કથા-સપ્તાહ - મા (સ્નેહ-સંબંધ - 4)

મૌનવીને સુરત મૂકીને આવતાંવેંત અગસ્ત્યએ નોકરીમાં રાજીનામું મૂકી દીધું.અન્ય ભાગ વાંચો

1  |  23  |  4  |  5 


મહિનાનો નોટિસ પિરિયડ છે. ત્યાં સુધીમાં તો સુરતની આસપાસ નોકરીનો બંદોબસ્ત કરી દઈશ હું. જૉબ ન હોય તો ધંધો જમાવી દઈશ...

દીકરાની આવડત, હોશિયારીમાં મમતાબહેનને શંકા છે જ નહીં. એમ તેના અંતરમાં ઘૂંટાતો પેલો જુવાન માટેનો ધિક્કાર ક્યારેક પજવી જતો. મૌનવીને હેરાન કરનાર પ્રત્યે અગસ્ત્યનો ધગધગતો રોષ ફાટ્યો તો ઘણુંબધું એમાં સ્વાહા થઈ જવાનું!

એ હિસાબે તો તે સુરત શિફ્ટ થઈ જાય એ જ હિતાવહ છે! માનો જીવ બોલી ઊઠ્યો.

€ € €

‘તારી મનસા ફળી. જમાઈએ રાજીનામું મૂકી દીધું. હવે સુરત શિફ્ટ થઈ જવાના.’ રાત્રે બેડરૂમના એકાંતમાં અમૂલખભાઈએ વાત છેડી.

‘પણ એમાં તમે આમ ખરખરો કરવાની ઢબે કાં બોલો!’

‘ખરખરો નથી કરતો નિમુ, કેવળ જાણવા માગું છું. આમાં તારી તો કોઈ રમત નથીને? શીશ્્. નો નૌટંકી, જે હોય એ સાચેસાચું કહી દેજે.’

નિર્મળાબહેનને થૂંક ઉતારવું મુશ્કેલ લાગ્યું. અમૂલખ આમ ઠંડા, પણ પોતાનું ધાર્યું કરવા બેસે ત્યારે કોઈના નહીં! મૌનવીના ઉછેરમાં ક્યાં એનો

અનુભવ નથી!

‘મારો કશામાં કોઈ હાથ નથી, તમે કહો એના સમ.’ જીવ પર આવીને તેમણે કહી દીધું.

‘તો ઠીક...’ પત્નીના જવાબથી સંતુષ્ટ થતાં અમૂલખભાઈએ ઉમેર્યું, ‘મને હતું તો ખરું કે પોતાનો કક્કો ખરો કરવા આટલી ઓછી હરકત કરે એટલી હલકટ મા તો તું નથી જ નથી.’

હલકટ! પતિનો શબ્દ કાળજે વાગ્યો. એ ચોટ ન દર્શાવવા બહુ મથવું પડ્યું નિર્મળાબહેને!

અહં, મારે તો બધું સમુંસૂતરું પાર ઊતરવાનું એ સફળતા જ જોવાની!

€ € €

‘મા-મા...’ ચોથી બપોરે લાઇબ્રેરી ગયેલી મૌનવી ચીસ નાખતી ઘરમાં પ્રવેશી.

સુરત મૂવ થયા પછી તે નૉર્મલ રહેતી. ધીરે-ધીરે એકલી બહાર આવતી-જતી થઈ. રિઝાઇન મૂકનાર અગસ્ત્ય પણ મહિના દહાડામાં આવી પહોંચશે. મમ્મીએ નવો બંગલો જોઈ રાખ્યો છે ત્યાં અમે રહીશું... મમતામા પણ આવશે. અહીં પેલો વિલન નહીં હોય.

‘જૂઠ.’ હાંફતી મૌનવીએ નિર્મળાબહેનને કહ્યું, ‘બદમાશ અહીં પણ આવી પહોચ્યો. જો, લાઇબ્રેરીમાંથી બહાર નીકળતાં તેણે આ ચિઠ્ઠી ફેંકી.’

હોઠ કરડીને નિર્મળાબહેને દીકરીએ ધરેલો કાગળ ખોલ્યો. અંદર લખ્યું હતું : તૂને મોબાઇલ-નંબર બદલ દિયા. અગસ્ત્ય બહોત શાણા હૈ. એય, પર બાકી સબ તો વૈસા હી હૈ ન?

મતલબ ઐસા...

લખી નીચે સ્ત્રીની એ જ નગ્ન આકૃતિ હતી. થર-થર ધþૂજતાં નિર્મળાબહેનના કંપનમાં ડરથી વધુ આવેશ હતો : મવાલીની આ હિંમત?

‘મા, મા... કૉલ અગસ્ત્ય.’

નહીં, મુંબઈ જાણ કરવાનો મતલબ સુરતનું શિફ્ટિંગ કૅન્સલ! નૅચરલી, એ ગુંડો સુરતમાં પણ પેધો પડતો હોય તો મુંબઈથી સુરત મૂવ થવાનો મતલબ શું!

‘નહીં...’ જરૂર કરતાં ઊંચા અવાજે બોલીને તેમણે સ્વર સંયત કર્યો, ‘હું કંઈ કરું છું બેટા. જોઈએ તો કમિશનરને રિક્વેસ્ટ કરીને બદમાશનો ટાંટિયો સુરતમાં નહીં ટકવા દઉં.’

મૌનવીને હાશકારો થયો. તેને ફિક્શનમાં વ્યસ્ત કરીને નિર્મળાબહેન બાજુની રૂમમાં ગયાં, કૉલ જોડ્યો : આદિલ, તને મળવું છે આજે, અત્યારે!

પોતાને ડરાવનાર જુવાન સાથે માનો સંપર્ક છે એ જાણીને મૌનવીએ શું અનુભવ્યું હોત?

€ € €

‘આ બધું શું છે આદિલ?’

સુરતના વૈભવી ઘોડદોડ રોડ પર આવેલા મૉલના ફૂડ ઝોનના કૉર્નર ટેબલ પર બેઠક લઈને નિર્મળાબહેને પોતાના પહેલાં આવી જનાર શખ્સને પૂછ્યું. મૌનવીએ જો તેને જોયો હોત તો ઓળખી કાઢત. આ તો તે જ... વિકૃત દિમાગ આદમી, જેની બાઇક મારી કાર સાથે ટકરાઈ ત્યારનો મારી પાછળ પડ્યો છે!

અત્યારે પણ તેના તેવરમાં બેફિકરાઈ વધુ હતી, સામાની પરેશાનીનો લુત્ફ માણવાની ખંધાઈ ટપકતી હતી.

‘તું ભૂલ્યો હોય તો યાદ અપાવી દઉં કે આપણી ડીલ ક્લોઝ થઈ ચૂકી છે.’

સગી દીકરીને બિવડાવવાની ડીલ!

પોતાના કેસમાં લાગેલો કોઈ ધારો મૌનવી-અગસ્ત્યને સુરત તાણવામાં કામ લાગે એમ નહોતો. એવું તે શું થાય જેથી મૌનવી મુંબઈ છોડવા તૈયાર થાય ને એમાં જમાઈરાજની પણ હામી હોય? બહુ વિચારતાં સૂઝ્યું કે પોતાની આબરૂ ભયમાં હોય ત્યારે સ્ત્રી માટે પ્રથમ સુરક્ષા ત્યાંથી ભાગવાની હોય છે... તાજેતરમાં આપણા ગુજરાતી ક્રિકેટરને ત્યાં આવું જ કંઈ ઘટ્યું. ક્રિકેટરની ૫ત્ની સાથે સરેઆમ બદવર્તન થતાં તે વતન છોડી સાસરે મૂવ થવાનો. એ બનાવ જેન્યુઇન હોય, પણ એવું પ્લાન પણ કરી જ શકાયને....ધારો કે આવું કંઈક મૌનવી સાથે થાય તો?

બસ, આમાંથી તેને ડરાવવાનો પ્લાન સ્ફૂર્યો અને એમાં પ્યાદું બન્યો આ આદિલ!

શ્વશુર પક્ષના અંધેરીના એક સગાનો દીકરો આઉટલાઇન પર ચડી ગયેલો, ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલો એ વરસેક જૂના ન્યુઝ તાજા કરી નેટસર્ફિંગ કરતાં તેના સાથી તરીકે જે બે-ચારની ભાળ મળી એમાં આ આદિલ કામ પાર પાડી શકે એવો લાગ્યો... બસ, પછી સોશ્યલ ઇવેન્ટને બહાને મુંબઈ જઈ, રૂબરૂ મળી ડીલ પાકી કરીને પોતે દીકરીને ત્યાં પહોંચ્યાં હતાં...

આદિલે બરાબર કામ પાર પાડ્યું. દીકરી-જમાઈ સુરત શિફ્ટ થવા રાજી થઈ ગયાં. કિસ્સો ખતમ. ડીલ પૂરી તો પછી હજીયે કેમ તેણે મૌનવીને તંગ કરવાનું ચાલુ રાખ્યું છે?

‘આઇ નો. હવે ડીલ એક્ઝિસ્ટ નથી કરતી, પણ હુંય જે કરું છું એ મરજીથી કરું છું.’

‘મરજી!’ નિર્મળાબહેનનાં નાખોરાં ફૂલી ગયાં, ‘મારી દીકરી પર નજર બગાડનારને હું...’

‘તમે કંઈ જ કરી નહીં શકો...’ ખંધું મલકતા આદિલે પોતાનો મોબાઇલ ધર્યો. એમાં ચાલુ થતા વિડિયોએ નિર્મળાબહેન ધોળાં પૂણી જેવાં થયાં. એ ખરેખર તો આદિલ સાથે થયેલી ડીલનું લાઇવ રેકૉર્ડિંગ હતું!

‘બોલ, આ વિડિયો તારાં સગાંવહાલામાં ફરતો કરી દઉં?’

નિર્મળાબહેન કંપી ગયાં : નહીં, આ વિડિયો ફરતો થયો તો-તો દેશભરની જનેતાઓ મારા પર થૂંકે!

‘શું ચીજ છે તારી દીકરી! તેને જોયા પછી મન કાબૂમાં નથી રહેતું.’

આદિલની આ વાતમાં તથ્ય હતું. આમ તો આડી લાઇનના એકલપંડા આદમીને વાસના ઠારવા બહાર જવાની નવાઈ નહોતી, પણ મૌનવીને જોઈને તે ભાન ભૂલ્યો.

‘તારી દીકરી કેવળ ડીલ રહી નથી. તેને એક વા૨ ભોગવ્યા વિના ચેન નહીં વળે.’

શિવ-શિવ. મારી જણેલી માટે હું આવું સાંભળી પણ કેમ શકી?

‘મૌનવીને ડરાવીને હું પણ કંટાળ્યો છું. ડૂ વન થિંગ. આજે તો હું મુંબઈના કામે નીકળું છું. શનિવારે પાછો આવીશ. હોટેલ સ્વિટી, રૂમ-નંબર એકસોએક, તારી બેટીને રાત ગુજારવા મોકલી દેજે.’

હાઉ ડેર યુ! ટેબલ ઠોકીને ઊભા થઈ જવું હતું નિર્મળાબહેનને પણ...

‘ન આવી તો તારી ફિલ્મ નેટ પર વાઇરલ થઈ ગઈ, સમજી લેજે.’

બ્લૅકમેઇલિંગ! નિર્મળાબહેન થથરી ઊઠ્યાં. પોતાને તો એક બાજુ કૂવો ને બીજી બાજુ ખાઈ... બેઉ કેસમાં હું મૌનવીને તો ગુમાવવાની જ!

ગરવાઈ મૂકીને તેઓ કરગર્યાં, પૈસાની લાલચ ધરી; પણ ધરાર જો આદિલ માનતો હોય! આખરે તેનો ઘોડો વિનમાં છે... અને લૂઝર હું જ હોઉં તો શા માટે ત્રીજા વિકલ્પ તરીકે આ જિંદગીનો જ અંત ન આણી દેવો? દીકરીને દોજખમાં નાખવાનું શક્ય જ નથી એમ મૌનવીની હેરાનગતિમાં મારી સંડોવણીનો વિડિયો વાઇરલ થતાં હું દીકરીને મોં દેખાડવા લાયક ન રહેવાની હોઉં તો એક્ઝિટનો એક જ વિકલ્પ રહે છે!

ભગ્ન હૃદયે ઘરે પાછાં વળેલાં નિર્મળાબહેનને મૌનવીએ ખબર આપ્યા : મા, શનિવારે સરપ્રાઇઝ પાર્ટી રાખી છે, બી ધેર’

શનિવાર! નિર્મળાબહેન ચોંક્યાં. કેમ, શું છે શનિવારે?

‘અરે! તમારો બર્થ-ડે, ભૂલી ગયાં?’ મૌનવી અત્યારે નૉર્મલ હતી, ‘મુંબઈથી અગસ્ત્ય-મા તો આવે જ છે, બીજા મહેમાનો પણ હશે...’

જન્મદિન. ઝણઝણાતી પ્રસરી ગઈ. એ જ મારો મૃત્યુદિન બની રહેશે?

€ € €

‘ચાલો, તમારા જન્મદિન નિમિત્તે સહી, મૌનવીમાં જીવંતતા ધબકી!’

મમતાબહેનનાં વધામણાંએ ફિક્કું હસી લીધું નિર્મળાબહેને. દીકરી પર ત્રાટકેલી વિપદના મૂળમાં હું છું એનો તો કોઈને અંદાજ પણ કેમ હોય! ના, પતિને આશંકા હતી, પરંતુ તેમને જૂઠથી ભરમાવનારી હું અમૂલખ પાસેય કયા મોઢે મદદનો ખોળો પાથરું!

સાંજની પાર્ટી માટે મૌનવી બધું વિસરીને કેવી થનગની રહી છે. મુંબઈથી વેવાણ-અગસ્ત્યકુમાર આવી પહોંચ્યાં છે. બદમાશ મૌનવી પાછળ સુરત સુધી આવી પહોંચ્યાનું જાણીને સૌ ચિંતિત બન્યા, પણ આજની ઉજવણી પૂરતું બધાએ એમાંથી મન વાળી લીધું છે અને એક હું છું જે મૌનવીનો બદલાયેલો મૂડ જોઈને પણ વમળમાંથી નીકળી નથી શકતી. હાથનાં કર્યાં હૈયે વાગે ત્યારે બીજું શું થાય? મેં ધાર્યું’તું શું ને આ થવા શું બેઠું!

અહં, આદિલે મારા માટે બીજો કોઈ વિકલ્પ રહેવા દીધો નથી. દીકરીને મારી આંખ સામે રાખવામાં મારી દૃષ્ટિએ તો તેનું સુખ હતું એ કોઈને કેમ સમજાવવું? મા છું, દીકરીના સુખ ખાત૨ મવાલીને હાય૨ કરું; પણ મારી સલામતી કાજ એ મવાલીને દીકરી ધરું નહીં. બદલામાં તે ક્લિપ વાઇરલ કરી મૂકવાનો. અમૂલખ કદાચ આંચકો પચાવી જાય, પણ મારી દીકરી-જમાઈ-વેવાણ મારા માટે શું ધારશે? હું તેમની સાથે નજરો મેળવવાને લાયક નથી રહી. મારા છુટકારામાં મૌનવીની મુક્તિ છે. મારા ગયા પછી આદિલને ક્લિપ કોઈ કામની નહીં રહે. બ્લૅકમેઇલિંગ કરનારો સીધા હુમલાની હિમાકત કદી ન કરે...

શનિવારની આજની અપૉઇન્ટમેન્ટ યાદ અપાવતા આદિલના બે ફોન આવી ગયા. તેને તો મેં હં-હા કહીને ભ્રમમાં રાખ્યો છે, પણ ટાળવાથી એ ઘડી ટળવાની નથી... ઝટ કર નિમુ, જો સાંજના પાંચ તો થયા; બે કલાકમાં બીજા મહેમાનો આવવા માંડશે. નવ વાગતાં સુધીમાં મૌનવી નહીં પહોંચે એટલે આદિલ ક્લિપ ફરતી મૂકી દેશે...

નિર્મળાબહેને પ્રસ્વેદ લૂછ્યો.

ના, મરવું કેમ એ તો વિચારી રાખ્યું છે. મૃત્યુનોંધ લખીને મારે મોત વહાલું નથી કરવાનું. મેં આપઘાત કર્યાનું કોઈને માલૂમ ન થવું જોઈએ. મારું પાપ, એની મેં ઓઢેલી સજા આપ્તજનોને લખી જવાય એવા નથી... એટલે ત્રીજા માળની ટેરેસ પરથી સૂકવેલાં કપડાં લેવામાં અગાસી પરથી પડીને અકસ્માતે મૃત્યુ પામ્યાનો જ ખેલ ઘડવાનો છે... આમાં જીવતા બચવાના કોઈ ચાન્સ હું જોતી નથી. અહીં હરખનો પ્રોગ્રામ કરુણાંતિકામાં ફેરવાઈ જશે, પણ મારી દીકરી ઊગરશે એમાં મારું મર્યું સાર્થક! ચાલ જીવ, ઝડપ કર!

એકાએક નિર્મળાબહેન ચમક્યાં. મમતાબહેન તેમને હચમચાવતાં હતાં, ‘ક્યાં ખોવાણાં છો વેવાણ? આવી છું ત્યારના વારે-વારે વિચારમાં સરી જતાં જોઉં છું તમને. કશી મૂંઝવણ છે?’

જમાઈનાં મમ્મી ચતુર છે. લગ્નની ભેટસોગાદમાં ધરાર મારું ચાલવા દીધું નહોતું એટલાં ખબરદાર. તેમની નિશ્રામાં મૌનવીને કોઈ દુ:ખ નહીં સ્પર્શે એની મને ખાતરી પણ છે...

‘જુઓ પાછા તમે...’

‘નહીં વેવાણ...’ ઉતાવળે તેમણે કહી નાખ્યું, ‘મૂંઝવણમાં તો બદમાશ આદિલનાં કરતૂત. કેવો આપણી મૌનવી પાછળ પડ્યો છે!’

સાંભળીને મમતાબહેનના પલટાતા ભાવમાં પોતાની ચોરી પકડાઈ જવાની હોય એમ ખોટું હસતાં ઉપર જતી સીડી તરફ વળ્યાં, ‘બળ્યું હું તો ભૂલીયે ગઈ કે આજે બાઈ ટેરેસ પર સૂકવેલાં કપડાં સમેટી નથી ગઈ... તમે બેસો, હું હમણાં આવી.’

તેમને સીડી ચડતાં જોઈ રહેલાં મમતાબહેનના હૈયે ઘમસાણ મચ્યું હતું. દીકરો-વહુ-વેવાઈ ફંક્શનની પૂવર્તૈીયારીમાં મચ્યાં છે, અમે તેમના માટે શરબત બનાવવા રસોડે આવ્યા, એ કામ તો બાજુએ જ રહ્યું ને ભળતા જ કામે વેવાણ ટેરેસ પર દોડી ગયાં!

પણ જતાં પહેલાં ઘટસ્ફોટ કરીને ગયાં.

આદિલ.

મૌનવી સિવાય જેને કોઈએ જોયો નથી અને મૌનવી ખુદ જેનું નામઠામ જાણતી નથી એની ઓળખ વેવાણને ક્યાંથી?

આના ઘણા અર્થ નીકળી શકે ને એ દરેક અર્થ કાળજું ચીરે એવો હતો! એ જ વખતે મોબાઇલ રણક્યો. વેવાણનો મોબાઇલ!

ડાઇનિંગ ટેબલ પર મૂકેલો ફોન ઉઠાવતાં સ્ક્રીન પર ઝબકતું નામ ભોંકાયું : આદિલ કૉલિંગ.

મમતાબહેનનાં જડબાં તંગ થયાં.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK