ગયો. હીરા જેવી છોકરીને નાગણ ઠરાવવા જેટલું ઝનૂન અંશને વાળવા પાછળ લગાવ્યું હોત તો આજે દીકરો પાછો ન થયો હોત. અરે, એ રાત્રે માયાની ત્રાડે મેં તરા૫ મારી ન હોત તો કરંડિયો વચકાત નહીં તો કદાચ માશૂકાના પ્લાન પ્રમાણે હું મૃત્યુ પામી હોત. દીકરાને ગુમાવવા કરતાં તેના હાથનું મોત મને ગમ્યું હોત...

- પણ છેવટે તો મારાં કર્મ જ નડ્યાં. તો જ માયા વગેરેએ અહીં આવવાનું બન્યું’તુંને!

માશૂકા સાથે મળીને દીકરો માના પ્રાણ હરવાનો હતો એ છાનું નથી. અંશના અંજામથી ભડકેલી માશૂકા વંજો માપી ગઈ છે, સર્પ વેચનારા મદારીને પોલીસે પકડ્યો છે; પણ એ બધું મારા માટે મિથ્યા છે! અંતિમ હકીકત તો એ જ રહેવાની કે મારા લાલને હું જાળવી ન શકી. અંશ કેવળ નાગના દંશથી નથી મર્યો. મરતાં પહેલાં તું સાચું કહી ગયો : તારી મા નાગણ નીકળી, દીકરાને છાવરીને દુગુર્ણોેનું જ વિષ પિવડાવતી રહી.... પણ આમાં તને મારું હેત ન દેખાયું?

એકના એક વિચારો. દીકરા પાછળના વિલાપમાં ઘૂંટાતા અપરાધભાવે એની અસર દેખાડવા માંડી. શકુ શેઠાણીની માનસિક સ્થિતિ ડામાડોળ થતી ગઈ. સખત ડિપ્રેશનમાં રહેતાં શકુબહેને એક રાત્રે હવેલીની અગાસી પરથી પડતું મૂકીને કાયમની મુક્તિ મેળવી લીધી!

€ € €

‘જેવી જેની નિયતિ...’ બીજા શ્રાવણના તહેવારોમાં ગામ આવેલી નિરાલીને માયાબહેન શકુ શેઠાણીનો અંજામ સાંભરી કહેતાં. તેમના વિશે, અંશ બાબત જાણીને સૂર્યકાંતાબહેન જેવાં ડઘાયેલાં પણ - સારું થયુંને તેનો પ્રસ્તાવ નકાર્યો!

ગામમાં પૂજાવિધિમાં હવે નાત-જાતના ભેદ નથી. નિરાલીએ લીધેલી ૫હેલને માયાબહેને અંજામ અ૫ાવ્યો છે. નિરાલી મા બનવાની છે. તેના સંસા૨નું સુખ કાયમ ૨હેવાનું એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK