કથા-સપ્તાહ - લકી ગર્લ (કિસ્મતનો ખેલ - 3)

લકી ગર્લ!


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4 

મહિના અગાઉના બસ

ફાયર-ઍક્સિડન્ટમાં લકી ગર્લ ૫ુ૨વા૨ થયેલી આંચલને એની થોડી પરેશાની રહેતી. સમાચાર તો બીજા લોકો આજે વાંચી કાલે ભૂલી જશે, પણ મારી આસપાસના પરિસરમાં જોવા મળતો બદલાવ જલદી નહીં બદલાય!

‘આજે ઘરની બહાર નીકળતાં તારો ચહેરો જોવા મળ્યો એટલે દિવસ સફળ નીવડવાનો!’

આડોશીપાડોશી આવું બોલી જાય ત્યારે સંકોચ અનુભવાય. દરમ્યાન કૉલેજમાં રીડિંગ વેકેશન પડતાં ત્યાં એકનું એક ગાણું સાંભળવામાંથી મળેલી મુક્તિ રાહતરૂપ હતી.

આંચલે જાતને અભ્યાસમાં પરોવી દીધી.

પોતાને કોઈના આભારની અપેક્ષા નહોતી તોય લગભગ દરેક પેરન્ટના પર્સનલી ફોન આવી ગયેલા. ઈવન નવ્યાનાં સવિતાકાકી પણ ધન્યવાદ કહેવાનું નહોતાં ચૂક્યાં -નવ્યાના પેરન્ટ્સ પણ કાર-અકસ્માતમાં ગુજરી ગયેલા. નસીબજોગે ત્યારે નવ્યા તેમની સાથે નહોતી. આ વખતે તેને ઉગારવામાં તું નિમિત્ત બની બેટી, એનો આભાર માનવા મારી પાસે શબ્દ નથી!

તેમની વાણીમાં સચ્ચાઈ વર્તાઈ હતી. નવ્યા પોતે તેમના પર ઉપકાર કર્યાનું દાખવવાનું ચૂકતી નથી એ સ્ત્રી મને તો મમતામયી જ લાગી!

‘નવ્યા બે વાર અકસ્માતમાંથી ઊગરી હોય આન્ટી તો-તો ખરી લકી તે ગણાય. ઇન ફૅક્ટ, મને ચીડવવાનો પ્લાન તેને સૂઝ્યો ન હોત તો કદાચ મને આ યશ પણ ન મળત.’

‘આ તારા સંસ્કાર બોલે છે બેટા.’

આવું જ કંઈક ઘરે મળવા આવેલાં અધિકારનાં દેવકોરદાદીએ કહ્યું હતું...

‘ક્યાં છે તમારી દીકરી?’

આંચલ અંદરની રૂમમાં વાંચતી હતી. બહાર કોઈ મહેમાન આવ્યાનો અણસાર હતો, પણ પછી એમાં સહેજ વૃદ્ધ સ્વરે પોતાની પૃચ્છા થતાં દીવાનખંડમાં પહોંચતી આંચલ સરપ્રાઇઝ થઈ - અ...ધિકાર,

તું? હાય.

અકસ્માતની ઘટનાની રાત્રે ગલીના નાકેથી છૂટા પડતી વેળા અધિએ આંખોથી આભાર જતાવેલો, નવ્યા તરફથી કોઈ પ્રતિક્રિયા હજી સુધી નથી મળી ભલે એની અપેક્ષા ન હોય. બલકે તેની નજરમાં અકથ્ય ભાવ જોવા મળ્યો છે. એમાં હવે અધિકારનું આગમન.

‘હાય, આંચલ. મારાં મમ્મી-દાદીને તને મળવું હતું.’

અધિકારની બાજુમાં ગોઠવાયેલી બેઉ જાજરમાન મહિલાઓને આંચલે પાયલાગણ કર્યાં. પોતાનાં પપ્પા-મમ્મીને ઓળખ આપી.

‘બસવાળું જાણ્યું ત્યારથી અમારા જીવ એવા ઊંચકાયેલા, નવ્યાને ડ્રૉપ કરી મોડી રાતે અધિકાર ઘરે આવ્યો ત્યારે અમને તો જાણ થઈ... મેં મંદિરે દીવો કર્યો‍, તેનાં દાદીએ આખી રાત જાગીને જાપ કર્યા. અધિ તેમનો બહુ લાડકો.’ નિયતિબહેન.

‘એની મને જાણ છે.’ આંચલ મલકી હતી. ‘અધિકારની વાતોમાં દાદીમાનો ઉલ્લેખ થતો રહે, હમણાં અમે બસમાં અંતાક્ષરી રમ્યાં એમાં તમને ગમતું ગીત પણ અધિકારે ગાયું’તું. અને દાદી અહીં આવ્યાં એમાં સમજાઈ ગયું કે અધિકાર તેમના માટે શું છે.’

ત્યારે ભોળુ હસતાં દાદીએ તેને વળી બેસાડી દીધી, ‘આ તારા ગુણ બોલે છે દીકરી, તારાં માવતરને એના ધન્યવાદ. અવસ્થાવશ હું ખાસ બહાર નીકળતી નથી. આજે તને મળીને લાગ્યું મારો ફેરો ફોગટ નથી ગયો.’

તેમના ગયા બાદ માએ કહેલું, ‘કેવા સજ્જન લોકો. અધિકારને જોઈ આંખો ઠરતી હતી.’

‘મા તે એન્ગેજ્ડ છે નવ્યા જોડે.’

નૅચરલી, અધિકારનાં મધર જે ઢબે દીકરો નવ્યાને મૂકવા ગયાનું બોલી ગયાં એના પરથી સ્પષ્ટ હતું કે બેઉનો સંબંધ પરિવારને સ્વીકાર્ય છે.

‘એનોય આનંદ. પણ તું કોઈ દહાડો તેમની વાત કરતી હોય તો જાણીએને. ભલે, આ નવ્યા કોણ છે?’

‘વાલકેશ્વર રહે છે.’ આટલું જ કહી આંચલ વાંચવાના બહાને સરકી આવેલી. આમ તો મા-પપ્પા ઍક્સિડન્ટના દહાડે બધાને ગલીના નાકે મYયાં જ હોય, પણ પરિચય કેળવવાના એ સંજોગ ક્યાં હતા?

અને આવતા વીકે ફાઇનલ પરીક્ષા પતે પછી બધાનો રાહ ક્યાંથી ક્યાં ફંટાઈ જશે કોણે જાણ્યું!

ત્યાં સુધીમાં આ લકી ગર્લનો થપ્પો મારવાનું લોકો ભૂલે તો સારું!

€ € €

‘ફાઇનલ પરીક્ષા પૂરી થઈ અધિ, હજી તારે આગળ ભણવું છે જાણું છું; પણ સમાંતરે થોડું ધ્યાન બિઝનેસમાં પણ આપતો જા. વહેવારુ જ્ઞાન અહીં જ મળશે.’

રવિવારની સવારે કોઠારીપરિવાર સાથે જમવા બેસતો. પિતાની ભલામણમાં અધિકારે સંમતિ પુરાવી.

‘તને રસ પડે એવું એક કામ પણ છે...’ દિવાકરભાઈએ કહ્યું, ‘બાંદરા ખાતેનો આપણો નવો શોરૂમ લગભગ તૈયાર છે, આવતા મહિને એનું ઇનોગ્યુરેશન રાખવું છે. એ ઇવેન્ટનો કાર્યભાર તું સંભાળી લે.’

હકારમાં ડોક ધુણાવતાં અધિને પૂછવાનું સૂઝ્યું, ‘ઉદ્ઘાટનની ડેટ ફિક્સ કરી છે, પપ્પા?’ પૂછી પ્રશ્ન પાછળનું કારણ પર જણાવી દીધું, ‘નેક્સ્ટ મંથ નવ્યાનો એકવીસમો બર્થ-ડે આવે છે.’

તે સહેજ શરમાયો એટલે વડીલોએ મલકી લીધું.

‘અફકોર્સ માય સન, આપણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન કોઠારી કુટુંબની થનારી વહુના બર્થ-ડેએ જ રાખવાનું હોયને!’

પિતાના ફેંસલાએ દીકરો ઝળહળી ઊઠ્યો. ત્વરિત નવ્યાને ખુશખબરી દેવાની અધીરાઈ જાગી.

‘ઉદ્ઘાટન માટે કોને તેડાવવાનું વિચાર્યું છે?’ 

‘એ હજી ફાઇનલ કરવાનું છે. આમ તો આના માટે બૉલીવુડની સેલિબ્રિટી આવતી હોય. લાસ્ટ ટાઇમ કરિશ્મા કપૂરને તેડાવેલી.’

‘ઉદ્ઘાટન નસીબવંતું કામ ગણાય દિવાકર, તો એ આપણે લકી ગર્લ આંચલના હસ્તક કરાવીએ તો કેવું? અધિને બચાવવાનું ઋણ તો ઉતારી ન શકીએ, તેને સન્માન દઈ નવાજી તો શકીએ.’

બીજા સંજોગોમાં અધિકાર ખીલી ઊઠ્યો હોત, પણ અત્યારે ધક્કો અનુભવ્યો- નવ્યાને કારણે!

અકસ્માતની મધરાતે સૌ છૂટા પડ્યા ત્યારે ટૅક્સીમાં નવ્યાની અકળામણ ખૂલેલી - અધિ, આંચલને બીવડાવવાનો આઇડિયા મારો હતો અને તો સૌ નીચે ઊતર્યા, પછી લકી ગર્લ આંચલ શું કામ ગણાવી જોઈએ?

‘કમાલ છે નવ્યા, તને આટલું થયા પછી પણ આવું સૂઝે છે!’ અધિથી બોલી જવાયેલું. પછી સમજ આપી, ‘તારા આઇડિયાએ બધા બસમાંથી ઊતર્યા એ સાચું, પર આંચલ ન હોત તો તારે બીજા કોઈને બીવડાવવાનુંય બન્યું ન હોત એ તો હકીકતને?’

અધિના મુદ્દાનું તથ્ય સ્વીકારવું પડે એમ હતું. આંચલ પહેલાં ચાર જણ ઊતરેલા, એમાંથી કોઈને બકરો બનાવવાનું તો પોતે ન સૂચવ્યું - એની પાછળ મારું કારણ ગમે તે હોય!

‘કેમ કે આપણો જીવ બચાવવામાં કુદરત આંચલને જ નિમિત્ત ઠેરવવા માગતી હતી એટલે એ જ લકી ગર્લ.’

ત્યારે નવ્યાએ મને-કમને સ્વીકાર્યું. પણ પછી આંચલને લકી ગર્લ તરીકે મળેલી પબ્લિસિટી એને નહોતી રુચી. કૉલેજના ટ્રસ્ટીએ તેને વખાણી ને એટલું ઓછું હોય એમ સવિતાઆન્ટીએ આંચલને ફોન કર્યાનું જાણી તેણે જતું કર્યું, પરંતુ દાદી-માને લઈ પોતે આંચલના ઘરે ગયો એથી ખાસ્સી ડિસ્ટર્બ થયેલી નવ્યા - દાદી છેક આંચલને મળવા પરામાં પહોંચી ગયાં?

પોતે માંડ તેને સમજાવી છે, એમાં જો દુકાનનું ઉદ્ઘાટન આંચલના હાથે કરાવવાનું જાહેર થયું તો એ ભડકી ઊઠવાની.

પણ અધિ વિરોધના શબ્દો ગોઠવે એ પહેલાં તો દાદીમા રણકાભેર બોલી ઊઠ્યાં, ‘અધિ-નવ્યાની મિત્ર હોંશે-હોંશે આપણા ફંક્શનમાં આવશે. મારું નિમંત્રણ તે નહીં ટાળે.’

€ € €

વૉટ! નવ્યા માની ન શકી. નવા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન આં...ચલના હાથે? એ પણ મારી વર્ષગાંઠના દિવસે! આ કેવી બર્થ-ડે ગિફ્ટ?

‘આઇ રિક્વેસ્ટ, તું તારા બર્થ-ડેએ ઉદ્ઘાટન રાખવાની અમારી હોંશ જો.’

‘તારે રિક્વેસ્ટ ન કરવાની હોય, અધિ... ઘરનાની લાગણી મને સમજાય છે, સ્પર્શે છે; પણ તોય...’

‘તું જાણે છે નવ્યા, દાદીની વાત ઘરમાં કોઈ ટાળતું નથી. ઈવન આંચલથી પણ ના ન પડાઈ.’

‘તે શું કામ ના પાડે? મફતમાં મોટા ભા થવાનું મળતું હોય તો કોઈ ચૂકે એમ નથી.’

નવ્યાએ માની લીધેલા સત્ય સામે અધિકારે કહેવું હતું કે ઊલટું આંચલે તો ઘણી આનાકાની કરી - મને એવી મોટી ન બનાવો... દાદીએ પોતે ફોન કર્યો‍ ત્યારે ઇનકાર ન થયો - તમારી આજ્ઞા કેમ ઉથાપું?

આવું નવ્યાને કેમ કહેવું! કહ્યું હોય તો પણ તે આંચલની ખોટ જ કાઢવાની. હવે એવું કેમ લાગે છે કે અમુક બાબતમાં નવ્યાએ તેનો દૃષ્ટિકોણ સુધારવાની જરૂર છે?

અધિકાર વિચારતો હતો ત્યારે નવ્યાના દિમાગમાં ધણધણાટી બોલતી હતી.

કૉલેજકાળમાં આંચલના મનમાં ન હોય, પણ નવ્યાને તો તે પોતાને ટક્કર આપતી જ લાગી છે હંમેશાં. મારા થનારા સાસરાના પ્રસંગમાં નન અધર ધૅન આંચલ ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ થતી હોય મતલબ પાણી હવે માથા પરથી પસાર થઈ રહ્યું છે... તે આમ લકી ગર્લ તરીકે મારા કરાવ્યાને ખાટી જાય એ તો કેમ ચાલે? લકી ગર્લ-લકી ગર્લના નામે આંચલે બહુ ફુટેજ રળી લીધું. હવે તેને અનલકી પુરવાર કરવાનો સમય આવી ગયો!

નવ્યાના મનમાં વાંસની જેમ ફૂટી નીકળેલો વિચાર નક્કર રૂપ ધારણ કરવા લાગ્યો.

આંચલને ઉદ્ઘાટનકર્તા બનાવવા પાછળનું એકમાત્ર કારણ તે લકી ગર્લ પુરવાર થયાનો પ્રસંગ છે, પણ હું તેને એવી કમનસીબ બનાવી દઈશ કે તે સામેથી જ પબ્લિકમાં આવવાનું ટાળે! મારા એકવીસમા બર્થ-ડેને, દુકાનના ઉદ્ઘાટનને હજી મહિનો છે એ દરમ્યાન લોકો આંચલને કમનસીબ ગણી તેની દયા ખાય એવો કોઈ કારસો રચી કાઢ્યો હોય તો!

ધિસ ઇઝ સમથિંગ. નવ્યાએ દમ ઘૂંટ્યો.

બટ હાઉ? નવ્યાનું દિમાગ દોડવા માંડ્યું.

€ € €

‘ઇઝ ઇટ મિસ આંચલ મહેતા?’ અજાણ્યા નંબર પરથી બોલતા પુરુષ કંઠમાં ગજબનું ખેંચાણ લાગ્યું.

‘જી. સ્પીકિંગ.’

‘ઇન્સ્પેક્ટર આકાર હિયર.

મારે તમને મળવું છે. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ.’

€ € €

‘હાય આંચલ... આકાર હિયર... પોલીસ થાણામાં તને વેલકમ તો નહીં કહું બટ થૅન્ક્સ ફૉર કમિંગ.’

મધુર સ્મિત સાથે કહેતા જુવાન ઇન્સ્પેક્ટરને આંચલ નિહાળી રહી. વર્દીમાં અત્યંત સોહામણો દેખાતો ઇન્સ્પેક્ટર માંડ ૨૮-૩૦ વરસનો હશે. તેની હાજરીની ચોંપ થાણામાં વર્તાય છે. પોલીસ આટલી ફ્રેન્ડ્લી હોતી હશે?

થોડી અવઢવ સાથે તે આકારની સામી ખુરશી પર ગોઠવાઈ. સવારે ફોન કરી આકારે અગત્યના કામે મળવાનું કહ્યું ત્યારે જ નવાઈ લાગેલી. ઇન્સ્પેક્ટરને મારું શું કામ પડ્યું?

‘જી, બસ-ઍક્સિડન્ટ બાબત થોડી ચર્ચા કરવી છે.’

આમાં વળી ચર્ચા કરવા જેવું શું છે? સબસ્ટાન્ડર્ડ સ્પેરપાર્ટને કારણે એન્જિન ફાટ્યું, ધડાકા સાથે આગ લાગી... મને તો હતું અકસ્માતની ફાઇલ ક્લોઝ થઈ ગઈ હશે,

એને બદલે...

‘તમે આવો એટલે રૂબરૂમાં ચર્ચા કરીએ.’

તેના સ્વરમાં ડોકાતી ગંભીરતાએ પોતે કલાકમાં અહીં આવી પહોંચી. હવે જોઈએ અકસ્માતમાં અગત્યનુ શું છે?

‘ઍક્સિડન્ટનું પ્રાથમિક તારણ તો સૌને લાગ્યું એ જ હતું કે ખરાબ ક્વૉલિટીને કારણે એન્જિન ફાટ્યું ને આગ લાગી..’ આકા૨ે શરૂઆત માંડી, ‘રાજ ટ્રાવેલની આ બસ હતી. તેમની પાસે ઇન્સ્યોરન્સ પણ ખરો. એ વીમા કંપનીએ બસની બ્રૅન્ડ કંપની પર દોષનો ટોપલો ઢોળતાં કંપની હરકતમાં આવી... તેમણે પાકા પુરાવા આપ્યા કે અમે ક્વૉલિટીમાં સમાધાન કરતા નથી, બસની રેગ્યુલર સર્વિસ અમારા જ સર્વિસ-સ્ટેશનમાં થતી રહી છે અને હજી અઠવાડિયા અગાઉની સર્વિસમાં કોઈ જ ઍબ્નૉર્માલિટી નહોતી...’

આંચલ ધીરજથી સાંભળી રહી.

‘પોતાની બ્રૅન્ડનું નામ ખરડાય નહીં એ માટે ઊંચા પૉલિટિકલ કૉન્ટૅક્ટ્સ વાપરી દબાણ ઊભું કરતાં કેસની સોંપણી મને થઈ છે...’

લાંબી પૂવર્ભૂમમિકા પછી આંચલને મામલો સમજાતો હતો. હરીફાઈના જમાનામાં કોઈ પણ કંપનીને પોતાની બ્રૅન્ડ પર ઘસરકો પડે એ પોસાય નહીં. હરીફો એનો ગેરલાભ લે એ જુદું. તપાસ આકારને સોંપાઈ મતલબ જુવાન ઇન્સ્પેક્ટર કાબેલ પણ હોવો જોઈએ. સવાલ એ છે કે દોષ ખરાબ સ્પેરપાર્ટનો નથી તો આગ લાગી કેમ? ક્યાંક પોતાનું નામ બચાવવા બસ બનાવતી કંપની કોઈ નિર્દોષને બલિનો બકરો બનાવે

એમાં આ ઇન્સ્પેક્ટર મારો યુઝ ન કરી જાય!

છેલ્લા વિચારે આંચલ ટટ્ટાર થઈ.

‘પાછલા પખવાડિયાથી મેં તપાસ આદરી છે. ડ્રાઇવર રામસિંહને મળ્યો, ગૅરેજમાં મેકૅનિક પાસે કસ્ટમર બની વાત કઢાવી, રેકૉર્ડ તપાસ્યા એમાં એટલું તો ઠેરવાયું કે સ્વયંભૂપણે એન્જિનનું ફાટવું મુશ્કેલ છે અને એવું ન હોવાનો મતલબ એ કે... ’ આકારે ધીરેથી ઉમેર્યું, ‘કોઈએ જાણીને બસમાં બ્લાસ્ટ કર્યો‍.’

હેં!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK