કથા-સપ્તાહ - મા (સ્નેહ-સંબંધ - 3)

મારી દીકરીને હું જેટલી જાણું છું - એવી કઈ ઘટના હોય જેથી તે મુંબઈ છોડવા જીવ પર આવી જાય?


અન્ય ભાગ વાંચો

1  |  23  |  4  |


નિર્મળાબહેન આ ટ્રૅક પર વિચારતાં હતાં ત્યાં ગુજરાતી ક્રિકેટરને ત્યાં બનેલી ઘટનાએ તેમના મનમાં કશુંક ગોઠવાતું ગયું અને...

€ € €

‘મ....મ્મી તું! વૉટ અ સરપ્રાઇઝ!’ સાંજની વેળા નિર્મળામાને અચાનક ડોરબેલ રણકાવતાં ભાળીને મૌનવી હરખપદૂડી થઈ.

‘સવારની આવી છું. એક-બે સોશ્યલ વિઝિટ હતી. બધું પતાવીને તારે ત્યાં નિરાંતે આવી છું, પણ કાલ સવારની ટ્રેનમાં નીકળી જઈશ.’

‘એવું ન ચાલે મા.’ અગસ્ત્યએ ટહુકો પૂર્યો, ‘જવાનું તમારે અમારી મરજીથી.’

‘હા હોં વેવાણ.’ મમતાબહેન વહેવારમાં ન ચૂકે, ‘આવ્યાં છો તો રહોને આરામથી.’

બીજી કોઈ મા હોત તો દીકરીનું સુખ જોઈને હૈયું ભીનું થયું હોત, પણ નિર્મળાબહેન જુદું વિચારતાં હતાં : તમારા આગ્રહથી હું ભોળવાઉં એમ નથી. દીકરી ભેગા જમાઈને સુરત તાણી જવાના પ્લાનનું પ્રથમ પગથિયું આજે લેવાઈ ગયું. એ જ બધું ફાઇનલ કરીને આવી છું. અબ દેખો આગે હોતા હૈ ક્યા!

€ € €

નિર્મળાબહેન તો જોકે બીજી સવારે સુરત જવા નીકળી ગયાં અને ત્રીજી બપોરે...

ગાડી લઈને મૌનવી માર્કેટ તરફ ગઈ હતી. મુંબઈમાં ડ્રાઇવિંગ ફાવી ગયેલું. હવે તો રસ્તા પણ જાણીતા થઈ ગયેલા.

પણ આજે જેવી ગલીમાંથી બહાર નીકળી કે અંદર તરફ વળતાં બાઇકવાળો જોરથી ભટકાણો. તેની બાઇક કેવળ હચમચી, પણ નવી મોટરનું બૉનેટ તૂટ્યું, ગોબો પડ્યો. સ્વાભાવિકપણે કારની ચોટે મૌનવીનો પિત્તો ગયો.

‘દેખાતું નથી તમને?’ તે કારમાંથી ઊતરી, ‘તમારે કૉમ્પન્શેસન આપવું પડશે મિસ્ટર.’

જવાબમાં મોંઘા ગૉગલ્સ કપાળે ચડાવી, ચ્યુઇંગ ગમ ચગળતો એ જુવાન સ્ટાઇલથી નીચે ઊતર્યો અને ચાવી ઘુમાવતો મૌનવીની એકદમ નજીક આવી ઊભો, ‘અબ બોલ..’

મૌનવી થોડી સહેમી. ૨૫-૨૬નો દેખાતા જુવાનની કીકીમાં ખંધાઈ નીતરે છે, કસરતથી જમાવેલા શરીરમાં સામાને કચડી નાખવાનું જોશ છે, રીતભાતમાં મવાલીપણું ઝબકે છે. આવાના મોં ન લગાય, મૌનવી પાછી વળ!

તે ડગલું પાછળ હટી કે જુવાને તરાપ જેવી મારીને તેનું કાંડું પકડ્યું, ‘ભાગતી કિધર હૈ...’

‘છોડો મુઝે...’ મૌનવીએ હાથને ઝાટકો આપતાં ખભેથી સાડીનો છેડો સરકી ગયો.

જુવાનની આંખો પહોળી થઈ, કાંડાને મચોડવાનું જોશ ભરાયું. મૌનવીની આંખોમાં પીડાનું પાણી છલકાયું.

‘ખુદા કસમ. તેરે બોલ સે અપની બોલતી બંધ હો ગઈ.’ તેનો શ્લેષ ઘૃણાસ્પદ હતો. મૌનવીએ ચીસ નાખી... હે...લ્પ!

એવું જ જુવાને કાંડું છોડ્યું. બાઇકની કિક મારતાં કહી ગયો : મને તેં આંધળો કહ્યોને. તારું રૂપ આ આંધળાની આંખે ચડી ગયું છે. હવે જો, એને ભોગવ્યા વિના ન રહું!

ક્યાંય સુધી તેની ધમકીથી થથરતી રહી મૌનવી!

€ € €

‘ચિલ મૌનવી. એમ રસ્તે હાલતો-ચાલતો મવાલી કંઈ પણ બોલી જાય એ મન પર લેવાનું ન હોય.’ અગસ્ત્ય.

‘તું ડરી ગઈ તો મરી ગઈ. વાઘ સામે વીફરેલી વાઘણ બનીશ તો વાઘે પણ વંજો માપવો પડશે. અમે છીએને તારી સાથે.’ મમતાબહેન.

કામ અધૂરું મૂકીને પાછી ફરેલી મૌનવી એટલી ગભરાયેલી હતી કે મમતાબહેને અગસ્ત્યને તેડાવી લીધો. તેના આવતાં સુધીમાં વહુ પાસેથી બનાવની વિગતો જાણી લીધેલી. એની યાદે થથરી ઊઠતી મૌનવીને ધીરજથી જમાડી, સુવાડી મા-દીકરો હોલમાં ગોઠવાયાં.

‘તને શું લાગે છે મા, આપણે પોલીસમાં જાણ કરવી જોઈએ?’

‘ના-ના. આ તબક્કે પોલીસના ઉલ્લેખે મૌનવી વધુ ભડકી ઊઠશે. હું તો કહીશ કે આપણે પણ આ ઘટનાને વધુ મહત્વ આપવાની જરૂર નથી. વાહનોની ટક્કરમાં બોલાચાલી સામાન્ય છે, પેલો જુવાન પણ બધું ભૂલી ગયો હશે.’

કેટલો ગલત એ ભ્રમ હતો!

€ € €

મા-દીકરા વચ્ચે બહાર આ ચર્ચા ચાલતી હતી ત્યારે બેડરૂમમાં મોબાઇલના રણકારે મૌનવીની નિંદર તૂટી. સામો નંબર અજાણ્યો હતો. અડધી ઊંઘમાં મૌનવીએ કૉલ રિસીવ કરતાં સંભળાયું : હાય સ્વીટી. અગસ્ત્યને કહેજે કે તારા બદનને હવેથી ચૂંથે નહીં. તારું હુસ્ન મારી અમાનત છે. પાછળ બીભત્સ હાસ્ય અને ફોન કટ થયો. એ સાથે જ થીજેલી મૌનવીની ચીસ ફૂટી : અ...ગત્સ્ય!

€ € €

આખી રાત કોઈ સરખું ઊંઘી ન શક્યું. જુવાનના ફોન પછી મામલો ગંભીર બન્યો ગણાય. એ પાછો અગસ્ત્યને પણ જાણતો હોય અર્થાત્ ભાળ કાઢવામાં ઝડપી ગણાય... તાત્પૂરતો અગસ્ત્યે મૌનવીનો ફોન સ્વિચ્ડ-ઑફ કરી દીધો છે, લૅન્ડલાઇનનો પ્લગ કાઢી નાખ્યો છે. હવે એ બદમાશ અમારી નજીક ફરકી પણ નહીં શકે.

મમતાબહેન-અગસ્ત્યની ધારણા ખોટી પડી.

સવારે દૂધ લેવા અગસ્ત્યે બારણું ખોલ્યું. ભેગું બાજુમાં પડેલું છાપું ઊંચક્યું કે અંદરથી કાગળ સરકી આવ્યો : ગુડમૉર્નિંગ સ્વીટી!

પછી સ્ત્રીનાં ઉઘાડાં અંગો દોરીને નીચે લખ્યું હતું : સપનામાં તું મને આવી દેખાઈ, રિયલમાં...

ડેમ ઇટ! અગસ્ત્યે ચિઠ્ઠી ફાડીને ટુકડા ફગાવી દીધા. સુખી-શાંત જીવનમાં આ કોણ આવી પહોંચ્યું ડર ફેલાવવા?

€ € €

અગસ્ત્યે બે દિવસ રજા રાખી. દરમ્યાન લૅન્ડલાઇન, મૌનવીનો ફોન પણ ચાલુ રાખ્યો, ત્રણે સાંજે હવેલી પર જઈ આવ્યા. ધેટ રાસ્કલ ક્યાંય કળાયો નહીં. મૌનવીને એથી રાહત વર્તાતી હતી. ત્રીજા દહાડે તેણે આગ્રહ કરીને અગસ્ત્યને ઑફિસે મોકલ્યો.

તેના ગયા પછી સાસુ-વહુ રોજિંદી ઘટમાળમાં પરોવાયાં. દસેક વાગ્યે મૌનવી કપડાં સૂકવવા બાલ્કનીમાં ગઈ કે...

સામે બિલ્ડિંગના ગેટ આગળ જ પેલો જુવાન ઊભો હતો. મૌનવીની નજર પડતા તેણે ફ્લાઇંગ કિસ ફેંકી. એવી જ મૌનવી ‘મા’ની ચીસ પાડતી અંદર દોડી, ‘જુઓ મા, પેલો બદમાશ...’

વહુ સાથે હાંફળાંફાંફળાં થઈ મમતાબહેન બાલ્કનીમાં દોડ્યાં, પણ આ શું? ગેટ પર કોઈ નહોતું!

‘તે હતો, મા તે હતો...’ મૌનવી થરથર કાંપતી હતી.

તેને સાંત્વન પાઠવતાં મમતાબહેનને સમજાયું નહીં, બદમાશ ખરેખર આવ્યો હતો કે પછી વહુને ભ્રમ થયો?

€ € €

‘ભ્રમ માનીને હવે બેસી ન રહેવાય મા...’ બે કલાક પછી અગસ્ત્ય કહી

રહ્યો છે.

જુવાને દેખા દીધી પછી મૌનવીને શાંત રાખવી અઘરી બની હતી. મા તે અગસ્ત્યની ઑફિસે તો ન ગયો હોયને? તેણે અગસ્ત્યને કંઈ કરી દીધું તો... તેનો વલોપાત કોઈ સમજાવટે ઓસર્યો નહીં ત્યારે મમતાબહેને દીકરાને ફોન કરીને તેડાવી લીધો.

અગસ્ત્યને હેમખેમ ભાળી મૌનવી તેનો હાથ હાથમાં લઈને ઘસઘસાટ ઊંઘી પણ ગઈ. તેના સૂતા પછી ઍક્શન-પ્લાન ચર્ચી લેવાનો હોય.

‘હું પોલીસ-ફરિયાદની વિરોધી નથી, એનાથી ખાનદાનનું નામ ખરડાય એવુંય માનતી નથી... મામલો વહુને લગતો છે એટલે પોલીસમાં જતાં પહેલાં એક વાર વેવાઈ-વેવાણને વાત કરી લે. કાલ ઊઠીને મામલો છાપે ચડે તો તેમને એવું ન લાગવું જોઈએ કે તમે અમને જ અંધારામાં રાખ્યાં...’

વાત તો સાચી. અગસ્ત્યએ ફોન જોડ્યો.

€ € €

‘હે. ત્રણ-ચાર દહાડાથી એ જુવાન મારી દીકરી પાછળ પડ્યો છે એની જાણ તમે હવે અમને કરો છો!’ નિર્મળાબહેનનો ઠપકો ઝબક્યો. પછી નરમાશ આણી, ‘હું અમૂલખને તો કહું છું જમાઈરાજ, પણ મારી સલાહ એવી કે હાલ પોલીસમાં જવાને બદલે તમે થોડા દિવસ મૌનવીને અહીં મૂકી જાઓ... ચેન્જ મળશે તો આપોઆપ તે ફરી હસતી-ગાતી થઈ જશે. દરમ્યાન પેલો બદમાશ દેખા દે તો તમે તેને પહોંચી વળવા સક્ષમ છો જ.’

આ સુઝાવ અગસ્ત્યના ગળે ઊતરી ગયો. મમતાબહેનને કશું વાંધાજનક જ લાગ્યું.

મૌનવી આનાકાની ન કરે એ માટે એવું કહ્યું કે તારા પપ્પાની તબિયત ઠીક નથી રહેતી હમણાંની, માટે થોડા દિવસ સુરત રહી આવ...

મૌનવીએ રાજીપો દાખવતાં મમતાબહેને તેની બૅગ તૈયાર કરી દીધી. કલાકમાં તો ઘર બંધ કરીને મા-દીકરો-વહુ કારમાં સુરત જવા નીકળ્યાં. વેવાણને જાણ પણ કરી દીધી.

€ € €

દીકરી પતિ-સાસુ સાથે સુરત માટે નીકળી હોવાના ખબર સાંભળી કૉલ કટ કરતાં નિર્મળાબહેનના ચહેરા પર જીતની મુસ્કાન પ્રસરી ગઈ : થોડા દિવસનો સ્ટે કાયમનો બની જવાનો, જોઈ લેજો!

પછી પેલા જુવાનને સાંભરી લીધો : ગુડ જૉબ આદિલ!

€ € €

‘હવે બહુ થયું વેવાણ...’ નિર્મળાબહેન થોડાં આકરાં થઈ બીજી પળે ગળગળાં બન્યાં, ‘મારી દીકરીની હાલત જોઈ. કેવી પાણીથી પાતળી થઈ ગઈ છે! વચમાં તે દસ દહાડા રહી ગઈ તો કેવી ખીલી ગયેલી, પણ જમાઈરાજ મુંબઈ લઈ ગયા ને વળી પેલો ગુંડો પેધો પડતાં અઠવાડિયામાં તમારે પાછા આવવું પડ્યું...’

તેમનો ભાવ ગમે એવો હોય, શબ્દોમાં તથ્ય હતું. મૌનવીની કાર સાથે અથડાયેલા ગુંડાએ બીભત્સતા આચરી, ચેન્જ માટે અમે મૌનવીને સુરત મૂકી ગયા... ત્યાર પછી અમને મુંબઈમાંય કોઈ હેરાનગતિ નથી જાણીને મૌનવી રિલૅક્સ થતી ગયેલી. દસેક દિવસમાં તેણે જ ઘરે પાછા ફરવાની રઢ લેતાં અગસ્ત્ય તેને તેડી ગયો. ચારેક દહાડા ગયા ને ફરી ધેટ બદમાશે દેખા દીધી - મૌનવીને કૉલ જોડ્યો - કહા ગઈ થી જાલિમ, તેરે બગૈર મઝા નહીં...

વળી એ જ ત્રાસ. મૌનવીને ચેન્જ આપવા અઠવાડિયામાં જ પાછા ફરવું પડ્યું એવી વેવાણની વાત તો સાચી... મમતાબહેને ડોક ધુણાવી, ‘તમે સાચું કહો છો વેવાણ. ડરીને ક્યાં સુધી ભાગતા રહીશું? અગસ્ત્ય-વહુ, ચાલો મુંબઈ. પોલીસની મદદ લઈને ગુંડાને સબક શીખવાડીએ.’

‘લો, હું કંઈ જુદું કહેવા માગતી હતી ને તમે કંઈ ભળતું જ સમજ્યા.’ નિર્મળાબહેને હાજર સમૂહ પર અછડતી નજર ફેંકીને મુદ્દો મૂક્યો. ‘મારે કહેવું એ હતું કે મૌનવીને વારે-વારે મુંબઈ લઈ જવાની જરૂર જ નથી... તેને અહીં જ મૂકી જાઓ... જમાઈરાજ, તમેય થોડા મહિનામાં નોકરી બદલીને સુરત શિફ્ટ થઈ જાઓ!’

હેં! મમતાબહેન-અમૂલખભાઈ એકસરખું ચોંક્યાં. દીકરી-જમાઈને સુરત ખેંચી તાણવાની નિર્મળાબહેનની મનસાનો અણસાર હતો તેમને. ક્યાંક એ માટેનું તો આ તરકટ નથીને!

ના, ના. બેઉના ચિત્તમાં સરખો પડઘો પડ્યો. એથી કંઈ એક મા પોતાની દીકરીની આબરૂ ઓછી ભયમાં મૂકે! હા, અનાયાસ સર્જા‍યેલી પરિસ્થિતિનો તેઓ લાભ ઉઠાવવા માગે તો કેમ રોકવાં? કુદરત, સંજોગ, વિધિ જ આડા ફાટે ત્યારે બીજું થઈ પણ શું શકે?

‘મુંબઈના મહાસાગરમાં શિકારી શાર્કનો પાર નથી. એની સરખામણીએ અમારું ગુજરાત ઘણું સેફ. સુરત મૌનવીનું જાણીતું. વતન એ વતન.’

‘બધું બરાબર નિમુ, પણ એમ ડરીને કંઈ ઘરબાર ઓછાં છોડાય છે!’

પતિની દલીલનો જડબાતોડ જવાબ હતો પત્ની પાસે, ‘ઘરબાર વધારે કે દીકરી?’

‘યા મમ્મી, તમે સાચું કહો છો.’ અગસ્ત્યએ હામી ભરતાં મમતાબહેનનું હૈયું ડૂબવા લાગ્યું. ‘મૌનવીની કમ્ફર્ટ પહેલી. તેના માટે હું દુનિયાના કોઈ પણ ખૂણે વસવા તૈયાર છું.’

‘અગસ્ત્ય બેટા, એમ ડરીને ભાગવાનું મેં તને શીખવ્યું નથી.’

‘તો શું તમે એમ ઇચ્છો છો વેવાણ કે પેલા ગુંડા સાથે બાઝીને અગસ્ત્ય તેનો જીવ જોખમમાં મૂકે?’નિર્મળાબહેન.

‘નો!’ મૌનવી ચીખી, બહાવરી થઈને તેણે અગસ્ત્યનો હાથ થામ્યો, ‘તમે કંઈ નહીં કરો અગસ્ત્ય, તમને કંઈ થઈ ગયું તો...’

‘શી...’ અગસ્ત્યે મૌનવીને બાથ ભીડી. ‘હું તને મૂકીને ક્યાંય ન જાઉં.’ કહીને તેણે મા તરફ દૃષ્ટિપાત કર્યો, ‘મા, વી આર શિફ્ટિંગ ટુ સુરત.’

સાંભળીને નિર્મળાબહેને જીતનો ખુમાર અનુભવ્યો. એમાં એક જ શબ્દ ખૂંચ્યો : વી. ના રે, દીકરીના ઘરમાં સાસુનું શું કામ?

‘તમે ઉતાવળે આમ અથરા ન થાઓ અગસ્ત્યકુમાર. રાતોરાત કંઈ મુંબઈનું ઘર બંધ થવાનું નથી. લાઇટ, ટેલિફોન,

બૅન્ક-અકાઉન્ટ્સ - બધી વિધિ પતાવવામાં સમય લાગવાનો. એટલો સમય ભલે વેવાણ ત્યાં રહેતાં...’ પછી કેવળ સારું લગાડવા ઉમેર્યું, ‘જોઈએ તો હું જઈશ તેમને કંપની આપવા, પણ તમે બે તો આવી જ જાઓ.’

પત્નીમાં અમુલખભાઈ સદ્ગત સાસુની આવૃત્તિ નિહાળી રહ્યા. મમતાબહેનને લાગ્યું કે મારા લાખ જતન છતાં મારાં બચ્ચાં માળામાંથી ઊડ્યાં એ ઊડ્યાં જ!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK