કથા-સપ્તાહ - લકી ગર્લ (કિસ્મતનો ખેલ - 4)

પૂછ્યા પછી આંચલે પ્રશ્ન સુધાર્યો‍, ‘બસમાં કોઈ જ નહીં હોય ત્યારે બ્લાસ્ટ કરવાની હરકત કોણ કરે? અને શું કામ કરે?’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


‘એનો જવાબ આપણે શોધવાનો છે.’

‘આપણે?’ આંચલથી પૂછી જવાયું.

તેને નિહાળી લઈ આકાર મૃદુ મલક્યો. બધાની પૂછપરછ કરી હોહા મચાવવાની નહોતી. ખરેખર કાવતરું હોય તો એના ઘડનારને પોતે ઊંઘતો ઝડપવો હતો. કોઈ એક પાસેથી જાણકારી લેવી હોય તો અધિકાર-નવ્યા કે પછી એમાં લકી ગર્લ નીવડેલી આંચલ જ ઠીક રહે.

‘ઘરે મમ્મીએ કહ્યું કે આ તપાસમાં લકી ગર્લને સાથે રાખી જો તો તારાં નસીબ જોર કરી જાય ને કેસનો જલદી નિવેડો આવી જાય! તમારી ડીટેલ તો ફાઇલમાં હતી જ.’

ઇન્સ્પેક્ટર ખોટું બોલતો હોય એવું લાગ્યું તો નહીં.

‘લકી ગર્લનું લેબલ થાણામાં લઈ આવશે એમ ધાર્યું નહોતું!’ આંચલે પણ હસી નાખ્યું.

‘અચ્છા આંચલ, તમારી બસમાંના તમારા સાથી-સહાધ્યાયીઓ વિશે થોડું વિગતે કહેશો? યુ નો, એમાં મોટા ભાગના અતિશ્રીમંત વર્ગના હતા. અમીરોના દુશ્મન પણ ઝાઝા. કોઈ એકને કારણે પણ ખૂની બધાનો જીવ લેવા લલચાયો હોય. કોઈનું પ્યાદું બન્યો હોય. બાકી ત્રાસવાદી ઘટના હોત તો એકસાથે બીજાં વાહનોમાંય બૉમ્બ મુકાયા હોય, એનું તો એક્ઝિક્યુશન જ અલગ હોત. હા, કોઈ સનકી દિમાગવાળો ફૉર નો રીઝન આવું કરી શકે ખરો.’

તેના વિfલેષણથી આંચલ પ્રભાવિત થઈ. અધિકાર-નવ્યા-દૃષ્ટિ સહિત તે બધા વિશે જેટલું જાણતી હતી એ ધીરજથી, વિસ્તારથી કહેતી રહી. આંચલની દેખીતી મૅચ્યોરિટીમાં મૂકેલો વિશ્વાસ ફળતો લાગ્યો. તેની ભાષા, ચોકસાઈ, પીઢતા આકારને ગમવા લાગ્યાં. એની વિગતો ડાયરીમાં ટપકાવતાં મા લગ્ન માટે કહેતી હોય છે એ અચાનક સાંભરી ગયું. આંચલની તટસ્થતામાં મને ક્રૉસ વેરિફિકેશનની પણ જરૂર લાગતી નથી. વચ્ચે

ચા-નાસ્તો આવ્યાં એનુંય ધ્યાન ન રહ્યું બેઉને. આંચલના સહકારનું આ લેવલ હોય તો હવે ટ્રમ્પ કાર્ડ ઊતરી દેવું જોઈએ! અને -

‘મારે એક તસવીર તમને દેખાડવી છે.’ આકારે ફોટો કાઢી દેખાડ્યો. ‘આ આદમીને ઓળખો છો?’

ત્રીસેક વરસના કરડા ચહેરાવાળા આદમીનો ફોટો થોડો ઝાંખો હતો તોય આવા કોઈ આદમીને પોતે ક્યારેય જોયો નથી એટલું તો ચોક્કસ. તેના ઇનકારે આકાર સહેજ નિરાશ બન્યો.

બસ-અકસ્માત ખરેખર કાવતરું જ હતું તો એનાં મંડાણ ક્યાંથી થયાં? બસમાં બૉમ્બ ફિટ થયો હોય તો ક્યાં?

‘એને માટે CCTVનું ફુટેજ ચકાસતાં એસ્સેલવર્લ્ડના પાર્કિંગમાં આ જ એક આદમી શકમંદ લાગ્યો...’

એસ્સેલવર્લ્ડ પાર્કિંગ. અને આંચલે ફોટો પર તરાપ મારી.

‘આકાર,’ તે સહેજ હાંફી ગઈ, ‘મેં આ આદમીને તો નહીં, પણ તેની આ હૅટ જોઈ છે...’

વળતી વેળા બસનાં બે પૈડાં વચ્ચેથી સરકી આવેલી લાલ ટોપીનું બયાન સાંભળી આકાર જોમમાં આવ્યો. ત્યારે તો આણે જ તમારી બસ નીચે ઘૂસી કશી કરામત કરી હોય... મે બી, ટાઇમબૉમ્બ પ્લેસ કર્યો હોય.

આકારનું અનુમાન તાર્કિક હતું. આંચલ કંપી ગઈ. બૉમ્બ થોડો વહેલો ફાટ્યો હોત તો? મને બીવડાવવાનું નવ્યાને ન સૂઝ્યું હોત તો?

‘તમારું નિરીક્ષણ દાદને કાબિલ છે, આંચલ. આ વિષયમાં હું તમને અપડેટ કરતો રહીશ. એ બહાને આપણે મળતાં રહીશું.’ આંચલ એનો આંચકો દાખવે એ પહેલાં ઝડપથી ઉમેર્યું, ‘જોકે હમણાં તમે આ વિશે કોઈને કંઈ કહેશો નહીં.’

‘મતલબ... આપણા મળવા વિશે?’ આંચલે પૂછ્યું. હસી.

આકારના હૃદયતલમાં સુરીલી ઝણઝણાટી ફેલાઈ ગઈ.

€ € €

એવું તે શું બને જે આંચલને અનલકી પુરવાર કરે?

પોલીસને બસ-અકસ્માતમાં જાનલેવા કાવતરું ગંધાઈ રહ્યું છે ને તપાસકર્તા હોનહાર, પ્રામાણિક અધિકારી આકાર શાહના સહયોગમાં આંચલ જોડાઈ છે એ પ્રવાહથી

નવ્યા-અધિકાર સહિત સૌ વંચિત હતાં. મીડિયા અજ્ઞાત હતું.

નવ્યાના ચિત્તમાં આંચલનું પત્તું કાપવાના જ વિચાર ગોથાં ખાય છે. બર્થ-ડેમાં દુકાનના ઉદ્ઘાટનમાં હવે કેવળ ત્રણ અઠવાડિયાં રહ્યાં છે... અધિકાર તેની ઇવેન્ટના મૅનેજમેન્ટમાં વ્યસ્ત છે. કેટલો હોંશભેર બધું ચર્ચતો હોય છે. મા-દાદી પણ તેમની ખુશી જતાવતાં હોય છે. મારા બર્થ-ડેને ઇનોગ્યુરેશન સાથે સાંકળી યાદગાર બનાવવાની તેની પૅશન સ્પર્શી જાય છે. કાશ, એમાં આંચલનો ઓછાયો ન હોત તો ઇવેન્ટ મારી મોસ્ટ મેમરેબલ બર્થ-ડે ગિફ્ટ બની રહેત!

-એ ઓછાયો દૂર રહેવાનું મારા હાથમાં છે. આંચલને ઉદ્ઘાટનકર્તા બનાવવા પાછળનું એકમાત્ર કારણ તે લકી ગર્લ પુરવાર થયાનો પ્રસંગ છે, પણ હું તેને એવી કમનસીબી બનાવી દઈશ કે તે સામેથી જ પબ્લિકમાં આવવાનું ટાળે!

બટ હાઉ? કૉલેજ ચાલુ હોત તો તેને પરીક્ષામાં ચોરીના કિસ્સામાં પણ ફિટ કરી દેવાત... અને કૉલેજની બહાર તો કેટલાય વિકલ્પો છે! જેમ કે કોઈ તેના પર ઍસિડ બૉમ્બ ફેંકે - યા ગૅન્ગ-રેપ થાય.

નવ્યા પોતે ધ્રૂજી ઊઠી એટલે સમાધાન શોધ્યું - ચલો ગૅન્ગ-રેપ નહીં તો તેની આબરૂ ખરડે એવી એકાદ વ્યક્તિ ખોળવી રહી... અરે એ પુરુષ બળાત્કાર ન કરે ને કેવળ આંચલનો નિવર્‍સ્ત્ર વિડિયો ઉતારી વાઇરલ કરી દેખાડે એય બહુ થયું.

આ પ્લાન નવ્યાને જચ્યો. આંચલનું શરીર અભડાવ્યા વિના મળતી બદનામી શું ખોટી?

સવાલ છે આ થશે કેમ? નગ્ન વિડિયો ઉતારવા આંચલને કબજામાં લેવી પડે, બેહોશ કરવી પડે એ સિવાય કંઈ આંચલ તાબે ન થાય. આનો જોગ કેમ ગોઠવવો?

નવ્યાનું દિમાગ દોડવા માંડ્યું.

ના, એ માટે મુંબઈ જેવા શહેરમાં ભાડૂતી આદમી તો મળી રહે. મને તેની સીધી ઓળખાણ ન હોય, પણ સ્લમ એરિયામાંથી આવતી ઘરની આયાથી માંડી કૉલેજનાં તોફાની તત્વો સુધીનામાંથી કોઈના થþૂ પણ આદમીની ક્લુ મળી જાય પછી મોંમાગી કિંમત ચૂકવી હું ધાર્યો‍ સોદો પાર પાડું; પણ તેણે આંચલ સુધી પહોંચવું કેમ? બનાવટી ઇશ્ક-મોહબ્બત રચવાનો સમય નથી, અરે આંચલને બનાવટ ગંધાય એ પહેલાં ખેલ પતી જવો જોઈએ... હાઉ?

મારો બર્થ-ડે મંગળવારે આવે છે. એ દહાડે ઉદ્ઘાટનની ઇવેન્ટને કારણે હું એનું સેલિબ્રેશન રવિવારે રાખું, એમાં આખા ક્લાસને ઇન્વાઇટ કરું, એ રૂએ આંચલને તેડ્યાનું અધિને પણ અસ્વાભાવિક નહીં લાગે... બસ, એ પાર્ટીમાં હું આંચલને ઘેનવાળું ડ્રિન્ક પીવડાવી તેને ડ્રૉપ કરવા ટૅક્સી અરેન્જ કરું, તેના ડ્રાઇવર તરીકે મારો ભાડૂતી આદમી ગોઠવાયો હોય તો...

- તો કલાકમાં તો આંચલનો વિડિયો નેટ પર ફરતો થઈ જાય! પછી આંચલ કયા મોંઢે બહાર નીકળવાની? તેની કમનસીબીનું ગાણું ગાવામાં હું અગ્રેસર હોઈશ! બિચારીની સ્થિતિ જ નહીં હોય ઓપનિંગ સેરેમનીમાં આવી લોકોનો સામનો કરવાની!

ધિસ ઇઝ ઇટ!

અને બીજા અઠવાડિયે ભાડૂતી આદમીનો મેળ ગોઠવી નવ્યાએ તેને અડધી કિંમત ચૂકવી દીધી.

એ સાથે આંચલના વાઇરલ થનારા વિડિયોનું કલ્પનાચિત્ર તેને હરખાવી ગયું - તું તો ગઈ આંચલ!

€ € €

અને રવિવારની સંધ્યા આવી પહોંચી...

એકવીસમા બર્થ-ડેની ઉજવણીમાં નવ્યા ખુશનુમા મૂડમાં છે. વાલકેfવરની વિલા રોશનીથી ઝળહળે છે. વિશાળ ખાલી પ્લૉટમાં શામિયાણો સજાવાયો છે. પર્પલ ગાઉનમાં બર્થ-ડે ગર્લ ગજબની શોભે છે. યુથ પાર્ટીમાં વડીલોનું સ્થાન ન હોય, પણ ‘આપણે બંગલે બેસી ગપાટા મારીશું’ના આગ્રહભેર સવિતાએ અધિનાં પેરન્ટ્સ-દાદીને તેડાવ્યાં છે. વડીલો બંગલે છે, જ્યારે રીડિંગ વેકેશન માટે મહિનાથી આવેલા ઉમંગને અધિ ઉજવણીમાં તાણી લાવ્યો છે. માદક સંગીતમાં બહાર પાર્ટીની રોનક જામી રહી છે, પરીક્ષાના અંતરાલ પછી લાંબા સમયે મળતા મિત્રો પોતપોતાના

ગ્રુપમાં ઉમદા ખાણીપીણીની મજા માણી રહ્યા છે. પણ જેનો ઇન્તેજાર છે એ આંચલ ક્યાં?

‘લો, આંચલ આવી ગઈ!’

અધિકારના ઉદ્ગારે નવ્યા ચમકી. ભીતર તો ધૂંઆપૂંઆ હતી. મારી પાર્ટીમાં લેટ પધારી આંચલ શું સાબિત કરવા માગે છે? અરે, તારા આગમનની મેં નોંધે ન લીધી હોત... દુનિયા માટે ભલે તું લકી ગર્લ હો, મારે એનું કોઈ મૂલ્ય નથી.

‘આઇ ડૂ હોપ કે કૉલેજના બીજા સાથીઓ ભેગી તેં આંચલને પણ ઇન્વાઇટ કરી હશે.’ બર્થ-ડે સેલિબ્રેશનનો પ્લાન સાંભળી અધિએ કહેલું, સમજાવેલી પણ - ઇન્વાઇટમાં તું આંચલને માઇનસ કરીશ તો

પપ્પા-મમ્મી-દાદીને શું ખુલાસો દઈશ? આપણી મર્યાદા આમ વડીલો સમક્ષ ઉબડે એ ઠીક ન કહેવાય... અને ખરેખર તો આંચલ મૈત્રી કરવા જેવી છોકરી છે, અંતરનાં દ્વાર ખુલ્લાં કરી તું એવી એક કોશિશ તો કર...

‘ચિલ અધિ, આંચલને મેં પર્સનલી ફોન કરી આમંત્રી છે, તેણે કન્ફર્મ કર્યું છે કે તે આવશે.’

પણ મને આટલો ઇન્તેજાર કરાવીને આવશે એવું ધાર્યું નહોતું!

હોઠ પીસી ઊલટી ફરતી નવ્યા પોતાના તરફ આવતી આંચલને જોઈ રોષ દબાવી મલકી, પણ આ શું?

આંચલની સહેજ જ પાછળ

ચાલતા અત્યંત સોહામણા જુવાનને નિહાળી એટલો ખ્યાલ આવ્યો કે તે આની સાથે આવ્યો છે... તેનો મંગેતર હશે કે કઝિન?

ત્યાં જ એ જુવાન સહેજ હટતાં તેની લગોલગ પાછળ ચાલતી ત્રીજી વ્યક્તિ નજરે પડી ને નવ્યાના કાળજે ચીરો પડ્યો. તેનો હાથ સોહામણા જુવાન સાથે હાથકડીમાં બંધાયાનું જોઈ કંઠે પ્રાણ આવ્યા.

જીવણ! જે ભાડૂતી આદમી ટૅક્સી-ડ્રાઇવર બની આંચલને લઈ જઈ તેનો નગ્ન વિડિયો વાઇરલ કરવાનો હતો તે કંઈ પણ બન્યા પહેલાં જ ઝડપાયો? ઓહ ગૉડ. તેણે વટાણા વેરી નાખ્યા હશે તો-તો દાદી વગેરેની હાજરીમાં મારી આબરૂ જવાની. અધિ મારા માટે શું ધારશે?

નવ્યા પાણી-પાણી થતી હતી.

‘જન્મદિન મુબારક હો!’ આંચલનો ટહુકો મજાકરૂપ લાગ્યો.

‘વેલકમ આંચલ.’ નવ્યા પૂતળા જેવી રહી એટલે અધિકારે પળ જાળવી. જોકે આંચલ સાથે આવેલા જુવાને હાથકડીમાં અન્ય પુરુષને બાંધ્યો હતો એનું કુતૂહલ તેનેય હતું. આ કંઈ ફૅન્સી ડ્રેસ પાર્ટી ઓછી છે કે કોઈ આવો વેશ બનાવીને આવે! આંચલમાં એટલી સમજ તો હોય જ. છતાં એ નવી બે વ્યક્તિને આ હાલતમાં જોડે લાવી છે મતલબ કંઈક તો અમને કનેક્ટેડ હોવું જોઈએ...

તેના અનુમાનમાં પુષ્ટિ કરતી આંચલે મ્યુઝિક બંધ કરાવી તાળી ઠોકી, ‘યૉર અટેન્શન પ્લીઝ!’

ગણગણાટ શાંત પડ્યો. હવે બધાનું ધ્યાન ગયું.

‘આ છે ઇન્સ્પેક્ટર આકાર શાહ.’

ઇ....ન્સપેક્ટર! સોહામણા જુવાનની આંચલે આપેલી ઓળખે નવ્યા કમકમી ગઈ. મામલો પોલીસ સુધી પહોંચી ગયો? હે રામ!

‘અરે છોકરાઓ,’ દાદીનો સાદ પડ્યો, ‘કેક કાપવાના કે નહીં!’

વડીલોને આવતા ભાળી નવ્યાને થયું, પડે છે ત્યારે સઘળું પડે છે! અધિકારે ઇન્સ્પેક્ટરના આગમન વિશે બ્રિફ કરતાં વડીલો પણ અટેન્શનમાં આવી ગયા.

‘નમસ્કાર.’ વડીલો સમક્ષ સહેજ શીશ નમાવી આકારે સમૂહ પર નજર ફેરવી દૃષ્ટિ નવ્યા પર ટેકવી, ‘તમારા જન્મદિને આ રીતે આવવા બદલ દરગુજર કરશો, પણ આંચલે કહ્યું કે બસ-ઍક્સિડન્ટમાં ઊગરી જનારા તમામ સહાધ્યાયીઓ આજે અહીં એક સ્થળે મળશે એટલે તમારા ગુનેગારને હાજર કરવા આ જ મોકો યોગ્ય જણાયો.’

અમારો ગુનેગાર? બીજાની જેમ નવ્યા પણ ચમકી. આ તો કોઈ બીજો જ મામલો જણાય છે!

‘જી, તમારા સૌનો ગુનેગાર.’ આકારે હાથકડીવાળા હાથને ઝાટકો આપકી તેને આગળ કર્યો, ‘જીવણ જોરાવર! ’

જીવણ નજર ઝુકાવી ઊભો હતો.

‘વાત એમ છે કે બસને આગ લાગી નહોતી’ આકારે ધડાકો કર્યો. ‘બલકે લગાડવામાં આવી હતી.’

હેં!

‘ખરેખર તો જીવણના નિશાના પર કોઈ એક ખાસ વ્યક્તિ હતી. તેનું મોત હત્યાને બદલે અકસ્માત ગણાય એ મતલબનો ખેલ તેણે રચ્યો.’

વાતાવરણમાં સસ્પેન્સ ઘૂંટાયું. કોણ હશે એ વ્યક્તિ?

‘આગ-અકસ્માતમાં બસના મોટા ભાગના વિદ્યાર્થીઓ શ્રીમંત-અતિશ્રીમંત વર્ગના હતા. અમીરોના દુશ્મન ઘણા હોય.’ આકારે ફરતી નજર નવ્યા પર ટેકવી, ‘એટલે અકસ્માતમાં કાવતરું હોવાની શક્યતા અમારા ધ્યાન બહાર નહોતી. કોઈની સુપારી ભાડૂતી હત્યારાને અપાઈ હોય એવું અનુમાન સહજ હતું.’

સુપારી. ભાડૂતી હત્યારો. નવ્યાના દિમાગમાં કડાકો બોલ્યો.

‘એસ્સેલવર્લ્ડના પાર્કિંગમાં જીવણની હિલચાલ શંકાસ્પદ લાગી. કારણ વિના બેચાર વાર આંટાફેરો કરી ગયો, વૉચમૅનથી દૂર રહેવાની વૃત્તિ... કૅમેરાના ઍન્ગલને કારણે તે બસમાં બૉમ્બ ગોઠવતો તો ન દેખાયો, પણ એ દરમ્યાન બસ નીચે રહી ગયેલી તેની હેટ પવનને કારણે બહાર સરકતી આંચલે જોઈ.’

બધાની નજરમાં તારીફ ડોકાઈ. નવ્યાએ હોઠ કરડ્યો. અહીં પણ આંચલ?

‘આંચલના નિરીક્ષણે અમારી તારવણીમાં સાહેદી પૂરી. અમે સ્વીકારી લીધું કે કરડા ચહેરાવાળો એ મૂકબિલ બસ ઉડાવવામાં કોઈનું પ્યાદું બન્યો હોઈ શકે.’

‘એ નામ હું તમને આપું.’ નવ્યાની ધીરજ ખૂટી, ‘એ વ્યક્તિ ક્યાં તો સુરેન્દ્ર નરોત્તમ શાહ હશે યા ઉમંગ સુરેન્દ્ર શાહ!’

હેં! સોપો સરજાયો.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK